સત્યની શોધમાં/૧૪. ધર્મપાલજી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૪. ધર્મપાલજી

રાત્રિના ત્રણચાર બજ્યે જ્યારે શામળ ઉઘાડા આકાશની નીચે આવી ઊભો રહ્યો, ત્યારે એના અંત:કરણમાં શાંતિ અને મુક્તિનાં ચોઘડિયાં ગુંજતાં હતાં. દસ વર્ષની એ છોકરીના મોંના વીણા-સ્વરો હજુ શમ્યા નહોતા. એ ચકિત બનીને પોતાનું નિરીક્ષણ કરતો હતો. એ મનમાં મનમાં કોઈને પૂછતો હતો કે સાચે જ શું હું હવે ચોરભાઈ નથી? હું શું બબલાદાદાનો ભાઈબંધ ઉઠાઉગીર મટીને આટલા ટૂંકા સમયમાં જ સજ્જન બની ગયો? બાકીની રાત એણે રસ્તા પર ટહેલ્યા જ કર્યું. બબલાની પાસે એને પાછા જવું નહોતું. કેમ કે એને બબલાનાં મહેણાંટોણાંનો તેમ જ એની સચોટ દલીલોનો ડર હતો. બીક હતી કે બબલો ફરી પાછો એને પિગાળી નાખશે. બીજી બાજુ નિર્દોષ નાની વીણાને આપેલ વચન પણ પાળવું જ જોઈએ. એણે રસ્તેથી એક કોલસો ઉપાડી દાંત ઘસ્યા, ટાંકીને નળે મોં ધોયું. થાકીને લોથપોથ થયેલો તોયે આનંદભર્યો એ પ્રભાતે આઠ વાગ્યે પંડિત ધર્મપાલજીના બાગવીંટ્યા નાજુક બંગલા પર આવી ઊભો રહ્યો. બંગલાની રચનામાં જ એણે તમામ ભિન્ન ભિન્ન ધર્મો અને પંથોનાં ચિહ્નો ગોઠવાયેલાં દીઠાં. મંદિરનો કળશ, મસ્જિદનો મિનારો, ખ્રિસ્તી દેવળનો ક્રૉસ વગેરે એ બાંધણીના વિભાગો હતા. ઉપર ફરકતી ધજામાં લીલા, શ્વેત, લાલ, ભગવા ઇત્યાદિ તમામ પંથોનું પ્રતિનિધિત્વ કરતા રંગો હતા. દ્વાર ખખડાવ્યું, ઊઘડ્યું. બેઠકના ખંડમાં એને દાખલ કરીને બેસાડવામાં આવ્યો. તુરત જ એક મુખ ડોકાયું: દસ વર્ષની વીણાનું જ – પોતાની ઉદ્ધારિણી નાની કન્યાનું જ – એ મોં હતું. દોડતી કૂદતી વીણા પાછી અંદર ગઈ, ત્યાંથી એના બોલ સંભળાયા: “એ જ – બાપાજી! હું કહેતી હતીને, તે મારા ચોરભાઈ જ આવેલ છે. તમે જલદી એમની કને ચાલોને, બાપાજી!” શામળની દૃષ્ટિ રાત કરતાં અત્યારે વધુ સ્વસ્થતાથી દીવાલો પર ફરવા લાગી. પંડિત ધર્મપાલના ઘરની મૂગી ભીંતો પણ સકલ ધર્મોના સંપના જ બોલ બોલતી હતી. કૃષ્ણ, શિવ અને ઈસુની તસવીરો લટકતી હતી. ધર્મે-ધર્મના આદ્યપુરુષોની વાણીમાંથી ચૂંટેલાં સૂત્રો શોભતાં હતાં. ઓરડામાંથી ધૂપની ફોરમ ચૂતી હતી. આગળ છલંગો મારતી વીણા ને પાછળ પંડિત ધર્મપાલ ચાલ્યાં આવે છે. એ ગૌર ગૌર અને ચળકતો કદાવર દેહ ચાખડીઓ ઉપર ચડેલો હોવાથી વિશેષ ભવ્ય ભાસે છે. જાણે ચાંદનીમાં ધોયું હોય તેવું સ્વચ્છ શ્વેત ધોતિયું અને બદન પર કફની આકારનો રેશમી લાંબો ઝભ્ભો ઝોલાં ખાય છે. કંઠમાં લટકતું એક સોનાનું ચકતું પણ સમગ્ર પંથોનાં ચિહ્નોથી અંકિત છે. કેળવી કેળવીને કુમાશદાર કરેલો એમનો સ્વર છે, આંખોનાં પોપચાં જાણે ચિંતનને ભારે ઢળી ગયાં છે, લાંબા કેશમાંથી કોઈ સાત્ત્વિક તેલની ખુશબો પમરે છે, દાઢી પણ ઓળેલી – જાણે કોઈ પ્રવાહી-શી છે. “એ જ મારા ચોરભાઈ, બાપાજી!” વીણા એક વધુ વાર બોલી. એના મોં પર કોઈ સ્વજન-મિલાપનું સુખ નાચી રહ્યું. “જે જે, સાહેબ!” શામળ ઊઠીને નમ્યો. “જય જય, ભાઈ! તમે પોતે જ ગઈ રાતે આંહીં પેઠેલા?” “જી હા.” “ભારી વિચિત્ર! બેસો, બેસો.” “આપ એમ ન ધારશો, સાહેબ!—” શામળ ઉતાવળે બોલી ઊઠ્યો, “કે હું ભિક્ષા માગવા અથવા ફાળો કરવા આવ્યો છું, મને તો આ નાની બહેને આવવા કહ્યું તેથી આવ્યો છું.” “કશી ફિકર નહીં, ભલે આવ્યા તમે. વીણાએ કહેલી વાત જો સાચી હોય તો તમને હું બહુ જ ખુશ થઈને મદદ કરીશ.” “આપની મહેરબાની.” “તો, તમે સાચે જ શું મારું ઘર ફાડીને પેઠેલા ગઈ રાતે? ખેર, કંઈ નહીં તેનું. પણ આ તો તમે જીવનમાં પહેલી જ વાર કરેલું ને?” પંડિત ધર્મપાલ દાઢી પસવારતા બોલ્યા. “જી, પહેલવહેલું જ.” “પણ તમને આ છંદે ચડાવ્યા કોણે?” “મારી જોડે એક બીજા ભાઈ હતા. એનું નામઠામ તો મારાથી ન જ કહેવાય તે આપ સમજી શકો છો.” “ઓહો! એણે આ ચાળે ચડાવેલ તમને? અગાઉ કદી તમે ચોરી કરી જ નથી!” “નહીં – કદી નહીં.” શામળના મોં પર રોષની લાલિમા ઊપડી. “પણ આ વખતે તમે કેમ એ કર્યું? તમને કોઈએ ચોરીનું કૃત્ય શીખવ્યું છે?” “જી હા. પણ એ મને કોઈએ સીધેસીધું નથી શીખવ્યું. ચોરીને ચાળે ચડવું એ કંઈ આપ ધારો છો તેટલું સહેલ નથી. એ તત્ત્વજ્ઞાન તો મેં પ્રો. ચંદ્રશેખરજી કનેથી—” “પ્રો. ચંદ્રશેખર! તમે એમને મળ્યા છો?” “જી હા.” “પણ એને ને આ ચોરીને શું?” “એમ કેમ કહો છો, સાહેબ? એમણે મને ઠસાવ્યું કે લાયક અને સમર્થ હોય તે જ જીવી શકે; અને કહે કે શામળ, તું અશક્ત ને પરાજિત છે તેથી ભૂખે મરે છે. પછી હું દિત્તુભાઈ શેઠને મળ્યો—” “ઓહો! દિત્તુભાઈને?” પં. ધર્મપાલની આંખોમાં અચંબાના ચમકારા થઈ રહ્યા. “હા જી. પ્રોફેસરસાહેબે મને કહેલું કે દિત્તુભાઈ દુનિયાના એક લાયક, વિજયી અને ભાગ્યશાળી પુરુષ ગણાય. પણ મેં તો જોયું કે એ દારૂ પીએ છે, બીજાં ઘણાંયે દુષ્ટ કૃત્યો કરે છે. એટલે મને થયું કે તો પછી મારે શીદ ભૂખે મરવું? મારે વળી શીદ નીતિ-અનીતિનો વિચાર કરવો? મારે પણ સામી બાંયો ચડાવીને જગતના સંગ્રામમાં ટક્કર લેવી, ને બની શકે તો જીવવું. પછી મને ભેટી ગયા પેલા ભાઈ બ... એક મવાલી. એણે મને ઉઠાઉગીર થવાનો કસબ બતાવ્યો.” “છોકરા!” પંડિતજીને આ બધી વાક્પટુતા લાગી, “તું મારી હાંસી કરે છે કે?” “હાંસી?” શામળનું મોં ફાટ્યું રહ્યું, “આને આપ હાંસી કહો છો, મહેરબાન?” એ ધાર્મિક પુરુષને ફરી પાછી આ યુવાનની ગંભીરતા કળાઈ આવી. એણે શામળની આખી જીવનકથા પૂછી કાઢી. અને પ્રો. ચંદ્રશેખર સાથેના મેળાપની વાત તો એને એટલી અસહ્ય લાગી કે એનું દિલ કકળી ઊઠ્યું: “ઓહોહોહો, ભાઈ શામળ! આટલી ભયાનક વાત તો મેં આજે જ સાંભળી.” “શા પરથી એને આપ ભયંકર કહો છો, સાહેબ?” શામળને નવો અચંબો જન્મ્યો, “એમાં શું ખોટું છે? જીવનના સંગ્રામમાં તો જે બુદ્ધિનો બળિયો ને શક્તિનો ચડિયાતો હોય તે જ ટકી રહે; બીજાએ ચગદાવું જ રહ્યું.” “ઓ પ્રભુ!” પંડિત ધર્મપાલને આઘાત થયો, “અત્યારની કૉલેજોમાં આવું અધાર્મિક અને જડવાદી જ ભણતર ભણાવાઈ રહ્યું છે? આને એ લોકો વિજ્ઞાન કહે છે, આને આધુનિક સંસ્કૃતિ કહે છે!” અકળાયેલા ધર્મપુરુષ ઊભા થઈને ટહેલતા ટહેલતા બોલવા લાગ્યા: “ભાઈ શામળ, હું હંમેશાં મારાં વ્યાખ્યાનોમાં કહેતો આવ્યો છું કે આવા ભણતરને પરિણામે જ નીતિનો નાશ થવાનો. એ આજ મેં સાક્ષાત્ દેખ્યું. એ હર્બર્ટ સ્પેન્સર જેવાનાં ઝેર પાઈને તારા જેવા એક નીતિવંત બાળકનું સત્યાનાશ કાઢી નાખત.” “ત્યારે એ હર્બર્ટ સ્પેન્સર અને માલ્થસ વગેરે મહાપુરુષોનું કહેવું શું ખોટું છે?” શામળ જાણે ગૂંગળાતો હતો. “અરે બંધુ!” ધર્મપાલજી બોલ્યા, “હર્બર્ટ સ્પેન્સર સાચો? કે આપણા કૃષ્ણ, મહાવીર, ગૌતમ બુદ્ધ, શંકર અને સહજાનંદ સાચા? જીવન શું સંગ્રામ છે? જીવનમાં શું બીજાને મારીને પોતે જીવવાનું છે? કે પોતાનું બલિદાન દઈને બીજાને બચાવવાનું છે? પોતાના સ્વાર્થ ખાતર પાપાચાર કરવાનો છે કે દુ:ખોની છૂપી બરદાસ્ત કરવાની છે? ઓ શામળ, તારાં માતાપિતાએ તને કાલ રાતે જોયો હોત તો તેઓ તને શું કહેત? એને હૈયે કેવા શૂળા પરોવાત?” “ઓહ! ઓહ પ્રભુ!” શામળને એ બાણ છાતીસોંસરું ગયું. “ભાઈ મારા! આપણી ફરજ તો મરીને પણ જગત પર ધર્મને જીવતો રાખવાની છે. આપણે તો સ્વાર્પણ કરવાનું છે; સહુ પર પ્રેમ રાખીને સેવા કરવાની છે. અરે! ‘બળિયા હોય તે જ જીવે – બીજા ખતમ થાય!’ એ તો અવળી વિદ્યા! કોણે કહ્યું? શું કૃષ્ણ, મહાવીર, બુદ્ધ, ઈસુ વગેરેએ પરને લૂંટીને પોતાનો સ્વાર્થ સાધ્યો હતો? કાલે રાતે તારી સામે પ્રભુ આવીને ઊભા રહ્યા હોત તો તું શો જવાબ આપત?” આ નામોશીની લજ્જા શામળથી ન સહેવાઈ. એ પોતાના મોં પર બન્ને હાથ ઢાંકીને પોકારી ઊઠ્યો: “બસ, મહેરબાન! હું હવે એ બધું જ દીવા જેવું જોઈ શક્યો છું. હું પાપી બન્યો હતો!” “ખરેખર,” ધર્મપાલજીએ તક સાધી, “તેં ઘોર પાપ આચર્યું છે, શામળ!” એણે શામળની આંખોમાંથી આંસુની ધારા વહેતી દેખી. બોલ્યા: “પણ ભાઈ, તારો એ દોષ નહોતો; તને તો કોઈએ દોર્યો હતો.” “ના જી ના, મારું અંત:કરણ જ મેલું હોવું જોઈએ. નહીં તો હું કેમ દોરવાઈ જાત? પણ હું પ્રથમથી જ લાલચમાં લપટ્યો હતો, મફત ગાડીમાં બેઠો હતો; તે પછી પાપમાં પડ્યે જ ગયો.” “ખેર! હવે એ ગઈગુજરી થઈ. હવે તું એ પાપના પંથમાંથી બહાર નીકળી ગયો છે.” ધર્મપાલજીના એ શબ્દોમાં પોતાની વિજયપતાકાના ફફડાટ હતા. “સાચે જ શું મારો ઉદ્ધાર થઈ શકશે, સાહેબ? હું આ પાપને કેમ કરીને ભૂલી શકીશ?” “જિંદગીની એવી થોડીક વાતોને આપણે મરણ પર્યંત ન ભૂલીએ એ જ સારું છે. પરિતાપનો ડંખ તો છોને છેલ્લી ઘડી સુધી ચાલુ રહેતો, ભાઈ!” “પણ હવે તો મારે એકડે એકથી શરૂ કરવું રહ્યું. ફરી વાર પાછો હું ભૂખમરાને પગથિયે જ પ્રયાણ કરીશ.” “ના ભાઈ! ભૂખે દેહ પાડવો એ મનુષ્યનું કામ નહીં. તું મને તારા પ્રતિ ઉપયોગી થવા દે. હું તને કામ શોધી આપીશ.” “એ આપનો ઉપકાર. પણ મને એકલાને જ એ લાભ શા માટે? મારા જેવાં બીજાં હજારોનું શું? આ પશ્ચાત્તાપનો ગેરલાભ ઉઠાવી હું આપની મદદ પામું, તો તે શું સ્વાર્થ નથી?” “શું કરીએ, બેટા? આપણે બધાનો બોજો કેમ કરી ઉઠાવીએ? હું તો મારા ગજા મુજબ પરકલ્યાણ કરી શકું. તારો ને મારો યોગ થયો તો તને સહાય કરી શકું છું. ને કોને ખબર છે, તું મારી કને હોઈશ તો મને તું પણ મદદગાર થઈ શકીશ. ઓહોહો! ધર્મક્ષેત્ર બહોળું છે. એની લણણી સારુ મનુષ્યો કમતી છે. એટલું બધું કાર્ય મારા માનવસેવા સંઘમાં પડ્યું છે કે તું હજાર રીતે મને એ માનવ-હિતમાં સહાય કરી શકે.” “ઓહો! આપ એ રીતે વિચારો છો?” “હા જ તો. તેં જ્યોતનાં દર્શન કર્યાં છે. નવું જીવન જીવવાનો તને અભિલાષ છે. માટે આંહીં જ રહે. આ લક્ષ્મીનગર જેટલી લોકસેવાના દીક્ષિતોની જરૂર તો બીજે ક્યાં હોઈ શકે?” નાની વીણા, જે અત્યાર સુધી આ વાર્તાલાપનું અમૃતપાન કરતી ચૂપ બેઠી હતી, તે ઊઠી, શામળની કને આવી, એના હાથમાં પોતાનો હાથ મૂકીને બોલી: “જરૂર જરૂર. તમે આંહીં રહો!” “તો ભલે, હું રહીશ.” “તારે સારુ કશીક જગ્યા કરવા હું લીલુભાઈ શેઠને કહીશ.” “ઓહો લીલુભાઈ શેઠ! એ તો વિનોદિનીબહેનના બાપા કે?” “હા. તું વિનોદબહેનને ઓળખે છે?” “હા. બે વાર મળ્યો છું.” “એ ને એના બાપા અમારા દરિદ્ર-ઉદ્ધાર-સંઘના ને વિશ્વબંધુત્વ-સમાજના સભાસદો છે.” “દરિદ્ર-ઉદ્ધાર-સંઘ શું આપ ચલાવો છો?” “હા, હું એનો મંત્રી છું. ઓ પેલી ભુવનેશ્વરની હિલ પર અમારા સંઘનું સભાગૃહ રહ્યું. અમારા ‘વિશ્વબંધુત્વ-સમાજ’ની સંસ્થા તો દેશવ્યાપી છે. એની બસો શાખાઓ છે. તમામ ધર્મોની એકસંપી માટે અમે મથીએ છીએ. નવી બાંધણીનાં એવાં પ્રાર્થનામંદિરો ઊભાં કરીએ છીએ કે જેમાં તમામ પંથોનાં પૂજાવિધિ થઈ શકે. અમારાં નવાં મંદિરો તેં નથી દેખ્યાં કે? આલેશાન! લાખો રૂપિયાનાં શિલ્પ, સ્થાપત્ય, કોતરકામ, પ્રતિમાઓ, લાઇટો, ધૂપો, પુષ્પો, પુસ્તકાલયો ઇત્યાદિ અમે એમાં વસાવેલ છે. અમે પહાડો પર અનેક મંદિરો ઊભાં કર્યાં છે. અમે યાત્રાના સંઘો કાઢીએ છીએ. શુદ્ધ વાતાવરણ, શુદ્ધ રજકણો, રેશમી વસ્ત્રો, સર્વ ધર્મની પ્રાર્થનાઓ, એ બધા અમારા પ્રયત્નો છે. અમારા ભુવનેશ્વર હિલ પરના પ્રાર્થનામંદિરમાં તું આવીશ?” “વિનોદિનીબહેન ત્યાં આવે છે?” “હા જ તો. લક્ષ્મીનગરના ઘણાખરા શેઠિયા અમારા જ સભ્યો છે. દર રવિવારે તેઓ ત્યાં આવે છે.” “પણ મને ગરીબને ત્યાં આવવા દેશો?” “હા. મંદિર તો નથી ગરીબનું કે નથી શ્રીમંતનું, બેટા! એ તો પ્રભુનું છે. તું આવજે.” જીવનની નવી ઝલક અનુભવતો, તપેલા લલાટ પર જાણે કે સંધ્યાની સાગર-લહરીઓના શીતળ છંટકાવ પામતો શામળ બહાર નીકળ્યો. ભુવનેશ્વર હિલને પ્રાર્થનામંદિરે એણે નામ નોંધાવ્યું. વિશ્વબંધુત્વ-સમાજનો સભ્ય નોંધાયો. એના અંત:કરણમાં કોઈક જાણે છાનુંમાનું કહેતું હતું: “વિનોદબહેન પણ ત્યાંનાં જ સભાસદ છે. ને ત્યાં દર રવિવારે જાય છે.”