સત્યની શોધમાં/૧૭. ભીમાભાઈ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૭. ભીમાભાઈ

શામળ હવે ધરતી પર નહીં, પણ અધ્ધર હવામાં ચાલી રહ્યો છે. તેજુ અને પોતે ઠેકાણે પડ્યાં; દિત્તુભાઈ શેઠના ઉદ્ધારનો પ્રશ્ન રસ્તે ચડી ગયો; એ બધા પ્રતાપ ધર્મના. પોતે વિશ્વબંધુ-સમાજની ધાર્મિક પ્રવૃત્તિમાં જોડાયો, ધર્મપાલજી જેવા કાંડું ઝાલનાર ધર્મપુરુષ સાંપડી ગયા, એટલે આ બધી સૂઝ પડી. સાચે જ ધર્મ છે તે તો મોટી વાત છે. જીવનની તમામ આંટીઘૂંટીનો ઉકેલ ધર્મ કરી આપે છે. એવી એક ધર્મસંસ્થાની – અને ધર્મના સ્તંભ સમ પુરુષની નજીક રહેવાનું મળ્યું એ મારું અહોભાગ્ય છે. એકાએક એનું ધ્યાન ખૂણા પર ‘પેસ્તનજી એદલજી ઉમરીગરની કં.’ના પાટિયા પર ગયું. એણે કહ્યું: “તેજુબહેન, પેલી દુકાને મારો દોસ્ત છે; લક્ષ્મીનગરમાં મને પહેલવહેલો અન્ન દેનારો. છે તો દારૂ વેચનાર, પણ કેટલો દયાળુ છે!” એમ વાત કરે છે ત્યાં તો એના ભેજામાં નવી ઘૂરી આવી: ભીમાભાઈ જેવા અશરાફ ભાઈબંધની કેવી એ અધોગતિ કે એને દારૂનો ધંધો કરવો પડે? એનો ઉદ્ધાર હું કેમ ન કરું? આવી સમર્થ ધર્મસંસ્થાની મારે લાગવગ બંધાઈ, તો ભીમાભાઈ જેવાને શિરેથી આ પાપનાં પોટલાં કેમ ન છોડાવું? મારી તો એ ફરજ છે. એને કોઈ નીતિનો રોટલો બંધાવી દઉં, તો એ બાપડો નરકમાં પડતો અટકશે. “તેજુબહેન!” એણે કહ્યું, “તું ઘેર જા, બાપા! મારે થોડું કામ છે. હું થોડી વારે આવી પહોંચું છું.” એમ તેજુને વળાવી, વાયુને વેગે શામળ પીઠા ઉપર પહોંચ્યો. “ભીમાભાઈ, રામરામ!” “રામરામ! ઓહો ભાઈબંધ!” પીઠાના થડા ઉપર અઢારે કલાક ખીલા જેવા પગ ખોડીને ખડા રહેનાર ભીમાભાઈએ શામળને સત્કાર દીધો. ભાઈબંધને નખશિખ નિહાળ્યો. નવી જ ચમક દેખી. દીદાર ફરી ગયા છે. હસીને પૂછ્યું: “અરે વાહ રે! આ શો દમામ?” “મને નોકરી મળી છે, ભાઈ, વિશ્વબંધુ-સમાજના પ્રાર્થનામંદિરમાં.” “હોય નહીં! સાચેસાચ તું શું સરગના વેમાનને ડાંડીએ વળગી પડ્યો?” એ કટાક્ષને ન ગણકારતાં આજુબાજુ નજર કરી, કોઈને ન જોતાં શામળે વાત ઉચ્ચારી: “ભીમાભાઈ, જરા ખાનગી વાત કરવી છે.” “ભલે, બોલો.” “મને વારેવારે આ વિચાર આવે છે: ભીમાભાઈ, તમે મારા ઉપર મોટી મહેરબાની કરી છે. તમારું દિલ અશરાફ છે. આવા ધર્મી જીવ થઈને તમે દારૂના ધંધામાં શા સારુ પડ્યા છો, ભીમાભાઈ?” ભીમાભાઈ મરક મરક થતે મોઢે શામળની સામે તાકી રહ્યા: “ઓહો, ભાઈબંધ! મને બોધ કરીને તારા વેમાનમાં ભેળો ઉપાડવાની તારી દાનત લાગે છે કે શું!” “તમારે પગે પડું છું, ભીમાભાઈ! આ મશ્કરીની વાત નથી. હું મારું જિગર ચીરીને આ વાત કહેવા આવેલ છું.” શામળ એટલી બધી કરુણાર્દ્ર આંખે જોઈ રહ્યો, કે ભીમાભાઈનું હૃદય ભીનું થયું. એ વાતમાં તો પોતાને કશો સાર ન લાગ્યો, છતાં પોતે કહ્યું: “બોલ, બોલ દોસ્ત! હું સાંભળીશ.” શામળે દારૂની સામે લાંબું ભાષણ આદર્યું: “અરે ભીમાભાઈ, વિચાર કરો, દારૂએ કેટલાનો દાટ વાળ્યો છે! એના કેફમાં ભાન ભૂલીને એક જણે સ્ત્રીહત્યાનું પાપ હજુ પાંચ દી પહેલાં જ વહોર્યું. એ મારી જાતમાહેતીની વાત છે,” વગેરે વગેરે. “સાચું, ભાઈ શામળ!” ભીમાએ જવાબ દીધો, “એટલા સારુ હું પોતે તો દારૂની છાંટ પણ લેતો નથી.” “ને છતાં બીજાને વેચો છો?” “શું તું એમ ધારે છે ભાઈબંધ, કે મને એ લેવા આવનારા ઉપર અદાવત છે?” “ત્યારે શીદ વેચો છો?” “વેચું છું, કેમ કે એ મારો ધંધો ઠર્યો. એના ઉપર મારો પેટગુજારો છે – હું તો બસ એટલું જ જાણું છું.” “આ તો નખોદિયો ધંધો!” “જેવો કહે તેવો. પણ તું જુએ છે કે એમાં નાણાંની છોળો નથી. આખો દિવસ ને પોણી રાત આંહીં ઊભા રહીને મારા પગનાં પાણી ઊતરે છે. મારા તકદીરમાં કોઈ તહેવાર કે છૂટી પણ નથી. મહિને મહિને મને રૂપરડી પંદર મળે છે. મારે બાયડી છે. ને નાનું છોકરું વધ્યું છે. હવે આ દશામાં મારે શું કરવું? કહે.” શામળની સન્મુખ એક નવી દુનિયા ઊઘડી. આજ સુધી એ માનતો કે કલાલો અને પીઠાવાળાઓ અંતરથી જ સડેલા, હરામી ને જગતના શત્રુઓ છે. એથી ઊલટું સાચે જ શું એ બાપડાઓનેય પેટગુજારા ખાતર ધંધામાં ઘસડાવું પડે છે? આટલા વિચાર માત્રથી જ શામળની સેવાભાવના પ્રજ્વલિત થઈ ઊઠી. એણે કહ્યું: “સાંભળો, ભીમાભાઈ! હું જો તમને કોઈ નીતિનો ધંધો મેળવી આપું, કે જેમાં તમને પેટ પૂરતું જડી રહે, તો તમે આ પાપનો ધંધો છોડો ખરા?” “સોગંદ ખાઉં, છોડી દઉં, ફગાવી દઉં!” “વાહ ભીમાભાઈ!” “પણ જો ભાઈ, નવો ધંધો કાયમી હોય તો જ. નીકર પછી બાયડી-છોકરાંને લિલામમાં મૂકવા નીકળવાની મારી તૈયારી હજુ નથી થઈ, ભાઈ શામળ!” “બરાબર છે. તમને હૈયે બેસે તેવો ધંધો મારે મેળવી આપવો. પછી છે કાંઈ?” “પણ ભાઈબંધ! ધંધા તે શું તારા ખીસામાં ખખડે છે?” “તેનું તમારે શું કામ છે, ભીમાભાઈ? જુઓ, હું પાકું કરીને આવું છું કે નહીં?” થોડે દિવસે શામળ ધર્મપાલજીની પાસે પહોંચ્યો. એનું નામ પડતાં જ પંડિતજીને માથામાંથી ચસકા આવવા માંડ્યા. શામળે જઈને ભીમાભાઈની આખી વાત રજૂ કરી. એની વાત કરવાની રીતથી ધર્મપાલ ચમક્યા. એક કારકુનને પણ પ્રાર્થના, ઉપદેશ, વાર્તાલાપો વગેરેમાં સરખે દરજ્જે હાજર રહેવા દેવામાં ભૂલ થઈ છે. એને ટપ ટપ બોલતાં ને વિચારતાં આવડ્યું છે; અપાત્રે વિદ્યા પડી ગઈ! “ભાઈ શામળ, આ તો હવે અવધિ થઈ. હું લક્ષ્મીનગરમાં સહુને ધંધો અપાવી ન શકું,” એ કંટાળીને બોલ્યા. “પણ પંડિતજી,” શામળ જીવ ખાવા લાગ્યો, જળોની માફક ચોંટ્યો, “આપ સમજો તો ખરા! આ માણસ પાપનો ધંધો લઈ બેઠો છે, કેમ કે એને બીજું ચોખ્ખું કામ નથી જડતું. એને શુદ્ધ જીવન જીવવાની તક નહીં આપો?” “હું એ બધું સમજું છું, શામળ!” “પણ એને તક ન આપો તો પછી એને સુધારવા મથવાનો અર્થ શો?” ધર્મપાલજીને જાણે વીંછીએ ચટકો ભર્યો, થોડી વાર કડવી ચુપકીદી રહી. પછી ધર્મપાલજીએ કહ્યું: “જો ભાઈ, તને સમજાવવાનું કામ વ્યર્થ છે. પણ તારે આટલી ગાંઠ વાળવી પડશે, કે દુનિયામાં કામધંધા વિના વલખાં મારતાં બેસુમાર માણસો છે, ને તેની સામે કમભાગ્યે કામ ઓછાં છે.” “જી હા, તે તો પ્રોફેસર ચંદ્રશેખર પણ કહેતા હતા. એ તો એ જ વાત શીખવે છે, છતાં તમે કહેલું કે એ શિક્ષણ ઝેરી છે. નહીં?” “અં... અં... અં...” ધર્મપાલજી હોઠ પલાળવા લાગ્યા. શામળનો સન્નિપાત જોર પર આવ્યો: “તો તો પછી પ્રોફેસરસાહેબના ગુરુ હર્બર્ટ સ્પેન્સરની જ વિદ્યા સાચી ઠરી ને? માણસો વધુ છે, ધંધા થોડા છે, માટે માણસોએ લડવું રહ્યું. એટલે કે જીવન એક સંગ્રામ છે, ને સ્વાર્થી હોય તે જ તેમાં ટકે છે. બાપડો ભીમોભાઈ જો પીઠાને થડે ન બેસે, તો બીજો જે પાપી બનવા તૈયાર હોય તે બેસી જાય, ભીમોભાઈ ખલાસ થાય ને પેલો ફાવી જાય. એ તો આપ જોઈ શકો છો ને?” “હા ભાઈ!” ધર્મપાલજી નાસીને ક્યાં જાય? “આપ જ કહેતા હતા કે એ હાલતમાંથી બચવાનો એક માત્ર રસ્તો બીજાને માટે જીવીને બીજાઓની સેવા કરવાનો છે. ત્યારે આ હું શું એ નથી કરી રહ્યો?” “સાચું ભાઈ, પણ આપણે શું કરી શકીએ?” “એમ કેમ કહો છો? આપ તો સમાજના ને મંદિરના છત્ર છો. આપે અનુયાયી વર્ગને આ વાત કહેવી જ જોઈએ, કે જેથી આખી સ્થિતિમાં પલટો થાય.” “પણ શો પલટો, ભાઈ?” “એ તો મને પણ સૂઝતું નથી, સાહેબ. પણ એક વાત હું સમજું છું: અમુક મનુષ્યોની કને બેસુમાર નાણાં છે. આપના અનુયાયી મંડળમાં જ શું એવા લોકો નથી, કે જેની પાસે સો વર્ષે પણ ન ખૂટે તેટલી સંપત્તિ ભરી છે?” “તે હશે, પણ તેથી શી હાનિ છે?” “હાનિ, હાનિ! – હાનિ એ કે બીજા હજારોની કને એ કારણે જ દમડીયે નથી રહી. વિચારી જુઓ – કે અત્યારે, આ ક્ષણે જ આ લક્ષ્મીનગરમાં ભૂખમરાથી મૃત્યુને શરણ થઈ રહેલ કેટલાં મનુષ્યો છે. તેઓ કામ માગે છે. તેઓને સારુ કામ નથી! આપ મારી સાથે જોવા ચાલશો? ધર્મપાલજી, લીલુભાઈ શેઠની જ મિલમાં કામ મેળવવા સારુ વલખાં મારતી છોકરીઓ છે. છતાં લીલુભાઈ શેઠ એને કામ દેતા નથી.” “એમાં તો બીજું શું થાય, ભાઈ? કાપડનો જથ્થો બહુ વધી પડ્યો છે.” “ખોટી વાત. અનેક લોકોની કને નગ્નતા ઢાંકવાને સારુય કાપડ ક્યાં છે? આ મારી બહેન તેજુના ઓઢણામાં થીગડાં તો જુઓ!—” “પણ તેઓની કને કાપડ ખરીદવાનાં નાણાં ન હોય તેમાં કોઈ શું કરે?” “હં-હં – બરાબર મેં કહ્યું તે જ આવીને ઊભું રહ્યું. તેઓ કને નાણાં નથી, કેમ કે નાણાં બધાં શ્રીમંતોને ત્યાં સંઘરાયાં છે.” કશો જવાબ મળ્યો નહીં. ધર્મપાલજીના મોં પર કંટાળો હતો, પણ શામળની દૃષ્ટિ જાડી થઈ ગઈ હતી. એણે તો અંતરની વરાળ ઠાલવવા માંડી: “શા માટે લીલુભાઈ શેઠ ગરીબોની સામે મિલોને તાળાં મારે છે? પોતાને કાપડ વધી ગયું હોય તો પછી પોતાની મિલમાં મજૂરોને સહુને પોતપોતાને સારુ કાપડ કાં ન બનાવવા આપે?” “એ તો છેક મૂર્ખાઈની જ વાત થઈ, શામળ!” “કેમ સાહેબ!” “તો તો તે લોકો વરસ આખાની પોતાની જરૂરિયાત કરતાંયે વધુ કાપડ એક દિવસમાં કાઢી નાખશે.” “તો તો વધારે સારું. વધારાનું કાપડ તેઓ બીજાં જેઓને જરૂર હશે તેને આપી શકશે – ને એ બીજા લોકો તેઓને એ કાપડની બદલીમાં બીજી ચીજો પૂરી પાડશે. મારી તેજુબહેનનો જ દાખલો લ્યો; એને કાપડ ઉપરાંત જોડાની, ઘરની, દવાની ને વધુમાં વધુ તો પેટપૂરતા અનાજની જરૂર છે. વળી આપ કહેશો કે જગતમાં સહુને સારુ પૂરા દાણા નથી; તો હું કહું છું કે એમ કેમ હોય? આ દિત્તુ શેઠના બંગલા પાછળની પડતર જમીનનો કંઈ પાર છે? આખા શહેરને પૂરું પાડે તેટલું અનાજ ત્યાં ઊગી શકે. ને છતાં અત્યારે? અત્યારે એ જમીન ઉપર શરતના ઘોડા ઉછેરાય છે – જે ઘોડા ઉપર કોઈ કદી ચડતું પણ નથી.” “પણ ભાઈ શામળ! હું – હું એમાં શું કરું?” “આપ આવું બોલો છો ત્યારે મને બહુ દુ:ખ લાગે છે, સાહેબ!” “કેમ?” “આપે કહ્યું છે કે આપણે પોતાનું બલિદાન આપીને પણ અન્યને સહાય કરવી. મેં આપના પર શ્રદ્ધા મૂકી છે. આપને પગલે હું ચાલવા તૈયાર થયો, ને હવે આપ જ મને નહીં દોરો?” આ શબ્દો ધર્મપાલજીના હૈયા સોંસરવા નીકળી ગયા. શામળનું હૃદય પણ પિસાઈ જતું હતું. “પંડિતજી”, એના મોંમાંથી ચીસ નીકળી ગઈ, “આપ ધર્મપાલ થઈને, ગાયોના ગોવાળને સ્થાને હોવા છતાં, આ બાબત પર કેમ ચૂપ બેસી શકો? ગરીબ ગાયો ભૂખે મરતી હોય ત્યારે આખલા લીલા ચરિયાણની મોજ ઉડાવે, એ દીઠા છતાંય ગોવાળ ચૂપ રહી શકે કે?” “ભાઈ શામળ!” હાથ મસળતાં પંડિત બોલ્યા, “તારી વાત ખરી છે. આવતા રવિવારે હું આ બેકારીના પ્રશ્ન પર જ વ્યાખ્યાન રાખીશ.” “વાહ! હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું, પંડિતજી!” શામળની આંખોમાંથી આંસુની ધાર નીકળી ગઈ.