સત્યની શોધમાં/૨૦. જ્વાળામુખી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૨૦. જ્વાળામુખી

“કહો એને, કે હું જમું છું. બેસારો બેઠકમાં.” જમીને ધર્મપાલજી બેઠકમાં ગયા. મોં પર વેદના લઈને શામળ બેઠો હતો. ધર્મપાલે પૂછ્યું: “કેમ, વળી આજે શું છે?” “ઓહ, ધર્મપાલજી! આજે તો મને ભયાનક સત્ય જડ્યું છે. મને ખબર નથી પડતી કે કયા સ્વરૂપે હું તમારી કને એ વાત કરું. મારા ઉત્સાહના વેગમાં ને વેગમાં હું આજે એક પાપી માણસને પિગાળીને આપણા સમાજમાં ભેળવવા ગયો હતો; ત્યાં તો સાહેબ, એણે મારી હાંસી કરી; એટલું જ નહીં પણ આપણી ધર્મસંસ્થાને પણ ઠેકડીએ ઉડાવી. કહે કે તારા વિશ્વબંધુસમાજમાં કંઈક મહાપાપીઓ પડ્યા છે. એણે તો નામઠામ પણ આપ્યાં. આવું હોય એની આપને જાણ છે? જાણ હોય તો આપ આપણા પવિત્ર ધર્મસમાજમાં એ સડાને ચાલવા જ કેમ દો!” ધર્મપાલના મોં પર ભયની લાગણી પથરાઈ ગઈ હતી. એણે મૃદુ કંઠે કહ્યું: “ભાઈ! બાપુ! જગતમાં અનેક પાપીઓ ને દુર્જનો પડ્યા છે. હું શી રીતે એ તમામને જાણી શકું?” “પણ – પણ ગુરુજી! આ તો જગતમાં નહીં, આપણા તીર્થધામરૂપ સમાજમાં જ પાપીઓ છુપાયા છે. આપે એની તપાસ કરીને એને કાઢવા તો પડશે ને?” ધર્મપાલજીએ ઊઠીને પાસેના ઓરડા તરફનું જે દ્વાર હતું તેને બંધ કર્યું. પછી પોતાની ખુરશી શામળની નજીક ઘસડીને ધીરેથી પૂછ્યું: “કોની વાત કરે છે તું? કહે હવે.” “ખુદ લીલુભાઈ શેઠની.” “લીલુભાઈ!” “જી હા.” “એણે શું કર્યું છે?” “ભયંકર પાપ આચર્યું છે. ઓહોહો ધર્મપાલજી, એણે બાળમજૂરી-પ્રતિબંધક ખરડાને તોડાવી પાડ્યો. આપને તો સાચે જ એ ઘોર પાપની ખબર નહીં હોય.” “અરે વાહ, મને ખબર છે કે લીલુભાઈ એ ખરડાના કટ્ટર વિરોધી હતા, ને એણે એ વિરોધ ઉઘાડે છોગ કરેલો. પ્રામાણિકપણે પોતાની જે માન્યતાઓ હોય, એ મુજબ આચરવાનો હક તો જેમ સહુને છે તેમ તેનેય છે, કેમ નહીં?” “નહીં નહીં, સાહેબ, લીલુભાઈ શેઠે તો રુશવતો આપીને ખાસ પ્રતિનિધિ ચૂંટાવી અને છેક નવીનાબાદની વડી ધારાસભામાં આ ખરડાનું નિકંદન કાઢવા મોકલેલો.” “વારુ! એમાં શું! લીલુભાઈને તો રાજકારણમાં રસ છે; ને એમાં એ પોતાની લાગવગ પાથરે તે તો દેખીતું છે. એમાં દોષ શો? રાજકારણનું ક્ષેત્ર જ એવું છે, ભાઈ! એમાં લીલુભાઈનો શો દોષ?” “પણ ધર્મપાલજી, ચૌદ વરસની નીચેનાં છોકરાંને મિલોમાં લેવાં – અને એનો પ્રતિબંધ કરનાર કાયદો તોડાવી પાડવો – એ શું પ્રામાણિક માન્યતાની જ વાત થઈ? એ શું ઘોર પાપ નહોતું? આપ મારી તેજુબહેનનો તો વિચાર કરો!” “તેજુને તો ભાઈ, આપણે ખુદ લીલુભાઈના જ ઘરમાં સુખની નોકરી અપાવી છે ને!” “પણ તેથી શું? તેજુ જેવાં હજારો બાળકોનું શું? એ ચૌદ વર્ષની નીચેનાં કુમળાં છોકરાંને મિલો કેવી રીતે ભરખી રહી છે એનો તો ખ્યાલ કરો! ને લીલુભાઈ પેટ પૂરતી મજૂરી પણ શું આપે છે એ બચ્ચાંને? એવો કરોડપતિ ધારે તો છોકરાંને સહાય ન કરી શકે?” “આ બધો તો, ભાઈ શામળ, ત્રાસ—” ત્યાં તો શામળે ધર્મપાલજીના મોં પર કંટાળાના રંગો દીઠા, એટલે પોતે એકદમ જીભ ચલાવી: “આ તો હજુ પાશેરામાં પહેલી પૂણી છે, સાહેબ! હજુ સાંભળો તો ખરા! આપણા હરિવલ્લભ દેસાઈનાં પાપ વર્ણવું.” “દેસાઈસાહેબનાં?” “જી હા, હરિવલ્લભદાસ દેસાઈ, આપણા સમાજના બીજા પેટ્રન.” “શામળજી!” ધર્મપાલજીએ ભવાં ચડાવીને મૂઠી ઉગામી, “હવે તમે હદ ઓળંગી રહેલ છો. મને લાગે છે કે તમે સંભાળથી જીભ ચલાવો. તમને આટલા આટલા લાભો કરી આપ્યા, તેનો આ બદલો?” “અરે પણ સાહેબ, એ વાતને ને આને સંબંધ શો છે?” “સંબંધ બધો જ છે. તમારે તમારો દરજ્જો ને તમારું સ્થાન નથી ભૂલવું જોઈતું. તમે એક બાળબુદ્ધિ, એક નીચલા, તાબેદાર દરજ્જાના નોકર મારી કને આવીને ખુદ સમાજના પેટ્રનો સામેના આવા ગામગપાટા ગાવા બેસો છો, એ નહીં ચાલે.” “મારો તાબેદાર દરજ્જો!” શામળે પડઘો દીધો, “પણ મારા દરજ્જાને ને આ વાતને શી નિસ્બત છે?” “બધી જ નિસ્બત છે.” “પણ સાહેબ, આપ સમજ્યા નહીં. હું આ મારે માટે નથી કરી રહ્યો. હું તો સમાજને બચાવવા માગું છું.” “શું! શું! સમાજને બચાવવા—” “ત્યારે બીજું શું? જુઓને હું એક માણસને સમાજની દીક્ષા આપવા ગયો. ત્યાં તો એણે સમાજની હાંસી કરી, ને કહ્યું કે હરિવલ્લભ દેસાઈ જેવા પાપીઓ જે સમાજમાં પડ્યા છે, તેમાં આવીને હું શું કરું? એ બધા તો નાણાં પાથરીને પોતાનાં પાપ ઢાંકે છે. આવું કહ્યું, સાહેબ! ને મારા દિલમાં ચીરા પડ્યા.” “એટલે? દેસાઈસાહેબે એવું શું પાપ કર્યું છે?” “એણે એના હિતવાળી એક કંપનીને કસ અપાવવા સારુ થઈને શહેર સુધરાઈના કાઉન્સિલરોનાં ખીસાં ભરી દઈ એક સસ્તે દરે નળો આપવા તૈયાર થયેલી કંપની વિરુદ્ધ મતો અપાવ્યા, ને એ રીતે અનેક કંગાલોના મોંમાં જતા પાણીમાંથી ધન ખેંચવાનું પાપ આચર્યું. ગરીબોના પાણીમાંથી પણ લોહીનો કોગળો ભર્યો એણે.” ધર્મપાલજી ખડા થઈ ગયા; હોઠ ભીડી, મોંમાંથી વરાળો કાઢતા ટહેલવા લાગ્યા. શામળ જોઈ રહ્યો, પછી બોલ્યો: “ખરે જ આપને આ ખબર નહીં હોય. કૃપા કરીને કહો મને, આ વાતની જાણ હતી આપને, હેં પંડિતજી?” “શામળજી!” ધર્મપાલે પાછા ફરીને દૃષ્ટિ નોંધી, “તું આ કોની ચુગલી કરી રહ્યો છે ખબર છે? હરિવલ્લભ દેસાઈજી મારી પત્નીના સગા ભાઈ થાય છે. હવે તું અટકીશ?” “આપના સાળા! સગા સાળા!” શામળ બાઘો બની રહ્યો. “હા, હા, મારી પત્નીના એકના એક ભાઈ. હવે તને કંઈ ભાન આવે છે, કે તું મને કઈ સ્થિતિમાં મૂકી રહેલ છે?” “ખરેખર, આ તો ભયંકર સ્થિતિ. પરંતુ આ બધું આપ નહીં જ જાણતા હો, ખરું? મને એક વાર કહો, કે આપ આ બધું નહોતા જાણતા.” “ના, ના, નહોતો જાણતો, ને હજુય નથી જાણતો. અફવાઓ સાંભળી હતી, પણ શું મારે હરિવલ્લભ દેસાઈ સાહેબ જેવા પુરુષ સામેનાં જે આવે તે ગપ્પાં માની લેવાં કે?” “પણ આ તો બધાં જ જાણે છે.” “કોણ બધાં? તને કોણે કહ્યું? કહેનારે શી રીતે જાણ્યું? કહેનાર પોતે કેવો શખ્સ છે? શું એ ખાનદાન માણસ છે કે?” “જી, ના. ખાનદાન તો નથી જ.” “ત્યારે પછી? એ શું લોકસેવાનો દીક્ષિત છે કે? શું એ કદી જૂઠું બોલતો નથી કે? એના બોલવા પર તને હંમેશાં ઇતબાર છે કે? કાલે તો એ કહેશે કે ધર્મપાલ રુશવતખોર અને બદમાશ છે, તો તું માની લઈશ કે?” શામળ વિમાસી રહ્યો. એણે કબૂલ કર્યું: “ધર્મપાલજી! મારી ઉતાવળ થઈ છે. મારે આપની પાસે પૂરી ચોકસી કરીને પછી જ આવવું જોઈતું હતું. હું જઈને ઊંડી તપાસ કરીશ. જો સત્યના પુરાવા મળશે તો આપની પાસે હાજર કરીશ, ને જો બધું જૂઠાણું જ માલૂમ પડશે તો હું મારું મોં કાળું કરીને ચાલ્યો જઈશ; ફરી કદી આપને સતાવવા નહીં આવું.” શામળની આ દિલગીરીભરી નમ્રતાની અંદરથી પણ નિશ્ચયનો એક અવાજ ઊઠ્યો, ને ધર્મપાલજીએ એ સ્પષ્ટ સાંભળ્યો. એમનો ફફડાટ ઊલટાનો વધ્યો. એમણે શામળને પંપાળ્યો: “પણ ભાઈ શામળ! તારે આ બધી વાતોમાં માથું મારવાની જ શી જરૂર છે?” “આમાં માથું મારવાનો પ્રશ્ન ક્યાં છે, સાહેબ? સત્યને તો શોધવું જ રહ્યું ને? જો આ બધા આક્ષેપો સાચા નીકળશે તો આપ એ અપરાધીઓને સમાજમાં ચાલુ રાખશો તેમ તો નથી ને?” “શામળ!” પંડિતજીએ ગંભીરતાથી કહ્યું, “આવી ભયાનક વાત જો સાચી ઠરે તો મારે શું કરવું જોઈશે તે તો હું પણ અત્યારથી નથી કહી શકતો.” “ચિંતા નહીં, આપણી પહેલી ફરજ તો ચુપચાપ સત્યને શોધવાની છે. આપની વાત ખરી છે. હમણાં મારે બીજું કશું જ ન બોલવું જોઈએ.” એ ત્યાંથી નીકળી પડ્યો. સીધો પહોંચ્યો પીઠા ઉપર ભાઈબંધ ભીમાભાઈની પાસે. “કાં ભાઈબંધ!” એનું એ ખડા પગનું આસન વાળીને અવિરામ ઊભેલા ને હસમુખા ભીમાભાઈએ પૂછ્યું: “મારે માટે નોકરીધંધાનું શું કર્યું? તૈયાર જ હશે!” “ધર્મપાલજીએ કહ્યું છે કે તપાસ કરશે. પણ ભીમાભાઈ, આજે તો હું બહુ જ આકરા કામે આવેલ છું.” ઘરાકોને દારૂની પ્યાલીઓ દઈ, રવાના કરીને પછી ભીમાભાઈ બોલ્યા: “શું છે વળી?” “ભીમાભાઈ, હરિવલ્લભ દેસાઈને તમે ઓળખો છો?” “મારા ઘરાક નથી, પણ દીઠ્યે ઓળખું.” “એમણે સુધરાઈમાં સસ્તા પાણીની યોજના તોડાવી પાડી હતી; એ ખરી વાત?” “હી-હી-હી-હી!” ભીમો બિહામણું હાસ્ય કરી ઊઠ્યો, “ખોટી હોય તો મારું માથું કાપી આપું.” “એણે મેમ્બરોના મત રુશવત આપીને વિરુદ્ધ દેવરાવ્યા હતા, એ વાત સાચી?” ભીમો ફરીને હસી પડ્યો: “આખું ગામ જાણે છે, મૂરખા! પણ એમાં તું આટલો આકળો બેબાકળો કેમ બની ગયો છે?” “કોઈ પાકો પુરાવો?” “હં-હં! મારા પેસ્તનજી શેઠનાં જ ખીસાં સાક્ષી, એમાં જ એ થેલી પડી હતી. પણ તને આ વાતનું વાયુ કેમ ઊપડ્યું છે?” શામળે પોતાના સમાજની વાત કરી: “ભીમાભાઈ, પેસ્તનજી શેઠ મને મુખોમુખ કહેશે?” “ઊભો રહે, શેઠ હમણાં જ આવેલ છે. હું તને રૂબરૂ કરાવી દઉં.” ભીમાભાઈ શામળને પેસ્તનજી દારૂવાળાની સન્મુખ લઈ ગયા. બેઠી દડીના, ટમેટા જેવા લાલચોળ બદનના અને સલૂકાઈભર્યા એ ભલા પારસીને દેખી પીઠાના માલિક વિશેની દૈત્ય સમી કલ્પના શામળના મનમાંથી ઊડી ગઈ. ભીમાભાઈએ શામળને કશું જ બોલવા દીધા વિના, પોતે જ ચતુરાઈભર્યા પ્રશ્નો શરૂ કરી ધીરે ધીરે આખી રહસ્યકથા કઢાવી. “શેઠ, આ છોકરો લખમીનંદન શેઠને ઘેર નોકર છે.” “વારુ! ઘની મઝેની વાત, પોરિયા!” “પણ શેઠ, આ પોરિયો કહે છે કે ત્યાં લખમીનંદનના ભાગીદાર હરિવલ્લભ દેસાઈ ખરાને, તે એવું બોલ્યા કરે છે કે તમે બધા મેમ્બરોએ એની કનેથી પૈસા કઢાવવા સારુ જ પેલી હરીફ કંપનીને ઊભી કરી, ખોટેખોટું સસ્તા દરનું ફારમ ભરાવેલું એ સાચી વાત?” “સાલ્લો જૂઠડો!” પારસી ડોસાએ દાઝ કાઢી, “એણે જ અમને સામેથી આવીને લાલચ દીધી હતી. અમે બેવકૂફ બનિયા, નહીંતર અર્ધા દરે પાની આપનારી કંપની સાચેસાચ તૈયાર થઈ’તી. દર મહિને એ સાલ્લા હરિવલ્લભની કંપનીને પાનીનું બિલ ભરું છેઉં, ને મારો તો દમ ઊંચો ચઢી જાય છે.” “પણ શેઠ, હરિવલ્લભ તો બોલતો’તો કે એને સાઠ હજાર રૂપિયા વેરવા પડ્યા.” “ખોદાને માલૂમ, બીજાને સું મલ્યું તે હું ના જાનું. હું તો એટલું જાનું કે અમારા માંહેલા દસ મેમ્બરોને બબ્બે હજાર ચાંપ્યા’તા એ સાલ્લે!” શામળ પોતાની તમામ દાઝને સખ્ત મૂઠી ભીડવામાં ઠલવતો દિગ્મૂઢ બેસી રહ્યો. પારસી શેઠે પોતાની મેળે જ ચાલુ રાખ્યું: “સાલ્લાને સુધરાઈ સાથેના નવા કંટ્રાક્ટમાંથી દર મહિને પાનીના દસ હજાર નફામાં રે’ છે. ને અમારા હરામના બે હજાર તો એક અઠવાડિયામાં સફા થઈ ગિયા. ચૂંટનીમાં આવવાનું મુને ચાર હજારનું ખરચ થિયું. વોટરોને મફત દારૂ પાવો પડિયો, તે બધો તો ચાંલ્લામાં.” “પણ તમે એવું શા માટે કર્યું?” શામળે પૂછ્યું. “પોરિયા, ફરી કદી હું એવું ના કરવાનો. મને સાન આવી ગઈ છે. ફરીથી જો એ સાલ્લો એનું ડર્ટી કામ કઢાવવા આવે તો હું જૂતો લગાઉં!” પછી તો રંગે ચઢેલા પેસ્તનજી શેઠે લક્ષ્મીનગરના જાહેર જીવનના તેમ જ રાજવહીવટના અનેક પરદા ચીર્યા. વાતનો સાર એક જ હતો: કરવેરાના દાવપેચથી અનેક પ્રકારે લૂંટાતા પ્રજાજનો જાગ્યા હતા, પોતાના મતાધિકારો સમજતા થયા હતા. જૂના પેધેલાઓ સામે બળવો ઉઠાવી, પ્રચંડ સંખ્યામાં મત આપવા પોલિંગ-સ્ટેશનો પર ઊમટતા હતા, નવા મેમ્બરોને સોગંદ લેવરાવી પ્રજાહિતનાં કાર્યો માટે ચૂંટતા હતા, ને પછી એ જ નવાઓને મોટી માતબર પેઢીઓ ને કંપનીઓ પોતાના સ્વાર્થ સારુ ખરીદી લેતી હતી. “અરે, તારો પેલો કરમાલી ખોજો, તારા સમાજમાં દાખલ થિયો છે ને પોરિયા! હરેક દિતવારે ધર્માદાની પેટી તિયાં ફેરવે છે ને! એણે – ખુદ એણે જ પોતાના ગોદામ સામેના જાહેર ચોકમાં પોતાની પેટીઓ મૂકવા સારુ સેક્રેટરીને બસો ચાંપિયા’તા. અત્યારે તિયાં રસ્તો જ કાં રે’વા દીધો ચ મારે બેટે!” “અને લીલુભાઈ શેઠનું શું છે? મને કહેશો?” “બાવા, હવે મને વિસેસ બોલાવ ના. મારા કલેજામાં આગ ભડભડે ચ, પોરિયા! લીલુ શેઠે જ પેલાને પૈસા વેરીને ચૂંટાવિયો, વડી ધારાસભામાં મોકલિયો, તે સું કરવા? ચૌદ વરસની અંદરનાં પોરિયાંની ગરદન કટાવવા, પોતાની મિલોમાં બચ્ચાંને જીવતાં દફનાવવા.” “તમને કોણે કહ્યું?” “એ ધારાસભામાં જનારે પોતે જ. હવે બાવા, તું મુને વધુ છેડતો ના. ટ્રામનો કૉન્ટ્રાક્ટ નવ્વાણું વરસને પટે એવણે કેવી તરકીબથી મેળવ્યો તે હું જાનું ચ. ને પછી સાલ્લો માંચડા પર ચડીને નવા સુધારાની મોટી સ્પીચો ઠોકે ચ. ભુવનેસર હિલ પર રે’વાવાલાઓની વાત જ કાં કરવી, બેટા! એ બધા ઢરમના ઠાંભલા છે. હો-હો-હો-હો – ઢરમના ઠાંભલા! પીગલી પડેલા! હા-હા-હા-હા-હા – ખોદાથી એક જ તસુ દૂર! હી-હી-હી-હી-હી!” પેસ્તનજી પારસી હસી હસીને બેવડ વળી ગયા. શામળ પોતાની છાતી પર એક જ્વાળામુખી ઉપાડીને ચાલ્યો.