સત્યની શોધમાં/૨૫. ‘ચોર છે! ચોર છે!’

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૨૫. ‘ચોર છે! ચોર છે!’

સાંજ પડ્યે તેજુ ઘેર આવી ત્યારે શામળે પોતાના ઉશ્કેરાટને શમાવી લીધો હતો. જરીકે સ્વસ્થતા ગુમાવ્યા વગર તેણે તેજુને તે દિવસની વાત સંભળાવી. પણ એને એક વાત નહોતી સૂઝી, કે તેજુનું અંતર કેટલું વલોવાઈ જશે. તેજુના નાનકડા જીવતરમાં વિનોદિની એક જ કલ્પનામૂર્તિ હતી. એના કટકેકટકા થઈ ગયા. એની સ્વપ્ન-પરી કીચડમાં રોળાઈ ગઈ. તેજુ રડવું ખાળી ન શકી. એનાથી બોલી જવાયું: “હાય રે, ડાકણ! રૂપાળી બનીને ભરખી જવા જ આવી’તી ને?” “તેજુ, બહેન,” શામળે એને પંપાળીને કહ્યું, “જોજે હો, આપણે આપણો ધર્મ ન ચૂકીએ.” “ના ભાઈ, હું હવે ત્યાં પાછી નહીં જ જાઉં. એને દેખું કે હું તો ફાટી જ પડું.” “હું એ નથી કહેતો. પણ હવે તો તારે ને મારે પડખોપડખ ઊભવાનું છે. હવે આપણાથી ક્રોધ ન કરાય.” “ક્રોધ કર્યા વિના શે રહેવાય? મને તો ઝાળો ઊઠે છે.” “ના, જો. હું મારા હૈયામાં કેટલો વલોવાઈ રહ્યો હોઈશ! પણ હું મનને મારવા સારુ જ મથી રહ્યો છું. આપણે આ બધાં લોકોને ધિક્કારવાં નહીં, તેજુ! એ બાપડાં આપણા જેવાં જ કાચી માટીનાં છે; ને ભાન ભૂલી ગયેલાં છે તેથી જ આપણને સંતાપે છે.” “પણ એ બધાં તો ભૂંડાં સ્વાર્થીલાં છે.” “મેં એ પણ વિચારી જોયું છે, તેજુ! આજ આખો દિવસ રસ્તા પર આંટા દેતો હું એ જ વાતનો તાગ લેતો હતો. મને લાગ્યું છે કે એ બાપડાં દયા ખાવા લાયક છે. મને નુકસાન કર્યું તે કરતાં સો-ગણું નુકસાન તો તેઓ પોતાને કરી રહ્યાં છે.” “ઓહોહો શામળભાઈ!” તેજુ આ જુવાનની કરુણાળુ મુખમુદ્રા તરફ નિહાળી રહી, “તમે કેટલા બધા ભલા છો!” “આહા!” શામળે નિ:શ્વાસ મૂક્યો. વિનોદિનીએ પણ એને એ જ બોલ કહ્યો હતો. હજુ એ જૂના ભણકારા નહોતા શમ્યા. ભાંગીને ચૂરો થઈ ગયેલી એ મૂર્તિના કણેકણ જાણે ઊડી ઊડીને ભેળા થતા હતા. “જો તેજુ, મેં તો ગાંઠ વાળી છે કે હવે મારે મારા મનના દ્વેષને જરીકે ભેળાવા દીધા વગર ચોખ્ખી લડત કરવી.” “શું કરશો?” “પ્રથમ તો હું વિશ્વબંધુસમાજના સંઘ સમસ્તની પાસે આ હકીકત મૂકીશ, એ બધાં જો દાદ નહીં આપે, તો હું શહેરની સમસ્ત વસ્તીને ચેતાવીશ.” “પણ કેવી રીતે?” “એક સભા બોલાવીને; આમ જો, આ મેં લખી રાખ્યું છે.” શામળે ગજવામાંથી કાગળનું ચોથિયું કાઢ્યું. એના ઉપર પોતે પેન્સિલથી મોટા, નાના, મધ્યમ એવા અક્ષરો છાપાની માફક ગોઠવીને લખ્યું હતું તે છટાથી, શબ્દો પર પ્રમાણસર ભાર દઈને જાણે એક તેજુને સંભળાવવું એ હજારોને સંભળાવવા બરાબર હોય એ ભાવે વાંચી બતાવ્યું: વિશ્વબંધુ-સમાજનાં ભાઈઓ, બહેનો! આપણા સંપ્રદાયમાં સડો છે. કમિટીના મેમ્બરોએ શહેરના રાજવહીવટમાં લાંચો દીધેલ છે. લોકોને એ બધા લૂંટે છે. કમિટીએ મારું કહેવું સાંભળ્યા વિના મને મંદિરમાંથી કાઢી મૂક્યો છે, એટલે હું આપણા સંઘ સમસ્તની પાસે દાદ લેવા આવેલ છું. આવતા બુધવારની સાંજે આઠ વાગ્યે હું મંદિરની સામેના મેદાનમાં સભાની સમક્ષ બધું કહેવાનો છું. સર્વ ત્યાં આવશો. લિ. શામળજી રૂપજી “બરાબર છે ને?” “બહુ સરસ છે. પણ એનું શું કરશો?” “એની નાની નાની બસો-અઢીસો કાપલીઓ છપાવીશ, ને કાલ સવારે મંદિરને દરવાજે લોકોને વહેંચીશ.” “અરર! શામળભાઈ.” તેજુના પેટમાં ફાળ હતી. “શું કરું? ઉપાય નથી.” “પણ ચોકમાં તો આખા શહેરનાં લોક ઊમટશે હો!” “બીજું શું થાય? મને મંદિરના ઓરડામાં તો કોઈ ઊભો રહેવા ન આપે, ને ભાડે ઓરડો રાખવાના પૈસા ક્યાંથી કાઢું?” “આજ ને આજ કોઈ આ છાપી દેશે?” “હા. હા. શહેરમાં આટલાં બધાં છાપખાનાં છે ને?” એ એક અનુભવ બાકી રહી ગયો હતો. તેજુ અને શામળ ઉત્સાહની પાંખો પર ઊડતાં બે ચકલાં સરખાં, છાપખાને છાપખાને ભમ્યાં. ઘણાખરા માલેકોએ તો લખાણ વાંચીને ‘હાલતો થા હાલતો, મવાલી!’ એટલાં જ વિદાય-વચન સાથે શામળને રવાના કરી દીધો. પણ એક છાપખાનાવાળાએ એને સમસ્યાની સમજ આપી કે, “ભાઈ, એ બધા લખપતિઓની કંપનીઓનાં અમને સહુને મોટાં કામો મળતાં બંધ થાય, ને એ ઉપરાંત કઈ ઘડીએ તેઓ અમારા ઉપર કેસ માંડીને અમને પાયમાલ કરે એ પણ વિચાર પડતી વાત.” “પણ છાપામાં તો અનેક કાળાંધોળાં ને બદનક્ષી કરનારાં લખાણો છપાય છે. તેનું કેમ?” “છાપાંવાળા તો સામે માથું ભાંગે તેવા હોય છે, ભાઈ! ને તું તો કહેવાય રઝળુ.” “પણ ત્યારે મારે શું કરવું? કંઈક રસ્તો બતાવશો?” “તું એકલો આખી રાત બેસી શકીશ?” “હા, હા, કહો ને?” છાપખાનાવાળાએ પોતાની પાસે પડેલી કેટલીક રદ્દી કાપલીઓની એક થોકડી કાઢી. ચારપાંચ તાસ કૉપિંગ કાગળના આપ્યા, ને બે પેનસિલો દીધી. પછી કૉપીઓ કેવી રીતે કાઢવી તે યોજના સમજાવીને કહ્યું: “જા, બેસી જા ચાના બે કપ ચડાવીને. હાથોહાથ લખી કાઢ. હું પણ એક બીબાં ગોઠવનાર મજૂરમાંથી પચ્ચીસ વરસે ઘરનું પ્રેસ કરીને બેઠો છું. મને પણ તારા જેવી વીતી છે.” વાળુ કર્યા વિના જ બેઉ બેસી ગયાં. તેજુ ગોઠવતી જાય, શામળ ચીપી ચીપીને અક્ષરો લખતો જાય. આજુબાજુનું કોઈ પાડોશી કે રસ્તે ફરતો રોનવાળો પોલીસ પણ વહેમ ન ખાય, એવી ચુપકીદીથી બેઉ જણાંએ કામ ચલાવ્યું. ઉપરાઉપરી ઘણી રાતના ઉજાગરાને લીધે કેટલીક વાર તો એને ઝોલાં આવે, પેનસિલ હાથમાંથી પડી જાય, પાછી તેજુ જગાડે. બેબાકળો શામળ પ્રથમ તો ‘શું છે?’ એવો સવાલ કરે, પછી એ વિસ્મરણનો પટ ખસી જતાં ફરીથી લખવા લાગે. સવાર પડ્યું. ત્રણસો કાપલીઓનું બંડલ વાળી, બાંધીને શામળે બગલમાં માર્યું; મોં જેવુંતેવું ધોઈને પ્રાર્થનામંદિરને બારણે જઈ પહોંચ્યો. અંદર બજી રહેલાં વાદ્યોનું સંગીત અને પ્રભુસ્તવનના મીઠા સ્વરો શામળને શ્રવણે પડ્યા. દરેક વખતે પોતે કેવો એકધ્યાન બનીને સાંભળતો, સહુ ગાતાં તે સાથે પોતે પણ પોતાનો કંઠ કેવો ઠાલવતો! શો સ્વર્ગીય આનંદ એના અંતરમાં તે વેળાએ લહેરાતો! કોઈ કોઈ વાર તો વિનોદિની પણ ઑર્ગન બજાવતી ગાતી: કયું સ્તવન ખાસ ગાતી?

દરશન દેના પ્રાન પિયારે!
નંદલાલ મોરે નયનોંકે તારે
દરશન દેના પ્રાન પિયારે!\

એ સાંભળતો સાંભળતો શામળ આંસુ વહાવતો. આજેય આંસુની ધારા તો છૂટી – પણ જુદી લાગણીમાંથી: આજે એને એ સંગીત પર હક નહોતો. એ ચોર બનીને સાંભળતો હતો! તે પછી ધર્મપાલજીના વ્યાખ્યાનના બુલંદ ધ્વનિ ઊઠ્યા. શામળને થયું કે પોતે બહેરો હોત તો સુખી થાત; આ શબ્દછલની છૂરીઓ ન ખાવી પડત. અગિયારના ડંકા પડ્યા – ને આપણો જુવાન જલ્લાદ લાગ તપાસીને ખડો થયો. સભા વિસર્જન થઈ. સહુથી પહેલા બહાર નીકળનાર હતા લીલુભાઈ શેઠ. થરથરતા પગને સ્થિર કરી, ગળામાં ભરાયેલ ડૂમો સાફ કરી, દેહની નસેનસમાંથી બધું કૌવત જીભમાં એકત્ર કરીને શામળ બોલ્યો: “આ લેશો, સાહેબ?” એ સાથે જ પોતાના હાથમાંની એક કાપલી શેઠસાહેબના હાથમાં સેરવતો, પોતાનું મોં પણ શેઠ જોવા પામે તે પહેલાં તો સરકીને શામળ આગળ વધ્યો. એક પછી એક નીકળતા સદ્ગૃહસ્થ-સન્નારીને ‘લેશોજી?’ ‘આ લેશોજી?’ કહેતો એક્કેક કાપલી વહેંચતો વંટોળિયાની માફક ઘૂમ્યે રહ્યો. —અને જાણે કે લાય લાગી. કોઈ મોટે અવાજે, કોઈ ભ્રૂકુટિ ચડાવીને, કોઈ પાંચ-દસ જણાં મળીને, એમ કાપલીઓ વાંચવા લાગ્યાં. પડાપડી બોલી. જેમ કોલાહલ વધ્યો તેમ શામળે ઝડપ રાખી. ‘લ્યો સાહેબ! લ્યો બહેન! બીજાંને વંચાવજો! બને તેટલાને કહેજો! સભામાં આવજો!’ એવા શબ્દો કહેતો એ જાણે કે ભુલભુલામણી રમતો હતો. દોઢસો કાપલીઓ વહેંચાઈ, ને અવાજ પડ્યો કે, “એ બદમાશ છે, પકડો એને! રોકો એને!” એ અવાજ શેઠશ્રી લીલુભાઈનો હતો. માણસો અને પટાવાળાઓ દોડ્યા. શામળ તો એ સમુદાયમાં સડેડાટ ફરતો હતો. પત્રિકાની આગ પ્રસરતી હતી. માણસો એને ઝાલી શકે નહીં એવી વાંકીચૂકી એની ગતિ હતી. એની જીભ પણ નવરી નહોતી; એ બોલ્યે જ જતો હતો કે— “વાંચો, સાહેબ! બને તેટલા બીજાને વંચાવો! પાપાચારીઓને સંપ્રદાયમાંથી કાઢવા જોઈએ!” એકાએક એની થોકડી ઉપર એક પંજો પડ્યો. એ હાથ હતો ખુદ હરિવલ્લભ દેસાઈસાહેબનો. એવો મોટો પુરુષ પોતે ઊઠીને નાના છોકરાની સાથે કાપલીઓ ઝૂંટવવા માટે ભવાં ચડાવી ઝપાઝપી કરવા ઊતર્યો છે, એ જોવા લોકો ટોળે વળ્યાં. “બંધ કર! કહું છું કે બંધ કર! પોલીસમાં સોંપાવીશ તને, હરામખોર!” એવા દેસાઈસાહેબના શબ્દો સામે “મહેરબાન, મને છોડો. મને મૂકી દો!” એવા શબ્દો કહી, થોકડીના જમીન પર થયેલા ઢગલામાંથી સો-બસો ઉઠાવતો શામળ ઝટકો મારીને છૂટ્યો, દોડતો દોડતો બૂમ પાડી ઊઠ્યો કે— “ચોર છે, પ્રભુના મંદિરમાં ચોર છે, ભાઈઓ!” લોકોની આતુરતા ને કૌતુક તો સમાતાં નહોતાં. પત્રિકાએ તો કેર વર્તાવી દીધો. ઝપાઝપીમાં દેસાઈસાહેબની પાઘડી ગબડી પડી. એમણે કરેલો લાકડીનો ઘા શામળને આંટવાને બદલે એક ચશ્માંવાળાં બહેન પર પડ્યો. દેસાઈસાહેબ ઘણા પામર દેખાયા. પોતાને પકડવા ધસી આવતા ચપરાસીઓ વગેરેને દેખી, છેલ્લી થોકડી સમુદાય પર ઉરાડીને શામળે બહાર દોટ કાઢી. જતો જતો પાછો ઊભો રહીને ઊંચે અવાજે બોલતો ગયો કે “આપણી કમિટીના મેમ્બરોએ તેમ જ પેટ્રનોએ શહેરના વહીવટખાતામાં રુશવતો આપી છે, લોકોને લૂંટ્યા છે, બુધવારે રાતે હું એ બધું કહેવાનો છું. સર્વે ભાઈઓ, બહેનો, આવજો.”