સત્યની શોધમાં/૨૮. ‘બાજે ડમરુ દિગંત’
“છાપાં આપણને મદદ નહીં આપે. છતાં લોકોને આ વાત સંભળાવવી જ જોઈએ. સંભળાવવાનો આ અવસર મળ્યો છે.” એ અવાજ સમહક્ક સમાજને પ્રમુખ-સ્થાનેથી જુવાન વકીલ હજારીલાલના ખાડાવાળા મોંમાંથી નીકળી રહ્યો હતો. “—અને ગુંડાના માર, નોકરીમાંથી રુખસદ, ડંડા વગેરેની સુધ્ધાં તૈયારી હોવી જોઈએ.” ડૉ. દામજીએ યાદ દીધું. “હા, ને હું તમે કહેશો તો આપણામાંથી સપડાનાર ભાઈ-બહેનનો બચાવ લડવા રોકાઉં, અથવા કહો તો પહેલો હું ચડી જાઉં. જેમ ભાઈઓ ઠરાવે તેમ.” “હું પણ તૈયાર છું,” દામજીભાઈએ કહ્યું, “પછવાડે દવાખાનું મારી પત્ની ચલાવશે.” ઘોડી ઠબઠબતો લંગડો ઊભો થયો: “મને આવતે અઠવાડિયે નોકરી મળવાની હતી, પણ જો હું કેદ પકડાઉં તો પછી મને કોઈ ઊભવાય નહીં આપે; છતાં હું બોલવા ઊભો થઈશ.” બીજો એક દમલેલ ઊઠ્યો: “હું લીલુભાઈની મિલમાં જ સંચો હાંકું છું, બુઢ્ઢો છું. મને કાઢી મૂકશે તો ફરીથી રોટલો બાંધવો સહેલ નથી. છતાં હું પણ તૈયાર છું.” એક જુવાન ઊઠ્યો: “મારો બાપ ટપાલખાતામાં સૉર્ટર છે. એને દમદાટી પહોંચી ગઈ છે. તોપણ હું તો બોલવાનો.” એ રીતે લૂલા, લંગડા, કાણિયા, દમલેલ, ક્ષયગ્રસ્ત, ભૂખમરાથી હાડપિંજર બની ગયેલાં એ દોઢસો-બસો જણાંની આ સભાએ બલિદાનની તૈયારી નોંધાવી. શામળ નિહાળી રહ્યો: આ ભાવના! આ મરણિયાપણું! અને તે પણ આવાં, સમાજને ઉકરડે દટાયેલ સ્ત્રી-પુરુષોનું! ન મળે લાગણીવેડા, નથી આંસુની ધાર, નથી શાબાશીના પોકાર, નથી કોઈ ઉશ્કેરાટ; ઠંડુંગાર મૃત્યુ, અક્કેકની પછવાડે બચ્ચાં-ઓરત રઝળી પડે તેમ છે. સ્વાતંત્ર્યની આ ભક્તિનો એક શતાંશ પણ દીઠો હતો એ ભુવનેશ્વર હિલ પરના ગદ્ગદિત જૂઠ-જીવનમાં? “ભાઈઓ, બહેનો!” હજારીલાલે સમાપ્તિના બોલ સંભળાવ્યા, “દરેક કાળે, દરેક યુગે, દરેક દેશમાં આમ જ બનતું આવ્યું છે. દુનિયાને આગળ ડગલું ભરાવનારા તમામને મરવું ને પિસાવું પડ્યું છે. આપણે કશી નવાઈ કરતા નથી. માટે સોગંદ લો છો તે પાળજો. શહેરી તરીકેના આપણા હક્કનો સ્વીકાર થાય નહીં ત્યાં સુધી એ આહુતિનું આસન ખાલી પડવા દેશો નહીં. અખંડ ધારા ચાલુ રાખજો.” એ જ વખતે એક ખૂણામાંથી એક ગીતના સૂરો ઊઠ્યા, બીજા તમામે એ ઝીલવા માંડ્યું. સામટા બસો કંઠનો ગહેરો નાદ જાણે છાપરું ઉરાડી દેશે એટલો જોશીલો બન્યો:
બાજે ડમરુ દિગન્ત, ગાજે કદમો અનંત,
આઘે દેખો, રે અંધ! ચડી ઘોર આંધી;
દેશેદેશેથી લોક, નરનારી થોકેથોક,
ઉન્નત રાખીને ડોક, આવે દળ બાંધી.
વિધવિધ વાણી ને વેશ, વિધવિધ રંગો ને કેશ!
તોયે નવ દ્વેષ લેશ દાખવતાં આવે;
દેતાં ડગ એકતાલ, નિર્ભયતાની મશાલ
લઈને કંગાલ કેરી સેના આવે.
દેખો! રે કાલ કેરી સેના આવે.
ગરજે નવલાં નિશાન, નવલાં મુક્તિનાં ગાન:
ઊડત ધ્વજ આસમાન સિંદૂરભીંજ્યો;
ઊભાં સબ રાષ્ટ્ર દેખ, થરથર પૂછે હરેક,
કંકુબોળેલ એ કહો જી કોણ નેજો?
ગગને દેતા હુંકાટ, ઝલમલ જ્યોતિ લલાટ,
વદ, હો બંધુ વિરાટ! ક્યાં થકી તું આવે?
માનવજાતિને કાજ આશાવંતા અવાજ,
શા શા સંદેશ આજ તું સંગે લાવે?
રંકોનાં લાખ લાખ દળ વાદળ આવે.
[સંઘગાન]
અમે ખેતરથી વાડીઓથી, જંગલ ને ઝાડીઓથી
સાગરથી ગિરિવરથી સુણી સાદ આવ્યા;
અમે નૂતન શક્તિને ભાન, ગાતાં શ્રદ્ધાનું ગાન,
માનવને મુક્તિદાન દેવા સહુ આવ્યાં.
અમે માનવ-મંદિર કેરી નવતર રચના અનેરી,
સોંપી તમને, નમેરી માલિક ધનવંતા!
તમ પર ઇતબાર ધરી, વેઠ્યાં દુ:ખ મરી મરી,
બોજા ચૂપ કરી રહ્યા પીઠ પર વહંતા.
આજ નીરખી એ આલીશાન, જૂગજૂનાં બાંધકામ,
ધ્રૂજે અમ હાડચામ, હૈયાં અમ ધડકે;
ધવલાં એ દિવ્યધામ, કીધાં શીદ તમે શ્યામ!
છાંટ્યાં પ્રભુના મુકામ રંક તણે રક્તે.
અમે એ સહુ ધોવા કલંક, ધોવા તમ પાપપંક,
દિલના વિષડંખ સૌ વિસારી અહીં આવ્યાં;
સહુને વસવા સમાન ચણવા નવલાં મકાન,
ગાતાં શ્રદ્ધાનું ગાન લોકસંઘ આવ્યા;
દેખ મહાકાલનાં કરાલ સૈન્ય આવ્યાં.
[સંઘગાન]
અમે ખેતરથી વાડીઓથી, જંગલ ને ઝાડીઓથી
સાગરથી ગિરિવરથી સુણી સાદ આવ્યા;
અમે નૂતન શક્તિને ભાન, ગાતાં શ્રદ્ધાનું ગાન,
માનવને મુક્તિદાન દેવા સહુ આવ્યાં.
તમે રુંધી નભના ઉજાસ, પ્રભુજીના પવન-શ્વાસ;
રચિયાં રૌરવી ખાસ યંત્ર કારખાનાં;
લેવા ધનના નિચોડ, છૂંદ્યાં મનુબાગછોડ,
બાફ્યાં અમ કોડભર્યાં બાલ-પુષ્પ નાનાં.
તમે પૂરી અમ પુત્રીઓને, ભોળી સાવિત્રીઓને,
કોમળ કળીઓને છેક વેશ્યામંદિરીએ;
ટુકડા રોટીને કાજ, વેચે વનિતાઓ લાજ,
એવા તમ રાજના પ્રતાપ શે વીસરીએ.
હાય એ સહુ આશા અમારી, સૂતી હત્યાપથારી,
એને રુધિરે ભીંજાડી નયનો અમ લાવ્યાં;
નૂતન શક્તિનો તાજ, પહેરી શિર પરે આજ,
માનવમુક્તિને કાજ રંક-સૈન્ય આવ્યાં.
જોજો કંગાલ તણાં દળ-વાદળ આવ્યાં.
[સંઘગાન]
અમે ખેતરથી વાડીઓથી, જંગલ ને ઝાડીઓથી
સાગરથી ગિરિવરથી સુણી સાદ આવ્યા;
અમે નૂતન શક્તિને ભાન, ગાતાં શ્રદ્ધાનું ગાન,
માનવને મુક્તિદાન દેવા સહુ આવ્યાં.
હવે કંપો રે ઓ કૃપાલ! કંપો અમ રક્ષપાલ!
પરની રોટીના ભક્ષનાર તમે કંપો!
છલના કિલ્લા ને કોટ કરવા સબ લોટપોટ,
આવે લંગોટધારી સૈન્ય: હવે કંપો!
માનવ આત્માની માંહી જુગજુગથી જે છુપાઈ,
ભાઈભાઈની સગાઈ, મુક્તિની પિપાસા;
એ છે અમ અસ્ત્રશસ્ત્ર, કોટિ કોટિ સહસ્ર,
અકલંકિત ને અહિંસ્ર: એ અમારી આશા.
આખર એની જ જીત: સમજી લેજો ખચીત,
ભાગો ભયભીત જાલિમો! વિરાટ આવે,
નૂતન શક્તિને ભાન, ગાતાં શ્રદ્ધાનું ગાન,
એકતાલ એકતાન લોકસૈન્ય આવે.
દેખ! દેખ! કાલનાં અપાર કટક આવે.
છલકતી છાતી લઈને શામળ ઘેર ગયો. તેજુને એણે એ સમહક્ક સમાજનું આખું રહસ્ય સમજાવ્યું. ત્યાંના ‘ભાઈઓ’ની વાતો કરી. તેજુનાં પાણી છોળો દેવા લાગ્યાં. એ આખો દિવસ શામળે કેટલુંક હજારીલાલજીએ આપેલું સાહિત્ય વાંચવામાં ગાળ્યો. ‘ભાઈઓ’ સમજતા હતા કે આજ શામળભાઈના શિર પર ઘાત છે. એટલે વારે વારે તેઓ આવી આવીને ખબર કાઢી ગયા. ચાર જણા શામળને રાતે સભાસ્થાન પર લઈ જવા સારુ અંગરક્ષકો તરીકે મુકરર થયા હતા. નિમંત્રણપત્રો છપાઈ, વહેંચાઈ પણ ગયાં હતાં. શહેર ખળભળી ઊઠ્યું હતું. આખો દિવસ શામળના પ્રાણમાં પોતાનું ભાષણ રમતું હતું. એના પગ થરથરતા હતા, કે રખે ક્યાંક સભાક્ષોભ થઈ જશે! ‘આહા, મારા અંતરમાં અત્યારે ઊછળતા આખા વ્યાખ્યાનને કોઈ બુલંદ અવાજ ઉઠાવી જઈને ઘેર ઘેર પહોંચાડી આવે! દુનિયા આખીને કોઈ રણશિંગું બનીને કહી આવે! મારા હૃદયમાંથી મારે કેટકેટલું ઠાલવવાનું છે! લોકોની સમક્ષ હું ટકી શકીશ? સત્ય કહી શકીશ? મારું અભિમાન તો એમાં નહીં ભળી જાય ને?’ જેમ જેમ સમય નજીક આવતો ગયો તેમ તેમ એના હાથપગ પાણી પાણી થતા ગયા. સાડા સાતને ટકોરે ટુકડી એને લઈ ચાલી: શામળની એક બાજુ હજારીલાલ, બીજી બાજુ ડૉ. દામજી; પાછળ તેજુની મા, રૂડીબહેન ને તેજુ; એની પાછળ ઘુસાભાઈ ને જાફરભાઈ. તમામ એને ફૂલની માફક સાચવીને લઈ ગયાં. ચોકમાં મેદની માતી નથી. ચારેય રસ્તા પણ ઠાંસોઠાંસ ભર્યા છે. બાજુની વંડીઓ, ઝાડની ડાળીઓ, મેડીની અગાસીઓ, ક્યાંયે જગા નથી. રસ્તાને એક ખૂણે બીજા દસ ‘ભાઈઓ’ ઊભા છે. તેઓએ શામળભાઈ આવતાં જ એની આસપાસ ગઢ કરી લીધો. આઠને ટકોરે મંડળી સભાસ્થાન વચ્ચે જઈ પહોંચી. કામ કેમ લેવાનું છે તેની ઝીણામાં ઝીણી બાજી નક્કી થઈ ગઈ હતી. શામળભાઈને તથા હજારીલાલને બને તેટલા દિવસ સુધી બચાવી લેવાના હતા. નક્કી થયા મુજબ પહેલી આહુતિ માટે ડૉ. દામજી દેવદારનાં ખોખાંની વ્યાસપીઠ પર ઊભા થયા. “શહેરી ભાઈબહેનો!” એણે કાંસાના ઘંટ-શા સ્વચ્છ રણકારવાળા કંઠે પુકાર્યું: મેદની પર શાંતિની ચોટ લાગી. “આપણે આજે આંહીં એક જરૂરી કામે મળ્યાં છીએ.” તુરત એક પોલીસ અધિકારી એના તરફ ચાલ્યો, પૂછ્યું: “આ સભા ભરવાની રજાચિઠ્ઠી છે તમારી કને?” “અમને ના પાડવામાં આવી છે. અમે કાયદાને આજ્ઞાંકિત નગરજનો તરીકે આંહીં અમારાં દુ:ખોનો અવાજ દેવા આવેલ છીએ.” “તમારાથી નહીં બોલાય.” દામજીભાઈએ પ્રથમથી કરેલી યોજના મુજબ આ પ્રારંભિક વ્યાખ્યાનમાં જ કેટલીક વાતો ઉપાડવાનું ચાલુ રાખ્યું: “ભાઈઓ ને બહેનો, લક્ષ્મીનગરના શહેરશાસનમાં રુશવતો અપાઈ છે.” “તમે ન બોલો.” પોલીસે તીક્ષ્ણ અવાજ દીધો. “હરિવલ્લભ દેસાઈસાહેબે પાણીના સસ્તા દરની યોજના તોડાવવા વીસ હજાર ચાંપ્યા છે.” દાક્તરે ચાલુ રાખ્યું. “નીચે ઊતરો.” પોલીસે હુકમ દીધો. દાક્તરે ન ગણકારતાં ચાલુ રાખ્યું: “એ તહોમત વિશ્વબંધુસમાજની કમિટી સમક્ષ રજૂ થયેલું. તેઓએ તપાસ કરવા ના પાડી, એક અનુયાયીને સંપ્રદાયમાંથી કાઢી મૂક્યો, એટલે આપણે આજે—” એટલામાં દાક્તરને નીચે ઘસડી ગરદન પકડી લઈ જવામાં આવ્યા. બાજુમાં એક ઝાડના થડનું ઠૂંઠું હતું તેના ઉપર એક આદમી ઊભો થયો. એ હતો લંગડો ઘોડીવાળો. એણે ત્યાંથી અવાજ ઉઠાવ્યો: “અને ભાઈઓ! હરિવલ્લભ દેસાઈસાહેબે રૂપિયા વીસ હજાર વહીવટના પ્રમુખને ચાંપી, પાણીનો કંત્રાટ પોતાને હાથ રાખ્યો. એમાંથી એ મહિને દસ હજાર રળે છે. ને લીલુભાઈ શેઠે નાનાં બચ્ચાંને કારખાનામાં દાખલ ન કરવા દેવાની દરખાસ્તને તોડાવી પાડી છે. રુશવત દઈને—” એને પણ નીચે પટકી, એની ઘોડી ઝૂંટવી લઈ, એક જ પગે કુદાવતા, ઘસડતા, પોલીસો ઉઠાવી ગયા. એ વેળા એક પેટીના ખોખાની ઓથે લપાઈને બેઠેલા શામળે પોતાના સાથી હજારીલાલને એક આદમી તરફ આંગળી ચિંધાડીને પૂછ્યું: “પેલો કોણ છે?” “આપણો ‘ભાઈ’ નથી; કોઈ મવાલી છે.” ત્યાં તો એ દૈત્ય જેવા આદમીએ પોતાનો મુક્કો ઉગામી બૂમ પાડી: “મારો, મારી નાખો, ઠાર કરો પોલીસને.” “નક્કી કોઈ મોકલેલો આદમી; તોફાન કરાવવાનું કાવતરું!” એટલું જ્યાં હજારીલાલ કહે છે, ત્યાં તો એ દૂર ઊભેલા મવાલીએ પથ્થર ઉઠાવી ટોળાની વચ્ચોવચ્ચ ફગાવ્યો – બરાબર જ્યાં પોલીસ ઊભા હતા ત્યાં જ. “પકડો એ આદમીને!” કહેતા હજારીલાલજી ઊઠ્યા, ટોળા વચ્ચે થઈને મવાલીને ઝાલવા દોડ્યા. ત્યાં તો એ આદમીને બીજાઓએ ઝાલી લીધો હતો. પોલીસની સોટીઓ ટોળા ઉપર પડવા માંડી હતી. દરમિયાન એક ઓરતે ઊભા થઈને બોલવા માંડ્યું: “ભાઈઓ ને બહેનો, શહેરશાસનમાં લાંચ લેવાય છે, આપણને કોઈ બોલવા નથી દેતું. આપણો હક્ક—” ખોખા પાછળ લપાયેલ શામળે એકાએક પોતાની પછવાડે કંઈક રમખાણ સાંભળ્યું. બરાબર અણીને વખતે એણે મોં ફેરવ્યું: કોઈ એક માતેલો, રાક્ષસી મવાલી એના તરફ ધસ્યો આવે છે; તોતિંગ એક ડંડાવાળો હાથ શામળના માથા પર ઉગામે છે. એક જ પળ – ને શામળના માથાનાં કાચલાં ઊડત. શામળે વખતસર હાથ આડો દીધો. હાથ પર ફટકો પડ્યો, દારુણ વેદના સાથે હાથ ઢળી પડ્યો. પછી એના કપાળ પર કંઈક ઝીંકાયું, ચીરો પડ્યો. ધગધગતો રક્તપ્રવાહ છૂટ્યો, આંખો લોહીમાં ઢંકાઈ ગઈ. “ભાઈ! તું નીચો નમી જા!” એવી જાફરભાઈએ બૂમ પાડી. શામળ પામી ગયો કે એનો જાન લેવાની આ કોશિશ છે. એ નીચે વળીને જાફરભાઈની બાજુમાં લપાયો. એના દેહ ઉપર જાણે કશીક ઝપાઝપી બોલતી હતી, જાણે એના ઘાતકોથી એને કોઈ મિત્રો બચાવી રહ્યા છે. ધનાભાઈની બૂમ પડે છે કે ‘કોઈ બચાવો!’ કંકુબહેન જાણે આડો દેહ ધરી ઘાવ ઝીલે છે. કોલાહલ મચી ગયો છે. અનેક લાકડીઓની ફડાફડી સંભળાય છે. માણસોની ખોપરીઓ ફૂટતી જણાય છે. ને પછી તો પોતાના જ લોહીના ખાબોચિયામાં રગદોળાતે મુખે શામળ બેશુદ્ધિમાં પડ્યો. દરમિયાન એક પછી એક ત્રણ વક્તાઓ ઊઠી ઊઠીને બોલતા બોલતા પકડાઈ ગયા. દુભાયેલી અસહાય પ્રજા વિરોધી ઉચ્ચારો કરતી રહી. ઓચિંતાનું એ મેદનીમાંથી એક સ્ત્રીનું ગળું ગુંજી ઊઠ્યું, બીજાઓએ પંક્તિઓ ઝીલવા માંડી. નાદ એટલો બુલંદ બન્યો કે કોલાહલની ઉપરવટ થઈને, મેઘધનુષ્ય-શો એ જાણે નીકળ્યો. એ હતું પેલું પીડિતોનું ગીત:
અમે ખેતરથી વાડીઓથી, જંગલ ને ઝાડીઓથી
સાગરથી ગિરિવરથી સુણી સાદ આવ્યા;
અમે નૂતન શક્તિને ભાન, ગાતાં શ્રદ્ધાનું ગાન,
માનવને મુક્તિદાન દેવા સહુ આવ્યાં.
લોકો શબ્દો તો નહોતા પકડી શકતા, પણ સૂરમાં સૂર પૂરવા લાગ્યા. મેદની ઉપર કોઈ મંત્ર માફક એ સૂરો છંટાયા, અને પોલીસ કેદીઓને ઉઠાવી જતી હતી તેની પાછળ લોકવૃંદ ગાતું ગાતું ચાલ્યું, છેક ચાવડી સુધી ચાલ્યું ગયું. મેદની ધીરે ધીરે ઓગળી ગઈ. શોર શમી ગયા. ચોગાનમાં ફક્ત એક ભયભીત નાનું ટોળું ઊભું છે. વચ્ચે બે માનવી પડ્યા છે: બેમાંનો એક છે શામળ – બેશુદ્ધ અને લોહીતરબોળ; બીજી છે તેજુ – શોકમાં ઉન્માદિની, શામળના હૈયા પર માથું ઢાળી એના કલેવરને બાઝી પડેલી મજૂરબાલિકા તેજુ. દૂર દૂરથી ચોખ્ખા ગીત-સ્વરો સંભળાતા હતા:
માનવ આત્માની માંહી જુગજુગથી જે છુપાઈ,
ભાઈભાઈની સગાઈ, મુક્તિની પિપાસા;
એ છે અમ અસ્ત્રશસ્ત્ર, કોટિ કોટિ સહસ્ર,
અકલંકિત ને અહિંસ્ર – એ અમારી આશા.