સત્યની શોધમાં/૨. ભિખારો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૨. ભિખારો

પાટા ઉપર શામળ ચાલ્યો જાય છે ત્યારે એ વારંવાર પોતાની ભરાવદાર ભુજાઓને તેમ જ કાંડાંને નિહાળતો જાય છે. આવા મસ્ત અને તંદુરસ્ત શરીરથી હું શું શું નહીં કરું! અરે! ચાહે તેવું મજૂરીનું કામ પણ હું ખેંચીશ. આવા વિચારમાં રમતો રમતો એ જુવાન પુરુષાર્થના કોડ ઉછાળતો પગલાં ભરે છે; અને મોટા ભાઈએ ‘બળદિયાનું ખેતરમાં કામ છે’ કહી ગાડું પણ સ્ટેશન સુધી ન જોડી દીધું એ ક્ષુદ્ર વાતની વેદનાને પોતે આ બધા થનગનાટમાં ક્યાંયે વીસરી ગયો છે. અર્ધોક પંથ કાપ્યો હશે ત્યાં શામળે પાટાની નજીક એક કોલસીના ટેકરા ઉપર એક પોતાની જ ઉંમરના જુવાનને બેઠો બેઠો ભાઠામાં રોટલો શેકતો દીઠો. પાસે જ રેલગાડીના એન્જિનને પાણી લેવાની ટાંકી હતી. બેઠેલા જુવાનને કપાળે તિલક હતું, ગળામાં આઠદસ માળાઓ હતી. લંગોટ પહેરેલો. પાસે ચીપિયો ને ઝોળી હતાં. “કાં ભાઈ!” અજાણ્યા જુવાને પૂછ્યું, “આમ કેમ પગપાળા ખૂંદ્યે જાઓ છો? કસબ હજુ બરાબર હાથ બેઠો લાગતો નથી.” “કેમ?” શામળને સમજ ન પડી. “ક્યાં સુધી જવું છે?” “નવીનાબાદ.” “તે શું ઠેઠ નવીનાબાદ સુધી માટી ખૂંદતાં જાવું છે?” “ના, આગલા સ્ટેશનેથી ટિકિટ કઢાવીશ.” “શું બેસશે ટિકિટભાડું?” “છ રૂપિયા ને બાર આના.” “રૂપિયા ખીસામાં ઊભરાતા લાગે છે!” “હા, મારી પાસે છે – છે.” શામળ ગર્વથી બોલ્યો. “આમ વાપરવા માંડીશ તો ખીસાનો ભાર વહેલો હળવો થશે, હો યાર! કસબ નથી આવડતો કે?” “શાનો કસબ?” “હમણાં આંહીં માલગાડી નીકળશે, ટાંકી પાસે પાણી લેવા ઊભી રહેશે. ઉઘાડા ડબામાં ખાબકી પડજેને! બેવકૂફ હોય તે ગાડીભાડું ખરચે.” “મારાથી તો એ ન બને.” “બંદાએ તો એ જ રીતે આખા દેશની ‘ખુદાબક્ષ’ મુસાફરી કરી છે. બહુ સધ્ધ શીદ થા’છ, દોસ્ત?” શામળને એ સાધુવેશધારી ભાઈબંધની વાતોમાં ભારી રસ પડ્યો. એના સાહસના જુસ્સામાં જરી વાર પોતે રંગાઈ ગયો. પોતાને પણ લાગ્યું કે છ રૂપિયા ને બાર આના કાંઈ નાનીસૂની રકમ નથી. એક જ દિવસમાં પોણા સાત રૂપિયા ફના કરવાની બેવકૂફી એને બાવાજીએ બરાબર સમજાવી. ત્યાં તો માલગાડીના થડકાર ગાજી ઊઠ્યા. શામળનું કલેજું પણ થડક થડક થઈ રહ્યું. બન્ને જણા ટાંકીની પાસે ઝાડના ઝુંડમાં લપાઈ ગયા. જુવાન બાવાએ કહ્યું: “મોખરે પેસેન્જરના ખાલી ડબા હોય છે તેમાં ચડી બેસવું. પછી પાટિયા નીચે પેસીને સૂઈ જવું દોસ્ત! વહેલું આવે નવીનાબાદ.” પરંતુ માલગાડી પાણી લેવા ન થોભી; માત્ર વાંક વટાવવા સારુ ધીમી પડી. બાવાજીએ કહ્યું: “માર ઠેક, દોસ્ત!” એટલું બોલતો જ એ બાવો ઠેક્યો, ગાડીનો સળિયો ઝાલી લીધો. ડબામાં પેસી ગયો. વંટોળમાં એ અદૃશ્ય બન્યો. પણ શામળની છાતી ન ચાલી. ગાડીની ગતિ એને ભયાનક લાગી. એક પછી એક ડબો પસાર થતો ગયો તેમ તેમ એને શરમ ઊપજી: હાય હાય! પેલાએ કર્યું અને હું ન કરી શકું? હું શું નામર્દ? એણે છલંગ મારી, પણ એ હતો આખો ડબો. બારણું ઉઘાડું હતું. બારણું ઝાલીને શામળ લટકી પડ્યો. એ ડબાને પગ મૂકવાની પગથી નહોતી. ધૂળની ડમરીમાં કશું દેખાતું નહોતું. માંડ માંડ લટકી રહ્યે, અંદર પડ્યો. શરીર ઢગલો થઈ ગયું. ગાડી એને નવીનાબાદ લઈ જાય છે. પડ્યાં પડ્યાં જુવાનને વિચાર ઊપડ્યો: આ મેં શું કર્યું? હું મફતિયા મુસાફરી કરી રહ્યો છું. જીવનયાત્રાના પહેલા જ પ્રસંગમાં હું ચોરીને લક્ષણે ચડ્યો; અને તે પણ એક રઝળુ અને ડંફાસખોર, ઊતરેલ, દારૂડિયા ભામટાની શિખામણથી! નહીં નહીં, નવીનાબાદ પહોંચીને પહેલું જ કામ હું રેલવે ઑફિસમાં જઈ, મારી કસૂરનો એકરાર કરી, પૂરું ભાડું ભરી દેવાનું જ કરીશ. મારા બાપુ મારા આ કૃત્ય પ્રત્યે કેવી નજરે નિહાળત! મારી બાની છબી મારી સંગાથે છે છતાં મેં આ શું આચર્યું! એકાદ કલાક થયો હશે ત્યારે ગાડી ઊભી રહી. એણે કોઈકનાં પગલાં પોતાના ડબા તરફ આવતાં સાંભળ્યાં. એ ખૂણામાં સંતાઈ ગયો. ડબા પાસે કોઈક ઊભું રહ્યું અને દરવાજો બિડાયો. પછી પગલાં આગળ ચાલ્યા ગયાં. થોડી વાર સુધી ડબા આગળ ગયા ને પાછળ આવ્યાના અવાજો થયા. કપ્લિંગ ઊઘડવા-બિડાવાના ખખડાટ મચ્યા. પછી તમામ સ્વરો શમી ગયા, ચુપકીદી પથરાઈ. બીજો એકાદ કલાક વીત્યો. કેમ કશો સંચાર થતો નથી? શામળ થાક્યો. એ ચોમેરથી બંધ થયેલા લોખંડી ડબામાં અંધકાર હતો. જુવાને અકળાઈને ઊભા થઈ બારણાં ખેંચ્યાં, પણ બહારથી તાળું લાગી ગયું હતું. શામળ ચોંક્યો, આભો બન્યો. આ શું? નવીનાબાદ આવશે ત્યાં સુધી શું મારે આ કેદખાનામાં પડ્યાં રહેવાનું છે? પણ આ ગાડી ચાલતી કેમ નથી? કદાચ માલગાડી સાઇડિંગમાં ઊભી છે. કોઈ પેસેન્જર-ગાડી નીકળવાની હશે. અરે રામ! હું એ ગાડીમાં બેઠો હોત તો કેવું સારું થાત! પણ એમ વિચાર કરતાં તો એક પછી એક કંઈક કલાકો વીત્યા. છતાં ગાડી ચાલતી જ નથી. એક ભંયકર સંભાવના એના મગજમાં જાગી – કે નક્કી કદાચ આ ડબો કાઢી નાખીને કોઈ સાઇડિંગમાં હડસેલી દીધો લાગે છે. બેત્રણ ગાડીઓ પસાર થઈ. ને દરેક વખતે એણે આતુરતાથી રાહ જોઈ. પણ ગાડીઓ ન અટકી. એ અંધકારમાં બેસી રહ્યો – વાટ જોતો, દિંગ્મૂઢ અને ભયભીત. વખત જાણવાનું કશું સાધન નહોતું. પણ અકેક કલાક અકેક યુગ જેવો જતો હતો. એ ઊભો થાય છે, અને પાંજરે પુરાયેલા પ્રાણીની પેઠે આંટા મારે છે. પછી નીચે સૂઈને એ બહારનો ઝીણો સરખો અવાજ પકડવા પણ કાન માંડે છે – એવી આશાએ કે કોઈક નીકળે તો હું પોકારું. પણ ડબાના તોતિંગ કમાડમાંથી કશું જ નથી સંભળાતું. ભૂખ્યો થયો. પાસે ભાતું હતું તે ખાધું. પણ પછી તરસ્યો થયો. પાણી ક્યાંથી કાઢે? એનું કલેજું થરથરી ઊઠ્યું. આ ભયંકર એકાંતે, જડબેસલાખ ડબાની અંદર પુરાયે પુરાયે પાણીની પ્યાસ લાગવી, એ મશ્કરીની વાત નહોતી. એ તસુ તસુ ડગ માંડતું ચાલ્યું આવતું મૃત્યુ હતું. ઊઠીને એણે દીવાનાની માફક કમાડ પર પાટુઓ મારવા માંડી. પછી લોથપોથ થઈને એ પડ્યો. બીજી માલગાડી નીકળી. એણે ચીસાચીસ કરી મૂકી, પણ ગાડીના ખડખડાટમાં કોણ સાંભળે? પાણીની તરસ વધતી જાય છે. તરસનો વિચાર જ છોડી દેવા પ્રયત્ન કર્યો, તેમ તેમ તો એ વિચાર બેવડા જોશથી મગજ પર ચડી બેઠો. એને લાગ્યું કે, હું મરી જઈશ. મરતા માણસને ભૂતકાળ યાદ આવે. એને પણ પોતાના જીવનની દરેક ઘડી સાંભરી. વળી થયું કે આમ ઉંદરડાની પેઠે મરવું બરાબર નથી; કંઈક રસ્તો કરું. ડબાની તસુએ તસુ જગ્યા જોઈ વળ્યો, પણ ક્યાંયે એકેય ચિરાડ ન દીઠી, ન એક પણ પાટિયું ઢીલું માલૂમ પડ્યું. ડબો લાકડાનો છતાં નવો જ બનેલો હતો. લાગ્યું કે ભૂખમરાથી નહીં પણ કદાચ વેળાસર ગૂંગળાઈને જ મરી જઈશ. એક છૂરી કે એક ચાકુ મારી પાસે હોત! – તો હું ક્યાંઈક બાકોરું પાડીને હવા મેળવત, પણ કશું જ સાધન નહોતું. દરમિયાન ભૂખ અને તરસ વધતાં જાય છે. દરેક ગાડી પસાર થતાં એ અવાજ ફાટી જાય ત્યાં સુધી ચીસો પાડે છે, કમાડ પર પગની લાતો મારે છે, પછી લોથ થઈને પડે છે. ઘણા કલાકે એક માલગાડી નીકળી. ધીરી પડી, અટકી. એક પાગલની માફક એણે પછાડા મારવા માંડ્યા, ડબાના દ્વાર સાથે ધક્કામુક્કી અને ચીસાચીસ મચાવી મૂકી. એનું કૌવત નિચોવાઈ ગયું હતું. ઘડીભર થાય છે કે ભારગાડીને ઊભી રહેવા દીધા પછી જ અવાજ કરવા સારુ જોરને સંઘરી રાખું. વળી બીજી ઘડીએ બીક લાગે છે કે ગાડી ઊભી નહીં રહે તો? એણે પોતાની કારમી ધમાચકડ ચાલુ રાખી. ગાડી થંભી. ડબાઓ જોડાવાના અને છૂટા થવાના ખણખણાટ સંભળાયા. શામળભાઈના પછાડા અને પોકાર ચાલુ હતા. “અલ્યા કોણ છે?” ડબાની પાસે બહારથી ઘોઘરો અવાજ આવ્યો. “ખોલો! હું મરું છું! ખોલો!” શામળનો અવાજ ફાટી ગયો. “અલ્યા શું છે?” “હું પુરાઈ ગયો છું.” “કેમ કરીને અંદર પેઠો તું?” “મને કોઈએ અહીં પૂરી દીધો છે. હું મરું છું.” “કોણ છે તું?” “હું ચાલતી ગાડીએ ચડ્યો હતો.” “હં! બેટો ભામટો કે? ઠીક થયું. બચ્ચાજી એ જ લાગના હશો. હવે અંદર જ બિરાજો.” “ના, ના, હું ભૂખથી મરી જઈશ. હું આંહીં કેટલા દિવસોથી પુરાયો છું! મહેરબાની કરીને મને ઉગારો. ફરી કદી હું આવું કૃત્ય નહીં કરું.” “હં! બહાર કાઢું તો તો તને પોલીસમાં જ સોંપુંને બચ્ચા!” “ખુશીથી. પણ એક વાર આંહીંથી તો મને કાઢો, મહેરબાન.” થોડી ચુપકીદી પછી અવાજ આવ્યો: “કાંઈ પૈસા છે કે તારી કને?” “હોવે – હોવે. છે, પૈસા છે.” “ધીરે ભસ! કેટલા છે?” અવાજ છાનો બન્યો. “કાં! – શું?” શામળ ન સમજી શક્યો. “કેટલા પૈસા છે?” “એંશી રૂપિયા.” “લાવ, દઈ દે મને. તો બહાર કાઢું.” “ભાઈસા’બ! બધા હું શી રીતે દઈ દઉં?” “તો સારું. મરી રહે અંદર.” “એ ભાઈસા’બ! ભાઈસા’બ!” શામળે ચીસ પાડી, “આ લો. પણ થોડાક મારા માટે રે’વા દેજો. તમારે પગે લાગું છું.” “પાંચ તારે માટે રાખ; બાકીના દઈ દે. ચાલ જલદી કર. છે કબૂલ?” “ભલે.” “જોજે હાં, પાછળથી તારી ચાલાકી નહીં ચાલે.” “ચાલાકી નહીં કરું. મને બહાર કાઢો.” “જો ચાલાકી કરી છે ને તો માથું જ ભાંગી નાખ્યું જાણજે.” એવો ઘોઘરો અવાજ કાઢીને એ આદમીએ થોડુંક બારણું ઉઘાડ્યું. એના હાથથાં બત્તી હતી. બત્તીના પ્રકાશે શામળભાઈની આંખોને આંજી નાખી. “હવે લાવ, કાઢ રૂપિયા.” બત્તીવાળા આદમીએ એક બાજુ ઊભા રહીને હાથ લંબાવ્યો. “આપું છું હો ભાઈસા’બ!” કહીને એણે અંદરના ગજવામાં હાથ નાખી, ચીંથરી છોડવા માંડી: “પણ હું ગણી નહીં શકું, મારી નજર પડતી નથી.” “લાવ આંહી, હું ગણી લઉં.” પડીકું લઈને એ બત્તીવાળો અલોપ બન્યો. બહાર અંધારે ઊભેલા શામળે દોડ્યાં જતાં પગલાંનો અવાજ સાંભળ્યો. ઘડીભર તો એને ગમ જ ન પડી. પછી એણે ચીસ પાડી કે, “મને પાંચ રૂપિયા આપતા જાવ. પાંચ રૂપિયા દેતા જાવ.” એમ પોકારતો બારણાને ધકેલીને એ નીચે ખાબકી પડ્યો. ગાડી ઊપડી. એણે પેલા બત્તીવાળાને ગાડીના એક આગલા ડબા પર ચડતો દીઠો. એ ગાડીની સાથે સાથે દોડ્યો. દોડતાં દોડતાં તારમાં અટવાઈને એણે બે ગડથોલિયાં ખાધાં, અને ઊભો થયો ત્યારે ગાડીમાંથી પેલી બત્તીને ઝૂલતી જોવાનો સંતોષ લીધો. પણ એક પલમાં એને ભાન થઈ ગયું. પૈસા ગયા. ભૂખતરસથી પ્રાણ નીકળે છે. આંહીં રાતવેળાનો એકલો અંતરિયાળ હું મરી જઈશ. એક છલંગ – ને એણે ચાલતી ગાડીના એક ડબાનો હૅન્ડલ ઝાલી લીધો. એ ઉપર ચડી ગયો. એકાદ કલાકે ગાડી ધીમી પડી ને શામળે આખો પ્રદેશ લાલ લીલી પીળી બત્તીઓથી ઝળાંઝળાં થતો દીઠો. લાગ્યું કે શહેર કોઈ મોટું આવ્યું છે. પરોઢના અજવાળામાં મોટી ઇમારતોના ઝાંખા પડછાયા પણ નજરે પડ્યા. ઊતરીને લથડતે પગલે શામળ પાટે પાટે ચાલીને સ્ટેશનની એક ઑફિસમાં દાખલ થયો. કોઈ આદમી લખતો હતો તેને પૂછ્યું: “મહેરબાન, અહીં પાણી પીવા મળશે?” “સામેના ખૂણામાંથી લઈ લે.” ઊંચું માથું પણ કર્યા વિના એ ભાઈએ કહ્યું. પાણી એને અમૃત સરખું લાગ્યું. પેટ ફાટફાટ થતાં સુધી એણે પીધા કર્યું. પછી એ ઊભો, બીતો બીતો બોલ્યો: “મારે તમને એક વાત પૂછવી છે, મહેરબાન.” “શું છે?” “હું લાંઘણો કરીને મરવા ઉપર આવ્યો છું. કશું ખાવાનું જ કેટલા દિવસથી દેખ્યું નથી.” “ઓહો! એમ છે? બહાર નીકળો! નીકળો! જલદી!” “તમે સમજ્યા નહીં, મહેરબાન!” “મારે નથી સમજવું. નીકળ જલદી. આંહીં તારી ચાલાકી નહીં ચાલે. ભિખારીઓને માટે તો આંહીં કાયદો છે, સમજ્યા બેટમજી? ચલાવ!” ભિખારો! એ શબ્દ શામળને સોટા સરખો વાગ્યો. “હું ભિખારી નથી.” એણે જોરથી ત્રાડ દીધી, “મારે ભીખ નથી જો’તી. હું એના...” એટલું કહેતાં એ થંભી ગયો. કહેવા જતો હતો કે, “હું એના પૈસા ચુકાવીશ.” શરમથી સળગી મરતો એ બહાર નીકળ્યો. ત્યાં જ એણે પ્રતિજ્ઞા કરી કે, “ગમે તે થાય, હું ભીખ તો કદી માગવનો જ નથી. મહેનતથી રળ્યા વગરનું એક રોટલાનું બટકું પણ મોંમાં મૂકવું હરામ છે મારે.”