સફરના સાથી/પતીલ
અગર ખંજર તમે છો ભોંકનારા,
દુઆ માગી રહ્યો છું હું સદા હકમાં તમારા.
સદ્દગત પતીલે લખેલી ગઝલનો વિચાર કરું છું ત્યારે ઘણા બધા પ્રશ્નો વાચક સ્તરે અનાયાસ ઊભરે છે. પતીલ સ્વભાવે જ વિલક્ષણ કવિ હતા. શાળામાં ઉર્દૂ ફારસીનું ભાષાશિક્ષણ હતું ત્યારે પતીલ એ ભાષાના શિક્ષક હતા, પણ એ શિક્ષણ બંધ પડે છે. પતીલ બેકાર બની ભૂખમરાની સ્થિતિમાં જીવે છે ત્યારે એમને બિરદાવનારા વિવેચકોમાં શિક્ષણાચાર્ય પણ હતા! પણ કવિની વાસ્તવિક સ્થિતિ પર કોઈનું ધ્યાન ગયું? પતીલ સાચે જ ઓલિયા કવિ હતા. મહાગુજરાત ગઝલ મંડળની કારોબારીમાં એમનું સ્થાન હતું અને એમણે સુરતમાં યોજાયેલા મુશાયરામાં ભાગ લેવા માંડ્યો ત્યારે જ શ્રોતાઓએ એમને મંચ પર જોયા, સાંભળ્યા. એમની કવિતા એમના જુદા પડતા વ્યક્તિત્વની મુદ્રા અને મિજાજની. એ મંચના કવિ નહોતા, મંચ પૂરતા કવિ તો નહોતા જ. એવા ઓલિયા મિજાજના કવિને મેં નિકટથી જોયા. એ માણસ કેવળ નિજી મુદ્રાનો, સ્વભાવે ઓલિયા મિજાજનો હતો. એમના પ્રત્યેના સન્માન સહિત કહી શકું કે એમને ઉર્દૂ ફારસીના તળ સુધી પહોંચવાની તક જ મળી નહોતી. અરબી ફારસી જાણતા અમીન આઝાદે એમની એક કૃતિની તપાસ કરી. એમાં પ્રયોજાયેલા ગુજરાતી નહીં એવા શબ્દોની તપાસ કરી, તે પહેલાં એમની સાથે એ વિશે ખાસ્સી ચર્ચા થઈ હતી. યાદ છે ત્યાં સુધી પતીલે જવાબ પણ આપેલો. ત્યારે આર્ટ્સ કૉલેજમાં પ્રશિષ્ટ ભાષાશિક્ષણમાં ફારસીને સ્થાન હતું. દી. બ. ઝવેરીએ ફારસી કવિતાનું તો આખું કુટુંબ છે, પણ મૂળભૂતરૂપે તો ગઝલ જ પરિચિત એમણે ફારસી ભાષાશિક્ષણ માટે અંગ્રજી ભાષામાં ઉરુઝની ચોપડી લખી હતી. આપણા પંડિત સાક્ષરોમાં વગદાર, પ્રભાવશાળી શિક્ષણાચાર્યો હતા, એમાંના કોઈકે તો પતીલને સ્કોલરશિપ અપાવીને પણ ફારસીના શિક્ષણનો પ્રબંધ કરવો જોઈતો ન હતો? એક બીજો પ્રશ્ન ‘પ્રભાત-નર્મદા’ના પ્રાગટ્ય પછી પતીલની ગઝલો પર ધ્યાન જાય છે. વિવેચનના ધોરણે અર્થ ચાલે છે ત્યારે દી. બ. ઝવેરી કહે છે તેવા શુદ્ધ સ્વરૂપની અને કાવ્યતત્વ ધરાવતી ગઝલ સમાંતરે રચાતી હતી તે તરફ ધ્યાન જવું જોઈતું નહોતું? આ સપાટી પરના પ્રશ્નો છે. કશી પારગામી વાત નથી. પતીલ નખશિખ ચીલા બહારના કવિ. ‘પ્રભાત નર્મદા’માં આવેલી ગઝલો વિશે વિવેચકોએ તો લખ્યું, પણ દી. બ. ઝવેરી, સંજાણા તો ગઝલના જાણતલ—એમણે કશું ન લખ્યું! તેઓ ગમે તે સ્વરૂપમાં હોય તે કાવ્યપદાર્થને તો જોઈ પારખી શકતા હતા.
હળવે રહીને કાઢજો કાંટો અનોખી કિસ્મનો
કે એ જ રિબાતો હતો ને એ જ ભોંકાતો હતો!
પતીલનો આ શેર સારો છે, પણ ‘કાઢજો’ એ ક્રિયા વર્તમાનમાં બને છે કે હવે પછી એ પ્રશ્ન થાય, બેમાંથી એક સ્થિતિ તો સંભવે, પણ બીજી પંક્તિમાં કવિ કાંટો ભોંકાતો, રિબાતો હતો કહે છે! આવા કાળભેદનો પ્રશ્ન થાય. જે ક્રિયા બનવાની છે તે પહેલાં જ એનું કારણ મટી ગયું? ‘કાઢજો’ને સ્થાને ‘કાઢિયો’ શબ્દ હોત તો આ પ્રશ્ન થતે નહીં. પતીલની લાક્ષણિકતા જ એમનો ‘મિજાજ’ હતો અને ગઝલ અન્ય કાવ્યસ્વરૂપે મિજાજથી નોખી તરી આવે છે. મુસ્લિમ ગુજરાતી સાહિત્ય મંડળે યોજેલા મુશાયરાઓની મુદ્રિત ગઝલો સૂચવે છે કે માત્ર થોડાકમાં જ એ મિજાજ હતો. હાઈસ્કૂલમાં પર્શિયન ભણાવવાનું બંધ પડ્યું, ‘પતીલ’ બેકાર બન્યા. કોઈએ એમની ભાળ ન લીધી. એ કેમ જીવતા હતા એનો ખ્યાલ, કોઈને નહતો. શ્રેયસ સંસ્થાની સ્થાપના, સુ. જો.એ સર્જેલી નવી આબોહવામાં જુવાન મિત્રો ગઝલ વિષે પણ ચર્ચા કરતા. પતીલની વાત આવી ત્યારે હવે તો સંસ્કૃતના પ્રોફેસર અજિત ઠાકોર અંકલેશ્વર એમને મળવા ગયા ત્યારે પતીલના હાલ જોઈ સ્તબ્ધ થઈ ગયા. ખાટલે કાયા લંબાવેલી. એમને વાંચવાવિચારવા સિવાય બીજું શું હોય? પણ એમની આંખે ચશ્માં અને કાચ ફૂટી ગયેલા તે કાચ નખાવવાનીય ત્રેવડ નહીં! એ વાંચવાનાં ફાંફાં મારતાં. પાસે હતા એટલા પૈસા એમની ગોદડી નીચે મૂકી અજિત ઠાકોર— પાછા શું વળે? વાસ્તવિકતાથી ત્રાસી નાસી જ છૂટ્યા એમ કહી શકાય! સુરતમાંથી ‘ગુજરાત’ નામે દૈનિક પ્રગટ થતું હતું. તેમાં આવતા સાહિત્ય વિભાગના સંપાદક પતીલ હતા. એમનું વિલક્ષણ ગદ્ય પણ આસ્વાદવા—પારખવા જેવું હતું. બધો સંચય મારાથી અજાણ પસ્તીમાં શું ગયો? જાણે ઐતિહાસિક સંપત્તિ ગઈ...
છેલ્લો આશરો
હતા જે કાફીશાળાઓ મહીં સાથે થનારા,
થઈ ભેગા બજારોમાં કરે કર આપનારા.
ખુશાલીના વખતમાંહે ખબર મુજ રાખનારા,
રફીકો ક્યાં ગયા આજે ખુશામતિયા અમારા?
મુસીબતમાં નથી કોઈ સલામત પૂછનારા,
કબરમાં છે નહીં શમ્સો-કમર અથવા સિતારા.
હતા બિસ્તર ઉપર જેઓ દિલેદિલ દાબનારા,
જનાજામાં સૂઈ સાથે નથી તે આવનારા.
મને જીવતો દફન કરવા થયા તૈયાર મારા-
ભૂલું હું કેમ તમને, ઓ મને ભૂલી જનારા?
રહ્યો છું એકલો હું ચાલી આ રસ્તે મહારા,
મહારી માલિકીઓમાં મઝાથી મહાલનારા.
નથી લેવા મને ઇચ્છા સમરકંદો—બુખારા,
ખરાં બે લાગણીનાં માગું છું હું આંસુ ખારાં.
અગર ખંજર જિગરમાં છો તમે આ ભોંકનારા,
દુઆ માગી રહ્યો છું હું સદા હકમાં તમારા.
ન પાસે આશરો લીધો ‘પતીલે’ કોઈ પ્યારા,
રહ્યો છે આશરો તારો ફક્ત પરવરદિગારા!
▭