સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – અનંતરાય રાવળ/વિવેચક અનંતરાય રાવળ : સહૃદયધર્મના ઉપાસક

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિવેચક અનંતરાય રાવળ : સહૃદયધર્મના ઉપાસક

–દર્શના ધોળકિયા

ઉત્તમ અધ્યાપક તરીકે પ્રમાણિત થયેલા અનંતરાય રાવળે ૧૧ વિવેચનગ્રંથો, મધ્યકાલીન સાહિત્યનો ઇતિહાસ, બાર સંપાદનો પોતાનાં ને ૧૩ અન્યો સાથે એમ કલ ૨૫ સંપાદનો, એક અનુવાદ ને એક પ્રકીર્ણ (આહારવિજ્ઞાન) એમ કુલ ૩૮ જેટલા ગ્રંથો ગુજરાતી સાહિત્યને ચરણે ધર્યા. મધ્યકાલીન સાહિત્યનો ઇતિહાસ જેવું રસાળ ને અભ્યાસપૂર્ણ વિવેચન તો અનન્ય આદર ને લોકપ્રિયતાની સીમાચિહ્નરૂપ કૃતિ બની રહી.

પોતાની વિવેચન-પ્રીતિનો પરિચય આપતાં નમ્રતાપૂર્વક રાવળસાહેબ નોંધે છે : ‘વિવેચક’ શબ્દ મને બહુ મોટો લાગે છે. પોતાને ‘સહૃદય તરીકે ઓળખાવતાં એ કહે છે કે, મારામાંનો અધ્યાપક જ સહૃદય બન્યો છે, અને સહૃદય જ બન્યો દેખાશે અધ્યાપક. બંનેએ પરસ્પરનું ભાવન કર્યું છે.’ (સાહિત્યનિકષ, પૃ. ૧)

અનંતરાય રાવળના નિવેદનમાં વિહરતાં પહેલાં તેમનો વિવેચક ને વિવેચન વિશેનો અભિપ્રાય તપાસવો ઉપકારક થાય તેમ છે. તેમને મળેલા રણજિતરામ ચંદ્રકની સ્વીકૃતિ વેળાએ તેમણે જણાવેલું તેમ : ‘મારે મતે સહૃદયતા, સૌંદર્યદૃષ્ટિ, વ્યુત્પત્તિ અને સત્યનિષ્ઠા, એ ચાર ગુણમાં બધું સમાવિષ્ટ થઈ જાય... સર્જકે જીવનના જે ખૂણા પર ઊભા રહી જીવનને જોયું હોય તે જ ખૂણા ઉપર સર્જકનાં જ આંતરચક્ષુથી ને હૃદયથી અનુભૂતિ વિવેચકે કરવી જોઈએ. એટલા માટે જ એને ભાવક એટલે કવિના જ જેવો ભાવ અનુભવનાર, અથવા સહૃદય એટલે કવિના સમાન હૃદયવાળો, ભારતીય સાહિત્યમીમાંસકોએ કહ્યો છે. આવી પરભાવનભૂતિ કે પરચિત્તપ્રવેશ માટે એની પાસે જોઈએ સદા તત્પર, વિશુદ્ધ અને કાર્યક્ષમ સંવેદનતંત્ર કે ઊર્મિતંત્ર.’ (સાહિત્યનિકષ, પૃ.૬) જોગાનુજોગ તો એ જોવા જેવો છે કે ઉમાશંકરે પણ રણજિતરામ ચંદ્રક મેળવતાં વિવેચક વિશે આ સૂર વ્યક્ત કર્યો છે : ‘કલાકારને સમકાલીનો કે ભાવિ રસિકો જો કોઈ પણ અનુકૂળતા આપી શકે એમ હોય તો તે એને સમજવા પોતે પ્રયત્ન કરે, સમસંવેદનશીલતા દાખવે, એ સિવાય ભાગ્યે જ બીજી કાંઈ હોય.’ (સમસંવેદન – પૃ. ૧૫-૧૬) વિવેચનની આ સમજ પર ચણાયેલી રાવળ સાહેબની વિવેચક પ્રતિભાનો નકશો જોવો રસપ્રદ થઈ પડે છે.

અનંતરાયના વિવેચનવિચારના અહીં ચાર ખંડ પાડ્યા છે : તેમણે વિવેચેલાં સાહિત્ય સ્વરૂપો, કૃતિઓ, સાહિત્યકારો ને તેમણે કરેલી સાહિત્યવિષયક વિચારણા. આ રીતે ક્રમશઃ એમની વિવેચના તપાસવાનો ઉપક્રમ છે.

ગુજરાતીનાં મધ્યકાલીન તેમજ અર્વાચીન સાહિત્યસ્વરૂપો ને સર્જકો વિશે એક સરખી વિદ્વતપ્રતિભાથી અનંતરાયની વિવેચના વિહરી છે. મધ્યકાલીન સ્વરૂપો વિશેની તેમની સમજ અત્યંત સાફ છે. આખ્યાન અને પદ્યવાર્તાએ બજાવેલાં કર્તવ્યને અર્ધ્ય આપતાં અનંતરાયે કરેલું નિરીક્ષણ એ બંને સ્વરૂપની સમજની સાથેસાથ મધ્યકાળના યુગસંદર્ભને સ્પષ્ટ કરી આપે છે :

‘આ આખ્યાનોએ તેમના ઉદયકાળે પોતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ ધરીને ઊભી થતી આપણી ભાષાને સારા પ્રમાણમાં ખેડી અને વિકસાવી છે. પણ ભાષાસાહિત્યની સેવા કરતાં ગુજરાતી સંસ્કારસેવા તેમને હાથે વિશેષ થઈ છે. આપણાં ધર્મ, તત્ત્વજ્ઞાન અને સંસ્કૃતિના ઉત્તમ અંશોને અને તેનાં સારતત્ત્વોને મિત્ર માફક, ઉપદેશ કરતી કથા-આખ્યાયિકાઓ દ્વારા જનતા સુધી પહોંચાડી, જે કાર્ય સમયમાં પુરાણોએ બજાવ્યું હતું તેવું જ કાર્ય બજાવી, મધ્યકાલીન ગુજરાતી આખ્યાનોએ આપણી પ્રજાનાં ધર્મસંસ્કાર તથા ભક્તિભાવના જાગતાં રાખ્યાં અને પોષ્યેં છે. શાસન મુસલમાનોનું હતું છતાં લોકોની ધર્મભાવના, આચારવિચાર, જીવનદર્શન, એમના વ્રતો, ઉત્સવો, કથાઓ વગેરે એનાં એ જ રહ્યાં, એનો ઘણો જશ આખ્યાનકારોનેય જાય.’ (કવિ પ્રેમાનંદકૃત નળાખ્યાન, ઉપોદ્‌ઘાત, પૃ.૧૦)

તો પદ્યવાર્તા વિશેનું તેમનું આ નિરીક્ષણ પણ આ જ વાત પર ભાર મૂકે છેઃ

‘આ વાર્તાસાહિત્યે મધ્યકાળના જનહૃદયમાંના ચિરંતન શિશુને અદ્‌ભુતરસિક કલ્પનાકથાનો કેવો મીઠો વાર્તારસ પાયો હશે, લોકોનો જીવનનો થાક અને એકધારા નિત્યજીવનની એકતાનતાજન્ય નીરસતા હરી તેના દિલ અને દિમાગને પ્રફુલ્લ બનાવે એવો કલ્પનાવિહાર કેવો કરાવ્યો હશે, અને વાર્તાનાં પાત્રોનાં પ્રેમ, પુરુષાર્થ ને પરાક્રમો સાથે સમરસ્ય અનુભવાવી લોકની અક્રિય કે અપ્રયુક્ત રહેલી રસ-પરાક્રમવાસનાનો એવા કલ્પનાભોગથી કેવો મોક્ષ કરાવ્યો હશે, અને લોકોને માત્ર મનોરંજન જ નહિ, પરંતુ સામાજિક આચાર વિચાર, બુદ્ધિચાતુરી, વ્યવહારજ્ઞાન, નીતિબોધ અને જીવનનાં મૂલ્યો અને આદર્શોની પણ કેવી સીધી તેમ પરોક્ષ શીખ આપી હશે, એ વિચારીએ છીએ ત્યારે એના સર્જકોએ મધ્યકાલીન જનસમાજની કેવી અવિસ્મરણીય સંસ્કારસેવા બજાવી છે એેનો ખ્યાલ આવે છે.’ (સાહિત્યનિકષ, પૃ. ૫૦)

અનંતરાયનાં કૃતિ વિવેચનોમાં જે તે કૃતિનું થયેલું સમગ્રલક્ષીકક નિરીક્ષણ તેમની અધ્યાપકીય સજ્જતા, અનન્ય વિદ્વત્તા, વિષયપ્રીતિ, પૂર્વ અને પશ્ચિમના સાહિત્ય તેમ જ વિવેચનાનું વિશાળ વાચન ને પર્યષક પ્રજ્ઞાનો સાથેલાગો પરિચય કરાવે છે. પ્રેમાનંદ કૃત ‘નળાખ્યાન’માં નળની બદલાયેલી મતિની આલોચના કરતાં અનંતરાય નોંધે છેઃ ‘વિનાશકાળે વિપરીત બુદ્ધિ’નું દૃષ્ટાંત અને એવી ઘટનામાં દુર્નિવાર નિયતિનું પ્રાબલ્ય ન જોઈએ તો માનવજીવનમાંના એક બીજા કારુણ્યનું દર્શન થાય. ‘પુણ્યશ્લોક’ની, સમજુ જ્ઞાનવાન માણસની બુદ્ધિમાં વિકાર પેદા થાય એ જ દુનિયાની એક મોટી કરુણ ઘટના નથી? .... કળીએ નળની બુદ્ધિ ભ્રષ્ટ કરી એ હકીકતમાં અન્યથા સુશીલ અને સુજ્ઞ પુરુષની મતિમાં ક્યારેક ઉપજતા વિકાર કે દુર્વૃત્તિને વ્યાસે (અને આપણા કવિએ) કળિમાં મૂર્ત પાત્રરૂપ આપીને માનવજીવનના એક મોટા કારુણ્ય ઉપર આંગળી મૂકી છે.’ (કવિ પ્રેમાનંદકૃત નળાખ્યાન, ઉપોદ્‌ઘાત, પૃ. ૪૩, ૪૪)

‘નળાખ્યાન વિશે પોતાની વિચારણાનો અંતિમ નિષ્કર્ષ આપતાં તેઓ નોંધે છેઃ ‘જોઈ શકાશે કે પ્રયોજનની દૃષ્ટિએ નળ-દમયંતીની કથા ભારતીય તેમ પાશ્ચાત્ય બેઉ આદર્શને સંતોષતી કરુણકથા બની છે તો સિદ્ધિની દૃષ્ટિએ સ્થૂળથી સૂક્ષ્મ, દૈહિકથિ આત્મિક, ભૂમિકામાં વિકાસગતિ કરતી સ્નેહલગ્ન અને લગ્નસ્નેહ કે દાંપત્યના ઊજળા આદર્શની ઊંચા સ્તરની પ્રેમ-કથા તે અનાયાસે બની ગઈ છે.’ (કવિ પ્રેમાનંદકૃત નળાખ્યાન, ઉપાદ્‌ઘાત, પૃ. ૪૭)

પ્રેમાનંદ અનંતરાયના પ્રિય અને આદરપાત્ર કવિ છે. નળાખ્યાનના સંદર્ભમાં તેમણે કરેલી પ્રેમાનંદની મૂલવણી પ્રેમાનંદના સમગ્ર સર્જનને લાગુ પડે તેવી છે : ‘એનાં આખ્યાનોમાં થતું એના વ્યક્તિત્વનું દર્શન ઘણું સુખકર છે. જનમનરંજક આખ્યાનકાર, ભાષાપ્રભુ રસસ્વામી કવિ અને કલાકાર, ગુજરાતી સંસારનો સાચો નિરીક્ષક અને નિરૂપક, સાચા સાહિત્ય પેઠે માનવીની માનવતામાં રસ ધરાવતો, માનવીના ભાવો અને અપ્તરંગી લીલાનો ક્યારેક મજાકખોર પણ બહુધા સમભાવી દ્રષ્ટા અને કુશળ આલેખક, અને આખરે તો શ્રોતાઓને ‘શ્રી હરિકેરો સંબંધ’ કરાવવા મથતો, ‘રામચરણકમળમકરંદ’ સેવવા ઇચ્છતો ભક્તિનમ્ર વિપ્ર પ્રેમાનંદ : આ સર્વ પ્રેમાનંદોનું તેનાં આખ્યાનોમાં થતું દર્શન તેને લોકોનો પ્રેમ અને આદર જિતાવી આપે એવું છે.’ (કવિ પ્રેમાનંદકૃત નળાખ્યાન, ઉપાદ્‌ઘાત, પૃ. ૨૬)

વાર્તાકાર શામળને મૂલવતાં કવિ તરીકે શામળ તેમને પ્રેમાનંદ જેવું ગજું ધરાવતો જણાયો નથી પણ વાર્તાકાર તરીકે એને ઉચિત ન્યાય આપતાં તેમણે શામળનું સ્વસ્થ મૂલ્યાંકન કર્યું છે : ‘પણ કવિતા માટે આપણે કયાં શામળ પાસે જઈએ? એ તો વાર્તાકાર છે અને તેથી એવા તરીકે જ તેની સેવાનું માપ કાઢવાનું રહ્યું. એની સેવાનું મૂલ્યાંકન ઇતિહાસલક્ષી ધોરણે જ કરાય. અત્યારને કાટલે તેને જોખતાં તો તેને અન્યાય થવાનો સંભવ છે. જ જમાનામાં કવિઓ સંસ્કૃત પુરાણો અને રામાયણ, મહાભારત, ભાગવતાદિ ગ્રંથો પર જે નજર નાખતા અને જ્ઞાનભક્તિ વિના બીજા વિષયોનું કવન કરતાં અચકાતા, તે વેળા આ ‘શ્રીગોડ માળવી વિપ્ર’ જરાય સંકોચ વગર માનવી માનવતાનું જ વાર્તારૂપે રસપૂર્વક કથન કરી, પોતાનાં ગુજરાતી ભાંડુઓને આનંદ સાથે ચતુરાઈ, લોકવ્યવહારજ્ઞાન અને નીતિબોધ આપી ગયો, અને એમનાં જીવનનાં દુઃખદર્દો પર મલમપટ્ટા લગાવી થોડી વખત એને વિસરાવી ગયો એમાં જ એની ખરી સેવા રહેલી છે. છપ્પાના ખાં અને વાર્તાકાર શામળ ભટ્ટનું સ્થાન મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં અવિસ્મરણીય છે અને રહેવાનું તે આ કારણે.’ (ગંધાક્ષત, પૃ. ૩૮)

શામળ વાર્તાકાર તરીકેના પ્રદાનને મૂલવતાં મૂલવતાં એને ઉચિત અંજલી આપતાં અનંતરાયે એની અર્થસભર પ્રશંસા કરતાં નોંધ્યું છે : ‘...એટલું ખરું કે શામળ સુગાળવો કે મરજાદી નથી; સાધુવૃત્તિનો નહિ પણ રંગીલો આદમી છે. અર્વાચીન માનસને વધુ અનુકૂળ એવી, ઇન્દ્રિયોનો રસ માણવાની સંસારી માણસની વૃત્તિનું, આથી એ પોતાની વાર્તાઓમાં યથાશક્તિ સાચું દર્શન કરાવે છે. કામવાર્તાઓનું પ્રમાણ તથા શૃંગારચેષ્ટાઓનું વર્ણન એની વાર્તાઓમાં ઘણું હોય છે. વિલાસનું અને અનીતિનું વર્ણન એ લ્હેરથી કરે છે ખરો, પણ અનીતિને ખાતર જ, કે અનીતિમાં વિકૃત રસ એને છે માટે એની વાર્તાઓ લખાયેલી નથી લાગતી. ‘સુડાબોતેરી’ની વાર્તાઓ પાછળનો આશય, જે ઠે રઠેર એ ભાર દઈને બતાવતો ગયો છે, તે તો પુરુષોને પરનારીસંગ તજવાનું અને સ્ત્રીઓને નૈતિક શુદ્ધિ જાળવવાનું શીખવવાનો છે. ‘નંદબત્રીસી’ના અંતમાં પણ એવો જ ધડો લેવાનું તે ફરમાવે છે. એટલે તેની વાર્તાઓ વિલાસપ્રેરક કે અનીતિ શીખવનારી છે એવો આક્ષેપ વાજબી નથી. એ તો એક સાહિત્યકારની માફક માનવીનો સંસારી રસ, જીવન અને જગતનો રસ, પોતાને આવડ્યું તેવી રીતે નિઃસંકોચ ગાઈ ગયો છે. એમ છતાં નીતિની દૃષ્ટિ એણે વેગળી કરી નથી.’ (‘ગંધાક્ષત’, પૃ. ૩૩, ૩૪)

મધ્યકાલીન કૃતિઓ ને સર્જકોને આવી સાફ નજરે પામી શકેલા અનંતરાયે કરેલી અર્વાચીન કૃતિઓની આલોચના પણ એટલી જ અભ્યાસપૂર્ણ ને આસ્વાદ્ય બની છે. સરસ્વતીચંદ્ર ને ગોવર્ધનરામ એમની અતિપ્રિય કૃતિ ને કર્તા જણાય છે. સરસ્વતીચંદ્રના પાત્રવિધાન પર ઓળધોળ થયેલા અનંતરાયે કૃતિના ચારેય ખંડને કેવા તો ઊંડળમાં લીધા છે, તે જોવા જેવું છે : ‘સરસ્વતીચંદ્ર’નાં મુખ્ય પાત્રો ધમાલિયાં, ચંચળ, ક્રિયાશીળ કે બાહ્ય ચળકવાળાં નહિ પણ ઊંડાં અને વિચારશીલ લાગે છે, તેનું કારણ ગોવર્ધનરામ આ રીતે તેમનાં આંતરજીવનનું લગભગ પૂરું દર્શન કરાવવા મથ્યા છે તે છે. ‘સત્યસંશોધક વર્ગ માનસશાસ્ત્રના અભ્યાસને અર્થે જ નવલકથા વાંચે છે.’ એમ કહેનાર ગોવર્ધનરામ એ વર્ગને પૂજનીય ગણે છે. એ પૂજનીય સત્યશોધક વર્ગને આ રીતે એમણે ભાવતું ભોજન પોતાની નવલકથામાંના પાત્રવિધાનથી પીરસ્યું છે. આટલું ગોવર્ધનરામ કરી શક્યા છે તે એમની જનસ્વભાવની કુશળ પરખને જોરે. એને લીધે જ એ નાનાંમોટાં બધાં પાત્રોની – પછી તે ખાચર હોય, બિંદુ હોય, અર્થદાસ હોય, ચંડિકા હોય, વીરરાવ હોય કે ચંદ્રકાન્ત કે કુસુમ હોય – વ્યક્તિગત લાક્ષણિકતાઓ તેમજ અમુક પરિસ્થિતિમાં તેમના એવા વ્યક્તિત્વને સર્વથા સુસંગત એવું તેમનું વર્તન કુશળતાપૂર્વક નિરૂપી શક્યા છે. માનવચિત્તના કુશળ જ્ઞાતા બન્યા વિના કોઈ નવલકથાકાર આવી મહતી પાત્ર સૃષ્ટિ સરજી શકે નહીં.’ (‘ગંધાક્ષત’, પૃ. ૮૭)

આ કૃતિના પાત્રચિત્રણની ચર્ચા કરતાં કરતાં અનાયાસે એના સર્જકનું જીવનદર્શન પણ અહીં અંકાઈ જાય છે : ‘પાત્રોનાં આ આંતરજીવનનું દર્શન ગોવર્ધનરામે સામર્થ્યપૂર્વક કરાવ્યું છે. પાત્રોનાં બાહ્ય વાણીવર્તનથી આપણને વાકેફ કરીને જ એ સંતોષ માનતા નથી. એ તેમનાં હૃદયના પાતાલધરા સુધી આપણને લઈ જઈ તેમાં આપણને સ્નાન કરાવે છે. એમની વેદના, મંથન, હર્ષશોક, સહનતપન, ભાવનાજીવન, વગેરેનો આથી એવો સાક્ષાત્કાર વાચકોને થાય છે કે ઘણા વખત સુધી એમની સ્મૃતિ ચિત્તમાંથી ખસતી નથી. વિશેષતઃ આ દેખાય છે કેટલાંક પાત્રોના મહત્ત્વનાં મનોમંથનોના નિરૂપણમાં. ખરી રીતે કલાકારની શક્તિની ખરી કસોટી પ્રચંડ ભાવયુદ્ધો કે મનોમંથનો એ કેવી રીતે ચીતરી જાય તે પરથી જ થાય. ગોવર્ધનરામની એવી શક્તિનું દર્શન કરાવતાં આવાં પાત્રમંથનોમાં સૌથી મહત્ત્વનાં છે ગ્રંથનાં નાયક અને નાયિકાનાં. નાયકના ગૃહત્યાગની સાથે જ નાયક અને નાયિકાનાં હૃદય પ્રાપ્ત પરિસ્થિતિને અનુકૂળ બનવાનો ભગીરથ પ્રયત્ન કરવાની સાથે પ્રીતિની વિરહવેદનાનો બોજ ઊંચકે છે તે લગભગ છેક લગી.’ (ગંધાક્ષત, પૃ. ૮૧)

સર્જક ગોવર્ધનરામ પ્રત્યે લગભગ અંજલિબદ્ધ બનીને અને છતાં પુરા તાટસ્થ્યથી અનંતરાયે એમની કરેલી મૂલવણી અત્યાર સુધી ગોવર્ધનરામના થયેલા મૂલ્યાંકનોમાં જુદી ભાત પાડે એવી છે : ‘ગોવર્ધનરામ પંડિત હતા, રસિક હતા, સ્વદેશવત્સલ પંડિત હતા; ઉત્તમ કોટિના મુલગામી ચિંતક અને જીવનસમીક્ષક હતા. વિદ્યાના ઉપાસકો અને સંસ્કારસેવકોએ આ યુગમાં અન્નપૂર્ણાનો પ્રસાદ મેળવી લીધા બાદ ભગવતી શારદાના મયૂર કે વીણા બની, પ્રજાના સારસ્વત પ્રવાહના કે જીવનપ્રવાહના તટસ્થ દ્રષ્ટા અને પર્યાલોચક બની, વાચન-મનનથી આત્મવિકાસ સાધતા જઈ, પ્રજાના લાભાર્થે લેખન દ્વારા એનું પ્રતિફલન કરી, આત્મકલ્યાણ સાથે લોકકલ્યાણની યુગપત સંવાદી સાધના કરવી જોઈએ એવી એમની એમને વિશેની ભાવના હતી.’ (‘સાહિત્યનિકષ’, પૃ. ૮૧)

ગોવર્ધનરામના દર્શનને ઝીલતાં છેવટે અનંતરાયે કરેલું તેમનું આ મૂલ્યાંકન આજે પણ કેટલું પ્રસ્તુત ગોવર્ધનરામે રાખેલો ઈશ્વરલીલાનું ચિત્ર આપવાનો આદર્શ, બીજી રીતે કહીએ તો, દશે દિશાએ મચી રહેલા કોલાહલની તળે સરતા ભિન્ન ચિત્ર સંસારને જોવાનો સરસ્વતીચંદ્રનો અભિલાષ એ સર્જકનો જ અભિલાષ છે. એ અભિલાષ એમણે આવું સંસારદર્શન કરી કરાવીને જાણે સિદ્ધ કર્યો છે. ‘સરસ્વતીચંદ્ર’ના પહેલા ભાગની પ્રસ્તાવનામાંનું, ‘વિદ્યા, દ્રવ્ય, અધિકાર, સ્વતંત્રતા અને વિશુદ્ધિ : એ સર્વના પ્રકાશમાં, છાયામાં, અંધકારમાં તથા અધવચ રહેતાં મનુષ્યોની સ્થિતિઓ ને સંક્રાન્તિઓ દર્શાવવા યત્ન કર્યો છે કે સર્વ વાંચનારને કોઈ કોઈ પાત્ર ઉપર સમભાવ થાય અને અનુકરણ સારુ ઉપમાન મળે’ એ વાક્ય આ પાત્રવૈવિધ્યની સહેતુકતા દર્શાવી આપે છે. એકેએક થરનાં પાત્રોનું અને એ પાત્રોની લીલાભૂમિ બની શકે તેવા આવડા વિશાળ પટનું આવું સમૃદ્ધ દર્શન કોઈ એક જ કૃતિમાં ગોવર્ધનરામ સિવાય બીજા કોઈ ગુજરાતી નવલકથાકારે નથી કરાવ્યું. ના, મુનશીએ, રમણલાલે, મેઘાણીએ ‘ધૂમકેતુ’ એ કોઈએ નહિ.’ (ગંધાક્ષત, પૃ. ૬૩, ૬૪)

અનંતરાયે ન્હાનાલાલને બે રીતે મૂલવ્યા છે ; નાટકકાર અને કવિ તરીકે, નાટકકાર ન્હાનાલાલની મર્યાદાઓને ભારે નર્મ-મર્મથી અનંયરાય આલેખે છે : ‘...આનો અર્થ એમ નહિ કે કવિનાં નાટકો વસ્તુશૂન્ય હોય છે. ભલે પાંખું અને અગરબત્તીની આડીઅવળી લહેરતી આછી પાતળી ધુમ્રસેર જેવું પણ વસ્તુ એ નાટકોમાં હોય છે. પણ એમાંની કેટલીક વિગતો જેટલી કવિના મનમાં સ્પષ્ટ હોય છે તેટલી વાચકોને કેટલીક વાર ગમ્ય કે સ્પષ્ટ બની શકતી નથી હોતી. એમાં વાચકની ઊંડું જોઈ ન શકતી દૃષ્ટિનો કે બધું સમજવા મથવાની ધીરજના કે સહૃદય વૃત્તિના અભાવનો જ એકલો દોષ નહિ કાઢી શકાય. કવિપક્ષે પણ મૂર્તને વર્ણવતાં વર્ણન અમૂર્તનું બની જાય એવી કવિશ્રીની પ્રકૃતિદત્ત લખાવટ, બનાવો ને વિગતોની કડીએ કડી સાધવાની ને સમજાવવાની બેપરવાઈ અને માત્ર સૂચન કરીને બીજું ઘણું પડતું મૂકી વાચકોને પોતાની મેળ સમજી લેવા સારુ બાકી રાખવાની પાછળ કામ કરતો તેમનો લાક્ષણિક ધ્વનિશોખ, એ ત્રણ બાબતો પણ એને માટે કેટલેક અંશે જવાબદાર ગણાશે.’ (‘ગંધાક્ષત’, પૃ. ૧૩૭)

પણ કવિ ન્હાનાલાલની વાત આવતાં અનંતરાય ડોલી ઉઠીને કહી બેસે છે : ‘ક્ષણેકમાં સંસારની ગડમથલ, થાક ને ક્લેશમાંથી અધ્ધર ઊંચકી આપણને રસલોકમાં લઈ જઈ આનંદસમાધિનો અનુભવ કરાવે, સંવિતમાં રસ અને પ્રકાશ રેલાવી મૂકે, એવી કવિતાના કારીગરનાં સભાન સર્જનો જેવી નહિ પણ વિરલ પ્રતિભાશાળી કવિને હાથે સહજમાં લીલયા સરજાઈ જતી કલાકૃતિઓ જેવી પ્રાસાદિકતાના જ બળે. ‘લલિત’ તેમ ‘ભવ્ય’નું – ને ‘ભવ્ય’નું તો નરસિંહ મહેતા પછી ગુજરાતી કવિતમાં તો અજોડ-કવિતાનાં ઊંચા શિખરો સર કરી આપતું એમણે કરેલું ગાન એમની આ પ્રતિભાનું જ ફળ : જણાતા ત્યારે પણ ‘હા’, આ રહ્યા ન્હાનાલાલ! એવી સુખદ પ્રતીતિ કરાવે એવો કાવ્યઝબકાર સમગ્ર કૃતિમાં નહિ તો એની બેચાર પંક્તિમાં તો ઝબકી જ જતો, તે પણ એમની નૈસર્ગિક કવિપ્રતિભાને પ્રતાપે.’ (‘ન્હાનાલાલ અધ્યયન’ ગ્રંથ, પૃ. ૭)

બળવંતરાય ઠાકોર ન્હાનાલાલની તદ્દન જુદી દિશાના કવિ. ઠાકોરના સ્થાન અને પ્રદાનને ન્હાનાલાલની લગોલગ ન્યાય આપતાં અનાયાસે બે કવિઓની વિચારધારાને અલગ પાડતું નિરીક્ષણ આપતાં અનંતરાય નોંધે છે : ‘પણ આટલું તો સિદ્ધ છે કે ઠાકોર કવિ હતા, અને સારા કવિ હતા. એવા તરીકે એમણે એમની લાક્ષણિકતાઓથી અંકિત કેટલીક પ્રથમ પંક્તિની એવી કવિતા ગુજરાતને આપી છે. જેણે ગુજરાતી કવિતાને ‘કલાપી’ ‘લલિત’ને ન્હાનાલાલને માર્ગેથી વિકાસની દિશામાં બીજા જ વહેણમાં વાળવાની ઐતિહાસિક સેવા બજાવી છે. એ સેવા જેમ પોતાની પ્રત્યક્ષ નમૂનારૂપકવિતાથી, તેમ પોતાની કવિતામાં અંતર્હિત એવી પોતાની કાવ્યદૃષ્ટિ કે કાવ્યભાવનાની, તેમણે ન કરી હોત તો અભ્યાસીઓને કરવાની રહેત તેવી ચર્ચા, વિવેચના અને સ્થાપનની તેમણે બજાવી છે. આમ એ બની છે એમની, મમ્મટનો શબ્દ વાપરીને બોલીએ તો, કાવ્યશિક્ષા, કાવ્યના કવિ એટલે સર્જક અને તેની ખૂબી-ખામીઓ પારખનાર ઉત્તમ, આસ્વાદક ભોક્તા કે વિવેચક, એ બેઉ અર્થમાં બળવંતરાય કાવ્યજ્ઞ હતા.’ (તારતમ્ય, પૃ. ૨૨૯)

દેશ દેશના ચરિત્રસાહિત્યની આવશ્યકતા શી એની સ્પષ્ટ સમજ પણ અનંતરાયે આપી છે : ‘સમયની રેતીમાં પડેલાં વિશિષ્ટ રીતે જીવી જનાર વ્યક્તિઓનાં પદચિહ્‌નો પર વિસ્મૃતિના પવનથી સમયની રેતી ફરી વળી તેને ભૂંસી કે ઢાંકી દે છે. તે પહેલાં તેને સ્થાયી કે અમર રૂપ આપી દેવાનો આશય પણ ચરિત્રલેખન પાછળ ખરો. ઉત્તમ ચરિત્રગ્રંથોના વાચનશ્રવણની જે ફલશ્રૃતિ કાકા કાલેલકરે પોતાની ‘સ્મરણયાત્રા’ના પ્રાસ્તાવિક લેખમાં સમજાવી છે તે સાચી છે.’ (ગંધાક્ષત, પૃ.૧)

સાહિત્યને કાયમ સ્પર્શે તેવા કેટલાક મુદ્દાઓની ગવેષણા પણ રાવળ સાહેબે કરી છે. ને એ નિમિત્તે સાહિત્યકારોનો ધર્મ ચીંધી બતાવ્યો છે : ‘સાહિત્યકારો પાસે જે કાંઈ માગણી મૂકી શકાય તે માત્ર આટલી જ : ‘ઓ સાહિત્યકારો, બહુ દિવસ તમે માત્ર આ જીવનની સુંદરતાઓ જ નિહાળ્યા કરી, ને ન હોય ત્યાં શોધવા-જોવાનો પણ પ્રયાસ કર્યો. તમે કલાકાર ખરા, તેની ના નહીં, પણ હવે જીવન પ્રત્યેનો ધર્મ પણ જરાક બજાવો. જેવી છે તેવી પરિસ્થિતિને અત્યારે તો ગાઓ. એની અસુંદરતા ને વાસ્તવિકતાને પન જુઓ, કવો અને જીવનને અત્યારે છે તેના કરતાં દૂરના કોઈ સુંદર અને શ્રેયસ્કર પણ ખયાલી નહિ પરંતુ વર્તમાનની ચિકિત્સાને આધારે વિચારેલા સર્વમાન્ય બુદ્ધિગમ્ય ઉજ્જવળ ભવિષ્ય ભણી દોરી જાઓ. તથા તમારા વાચકોને એવા ભવિષ્યને નજદીક આણવા સારુ પુરુષાર્થ ખેડવા પ્રેરણા પણ આપી જાઓ. ‘સારા વિશ્વની જે દિ ક્ષુધા શમશે’, ને એવું એવું જે માગતા હતા તે મળી જશે ત્યારે તમારો કલાવિહાર કર્યે જજો, પેટ ભરીને. તમારા એ અધિકારમાં કોઈ આડે નહિ આવે તે વખતે. આ માગણી અને તેની પાછળની દૃષ્ટિ તે પ્રગતિશીલ દૃષ્ટિ એમ કહી શકાય. બીજા શબ્દોમાં કહીએ તો, સાહિત્યની જીવનધર્મ પ્રત્યે આ દૃષ્ટિ (પ્રગતિશીલ દૃષ્ટિ) ખાસ આંગળી ચીંધે છે નેએની ઉપેક્ષા ન થાય તે માટે ચાનક ચડાવે છે. સાહિત્ય પોતાનો જીવનધર્મ બજાવતાં કલાધર્મ વીસરે એમ કંઈ એ દૃષ્ટિ કહે નહિ.’ (ઉપચય, પૃ. ૧૫૦, ૧૫૧)

સાહિત્યક્ષેત્રના ભાવિને જોઈ શકતા રાવળ સાહેબે સાહિત્યના ભવિષ્ય વિશે ઊંડી શ્રદ્ધા સેવી છે ને એટલે જ આજના દોડધામભર્યા, યાંત્રિકયુગની વચાળે પણ સાહિત્યના વિકાસને ઊની આંચ નહિ આવે એવું ભવિષ્ય ભાખતાં રાવળ સાહેબ સહૃદયોને ધરપત થાય એવું દર્શન કરાવતાં જણાવે છે : ‘માનવીમાં સંવેદનશીલ હૃદય, કલ્પનાશક્તિ, સૌંદર્યરતિ અને વિસ્મય અનુભવવાની શક્તિ જીવતાં રહેશે ત્યાં સુધી તો કવિતાનો ગુંજારવ જગતમાંથી સદંતર લુપ્ત થવાનો કોઈ ભય નથી. જ્યાં પહેલાં સૈકાઓ સુધી પદ્યનું એકચક્રી શાસન પ્રવર્તતું હતું તેના પર ધીમે ધીમે નહિ, ઝડપથી, ગદ્ય પોતાની સત્તા વધારતું રહ્યું છે, તેણે કવિતાને પદ્યથી આગળ વધી ગદ્યનો વિશાળ પ્રદેશ ખુલ્લો કરી આપ્યો છે, રમવા માટે. એટલે બહુ થાય તો પદ્ય ઓછું લખાય, પણ કવિતા ગદ્યમાં પેસવાની અને લલિત નિબંધ, નાટક, વાર્તા, એકાંકી, નવલકથા આદિનો વેશ લઈ સહૃદયોનાં હૈયાંને હલાવ્યાં કરવાની, ભાવિમાં, વર...સો સુધી. એની ખેરિયતને કોઈ જોખમ કલ્પી ફફડી ઊઠવાની જરૂર નથી.’ (ઉન્મીલન, પૃ. ૨૯૭)

અનંતરાય રાવળની વિવેચનાને ચકાસતાં જોઈ શકાય કે ગુજરાતીની મધ્યકાળ કે અર્વાચીનકાળને લગતી અનિવાર્ય અને આવશ્યક કહેવાય એવી એક પણ વિગત એમની નજર બહાર રહી નથી. ગુજરાતીના આરંભથી માંડીને અનંતરાયની ઉપસ્થિતિ સુધીના કાળની ઝીણામાં ઝીણી વિગતોનું એમણે એકબાજુથી સંકલન-સંપાદન કરી આપ્યું છે તો બીજી બાજુથી એ વિગતોની ગુણવત્તાની ચકાસણી સ્વસ્થ અભિગમથી એમણે કરી આપી છે – એક અધ્યાપકની નિસબતથી ને વિવેચકના અવધાનથી.

તો બીજી બાજુ પ્રેમાનંદ, શામળથી માંડીને ગોવર્ધનરામ, બળવંતરાય, ન્હાનાલાલ જેવા ગુજરાત ને ગુજરાતીના મૂર્ધન્ય સર્જકોની તેમને અનન્ય સર્જક ઠેરવતી સિદ્ધિઓનું આરોહણ ને ક્યાંક તરત નજરે ચઢે પણ કે નયે ચઢે એવી મર્યાદાનું અવરોહણ વિવેકપૂર્વક ચીંધી આપીને આ સૌના સર્જકત્વને નાણ્યું-પ્રમાણ્યું છે.

‘સાહિત્યમાં પ્રગતિશીલતા’ કે ‘સાહિત્યનું ભાવિ’ જેવા વિષયો વિશે આલોચના કરતા અનંતરાયની વિવેચના તેમને સ્થળ કાળથી ઊફરા રહેલા વિવેચક તરીકે પણ પ્રસ્થાપિત કરે છે. અધ્યયન ને અધ્યાપન પ્રત્યેનો ઊંડો લગાવ ને સ્વાધ્યાય પ્રત્યેના વિરલ કહી શકાય તેવા અપ્રમાદે અનંતરાયનું અધ્યાપકમાંથી વિવેચકમાં કરેલું રૂપાંતર સાનંદ આદર જગવે એવું છે.

અધ્યાપકીય વિવેચન તરીકે વગોવાતી રહેલી વિવેચનની એક પદ્ધતિ જોવા જઈએ તો રાવળ સાહેબની વિવેચનામાં જોવા મળે. પણ એ બાબતમાં તેઓ પોતે જ સ્પષ્ટ છે. પોતાને એ વિવેચક તરીકે ઓળખાવતા જ નથી. તેઓ પોતે જ નોંધે છે તેમ : ‘અધ્યાપનાર્થી સ્વાધ્યાય સજ્જતાએ સાહિત્યનો સતત સંપર્ક રખાવ્યો તેમ લખવાની વૃત્તિ જન્માવી.’ (સાહિત્યનિકષ પૃ. ૨) આ સજ્જતા પછીથી એમને માત્ર અધ્યાપક ન રહેવા દેતાં ઉત્તમ વિવેચક બનાવીને જંપી. જેનું એમની વિવેચના ઉત્તમ ઉદાહરણ છે. તેમના સમગ્ર વિવેચનમાંથી પસાર થતાં એક બાજુથી કોઈ રસાળ નવલકથામાંથી પસાર થયાનો સુખદ અનુભવ થાય છે. તો બીજી બાજુથી એક સજ્જ અધ્યાપક ધારે તો શું કરી શકે એનો અંદાજ પણ આવે છે. એમની સરળ, તર્કશુદ્ધ, સહૃદયતાથી સભર ભાષા, વાતચીતની પોતીકી લાગતી શૈલી, વિષય પ્રત્યેની અપાર પ્રીતિ, અભ્યાસશીલ અભિગમ, મધુકર વૃત્તિ ને એ બધાની પછવાડે આ તત્ત્વોને ચીંધતી જીવન પ્રત્યેની અપાર શ્રદ્ધા, જેણે અનંતરાયને ભાયાણી સાહેબના શબ્દોમાં કહીએ તો ‘ઢળ્યા કે જળ્યા’ વિનાનું વિવેચન કરતા સ્વસ્થ આલોચક ઠેરવ્યા છે, તો સાથોસાથ પૂર્વ અને પશ્ચિમના સાહિત્યનું આકંઠ પાન કરનાર, અભિનવગુપ્તે કલ્પેલા સર્જકની લગોલગ આસનના અધિકરી સહૃદય પણ. જેણે તેમને સાહિત્યના તેમના પછીના કોઈપણ યુગના વિવેચનના આચાર્ય ઠેરવ્યા છે.