સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ઉમાશંકર જોશી/મહાભારતમાં માનવતા
કેટલાક ગ્રંથો દરેક જમાનાના પરામર્શના અધિકારી છે. મહાભારત એક એવો ગ્રંથમણિ છે. હિંદમાં હિમાલય જેમ જૂનો લાગવાનો નથી, દક્ષિણ મહાસાગર જેમ નિત્ય નવો રહેવાનો છે, તેમ મહાભારત પણ કદી જૂનું લાગવાનું નથી, યુગે યુગે નવીનતાભર્યું જ રહેવાનું છે. હિંદમાં જન્મેલાને મન હિમાલયનું આકર્ષણ જિંદગીભર રહેવાનું. માણસના વ્યક્તિત્વના ખૂણેખૂણાને ચેતનના પ્રકાશથી ભરી દેવાની વિરાટ પ્રકૃતિદૃશ્યોમાં અનોખી શક્તિ હોય છે. પ્રકૃતિના અનુકરણમાં માણસે સંસ્કૃતિને રચતી કલાઓને યોજી. હિંદની શબ્દકલાએ બરોબર હિમાલયની સામે ગૌરવભેર ઊભી શકે એવા મહાભારતની રચના કરી છે. મહાભારતને માત્ર મહાકાવ્યનું નામ આપ્યાથી એનો યથાર્થ ખ્યાલ આપી શકાશે નહિ. એને ‘વિરાટ કાવ્ય’ કહેવામાં આવે એ જ બરોબર છે. હિમાલય જેમ એકાદ છૂટાછવાયા મહાશિખરવાળો ગિરિ નથી પણ ગિરિઓની હારમાળા છે, તેમ મહાભારત પણ જાણે કે મહાકાવ્યોનો સમૂહ ન હોય. ચિરંતન માનવભાવોની અમર પ્રતિમાઓ સમાં એનાં પાત્રો કાંચનજંઘા, ધવલગિરિ અને ગૌરીશંકરનાં શિખરોની જેમ ત્રિકાલની પલાંઠીએ બેઠાં છે. મહાભારતનો અભ્યાસ આપણા દેશમાં સદ્ભાગ્યે વધતો જાય છે. મહાભારતની મૂળ કથા અને આખ્યાનો, ઉપાખ્યાનોને ઉદરંભર પુરાણીઓએ છાશમાં પાણી નાખ્યે જ રાખીને સાવ સસ્તાં અને નમાલાં બનાવી દીધાં હતાં. એ કારણે પશ્ચિમની સંસ્કૃતિનો પ્રથમ હલ્લો થતાં તો આપણને મહાભારત વગેરે માટે કંટાળો જ થવા લાગ્યો. પણ હિમાલયના જળભંડારે જેમ હિંદુસ્તાનના સારા એવા ભાગને લીલી વાડી જેવું બનાવ્યું છે તેમ મહાભારતના રસપ્રવાહને બળે હિંદી સાહિત્યની લીલી કુંજો રચાઈ છે, એનું ભાન વધતી જતી કેળવણીની સાથે સાથે વધતું ગયું અને મહાભારતનો નવેસરથી અભ્યાસ શરૂ થયો; નવી રીતે તેનું મૂલ્યાંકન થવા માંડ્યું. આ અભ્યાસને મહાભારતને યોગ્ય એવી મહત્ત્વની ભૂમિકાએ પહોંચાડવાનું માન પાશ્ચાત્ય વિદ્વાનોને ઘટે છે. આપણા દેશમાં પણ ચિંતામણ વિ. વૈદ્ય વગેરે વિદ્વાનોએ મહાભારતના અભ્યાસ પાછળ સારી શક્તિ વાપરી છે. અર્વાચીનોમાં પશ્ચિમના વિન્ટર્નિટ્ઝ જેવા અને અહીંના શ્રી. સુખઠણકર આદિ વિદ્વાનોએ મહાભારતની જુદી જુદી વાચનાઓને પરસ્પર મેળવીને શાસ્ત્રશુદ્ધ પાઠ તૈયાર કરવાની અગત્ય સમજાવી છે. ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટે એ મહાભારત કામ ઉપાડી લીધું છે અને કેટલાંક પર્વ બહાર પણ પડ્યાં છે. મહાભારતને અંગે સંશોધનરસિક વર્ગને માટે તો અનેકાનેક સવાલો છે. તેમાંનાં ઇતિહાસ, ભૂગોળ, રાજધર્મ, સમાજરચના, રીતરિવાજ, માનવવંશ, યુદ્ધકલા, લલિત કલાઓ, ધર્મ, તત્ત્વજ્ઞાન – એમ વિવિધ દૃષ્ટિબિંદુથી ઉત્સાહી સંશોધકો એ જટિલ જંગલમાં પોતપોતાની કેડી પાડી શકે એમ છે પણ જનસાધારણ માટેય તે મહાભારત ઓછું રસપ્રદ નથી. ભાગ્યે જ એવો કોઈ હશે જેને મહાભારતની મુખ્ય ઘટનાઓનો પરિચય ન હોય. આ દેશનાં સ્ત્રીપુરુષો દ્રૌપદી, ગાંધારી, કુન્તી અને ઉત્તરા તથા ભીષ્મ, કૃષ્ણ, યુધિષ્ઠિર, કર્ણ, અર્જુન, અભિમન્યુ અને વિદુરનાં નામ સંભારી સંભારીને જીવનની તડકીછાંયડીમાં ટકી રહેવાનું આંતરિક બળ મેળવતાં રહ્યાં છે. આ ટૂંકા લેખમાં આપણે ઐતિહાસિક દૃષ્ટિએ મહાભારતના સંશોધનાત્મક અભ્યાસમાં પડવાના નથી. મહાભારતને એક કાવ્ય તરીકે જ લઈને આપણે એમાં પ્રતીત થતા માનવભાવનો કાંઈક તાગ લેવા પ્રયત્ન કરીશું. તેમાંનાં પાત્રો ખરેખર થઈ ગયાં છે કે કેમ એ તપાસવા આપણે બેસીશું નહિ. કવિની કાવ્યસૃષ્ટિમાં એ સાચી રીતે ચીતરવામાં આવેલાં છે એ આપણે માટે બસ છે. અને ખરેખર એ થઈ ગયાં હોય તોપણ એમનો પરિચય મેળવવાનું એકમાત્ર સાધન તો આપણી પાસે કવિવાણી જ છે. તેમાં પણ મહાભારત આખાના રચનાર વ્યાસ કે ‘જય’ કાવ્યના જ એ તો કર્તા, ને પછીથી એમના શિષ્ય વૈશંપાયને ‘ભારત’ રચ્યું, જેમાંથી પાછળથી સૌતિએ અત્યારે ચાલુ છે તે ‘મહાભારત’ની રચના કરી એ બધી વિગતોમાં પણ ઊતરતાં ઘણો કાલક્ષેપ થાય. આપણે અત્યારે મળે છે તે રૂપમાં મહાભારતને સ્વીકારીને તેની અંદરનાં પાત્રોમાં માનવતાના અંશો ઠેર ઠેર કેવા દેખાય છે તે જોઈએ. નીચેના લખાણમાં ઉતારો કરવો યોગ્ય લાગ્યો તે ઠેકાણે બને ત્યાં સુધી સમશ્લોકી ભાષાંતર આપવાનો પ્રયત્ન કર્યો છે. આપણે ત્યાં મહાભારતને ગુજરાતીમાં ઉતારવાના પ્રયત્નો થયા છે એ જાણવા છતાં અહીં એક ઇચ્છા વ્યક્ત કર્યા વગર રહી શકાતું નથી. મહાભારતનું સમશ્લોકી ગુજરાતી ભાષાંતર આપણને ક્યારે મળશે? કંઈ નહિ તો કથાના અનિવાર્ય અંશો નક્કી કરીને તેટલા સળંગ ભાગનો અનુવાદ થાય તોપણ સંસ્કૃત ન જાણનારને મૂળની ભવ્યતા, સરળતા ને તેજનું સહેજે ભાન થાય. આ કાર્ય અનેક હાથે થાય તોપણ ઓછું આવકારપાત્ર નથી.
મહાભારતના મૂળ કવિ કૃષ્ણ દ્વૈપાયન ગણાય છે. વેદોની એમણે ગોઠવણી (વ્યાસ) કરી એ ઉપરથી એ વ્યાસ નામે પ્રખ્યાત છે. અઢાર પુરાણોની પણ એમણે જ રચના કરી એમ કહેવાય છે. પાંડવ-કૌરવ યુદ્ધની હકીકત એમણે આપી છે એટલો જ એ યોદ્ધાઓ સાથે એમને સંબંધ ન હતો. ધૃતરાષ્ટ્ર અને પાંડુના પિતા વિચિત્રવીર્યનું અકાળ મૃત્યુ થતાં પાછળ રહેલી રાણીઓ અંબા અને અંબાલિકાથી ભીષ્મની આજ્ઞાનુસાર નિયોગવિધિપૂર્વક વ્યાસે એ બે કુમારોની ઉત્પત્તિ કરી હતી. પણ યુદ્ધમાં આપણે ક્યાંય વ્યાસને મહત્ત્વનો ભાગ લેતા જોતા નથી, સિવાય કે યુદ્ધને અટકાવવાનો પ્રયાસ કરતા અને યુદ્ધ થયું જ ત્યારે બંને પક્ષના વીરોને સાંત્ત્વન આપતા આપણે એમને જોઈએ છીએ. વ્યાસનું નામ પડતાં મને અમેરિકાના આંતરવિગ્રહ વખતે જખમી સૈનિકોને મદદ કરનાર મહાન કવિ વોલ્ટ વ્હિટમૅન યાદ આવે છે, બોઅર યુદ્ધ વખતની ગાંધીજીની મૂર્તિ પ્રત્યક્ષ થાય છે. વ્યાસ મહાપંડિત હશે; જ્ઞાની, ઋષિ, ચિંતક, ગમે તે હશે. પણ મુખ્યત્વે તો એ એક કવિ છે. મહાભારતમાં ડગલે ને પગલે દેખાય છે કે એક ખૂણે પડ્યા પડ્યા તત્ત્વચિંતન કર્યે જનાર ઋષિ માત્ર એ નથી; તેમ નથી જડ જ્ઞાની કે નથી બોધ આપવાને તલપાપડ રહેનાર કોઈ દોષદર્શક ગુરુ. વ્યાસ તો છે માનવજાતના સામાન્ય ગુણદોષ, ક્ષુલ્લક હર્ષશોક, પરસ્પર વેરઝેર, દરેક વસ્તુ પ્રત્યે પરમ સહાનુકંપાથી જોનાર કવિ. ભલે બીજાંઓને એ દેવત્વનો અંચળો પહેરાવે. વ્યાસના પોતાના શબ્દો પાછળ તો માનવીનું હૃદય જ ધબકતું દેખાય છે. એ મહાકવિના હૃદયમાં સૌ કોઈને માટે જગ્યા છે. ધર્મનિષ્ઠ યુધિષ્ઠિરને માટે જ વ્યાસનું હૃદય ખીલી ઊઠે છે એમ નહિ. માની દુર્યોધન માટે પણ એ હૃદયમાં અવકાશ છે. આ દૃષ્ટિએ, માનવતાની દૃષ્ટિએ, જોતાં મહાભારત યુદ્ધમાં સંડોવાયેલા મહાપુરુષોમાં શ્રીકૃષ્ણની સરખામણીમાં પણ વ્યાસના હૃદયની વિશાળતા આગળ તરી આવે છે. શ્રીકૃષ્ણના હૃદયમાં પાંડવો માટે અને ભીષ્મ, દ્રોણ, દ્રુપદ માટે જ જગ્યા છે. ભીષ્મના હૃદયમાં કર્ણ જેવા માટે તલપૂર જગ્યા નથી. દ્રોણને દ્રુપદ ડંખે છે. યુધિષ્ઠિરમાં ભૂતાનુકંપા ભરપૂર જોવા મળે છે, પણ તે બહુ સક્રિય નથી; ઉપરાંત પોતે અગિયાર અક્ષૌહિણી સૈન્યની પ્રત્યક્ષ દુશ્મનાવટ પણ સ્વીકારે છે. કુરુક્ષેત્રની રણભૂમિ ઉપર ભેગા થયેલા અઢારેઅઢાર અક્ષૌહિણી સૈન્યમાંના કોઈ પણ વીરનરને આત્મીય ગણનાર, વિધાતા સિવાય, કોઈ હોય તો તે માત્ર એક વ્યાસ જ છે, વ્યાસ સૌ કોઈના મિત્ર છે. સૌ કોઈના હર્ષશોક સાથે એમનું હૃદય કોઈ સૂક્ષ્મ તંતુથી જોડાયેલું છે. કૌરવોને પાંડવોના કે પાંડવોને કૌરવના ક્ષયથી વિજય મળવાનો. વ્યાસને મન હવે વિજય કોઈ રહ્યો જ નથી. રહી છે માત્ર વેદના. આ માનવીમાત્ર પ્રત્યેની પરમ સહાનુકંપાનાં, અગાધ કારુણ્યનાં દર્શન વ્યાસે એ યુદ્ધના આલેખેલા ઇતિહાસમાં એટલે કે મહાભારત કાવ્યમાં વારંવાર થાય છે. મર્મને સ્પર્શે એવા પ્રસંગો, હૃદય સાંભળીને દ્રવવા માંડે એવાં વચનો, જે ઠેર ઠેર મળી આવે છે તે મૂળ કાવ્યના રચયિતા વ્યાસના અનિવાર્ય કથાભાગમાં જ જડી આવે છે. પાછળથી સૌતિએ વ્યાસને પણ અનેક વાર પાત્ર તરીકે પ્રવેશ કરાવ્યો છે. શ્રી. ચિંતામણ વૈદ્યને એ અજુગતું લાગે છે. વ્યાસ જેવા મહાપુરુષને પાત્ર તરીકે લાવો ને મહાન ઘટનાઓ એને હાથે ન બની આવે તો એનું આવ્યું શા કામનું એવા બહુમાનના ખ્યાલથી કદાચ એવો અભિપ્રાય ઘડાયો હશે; પણ વ્યાસ જેવા મનુષ્યમાત્રના હિતૈષીને પક્ષકાર તરીકે કે કાર્યકર તરીકે આવવાનું રહે એ કથાના પ્રવાહમાં અસંગત છે. ઊલટું યુદ્ધ ન થાય એ માટે એ કહે છે અને પછીથી અભિમન્યુ કે એવા યોદ્ધાઓનું મૃત્યુ થતાં લાગતાંવળગતાંને આશ્વાસન આપે છે એ જ બરોબર છે. શાંતિ, બની શકે તેટલી શાંતિ, સ્થાપવા સિવાય, અનિવાર્ય નાશને સ્વીકારી લેવાનું સમજાવવા ને સાન્ત્વન આપવા સિવાય એ શું કરે? અને એ કામ પણ ઓછું નથી. સંજયને યુયુધાન મારવા પ્રવૃત્ત થાય છે ત્યારે વ્યાસ વચ્ચે પડીને બચાવે છે. ગાંધારી પોતાના પુત્રોનો વિનાશ કરનાર પાંડવોને શાપ ન આપી બેસે એ માટે અને એના પારાવાર પુત્રશોકને શાંત કરવા માટે વ્યાસ સિવાય કોણ શક્તિમાન થાત? સૌતિએ વ્યાસને પાત્ર તરીકે પ્રવેશ કરાવ્યો છે ત્યાં ત્યાં ખરેખર વ્યાસ કેવી રીતે વર્ત્યા હતા તેના પરંપરાપ્રાપ્ત હેવાલ ઉપરથી, એમ જ બન્યું હશે એવું માની શકાય, એ તરેહની હકીકત એણે આપી છે. કવિકલ્પનાથી એણે પ્રસંગો યોજ્યા હોય તોપણ વ્યાસના પાત્ર સાથે એ સંપૂર્ણ રીતે સુસંગતિ ધરાવનારા છે.
મહાભારતનાં અન્ય પાત્રોમાં માનવભાવની ગુપ્ત, ક્યાંકથીય ફૂટી નીકળતી, સરવાણીઓ ઠેરઠેર ધ્યાન ખેંચી રહી છે. માતૃભાવને અંગે આનાં ઘણાં દૃષ્ટાંત મળે છે અને તદ્દન ભિન્ન ભિન્ન પ્રકારનાં મળે છે. કુંતીનો પોતાના પાંચ પુત્રો પાંડવો અને કાનીન (કૌમારાવસ્થામાં જન્મેલા) પુત્ર કર્ણ માટેનો ભાવ અનેક વાર વાચકના દિલને હલમલાવી દે એવી રીતે વ્યક્ત થાય છે. બાળ પાંડવ-કૌરવ વીરની અસ્ત્રવિદ્યાની પરીક્ષા પૂરી થઈ રહી ને અર્જુનના કામથી પ્રેક્ષકવર્ગ ખુશ ખુશ થઈ ગયો હતો ત્યાં અચાનક કર્ણ રંગમંચ ઉપર કૂદી આવે છે ને અર્જુનના અજમાવેલા દાવ કરી બતાવે છે. અર્જુન સાથે એ યુદ્ધ માગે છે ત્યારે દક્ષ કૃપાચાર્ય રસ્તો કાઢવા માટે ધીરેકથી કહે છે : ભાઈ, રાજાના કુમારો સામાનું કુળ વગેરે જાણીને જ પછી લડે. જો, આ અર્જુન કુંતીનો ને પાંડુનો પુત્ર છે; તું કોનો છે? ...જોવાનું એ છે કે કૃપને મોઢે વ્યાસે પહેલું નામ કુંતીનું જ મૂક્યું છે. કર્ણ મૌન સેવે છે; પણ પ્રેક્ષક સ્ત્રીઓ વચ્ચે બેઠેલી કુંતી આ દૃશ્ય જોઈ બેભાન થઈ જાય છે. સ્વસ્થ થાય છે ત્યારે જુએ છે કે કર્ણનો દુર્યોધને ત્યાં ને ત્યાં જ અંગદેશના રાજા તરીકે અભિષેક કર્યો છે અને પોતાનો દીકરો રાજા થયો જાણી એ મનમાં આનંદ પામે છે. કુંતી બેહોશ થાય એ જ વાસ્તવિક હતું અને કવિએ એમ બતાવી કુંતીને દુનિયાની રંગભૂમિ ઉપરથી જાણે કે ક્ષણવાર ખસેડી દીધી. દરમ્યાનમાં મહત્ત્વની વસ્તુઓ બની ગઈ. કર્ણ દુર્યોધનની તાત્કાલિક ઉદારતા અને મમતાથી સદાને માટે તેનો થઈ ગયો. વિધાતાએ એટલાક થોડા વખતમાં તો પોતાનો દાવ ખેલી લીધો; પણ કવિએ કુંતીને ઠંડે પેટે મૌન સેવતી નથી ચીતરી એ જ લક્ષમાં લેવાનું તો છે. યુદ્ધ શરૂ થાય છે એ અગાઉ કુંતી કર્ણ પાસે જાય છે. ગંગાતીરે કર્ણ સૂર્યનું ઉપસ્થાન કરે છે. એના ઊંચા શરીરના ખભા પરથી ઉપરણાનો છેડો પાછળ ફરફર ફરફર ઊડી રહ્યો છે. એની છાયામાં જતી કુંતી ઊભી છે. જપ પૂરા થતાં કર્ણ ઘર તરફ ફરે છે ને જુએ છે તો કુંતી. તત્કાલ બંનેના ઉદ્ગાર નીકળે છે તે જોઈએ :
કર્ણ – રાધેય હું આધિરથિ કર્ણ કરું છું વંદન.
પધાર્યાં આપ શે કાજે? કહો, જો કૈં કરી શકું.
કુંતી – કૌન્તેય તું, ન રાધેય; પિતા અધિરથ નહીં;
નથી સૂતકુળે જન્મ્યો; કહું તે માન, કર્ણ તું.
કર્ણની ઉક્તિની શરૂઆત જ ‘રાધેય’ શબ્દથી થાય છે. ‘હું રાધાપુત્ર છું’ એ વાત જ એનાથી કુંતીને પહેલી કહેવાઈ ગઈને કુંતી? ‘કૌન્તેય તું, ન રાધેય” એમ બોલી જાણે કર્ણનો શબ્દદોષ સુધારતી હોય એટલી સરળતાથી પોતે જે વાત કહેવા આવી છે એ કહી દે છે. જો આવી તક મળી ન હોત તો કદાચ બીજી કોઈ પણ રીતે પોતે વાતની શરૂઆત આખી મુલાકાત દરમ્યાન પણ ન કરી શકત. કવિએ આ સંવાદની રચનામાં જે લાઘવ વાપર્યું છે અને લીલામાત્રથી મહાન ગંભીર વસ્તુનો પણ પ્રસ્તાવ રજૂ કરી બતાવ્યો છે એ એક અસાધારણ સિદ્ધિ છે. ઉપરાંત કર્ણ પોતાને ‘રાધેય’ તરીકે જ ઓળખાવે અને એના પડઘામાં કે પ્રતિવાદમાં કુંતી જ પોતે આટલે વરસે પોતાને મોંએ ‘કૌન્તેય’ સંભળાવે એમાં જે કટાક્ષ – Irony છે, તે ગ્રીક નાટ્યકારોની કળાની યાદ આપે એવી છે. પાંડવોનો વિજય થયા પછી યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક થયો ત્યારે અર્જુન-ભીમ રાજારાણીની આસપાસ બેઠા હતા, કૃષ્ણ અને સાત્યકિ પણ તે જ રીતે બેઠા હતા, પણ કુંતી તો ‘ત્યાં બેઠી જ્યાં સહદેવ-નકુલ હતા.’ મરી ગયેલી માદ્રીના પુત્રોને પડખે જઈને એ તો પોતાનું આસન લે છે. વૃદ્ધ ધૃતરાષ્ટ્ર-ગાંધારી જોડે વનવાસ માટે એ જાય છે, ત્યારે પણ યુધિષ્ઠિરને એની પ્રથમ સલાહ શી છે ? સહદેવ પર તારો અપ્રસાદ થશો નહિ. સાવકાં બાળકો માટેની આ લાગણી હૃદયને સ્પર્શે એવી છે. વનવાસ ભોગવતાં, પાણી લેવા જતાં એક પછી એક બધા ભાઈ યક્ષના શાપથી મરી ગયા ને યુધિષ્ઠિરના ઉત્તરોથી ખુશ થઈ યક્ષે વરદાન માગવા કહ્યું ત્યારે યુધિષ્ઠિર પણ એવી જ લાગણી બતાવે છે. એક જ ભાઈને જિવાડવાનું યક્ષ કહે છે. યુધિષ્ઠિર કહે છે :
...યક્ષ, જીવો નકુલ તો.
કુંતી ને માદ્રી એ રીતે ભાર્યા બે મુજ તાતની,
પુત્રવંતી રહો બંને, એવી મારી થતી મતિ.
મહાભારત યુદ્ધ પછી બધા મૃત વીરોને પાણીની અંજલિ અર્પતા હતા ત્યારે યુધિષ્ઠિર વગેરેને કુંતીએ કહ્યું કે કર્ણને પણ અંજલિ આપો અને કર્ણની ઓળખાણ એણે આપી ત્યારથી યુધિષ્ઠિરનું જીવ્યું ઝેર થઈ જાય છે. પોતાના સહોદરને માર્યાનો ડંખ એના દિલમાંથી કેમે જતો નથી. પોતે, કર્ણ સાથે જે જે પ્રસંગો પડ્યા હતા તે યાદ કરે છે. સભામાં દ્રૌપદીને ‘તું અપતિ છે, નવો પતિ પસંદ કર’ એમ કર્ણ દુર્યોધનના પક્ષમાં બોલતો હતો એની સ્મૃતિ તાજી થાય છે. પણ કર્ણને શબ્દે પોતાનો ગુસ્સો ઊડી જતો એ વિચિત્ર ઘટના સાંભરે છે.
સભામાં બોલતો દ્યૂતે દુર્યોધન હિતસ્વી, ત્યાં
રોષ મારો જતો ઊડી, જોઈ ચરણ એહના.
કુંતીનાં ચરણો જેવાં હતાં એહ અસંશય.
કેટલું યથાર્થ અને દ્રાવક દર્શન છે! સર્વસ્વ હારેલા, ભીમ જેવા ભાઈઓના પણ ક્રોધને પાત્ર થનાર, યુધિષ્ઠિરની આંખો સામાવાળાના મોઢા સુધી તો શી રીતે પહોંચે? એ તો નીચી જ નમી હોય. એમાં એ કર્ણનાં ચરણ પર જતી પણ ભટકાઈ અને એ ચરણોમાં એવો તે શો પ્રભાવ હતો કે આ અજાતશત્રુ રાજાના મનમાં જે કંઈ ક્રોધ ઘૂસી શક્યો હોય તે પણ શમી જતો? કારણ આજે આટલે વરસે જતું સમજાયું. એ ચરણ વડા સહોદર કર્ણના હતા, પૂજાર્હ હતા. જોકે એ વખતે પણ મનમાં ક્યાંક એકાદ તર્ક તો સ્ફુરી ગયો હતો કે, અરે આ ચરણો કુંતીમાતાના સુપરિચિત ચરણો જેવા કેમ લાગતા હશે? એ કપરું રહસ્ય હવે આજે સમજાયું. મોટાભાઈના ચરણોનું અભિવાદન પોતાથી એક વાર કરાયાનો સંતોષ એય આમાં છૂપો રહેતો નથી. આ વાત ગુપ્ત રાખવા માટે યુધિષ્ઠિરે કુંતીને માફ કરી નથી. પછીથી એ કર્ણ કર્ણ જ ઝંખ્યા કરે છે. કુંતીનું પણ એવું જ છે. વનનિવાસ માટે જતાં ‘કર્ણને સ્મરજે નિત્ય’ એમ કહેતી જાય છે. વ્યાસ પાસે ધૃતરાષ્ટ્ર માગણી કરે છે કે મૃત પુત્રોનાં મૂળ સ્વરૂપે દર્શન કરાવો ત્યારે કુંતીની ઇચ્છા જાણવા એનો મત પણ પુછાય છે, તો તે કર્ણને જોવાની પોતાની પ્રબળ લાલસાને સ્પષ્ટ રીતે વ્યક્ત કરે છે. યુધિષ્ઠિર પણ સ્વદેહે સ્વર્ગમાં પહોંચે છે ને પાંડવોને કે કોઈને જોઈ શકતા નથી, ત્યારે ઇન્દ્રને પ્રશ્ન કરતાં એનાથી બોલાઈ તો એ જાય છે કે ‘કર્ણ કેમ નથી?’ ઉત્તરાનો મૃત બાલક જન્મતાં કેવી સ્થિતિ હશે તે સહેજે કલ્પી શકાશે. અભિમન્યુ રણમાં હણાયો હતો. આ બાલક ઉપર આખા વંશના સાતત્યનો આધાર હતો. એ ન જીવી શકે તો મહાભારતની આખી લડાઈ ફોગટ થઈ લેખાય. દ્રૌપદીના પાંચ પુત્રો અશ્વત્થામાએ વિજયની રાત્રિએ કરેલા સંહારમાં ખપી ગયા હતા. અર્જુનની એક બીજી સ્ત્રી ચિત્રાંગદાને બભ્રુવાહન કરીને પુત્ર હતો, પણ તે તો વિવાહ પહેલાં કન્યાના પિતા જોડે કરેલી શરત પ્રમાણે રાજાને સોંપી દીધો હતો અને એ અત્યારે મણલૂરમાં રાજપદે હતો. આ મૃત બાલક ઉપર જ કુરુઓનો વેલો અવલંબતો હતો. એને કોઈ જિવાડી શકે એમ હોય તો તે એકમાત્ર કૃષ્ણ. કુંતી, સુભદ્રા વગેરેની રોકકળને અંતે કૃષ્ણ પ્રસૂતિગૃહ તરફ જાય છે. દ્રૌપદી વહેલી વહેલી આગળ જઈ ઉત્તરાને, તારા મામાસસરા કૃષ્ણ આવે છે એમ કહેવા દોડે છે. એ સ્ત્રીસુલભ અભિનય આપણે જોઈએ છીએ ત્યાં કૃષ્ણ પ્રવેશે છે. ઉત્તરા, એવી સ્થિતિમાં મુકાયેલું માનવી કદાચ જ બતાવી શકે એટલી સંયમશક્તિથી, મનને વાળી લે છે. જાણે કાંઈ મોટી વાત ન હોય એમ ડાહી બની જઈને પોતાના મૃત પુત્રને ઉદ્દેશીને બોલે છે :
પુત્ર ધર્મજ્ઞનો થૈને ધર્મને તું ન જાણતો,
યદુવીર ઊભા છે, ને કરતો નથી વંદન!
ઉત્તરા અનંતકાળ સુધી રડી હોત તોપણ કૃષ્ણને પોતાના દુઃખનો જે ખ્યાલ ન આપી શકત તે માત્ર આટલાક શબ્દોમાં એ આપી શકી. કંઈક લોકોત્તર તત્ત્વ આવી ઉક્તિઓમાં વરતાય છે, છતાં કેવી તો એ સ્વાભાવિક છે! ઉત્તરા વાંક કાઢે છે મૃત પુત્રનો; પણ પરોક્ષ રીતે તો ધર્મિષ્ઠોના કુળમાં, કૃષ્ણ જેવા ધર્મગોપ્તાની છત્રછાયા નીચે પણ, આવો અત્યાચાર બની શકે છે એ હકીકતનો જ એ ઇશારો કરે છે. મનુષ્યસ્વભાવનું કવિએ કેવું અવગાહન કરેલું હશે તેનો આવાં અપૂર્વ માનવતાભર્યાં વચનોથી આપણને અનુભવ થાય છે. ભંગાસ્વન રાજા મૃગયા કરવા ગયેલો ને એક સરોવરમાં નાહવાથી એકાએક એ સ્ત્રી બની ગયો. ઘેર સો કુંવર હતા. રાજધાનીમાં આવીને રાજપાટ તેમને સોંપી દઈ વનમાં એક તાપસને ત્યાં જઈને એ રહે છે. ત્યાં તાપસથી એને બીજા સો પુત્ર થાય છે. પેલા આગલા સોને સમજાવી આમને પણ ભાગ અપાવે છે. પાછળથી આગલા સો પુત્રોને ઇન્દ્ર ચડાવીને તકરાર કરાવે છે. છેવટે પેલી સ્ત્રી ઇન્દ્રને પ્રસન્ન કરે છે ત્યારે ઇન્દ્ર કહે છે કે કયા સોને જીવતા રાખું? સ્ત્રી કહે છે, પાછલા સોને. ઇન્દ્ર આ પસંદગીનું કારણ પૂછતાં, તે જવાબ આપે છે કે ‘સ્ત્રીનો સ્નેહ પુત્ર ઉપર વિશેષ હોય છે, જેવો પુરુષનો કદી હોતો નથી.’
*
પુત્રનો માતા પ્રત્યેનો ભાવ તેમાં પણ કવિએ માનવતાના અજબ અંશોનું દર્શન કરાવ્યું છે. પરશુરામ ભાર્ગવનું દૃષ્ટાંત જ બસ થશે. રેણુકાનું મન નદીએ નાહવા ગયેલી ત્યાં કોઈને જોઈ ચળ્યું. તપસ્વી પતિ જમદગ્નિને ખબર પડી. પુત્રોને આજ્ઞા કરી કે એનો શિરચ્છેદ કરો! કોઈએ આજ્ઞા માથે ઉઠાવી નહિ. તેઓ બધા નિશ્ચેતન થઈ ગયા. એક પરશુરામે આજ્ઞા પાળી. પિતા પ્રસન્ન થઈ ગયા. જે માગે તે આપવાનું કહ્યું. પરશુરામે શું માગ્યું?
માગ્યું માતાનું ઉત્થાન, માગી વધની અસ્મૃતિ,
સ્પર્શે ના પાપ એ માગ્યું, માગી ભ્રાતાની ચેતના.
જમદગ્નિએ રેણુકાને જીવતી કરી ને ભાઈઓને પણ સચેતન કર્યા. પણ એ બધાંમાં જોવાનું એ છે કે માતા જીવતી થાય એ જ પરશુરામની ઇચ્છા નથી. જીવતી થાય ને પતિએ મરાવી નાખી ને પુત્રે મારી એવી એની સ્મૃતિ રહે તો એના જીવવામાં સ્વાદ શો રહે? એથી પણ વધારે ગંભીર મુદ્દો તો બીજો એ કે રેણુકા પાપિણી હતી એ વસ્તુ તો એના પુનર્જીવિત થવા છતાંયે મરવાની નહિ. માટે પ્રથમ આવશ્યકતા તો એ કે એ પાપનો એને સ્પર્શ પણ ન થાય એવું થવું જોઈએ. આનું મહત્ત્વ તો નીતિમાનોને માટે જ છે, પણ ‘માગી વધની અસ્મૃતિ’ એમાં જે માનવતાનો ભાવ છે તે સૌને સ્પર્શે એવો છે. ‘વિસ્મૃતિ’ નથી માગી એ લક્ષમાં લેવાનું છે. વિસ્મૃતિ તો પ્રથમ સ્મૃતિ હોય તે પછી તેના વિરોધરૂપે આવે, સ્મૃતિના અને વિસ્મૃતિના એમ બંને અંકોરા ચિત્તની સપાટી ઉપર તો તો અંકાય. પરશુરામે તો માગી ‘અસ્મૃતિ’. કંઈ થયું જ ન હોય અને ચિત્તની જે સ્થિતિ હોય તે સ્થિતિ માગી.
*
કેટલીક વાર સરખામણીઓ દોરીને પણ કવિએ માનવભાવ નિષ્પન્ન કર્યો છે. સર્વનાશ થયા પછી નગરમાંથી સો પુત્ર ગુમાવનાર ધૃતરાષ્ટ્ર-ગાંધારી, કુંતી વગેરે શિબિર તરફ આવે છે. ધૃતરાષ્ટ્ર-ગાંધારીના મનનું સમાધાન કરવું એ ગંભીર વસ્તુ હતી; પણ તેમાં કૃષ્ણ, વિદુર, વ્યાસ, યુધિષ્ઠિર વગેરે સફળ નીવડે છે, પણ પાંચે પુત્ર ખોઈ બેઠેલી પાંચાલીનું મન ઠેકાણે આણવું એ કપરી વાત હતી. ગાંધારી એને કહે છે; દીકરી, જેવી હું છું તેવી તું છે. આપણને કોણ આશ્વાસન આપી શકે એમ છે. યુદ્ધ પછી અશ્વમેધ યજ્ઞ કરી પાપમુક્ત થવાની વ્યાસ સલાહ આપે છે. મનને થાળે પાડવાનો એ કીમિયો લાગે છે. અર્જુન અશ્વ પાછળ જાય છે. સિંધુસૌવીરમાં ગયા. ત્યાં પોતે જયદ્રથને મારેલો એટલે સારો એવો સામનો એને વેઠવો પડે છે; પણ અર્જુન બધાને પહોંચી વળે છે ને તેમનો નાશ કરે છે. ત્યાં જયદ્રથની પત્ની, ધૃતરાષ્ટ્રની પુત્રી દુઃશલા પોતાના પૌત્રને તેડીને રણભૂમિ ઉપર હાજર થાય છે અને યુદ્ધ અટકાવવા માટે અર્જુનને વીનવે છે. કહે છે કે તારા આવવાના સમાચાર માત્રથી કુંવર ફાટી પડ્યો. આટલો એનો દીકરો છે એને જીવવા દે, ભાઈ, તારા અભિમન્યુ પાછળ પરીક્ષિત નામ રાખનારો રહેવા પામ્યો છે એમ આને પણ જીવવા દે. અશ્વમેધ યજ્ઞના બધા મહાન કાર્યક્રમો ઉકેલાયા તેનો હેવાલ આપતાં કવિએ એક નાનકડી આ વાત પણ, જાણે કે તાજા કલમમાં, નોંધી છે કે દુઃશલાના પૌત્રનો બહુમાનથી સિન્ધુસૌવીરના રાજા તરીકે સ્વીકાર કરવામાં આવ્યો હતો. મહાભારતમાં યુદ્ધને લગતી જ વિગતો આપવામાં આવી છે. પછીથી ઉમેરા થયા તેમાં માત્ર સ્માર્ત વસ્તુ છે, ધર્મબોધ અને બ્રાહ્મણમહિમા છે. જે પાત્રો પડદા પાછળ છે તેમને કદી કોઈ કવિએ આગળ આણવા પ્રયાસ કર્યો નથી. રવીન્દ્રનાથ જેને ‘કાવ્યેર ઉપેક્ષિતા’ કહે છે તે મહાભારતમાં ભરપૂર છે. ઘણાં ઘણાં પાત્રોની ઉપેક્ષા થઈ છે, એટલે કે તે વિસારે મુકાયાં છે; પણ ઉત્તરાને કવિએ સાવ અન્યાય કર્યો નથી. હમણાં જ આપણે એક પ્રસંગ તો જોયો. રણક્ષેત્રમાં સ્ત્રીવર્ગ જાય છે ત્યારે મૃત પતિ અભિમન્યુને એ ચુંબન દે છે એ કરુણ પ્રસંગમાં પણ ઉત્તરાને પસાર થતી આપણે જોઈએ છીએ; પણ એ જ્યારે નાની બાળકી હતી, ભાવિ સસરો અર્જુન જ્યારે એનો નૃત્યાચાર્ય હતો, ત્યારે એના જીવનનું પ્રભાત કેવું તો ખુશનુમા હતું એ આપણે જોઈએ. સૈરન્ધ્રીએ ઉત્તરા દ્વારા વ્યવસ્થા કરી કે કૌરવોના સૈન્ય સામે રાજકુમાર ઉત્તર લડવા જાય ત્યારે એનું સારથિપદ બૃહન્નલા સંભાળે. એમાં એ કુશળ છે એવું એણે ઉત્તરાને ભરમાવ્યું હતું. ઉત્તરાનો આગ્રહ ફાવે છે. બૃહન્નલા તૈયાર થાય છે. બૃહન્નલા પહેરવા માટે બખ્તર ઉપાડે છે ને ઊંધેથી અથવા અવળું પહેરવા કરે છે ને સામે ઉત્તરા અને સખીવૃંદ ખડખડાટ હસે છે એ ચિત્ર હાસ્યથી ભરપૂર છે. સ્ત્રીવેશમાં ઊભેલો અર્જુન આ બાળાઓનાં નિર્દોષ હાસ્યનો ઉત્પાદક છે એ સંભારીએ છીએ ત્યારે એ હાસ્ય પાછળ ઝઝૂમતું અશ્રુ પણ આપણને દેખાય છે. અર્જુન તૈયાર થઈને નીકળે છે ત્યારે ઉત્તરા એક બાળસુલભ માગણી કરે છે એ જોવાથી કવિ મર્મસ્થાનને સ્પર્શે એવો એક પણ પ્રસંગ જતો કરતા નથી એની પ્રતીતિ થશે. નાનાં બાળકોને યુદ્ધમાં કેટલો રસ? એમને મન તો કોઈ પરદેશી આવ્યા છે, એટલો જ ખ્યાલ છે. એમને આપણા માણસો કાઢી મૂકવા જાય છે એટલું એ સમજે. એ લોકોનાં અવનવીન લૂગડાં હશે તેમાંથી થોડા ટુકડા આપણને ઢીંગલીઓ માટે મળે તો કેવું? આવા ખ્યાલથી ઉત્તરા બૃહન્નલાને કહે છે :
લાવજે શોભતાં વસ્ત્ર, અમો માટે, બૃહન્નલા,
ઝીણાં ઢીંગલીઓ કાજે, ને રત્નો જાતજાતનાં.
સર્વનાશનું આલેખન કરનાર મહાભારતના કવિએ ક્યાંક ક્યાંક આવો ખુશનુમા સૂર્યપ્રકાશ પણ બતાવ્યો છે. સ્ત્રીવેશમાં અર્જુન કૌરવોની સામે રાજકુમારને લઈને હાજર થાય છે ત્યારે દૂરથી એને રથ હાંકતો જોઈ દ્રોણ ઊછળતી વાણીમાં ભીષ્મ આગળ ખાંડવવનનું દહન કરનાર, ઇન્દ્રને હરાવનાર, પશુપતિને યુદ્ધનો સ્વાદ ચખાડનાર, એવો એવો, અરે ભીષ્મ, આ તો મારો શિષ્ય અર્જુન આવતો દેખાય છે એવું વર્ણન કરે છે તેમાં વીરરસની ને વાત્સલ્યની એવી તો ભભક છે કે આપણે એક વાર સ્તબ્ધ થઈ જઈએ છીએ, પણ થોડી વાર રહીને અર્જુનના ચિત્તની સ્થિતિ તપાસવા જઈએ છીએ ત્યારે જ એની પાછળનો કરુણ તો સમજાય છે. પોતાના હરીફોની સામે અને તેમાંયે પોતાના વડીલો અને વિશેષ તો ગુરુ સામે કંઈ નહિ ને સ્ત્રી જેવા રૂપમાં પોતાને લડવા માટે આવવું થાય છે એવી અર્જુનની સ્થિતિ જરીકે ઈર્ષ્યાસ્પદ નથી. તેમાં આપણને, દૂર સલામત સ્થળથી આખી ઘટના જોનારને, કવિ વળી દ્રોણને મુખેથી અર્જુનનાં પરાક્રમ સંભળાવે છે. આખું ચિત્ર પળવારમાં કરુણમય થઈ જાય છે.
*
મહાભારતમાં સ્ત્રીપુરુષ સંબંધો વિશે અનેક વાર અને અનેક દૃષ્ટિએ લખવામાં આવ્યું છે. અલબત્ત, પ્રથમ દૃષ્ટિએ તો સ્ત્રીવિરોધી મંતવ્યો જ આપણી સામે ભટકાય છે. સ્ત્રીના દોષનો ખ્યાલ આપણને મળે છે :
સહસ્ર હોય જો જિહ્વા, ને આયુ વર્ષ સો તણું.
ધંધો અન્ય ન, તોયે સ્ત્રીદોષો વર્ણ્યા વિના મરે.
છતાં સ્ત્રીઓ માટે બહુમાન પણ સ્પષ્ટ દેખાય છે. કન્યાઓ માટેની કાળજી પણ પ્રશંસાપાત્ર છે.
મહાકુલોની ચારિત્ર્ય કરી મોટી કસોટી જે,
– એવી ઉક્તિઓ ઉપરથી મહાકુલોની સંસ્કારિતા માપવાનું એ યુગનું એક અમોઘ સાધન પણ આપણને સમજાય છે. ભીષ્મ યુધિષ્ઠિરને કહે છે કે જ્યાં રાજકુમાર ન હોય ત્યાં રાજકન્યાને ગાદીએ બેસાડજે એટલે સ્ત્રીઓ પ્રત્યે આપણે પહેલી દૃષ્ટિએ જોઈએ છીએ એટલી અપમાનવૃત્તિ એ વખતે નહિ હોય એમ માનવા કારણ મળે છે; પણ મહાભારતમાંની સમાજવ્યવસ્થાનું અહીં પર્યાલોચન કરવા આપણે રોકાઈ શકીએ નહિ. આપણે તો એમાંનાં પાત્રો દ્વારા સહેજે સમજાઈ જતાં સત્યોની જ ઝાંખી કરવી છે. સ્ત્રી-પુરુષ-સંબંધમાં એ સમાજ બહુ ચોખલિયો લાગતો નથી. વ્યાસ, શાન્તનુ પાછળથી જેને પરણ્યા તે મત્સ્યગંધાના પરાશર મુનિથી થયેલ પુત્ર છે. નિયોગવિધિ તો સ્વીકૃત જ છે. અગિયાર જાતના પુત્રો મહાભારત ગણાવે છે. કર્ણનાં માતાપિતા અજ્ઞાત હોવા છતાં એ ઠીક ઠીક ઊંચી પદવીએ પહોંચી શકે છે. પાંડવો વિશે અસ્ત્રવિદ્યાપરીક્ષણ વખતે જ ભીમને દુર્યોધને સંભળાવેલું કે તમે કેમ જન્મ્યા છો એ પણ કાંઈ અમારી જાણમાં નથી એમ ન માનશો. પાંચ પુત્રોને લઈ કુંતી પાંડુના મૃત્યુ પછી નગરમાં આવી ત્યારે કવિ કહે છે : કેટલાકે કહ્યું પુત્રો પાંડુના છે ને કેટલાકે કહ્યું કે પાંડુના નથી. છતાં પાંડવોને પક્ષે ધર્મ છે એમ જ સૌએ ગણ્યું લાગે છે. જાતીયવૃત્તિ વિશે એ સમયની ઉદારતાનો એક જ દૃષ્ટાંતથી પૂરો પરિચય થાય છે. પાંડુને શાપ હતો કે વિહાર કરતાં કરતાં તેનું મૃત્યુ થશે. વનમાં એ તપસ્વી થઈને રહે છે, પણ વસંતમાં એક વખતે એ રાણી માદ્રીના સંયોગમાં આવે છે ને મૃત્યુ પામે છે. કુંતી પાસે આપણે માદ્રી માટે શાપવાણીની જ આશા રાખીએ. બધું જાણવા છતાં એણે આ પ્રસંગ શા માટે આવવા દીધો? પણ કુંતી કંઈ જ કડવું બોલતી નથી. બોલે છે માત્ર પરમ સહાનુભવના બે શબ્દ :
માદ્રી, તું ધન્ય મારાથી, ભાગ્ય ઝાઝેરું તાહરું,
કે જોવા પામી, આનંદે ખીલેલું સ્વામીમુખ, તું.
અવશ માદ્રી જેનું નિવારણ ન જ કરી શકી તે વિનાશનાં રોદણાં કુંતી રડવા બેસતી નથી, અને છતાં એ દુઃખી તો થતી દેખાય છે; પણ દુઃખ શાનું છે? સહજીવનની અંતિમ સુખક્ષણ માદ્રીએ ચોરી લીધી તેનું? ના. અરે, આનંદથી પ્રફુલ્લિત એવું પતિનું મુખ પોતાને એક પળ પણ જેવા મળ્યું હોત ને તો... પણ એ ન બન્યું એનું જ કુંતીને વસમું લાગે છે. ભીષણ પ્રણાશના મહાર્ણવ ઉપર કવિએ સહાનુકંપાની આવી લહરીઓ વચ્ચે વચ્ચે ઊઠતી બતાવીને જ એને સહ્ય બનાવ્યો છે. જાતીયવૃત્તિને અંગે મહાભારતમાં મનુષ્ય નામના પ્રાણી પ્રત્યે અત્યંત સહાનુભૂતિ બતાવવામાં આવી છે એ ઉપરના દૃષ્ટાંત પરથી દેખાયું હશે. વનપર્વમાં ઋષ્યશૃંગનું આખ્યાન આવે છે એમાં એવી સહાનુભૂતિ ન ધરાવનારાઓની પરોક્ષ રીતે ઠેકડી પણ ઉડાવવામાં આવેલી જણાય છે. ઋષ્યશૃંગને તેના તપસ્વી પિતાએ સ્ત્રીજાતિથી જ અજાણ રાખ્યો હતો. મગધના રાજાને કોઈએ કહ્યું કે જો ઋષ્યશૃંગ આપણી ભૂમિમાં પગ દે તો દુકાળ મટે. એક વારાંગના તે માટે બીડું ઝડપે છે. ઋષ્યશૃંગ પાસે આવીને એક તરુણ બાલા વિનોદ-ચેષ્ટાઓનો મધુર વંટોળિયો જગાડી જાય છે. ઋષ્યશૃંગના પિતા આવીને જુએ છે તો પુત્રની પ્રકૃતિ ફરી ગઈ છે. પૂછતાં તે કહે છે કે અહીં ‘આવ્યો હતો કો જટિલ બ્રહ્મચારી.’ એમ કહી પોતાને મન જે એક પુરુષ જ છે તે પેલી તરુણીનું, બંગડીઓ તે રૂદ્રાક્ષના બેરખા, લાંબા વાળ તે જટા, એમ ગણાવીને બ્રહ્મચારીરૂપે વર્ણન કરે છે. અદ્ભુત હાસ્યની જમાવટ અહીં થઈ છે. અલબત્ત, પિતા વનમાં ફળફૂલ લેવા જતાં, પેલી યુવતી ઋષ્યશૃંગને આવીને નવું શાસ્ત્ર (કામનું) શીખવવાનું કહી એને સહેલાઈથી લઈ જાય છે. દ્રૌપદીનું લગ્ન પાંચે પાંડવ જોડે થાય છે એ કોયડાનો ઉકેલ આ જાતીયવૃત્તિ તરફની તે કાલની ઉદારતામાં શોધવાથી પણ મળી શકે એમ છે. ભાગ પાડીને બધા ભાઈ ઉપભોગ કરો એવું કુંતીએ કહ્યું તે પરથી કાંઈ યુધિષ્ઠિર આવો ગંભીર નિર્ણય કરી ન લે. માતાનું વચન પાળવાની તત્પરતામાં બીજી એક અત્યંત મહત્ત્વની વાતમાં એ સાવ નમતું ન આપે. એ ભિક્ષાની કથાથી પાંચ પતિનો ખુલાસો મળી શકે એમ નથી. શ્રી. ચિંતામણે એક સારો મુદ્દો રજૂ કર્યો છે. દ્રુપદ આ વાતનો અસ્વીકાર કરે છે ત્યારે યુધિષ્ઠિર એને મનાવે છે કે અમારો એવો કુલાચાર છે; પણ એ રીતેયે મૂળ મુશ્કેલીનું સમાધાન ભાગ્યે જ થાય. આવો કુલાચાર હતો તો એનો પુરાવો એ જ કુલની અન્ય પેઢીઓમાં કે અન્યત્ર ભારતવર્ષનાં કુલોમાં કેમ મળતો નથી? કદાચ સૌથી વધારે સાચો ખુલાસો તો મહાભારતકારે એ પ્રસંગ ચીતરતાં જ આપી દીધો છે. કહે છે કે યુધિષ્ઠિર વિચાર કરવા લાગ્યા કે માતાનું કહ્યું શી રીતે અમલમાં મૂકવું. પછી એક પછી એક એમ સૌ ભાઈઓના મુખ પ્રત્યે એમણે નજર કરી ને જોયું કે ભાઈઓ દ્રૌપદીને જોઈ રહ્યા હતા અને ભગવાન મન્મથ એમની સકલ ઇન્દ્રિયોને વલોવીને પ્રગટી રહ્યો હતો અને અંદર અંદર ‘ભેદભય’થી એમણે તરત નિશ્ચય સંભળાવ્યો કે દ્રૌપદી પાંચેની પત્ની બનશે. આ ‘ભેદભય’ એ નાનીસૂની વાત નથી. પાંડવોને રાજપાટ મેળવવું હોય તો પાંચે જણાએ સંગઠિત રહેવું જોઈએ એ રાજનીતિની પ્રથમ જરૂરિયાત હતી. આગળ ઉપર આપણે જોઈએ છીએ કે અંદર અંદર ભેદનો ભય ન હતો જ એમ નહિ. સભામાં દ્રૌપદીનું અપમાન થાય છે ત્યારે ભીમ બરાડી ઊઠે છે કે રાજા જૂગટું રમ્યો માટે ‘બાળું છું હાથ હું તારા, અગ્નિ સહદેવ! લાવ જો.’ ગાંડીવ છોડી દેવાનું અર્જુનને યુધિષ્ઠિર કહે છે ત્યારે અર્જુન તેને પોતાની પ્રતિજ્ઞા પ્રમાણે મારી નાખવા તૈયાર થાય છે પણ વડીલને તુંકારો દેવો એ જ મરણ એમ કૃષ્ણ તોડ કાઢે છે, ત્યારે અર્જુન રાજાને ઘણી ઘણી સુણાવે છે, આખા આયખાની વરાળ કાઢે છે. મને દ્રૌપદીની પથારીમાં પડી રહેનારો ગણીશ નહિ એમ કહી કટાક્ષમાં રાજાને પોતે એવો ગણતો હોય તે રીતે બોલે છે. યુદ્ધ પછી રાજ ભોગવતાં સોળ વર્ષ થયાં ને ધૃતરાષ્ટ્ર વનવાસ માટે જાય છે ત્યારે છેલ્લું સોએ પુત્રોનું શ્રાદ્ધ કરવાની ઇચ્છાથી પૈસા માગે છે, ત્યારે ભીમ વિરોધ કરે છે. એ પૈસાથી અમારા દુશ્મનોનું એ શ્રાદ્ધ કરશે એ ખ્યાલ જ એનાથી સહ્યો જતો નથી. યુધિષ્ઠિર પોતાની ખાનગી તિજોરીમાંથી દ્રવ્ય આપે છે. મહાભારતકારે રાજનીતિને કારણે પાંચ પતિના સ્વીકારને ઉચિત ઠેરવ્યો લાગે છે. દ્રૌપદી વગર પાંચ જણાનું સબળ સંગઠન થવું મુશ્કેલ નીવડત, કદાચ અસંભવિત પણ થાત. મારે જો મહાભારતમાં એકાદ શ્લોક ઘુસાડવાનો હોય તો કંઈક આવી મતલબનો શ્લોક વૈવાહિકપર્વમાં મૂકી દઉં :
પાંચ આંગળીઓ જેવા હતા પાંડવ શોભતા;
વળી જે મુક્કી તે કિંતુ દ્રૌપદીના પ્રભાવથી.
છતાં જોવાનું એ છે કે મહાભારતકારે રાજનીતિની વેદી ઉપર કુદરતી માનવીભાવને વધેરી નાખ્યો નથી. પરીક્ષિતને રાજ સોંપી પાંડવોએ મહાપ્રસ્થાન કર્યું ત્યારે સૌથી પહેલો દ્રૌપદીનો દેહ પડે છે. પાંચે પતિઓની હયાતીમાં જ એમ થાય છે એ વાત તો મહત્ત્વની છે જ; પણ ભીમ જ્યારે આવી સતીસાધ્વીનું મૃત્યુ કેમ થયું એમ યુધિષ્ઠિરને પૂછે છે ત્યારે તે સ્પષ્ટ કહે છે કે ભીમ, એનો આપણ સૌમાં અર્જુન પર પક્ષપાત વિશેષ હતો. પણ મહાપ્રતાપવંતી બળવાળી એ મહાનારીનું એ દોષસ્થાન ભલે હોય, એક સ્ત્રી લેખે એ જ એનું પરમ બળ હતું. અર્જુને લક્ષ્યવેધ કર્યો ત્યારે એણે શાં સંવેદનો અનુભવ્યાં હતાં?
એ લક્ષ્ય વીંધાયું નિહાળી કૃષ્ણા
ને પાર્થને ઇન્દ્રસમાન જોઈ,
શું હાસ વિના હસતી જ કન્યા?
વિના મદે યે સ્ખલતી જ ભાવથી.
વાચા વિના દૃષ્ટિ વડે વદંતી શું!
ને લેઈને ત્યાં વરમાળ શ્વેત,
એ પાર્થ પાસે સિમિતવંતી સોહતી.
પુરુષોના પત્ની પ્રત્યેના વ્યવહારનાં પણ સુંદર માનવતાભર્યાં દૃષ્ટાંત મળે છે. અર્જુન સુભદ્રાનું હરણ કરીને આવે છે ત્યારે સીધો દોડતો દોડતો ભાઈઓ પાસે ચાલ્યો જતો નથી. એને દ્રૌપદીનો વિચાર આવે છે. એ સુભદ્રાને કહે છે કે એ માનિની સ્ત્રીની જીભ કંઈનું કંઈ વેતરી બેસશે, માટે પહેલાં તું એની આશિષ મેળવ. તેઓ નગર બહાર ગોપના ગોષ્ઠમાં ઊતરે છે. રાતી ચૂંદડી ઓઢીને ગોપીઓ સંગાથે સુભદ્રા પાંડવોને ત્યાં જાય છે ને દ્રૌપદીને નમન કરે છે ને એના આશીર્વાદ પામે છે. પછી વાત પ્રગટ થાય છે. પુરુષો પરિણીતાઓ પ્રત્યેના વ્યવહારમાં કેટલી સાવચેતી રાખતા તેનો આથી આપણને ખ્યાલ આવે છે. તેઓ બેદરકારી બતાવે તો સ્ત્રીઓ એ ‘અબળા’ બનીને ગળી પણ ન જતી. શકુંતલાને દુષ્યંત ઓળખવાની પણ ના પાડે છે ત્યારે શકુંતલાનો ઉત્તર કાલિદાસની શકુંતલાના બરનો નથી પણ આપણે હમણાં જોઈ એવી સ્વતંત્રવૃત્તિના આવિષ્કાર જેવો છે. તે કહે છે, તારો આ અસત્ય વ્યવહાર જોઈને તો, તું ખરેખર પતિ તરીકે રહેવા માગતો હોય તોપણ તારી સત્યદ્રોહીની સોબત મારે જોઈતી નથી. સૂર્ય કુમારી કુંતીના મંત્રથી હાજર થાય છે ને તે ના પાડે છે છતાં મંત્રને સફળ કરે છે; પણ જ્યારે ગંગાતીરે કુંતીએ કર્ણને તેના માતૃત્વની જાણ કરી ત્યારે સૂર્ય એની સાક્ષી પૂર્યા વગર રહેતો નથી. કોઈ વાર પુરુષ બધા દોષના ભારનો ટોપલો સ્ત્રી ઉપર નાખવાને બદલે પોતે પણ કંઈક ઓઢી લે છે. દમયંતીના બીજી વારના સ્વયંવરના સમાચાર સાંભળી નળ (બાહુક) બેઠો બેઠો તરંગે ચડે છે. કવિએ એની પાસે દમયંતીને ગાળો દેવરાવી નથી. નળ તો કહે છે, ‘સ્ત્રીસ્વભાવ ચળે એવો, ને મારો દોષ દારુણ.’ સ્ત્રીનો સ્વભાવ ચંચળ છે એટલું જ કહીને બેસી રહેત તો એમાં કાંઈ નવું ન હતું, પણ એ કહે છે કે મારો પોતાનો દોષ પણ ભયંકર છે. (પોતે વનમાં એને મધરાતે છોડી દીધી તે દોષ.) આ સંદર્ભમાં પેલો પ્રખ્યાત – નામચીન શ્લોક જોઈ લેવો ઠીક પડશે :
अयं स रसनोत्कर्षी पीनस्तनविमर्दनः ।
नाभ्यूरुजघनस्पर्शी नीवीविस्त्रंसनः करः ।।
ભૂરિશ્રવાની પત્નીઓ પોતાના પતિનો હાથ ખોળામાં લઈને એ હાથની લીલાઓ સંભારી સંભારીને રડે છે. મેઘનાદના વધ પછી પણ આવો પ્રસંગ છે. કોઈને થશે કે યુદ્ધની કરપીણ ધ્વંસલીલા વચ્ચે આ શૃંગાર શી રીતે નભી શકે? પણ ઉપર જેનો નિર્દેશ થયો છે તે જાતીય બાબતો પ્રત્યેની ઉદારતાનો સહેજ ખ્યાલ કરવાથી એમાં કુરુચિ ઓછી લાગશે. ઊલટું, એ ચિત્રની ભીષણતાનો રંગ વિરોધને લીધે, તેજને લીધે જેમ છાયાનો તેમ, વધુ ઘેરો બનશે. દ્રોણે રાત્રે યુદ્ધ ચાલુ રાખ્યું. ઘટોત્કચે નિશીથયુદ્ધમાં ભારે કરી. છેવટે એ મરાયો. અર્જુને થોડીક ઘડી સૂવા માટે યુદ્ધ બંધ રખાવ્યું. ત્યાં ઊંઘમાં ઘેરાયેલું આખું સૈન્ય ચિત્ર જેવું લાગવા માંડ્યું. ને હાથી ઉપર કુંડલવાળા યુવાનો કેમ સૂતા હતા? ‘कुचेषु लग्ना इव कामिनीनाम्’ કવિ એ યોદ્ધાઓની નિદ્રાવસ્થાનું લાડપૂર્વક વર્ણન કરે છે. અને થોડી વારમાં તો
ઊગ્યો કુમુદિનીનાથ કામિનીગંડપાંડુ ત્યાં.
ચંદ્ર ઊગ્યો ને લડાઈ શરૂ થઈ. પણ આ વિનાશ વચ્ચે ચોરી લીધેલી બે ઘડી તેમાં કવિએ શૃંગારનો રસ છાંટી એ વિનાશની ભીષણતા ઊલટી વધારી મૂકી છે. શલ્ય અચેતન થઈને ધરણી પર ઢળી પડે છે એનું વર્ણન પણ પૃથ્વીને પ્રિયા સાથે સરખાવીને કવિએ કર્યું છે. આ પ્રસંગો કવિએ અત્યંત લાલનથી, સહાનુકંપાથી, ઉદારતાથી ચીતર્યા છે. માણસમાંથી જાતીયવૃત્તિ પ્રત્યે ઘૃણાદૃષ્ટિથી કે દોષદૃષ્ટિથી જોવાને બદલે કાંઈક સદ્ભાવથી એ જુએ છે. ઉપર હાથની વાત કરી તેવો દાખલો સર્બિયાના એક કથાકાવ્યમાં મારા જોવામાં આવ્યો હતો. કાસાવાની લડાઈમાં એક બાઈનો પતિ અને નવ દીકરા ખૂટી ગયા હતા. આકાશમાં ઊડતા એક પક્ષીની ચાંચમાંથી એક હાથ આવતોકને આંગણામાં પડ્યો. બાઈએ પોતે જોયો ને પછી તરત નવેનવ વહુવારુને બોલાવી કે તમારામાંથી કોના પતિનો આ હાથ છે તે કહો, તમે તે વિશેષ જાણો. પુસ્તક મારી પાસે નથી પણ બે પંક્તિ સ્મૃતિ ઉપરથી ઉતારું છું. માતા પુત્રના હાથને ઉદ્દેશીને કહે છે :
You blossomed on my bosom,
And were plucked on the field of Kossovo.
શ્રી ચિંતામણ વૈદ્ય કહે છે કે હોમરના કાવ્યમાં હેક્ટર લડાઈએ ચડતાં પહેલાં પત્ની સાથે જે રીતે વાત કરે છે ને બાળકને ચૂમે છે તેથી તો ગ્રીકોના પ્રતિપક્ષી માટે આપણામાં સહાનુભૂતિ જાગે છે. મહાભારતમાં કવિ પ્રતિપક્ષીઓની તરફેણમાં આવી લાગણીઓ જગાડતો નથી એ માટે શ્રી વૈદ્ય તેને અભિનંદન આપે છે, પણ વસ્તુસ્થિતિ ઊલટી જ છે. મહાભારતકાર કૌરવોના પક્ષમાં લાગણીઓ બેશક જગાડે છે અને તે માટે આપણે એને છૂટે હાથે અભિનંદન આપવાં જોઈએ. પાંડવોની સામે મુડદાલ લડવૈયા હોય, ધર્મની સામે નિર્ભેળ અધર્મ જ હોય, તો એવી લડાઈનો ઇતિહાસ જાણવામાં આપણને રસે શો હોય? શું જીવનમાં, શું કલામાં, સોએ સો ટકા સાધુચરિત કે સોએ સો ટકા દુષ્ટાત્મા કોઈ છે જ નહિ. અર્જુન સામે કર્ણ, કૃષ્ણ સામે ભીષ્મ, ભીમ સામે દુર્યોધન, એવી સરખેસરખી જોડી ન હોય તો મહાભારત લાખ શ્લોકને બદલે સાત શ્લોકમાં જ સમેટી લેવું પડત. વળી, પાંડવોની સામેના પ્રતિપક્ષીઓ મોટા હોય તો તેમને જીતવામાં પણ કંઈ સાર ગણાય. મહાભારતકારે આ બળની બાબતમાં ભારે સમતુલા બતાવી છે. પ્રતિપક્ષીઓમાં કોની મહત્તા એણે નથી બતાવી? શ્રી વૈદ્ય કહે છે તેમ પ્રતિપક્ષી – કૌરવો – પ્રત્યે સમભાવની લાગણી જન્માવવાથી કવિ કાવ્યને હાનિ પહોંચાડતો નથી, પણ એને અનેકગણું વાસ્તવિક અને અકૃત્રિમ બનાવે છે. દુર્યોધનને અથથી ઇતિ સુધી પાપને જ વળગી રહેલો બતાવવામાં તો ભારે અસ્વાભાવિકતાનું જ પ્રદર્શન થાય. એક તો એવો માણસ સંભવી શકે નહિ ને બીજું એવો હોય તોયે કળામાં તો એવાં નીતિની કળ ચાંપવાથી અમુકતમુક સીધે રસ્તે ચાલ્યાં જતાં ઢીંગલાંને સ્થાન જ ન હોઈ શકે. પ્રતિપક્ષીઓ પ્રત્યે સમભાવ તો કવિએ ઉપજાવ્યો જ છે. એટલું જ નહિ પણ જ્યાં જ્યાં એથી વિરુદ્ધ આલેખતા દેખાય ત્યાં ત્યાં પણ તે ઉતારી પાડવા કરે છે એમ આપણે ભોળવાઈ જઈને માનવું જોઈએ નહિ. કર્ણનો દાખલો બસ થશે. શલ્ય કર્ણનો સારથિ થયો પણ પોતે ફાવે તેમ બોલવાની છૂટ માગી લીધી હતી. અર્જુનની સામે રથ લઈ જવાનું કર્ણ કહે છે ત્યાં શલ્ય કર્ણનો તેજોવધ કરે છે ને કહે છે કે પેલા કાગડા જેવી જ તારી વલે થવાની છે, જે બધા આગળ બડાશ મારતો હતો કે પોતે ઊડવાની સો રીતો જાણે છે ને ખરે વખતે મરવા પડ્યો. ડીન એટલે ઊડવું તે. એ શબ્દની આગળ પાછળ તદ્ધિત અને કૃત્પ્રત્યયો લગાડી કવિએ એનું ભારે હાસ્યસભર ચિત્ર આપ્યું છે. કાગડો કહે છે :
ઊડવાની રીતો જાણું પૂરી સો હું, ન સંશય.
સો સો યોજન સુધી એ અકેકીથી ઊડી શકું.
ડીન, પ્રડીન, ઉડ્ડીન, નિડીન, વિકુડીનક,
વિડીન માથે સંડીન, તિર્યગ્ડીન નવું વળી.
સુડીન ને પરિડીન, પરાડીન, સુડીનક,
અભિડીન, મહાડીન, નિર્ડીન અતિડીનક,
અવડીન ને પ્રડીન, સંડીન, ડીનડીનક,
ઉડ્ડીનોડીન, સંડીન, વળી ડીનવિડીનક.
આ ડિમડિમ પછી હંસ ને બે જણા ઊડે છે. કાગડો થાકીને પાણીમાં પડે છે. હંસ કહે છે :
સ્પર્શે છે પાણીને, ભાઈ, પાંખોથી શિરથી વળી.
ઊડવાનો કહે, કાક, નવો આ તે પ્રકાર શો?
પછી કાગડો કરગરીને કહે છે કે મને તું એક વાર બચાવે તો ફરી કદી બડાશ નહિ કરું. આ બધું સામાન્ય રીતે ‘તેજોવધ’માં ખપાવવામાં આવે છે. પાંડવોના પ્રતિપક્ષી કર્ણને ઉતારી પાડવા જ જાણે યોજેલો પ્રસંગ ન હોય. હા કર્ણને આમાં ઉતારી પાડવામાં તો જરૂર આવ્યો છે, પણ એટલા જ માટે કવિએ ભાગ્યે જ આ બધી મહેનત લીધી હોય. હું સમજું છું ત્યાં સુધી સર્વ બાજુથી કર્ણના મૃત્યુની તૈયારી થઈ ચૂકી હતી, માત્ર એક શલ્ય, પોતાનો સારથિ, ખરે વખતે કાંઈ મદદરૂપ થાય એટલો સંભવ હતો; પણ તેય હવે પરવારી ચૂક્યો. કાગડાની પેઠે કર્ણ પોતાને બચાવવા માટે મદદ માગે, કરગરે, એ એના માની સ્વભાવ સાથે બંધબેસતું નીવડે જ નહિ. એટલે પાત્રાલેખનની એક જરૂરિયાતને વશ વર્તીને કવિએ આ દેખીતો અપમાનનો, પણ વસ્તુતઃ કર્ણના માની સ્વભાવને એક વધુ વળ ચડાવતો, પ્રસંગ નિરૂપ્યો છે. પ્રતિપક્ષીઓમાં લગભગ સૌ કોઈ પ્રત્યે આપણામાં સમભાવની લાગણી કવિએ પ્રગટાવી છે. મોનિયેર વિલિયમ્સે ઠીક જ નોંધ્યું છે (શ્રી વૈદ્યના કથનથી તદ્દન ઊલટું જ) કે હોમરના હેક્ટરની વિદાય કે એવા કોઈ પ્રસંગે ક્વચિત્ જ માનવભાવનું પ્રદર્શન થયું છે, જ્યારે મહાભારતમાં તો ડગલે ને પગલે એની પ્રતીતિ થાય છે. આપણે કર્ણ અને દુર્યોધન પરત્વે આવા પ્રસંગોનું મહત્ત્વ વિચારી લઈ આ પર્યેષણની સમાપ્તિ કરીશું. કૃષ્ણ વિષ્ટિમાં નિષ્ફળ નીવડ્યા ને પાછા જાય છે ત્યારે એ ભીષ્મ દ્રોણ આદિની રજા લઈ, એક કર્ણને પોતાના રથમાં થોડેક સુધી લઈ જાય છે. રસ્તે તેઓ કર્ણ આગળ બધી વાતનો ઘટસ્ફોટ કરે છે. પોતાની સાથે કર્ણ આવે તો તેને પાંડુના (કેમ કે કન્યા જેને પરણે તેનો જ કાનીન પુત્ર પણ પુત્ર ગણાય) જ્યેષ્ઠ પુત્ર તરીકે રાજગાદી અપાવે એમ કહે છે. યુધિષ્ઠિર યુવરાજ થશે ને ચામર ઢોળશે, ભીમસેન છત્ર ધરશે, અર્જુન રથ હાંકશે, સહદેવ નકુલ અભિમન્યુ ને હું, સહુ તારી સેવામાં હાજર રહીશું. દ્રૌપદી પણ ભાગે પડતો સમય તને સેવશે. કૃષ્ણે કહેવામાં કશી જ બાકી ન રાખી... કર્ણ પણ કાંઈ પથ્થર ન હતો. કૃષ્ણની વાત તે સ્વીકારે છે કે ધર્મથી પોતે પાંડુનો પુત્ર જ ગણાય; પણ સખેદ કહે છે કે કુન્તીએ પોતાને એવે વખતે છાંડી દીધો કે એનું ભારે અકુશલ થયું. જ્યારે બીજી બાજુ પોતાને જોઈ રાધાને ધાવણ આવ્યું... એણે મારાં બાળોતિયાં ધોયાં. આપણા જેવા ધર્મશાસ્ત્રનું સતત શ્રવણ કરનારથી એને છેહ શે દેવાય? ને અધિરથ? એણે મારું જાતકર્મ વગેરે કર્યું. મારું પુત્રપ્રીતિપૂર્વક બ્રાહ્મણો પાસે વસુષેણ એવું રૂડું નામ પડાવ્યું. ઉંમરલાયક થયો ત્યાં વિવાહ કર્યા ને હવે તો મારે પુત્રને ઘેર પુત્ર થયા છે ને મારી પત્નીઓમાં મારું હૃદય બરોબર એવું તો જકડાઈ ગયું છે કે ન તો સુવર્ણના ઢગલાથી કે ન આખી પૃથ્વીથી એ બધું હવે મિથ્યા થઈ શકે. અને દુર્યોધનના આશ્રયથી તો હું ઊભો. મારા જોર પર તો એણે અર્જુનનો સામનો કરવાનું નક્કી કર્યું. હવે હું અર્જુનની હરીફાઈ તજી દઉં તો હું લાજું, ને અર્જુન પણ લાજે. આ બધા ઉદ્ગાર પરમ માનવતાથી ભરેલા છે. પણ કર્ણ પ્રત્યે અપાર સમભાવ તો આપણને એનાં હવે પછીનાં વચનથી થાય છે. એ કૃષ્ણ સાથે શરત કરે છે કે જ્યારે હું તમારી સાથે આવી નથી જ શકતો ત્યારે એ વાતને અહીં દાટીને જ તમે આગળ વધો. કોઈ પણ પ્રકારે યુધિષ્ઠિરને આની ખબર પડવી જોઈએ નહિ.
જો એ જાણે મને, રાજા ધર્માત્મા સંયતેન્દ્રિય,
કે કુંતીપુત્ર હું જ્યેષ્ઠ, ગ્રહશે રાજ્ય તો ન એ.
ને મારે હાથ જો બ્હોળું આવે આ રાજ્ય, કૃષ્ણ, તો
બધુંયે સોંપી દેવાનો દુર્યોધન તણે પદે.
કેમ કે પોતે દુર્યોધનનો ઉપકૃત છે. માટે
રાજા હો એ જ ધર્માત્મા સદા માટે યુધિષ્ઠિર,
નેતા જેના હૃષિકેશ, યોદ્ધો જેનો ધનંજય,
આ શરતમાં કર્ણની અસાધારણ માનવતાનું આપણને દર્શન થાય છે. દુર્યોધનની વાત જુદી છે. કર્ણમાં તો અનેક ગુણો ગણાવવામાં આવ્યા છે; પણ દુર્યોધનની પાપવૃત્તિ અને અભિમાનને બહુ જ કાળા રંગથી રંગવામાં આવેલ છે. છતાં જે રીતે એ કર્ણને પોતાનો મિત્ર બનાવે છે, જે રીતે એક પછી એક મહાવીરો યુદ્ધમાં ખપે છે તોપણ પોતાનું ધૈર્ય એ સાચવી રાખે છે અને તેમની ગેરહાજરીમાં હવે સંધિ કરીને પાંડવોનો આપ્યો બટકું રોટલો ઓશિયાળા થઈને ખાવા કરતાં સ્વર્ગમાં ફરી સ્વજનોનો સંગમ સાધવા તૈયાર રહે છે, એ બધામાં એના સ્વભાવની ઉદાત્તતાનાં સ્પષ્ટ દર્શન થાય છે. મહાભારતના પાત્રાલેખન ઉપર ઘણા વિસ્તારથી, ઘણાં દૃષ્ટિબિંદુથી, ચર્ચા થઈ શકે એવી છે. તે માટે તો ગ્રંથની યોજના કરવી રહે. આપણે અહીં દુર્યોધનના સ્વભાવના ઉદાત્ત એવા એકાદ અંશનો પરિચય કરીએ તોયે બસ ગણાવું જોઈએ. ભીમે અધર્મયુદ્ધથી ગદા વડે દુર્યોધનનો વધ કર્યો અને એના માથા પર વિજયોન્માદમાં પગ મૂક્યો. યુધિષ્ઠિર ભીમને વારે છે ને ગદ્ગદ કંઠે દુર્યોધનને આશ્વાસન આપે છે :
જોશું શી રીત વિધવા વધૂઓ શોકમગ્ન સૌ?
તું ખરે સુખિયો, રાજન્, સ્વર્ગે વાસ નકી તવ.
અમે નરકશું દુઃખ ભોગવીશું ભયંકર.
પણ દુર્યોધનનો આત્મા રડતો નથી. મૃત્યુ વખતે પણ એના સ્વભાવમાં જે ઉદાત્તતા દીપી ઊઠે છે એ અસાધારણ છે; આપણામાં એની પ્રત્યે સમભાવ જ નહિ, માન પ્રેમ વગેરે ભાવ જગાડે છે અને એના વિરોધીઓ માટે તિરસ્કાર પણ જન્માવે છે. દુર્યોધન દૃઢતાથી કૃષ્ણના કાવાદાવા ગણાવે છે ને ઉપર રહીને એમણે જ અધર્મથી કૌરવોનો નાશ કરાવ્યો એમ કૃષ્ણની વિમાનના કરે છે. છેવટે, પોતાના અંત કરતાં કોઈનો પણ અંત વધારે સારો નહિ હોય એમ કહી ભારે ચિત્તસ્વાસ્થ્યથી બોલે છે :
ન મને દુઃખ કે ભીમે મૂક્યો મારે શિરે પદ;
હમણાં કાક ને ગીધ ઊતરી આવશે અહીં.
આપણને જ દુર્યોધન માટે સમભાવ અને એના પ્રતિપક્ષીઓ માટે તિરસ્કાર થાય છે એમ નહિ. કવિ શું કહે છે?
રહ્યા બોલાઈ પૂરા જ્યાં શબ્દો એ કુરુરાજના,
થઈ એવે મહાવૃષ્ટિ પુષ્પોની પુણ્યગંધીની.
ગન્ધર્વોએ બજાવ્યાં ત્યાં વાજિંત્રો સુમનોહર,
ને કર્યું કીર્તિસંગીત અપ્સરાએ નૃપાળનું.
કાઢ્યા ઉદ્ગાર સિદ્ધોએ “સાધુ! સાધુ! નૃપાળ હે!’
વાયો વાયુ મૃદુ મીઠો પુણ્યગંધ સુસૌરભ.
દિશા સર્વે રહી રાજી ને વૈદૂર્ય સમું નભ.
દુર્યોધનની પૂજાથી વાસુદેવાદિ સર્વને
અદ્ભુતો દેખીને આવાં મુખે લજ્જા ફરી વળી.
મહાભારતના મૂળ કર્તા કૃષ્ણ દ્વૈપાયનને મન વાસુદેવ કૃષ્ણ તે અસામાન્ય પણ ‘મનુષ્ય’ જ હતા, પરમાત્મા નહિ, એમ આથી સમજાય છે; નહિ તો તેમના આવા તેજોવધનું ચિત્રનિર્માણ કરતાં પહેલાં તે વિચાર કરત. પરંતુ આપણને એ વસ્તુ અત્રે અપ્રસ્તુત છે. આપણે તો દુર્યોધનના અંતિમ ઉદ્ગારો દ્વારા કવિએ માનવભાવને જે મહત્ત્વ આપ્યું છે તેનું યથાર્થ દર્શન કરવામાં જ સંતોષ માનીશું.
*
મહાભારતમાં માનવતાનું, સંસ્કૃતિના વાઘા ને કલાના ઓપ વગરના માત્ર માણસપ્રાણીના માણસપણાનું, આમ, આપણને અનેક વખત સુભગ દર્શન થાય છે. આ વસ્તુ મહાભારતકારની મનુષ્ય પ્રત્યેની અગાધ સહાનુભૂતિમાંથી જન્મી છે. એને લીધે એનું કાવ્ય આપણા સમગ્ર ચિત્તતંત્રનો અજબ સહેલાઈથી કબજો મેળવી લે છે. મનુષ્યહૃદયના રાગાવેગોનું તાંડવ મહાભારતકાર જેવું બહુ ઓછા જ કવિઓએ આલેખ્યું હશે અને આલેખન વખતે એ જે સ્વાસ્થ્ય જાળવે છે એ તો અપૂર્વ જ છે. માનવીના મનોરાગોની ભીષણ રમણા હોમરે અને ગ્રીક નાટ્યકારોએ અસાધારણ નિરૂપી છે, શેક્સપિયરે પણ અલૌકિક કૌશલ એના અંકનમાં ઠાલવ્યું છે; પણ મહાભારતકારની એક વિશિષ્ટતા છે. મહાભારતકાર માત્ર માનવીના ચિત્તાવેગોની પ્રમત્ત તાંડવલીલા નિરૂપીને અળગા ખસી જતા નથી, પરમ સ્વાસ્થ્યપૂર્વક એ સકલ તત્ત્વોને સંયમમાં રાખે છે. ક્ષુલ્લક કે મહાન રાગદ્વેષ, સરલ કે કૃત્રિમ સુખદુઃખ, અનિવાર્ય અશ્રુ અને આપાતરમ્ય સ્મિત, બધાં તત્ત્વોને જીવનમાં અનિવાર્યપણે રહેલી ધર્મભાવનાથી એમણે રસ્યાં છે. ટૂંકામાં, કલાનિર્મિત સરોવર જેવું એમનું કાવ્ય નથી. મહાભારત તો છે વહેતાં પાણી, યુગેયુગના આ માનવ્યપ્રવાહનાં. મહાભારતકારે પૂરતા તાટસ્થ્યથી માનવીના મનોભાવોની નૃત્યલીલા નિરૂપવાની સાથે સાથે તે તે પાત્રોનાં જીવન સાથે અસામાન્ય તાદાત્મ્ય સાધીને પોતાની અગાધ માનવતાનું ઠેરઠેર સિંચન કરી એ નૃત્યલીલા સુસહ્ય બનાવી છે, અર્થવતી કરી છે. તે નૃત્યલીલાના અંશોની અનિવાર્યતા જ એને કલાકારની પેઠે બતાવવાની નથી; એને તો પ્રત્યેક અંશનું જીવનઘટનામાં સ્થાન અને રહસ્ય નક્કી કરી, સમગ્રને પ્રસાદ અર્પતા જીવનદર્શનનો નિર્ઘોષ પણ કરવો છે. આખા કાવ્યમાં પદે પદે પ્રતીત થતી માનવતાથી જ એ શક્ય બન્યું છે. માનવતા એટલે માત્ર માણસ પ્રત્યેની લાગણી કે માનવસુલભ ભાવ એવા સંકુચિત અર્થથી આપણે મહાભારતકારને અન્યાય કરીશું. માનવતા એટલે પરમ કારુણ્ય, સર્વભૂતાનુકમ્પા, જેનાં દર્શન યુધિષ્ઠિર પોતાની સાથેના કૂતરાને છોડીને એકલા સ્વર્ગમાં જવાની ના પાડે છે ત્યારે થાય છે. અને ખાંડવવનદહન વખતે ચાર ખિસકોલીઓ બચી જતી બતાવવામાં આવી છે એ ઘટના પાછળ પણ બીજો કયો ભાવ છે?
૧૯૩૯