સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ઉમાશંકર જોશી/શબ્દની શક્તિ
શબ્દની શક્તિ એટલે કે ભાષાની શક્તિ, બોલીની શક્તિ. બોલાય છે તે બોલી. સૌ ભાખે છે તે ભાષા. આ ભાષા અથવા બોલી અવાજોની બનેલી હોય છે. આપણે અજાણી એવી કોઈ ભાષા સાંભળીએ તો સામાના મુખમાંથી અપરિચિત અવાજોની પરંપરા, અમુક વિરામોથી અંકિત, આરોહઅવરોહમાં આગળ વધતી, આપણા કાને અથડાતી અનુભવાય છે. પણ આપણને પરિચિત ભાષા, આપણી સ્વભાષા, આપણે સાંભળીએ છીએ ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે તેમાં અવાજના નાના નાના એકમો છે, એ એકમો પરસ્પર કોઈ નિયમોથી વળગીને એક ઘટકરૂપ બન્યા હોય છે, એવા ઘટકો એક પછી એક આવ્યે જાય છે અને આપણને વાક્પ્રવાહ રૂપે પ્રતીત થાય છે. આ વાક્પ્રવાહ દ્વારા આપણને બોલનારનો અનુભવપ્રવાહ પહોંચે છે. અવાજના નાના નાના એકમો તે શબ્દો. શબ્દનો એક અર્થ અવાજ છે. (સરખાવો ગીતાના આરંભમાં આવતા स शब्दस्तुमुलोऽभवत् માંનો પ્રયોગ.) પણ ભાષામાં આવતો શબ્દ એ નર્યો અવાજ નથી – કેવળ વર્ણસમૂહ નથી. અવાજ માત્ર અમુક વર્ણનો બનેલો હોય, પણ ભાષામાં આવતો શબ્દ એ નિશ્ચિત વર્ણસમૂહરૂપ હોય છે એટલું જ નહીં પણ એ એકમ, એ ચોક્કસ વર્ણસમૂહ, કશાકના સંકેતરૂપ હોય છે. ‘જળ’ એ ચોક્કસ વર્ણસમૂહ, અવાજનું એકમ, કાને પડતાં નદીમાં જે વહી રહ્યું છે અને જેમાં આપણે નાહવા પડીએ છીએ તે ‘પાણી’ એવો બોધ આપણને થાય છે. ‘જળ’—એ ઉચ્ચારમાં પાણી રૂપી પદાર્થને લગતું કશું નથી પણ જે સમાજમાં આપણે ઊછર્યા અને જીવીએ છીએ તેણે પાણીના અનુભવનો સંસ્કાર ‘જળ’ એ અવાજએકમથી ઉદ્બુદ્ધ થાય એવો સંકેત સ્વીકાર્યો છે અને એ સંકેત આપણે વારસામાં અપનાવ્યો છે. આ જ વાત આપણે સાદી ભાષામાં એ રીતે કહીએ છીએ કે ‘જળ’ શબ્દનો અર્થ ‘પાણી’. અર્થ વગરનો કોઈ શબ્દ ન હોય. એકલો એક નર્યો શબ્દ કશાકના સંકેતથી વિશેષ નથી, બોલનારનો અનુભવ છૂટક છૂટક સંકેતો (શબ્દો) વેરીને નહીં, પણ એવા થોડાક સંકેતોને પરસ્પર કોઈ નિયમથી સાંકળીને, શબ્દસંકેતોનું એક ઘટક બનાવીને, પ્રગટ થતો હોય છે. આ ઘટકને આપણે વાક્ય કહીએ છીએ. આવા ઘટકો – વાક્યોનો પ્રવાહ એ વાક્પ્રવાહ, બોલનારનો અનુભવપ્રવાહ. ભાષા, બોલી, વાણી વગરનો માણસ કલ્પી શકાતો નથી. એવો કોઈ માણસ હોય તો તે કેવો હોય? એની માનવીય સમૃદ્ધિ કેટલી હોય? ભાષા પામ્યો ન હોય તો એ સમૂહજીવનથી જ વંચિત હોય અને એની ઊણપ તે સમૂહમાં જીવવા ન મળ્યાને કારણે હોય, ઉપરાંત પણ એવો ભાષાથી અસ્પૃષ્ટ માણસ ઘણુંબધું ગુમાવીને જીવતો હોય. સમાજના આજ સુધીના અનુભવસંચયનો અને સમકાલીનો સાથેના સૂક્ષ્મ સંપર્કનો લાભ વિશેષ કરીને ભાષા દ્વારા સાધવો શક્ય હોઈ, ભાષા વગરનો માણસ એ બધું ખુએ. ભાષા જડ અવાજોની નિયમાધીન સંરચના માત્ર હોવા છતાં માણસના ચૈતન્યવેષ્ટન સમી છે, કદાચ વેષ્ટન કહેવા કરતાં એને માણસના વ્યક્તિત્વ સાથે ઓતપ્રોત વસ્તુ કહેવી એ વધુ યોગ્ય છે. સામાન્ય રીતે ભાષા માનવ માનવ વચ્ચેના વ્યવહારો માટે ઊભું થયેલું સાધન છે અને તે માટે યોજાય છે. માણસના પોતાની સાથેના આત્મસંલાપોમાં, કહો કે ચિંતનમાં, પણ ભાષાનો ઘણો ફાળો છે. આ ઉપરાંત લેખન દ્વારા ભાષા યોજાય છે. લેખન કલાસર્જનપ્રવૃત્તિ રૂપે હોય અથવા કલાસર્જનના આશય વગરનું હોય. પરોક્ષ વાતચીત રૂપ લખાણ અને જુદી જુદી વ્યાવહારિક જગતની માહિતી આપતું, વિચારો રજૂ કરતું લખાણ તે કલાસર્જનના આશય વગરનું હોય છે. તેમાં ભાષાનો ઉપયોગ લોકો સાથેના પ્રત્યક્ષ વ્યવહારમાં ભાષાનો ઉપયોગ થાય છે તેનાથી તત્ત્વતઃ બહુ જુદા પ્રકારનો હોતો નથી. કેટલાક લેખનની ભાષામાં વ્યવસ્થા વધુ હોય, એ સુગઠિત હોય, સચોટ હોય. ઘણુંખરું ગદ્યસાહિત્ય તે આ જાતનું લેખન હોય છે. ભાષાનો કલા માટે ઉપયોગ એ વ્યવહાર કે ગદ્યલખાણ માટેના ઉપયોગ કરતાં એક રીતે જુદો નથી કેમ કે તેમાં પણ શબ્દના મૂળ અર્થથી છેક વિચ્છેદ થયો હોતો નથી, મૂળ અર્થ એને વળગેલો હોય જ છે, તેમ છતાં આખી કૃતિનો અર્થ એમાંના દરેકેદરેક શબ્દના અર્થના સરવાળારૂપ નહીં પણ તે તે શબ્દના મૂળ અર્થના આધારે ઉદ્બુદ્ધ થયેલા નવતર અર્થો, અર્થસાહચર્યો, અર્થચ્છાયાઓ વગેરેના સંકુલમાંથી નિષ્પન્ન થયેલો હોય છે.. ટૂંકામાં, ભાષા કલા માટે, કાવ્ય આદિ લલિત સાહિત્યપ્રકારો માટે, યોજાય. છે ત્યારે શબ્દની જુદી જ, વિશિષ્ટ, કામગીરી જોવા મળે છે. કાવ્ય, નાટક, એકાંકી, નવલકથા, ટૂંકી વાર્તા, સર્જક નિબંધ આદિ રચનાઓ ભાષાની વિશિષ્ટ, લાંબો સમય સુધી તે તે ભાષા બોલનારાઓને આનંદ આપનારી, નીવડે છે તેમાં શબ્દની શક્તિ ઉત્તમોત્તમરૂપે પ્રગટ થાય છે એમ કહી શકાય. આવો કલામાં યોજાતો શબ્દ પોતાની ઉત્તમ શક્તિ કઈ રીતે પ્રગટ કરે છે! વ્યવહારમાં, અને ગદ્યલખાણમાં પણ, શબ્દનો નિશ્ચિત અર્થ પૂરતો નીવડે છે. ‘જળ’નો અર્થ ‘પાણી’ એટલું સ્વીકારીને ચાલવાથી આપણું કામ નભે છે. દરેક શબ્દ એના સંકેતને લીધે બહારના કોઈ પદાર્થનો નિર્દેશ કરે છે. ‘જળ’ એટલે નદીમાં વહે છે તે પદાર્થ. કાવ્યકલામાં શબ્દ માત્ર બહિર્નિર્દેશક રહેતો નથી. અંતર્નિર્દેશક નીવડે છે, સંદર્ભના બળે. ન્હાનાલાલનું ગીત છે ‘માછીડા, હોડી હલકાર, મારે જાવું પેલે પાર.’ એમાં એક કડી છે :
આભનો સાગર જળજળ ભરિયો, માંહી સૂરજ ને સોમ;
આ આરે છે ધરતીની ભેખડ, ત્યાં છે ચેતનભોમ.
આમાં બે વાર આવતો ‘જળ’ શબ્દ ‘પાણી’નો નિર્દેશ કરે છે? હા અને ના. સાંકેતિક અર્થમાંથી એક કિનારાથી બીજા કિનારા સુધી ફેલાતો, બે જણ વચ્ચે અંતરાયરૂપ, પ્રવાહી – એટલું તો આ ગીતની કડીમાંના ‘જળ’ શબ્દને વળગી રહ્યું છે જ. પણ આપણે જાણીએ છીએ કે આકાશમાં પ્રવાહી પાણી છે નહીં. સૂર્યમંડળ, નક્ષત્રો, ન હતાં ત્યારે આખો વિરાટ પ્રવાહી ‘નારા’-મય હતો, તેનું સૂચન આ ‘જળજળ’માં જોઈશું? ‘જળજળ’ અવાજના સાહચર્યથી ‘ઝળહળ’ કે ‘ઝળાંઝળાં’ પ્રકાશનું સૂચન પણ ઉમેરાય છે. માછી હોડીમાં નદીને સામે પાર પહોંચાડે એ વિનંતી પાર્થિવતાથી ચૈતન્ય સુધીની યાત્રા સુકર કરી આપે એવી વ્યક્તિને થયેલી વિનંતી રૂપે આ કડીમાં અનુભવાય છે. સંદર્ભથી રચાયેલા સમગ્ર અર્થના પ્રકાશમાં ‘જળ’ શબ્દ પોતાના મૂળ ‘પાણી’ અર્થના પ્રાથમિક અવલંબનથી શરૂ કરી નવો જ અર્થ સમર્પે છે, જેમાં પ્રવાહી પાણીનો અર્થ તો રહેવા પામતો જ નથી. આ નવો અર્થ, એ શબ્દ બહારના પાણીના અર્થનો નિર્દેશ કરનાર બહિર્નિર્દેશક મટવાથી, સંદર્ભ-અંતર્ગત નવા અર્થનો નિર્દેશ કરનાર અંતર્નિર્દેશક બનવાથી, પ્રાપ્ત થયો છે. બર્હિનિર્દેશક શબ્દોનો વ્યવહાર ભાષાને પારદર્શક રાખે છે, શબ્દો અંતર્નિર્દેશક થતાં ભાષા અ-પારદર્શક બને છે અને કલાના રૂપના – આકારના સર્જનને ઉપકારક નીવડે છે. કાવ્યાભિવ્યક્તિમાં શબ્દના આ નવા અર્થ ઉપરાંત વર્ણરચનાના અનેક વિશેષો પણ રાસાયનિક રીતે ભળેલા હોય છે અને એ બધા મળીને કાવ્યના સમગ્ર આકારને ઉઠાવ આપી રહે છે. વર્ણરચનામાં શબ્દક્રમ અને વાક્યવિન્યાસને લીધે આવતા આરોહઅવરોહ, શબ્દ કે શબ્દાંશ પર આવતા કાકુ, ભાર, એ તો હોય જ, પણ વર્ણસગાઈ અને વિવિધ પ્રકારના પ્રાસ પણ યોજાયા હોય. છંદની મદદ લેવાઈ હોય તો યતિ અને છંદોલયના વિશેષો ઉમેરાય. શબ્દોના વર્ણના આધારે નીપજતા આ બધા વિશેષો શબ્દોની અર્થસંપત્તિ સાથે ઓતપ્રોત થવાને પરિણામે સંદર્ભનો સમગ્ર વૈભવ નીપજે. એ જ કાવ્ય. એક નાનકડી રચના, કવિશ્રી સુન્દરમ્ની, લઈએ :
તને મેં ઝંખી છે
યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી.
આમાં ખંડશિખરિણીના લગાગાગાગાગા લલલલલગા ગાલલલગા એ ઉચ્ચારણ-પરંપરામાં પોતામાં કોઈ એવું સૌંદર્ય નથી પણ કવિરચિત સ્વરવ્યંજન-સંકલના છંદોલયથી ઉઠાવ પામીને શબ્દોના કુલ અર્થસંદર્ભથી અનુપ્રાણિત થઈ આખી સંરચનાને કાવ્યમાં પરિણમાવવામાં ઉપકારક નીવડે છે. ‘તને મેં ઝંખી છે.’-માં ‘એ’ સ્વરથી ત્રણ ટુકડા પડે છે. ‘તને મેં’ પ્રણયી યુગલને આપણી આગળ સ્થાપે છે. ‘ઝંખી છે’ – એ ત્રીજો ટુકડો ઉમેરાતાં, કેમ જાણે કંઈક ખંચકાતાં ખંચકાતાં ન હોય, – તેમ છતાં કહું ન કહું – એ સંકોચને અતિક્રમીને, અંતે ‘તને મેં ઝંખી છે’ – એવો ઉત્તાન હૃદયનો ઉદ્ગાર પ્રગટ થઈ જાય છે. અરે, પણ આવડી મોટી વાત કહેવાઈ ગઈ! ‘તને’ આગળ પણ એ તે શેં કહેવાય? તરત જ પાછું અત્યાર સુધીનું મૌન બળવાન બને છે અને છંદની પંક્તિ આગળ વધતી નથી. પણ ફરી પાછો પ્રણયી, વાત કહેવાઈ જ ગઈ છે તો એ શી વાત છે એનો ઇશારો આપી દેવા જાણે બીજી પંક્તિ ઉચ્ચારે છે. પહેલીમાં નર્યું નિવેદન હતું, બીજીમાં ચિત્ર છે, ‘યુગોથી ધીખેલા’ એમાં અગાઉના ‘ઝંખી’માંના ‘ખી’ સાથે જોડાઈ ‘થી’, ‘ધી’નો દીર્ઘ ‘ઈ’ સ્વર અને ‘ખે’માંનો ‘ખ’– સંયુક્ત રીતે, ધખવાનો ખ્યાલ આપી રહે છે. ‘યુગોથી ધીખેલા’, ‘પ્રખર સહરા’ એમાં બંને યતિ વિલંબિત ‘આ’ સ્વર આગળ અટકીને રણના અફાટ વિસ્તારનો નિર્દેશ કરી રહે છે. ‘તને મેં ઝંખી છે’માં ઉત્તાનતા હતી, ‘યુગોથી ધીખેલા’-માં તૃષાની હાંફ હતી, છેલ્લા શબ્દોમાં – ‘ર’ અને ‘સ’નું પુનરાવર્તન કરતા ‘સહરાની તરસથી’ એ પંક્તિખંડમાં જાણે કે તૃષાની બેહદ તીવ્રતા એ જ જાણે એને છીપવનાર રસ-વસ્તુ નીવડી ન હોય એમ એક પ્રકારની આસાયેશ વરતાય છે, શાતાનો સંસ્પર્શ થાય છે. સ્વરવ્યંજનસંકલના, છંદોલય, શબ્દાર્થો એ બધાં પરસ્પર ઓતપ્રોત થવાને લીધે નીપજતા અપૂર્વ સંદર્ભને પરિણામે એક નાનકડું મુક્તક કાવ્ય પણ ઉદાત્તતા (ધ સબ્લાઈમ) સુધી કેમ પહોંચે છે એનો આ લઘુકૃતિ સુંદર નમૂનો છે. શબ્દમાંના અવાજતત્ત્વનો કાવ્યમાં ઘણો મહત્ત્વનો ફાળો છે. આનું એક ફલિત એ છે કે કવિતાનું બીજી ભાષામાં ભાષાંતર કરવા જતાં અવાજ પર આધારિત સમૃદ્ધિ ખોવાનો પ્રસંગ આવે છે. ખરું જોતાં એ જ ભાષામાં, જુદા શબ્દોમાં, એને મૂકવા જતાં મૂળના શબ્દવિન્યાસને કારણે પ્રગટ થયેલી સંદર્ભશ્રી નંદવાય છે. કાવ્ય એ વર્ણસંરચના, છંદોલય, શબ્દાર્થ – એ બધાં જેમાં સમવેત થયાં છે એવી અભિવ્યક્તિ છે. ક્રોચે કાવ્યનું ભાષાંતર અસંભવ છે એમ કહે છે તે આ જ અર્થમાં. બીજું પણ એક ફલિત છે. કાવ્ય એ જ અવાજોની સૃષ્ટિ છે, કાનની કળા છે, તો બીજી કાનની કળા સંગીતના લાભો એને પણ કેમ ન મળી શકે –એ શોધ શરૂ થાય છે. સંગીતકળાનું માધ્યમ અવાજ અને એનું સ્વરૂપ એ બંને એકમેકમય થઈ શકે છે. કાવ્યકળાના માધ્યમમાં અવાજ તો છે જ પણ તે અવાજ જેનો સંકેત હોય છે તે અર્થસંરચનાને આડખીલીરૂપ બનવા ન દઈ અવાજની મદદથી સંગીતકળા જેવી શુદ્ધ કાવ્યકળા નીપજાવી શકાય? ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં ખાસ કરીને ફ્રેન્ચ કવિઓએ વિશેષે કવિ માલાર્મેએ આને અંગે સફળ પ્રયોગો કર્યા. શબ્દના અવાજ તત્ત્વ પર મદાર બાંધતી કાવ્યકળાના નમૂનાઓ સામાન્ય રીતે લઘુકૃતિઓના હોવાના. પ્રસ્તુત ફ્રેન્ચ કવિઓ પર – ખાસ કરીને બોદલેર પર પ્રભાવ પાડનાર અમેરિકન કવિ એડગર એલન પો તો કહે છે કે ‘લાંબું કાવ્ય’ એ વદતોવ્યાઘાત છે. શબ્દમાંના અર્થતત્ત્વને છેક જ ઉવેખીને કાવ્યરચના થઈ શકતી નથી. શબ્દાર્થને કાવ્યમાં ભલે અસ્પષ્ટ – ધૂંધળા કરવામાં આવે, તે તે કાવ્યના સંદર્ભને લીધે અમુક શબ્દનો અર્થ એના કોશમાંના અર્થ કરતાં જુદો થઈ જાય એટલું જ નહીં, પણ કાવ્યે કાવ્યે જુદો હોય, તેમ છતાં એના મૂળ સાંકેતિક અર્થ પર ઊભા રહી ત્યાંથી ઊડકી મારવાને (ટેઇક-ઑફને) લીધે એ બન્યું હોય છે. કાવ્યાંતર્ગત અર્થતત્ત્વ બીજી ભાષામાં લઈ જવું પ્રમાણમાં સુકર છે. વળી અર્થતત્ત્વ આવે એટલે સંગીતના નર્યા અવાજના કરતાં પ્રમાણમાં બુદ્ધિદ્રવ્યનો અનુપ્રવેશ વધુ થવાનો. તે પણ કૃતિના સંદર્ભનું અંગભૂત બનવાનું. કાવ્યકળાના મોટા આકારોમાં શબ્દના અર્થતત્ત્વનો ફાળો સવિશેષ રહેવાનો. શુદ્ધ કવિતાના આગ્રહીઓ મોટી રચનામાંથી અમુક ઊર્મિરસિત (લિરિકલ) પંક્તિઓ કે કાવ્યખંડોને ઊંચકી લઈ બાકીના અંશોને ભેળવાળી રચના લેખવાના. પણ આવી કૃતિઓનો સમગ્ર આકાર એ કાવ્યાનંદસમર્પક હોય છે. કાવ્યસર્જનમાં શબ્દના અવાજ અને અર્થ એ બે તત્ત્વોનું દ્વૈત નથી, પણ એક ઉપર વધુ પડતો ભાર મૂકવાને કારણે દ્વૈતનો સ્વીકાર થતાં વિવાદનાં બે તડાં પડે છે. એનો ઇશારો કરવા ઉપરની અછડતી ચર્ચા કરી. કવિ માલાર્મેને ચિત્રકાર મિત્રે લખ્યું કે એની પાસે વિચારપુદ્ગલો (આઇડિયાઝ) છે છતાં કવિતા બરાબર થતી નથી ત્યારે કવિએ લખ્યું કે કવિતાનું નિર્માણ શબ્દો વડે થાય છે, ‘આઇડિયાઝ’ વડે નહીં. તેથી ઊલટો પક્ષ શબ્દના કેવળ અર્થતત્ત્વને આધારે નીપજતા સંદર્ભરૂપે કાવ્યને જોવા કરે છે, જે તો વધુ અંતિમવાદી છે – એમ કહી કવિ મૅકલીશ માલાર્મેની વાત અંગે પણ જરીક ટકોર કરી લે છે કે શું કાવ્યાર્થ એ અવાજની સંરચના માત્રનું પરિણામ છે? કાવ્ય, નાનું કે મોટું, એક આકાર રૂપે – એક અખંડ પુદ્ગલ રૂપે અનુભવાય છે, જેમાં શબ્દના અવાજ અને અર્થ અંગેના તમામ શક્ય ઉન્મેષો પોતાનો ઉત્તમ ફાળો આપી છૂટ્યા હોય છે. એથી કાવ્યની એકતા(યુનીટી)ને ઘણું મહત્ત્વ અપાયું છે. ઉપનિષદનો શબ્દ ‘એકીભવન’ તમામ ઉન્મેષોના સંપૃક્ત થવા અંગે યોજી શકાય. સાહિત્યાચાર્યોએ વાપરેલો શબ્દ ‘એકવાક્યતા’ કદાચ ઉત્તમ છે. છૂટો શબ્દ વાગ્વ્યવહાર અંગેનો એકમ નથી, અમુક નિયમોથી પરસ્પર વળગેલા શબ્દોનું વાક્યરૂપી ઘટક એ એવું એકમ છે. કળા, કાવ્યકૃતિનાં તમામ વાક્યો કોઈ સૌંદર્યવિષયક નિયમોથી પરસ્પર વળગેલાં હોય અને આખું એક એકમ રૂપે અનુભવાય એમ માગે છે, કહો કે કૃતિના પહેલાથી છેલ્લા વાક્ય સુધીના સમગ્ર શબ્દસાજમાં એકવાક્ય-તાની અપેક્ષા રાખે છે. સામાન્ય વ્યવહારની બોલચાલમાં અને ગદ્યલખાણમાં સમજદાર ભાષાયોજકો એકવાક્યતા તાકવાના, પણ કલાપ્રવૃત્તિમાં એકવાક્યતા એ અનિવાર્યપણે હોવી જોઈએ. આથી, કાવ્યકલામાં શબ્દનો ઉપયોગ એ ભાષાયોજકના મનની/ચેતનાની એકાગ્રતાની/સમાધિની સાક્ષી પૂરતો હોઈ ઉત્તમ ઉપયોગ ગણાવાને પાત્ર ઠરે છે. એ એક વિરોધાભાસ (પૅરેડૉકસ) ગણાય કે મનુષ્યે જે શબ્દને નિશ્ચિત સંકેતરૂપે વ્યવહારે નિપટાવવા માટે યોજ્યો હતો તેના અર્થને કવિઓએ સંકેતની નિશ્ચિતતાને આછીપાંખી કરી થોડોક ભૂંસ્યો, ધૂંધળો કર્યો, અને તેથી એ ઉત્તમ ઉપયોગ આપનારો નીવડ્યો. કાવ્યકૃતિમાં શબ્દ નર્યા કોશગત અર્થનો વાહક રહેતો નથી, થોડોઘણો ધૂંધળો બને જ છે, પણ કાવ્યના સમગ્ર સંદર્ભના બળે એ સંજીવની પણ પામે છે. ભાષા એ આખી પ્રજાની સરજત હોય છે. કોઈ ભાષા ઉત્તમ કવિતાનું વાહન બનવા માટે અપૂરતી હોતી નથી. અલબત્ત, જુદી જુદી ભાષાને પોતપોતાની ખાસિયતો હોય છે, અને સરખામણીઓ કરવાથી અમુક ભાષામાં આ જાતની મર્યાદા છે, તો બીજીમાં આ લાભ છે, એમ દેખાય, તેમ છતાં દરેક ભાષા ગમે તેવી મોટી પ્રતિભાનું વાહન બનવા માટેનાં અભિવ્યક્તિનાં એજારેથી સંપન્ન હોય છે. એવા પ્રતિભાશાળી કવિને માટે ભાષા-સાજ હંમેશાં હાથવગો છે, એમ કહી શકાય.
અમદાવાદ : ૨૨-૩-૧૯૭૧
[‘જ્ઞાનગંગોત્રી’ના વિશ્વસાહિત્ય ગ્રંથ માટે લખાયું.]
(શબ્દની શક્તિ)