સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ચુનીલાલ મડિયા/પહેલી પચીસીનો એકાંકીફાલ
પહેલી પચીસીનો એકાંકીફાલ[1]
સંસ્કૃત સાહિત્યમાં એકાંકીનાં ગમે તેટલાં સ્વરૂપો વર્ણવાયાં હોય છતાં અને આપણા લોકસાહિત્યમાં ભવાઈના વેશને એકાંકીનો જ પ્રકાર ગણવાના પ્રયત્નો થાય છે છતાં ગુજરાતી ભાષામાં આજે આપણે જેને એકાંકી સાહિત્યસ્વરૂપ ગણીએ છીએ એ પશ્ચિમના સાહિત્યમાંથી માગી લીધેલું ‘દત્તક’ જેવું બાળક છે અને વયની દૃષ્ટિએ એ બાળકે હજી માંડ પહેલી પચીસી પૂરી કરી છે. પશ્ચિમના દેશોની જેમ આપણે ત્યાં પણ એકાંકીના ઉદયનો ઇતિહાસ ધંધાર્થી તખ્તાના પતનના ઇતિહાસ સાથે સમાંતર ઊભો છે. ૧૯૨૦ પછી બટુભાઈ ઉમરવાડિયા, યશવંત પંડ્યા અને પ્રાણજીવન વિશ્વનાથ પાઠકે ત્રણથી પાંચ કે ક્વચિત્ છસાત દૃશ્યો સુધી વિસ્તરતી નાટિકાઓ લખવી શરૂ કરેલી. બટુભાઈના ‘લોમહર્ષિણી’ની રચનાસાલ ઈ. ૧૯૨૨, ‘હંસા’ની ૧૯૨૩ અને ‘અશક્ય આદર્શી’ તથા ‘મત્સ્યગંધા અને ગાંગેય’ની રચનાસાલ ૧૯૨૪ છે. બટુભાઈની કોઈ ‘નાટિકા’ ૧૯૨૫થી વહેલી પ્રગટ નથી થઈ. પ્રાણજીવન પાઠકે ‘અનંતા’ નામની લાંબી રચના (કર્તા તરીકે ‘આરણ્યક’ના તખલ્લુસ સાથે) સિવાય બીજી કોઈ નાટિકા ગ્રંથસ્થ નથી કરી. ‘પ્રસ્થાન’ની ફાઈલો જોતાં જણાય છે કે સંવત ૧૯૮૨માં પ્રાણજીવન પાઠકની ત્રણ નાટિકાઓ પ્રગટ થઈ છે. કારતક અંકમાં ‘અનુપમ અને ગૌરી’ (૩ પ્રવેશમાં), પોષ અંકમાં ‘રુદ્રમુખ અને રંજના’ (૪ પ્રવેશમાં) અને અશ્વિન અંકમાં ‘હિમકાન્ત’ (૩ પ્રવેશમાં) જોવા મળે છે. એટલે, આ નાટિકાઓની પ્રકાશન-સાલ તો બટુભાઈની નાટિકાઓની જેમ ઈ. ૧૯૨૫ની જ છે. પણ બટુભાઈની કૃતિઓને ગ્રંથસ્થ થવાનો લાભ મળ્યો એ કારણે નવીન શૈલીનાં ટૂંકાં નાટકોના આદ્યસર્જક તરીકે એમની ગણના થાય છે. પણ પ્રણાજીવન પાઠકની ગ્રંથસ્થ થયા વિનાની નાટિકાઓ પણ ૧૯૩૫માં એમ. એ.ના અભ્યાસક્રમમાં સમાવિષ્ટ થયેલી એ હકીકત પણ આજે વિસ્તૃત થયેલા આ નાટ્યકારનું મૂલ્યાંકન કરવામાં બહુ મહત્ત્વની ગણાય. યશવંત પંડયાની નાટ્યલેખન પ્રવૃત્તિનો ગાળો પણ ૧૯૨૩થી ૧૯૩૩ સુધીનો જ છે. એ જોતાં એમને પણ ટૂંકાં નાટકોના લેખક તરીકે બટુભાઈ અને પાઠકના સમકાલીન જ ગણાવા જોઈએ.[2] ૧૯૨૦થી ૧૯૩૦ના દાયકામાં આ ત્રણેય લેખકો નૂતન શૈલીની નાટિકાઓ લખવા મથતા હતા. પણ આજે આપણે જેને ‘એક અંક : એક દૃશ્ય’વાળા એકાંકી તરીકે ઓળખીએ છીએ એવી રચનાઓમાં તો એક માત્ર યશવંત પંડ્યાને જ સફળતા સાંપડી છે. બટુભાઈ અને પાઠકની ત્રણત્રણથી પાંચપાંચ કે એથીય વધારે પ્રવેશોમાં વિસ્તરતી રચનાઓ અર્વાચીન એકાંકીનું વળું પ્રાપ્ત કરી શકતી નથી ત્યારે યશવંત પંડ્યાની ‘ઝાંઝવાં’ જેવી કેટલીક કૃતિઓમાં પહેલી જ વાર એકાંકીનો ઘાટ જેવા મળે છે. ‘ઝાંઝવાં’ એકાંકી મૂળ ‘સાક્ષર’ શીર્ષકથી સ્વ. મટુભાઈ સંચાલિત ‘સાહિત્ય’માં ઈ. ૧૯૨૫માં પ્રગટ થયેલું. એ વેળા મણિમહોત્સવો ઊજવવાની હવા જામેલી એનું આ નાટકમાં નિરૂપણ થયેલું. ૧૯૨૫માં– આજથી સત્તાવીસ વરસ પહેલાં—પ્રગટ થયેલા આ નાટકને ગુજરાતનું પહેલું એકાંકી ગણવું જોઈએ, કેમ કે બટુભાઈની રચનાઓ આનાથી આગલા વરસમાં પ્રગટ થઈ હોવા છતાં એકાંકીનો ઘાટ પામી શકી નથી. ૧૯૨૫ની સાલને ગુજરાતી એકાંકીનો આરંભકાળ ગણીએ તો આજ સુધીમાં આ સાહિત્યપ્રકારે અઢી દાયકા જેટલી મજલ ખેડી છે એમ કહી શકાય. ૧૯૨૫માં ‘સાહિત્ય’માં પ્રગટ થયેલ ‘ઝાંઝવાં’થી શરૂ કરીને ૧૯૫૨માં ‘એકાંકી’ સામાયિકમાં છપાયેલ રાજેન્દ્ર શાહકૃત ‘ગતિમુક્તિ’ સુધીનાં પૂરી એક પચીસીનાં એકાંકીઓમાંથી કેટલીક પ્રતિનિધિરૂપ ગણાય એવી રચનાઓ પહેલી જ વાર આ સંગ્રહમાં એકઠી કરવામાં આવી છે. બટુભાઈ, પાઠક અને વિશેષ તો યશવંત પંડ્યાની ત્રિપુટીએ એકાંકી માટે તૈયાર કરેલી ભૂમિકા પર ૧૯૩૦ પછી ઉમાશંકર જોશી, દુર્ગેશ શુક્લ, જયંતિ દલાલ વગેરે કામ કરે છે. ૧૯૩૨માં વિસાપુર જેલમાં ‘સાપના ભારા’ સંગ્રહનાં એકાંકીઓ લખાય છે. ’૩૨થી ’૩૫ સુધીમાં દુર્ગેશ શુક્લ ‘પૃથ્વીનાં આંસુ’માંની રચનાઓ તૈયાર કરે છે. અને જયંતિ દલાલ ‘જવનિકા’નાં એકાંકીઓના વિવિધ અખતરા કરે છે. શ્રીધરાણી ‘પીળાં પલાશ’, ‘વડલો’ અને ‘પિયો ગોરી’માંનાં ઊર્મિવત્ નાટકો લખે છે. એ જ પેઢીના બીજા એક કવિ ઇન્દુલાલ ગાંધી ‘નારાયણી અને બીજાં નાટકો’ આપે છે. ‘સાપના ભારા’માં પહેલી જ વાર થયેલો લોકબોલીનો પ્રયોગ ચન્દ્રવદન ‘આગગાડી’માં મોટા ફલક પર અજમાવે છે અને ‘અખો, વરવહુ અને બીજાં નાટકો’ તથા ‘પ્રેમનું મોતી અને બીજાં નાટકો’ આપે છે, જેમાં સાહિત્યકારોની સાઠમારીનું આપણી ભાષાનું એક વિલક્ષણ પ્રહસન ‘દેડકાની પાંચશેરી’ પણ સાંપડી રહે છે. આ તબક્કાના ઘણાખરા કવિઓએ વત્તાઓછા પ્રમાણમાં નાટકોવિશેષ તો એકાંકી-ઉપર હાથ અજમાવ્યો છે એ હકીકત બહુ સૂચક બની રહે છે. સુન્દરમે છેક સં. ૧૯૯૨માં ‘કાદવિયાં’માં ચમત્કૃતિયુક્ત વસ્તુ રજૂ કરેલું. રામનારાયણ વિ. પાઠક ‘દેવી કે રાક્ષસી’ અને ‘કુલાંગાર’ જેવી લાંબી કૃતિઓ આપેલી. ‘સંજય’ની કલમમાંથી પણ ‘સાલ મુબારક’ અને ‘મેના ગુર્જરી’ મળે છે. મનસુખલાલ ઝવેરી મોડે મોડે પણ આ લઘુક નાટ્યપ્રકાર તરફ આકર્ષાયા છે એમ ‘ગોવિંદા આલા’ જેવા હળવા પ્રહસનથી અને ‘પાર્વતીપરિણય’ જેવી કેટલીક ગીતનૃત્યનાટિકાઓ પરથી લાગે છે. કરસનદાસ માણેકે વરસો પહેલાં અખબારી વ્યવસાયમાં કેટલીક કટાક્ષયુક્ત નાટિકાઓ લખેલી, જે પ્રવૃત્તિ હમણાં એમણે ફરી શરૂ કરી છે. પ્રેમશંકર ભટ્ટ પણ નૃત્યનાટિકા પર હાથ અજમાવી રહ્યા છે. ધનસુખલાલ મહેતાએ ‘વાર્તાવિહાર’માં વિદેશોની કેટલીક નાટ્યકૃતિઓનાં ભાષાંતર-રૂપાંતર આપેલાં, જે પ્રવૃત્તિ તેઓ હજી સુધી જાળવી રહ્યા છે. ભાસ્કર વોરા ‘રાખનાં રમકડાં’માં કેટલીક મૌલિક અને કેટલીક રૂપાંતરિત નાટિકાઓ આપીને હવે સાવ થંભી ગયા છે. ‘ભાવનાની ભીંતો’, ‘પેટના ખાડા’ અને ‘ભવ સુધારવા’ (૧૯૩૪) વગેરે આપ્યા પછી રમણ વકીલનું પણ એમ જ થયું છે... અત્રે એક વિચિત્ર હકીકતનો ઉલ્લેખ કર્યા વિના નથી રહેવાતું. આપણે ત્યાં ટૂંકાં નાટકોનો યથાશક્તિ આરંભ કરનાર ત્રણ નાટ્યકારો–બટુભાઈ, યશવંત પંડ્યા અને પ્રાણજીવન પાઠકે થોડાં વરસમાં સત્ત્વશીલ સર્જનફાલ આપ્યા પછી જાણે કે ક્ષેત્રસંન્યાસ લઈ લીધો. બટુભાઈ તો હજી હમણાં સુધી વિદ્યમાન હતા, પણ ૧૯૨૭ પછી થંભી ગયેલી એમની કલમ ફરી ઊપડી જ નહિ. ગુજરાતના અવેતન તખ્તાને એક દાયકા સુધી ગજાવી મૂકનાર ‘શરતના ઘોડા’ અને ‘પ્રજાના પ્રતિનિધિ’ જેવી નાટિકાઓના કર્તા યશવંત પંડ્યાએ ૧૯૩૩ પછી નાટ્યલેખન બંધ કર્યું છે. પ્રાણજીવન પાઠક નાટિકાક્ષેત્રે એક ‘પાયોનિયર’ હતા એ હકીકત પણ નવી પેઢીના ઘણા લેખકો જાણતા નથી. ભાષાંતર થાય તો કોઈ પણ ભાષામાં માન મુકાવે એવી ત્રિઅંકી રચના ‘મોરનાં ઈંડાં’ અને ‘પિયો ગોરી’નાં એકાંકીઓ આપીને શ્રીધરાણી સાવ લખતા બંધ થઈ ગયા છે. આ બધા નાટ્યકારોએ પોતાની સર્જનપ્રવૃત્તિમાં ફસલને સમયે જ અગતો પાળવા જેવું કરી દીધું એ હકીકત નવા લેખકોને ઘડીભર વિચારતા કરી મૂકે એવી છે. આપણાં વાચકો નાટ્યકૃતિઓના પુરસ્કારમાં હજી બહુ ઉત્સાહ નથી બતાવતાં એ કારણે તો આમ નહિ થયું હોય? કાવ્ય સિવાયના સર્વ સાહિત્યપ્રકારેમાં ઘૂમી વળનાર મુનશીની લેખિનીમાંથી મર્માળાં ‘સામાજિક નાટકો’ (૧૯૩૧) સર્જાયાં છતાં એકાંકી ન નીપજી શક્યું એ નવાઈની વાત ગણાય. એકાંકીનું આયોજન અત્યંત સભાન કલાકારની અપેક્ષા રાખે છે અને એ કલા સર્જકની પ્રતિભાના વિશિષ્ટ ઉન્મેષ અને સર્ગશક્તિ સાથે ભારોભાર કસબ, થોડીક તરકીબ, કિમિયાગરની કરામત અને અમુક અંશે સ્થૂળ trickery કે કારસો પણ માગી લે છે. આંગ્લ નાટ્યકાર સિડની બૉક્સ તો એટલે સુધી કહે છે કે એકાંકીની કલા ‘લોહી, આંસુ અને પસીના’ વડે જ સિદ્ધ થઈ શકે. સર્કસનો ખેલાડી વરસો સુધી ‘પ્રેક્ટિસ’ કર્યા પછી જ તાર પર ચાલવાની હિંમત કરે એમ એકાંકીકારે પણ આવા સખત પરિશ્રમ વડે તાલીમ લેવી પડે છે, જે ઘણા કલાકારોને નથી ફાવતું. નહિતર ક્ષણ બે ક્ષણમાં ભાવકને હલમલાવી મૂકનારી, ‘એકાંકીક્ષમ’ વસ્તુવાળી અનેક વેધક વાર્તાઓ લખનાર મેઘાણી કે ધૂમકેતુ જેવા કલાકારની કલમમાંથી થોડાંક તો એકાંકી સરજાયાં જ હોત ને? પણ આપણે જોઈએ છીએ કે મેઘાણીએ ‘વંઠેલાં’માં અગિયારમા દૃશ્યને ‘છેલ્લો પ્રવેશ’ ગણ્યો છે અને ‘જયમનનું રસજીવન’માં જે વિગતો આડકતરા ઇંગિત વડે આખરી દૃશ્યમાં જ વણી લઈ શકાઈ હોત એનો એમણે બિનજરૂરી પહેલો પ્રવેશ રચ્યો છે. નાટ્યક્ષેત્રે બીજી કેટલીક સારી સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર બટુભાઈ પણ, જેમાંથી આદર્શ એકાંકી રચી શકાયું હોત એ ‘અશક્ય આદર્શો’નો ચાર પ્રવેશોમાં પથારો કરીને સ્થળ-કાળ-કાર્યની એકતા હણી નાખે છે. અલબત્ત, એકાંકી ‘એક અંક : એક દૃશ્ય’ જ હોવું જોઈએ, કે એને એકથી વધુ દૃશ્યોમાં વહેંચી ન જ શકાય એવો કોઈ ફતવો બહાર પાડી શકાય નહિ. છતાં એટલું જોવું જરૂરી છે કે જ્યારે એકાંકી એકથી વધારે દૃશ્યો કે પ્રવેશોમાં પથરાય ત્યારે એ વિભાગીકરણ નાટ્યવસ્તુ માટે ઉપકારક હોય અને એ પ્રકારનું આયોજન અનિવાર્ય હોય. જાણીતું અંગ્રેજી એકાંકી ‘ધ ઓલ્ડ લેડી શોઝ હર મેડલ્સ’ એકથી વધારે દૃશ્યોમાં વહેંચાયું છે છતાં એ એક નમૂનેદાર એકાંકી ગણાય છે. આ સંગ્રહમાંનું ‘પિયો ગોરી’ આ દૃષ્ટિએ અવલોકવા જેવું છે. પહેલી નજરે એમાં ચાર પ્રવેશો છે. પણ આરંભિક ‘નાન્દી’ અને આખરી ‘ભરતવાક્ય’ વચ્ચે ઘડિયાળને કાટે ‘મિનિટ-ટુ-મિનિટ’ સળંગસૂત્રતા સચવાય છે; સ્થળ, કાળ અને કાર્યની એકતા વ્યાપક અર્થમાં અબાધિત રહે છે. વચ્ચેનાં બે દૃશ્યો—પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ—પીઠઝબકાર (ફ્લેશબૅક)ની કામગીરી બજાવે છે. ૧૯૪૦ પછી એકાંકીનો નવો ફાલ ઊતરવા માંડે છે. ‘સાપના ભારા’ એ ચીંધેલ સામાજિક વસ્તુઓની નાટ્યક્ષમતા અને લોકબોલીની તાકાત પર નવીનવી કલમો ચમકે છે. સાથે, તખ્તાલાયકી અંગે પણ સભાનપણે પ્રયત્નો થાય છે. આગલા દાયકામાં લખાયેલાં જયંતિ દલાલનાં એકાંકીઓ ૧૯૪૦માં ‘જવનિકા’માં ગ્રંથસ્થ થઈ જાય છે. ગ્રામીણ પશ્ચાદ્ભૂ અને લોકબોલી લઈને પુષ્કર ચંદરવાકર આવે છે અને ‘કરમના કટકા’, ‘ભઈ’, ‘પિયરનો પાડોશી’ વગેરે આપે છે. ‘વૈતરણીને કાંઠે’ અને ‘એળે નહિ તો બેળે’માં પન્નાલાલ ઉત્તર ગુજરાતની બોલી યોજે છે. વિવિધ સોરઠી બોલીઓના પ્રયોગો પણ જોવા મળે છે. અગાઉ ઇન્દુલાલ ગાંધીએ ‘પગરખાંનો પાળિયો’ અને બીજી કેટલીક કૃતિઓમાં કાઠિયાવાડી લોકબોલી યોજેલી. ‘ઘરકૂકડી’ (૧૯૪૨)માં ઉમેશ કવિએ હાલારી બોલીમાં પહેલી જ વાર લાંબી ‘એકસ્થલાંકી’ રચના આપી. એકાંકીક્ષેત્રે ‘ઘરકૂકડી’ અનેક દૃષ્ટિએ વિશિષ્ટ અર્પણ બની રહ્યું. ‘ઘરકૂકડી’ના અનુગામી સંગ્રહ ‘ઢાંકપિછોડી’માં ઉમેશ કવિએ ‘જુવાનીનું નાણું’ જેવું મર્મયુક્ત ‘મેલાડ્રોમા’ આપ્યું છે. રમણલાલ વ. દેસાઈએ વરસો અગાઉ જૂની અને નવી રંગભૂમિ વચ્ચે સાંકળરૂપ બની શકે એવાં ‘શંકિત હૃદય’ અને ‘અંજની’ જેવાં નાટકો લખ્યાં પછી એકાંકી પર વિશેષ ધ્યાન આપવા માંડેલું. ‘તપ અને રૂપ’ અને ‘પુષ્પોની સૃષ્ટિમાં’ સંગ્રહો આપ્યા પછી પણ એમણે એ પ્રવૃત્તિ ચાલુ રાખેલી, ત્યારે એમના જ સમવયસ્ક અને વાર્તાકાર ધૂમકેતુ ‘ઠંડી ક્રૂરતા’ આપ્યા પછી લગભગ અટકી ગયા છે. મનોવિશ્લેષણાત્મક વાર્તાઓ લખનાર ગુલાબદાસ બ્રોકરે ‘એક સવારે’, ‘ઇતિહાસનું પાનું’ અને ‘જ્વલંત અગ્નિ’ નાટિકાઓમાં મનોવિશ્લેષણનો પ્રયોગ કર્યો છે. બહુધા શહેરી જીવન આલેખનાર બ્રોકર ‘મહાનિબંધ’માં પહેલી જ વાર ગ્રામીણ પશ્ચાદ્ભૂ લે છે અને બુદ્ધિ અને લાગણીનું દ્વંદ્વ ભીષણ અંજામ વડે આલેખે છે. બીજા એક વાર્તાકાર ગોવિંદભાઈ અમીને પણ ‘રેડિયમ અને બીજાં નાટકો’ પ્રગટ કર્યાં છે. પશ્ચિમમાં રેડિયોએ એકાંકી નાટકોને સારું ઉત્તેજન આપ્યું છે. પણ આપણે ત્યાં તો એણે બહુધા નમાલી કૃતિઓની નીપજ વધારવાની જ કામગીરી બજાવી છે. ગુજરાતનાં બબ્બે રેડિયોમથક માટે દર અઠવાડિયે સાચાં, પ્રાણવાન બબ્બે એકાંકી લખાતાં હોત તો આપણું એકાંકીધન આજે છે એનાથીય અદકું સમૃદ્ધ થઈ ગયું હોત. છતાં ચંદ્રવદન મહેતા (‘રંગભંડાર’) યશોધર મહેતા (‘રણછોડલાલ અને બીજાં નાટકો’) અને જયંતિ દલાલ (‘પ્રવેશ બીજો’) આ ક્ષેત્રમાં સારી સિદ્ધિ દાખવી શક્યા છે. અદી મર્ઝબાન અને ફીરોઝ આંટીઆ ‘પારસી’ બોલીમાં મુંબઈ રેડિયો ગજાવે છે. મધુકર રાંદેરિયાએ તખ્તાના સક્રિય પરિચયને પરિણામે ‘વતેસર’ જેવી ચાતુર્યભરી નાટિકાઓ આપી છે. રેડિયો ઉપર તો એમણે સંખ્યાબંધ રૂપકો રજૂ કર્યાં જ છે. પ્રાગજી ડોસા જૂની અને નવી રંગભૂમિ વચ્ચે સેતુરૂપ થઈ પડે એવી કૃતિઓ રચી રહ્યા છે. આ બન્ને નાટ્યકારોનાં એકાંકીઓના સંગ્રહ પ્રગટ થનાર છે એ સમાચાર સુખદ છે. રેડિયો રૂપકમાં અવનવા પ્રયોગો કરી રહેલા બરકત વીરાણી પાસે એકાંકી માટે આવશ્યક એવી સઘળી આયોજનકલા છે, નાટ્યક્ષમ ‘ક્ષણ’ પકડવાની સૂઝ પણ છે. એમની તાઝગીભરી કલમમાંથી મજેનાં એકાંકીઓ સરજાશે એવી આશા રાખી શકાય. મધુકર રાંદેરિયાની જેમ શિવકુમાર જોષી પણ અચ્છા અભિનેતા છે અને થોડા સમયથી જ એમણે એકાંકી પર કલમ ચલાવી હોવા છતાં ‘પાંખ વિનાનાં પારેવાં’ અને ‘પ્રસન્ન દામ્પત્ય’માં સારી હથોટી બતાવી શક્યા છે. વરસો અગાઉ વિદેશી નાટિકાઓના અનુવાદો આપી ચૂક્યા પછી ધનસુખલાલ મહેતાએ કેટલીક મૌલિક કૃતિઓ ‘પ્રેમનું પરિણામ’ અને ‘લહેરી ડોસાજી’માં સંઘરી છે. હજી પણ તેઓ તખ્તાની અને રેડિયોની ભાગ પ્રમાણે ઉત્સાહભેર આ સાહિત્યપ્રકાર ખેડી રહ્યા છે. ચુનીલાલ વર્ધમાન શાહે નાટિકાઓનો અલાયદો સંગ્રહ નથી આપ્યો પણ ‘નાગવેણી અને બીજી વાતો’માં થોડીક ઐતિહાસિક નાટિકાઓ મૂકી છે. ‘કોઈને કહેશો નહિ’માં રંભાબેન ગાંધીએ આપણા રૂઢિગ્રસ્ત કુટુંબજીવનનાં કેટલાંક વાસ્તવિક ચિત્રો આલેખ્યાં છે. આ ક્ષેત્રે હંસાબેન મહેતા પછી રંભાબેનનું આગમન આવકારપાત્ર છે. નવા કવિઓમાં રાજેન્દ્ર શાહે એકાંકી પ્રકાર ખેડવાનો આરંભ કર્યો છે અને એમની પહેલી જ કૃતિ ‘ગતિ-મુક્તિ’ (‘એકાંકી’, ઑક્ટો.’ પર) માત્ર વસ્તુના નાવીન્યને લીધે જ નહિ પણ નાટ્યકારની ઊંડી સૂઝને કારણે સારું ધ્યાન ખેંચી શકી છે. દુર્ગેશ શુક્લ, ચન્દ્રવદન મહેતા, સુરેશ ગાંધી અને ઇંદુલાલ ગાંધીની જેમ તેઓ પદ્યનાટકોના પ્રયોગો પણ કરી રહ્યા છે. વિદેશી એકાંકીઓના અનુવાદો-રૂપાંતરો પણ આજે આપણે ત્યાં સારી સંખ્યામાં સુલભ છે. (જોકે, આ ક્ષેત્રે, ટૂંકી વાર્તામાં બન્યું છે. તેમ ‘ધ ડીઅર ડિપાર્ટેડ’ કે ‘એ વિલા ફોર સેલ’ કે ‘મંકીઝ પૉ’ જેવાં નાટકના પાંચપાંચ સાતસાત અનુવાદો થઈ ગયા છે.) અંગ્રેજી ન જાણનાર વાચકો માટે આ અનુવાદો આશીર્વાદરૂપ ગણાય. એકાંકીના અનુવાદોની પ્રવૃત્તિમાં ધનસુખલાલ મહેતા પછી અશોક હર્ષે ‘સાગરનાં છૈયાં’માં વધારે વ્યવસ્થિત પ્રયત્ન કર્યો છે, જેને પરિણામે આયરિશ નાટ્યકાર સિન્જકૃત વિખ્યાત એકાંકી ‘રાઈડર્સ ટુ ધ સી’ સાગરખેડુઓની તળપદી બોલીમાં આપણને સાંપડી શક્યું છે... આ સંગ્રહ માટે જૂનાં સામયિકો ફેંદતાં ફેંદતાં ‘કેડી’ પાક્ષિકના જુલાઈ ૧૯૪૮ના અંકોમાંથી નિકોલસ નિકોલીએવિચ એવરિનોવના Corridors of the Soul નામના નાટકનું ‘પ્રા. એસ. આર. ભટ્ટે ‘ત્રિમૂર્તિ’ નામે કરેલું સુંદર રૂપાંતર વાંચવા મળેલું. આવી એકાદી વિદેશી વાનગી પણ ‘શ્રેષ્ઠ નાટિકાઓ’ના આ સંગ્રહમાં શામિલ કરવાની ઇચ્છા હતી, પણ સ્થળસંકોચને કારણે છેક છેલ્લી ઘડીએ એ વિચાર પડતો મૂકવો પડ્યો એનું દુઃખ રહ્યાં કરે છે. હવે શક્ય હશે તો જુદા જુદા દેશોની તેમ જ આપણી કેટલીક ભગિનીભાષાઓની આવી શ્રેષ્ઠ અનૂદિત કૃતિઓ એકઠી કરીને અલાયદો જ સંગ્રહ બહાર પાડવાની યોજના વિચારી છે. વિવેચક રિચર્ડ વૉટ્સ માને છે કે એકાંકીની કલા આયરિશ પ્રજાની તાસીરને અત્યંત અનુકૂળ આવી ગઈ છે અને તેથી વિશ્વસાહિત્યનાં કેટલાંક ઉત્તમોત્તમ એકાંકીઓનો ફાલ આયર્લેન્ડમાં ઊતર્યો છે. આપણી ભારતીય ભાષાઓની વાત કરીએ તો બંગાળી અને મરાઠીમાં એકાંકી કરતાં લાંબાં નાટકોનું જ વધારે ખેડાણ થાય છે. હિન્દીમાં પણ નાટ્યસર્જનનું વહેણ બહુધા લાંબી ત્રિઅંકી રચનાઓ તરફ વિશેષ દેખાય છે. આ ઉપરથી ભૂમિતિના પ્રમેય સાબિત કરવાની રાહે કહીએ કે એકાંકીના ખેડાણમાં ગુજરાત મોખરે છે, તો કદાચ ગુજરાતી વાચકો જ આવા વિધાનને હસી કાઢે એવો ભય રહે છે. તેથી, ગુજરાતની લાક્ષણિક નમ્રતાથી અલ્પોક્તિ વાપરીને, એમ તો બેધડક કહી શકાય કે આપણે ત્યાં સૉનેટની જેમ, આજ સુધીમાં એકાંકીનું થયેલું ખેડાણ પણ બીજી ભગિનીભાષાઓની એકાંકી સમૃદ્ધિ સાથે ગર્વભેર ઊભું રહી શકે એમ છે. અલબત્ત, આજ સુધીમાં ગુજરાતે અમર એકાંકીઓ સરજી નાખ્યાં છે એમ કહેવાનો આશય નથી. છતાં, ગુજરાતમાં ‘કાંઈ નથી!’ ‘કાંઈ જ નથી!’ જેવાં જડબેસલાક નિવેદનો કરી નાખવાની કેટલાક ‘ઉન્નત-ભ્રૂ’ શિક્ષિતોને આદત પડી ગઈ છે. એવી દૈન્યગ્રંથિ રાખવાનું પણ કોઈ કારણ નથી, એટલી તો આ સંગ્રહ માટે કરેલી એકાંકીઓની શોધખોળ પછી આ સંપાદકને પ્રતીતિ થઈ છે.
* * *
અઢી દાયકાની આછી ઝલક
આ સંગ્રહમાં પહેલા જ એકાંકી ‘હવેલી’ની પસંદગી સહેતુક કરી છે. એ જ લેખકનાં ‘સાપના ભારા’ કે ‘બારણે ટકોરા’ કે ‘ઉડણ ચરકલડી’—માંથી કોઈ એકાંકી શા માટે ન લીધું એવો પ્રશ્ન સહેજે થશે. પણ એ કૃતિઓ તો લેખકની ઉત્તમ રચનાઓ તરીકે હવે એટલી બધી જાણીતી છે કે અહીં એનું પુનર્મુદ્રણ અનાવશ્યક લાગે છે. ‘હવેલી’ એ ઉમાશંકર જોશીની બે દાયકાની એકાંકી ઉપાસનાનું લગભગ છેલ્લું-તાજું જ-સુફળ છે અને સામ્પ્રત દેશસ્થિતિનું એમાં યથાતથ ચિત્રણ છે એ પણ એક મોટું આકર્ષણ બની રહે છે. ‘માણેકચોક’માં દેશના ભાગલા અને સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછીનો શતમુખ વિનિપાત આલેખનાર નાટ્યકાર ‘હવેલી’માં એક સુમધુર આશાવાદની ભીડ છેડે છે. આજે આપણી ચારે બાજુએ ભૂધરકાકાઓ અને ઊગતાને જ પૂજનાર ગરજાઉં કાછિયા-કુંભારો ભીડ કરી રહ્યા છે ત્યારે હવેલી લેવા જતાં મુલક ખોઈ બેસવાની રસમ ધરાવનાર દેશમાં, ‘પ્રધાનપદે પહોંચતાં હવેલી ખોઈ’ જેવો ઘાટ ઊભો કરનાર કેશવ હવેલીવાળા અને આવા પરોપજીવી પુત્રની જનેતા રૂપાંકાકી પણ ક્યાંક ક્યાંક મળી આવે એ સંભવિતતા વર્તમાન વિષમતાઓ વચ્ચે ઓછી આશ્વાસક નથી. રાષ્ટ્રની વિશાળ હવેલી માટે પણ આવાં પાત્રો અને આવી સંભવિતતા નરવાઈની નિશાની છે.
‘પિયો ગોરી’ એ નાટકનાં પાત્રોનું નાટક છે. અભિનેતા વર્ધમાન અર્વાચીન ઓથેલો તરીકે વર્તે છે પણ એના જીવનની કરુણતા ઓથેલો કરતાં અદકી છે. સુંદરાની હત્યા બદલ લાંબી જેલ ભોગવ્યા પછી એ જ જૂની નાટક કંપનીના એ જ મૅનેજર પાસે એ ફરીવાર ‘સાહેબ, નોકરીમાં રાખશો?’ની યાચના કરવા આવે છે એમાં આ વિલક્ષણ એકાંકીની વેધકતા રહેલી છે.
‘સ્વર્ગકમ્પ’ એ જયંતિ દલાલની એક લાક્ષણિક કૃતિ છે. એમાંના વસ્તુ અને રજૂઆતનું નાવીન્ય દલાલની કલમને ઝેબ આપે એવું છે. એકાંકીમાં નાટ્યવસ્તુનું સ્ફૂરણ જ ઘણી વાર અરધી લડાઈ જીતી આપતું હોય છે. આ કળિયુગમાં સત્ય પણ સાપેક્ષ બની શકે છે, એ વિચારબીજમાંથી આ નાટિકાની વૃક્ષરચના મૌલિક માવજત માગી લે એવી છે. એ વિચારબીજ અને એની માવજત નાટ્યકાર દલાલના સઘળા સામર્થ્યને બહાર લાવે છે. નાટકના શીર્ષકથી માંડીને એના નિર્વહણ સુધીની બધી જ ‘કલા’ નમૂનેદાર દલાલશાઈ જ છે. આપણી ભાષાનાં કેટલાંક પાણીદાર નાટકોમાં ‘સ્વર્ગકમ્પ’ સહેજે મહત્ત્વનું સ્થાન ધરાવતું રહેશે.
‘પિયરનો પડોશી’ અને ‘વૈતરણીને કાંઠે’ બન્નેમાં નાટ્યવસ્તુ સમાન છે : શોષિત અને શોષકનું આલેખન. પણ રખે કોઈ આમાં આ કે તે ‘વાદ’નાં ઢોલનગારાં સાંભળવાની અપેક્ષા રાખે! ‘પિયરનો પાડોશી’ વાંચ્યા પછી લોહીચૂસ લેણદાર રાયચંદ તો યાદ પણ નથી રહેતા; રૂપાળી અને ‘રવિયોભાઈના બાળપણના સ્નેહનું મધુર કાવ્ય જ કાનમાં ગુંજી રહે છે... ‘વૈતરણીને કાંઠે’નું તો વસ્તુ જ અત્યંત વિલક્ષણ છે માધા ધનાની ગવરી ગાયને ઝવેરકાકા આ દુનિયામાં તો મણ જુવાર પેટે પડાવી લે એ સમજી શકાય પણ નર્કમાં વૈતરણી તરવા ટાણે પણ ઝવેરકાકા આગલા ભવનાં સુફળ ભોગવે અને ગાયના સાચા માલિક માધા ધનાએ તો વૈતરણીમાં ભૂસકો જ મારવો પડે એ ‘અનિયા’ સામે આ ટચૂકડા એકાંકીમાં પોકાર છે.
પ્રાચીન કથાવસ્તુ પર રચાયેલી બે કૃતિઓ આ સંગ્રહમાં છે : ‘પ્રજ્ઞા’ અને ‘સમ્રાટ શ્રેણિક.’ ‘પ્રજ્ઞા’નું વસ્તુતો જાણીતું છે પણ એની માવજત નવી છે. એ વાંચતી વેળા એમાં વાગ્મિતાની માત્રા કોઈને વધારે પડતી લાગે, પણ આ પ્રકારનાં નાટકોમાં તખ્તા ઉપર વાગ્મિતા પણ ઉપકાર થઈ પડે એ બનવાજોગ છે.
સાહિત્યની દુનિયા આલેખતાં બે નાટકો આ સંગ્રહમાં વૈવિધ્ય પૂરું પાડે છે. ‘દેડકાની પાંચશેરી’માં ચન્દ્રવદનના નર્મ, મર્મ, ટોળ તેમજ ટીખળ બધું જ પૂરબહારમાં જોવા મળે છે. પશ્ચિમમાં તો સાહિત્યક્ષેત્રની જાહેર વ્યક્તિઓને પાત્રો બનાવીને આવું ઘણું સાહિત્ય રચાય છે. પણ આપણે ત્યાં કદાચ ગુજરાતીઓના ઠરેલ, ઠાવકા સ્વભાવને કારણે—અથવા તો કટાક્ષો ખમવાની ખેલદિલી અને સહિષ્ણુતાને અભાવે—એક જયંતિ દલાલકૃત ‘સમસેવકો’ સિવાય આવી ઝાઝી કૃતિઓ રચાઈ નથી. ૧૯૩૯માં અમદાવાદ ખાતે ગુજરાત રંગભૂમિ પરિષદ વખતે મુનશી, રામનારાયણ પાઠક અને ધૂમકેતુનાં પાત્રો ઉમેરીને સાહિત્યકારોનું આ નાટક સાહિત્યકારોએ જ ભજવેલું. ‘દેડકાની પાંચશેરી’ આ સંગ્રહમાં છાપતી વેળા પણ મેઘાણી, રમણલાલ વ. દેસાઈ અને નવી પેઢીના એકબે સાહિત્યકારોનાં પાત્રો ઉમેરવાનું વિચારેલું. એ માટે ચન્દ્રવદન મહેતાની પરવાનગી મેળવીને નવો ઉમેરો તૈયાર પણ કરી રાખેલો, પણ નાટકનું કદ બેહદ વધી જાય અને ભજવણી મુશ્કેલ બની રહે એ બીકથી આ સંગ્રહમાં નવો ઉમેરો શામિલ નથી કર્યો... ‘ઝાંઝવાં’માં અહમ્મૂર્તિ સાક્ષર પરનો કટાક્ષ વધારે કાતિલ છે. આવા કટાક્ષોમાં થોડી કારુણ્યની છાંટ તો રહેવાની જ. ૧૯૨૫માં રચાયેલું આ એકાંકી આજે પણ એટલું જ તાઝગીભર્યું લાગે છે. ‘બેસ્ટ વન એટ પ્લેઝ’ની મેરિયટસંપાદિત ૧૯૫૦ની માળામાં પણ ‘ઝાંઝવાં’ને મળતું એક એકાંકી પ્રગટ થયું છે એ આ જાતનાં નાટ્યવસ્તુની સર્વકાલીનતા અને સર્વદેશીયતા સૂચવે છે.
‘હરિશ્રન્દ્ર બીજો’ પણ અમુક અંશે ‘પિયો ગોરી’ની જેમ નાટક કરનારાંઓનું નાટક—કહો કે ‘ચેટક’—છે. રચના હળવી છે, પ્રહસન પ્રકારની છે; પણ એનો હાસ્યરસ માત્ર પારસી બોલીમાંથી કે અશુદ્ધ ઉચ્ચારોમાંથી જ નથી ઉદ્ભવતો; એ રસ ઘટનામૂલક છે અને ઘણાં ચાતુરીભર્યાં એકાંકીઓની જેમ એક નાનકડા ‘અકસ્માત’માંથી એ નીપજે છે. એકાંકીઓ માટે યોજાયેલી એક હરીફાઈમાં ઇનામપાત્ર ઠરેલી આ કૃતિ નવી પારસી રંગભૂમિની એક લાક્ષણિક ચીજ છે.
ગેરસમજ અને ગોટાળા—કે પારસી જબાનમાં કહીએ તો ગોસમોટાળા—દુનિયાભરના નાટ્યસાહિત્યમાં આદિકાળથી આજ સુધી માનીતો વિષય બની રહેલ છે. મધુકર રાંદેરિયાનું એકાંકી ‘વતેસર’ આ પ્રકારની રચના છે. ઉપરટપકે દેખાતી બે જ પાત્રોની વાતચીતમાંથી એ ગેરસમજ અને ગોટાળા બહાર આવે છે, અને વાતનું વતેસર બને છે. પણ એ વતેસરમાંથી ફરી મૂળ વાત સર્જવામાં નાટ્યકારની કસોટી રહેલી છે. ગુજરાતી તખ્તાના એક કાબેલ અભિનેતાની એટલી જ કાબેલ કલમની આ નાટિકામાં પ્રતીતિ થાય છે.
યશોધર મહેતાકૃત ‘રણછોડલાલ’ રેડિયોનાટક છે. આ નવા માધ્યમમાં એકાંકીની કલાને મળી રહેલી નવી મોકળાશ આ રચનામાં જોઈ શકાય છે. ગુજરાતની તવારીખના એક યાદગાર પૃષ્ઠને કર્તાએ આ નાનકડી નાટ્યરચનામાં આબાદ સજીવ કર્યું છે. તખ્તાને સ્થાને ‘માઈક’ના માધ્યમ વડે એકાંકીની કેટકેટલી નવી ગુંજાયશો બહાર આવી શકે છે એ યશોધરના આ કીર્તિદા નાટક ઉપરથી જોઈ શકાય છે.
સિનેમામાં મુખ્ય ચિત્રપટનો ખ્યાલ આપવા જેમ ટ્રેઈલર-ઝલક બતાવવામાં આવે છે એમ આપણા પચીસ વરસના એકાંકીફાલમાંથી થોડીક વાનગીઓ આ સંગ્રહમાં મૂકી છે. બારપંદર હજાર ફૂટના બોલપટનો ખ્યાલ બસોપાંચસો ફૂટના રીલ પરથી આવી શકતો હોય તો આ નાનકડા સંગ્રહ પરથી અઢી દાયકા સુધીમાં સરજાયેલી આપણી એકાંકીસમૃદ્ધિનો આછોપાતળો ખ્યાલ કદાચ આવી શકશે. અને ટ્રેઈલર જોયા પછી કેટલાક પ્રેક્ષકો મૂળ બોલપટ જોવા પ્રેરાય છે એમ આ સંગ્રહની ઝલક જોઈને કોઈ ઉદાસીન વાચકો એકાંકી સાહિત્યપ્રકાર પ્રત્યે અભિરુચિ કેળવશે તો આ પ્રકાશન સાર્થક ગણાશે.
ફેબ્રુઆરી, ૧૯૫૩,
નવીન સંસ્કરણ જુલાઈ ૧૯૬૦
(‘ગ્રંથગરિમા’)
પાદનોંધ :