સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – નવલરામ પંડ્યા/કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઈ
સી. આઈ. ઈ.
મનુષ્યજીવનની સફળતાનો મુખ્ય આધાર તેનાં કૃત્ય પર હોય છે. કવીશ્વર દલપતરામે ગૂર્જરપ્રજા અને ગૂર્જર ભાષાની જે અમૂલ્ય સેવા બજાવેલી છે, તેમને માટે તેમની જેટલ ગુણપ્રશંસા કરીએ તેટલી થોડી જ છે. તેમના જીવનનું સાર્થક થયું છે, તેમનાં પ્રત્યેક કૃત્યો સ્તુતિપાત્ર નીવડ્યાં છે, દેશ દાઝજ્ઞ પુરુષોમાં તેમની ગણના થઈ છે, સકળ ગૂર્જરપ્રજા તેમને માટે આભારી છે, સાંપ્રત કાળમાં પુરુષરત્નોમાં કવીશ્વર દલપતરામ આપણી દૃષ્ટિ સમીપ રમી રહ્યા છે, અને તેથી તેમની નિત્યની યાદદાસ્ત જાગૃત રહે એવા પ્રકારના પ્રયાસોમાં અમારો આ લેખ પણ અનુકૂળ બનશે. કવીશ્વરની દેશસેવા, તેમનું કાવ્યકૌશલ્ય, બુદ્ધિની તીવ્રતા, ને સરસ્વતીસેવન કોઈ પણ ગૂર્જરબંધુથી અજાણ્યું નહીં હોય. તેમણે કરેલાં મહાન કૃત્યો બેશક સર્વ કોઈ જાણે છે. તથાપિ બાલ્યાવસ્થાનું ચરિત્ર પ્રકાશમાં આવેલું નથી. મહાન પુરુષોનું બાળપણ પણ સુબોધક હોય છે. સુપુત્રના પગ પારણામાંથી જણાય એ કહેણી પ્રતાપી પુરુષો પ્રત્યે સત્ય ઠરેલી આપણે બહુવાર નિહાળીએ છીએ. કવીશ્વર દલપતરામની પ્રસિદ્ધ જિંદગીનું વૃત્તાંત ટૂંકામાં આપી અમે અત્યારે તેમની બાલ્યાવસ્થાનું વર્ણન આપીશું. કારણ તે પ્રસિદ્ધમાં આવેલું નથી. સ્વર્ગવાસી નામદાર ફાર્બસ સાહેબના મેળાપ પહેલાં કવીશ્વર જાહેરમાં આવ્યા નહોતા. નામદાર ફાર્બસ સાહેબને ગૂર્જરકાવ્યનો શોખ હોવાથી કવીશ્વરને પોતાના સમાગમમાં આણ્યા. નાના પ્રકારની કવિતા કરી તેમાં પૂર્ણ કાવ્યકૌશલ્ય દાખવી કવીશ્વર ફાર્બસ સાહેબના સમાગમમાં વિનોદ મેળવતા હતા. અને તેમની ત્યાર પછીની કવિતા તો ‘ચિત્તાકર્ષક ને સ્વરૂપા’ મનાયેલી છે. મહેરબાન ફાર્બસ સાહેબની સાથે ગુજરાતના નિરનિરાળા પ્રાંતોમાં ફરી કવીશ્વરે ધર્મ, વિદ્યા, નીતિ ઇત્યાદિ વિષયો પર ભાષણ કર્યા તથા કવિત્વ શક્તિનું ખરું સ્વરૂપ દાખવી લોકોનું મન હરણ કરી પ્રજાપ્રિય બન્યા. ત્યાર પછી સરકારી નોકરી તજીને ગૂજરાત વર્નાક્યુલર સોસાઇટીની સેવાનો તેમણે સ્વીકાર કર્યો. નાના પ્રકારનાં પુસ્તકો રચ્યાં અને રચનારને ઉત્તેજન આપ્યું. અમદાવાદ અને બહારના શેઠ શાહુકાર તથા રાજારજવાડાને પોતાની કવિતા વડે રંજન કરી સોસાઈટીની થાપણ વધારી તેને આબાદ બનાવી લોકોમાં વાચનની અભિરુચિ ઉત્પન્ન કરવાને ઘટતો શ્રમ વેઠ્યો અને ગૂર્જર ભાષા ખિલવવા યત્નવાન થયા. અને ‘બુદ્ધિપ્રકાશ’ નામના માસિક પુસ્તકથી ઉત્તમ પ્રકારે સ્વદેશસેવા બજાવવાનો હેતુ પાર પાડ્યો. નામદાર ફાર્બસ સાહેબ પછી નામદાર હોપ સાહેબે તેમની કદર પીછાણી. સરકારી વાચનમાળાના પુસ્તકો તૈયાર કરી તેમાં કવીશ્વરને સારો પગાર આપી તેમની મદદનો હોપ સાહેબ રૂડો ઉપયોગ કીધો. કાવ્યદોહન તૈયાર કરાવી સરકારે સારું ઇનામ આપ્યું, અને છેલ્લે સને ૧૮૮૫ના વર્ષમાં કવીશ્વરને સી.આઈ.ઈ.નો માનવંતો ખિતાબ નામદાર મહારાણી કૈસરેહિંદ તરફથી આપવામાં આવ્યો. સરકારે તેમની વિદ્વત્તાની કદર પીછાણી છે. તથા દેશીરાજ્યમાં ઉત્તમ પ્રકારનું તેઓ સન્માન પામ્યા છે. હાલમાં વૃદ્ધાવસ્થાને લીધે જો કે તેઓ એકાંત વાસમાં રહે છે, જાહેર કાર્યોમાં ઓછો ભાગ લે છે, તથાપિ સ્વદેશસેવાની તેમની રૂડી ઇચ્છાઓ હજુ તાજી અને તેજસ્વી જોવામાં આવે છે. આ તેમની જિંદગીના સુયશનું મુખ્ય મુખ્ય વર્ણન થયું. હવે આપણે તેમની જિંદગીની શરૂઆત તરફ વળીએ. કવીશ્વર દલપતરામનો જન્મ વઢવાણમાં શ્રીમાળી બ્રાહ્મણ પારાશરી ગોત્રમાં સંવત ૧૮૭૬ના મહાસુદી આઠમના દિવસે થયો. તેમના પિતાશ્રીએ સામવેદનો અભ્યાસ કર્યો હતો. તેઓ અગ્નિહોત્રી હતા. સ્થિતિ ગરીબ હતી. પિતાનું નામ ડાહ્યાભાઈ અને માતુશ્રીનું નામ અમૃતબાઈ હતું. અમૃતબાઈની કૂખે જન્મેલા પુત્રરત્ન કવીશ્વર દલપતરામ પોતાના કર્તવ્યથી ખરેખર અમૃતતુલ્ય બન્યા. સને ૧૮૮૦ની સાલમાં શીતળાના રોગથી મોટી ઘાત વીતી ગયા બાદ બાળપણમાં કવીશ્વરની શરીરપ્રકૃતિ સ્વરૂપમાં આવી. પાંચ વરસની ઉંમરથી જ વિદ્યાભ્યાસ તરફ કુદરતી રીતે જ પ્રેમ ઉપજ્યો. એક દહાડો વેદનાં પદ ભણતાં પિતાજીને નિહાળી કવિએ તે ભણવાની હઠ લીધી. પરંતુ ઉપવીત ધારણ કર્યા અગાઉ તે શીખવાનો પ્રતિબંધ હોવાથી પિતાશ્રીએ નવાં કલ્પિત શ્યામપદો જોડી કાઢી પુત્રના મનનું સમાધાન કર્યું. બાલ્યાવસ્થાથી જ તેમના ભવિષ્યનો ખ્યાલ થવા લાગ્યો. સંવત ૧૮૮૪ના મહાસુદી પાંચમે તેમને જનોઈ આપવામાં આવી, અને ત્યારપછી તેણે સામવેદનો અભ્યાસ કર્યો. વઢવાણની ગામઠી નિશાળમાં વ્યાવહારિક આંક અને કક્કો બારાક્ષરી દિવસના શીખવા જતા હતા. બીજા વિદ્યાર્થીઓ કરતાં તેમની બુદ્ધિના વિલક્ષણ ચાતુર્યથી તેમના વિદ્યાગુરુ અપૂર્વ આનંદ પામતા હતા. ચાર વર્ષની ટૂંક મુદતમાં સામવેદનો પરિપૂર્ણ અભ્યાસ કીધો. સિવાય ક્રિયમાણનો પણ કેટલોક ભાગ મુખપાઠ કર્યો. બાલ્યાવસ્થામાં સાધારણ વાતચીતના સમયે દૃષ્ટાંત આપવાની તેમને ટેવ હતી. સાહિત્યના શ્લોકોનો તેઓ યોગ્ય ઉપયોગ કરતા હતા, અને ભવિષ્યમાં પ્રતાપી નિવડવાના એ વગેરે સુચિહ્નો હરકોઈ માણસને આશ્ચર્ય પમાડતાં હતાં, આડોશપાડોશની બાઈઓ અજવાળી રાત્રિએ મોહોલ્લામાં એકત્ર મળીને રેંટિયો કાંતવા તથા કાલાં ફોલવા બેસતી હતી ત્યારે કર્મણુંકને માટે તરેહવાર ઉખાણા બોલી વિનોદ કરી કાળ ખતમ કરતી હતી, કવિ દલપતરામ બાલ્યાવસ્થામાં ત્યાં જઈને ઉખાણાના જવાબો ઝડઝમક પ્રાસઅનુપ્રાસ મેળવીને કવિતાના આકારમાં આપતા હતા. બૈરાંઓના ઉખાણા ઘણીવાર માત્ર વખત ગુજારવા માટે કેવળ ટાયલાં હોય છે અને કેટલાક સુબોધક પણ હોય છે. કવિને નિર્માલ્ય ટાયલાંવળા ઉખાણાના જવાબો આપવા પસંદ નહોતા, પરંતુ સુબોધક ઉખાણા માટે બુદ્ધિકૌશલ્ય ખરચીને તેઓ ઝડપથી જવાબો આપતા અને ગમત મેળવતા હતા. નવા ઉખાણા જોડી કાઢવા તેઆને બહુ ગમતા હતા. તેમના બાળપણના સોબતીઓ કે જેઓ હાલ હયાતીમાં છે તેઓ આ વાતની સત્યતા માટે અત્યારે પણ ખાતરી આપે છે. પોતાના સોબતીઓમાં નિર્દોષ રમતગમતના પ્રસંગે કવિ દલપતરામ બાળપણમાં પ્રમુખનું કામ બજાવતા હતા. સંવત ૧૮૮૯ના વરસમાં પોતાની ચૌદ વર્ષની ઉંમરે વઢવાણ ખાતે તેમનું લગ્ન થયું. વાર્તા તથા કહાણીઓ સાંભળવાનો તેમને ઘણો શોખ હતો. કવિ શામળભટના દોહરા, ચોપાઈ વાંચવાના મહાવરાથી તેઓ દોહરા, ચોપાઈ બનાવવા લાગ્યા. ૧૮૮૯માં તેર, ચૌદ વર્ષની ઉંમરે ‘કમલલોચિની’ તથા ‘કિરાંદતિ’ નામની બે વાર્તા તેમણે દોહરા ચોપાઈમાં બનાવી, અને તે ‘સદેવંત સાવળીંગા’ની વાર્તાના જેવી હતી. સંવત ૧૮૯૭માં મહાસુદી પાંચમ પર સ્વામીનારાયણના, મુળી ગામમાં મેળો ઉત્સવ હોવાથી પોતાના મામા પ્રેમાનંદની સાથે તેઓ ત્યાં ગયા. સાધુસંતો સાથે ધર્મવિવાદ ચલાવ્યો. તે વખતના સાધુઓના અસરકારક ઉપદેશથી કવિએ સ્વામીનારાયણના ધર્મનો અંગીકાર કર્યો. ઘેર આવી ઉપરની બંને વાર્તા ફાડી નાંખી. તેના મનમાં આવ્યું કે એવી વાતથી માણસની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે, અને તે મારા મુખમાં શોભતી નથી. ત્યારબાદ સ્વધર્મ માટે ગુજરાતી ભાષામાં તેણે કવિતા બનાવવા માંડી જે કવિતાઓ અદ્યાપિ જોવામાં આવે છે. તથાપિ ધર્મની કવિતા આપવાની તે વખતના સાધુઓએ ના પાડવાથી હજુ સુધી તે અપ્રસિદ્ધ રહેલી છે. કવિના પિતાજી શિવમાર્ગી હોવાથી સ્વામીનારાયણનો ધર્મ તેમને ગમ્યો નહીં. કવિમાં ઈશ્વરદત્ત કાવ્યશક્તિ હોવાથી તેને ખિલવવા સારું ચોતરફથી ભલામણો થવા લાગી. પિંગળશાસ્ત્ર અને અલંકારશાસ્ત્રનો અભ્યાસ કરવા માટે કવિ એથી ઉત્સુક બન્યા. આ વેળાએ મુળીમાં દેવાનંદસ્વામી નામાંકિત કવિ હોવાથી ચોમાસાના ચાર મહિના ત્યાં રહેવા માટે કવિએ નિશ્ચય કર્યો. થોડા વખતમાં પોતાની મુરાદ પાર પાડી. કવીશ્વર ધ્રાંગધા, હળવદ, લીમડી, પાણસીણા, સીથે વિગેરે ગામોમાં પોતાના જજમાનને ત્યાં પ્રસંગે જતા આવતા હતા, અને ત્યારે રાત્રિએ ચૌટા વચ્ચે પ્રતિષ્ઠિત માણસોનો મેળાવડો કરી પોતાની કવિતા ગાઈ સંભળાવતા હતા આથી લોકોનું મન રંજન થતું હતું. કવિ દલપતરામ પોતાની સાથે સંબંધ ધરાવનારા માણસો પર પદ્યમાં જ પત્ર લખતા હતા. જે પત્રો કાવ્યના નમૂના તરીકે તેમના કેટલાક મિત્રો એ અદ્યાપિપર્યંત જાળવી રાખ્યા છે. કવિનું મોસાળાસાસરું કચ્છના વાગડ પ્રગણામાં લોદરાણી ગામમાં હતું. ત્યાં કવિના સસરાને તેમના સસરાનો વારસો મળવાથી તેઓ ત્યાં રહેવા ગયા તેથી પોતાની પત્નીને તેડવા માટે સંવત ૧૮૯૪-૯૬-૯૯ની સાલમાં કવિને ત્યાં જવું પડ્યું હતું. તે વખતે રસ્તાઓનાં ગામડાંમાં ઊતરી કવિ પોતાની કવિતા ગાઈ સંભળાવી લોકોનાં મનડાં રીઝવતા હતા. ઘણા લોકો સાથે સ્નેહ બંધાવવાથી કવિને અત્યાગ્રહ કરી બબ્બે, ચચ્ચાર દહાડા પરોણા રાખતા હતા. એ વેળા એ દેશલપૂરા, બેલા, સાયર વગેરે ગામોમાં તેઓની ઘણી ખ્યાતિ થઈ હતી. એ અરસામાં તેણે ‘જ્ઞાનચાતુરી’ નામનો વ્રજભાષામાં ગ્રંથ રચ્યો હતો. તેમાં બે પ્રકરણ પાડવામાં આવ્યાં છે, એકમાં ઉપદેશ અને બીજામાં સાહિત્યના સવૈયાનો સમાવેશ કરેલો છે. આ પુસ્તક હજુ છપાયેલું નથી. તેમાંની કવિતાઓ તેઓ જ્યાં જતા ત્યાં બહુધા વાંચી સંભળાવ્યા વિના રહેતા નહોતા. કવિ શામળભટની પ્રતિજ્ઞાનું અનુકરણ કરી કવિએ નિશ્ચય કર્યો હતો કે મારાં કાવ્યના માધુર્યથી જો કોઈ રાજા કિંવા શ્રીમાન્ મને બોલાવે તો જ મારે કવિ તરીકે પ્રગટ થવું, નહિ તો નિર્માણ કરેલી સ્થિતિમાં જ આયુષ્ય પૂર્ણ કરવું. ૧૮૯૫-૯૭માં ભુજની શાળામાં કાવ્યનો અભ્યાસ કરીને એક ચારણ આવ્યો, તેણે કેટલાક રાજસ્થાનોમાં ફરીને સારું જ્ઞાન મેળવ્યું. બાદ મુળીમાં તેણે દેવાનંદસ્વામીએ કવિ દલપતરામને વાદવિવાદના પ્રસંગે મોખરે આણ્યા. દેવાનંદસ્વામી સાથે વાદવિવાદ કરવાની ઇચ્છા જણાવી જન્માષ્ટમીના મેળામાં તાત્કાલિક કવિતા બનાવવામાં તેણે ત્યાં વિજય મેળવ્યો, તાત્કાલિક બનાવેલી કવિતા કેટલીવાર નીરસ અને કેટલીકવાર ઘણી સરસ બનતી હતી. આ કવિતા કેટલાકો લખી લેતા હતા, અને તેથી તેમાંની ઘણી ખરી અત્યારે પ્રસિદ્ધ જોવામાં આવે છે. પોતાના જજમાનને ત્યાં કવિને એક વખતે ધ્રાંગધ્રે જવું થવાથી ત્યાંના મહારાજા રણમલસિંહજીએ તેમને પોતાના દરબારમાં બોલાવ્યા. કવિએ તેઓએ ફરમાવેલી વસ્તુનું કાવ્યમાં તાત્કાલિક વર્ણન કરી મહારાજાને ખુશી કર્યા, અને તેમને પાઘડી તથા શાલ શિરપાવ મળ્યો. અર્થાત્ અહીંથી રાજસ્થાનમાં કવિપણાનું માન મળવાનો આરંભ થયો, તથાપિ તે પહેલાં અમદાવાદ ખાતેના સ્વામીનારાયણની ગાદીના આચાર્ય અયોદ્ધાપ્રસાદજીએ કવિને મુળીમાં સાલ પાઘડી આપીને કવિપદ આપ્યું હતું. સં. ૧૮૯૦થી ૧૯૦૦ સુધીના દશકામાં કવિએ, ઝાલાવાડ પ્રાંતના લોકોમાં માન મેળવ્યું, ધોલેરાના ધહેલા બાબરીઆએ કવિને સન્માનસૂચક આમંત્રણથી પોતાને ત્યાં બોલાવ્યા હતા. મુળીમાં વૈષ્ણવાનંદ બ્રહ્મચારી તે વખતે નૂતન કવિ હતા. તેમને તથા આ કવિ દલપતરામને પરસ્પર કાવ્યચર્ચા કરાવી. બેઉની પરીક્ષા લેવા સારું નિરનિરાળા વિષયો સોંપવામાં આવ્યા. ‘સ્વામીનારાયણની સ્વાભાવિક ચેષ્ટા’ એ નામનો વિષય કવિને માટે મુકરર કરવામાં આવ્યો. કવિએ વ્રજભાષામાં નિરનિરાળા પદની રસાલંકારવાળી કવિતા બનાવી. સંસ્કૃત શાસ્ત્રીઓને કવિની કવિતા ઘણી પસંદ પડી. વાસુદેવાનંદ બ્રહ્મચારીએ કવિની ચમત્કારિક કાવ્યશક્તિથી મોહિત થઈ તેમને વ્યાકરણશાસ્ત્રનો અભ્યાસ કરાવવા માટે આચાર્યને ભલામણ કરી. આચાર્યજીએ કવિનું ઘરખરચ આપવાનું કબૂલ કરી અમદાવાદમાં વ્યાકરણશાસ્ત્રનો અભ્યાસ કરવા મોકલાવ્યા. ૧૯૦૧ની સાલમાં અમદાવાદ જઈ સારસ્વત વ્યાકરણનો તથા કુવલયાનંદનો અભ્યાસ કર્યો. પરંતુ અમદાવાદમાં પોતાના કાવ્ય કૌશલ્યથી મોટે મોટે ઠેકાણે પ્રસિદ્ધિમાં આવ્યા પછી સંવત ૧૯૦૩ની સાલમાં આચાર્ય સાથે કચ્છમાં ફરવા ગયા, અને ત્યાં સારું સન્માન પામ્યા. ત્યારબાદ ભુજથી પાછા આવી તેઓ વઢવાણમાં પોતાને ઘેર જઈ રહ્યા. સં. ૧૯૦૪માં અમદાવાદમાં આસિ. જજ એ. કે ફાર્બસને ગુજરાતી કવિતા સાંભળવાનો તથા વાંચતાં શીખવાનો શોખ હોવાથી વિજાપુરના કવિને તથા અમદાવાદવાળા ઉત્તમરામજીને પોતાની પાસે બોલાવ્યા. તથાપિ તેમનાથી તેના મનનું સમાધાન થયું નહિ. ત્યારે કેડે રા. બા. ભોળાનાથ સારાભાઈની મારફતે ફાર્બસ સાહેબે કવિને પોતાના સમાગમમાં લીધા, અને ત્યારપછીનું કવિનું વૃત્તાંત અમારા ઘણા ખરા વાંચનારાઓ સારી રીતે જાણતા હશે; કારણ તે સન ૧૮૭૮ના બુદ્ધિપ્રકાશમાં પ્રસિદ્ધ થઈ ચૂક્યું છે; તેમ છતાં આ લેખના આરંભમાં અમે પણ ટૂંક હકીકત આપવાને વિસરી ગયા નથી. કવિશ્વર દલપતરામ ગૂર્જરપ્રજામાં એક ઉમદા રત્ન છે. ગૂર્જરપ્રજાની તેમણે બજાવેલી સેવા અવર્ણનીય છે અને તેને માટે ગૂર્જરદેશ સદાને માટે મગરૂર રહેશે તેમાં કશો સંદેહ નથી. કવિ દલપતરામનો ઘણોખરો કાવ્યનો મોટો સંગ્રહ ‘દલપતકાવ્ય’ના પ્રગટ થયેલા પુસ્તકમાં દૃષ્ટિગોચર થાય છે. આ પુસ્તકની આઠ રૂપિયા કિંમત છતાં તેની સેંકડો નકલો જોતજોતામાં ખપી ગઈ છે, અને તેથી કવિએ મેળવેલી લોકપ્રિયતા ઉત્તમ પ્રકારે સાબિત થાય છે. સંપલક્ષ્મી સંવાદ, રાજવિદ્યાભ્યાસ, ફારબસવિલાસ-વિરહ તથા તે સિવાયના નાનાં મોટા સંખ્યાબંધ પુસ્તકો કવીશ્વરે પ્રગટ કરેલાં છે, અને તે તમામે લોકપ્રિયતા મેળવી છે. કેટલાંક પુસ્તકોની દશ દશ આવૃત્તિ પ્રગટ થયા છતાં અદ્યાપિ તેની વારંવાર માણગીઓ થાય છે. કવિની કવિતા સાદી છતાં રસિક, ગંભીર છતાં મોહક, રસિક છતાં સુનીતિવાળી, અને નવરસપ્રધાન હોવાથી કવિ નર્મદાશંકર કરતાં તેમણે વિશેષ લોકપ્રિયતા મેળવી છે. એક નાના નિશાળિયાથી તે સાઠ વરસના ડોસા સુધીના માણસોના મુખમાં કવિની કવિતા દીપી નીકળેલી આપણે વારંવાર સાંભળીએ છીએ. કવીશ્વર દલપતરામ જેવા લોકપ્રિય બન્યા છે તેવા જ સંસારપ્રિય બન્યા છે, અને તેથી ગૂર્જરપ્રજા અત્યાનંદ પામ્યા વિના રહેતી નથી. કવીશ્વરની કદર પિછાણવાના હેતુથી ઊભા થયેલા મેમોરિયલ ફંડની વાત જાહેરમાં આવતાં વાર મોટી રકમ ભરાઈ ગઈ હતી ને વળી કવીશ્વર પ્રત્યેના પ્રજાપ્રેમની વધારે શી સાબિતી જોઈએ? અમે અત્યારે એક મહાન પુરુષનું જન્મવૃત્તાંત અત્રે પ્રગટ કરી આનંદ પામીએ છીએ. આશા છે કે અમારા આનંદમાં અમારા પ્રિય વાંચનારાઓ સામેલ થશે. કવીશ્વર દલપતરામ સદા સુખ શાંતિમાં વિરાજો અને આ અમારો આશીર્વાદ સફળ થાઓ તથાસ્તુ!!!
૧૮૮૮