સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – નવલરામ પંડ્યા/ગુજરાતીના પહેલા અને સમર્થ વિવેચક નવલરામ : રમણ સોની
નવલરામ પંડ્યા અર્વાચીન ગુજરાતી સાહિત્યના પહેલા અને સમર્થ વિવેચક હતા. એમની પહેલાં કવિ નર્મદાશંકરે વિવેચનની દિશામાં પણ થોડાંક મક્કમ ડગ ભર્યાં હતાં ખરાં – વિવેચન એટલે શું અને વિવેચન શા માટે એ વિશે, તથા એમના સામયિક ‘ડાંડિયો’માં સમકાલીન સાહિત્યકૃતિઓ વિશે એમણે દૃઢતાથી ને સાચી સમજથી લખ્યું હતું. પરંતુ નર્મદની મુખ્ય ઓળખ કવિ અને નિબંધકાર તરીકેની, જ્યારે નવલરામની તો મુખ્ય ઓળખ અને એમનું મહત્ત્વનું પ્રદાન વિવેચનમાં. એથી નવલરામ આપણા પહેલા વિવેચક. નર્મદ અને નવલરામ બંનેએ, સાહિત્યની ઉત્તમતાનાં ધોરણો નજર સામે રાખીને, આકરા ગ્રંથપરીક્ષણ પર ભાર મૂક્યો હતો. નર્મદની વિવેચનપ્રવૃત્તિનો તબક્કો ટૂંકો અને પ્રસંગોપાત્ત હતો પણ નવલરામે એ આખા સમયગાળાને આવરતું સાતત્યભર્યું ને સજ્જતાવાળું વિવેચન કર્યું છે. એમના કેટલાક ઉદ્ગારો, કેટલાક આગ્રહો, કેટલાંક નિરીક્ષણો સર્વકાલીન વિવેચન ઠરે એવાં છે. એમણે વિવેચનનાં ધોરણોને કદી પાતળાં કર્યા ન હતાં – પુસ્તકોને અવલોકવા-તપાસવામાં, એમના જ શબ્દોમાં કહીએ તો, કોઈ ‘રહેમીઅત’ રાખી ન હતી. નવલરામનું શરૂઆતનું વિવેચન-લેખન ગુજરાતમિત્રમાં થયેલું – કેટલોક સમય તે ગુજરાતમિત્ર વર્તમાનપત્રના તંત્રી પણ રહેલા. મહીપતરામ નીલકંઠે શિક્ષણના પ્રશ્નો ચર્ચતું સામયિક શાળાપત્ર ૧૮૬૨માં શરૂ કરેલું, એ સામયિકના ૧૮૭૦માં નવલરામ તંત્રી બને છે ને એમાં સાહિત્ય અને અન્ય વિષયોનાં પુસ્તકોનાં અવલોકનો કરવાનું હાથ ધરે છે. એ પછી ૧૨ વર્ષ સુધી એમણે શાળાપત્રમાં સમકાલીન સાહિત્ય અને વિદ્યાનાં પુસ્તકોને સજ્જતા અને ખબરદારીથી અવલોકવાનો મહત્ત્વનો વિવેચકધર્મ બજાવ્યો. નબળા ગ્રંથોના વધતા જતા ઉત્પાદનથી એ વ્યથિત થયા હતા ને એટલે એવી જ મક્કમતાથી એનો સામનો કરવા માટે એ ઉદ્યુક્ત થયા હતા – એકેએક વિષયના પ્રત્યેક ગ્રંથની સમીક્ષા કરવી એ એમનો સંકલ્પ હતો. પણ એ માટે એમને તત્કાલીન ચોપાનિયાં ને માસિક સામયિકો – ‘શાળાપત્ર’ સુધ્ધાં – પાછાં પડતાં, અક્ષમ ને અપર્યાપ્ત લાગતાં હતાં. એમણે લખેલું – ‘આ પ્રસંગે બેશક શખ્ત ટીકાકારની જરૂર છે, પણ ટીકા [વિવેચન] એ આ ચોપાનિયાનો મુખ્ય વિષય નથી તેથી તે ઘણી વાર જતી કરે છે, એ ફક્ત પહોંચ કબુલ કરીને [સ્વીકારનોંધ કરીને] જ બેસી રહે છે. પણ અમારી ગુજરાતના બીજા વિદ્વાનોને ભલામણ છે કે, હવે પુસ્તકપરીક્ષાના જ એક ત્રૈમાસિક ગ્રંથનો સમય આપણા દેશમાં આવ્યો છે. ભાષા બગડી જાય છે ને નઠારી ચોપડીઓ બહુ વધવા લાગી છે, તેનો સૌથી વધારે નઠારો પરિણામ એ થાય છે કે લોકોમાં ખોટું રસજ્ઞાન વધે છે, અને ખરી વિદ્વત્તાનો શોક [શોખ] ઘટે છે.’ આ ઉદ્ગાર એમણે ઈ.સ. ૧૮૭૫ આસપાસ કર્યો જણાય છે પણ એકાદ દાયકા પછી ફરી એમને આ વાત દોહરાવવી પડે છે કે ગ્રંથવિવેચનને પહોંચી વળવા, એવી વૃત્તિ ને ક્ષમતાવાળા નવા સામયિકની જરૂર છે ને પછી ઉમેરે છે કે ‘હવે ગુજરાતની પ્રજાએ આશા રાખવી કે એ કામ ચાલુ માસિકોથી થઈ શકશે એ કેવળ મિથ્યા છે. ગ્રંથકારો ગમે એટલા ચીડવાય, પણ વર્તમાનપત્રોએ તો એ કામ ક્યારનું છોડી દીધું છે, અને તે કામને યોગ્ય પણ નથી. માસિકો હજુ ઉપરઉપરથી ગ્રંથાવલોકન કરે છે.... વળી હાલ કેટલાંક પુસ્તકો તો એવાં પ્રગટ થાય છે કે તે ખાસ વિસ્તીર્ણ વિવેચનને યોગ્ય છે – જેમ કે મિ. ત્રિપાઠીકૃત સરસ્વતીચંદ્ર...’ (‘સરસ્વતીચંદ્ર’ની પ્રશંસા કરવા સાથે એમણે એ વાત પણ નોંધી છે કે ‘અલબત્ત, એમાં કેટલાક ગંભીર દોષો પણ છે.’) યોગ્ય માધ્યમની – સામયિકની – ઊણપ છતાં નવલરામે થઈ શક્યું એટલું ગ્રંથવિવેચન અતંદ્રપણે કર્યું છે. ને સમગ્ર સમયપટ પર તીક્ષ્ણ નજર રાખી છે. સાહિત્ય અંગેનાં ઊંચાં ધોરણોના આગ્રહને લીધે નવલરામની છાપ દુરારાધ્ય તરીકેને બંધાઈ હતી. ‘રામારત્નનિરૂપણ’ નામના એક કાવ્યપુસ્તકની સમીક્ષાનો આરંભનો એક અંશ વાંચીએ : ‘સુંદર પૂંઠાવાળી, સુંદર રીતે છાપેલી, સુંદર ભાષામાં લખેલી, સુંદર કવિતાની એક નાજુકડી ચોપડી અમને હમણાં મળી તે વાંચી અમે પ્રસન્ન થયા છીએ.’ પછી લખે છે, ‘અમારા વાંચનાર જાણે છે કે આવા બોલ અમારા મુખમાંથી ગ્રંથવિવેચન વેળા નીકળવા સાધારણ નથી.’ આ ધોરણો અંગેના એમના આવા આકરા આગ્રહો એ વખતે ઘણાને પસંદ ન હતા પણ નવલરામ તો બેધડક કહે છે કે ‘પણ કવિતા એવો ઊંચો વિષય છે કે તેમાં નાદાન છોકરાં કકલાણ કરવા આવે તો તેને ધમકાવી કાઢવાં એ જ ઉત્તમ માર્ગ છે’. નવલરામના આકરા પરીક્ષણમાં શાસ્ત્રીયતાનો આગ્રહ પણ ભળતો રહ્યો છે એ કહેવું જોઈએ. મહીપતરામે લખેલાં કરસનદાસ મૂળજી અને દુર્ગારામ મહેતાજી એ બંને વિશેનાં ચરિત્રો, પૂરી શોધખોળના અભાવે સાવ એકપરિમાણી થઈ ગયેલાં હોવાથી નવલરામે હળવાશથી પણ સ્પષ્ટ રીતે એ મર્યાદા ચીંધી બતાવી છે. કરસનદાસના ચરિત્ર વિશે એમણે લખ્યું છે, ‘સર્વ સ્થળે કરસનદાસ સુધારકને જ [આપણે] જોઈએ છીએ પણ કરસનદાસ માણસરૂપે દેખાતા નથી. સુધારાની પાઘડી હેઠે મૂકી કરસનદાસ કેવા દેખાય છે તે જોવાનો અવસર આવતો જ નથી.’ છોટાલાલ સેવકરામના ‘ગુજરાતી શબ્દમૂળદર્શક કોશ’ની સમીક્ષામાં, ગ્રંથમાં થયેલું શાસ્ત્રીયતાનું ઉલ્લંઘન નવલરામને અકળાવે છે. વ્યુત્પત્તિ ક્યાંક સમજાવવી, ક્યાંક ન સમજાવવી એવી યાદૃચ્છિકતા, અને શબ્દના અર્થો કરવામાં ક્યાંક પ્રવેશેલી મનસ્વિતા, વગેરેની ટીકા કરતાં એમણે કહ્યું છે કે ‘આ ઉપરથી સાફ જણાય છે કે આ વ્યુત્પત્તિકારનું અટકળ સિવાય બીજું કોઈ ધોરણ નથી.’૮ ને સાવ ખોટી વ્યુત્પત્તિનો ઊધડો લેતાં કહે છે, ‘લડ્ડુ પરથી લાડુ તો થયો છે, પણ લૂંડો શી રીતે થાય?’ કયો ઉત્સર્ગ લાગ્યો?’ પછી નિર્દયતાથી માર્મિક કટાક્ષ કરતાં કહે છે કે, ‘કયો યુરોપના ભાષાશાસ્ત્રનો નિયમ લાગ્યો?’ પણ નવલરામે ઇતિહાસ-દૃષ્ટિ પણ દાખવી છે. આ જ કોશનાં ક્ષતિસ્થાનો ચીંધ્યા પછી, આવા મોટા વિષયને હાથ ધરવાનો ‘પ્રયત્ન કરવો એ સ્તુતિપાત્ર છે, અને તે એવું વિકટ હતું કે તેમાં ભૂલોનો સંભવ ઘણો જ હતો!’ નવલરામના વિવેચનની મહત્તા એ કે એ સમયે જ, એ સમકાલીન લેખનપ્રવૃત્તિનું, આજની દૃષ્ટિએ પણ પ્રતીતિકર નીવડે એવું પરીક્ષણ એમના દ્વારા થયું હતું. વળી નવલરામ એ સમયની લેખન-પ્રકાશન-પ્રવૃત્તિનું મોટું પ્રોત્સાહક તેમજ નિયંત્રક પરિબળ હતા ને કલા તેમ જ શાસ્ત્રોનાં ધોરણોની અતંદ્ર જાળવણીને વધારવામાં એમનું મોટું અર્પણ છે. સાહિત્યમૂલ્યની દૃષ્ટિએ જોતાં નવલરામની વિવેચનાને, સુધારકયુગમાંથી પંડિતયુગમાંની સંક્રાન્તિ માટેનું પણ, એક મહત્ત્વનું પરિબળ ગણાવી શકાય. પંડિતયુગમાં અંગ્રેજી સાહિત્ય અને વિવેચનના તેમ જ સંસ્કૃત સાહિત્ય અને મીમાંસાના વ્યાપક પરિશીલન-અધ્યયને વિવેચનની ક્ષિતિજો વિસ્તારી અને વિવેચનને શાસ્ત્રીયતાથી પરિભાષિત કર્યું. પરંતુ નવલરામે ભૂમિકારૂપે પણ ઉત્તમ વિવેચકશક્તિ અને શાસ્ત્રીય સમજ દાખવી. વળી, કૃતિવિવેચના, સમીક્ષા-અવલોકનના ક્ષેત્રે એમણે ઘણું મોટું કામ કર્યું. આકરી છતાં સહૃદય પુસ્તકપરીક્ષા દ્વારાએમણે લેખકોમાં સાચી સાહિત્યદૃષ્ટિ વિકસાવી તેમ જ , ખાસ તો, વાચકોની સાહિત્યરુચિનું ઘડતર કર્યું. આ રુચિસંવર્ધનમાં પણ એમણે સાચી અને વ્યાપક સુધારકદૃષ્ટિ બલકે પ્રજાહિતદૃષ્ટિ દાખવી અને એ સમયે અતંદ્રપણે સાહિત્યકૃતિઓને અવલોકીને અર્વાચીન સાહિત્યના પહેલા યુગના અગ્રણી રખેવાળનું કર્તવ્ય બજાવ્યું.
– રમણ સોની