સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – નવલરામ પંડ્યા/ગુજરાતી પુસ્તકવૃદ્ધિ
ગુજરાતી ભાષામાં પુસ્તકો વિગેરેની વૃદ્ધિ ઉત્તરોત્તર થતી જોઈ અમને ઘણો સંતોષ થાય છે. કાં તો વાચક વર્ગ વધ્યો છે કે કાઠિયાવાડનાં રાજસ્થાનો તરફથી હવે વિદ્યાને આશ્રય મળવા લાગ્યો છે. આ બેમાં ગમે તે કારણ વિશેષ બળવત્તર હો, પણ એ બનાવ આખા પ્રાંતને ખરેખરો મુબારકબાદી જ આપવા જોગ છે, અગર જો એ વૃદ્ધિ રાજ્ય આશ્રયથી જ હોય, તો તે આપવામાં યોગ્યાયોગ્યતાનો વિવેક વખતે ન રહેવાથી ચીંથરીઆ લખાણ વધી પડવાનો પણ સંભવ રહે છે ખરો. પણ પાછલો ચાર વરસનો આપણાં પુસ્તકોની વૃદ્ધિનો ઇતિહાસ જોતાં રાજસ્થાનો તરફથી એ કામમાં કેટલોક વિવેક વપરાતો હોય એમ માલમ પડે છે. એ વૃદ્ધિ એ અરસા ઉપર છપાનીયાં કે ચીંથરીઆ ચોપડીઓથી શરૂ થઈ પણ હાલ જોઈએ છીએે તો માલમ પડે છે કે જે છપાનીયાં નમાલાં હતાં તે ઘણાંખરાં આપોઆપ જ સ્વાભાવિક મોતને આધીન થઈ ગયાં છે, અને ચીંથરીઆ ચોપડીઓ પણ હાલ થોડી જ નીકળે છે. એથી ઊલટું હાલ જે પુસ્તકો નીકળે છે તેમાંનાં ઘણાંક તો ખરેખરાં સારાં જ માલમ પડે છે. સારાં તે વિષયમાં, શૈલીમાં, કદમાં, અને છપાઈમાં પણ. હમણાં અમારી ટેબલ ઉપર ૨૮ પુસ્તકો ગયા પાંચ માસમાં જ ભેગાં થઈને પડેલાં છે તેમાંનાં ૧૦ તો દેખાવમાં ઇંગ્રેજી પુસ્તકો જેવાં છે, અને તેનું સરાસરી કદ આઠ પેજી ૩૦૦ પૃષ્ઠ કરતાં પણ વધારે થવા જાય છે. એમાંનાં ત્રણ તો લગભગ ૯૦૦ પૃષ્ઠનાં છે અને બીજાં ત્રણ સુંદર સોનેરી પૂઠાનાં છે. એ અઠાવીસે ચોપડીઓમાં એકે છેક નમાલી કહેવાય એમ નથી, અને લગભગ અર્ધોઅર્ધ તો તે પોતપોતાના વિષયમાં વખાણવા લાયક જ છે, જેમાંનું એક પણ દશ વર્ષ ઉપર પ્રગટ થયું હોત, તો અમે તેને બેશક નાના સરખા પણ છૂટા વિવેચનને જ જોગ ગણત. પણ હાલ તો પુસ્તકોની વૃદ્ધિ એટલી બધી છે કે તેની ટૂંક પહોંચ પણ લખવી મુશ્કેલ થઈ પડે છે. ગયા જૂન માસમાં અમે ૩૩ ચોપડીઓની માત્ર નામાવલિ જ આપી હતી, અને તેમાં વચન આપ્યા મુજબ અમે તેની ટૂંક નોંધ લઈ ચૂક્યા નથી એટલામાં હાલ બીજી ૨૮ વિવેચનને માટે રજૂ થઈ ચૂકી છે. ટૂંકામાં હાલ પુસ્તકોની વૃદ્ધિ એટલે દરજ્જે આવી પહોંચી છે કે હવે કોઈ મોટા ત્રૈમાસિક ‘વિવેચન’ની ખાસ જરૂર છે, અને તે તરફ અમે ગુજરાતી પંડિતોનું ખાસ ધ્યાન ખેંચીએ છીએ. હવે ગુજરાતી પ્રજાએ આશા રાખવી કે એ કામ ચાલુ માસિકોથી થઈ શકશે એ કેવળ મિથ્યા છે. ગ્રંથકારો ગમે એટલા ચીડવાય, પણ વર્તમાનપત્રોએ તો એ કામ ક્યારનું છોડી દીધું છે, અને તે એ કામને યોગ્ય પણ નથી. માસિકો હજી ઉપર ઉપરથી ગ્રંથાવલોકન કરે છે, પણ અમે તો કબૂલ કરીએ છીએે કે તે મન માનતું થતું નથી જ. વળી, હાલ કેટલાંક પુસ્તકો તો એવાં પ્રગટ થાય છે કે તે ખાસ વિસ્તીર્ણ વિવેચનને જ યોગ્ય છે – જેમકે મિ. ત્રિપાઠીકૃત સરસ્વતીચંદ્ર એ નવલવાર્તા જેવી સ્વબુદ્ધિજન્ય તેવી જ પંડિતાઈ ભરેલી, અને પંડિતાઈ ભરેલી તેટલી જ રસમય છે. ઇંગ્રેજી ભાષામાં લખાયેલી નામીચી નોવેલો સાથે એનો મુકાબલો કરી શકાય એમ છે, અને એ કરણઘેલો છે તે કરતાં પણ કેટલીક બાબતોમાં બહુ ચડિયાતી છે. અલબત્ત એમાં કેટલાક ગંભીર દોષો પણ છે, પરંતુ તેટલા માટે જ અમે કહીએ છીએે કે આવા પુસ્તકને ઘટતો ન્યાય મોટા ત્રૈમાસિક વિના કદી પણ આપી શકાય નહિ. તેમજ ‘બ્રહત્ કાવ્યદોહન’નાં જે બે મોટાં પુસ્તકો (આશરે નવસેં નવસેં પાનાંનાં) પ્રગટ થયાં છે તે અને હવે પછી બીજાં આઠ પ્રગટ થનાર છે, તેના જેવું ગુજરાતી ભાષાને બીજું અભિનંદનીય શું હોઈ શકે? જ્યાં સુધી આપણે આપણાં શિષ્ટકાવ્યો પ્રગટ કરી ચૂક્યા નથી, ત્યાં સુધી આપણામાં જે સાક્ષરત્વ કાંઈ દેખાય તે માત્ર વેળુની ભીંતના જેવું જ સમજવું. ‘શ્રી વિક્ટોરિયાનું જીવનચરિત્ર’ એક ખરેખરું ઉમદા પુસ્તક છે. એ જ કર્તાની ‘અરેબિયન નાઇટ્સ’ પણ એક ફક્કડ ભાષાંતર છે. ‘ઘરસત્તા’ એ બાઈ મહાલક્ષ્મીકૃત સ્માઈલના ‘સુલક્ષણ’ નામ ગ્રંથના એક પ્રકરણનું મહા સુબોધકારી ભાષાંતર છે, અને બીજા એના ગુણ ન ગણીએ તો પણ કર્તા સ્ત્રી છે. એ જ વિવેચક તરફથી સારો સત્કાર મળવાનું સબળ કારણ છે. ‘પ્રમાણ સહસ્રી’ એ એક મહાસ્તુત્ય ગ્રંથ છે, પણ એનું નામ સંભારતાં અમને ખેદ થાય છે, કેમ કે અમે એનું હોંસભેર કાંઈક વિવેચન કરવાનો વિચાર રાખતા હતા એ દરમ્યાન એના કર્તા શ્રી પ્રયાગજી ઠાકરશીએ આ ક્ષણભંગુર દેહનો ત્યાગ કર્યો છે. ‘વીરમંડલ’ બીજો ભાગ, ‘ઇંદ્રજિતવધ’ વગેરે બીજાં પણ કેટલાંક પુસ્તકો વિવેચન યોગ્ય છે, અને બનશે તો હવે પછી એમાંનાં કેટલાંક વિષે અમે બોલીશું, પરંતુ આ સ્થળે અમારે કહેવાનું છે તે એ કે આવાં આવાં અને આટલાં પુસ્તકોનું તોલન કરવાને માટે એક વાર્તિક જ હવે દેશમાં જરૂરનું થઈ રહ્યું છે. સારું વાર્તિક એ જેટલું વાચકને તેટલું જ લેખક વર્ગને પણ ઉપકારક છે. જ્યાં ઘણા ગ્રંથો થાય ત્યાં વાંચવા યોગ્ય કયા છે અને કોને આશ્રય આપવો જોઈએ એ જાણવાની ખરેખરી જરૂર પડે છે. અને તે ખોટ સારા ત્રૈમાસિક વિવેચકથી જ પૂરી પડે. તે ન હોય તો વાંચનાર ગૂંચવાડામાં પડે અને આશ્રય સ્વચ્છંદપણે અપાવાથી ટકે શેર ભાજી ને ટકે શેર ખાજા એમ સાક્ષરત્વ નગરીમાં થઈ જાય. તેમજ સારા વાર્તિક વિના ગ્રંથકારને પોતાની ખામીઓ માલમ પડતી નથી, અને તેથી તે જે ખોટી લઢણ પર ચડ્યો હોય છે તેને વળગી રહી પોતાની શૈલીમાં ઘટિત સુધારો કરી શકતો નથી. ‘સ્થાનિક સ્વરાજ્ય’, બનાવનાર રાવસાહેબ કેશવલાલ મોતીલાલ વકીલ તથા છપાવી પ્રસિદ્ધ કરનાર ગુજરાત વર્નાક્યુલર સોસાયટી. ‘સ્થાનિક રાજકીય સ્વસત્તા’, રચીને છપાવી પ્રસિદ્ધ કરનાર રાવસાહેબ મયારામ શંભુનાથ, પેન્શનર ડેપ્યુટી એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર. આ બંને પુસ્તકો એક જ વિષયના અને વર્નાક્યુલર સોસાયટીની માગણી ઉપરથી લખાયેલાં છે. આમ હોવાથી બંનેના પેટાવિભાગો લગભગ સરખા જ છે. બંનેના ગુણદોષ પણ એક જ વર્ગના છે. બંનેમાં સામાન્ય ભૂલ થયેલી એ માલમ પડે છે કે સ્વરાજ્યને પ્રજાસત્તાક રાજ્ય સાથે એકરૂપ અથવા તેનું પેટારૂપ જ ગણી નાંખ્યું છે. યોગાર્થ(Etymological meaning)ને જ વળગી રહીએ તો એમ ભાસ થાય ખરો પણ એનો રૂઢાર્થ કેવળ જુદો છે અને આ નિબંધોમાં તેનું જ કામ હતું, તે છતાં ‘સ્થાનિક સ્વરાજ્ય’ એ શબ્દ હાલ નવો જ ઘડાયેલો છે તેથી આવી ભૂલ થાય એમાં અમને કોઈ વિશેષ આશ્ચર્ય લાગતું નથી. રાજકાજના બે ભાગ પડી શકે છે – પાદશાહી અને સ્થાનિક. સમસ્ત દેશના રક્ષણ તથા હિતને સારુ જે કામો કરવાનાં હોય તે પાદશાહી; અને અમુક ગામ, તાલુકો, જિલ્લો કે પ્રાંતના હિતને સારું અને તેને જ લગતાં જે કામો તે સ્થાનિક. આવાં સ્થાનિક કામો તે સ્થાનના લોક પોતપોતાની મેળે જ ચલાવી લે, ત્યારે તે સ્થાનિક સ્વરાજ્ય કહેવાય છે, અને તે અર્થમાં જ હાલ આ શબ્દ આપણી ભાષામાં ચાલુ થયો છે. એ રીતે જોતાં રાવસાહેબ મયારામે ભરતખંડનો ઇતિહાસ આર્યો આવ્યા ત્યાંથી તે છેક મરાઠી રાજ્યના છેવટ સુધીનો બે સ્કંધમાં આપ્યો છે તે અમને કેવળ અસંબદ્ધ જ લાગે છે. અગર જો તે જાતે રસિક અને વાંચવા જોગ છે, તેમજ એ બંને પુસ્તકમાં મંત્રીમંડળો કેમ રાખવાં વિગેરે રાજધર્મને લગતાં જે સ્મૃતિકારોનાં વચનો ટાંકી વ્યાખ્યાન કર્યું છે તે પણ સ્થાનિક સ્વરાજ્યની સાથે કાંઈપણ સંબંધ ધરાવતું નથી, અગર જો તોપણ સુબોધદાયક તથા રસભર્યું તો છે જ. આ પ્રમાણે રાજધર્મ ઉપર ઊતરી પડવા કરતાં સ્થાનિક કામકાજ આપણા દેશમાં અસલથી જ લોકો પોતાની મેળે કરતા આવે છે એમ દેખાડવાની વધારે જરૂર હતી, અને આ બાબત ભાઈ કેશવલાલે કાંઈક ઠીક ઇશારા કર્યા છે. તોપણ હિંદુઓના ગ્રામમંડળ (Village communities) વિગેરે પુસ્તકોની સહાયતા લીધી હોત તો એ વાત એથી પણ વધારે નિર્વિવિવાદપણે પુરવાર થઈ શકત. ખરી વાત તો એ છે કે આપણા દેશમાં સ્થાનિક સ્વરાજ્ય બીજા કરતાં પણ એટલું બધું હતું કે આટલાં બધાં પરરાજ્યો થઈ ગયાં અને તે ઘણાં જુલમગાર હતાં, તોપણ દેશીઓને તે જુલમ ઘણો જણાયો નહિ, કેમકે પોતાને દરરોજના સંબંધનાં તમામ કામકાજો તો તેમના પોતાના જ સ્વાધીનમાં હતાં, અને એમ હોવાથી તે રાજ્યોના સામા થવાની ગ્રામમંડળોને જરૂર પડી નહિ. કાળે કરી જૂની સ્વરાજ્યની પદ્ધતિઓ ઇંગ્રેજ સરકારનું રાજ્ય થયું તે વેળા શિથિલાવસ્થાને પહોંચી હતી, અને પાછલાં સો દોઢસો વર્ષની અંધાધૂંધીથી લોકો એવા સાર્વજનિક બુદ્ધિ વિનાના, ટૂંકી નજરના, આપ આપનું જ જોનારા, તથા બીકણ ને કાયર થઈ ગયા હતા, કે તેમનાથી તે શિથિલ થઈ ગયેલી પદ્ધતિઓ પણ બરાબર ચાલી શકતી નહોતી. આ બધાં કારણોથી તે બંધ કરવામાં આવી, અને તેની લોકે કાંઈ પણ દરકાર રાખી હોય એમ જણાતું નથી. પરંતુ ઇંગ્રેજસરકારને ધીમે ધીમે માલમ પડવા લાગ્યું કે આવા મોટા રાજ્યનો વહીવટ લોકને કેટલેક દરજ્જે શામિલ રાખ્યા વિના જોઈએ તેવો ચાલવો એ શક્ય નથી, અને તેથી લોકને સ્વરાજ્યની સત્તા કેમ અને કેટલી આપવી તેનો વિચાર થવા લાગ્યો. અગાઉ લાર્ડ નોર્થબ્રુકે કાંઈક આરંભ કર્યો હતો, પણ સ્વરાજ્ય સત્તાનો મજબૂત પાયો નાંખવાનું માન લોકપ્રિય રિપન સાહેબને છે. એ સાહેબને હાથે તા. ૧૮મી મે સને ૧૮૮૨ને રોજ જે હિંદુસ્તાનની સરકારે મોટો ઠરાવ બહાર પાડ્યો તે જ હવે પછીના ઇતિહાસમાં લોકની સ્વરાજ્ય સત્તાનો મોટો પટો ગણાશે. આ ઠરાવની રૂએ છેવટ મુંબઈની સરકારે જે બે આક્ટ (સને ૧૮૮૪નો આક્ટ ૧લો તથા ૨જો) કાઢ્યા છે તેની સમજ આ બંને પુસ્તકમાં ઠીક આપી છે, પણ રાવસાહેબ કેશવલાલ વકીલે પરિશિષ્ટરૂપે તે મૂળ આકારમાં જ આપ્યા છે. તેથી એમની ચોપડી વધારે કિંમતી થઈ પડે છે. આ બંને પુસ્તકોનો મુકાબલો કરવા બેસીએ તો સોસાયટીના પેઠે અમારે પણ છેવટ પસંદગી ભાઈ કેશવલાલના જ પુસ્તકને આપવી જોઈએ. રાવસાહેબની ભાષા સારી અને શૈલી રસવાળી છે, પણ પ્રસ્તુત વિષયનો વિસ્તાર થોડો, અને કોઈક ઠેકાણે અનુચિત પણ છે. સરકારી વહીવટની સામા જોઈએ તે કરતાં વધારે સખ્તાઈથી લખવામાં આવ્યું છે, અને તે છતાં છેવટે લોકને તો તેમની યોગ્યતા માટે મોટું આમળા જેવડું મીડું જ મયારામભાઈએ આપ્યું છે. પોતે લખે છે કે “હજુ સુધી એ કામ લોકોથી કરાવવાનો સમય આવ્યો નથી. તે ક્યારે આવશે? તો તે વિષે કહેવું પ્રાપ્ત છે ને જ્યારે ઇંગ્રેજી ભાષા શીખવાની સ્કૂલો પ્રગણે પ્રગણે તથા કસ્બે કસ્બે થશે અને તે સસ્તે મૂલે મળશે અને તે કેળવણી પૂરી યુનિવર્સિટીની પ્રવેશક પરીક્ષામાં પાસ થવાય તેટલે સુધી મળશે; ત્યાર પછી ૭-૮ વરસે તે વિદ્યાની કેળવણી લીધેલા લોકો પોતાના ધંધામાં ૫ડશે, અનુભવ મેળવશે, તથા ખરું ખોટું સારાસાર સમજવા લાગશે, નિરિચ્છપણે કામ પોતાના દેશકલ્યાણાર્થે કરવાને મન કરશે; અને દેશકલ્યાણાર્થે તન મન ધનનો ખરચ કરવાની ઉત્કંઠા ધરશે; ત્યારે અને ત્યારે જ એ સમય આવશે.”!!! મયારામભાઈનું આમ થશે, આમ થશે, એ બધું નોંધતાં અમારાં આંગળાં પણ અકડાઈ ગયાં, અને સાર નીકળ્યો એ કે આ ભવમાં તો હિંદુલોકો સ્વરાજ્યને યોગ્ય મયારામભાઈની ગણતરીએ થવાના નથી જ! હોય, માણસ માણસના વિચાર છે, પણ એમાં અમને આશ્ચર્ય એટલું જ લાગે છે કે લોકો અયોગ્ય છે તો પછી સરકારી સત્તાથી જે કામો ચાલે છે અથવા ચાલતાં તેની સામા શું કામ હદ પર જઈને પોતાની કલમ ચલાવી હશે. સરકાર કે લોક કોઈએ તો એ કામ કરવાં જોઈએ જ. ‘પ્રમદા, અથવા ‘સદ્ગુણી વહુ’ આ નાનું પુસ્તક આવ્યું છે તો સત્યવક્તાની સાથે ભેટમાં જ, પણ એની વિશેષ પહોંચ આપવી એ અમને દુરસ્ત લાગે છે. આપણાંમાં ‘નવલ’(વાર્તાઓ)નો શોખ ઉત્પન્ન થયો છે, પણ હિંદુની આધુનિક સંસારસ્થિતિ દર્શાવનારી એક પણ સારી વાર્તા હજુ રચાઈ નથી. એ જોતાં અમે ‘સદ્ગુણી વહુ’ને દરેક હિંદુ ઘરમાં પધારવાનું પ્રેમપૂર્વક આમંત્રણ કરીએ છીએ. આ વાર્તા હિંદુ સંસારસ્થિતિનું એક ઉત્તમ, રસભર્યું અને આબેહૂબ ચિત્ર છે. એ પ્રથમ બંગાળીમાં કોઈ દેશી ગૃહસ્થે રચ્યું છે, અને તેનો ઇંગ્રેજીમાં તરજુમો પણ થયેલો છે. આ ગુજરાતી ભાષાંતર મૂળ બંગાળી ઉપરથી કે ઇંગ્રેજી આધારે કર્યું છે તે આ ચોપડીની પ્રસ્તાવના જોતાં સ્પષ્ટ સમજાતું નથી. તેમજ ભાષાંતરકર્તાનું નામ પણ આપ્યું નથી. એ બાબતો ગમે તેમ હો, પણ અમે તો કહીએ છીએ કે એ જાણે ભાષાંતર નહિ પણ ગુજરાતી ભાષાનો સ્વતંત્ર ગ્રંથ જ હોય એવું શુદ્ધ ને રૂઢ ભાષામાં લખાયેલું છે. એની સંકલનાદિક બાબતોનું જો બીજી ભાષાના સાહિત્ય ગ્રંથોને મુકાબલે તોલન કરવા બેસીએ તો એમાં ઘણુંક કહેવા જોગ છે, પણ આપણી ભાષાની સ્થિતિ જોતાં તો એ વાર્તા એક નમૂના લાયક અને જેવી સુબોધકારક તેવી એ રસમય છે. આ પ્રસંગે અમારા ગુજરાતીભાઈઓ જે ઇંગ્રેજી તો ભણી શકતા નથી, પણ વિદ્યાના હોંસ હોવાને લીધે કેટલોક ખાનગી અભ્યાસ કરવાને આતુર હોય છે, તેમને અમે બંગાળી ભાષા ભણવાની ભલામણ કરીએ છીએ. એની લિપિ એક જુદી છે એટલું જ. બાકી મરાઠીની પેઠે એ છ મહિનામાં બરાબર ભણી શકાય એવી ભાષા છે. અને હાલ આપણી સઘળી પ્રાકૃતોમાં એ ઘણી જ ખેડાયેલી છે. એમાંથી જેમ જ્ઞાન વધારવાનું તેમજ ભાષાંતર કરવાનું પણ ઘણું મળી આવશે. ભાઈ નારાયણ હેમચંદ્રના લખાણનું ઘણું જોર તે ઉપર જ આધાર રાખે છે, અને અમે ઇચ્છીએ છીએ કે બીજા પણ બંગાળનું વિદ્યાદ્રવ્ય ગુજરાતમાં આણતા થાય. ‘ગુજરાતી ભાષાની હાલની જોડણીની પદ્ધતિ વિશે વિચાર’ પચાસેક પૃષ્ઠનું ચોપાનિયું ભાઈ નરસિંહરાવ ભોળાનાથ બી.એ.નું રચેલું બુદ્ધિપ્રકાશના વધારા દાખલ મળ્યું તે વાંચી અમને અત્યંત આનંદ થયો છે. એ આનંદ અમને એમાંના બધા વિચાર સંમત છે એ માટે નહિ, પણ ગ્રંથકર્તાના અસાધારણ વિદ્યાબળ અને સાક્ષરત્વનો ઉત્સાહ જોઈને થયો છે. એ સ્વર્ગવાસી શ્રી ભોળાનાથભાઈના એક કુળદીપક ચિરંજીવી છે, અને બી. એ.ની પરીક્ષામાં પોતાના ખાસ વિષય દાખલ પણ (જે થોડા જ કરે છે) ઇંગ્રેજી અને સંસ્કૃત ભાષાઓ જ લીધી હતી. કુસુમમાળા જેની અમે નોંધ લીધી હતી તે જેમ એ ભાઈના રસિક પાંડિત્યનો તેમ આ એમના સઘન ભાષાશાસ્ત્રના અભ્યાસનો ઇષ્ટ પરિપાક જણાય છે. આ ચોપાનિયા ઉપરથી એ ભાઈએ વરરુચિ, હેમચંદ્ર આદિ પ્રાકૃત ભાષાના વ્યાકરણકારોનું પ્રેમપૂર્વક મનન કરેલું જણાય છે. અને બુદ્ધિનું વલણ પણ ભાષાશાસ્ત્રના ખોળ તરફ સારું જણાય છે. આ ચોપાનિયું એવું તો ભાષાશાસ્ત્રીયમય છે કે એની પ્રસ્તાવનામાં દહેશત રાખવામાં આવી છે – તેમજ અમને પણ લાગે કે ઘણા વાંચનારા તો તેનાં બે ચાર પાનાં વાંચી તે શુષ્ક જાણી પરિત્યાગ કરવાને પ્રવર્તમાન થવાના. તે છતાં વ્યુત્પત્તિ વિષયનો જેને શોખ હોય તેને અમે આ નાનો પણ અતિ ઉપયોગી ગ્રંથ વાંચવાની ખાસ ભલામણ કરીએ છીએ. ભાષા કાંઈક વધારે સરળ રાખી હોત તો સારું. શાસ્ત્રીય વિષયમાં અસાંકેતિક ભાષા ખાસ સરળ રાખવી એ એક અગત્યનું લેખકચાતુર્ય છે. આ તો લેખનસામર્થ્ય વિષે થયું. ગુજરાતી જોડણી સંબંધી આ તરુણ વિદ્વાનના વિચાર શા શા અને કેવા પ્રકારના છે તે આ નાની નોંધમાં દર્શાવી શકાતા નથી, પણ અત્રે એટલું જ કહીએ છીએ કે તે બધા ગંભીર અને કેટલેક અંશે ગ્રહણ કરવા જોગ પણ છે; પરંતુ તેનો ઘણોક ભાગ આપણી હાલની જોડણીને નવીજૂની જ કરી નાંખે એવો, અને વળી વધારે ખેદકારક તો એ છે કે તે ભાષાના પ્રાંતભેદનો ઝઘડો હાલ જે સમી ગયેલો છે તેને પાછો પૂર જોશમાં સઘળી તરફ જાગૃત કરે એવો છે. મળતી જોગવાઈએ જ અમે આ વિચારોનું વિવેચન કરવાનો ઇરાદો રાખીએ છીએ, પણ તે દરમ્યાન આ અંકમાં ‘ગુજરાતી ભાષાનું ઐક્ય’ એ મથાળા નીચે કેટલીક હકીકતો લખી છે તે આ તરુણ નિબંધકારને તેમજ બધાને હાલ વાંચી મૂકવાની વિનંતી કરીએ છીએ, કેમ કે આપણું ઐક્ય કોઈ પણ પ્રકારનું તૂટી માંહોમાંહે વિરોધ ન વધે એવા ધોરણ ઉપર જ અમે સઘળા સંસારવ્યવહારી સવાલોનો સિદ્ધાંત બાંધીએ છીએ, અને તેમાં જ અમારી સમજ પ્રમાણે છેવટે સિદ્ધિ રહેલી છે. એને પછી સંરક્ષક મત કહો કે સમાધાનીનો મત કહો. ‘અસ્તોદય તથા નળદમયંતી’ની ‘વર્ધિત શોધિત તૃતીયાવૃત્તિ’ તેના કર્તા તરફથી મળી તે પ્રેમપૂર્વક સ્વીકારીએ છીએ. આવા જાણીતા ગ્રંથકારની આવી જાણીતી ચોપડીને અમારી તરફના ઓળખાણની જરૂર નથી અને આ સ્થળે વિવેચન તો થઈ શકે નહિ. જાણે ગુજરાતી જોડણીના સંબંધમાં ઉચ્છેદક તરંગોનો જ કાંઈ હાલ ગ્રહયોગ આવ્યો હોય, તેમ આ પાકી વયના નામાંકિત ગ્રંથકારે પણ એક એવો વિચિત્ર જોડણીનિયમ આ વખતે સ્વીકાર્યો છે કે રા. રા. નરસિંહરાવની નવીન ભલામણોને પણ તે તત્કાળ ભુલાવી નાંખે છે. વાંચનાર માનશે કે પોતાના જન્મનામને પણ શુદ્ધ કરી ‘મનઃસુખરામ સૂર્યરામ’ લખનારે હવેથી ‘હું આવ્યો, તે આવ્યું’ વગેરે શબ્દોને ઠેકાણે ‘હું આવો, તે આવું’ જ લખવાનો હવેથી સંપ્રદાય પ્રસાર કર્યો છે? અમે માનીએ છીએ, કે આવો નવીન સંપ્રદાય કાઢવાનાં કોઈક સબળ કારણો એ આચાર્યના મનમાં હશે જ, અમે તેની કાંઈ અટકળ પણ કરી શકીએ છીએ, અને આવી દેખીતી અતિ અશુદ્ધ જોડણીને સંસ્કારી કરવા એવા વ્હોરાસાઈ લખાણની નીચે એક નુખ્તો મૂકવાની રીત એમણે દાખલ કરી છે, તોપણ આવો મોટો રૂઢિવિરોધ માત્ર હાસ્યાસ્પદ જ જગતમાં ગણાવાનો, અને તે અમારા આ મિત્રને હાથ થયેલો જોઈ અમને ઘણો ખેદ થયા વિના રહેતો નથી. ‘Common thoughts on serious subjects.’ ‘ગંભીર વિષયો પર સામાન્ય વિચાર’ એ નામનું સવાસો એક પૃષ્ઠનું અંગ્રેજી પુસ્તક આપણા પ્રાંતમાંની રાજકુમાર કૉલેજના જાણીતા પ્રિન્સિપલ ચેસ્ટર મેકનોટન સાહેબે બનાવી પ્રગટ કર્યું છે તેની એક પ્રત અમને મળી છે, તે માનપૂર્વક સ્વીકારતાં બે બોલ અત્રે લખવાની અમે જરૂર સમજીએ છીએ. એ પુસ્તકમાં જે વિષયો છપાયા છે તે પ્રથમ સિહોરના કુમાર રામસિંઘજી, જામનગરના રણજિતસિંઘજી, મૂંડેટીના શિવસિંઘજી, બગસરાના ગિગાવાલા, વળાના અખેરાજજી, જસદણના મનસુર ખાચર, સાયલાના મદારસિંઘજી, તથા વઢવાણના માધવસિંહજી, અને તદ્દ્વારા રાજકુમાર કૉલેજના તમામ વિદ્યાર્થીઓને દર અઠવાડિયે ખાનગી વખતમાં ભાષણ રૂપે કહેવામાં આવ્યા હતા. એ ભાષણનો હેતુ રાજકુમારોને સામાન્ય ધર્મનો બોધ કરવાનો હતો, અને એ હેતુ ઘણો જ સ્તુત્ય છે, કેમકે રાજાઓને વિદ્યાદિકના જ્ઞાન કરતાં પણ પોતાના કર્તવ્ય કર્મોનું બરાબર ભાન હોવું એ વિશેષે કરીને વધારે અગત્યનું છે. હાલ સાધારણ લોકોની કેળવણી પણ કેવળ સંસારી જ (secular) હોવાથી ઘણાં નુકસાન થાય છે એમ જોઈ કેટલાક સમજુ માણસો ધર્મયુક્ત (Religious) કેળવણીની વાંચ્છના કરવા લાગ્યા છે, તો જે કુંવરો હવે પછી રાજા થઈ લાખો જણનાં સુખદુઃખ ઉપર ભારે સત્તા ચલાવનારા થઈ પડવાના છે, તેની કેળવણીમાં તો ધર્મબોધની પ્રથમ જ જરૂર છે એની કોઈથી પણ ના કહી શકાય એમ નથી; અને અમે જોઈને અત્યંત રાજી થઈએ છીએ કે આપણા પ્રાંતની રાજકુમાર કૉલેજના આ ઉત્સાહી પ્રિન્સિપાલ ધર્મયુક્ત કેળવણી ઉપર બનતું ધ્યાન આપે છે. આવા પ્રયત્નો છતાં પણ જો તે નઠારા નીવડે તો તેમાં એ કૉલેજના શિક્ષણનો નહિ, પણ તેમની આસપાસ જે દુરાચરણી વાતાવરણ જન્મથી જ વીંટાઈ વળેલું છે તેનું તે પરિણામ સમજવું. આ પુસ્તકમાં જુદા જુદા ૧૮ વિષયો છે. તેમાં પહેલો ‘ઈશ્વરના સાન્નિધ્ય’ વિષે છે; અને તેમાં સારી રીતે દેખાડ્યું છે કે જો આપણાથી પ્રગટપણે હમેશાં સમજાયેલું જ રહે કે ઈશ્વર આપણી પાસે સાક્ષીરૂપ નિરંતર ઊભો ને ઊભો જ છે, તો આપણી કહેણી રહેણી સ્વાભાવિકપણે જ નિર્મળતાને પામે. બીજો વિષય ‘આસ્થા’ વિષે છે તેમાં કર્તાહર્તા શ્રી પરમેશ્વર ઉપર દૃઢ આસ્થા રાખવાનો બોધ કર્યો છે. ત્રીજામાં ‘પ્રાર્થના’નો વિષય છે. સચરાચર પરિબ્રહ્મને નિરંતર અનુભવવો એ પરાભક્તિ છે એમ દેખાડી વ્યવહારી પ્રાર્થનાના બે ભાગ પાડ્યા છે : એક માનસિક સુખને માટે અને બીજી શારીરિક સુખને માટે. શારીરિક સુખ ઈશ્વરે બાંધેલા અચળ નિયમોને વશ હોવાથી તે ઇશ્વર આપશે કે નહિ એ સંદેહભૂત ગણી આત્મશુદ્ધિની પ્રાર્થના ફળીભૂત થયા વિના રહેતી નથી એ બાબત સારો બોધ કર્યો છે. ચોથો વિષય ‘ફરજ’નો છે અને અમે ઇચ્છીએ છીએ કે જે આતુરતાથી અહીંયાં તે બાબત બોધ કરવામાં આવ્યો છે તેનો કાંઈ અંશ શ્રોતાઓના હૃદયમાં અખંડ નિવાસી થાય. પછીથી ‘કાયિક, વાચિક, ને માનસિક સત્ય,’ અને ‘આપણી કૉલેજ’ના વિષયો આવે છે તે પણ સારા છે. ‘શુદ્ધાચરણ’નો વિષય જુવાનોમાં જે દુર્ગુણનો સંભવ બહુ બળવત્તર છે તેનું ખંડન મર્યાદામાં રહી સારી રીતે કરે છે. ‘જેન્ટલમેન’ તે કોને કહેવાય એનું નિરાકરણ ઊંચ રસિકતાથી પંડિતાઈભર્યું કર્યું છે, અને તે જેટલું રાજકુમારોને તેટલું જ બીજા પણ ‘જેન્ટલમેન’ કહેવડાવતાને ગંભીરતાથી વાંચવાજોગ છે. ‘નાની ફરજોનું મહત્ત્વ’ એ વિષય ઘણો જ ઉપયોગી અને સુબોધકારક છે, કેમ કે ખરું જ છે કે મોટી ફરજો બજાવવાના પ્રસંગ તો ક્વચિત્ જ આવે છે, પણ નાની નાની ફરજોથી માણસ પ્રતિપળે ઘેરાયેલું છે. તે બજાવવામાં કાંઈ કાઠિન્ય કે ભારે આત્મનિગ્રહ રહેલો નથી, અને છતાં તેને નજીવી ધારી તે ઉપર દુર્લક્ષ કરવાથી જ જનમંડળમાં ઘણાં દુઃખ ઉત્પન્ન થાય છે. પછીથી ‘મૈત્રી,’ ‘આપણા પાડોશી સંબંધી રહેમથી વિચાર બાંધવા’, ‘મહારાણી શ્રી કૈસરહિંદ’, ‘જાનવરો ઉપર દયા’, ‘ખેતરનાં ફૂલો’, ‘રમત અને ઘર વિષયો’ પણ તેવી જ બોધક શૈલીથી લખાયેલા છે. છેવટે અમે ફરીથી ઇચ્છીએ છીએ કે ધર્મયુક્ત કેળવણી આપવાનો આ શુભ ઉદ્યોગ સુસાધનો પામી ફળિભૂત થાઓ, અને આપણા પ્રાંતના ભવિષ્યના રાજાઓ પોતાનાં કર્તવ્ય કર્મોમાં સમજતા થઈ આ દેશના જીર્ણોદ્ધારમાં પોતાના મહત્ત્વ પ્રમાણે ઉપયોગી નીવડવાનો વિરલો દિવસ ભરતખંડને દેખાડો! આ પુસ્તક ઇંગ્રેજી છતાં પણ એનું અમે કાંઈક વિવેચન કર્યું છે તેનું કારણ પણ એ જ કે એની અસર ગૂર્જર પ્રજાના લાખો મણસ સાથે અતલકનો સંબંધ ધરાવે છે, અને જો આપણો રાજાવર્ગ પોતાની ફરજો પોતાની પ્રજા અને દેશ તરફ સમજતો થાય તો દેશસુધારાનાં ઘણાં કાર્યો હાલ મધ્યમ વર્ગનાની વાણીમાં જ રહેલાં છે તે કૃતિરૂપે બહાર પડી ભરતખંડને પાછો તેજસ્વી કરે.
(૧૮૮૭)