સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – નવલરામ પંડ્યા/નાટકશાળા ને ગોપીચંદ નાટક

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૬. નાટકશાળા અને ગોપીચંદ નાટક

નાટકશાળા એ સુધારાની નિશાની છે. કાળિદાસાદિકનાં સર્વોત્તમ નાટકો સંસ્કૃતમાં છે એ જ તે કાળના આપણા સર્વોત્તમ સુધારાની અચૂક સાબિતીઓ ગણાય છે. વિદ્યાના ગ્રંથ તો તે બનાવનારની જ બુદ્ધિનો પુરાવો હોય, કાવ્યો પણ ગણ્યો ગાંઠ્યો અમુક વર્ગ જ સુધરેલો હતો તે કરતાં વધારે સિદ્ધ કરી શકતાં નથી. ચોપાનિયાં ને વર્તમાનપત્રોની વિદ્વત્તા પણ શું બતાવે છે? એ જ કે તેના વાંચનારાઓ એવી વાતો સમજવાને લાયક છે ખરા, પરંતુ આખો જનસમૂહ જ્ઞાન, વિચાર, તથા મનોવૃત્તિમાં કેવો છે તેની ખરેખરી આરસી તો નાટકશાળા જ છે, કેમ કે ત્યાં તો વાંચનાર ને ન વાંચનાર આખું આલમ વખતોવખત આવી જાય છે, અને તેથી તે બધાને ગમતાં, સમજાતાં, અને સરસ લાગતાં નાટકો જ ત્યાં ભજવવામાં આવે. માટે જે દેશનાં નાટકો સુઘડ, સુરસ, ને સૂક્ષ્મ વિચારથી ભરેલાં, તે દેશના લોક પણ સુઘડ, સુરસ, સૂક્ષ્મ વિચાર કરવાની સ્થિતિએ પહોંચેલા છે એમ જે માનવામાં આવે છે તે સામાન્યપણે વાજબી જ છે. એ જ કારણથી નાટકશાળા એ સર્વોત્તમ શિક્ષાગુરુ ગણાય છે. પાઠશાળા કે પુસ્તકશાળાથી પણ એની સત્તાને પહોંચી શકાતું નથી. લોકના જ્ઞાન, નીતિ, ને વિચાર ઉપર નાટકશાળાને દ્વારે જેટલી અસર કરી શકાય છે તેટલી કોઈ પણ બીજે રસ્તે કરવી એ અશક્ય જ છે. એક ઇંગ્રેજી વિદ્વાન કહી ગયો છે કે મારા હાથમાં કોઈ પણ દેશનાં ગીત બનાવવાનું કામ આપો, ને પછી તેની ઉન્નતિને માટે ત્યાંના કાયદા બાંધનારા કેવું ડહાપણ કે મૂર્ખાઈ વાપરે છે તેની હું જરા પણ પરવાહ રાખીશ નહિ. આપણે આપણા દેશના ખુદ અનુભવ ઉપરથી જાણીએ છીએ કે જ્યાં સુધી આપણા ભાટ ચારણો ભાટાઈ કરનારા નીચ અભાગિયા થઈ ગયા નહોતા, ત્યાં સુધી તે આપણો શૂરાતનનો કાંટો મદોન્મત્ત વિદેશી વિજયીઓની સામા પણ કેટલો ઊંચો રાખવાને શક્તિમાન થયા હતા – એટલો ઊંચો કે તેના ગુણગાનમાં જ રાજસ્થાનનો ઇતિહાસકર્તા ટોડસાહેબ પાનેપાને ગુલતાન થઈ ગયેલો માલમ પડે છે. તેમજ જારભક્તિનાં ગીતોએ દેશની કેટલી ખરાબી કરી છે તે કોઈને અજાણ્યું નથી. ટૂંકામાં, ગીતકાવ્યની અસર સારી કે નઠારી બેહદ જ છે. તે છતાં ગીત દેશમાં એકવાર ફેલાય ત્યાર પછી જ એવી અસર કરી શકે. પણ નાટકશાળા તો જનસમૂહની વચ્ચે જ સાદ કરતી ઊભી રહે છે, ને તેનો મનોહર સાદ સાંભળી લોકો દોડ્યા આવે છે. આખા દેશની મનોવૃત્તિને નાટકશાળા જે માર્ગે વાળવા ચાહે, તે માર્ગે વાળી શકે. નાટકશાળાનો બોધ સારો કે નઠારો માણસના મનમાં ચોંટી બેસે છે તેવો તેને કોઈનો પણ બેસતો નથી. નાટકના તખ્તા ઉપર સીતાશીલનું સાક્ષાત્‌ અનુકરણ જોનારના મન ઉપર પતિવ્રતાધર્મની જેટલી છાપ પાડે તેટલી કોઈ પણ કથાપુરાણથી પાડી શકાતી નથી. રાવણવધ જોઈ જુલમગાર રાજાને જેટલી ચાનક મળે તેટલી બીજે કયે માર્ગે મળવાની હતી? શકુંતલાનો એક ખેલ સ્વયંવરનો જેટલો બંધ કરે તેટલો કરોડો નિબંધોથી પણ થઈ શકે નહિ. પ્રજામતને અનુસરવું એના જેવો રાજાનો બીજો કોઈ પણ ધર્મ નથી એ વાત ભવભૂતિએ સીતાપરિત્યાગના સંબંધમાં કેવી સરસ રીતે ઉત્તરરામચરિતમાં પ્રબોધી છે! અલબત્ત નાટકો તેવી રીતે ઉસ્તાદોના હાથથી લખાયેલાં જોઈએ જ, અને તેમ થાય એ હેતુથી તો અમે આ વિષય હાથમાં લીધો છે, પણ કહેવાની મતલબ એ છે કે દેશમાં સુબોધ કે કુબોધ ફેલાવવાનું નાટકશાળા જેવું એકે સાધન નથી. દેશને સુરસિક શૂરવીર, કે ફુઅડ, ને બાયલો કરવો, એ નાટકશાળાના વ્યંગ્ય પણ સફળતમ્‌ બોધની ઉપર જ બહુધા આધાર રાખે છે. નાટકશાળા એ સુધારા, કે કુધારાનું એક મહા જબરદસ્ત હથિયાર છે અને વિચારવંત સુધારકો હમેશાં તેને પોતાના પક્ષમાં લેવા કદી ચૂકતા નથી. અમારો હેતુ એમ નથી કે નાટકો બોધપ્રાધાન્ય હોવાં જોઈએ. નાટક લખનારે બોધ કરવા ઉપર લક્ષ રાખવું જોઈએ એમ પણ અમે કહેતા નથી. અમારા વિચારમાં તો બોધ કરવો છે એ વાત જ તે ભૂલી જાય તો સૌથી સારું છે. જેમ શ્રોતા ઉપર મારે અસર કરવી છે એમ ધારી જે ભાષણ આપે છે, તે કદી પણ અસર કરનારો વક્તા થઈ શકતો નથી તેમજ બોધ ઉપર નજર રાખનારાં નાટકો તો નકામાં ટાહેલાં જ સમજવાં કે જે ધોબીના કૂતરાંની પેઠે નહિ ગામનાં કે નહિ ઘાટનાં. એવાં ટાહેલાં તો હાલ બહુયે લખાય છે, તે કાવ્યનાટકે તો પોતાનો સ્વધર્મ જ છોડ્યો, અને તેમ થયું એટલે તે કશા કામનું રહ્યું નહિ. સુબોધ એ સારા નાટકનું સ્વાભાવિક ફળ છે, પણ તેનો ઉદ્દેશ નથી. શુદ્ધ ને ઊંચા રસમાં સ્વાભાવિકપણે જ સારો બોધ સમાયેલો છે, પણ તે બોધનરૂપે નહિ, અને બોધનરૂપે નથી તે માટે જ તે વધારે અસર કરે છે. જેમ કહેણી કરતાં રહેણી જ ખરેખરી બધાને સુબોધદાયક ગણાય છે, તેમ સરસ નાટકનાં પાત્રો ભાષણો આપીને નહિ પણ પોતાનાં મહાન આચરણોથી જ સુનીતિનો બોધ રામબાણ રીતે કરે છે. આ કારણથી વ્યવહારમાં તો સારાં નાટકોથી રસ ને સુબોધ બંને મળે છે જ. રસ એ જ કાવ્ય નાટકોનો ઉદ્દેશ છે એમ કહેવું એ માત્ર રસશાસ્ત્રની સાંકેતિક જ કોટિ છે. પરંતુ એ કોટિને અહિયાં છેડવાની જરૂર એટલા માટે પડી છે કે હાલ સુધારકોમાં થોડાક ટાહેલાંપક્ષી નીકળ્યા છે તે નીતિનાં ભાષણો જ કાવ્યનાટકમાં જોઈને રાજી થાય છે, અને તેની પેઠે અમે પણ એવાં ટાહેલાં જ માગતા હઈશું એમ સમજી, રસિકમંડળ, (કે જેનો જ આ વિષયની સાથે ખાસ ઇલાકો છે) તે અમારી આ દેશોપયોગી સલાહને મોં મચડી કાને જ ધરે નહિ એવી અમને દહેશત રહેતી હતી. અમે પણ કાવ્યનાટકોને રસમય, ને રસોદ્દેશી જ જોવાને ઇછીએ છીએ. અને તેવાં નથી તેથી જ ભારે ખરાબી થાય છે એ અમારે આ ઠેકાણે ફરિયાદ કરવાની છે. નાટકશાળાઓની સામા ફરિયાદ કાંઈ આજકાલની નથી. મુંબઈનાં વર્તમાનપત્રો બૂમ પાડી પાડીને થાકી ગયાં, અને હવે તો સભ્ય ગૃહસ્થોએ ત્યાં જવું જ ઘણું કરીને માંડી વાળ્યું છે તોપણ નાટકશાળાઓ ન સુધરતાં ઊલટી બગડતી જ જાય છે. છેલ્લાં આઠ દશ વર્ષથી તો આ ચેપ ગુજરાતને લાગી ત્યાં પણ એનો ફેલાવો બહુ જ થયો છે. જ્યાં જોઈએ ત્યાં પથરાબોધક ને રાખબોધક એવાં ખોટાં ખોટાં ઠગાઈ ભરેલાં નામો ધારણ કરી દેશની નીતિરીતિમાં કેવળ બગાડો કરતી જ (કોણ જાણે ક્યાંથી ઉત્પન્ન થઈ) અજ્ઞાન ને અણઘડ નાટકમંડળીઓ ભિખારીનાં ટોળાંની પેઠે ગામેગામ રવડતી માલમ પડે છે. એ એ ટોળીઓ થોડી હતી ત્યાં સુધી તો કાંઈ સારું લાગતું, પણ હવે તો મુંબાઈની પેઠે જ અહીંયાં પણ છોકરાઓ ભણવુંગણવું છોડી જ્યાં જઈએ ત્યાં નાટકના બિભત્સ રાગડા જ કાઢતાં જોવામાં આવે છે. કેટલાક તો એની પછાડી નીકળી પણ જાય છે. આ રીતે ચોતરફ ગુજરાતમાં પોકાર ઊઠી રહ્યો છે, તો પણ એનો ખરો ઉપાય કોઈને સૂઝતો નથી. માત્ર પોકારથી કાંઈ પણ ફાયદો થવાનો નથી, તેમજ સારા માણસો કંટાળી એવાં નાટકો જોવા જવાનું જ છોડી દેવા લાગ્યા છે તેથી પણ તેનું જોર કાંઈ ઓછું થઈ જાય એમ અમને લાગતું નથી. એથી તો ઊલટું ફળ એ થાય છે, કે સભ્ય માણસોને જોઈ પહેલાં જે કાંઈ સંકોચ પડતો હતો તે દૂર થઈ નાટકોમાં મૂર્ખાઈ ને અસભ્યતા વધતી જાય છે. માટે સમજુ ને શાણા માણસની તો ફરજ એ છે, કે નાટકો જોવા જઈ તેની જે ખોડખાંપણો માલમ પડે તે જાહેરમાં મૂકવી. આપણાં ગુજરાતી વર્તમાનપત્રોને માલમ નથી, પણ વિલાયતમાં તો તેઓ પોતાનું એક એ કામ જ સમજે છે કે આગલી રાત્રે જે નાટક થયું હોય તેને વિષે બીજે દહાડે પોતાના વિચાર પ્રગટ કરવા. આમ કર્યા વિના બિચારા નાટકવાળા પોતાના ગુણદોષ શી રીતે જાણે, અને ન જાણે તો પછી પોતપોતાને ઊંધે રસ્તે જ ચાલ્યા જાવ તેમાં નવાઈ શી? વર્તમાનપત્રોએ જ નહિ, પણ ખાનગી ગૃહસ્થોએ પોતાના મિત્રમંડળમાં નાટક કેવી રીતે ભજવાયેલું તેની ચર્ચા કરવી જોઈએ, જેથી સુધરેલું લોકમત બંધાય. અને સુઘડ લોકમત બંધાયા પછી નાટક ટોળીઓની તાકાત નથી કે તેઓ હાલના જેવાં ઢંગ કે ઢાળ વિનાના નઠારાં નાટકો તખ્તા ઉપર આણવાની હિંમત કરે. હાલ નઠારાં નાટકો થાય છે તેનો દોષ તો અમે નાટક ટોળીઓ કરતાં નઠારા લોકમતને જ આપીએ છીએ. સભ્ય ગૃહસ્થો કંટાળીને કે ગમે તે કારણથી તેને પૂરું ઉત્તેજન આપતા નથી, અને તેથી તેનો મોટો આધાર નીચવર્ગના લોકને જ રાજી કરવા ઉપર રહેલો છે. જો એ નાદાન શ્રોતા વિદૂષકનું મૂર્ખાઈ કે બેહાઈભર્યું બટકબોલું સાંભળીને જ રાજી થઈ તાબોટા પાડતા દેખાય, તો સ્વભાવિક જ છે કે નાટકમંડળીઓ એવું બટકબોલું જ આખા નાટકમાં આણવાના. જો જોનારાને દાદરા ઠુમરી કે ખ્યાલ ટપ્પાજ કે ગઝલ રેખ્તા પર વિશેષ ભાવ હોય છે, તો નાટકમાંના રાજા ને બુઢ્‌ઢા પંડિતો પણ ઠોલીયા બની ભરસભામાં કાને હાથ દઈ રાગોટા જ કાઢવા મંડી જાય છે. જો એવા લોકને બિભત્સ વાતના ઇશારા ગમે છે, તો સભ્યનાટક મંડળી પણ તજવીજે તજવીજે તેમજ કરવા દોરાવાની ને દોરાય છે જ, અરે! અમને તો દહેશત લાગે છે કે જો આ નાટકનું વલણ સુમાર્ગે વાળવામાં વેળાસર નહિ આવે, તો તે બગડીને જતે દહાડે ભવાઈના જેવાં જ થઈ જશે. આવી હાલ આપણી નાટકશાળાઓની સ્થિતિ આખા ગુજરાત ખાતે છે, અને તેને સુધારવાનો ખરો ઉપાય એ જ છે કે તેનું વિવેચન, નિરંતર વિવેચન, ખરા રસિક પુરુષોની તરફથી થવું જોઈએ. નાટકનો શોખ એક વાર લોકમાં ઉત્પન્ન થયો છે તે જતો રહેવાનો નથી, અને નાટકટોળીઓ ગમે એવી છે પણ તે દિન પર દિન વધતી જ જવાની એ નિશ્ચય કરીને જાણવું માટે એને સુધારવી, સુમાર્ગે વાળવી, અને લોકની આંખ આગળ શુદ્ધ ને ઊંચા રસનાં નાટકો મૂકવાં કે સ્વાભાવિક રીતે જ તેઓ તેને પસંદ કરશે. અને હાલના કચરા કે ટાહેલાંને ધિક્કારતા શીખે. બાળકના હાથમાંથી જોખમકારી રમકડું લઈ લેવું હોય, તો તેનો સર્વોત્તમ ઉપાય એ જ છે કે બીજું રમકડું નિર્દોષ પણ તેથી એ રઢિયાળું તેની આગળ ધરવું. તેમ ન કરતાં ખેંચતાણ કરવા જઈએ, તો બેમાંથી એકનો હાથ કપાય એ જ ફળ થાય. અર્થાત્‌ નઠારાં નાટકને કાઢવાનો ઉપાય એ જ છે, કે સારાં નાટકને ઓળખી તેને ઉત્તેજન આપવું. અને તેના જે દોષ હોય તે વિવેકથી બતાવવા. ગોપીચંદ નાટકનો વિષય તો ક્યાંનો ક્યાં રહ્યો, અને અમે તો નાટકશાળાના નિરાળા વિષય ઉપર જ બહુ ઊતરી પડ્યા એમ કોઈને લાગશે ખરું, પણ આ વિવેચન આરંભવા પહેલાં તેમ કરવાની જરૂર હતી. આ નાટક અમારા હાથમાં આવ્યું ત્યારે પ્રથમ વાંચીને તો એમાં કાંઈ ઝાઝો માલ નથી એમ કહી તેની એક સાધારણ નોંધ લેવાનો જ ઠરાવ કર્યો, પણ તેમ કરવા જતાં અમારા મનમાં ઉપલા વિચારો એક પછી એક ઊઠતા ગયા, અને છેવટે અમને લાગ્યું કે આવા ભજવાતા નાટકનું તો વિસ્તારથી વિવેચન કરવું એ અમારી હાલને સમે ખાસ ફરજ છે. નાટક બે પ્રકારનાં કહેવાય છે : વાંચવાનાં, અને ભજવી બતાવવાનાં. એમાં ભજવી બતાવવાનાં તે જ નાટક ખરાં, અને ઉપર જે નાટકનું બળ વર્ણવ્યું તે એવાં જ નાટકોનું સમજવું. વાંચવાનાં નાટક તો ફક્ત બીજાં પુસ્તક જેવાં છે, અને તેની અસર ટૂંકી હદમાં જ રોકાઈ રહે છે. આપણી ભાષામાં વિદ્વાનોએ કેટલાંક નાટક લખ્યાં છે, પણ તે માત્ર વાંચવા લાયક છે. કેટલાંક વર્ષ ઉપર સુરતની કોઈ નાટક મંડળીએ ‘ભટનું ભોપાળું’ કેટલીક વાર ભજવી બતાવ્યું હતું, અને ‘લલિતા દુઃખદર્શક’ કેટલાક ફેરફારની સાથે કોઈ કોઈ વખત નાટકના તખ્તા ઉપર આવ્યા કરે છે ખરું. પણ તે સિવાય એમાંનું કોઈ પણ બીજું નાટક ભજવવાને પ્રયત્ન થયો એમ અમારા જાણ્યામાં નથી. ભજવાતાં નાટક તો હાલ આપણા દેશમાં કાંઈ ઓર જ પ્રકારનાં છે. ઘણીક નાટકમંડળીઓ પાસે તો લખેલાં નાટક જ હોતાં નથી પણ કથાભાગ યાદ રાખી પાત્રો, પોતાની જેમ મરજીમાં આવે તેમ તે પ્રસંગાનુસાર બોલી લે છે. આવા બિનતૈયારીના બકબકાટમાં તે કાંઈ પણ ભલીવાર શી રીતે હોઈ શકે? કેટલીક મંડળીઓ પાસે પદ્યબંધ આખ્યાનો હોય છે. તે આખ્યાન સૂત્રધાર ગાઈ બતાવે છે ત્યારે પાત્રોને શું બોલવું તેની ખબર પડે છે. આના જેવું તો અસ્વાભાવિક કે હસવા જેવું એકે નથી. સૂત્રધાર રાગડો કાઢી રહે, કે તેનો ભાવાર્થ અભણ પાત્રથી જેમ સમજાય તેમ ભાંગી તૂટી ભાષામાં બોલે, અને તેમાં છેવટે અગત્યનો પ્રશ્ન પૂછ્યો હોય કે જેનો જવાબ સામા પાત્રે જુસ્સાથી તત્કાળ જ દેવો જોઈએ એમ હોય, તો પણ તે બિચારું સામું પાત્ર મોં વકાસીને ઊભું જ રહે છે. અને શો જવાબ દેવો તે સૂત્રધાર તાનમાનથી રાગ ધુમાવતો દોઢ પહોરે ગાઈ રહે છે, ત્યારે જ તેને માલમ પડે છે, આ તો દૃશ્ય કાવ્ય નહિ, પણ શ્રાવ્ય કાવ્ય જ થયું. એવા નાટક કરતાં તો પડદા બડદા આઘા ફેંકી દેવાડી એકલા સૂત્રધારને જ સામો બેસાડી બધું આખ્યાન ગવડાવ્યું હોય, તો વધારે રસ પડે, અને તે બિચારા સૂત્રધારને પણ પોતાનું સંગીતચાતુર્ય દેખાડવાનું બરાબર બની આવે. આ રીત પ્રથમ દક્ષિણીઓએ હાલનાં નાટક ઊભાં કર્યાં ત્યારે અજ્ઞાન ને આળસુ પાત્રોથી પાઠ તૈયાર થઈ શકે નહિ એમ ધારી દાખલ કરી હતી, પણ પાછળથી તેમને માલમ પડ્યું કે દરેકે પોતપોતાનો થોડો પાઠ તૈયાર કરવો એ અજાણ્યાને જેવું લાગે છે તેવું કાંઈ અઘરું કામ નથી. હાલ પૂનાની સારી નાટક મંડળીઓએ અણઘડપણાની રીત ઘણા વખતથી છોડી દીધી છે, અને સંસ્કૃત કે ઇંગ્રેજી પદ્ધતિ પ્રમાણે જ નાટક કર્યા જાય છે. ગુજરાતીઓએ પણ હવે તો તેમ કરવું જ ઘટે છે. થોડીક આપણી મંડળીઓ પાસે લખેલાં નાટક હોય છે ખરાં, અને તે પ્રમાણે ભજવવાને પાત્રો તો પોતાની તરફથી બનતી મહેનત પણ કરે છે, પરંતુ તેમાં બધો દોષ નાટક લખનારનો જ હોય છે. એ નાટકો એવી તો અણઘડ રીતે લખાયેલાં હોય છે કે જેણે તે જોયાં નથી તેને તેનો વિચાર પણ આવવો મુશ્કેલ પડશે. આ નાટકો ઘણું કરીને છપાતાં નથી, અને તેથી તે વાંચનારી આલમની નજરે ક્વચિત્‌ જ પડે છે. એમાંનાં કોઈ છપાય છે, પણ તેના બનાવનારની જ હિંમત કોઈ વર્તમાનપત્ર કે ચોપાનિયા ઉપર અભિપ્રાયને માટે મોકલવાની થતી નથી. બેચાર વર્ષ ઉપર એવું એક ચીંથરું અમારી ઉપર આવ્યું હતું, પણ તેણે અમારી ઉપર મોકલવાની હિંમત ચલાવી તે ઉપરથી જ અમે અટકળ બાંધી હતી, કે એ ભજવાતું નહિ પણ ભજવાતાં નાટકો જોઈ કોઈ જુવાનિયાએ બનાવેલું નાટક હશે. એવાં બીજાં પણ હાલની નઠારી નાટકશાળાનાં નકલી નઠારાં નાટકો હાલ ઘણાં છપાય છે. અને તે ઉપરથી જણાય છે કે નાટકશાળાના દોષ શુદ્ધ પુસ્તકવર્ગમાં પણ પેસવા માંડ્યા છે. ભજવાતું નાટક તેના બનાવનાર તરફથી તો અમને આ પહેલવહેલું જ મળે છે, અને તેથી તેનું વિવેચન અમારે કાંઈક વિસ્તારથી જ કરવું જોઈએ. અલબત્ત એનું વિવેચન બીજાં પુસ્તકોનું જેવા માપથી કરીએ છીએ તેવા માપે કરવું એ વાજબી કહેવાય નહિ. હાલ ભજવાતાં નાટકોના ગુણદોષ તો ઉપર કહેલી નાટકશાળાની સ્થિતિનો વિચાર કરી રહેમ નજરથી જ બતાવવા જોઈએ, કેમ કે એવાં નાટકો વિવેચક કે વિદ્વાન વર્ગને નહિ, પણ સામાન્ય શ્રોતાજનોને પ્રસન્ન કરવાને અર્થે જ લખાયેલાં છે. ઉપર અમે વર્તમાનપત્રોને દરેક ખેલની નોંધ લેવા ભલામણ કરી છે ત્યાં તેણે પણ હાલ આવી રહેમ નજરથી જ વર્તવું જોઈએ એમ અમારો અભિપ્રાય છે.

૧૮૮૪