સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – નવલરામ પંડ્યા/મહેતાજી દુર્ગારામ મંછારામનું ચરિત્ર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૮. મહેતાજી દુર્ગારામ મંછારામનું ચરિત્ર
[મહીપતરામ રૂપરામ નીલકંઠ]

આ વીર પુરુષનું નામ ગુજરાતના આ છેડાથી પેલા છેડા સુધી સઘળે પ્રસિદ્ધ છે. મહેતાજી કહીએ એટલે હજી પણ દુર્ગારામ જ સમજાય છે. આ કીર્તિ અધિકાર સંપત્તિ કે કુળને બળે નહિ, પણ પોતાની બુદ્ધિ, ખંત ને હિંમતને બળે જ મેળવી હતી. દુર્ગારામ તો ઘણા વખત સુધી સુરતમાં માત્ર એક ગુજરાતી નિશાળના જ મહેતાજી હતા, પણ તે દરમ્યાન એમની કીર્તિ સઘળે પ્રસરી ગઈ હતી, અને હાલ મોટા દેશી અમલદારો પણ માન નથી પામતા તેટલું એને મળતું હતું. ખરું કહીએ તો એના નામનો દેશમાં ડંકો જ વાગી રહ્યો હતો, અને એનું નામ સાંભળી વહેમ તથા જુલમ થરથર કાંપતા હતા. એણે જ ગુજરાતમાં પહેલ વહેલો સુધારાનો પોકાર ઉઠાવ્યો અને તે એવી સઘન વાણીથી કે સઘળાને એકદમ જાણ થઈ કે દેશમાં જ્ઞાનનો સૂર્ય ઊગવાની તૈયારી છે. એના અવાજે આખા પ્રાંતને ઘણા યુગની ભરનિદ્રામાંથી ચોંકાવ્યો અને તે બાવરું બાવરું જોવા લાગ્યો કે આ શું છે. એનું કહેવું નવું ઘણું જ નવું, વિપરીત લાગ્યું. પણ એમાં સત્ય છે એમ સઘળાને દેખાયું, કેમ કે હાલ સુધારા ને કુધારા વચ્ચે જેવું ઘાડું, મમતી, નિરાશાનું વેર ચાલે છે તેવું તે વેળા ઊભું થયું નહોતું. બંને પક્ષવાળા તે વખત આશા રાખતા હતા કે વાદવિવાદથી કાંઈ સમાધાની ઉપર આવીશું. આખા ગુજરાતમાં તે વેળા એક તરફ મહેતાજી અને બીજી તરફ નાનાં મોટાં સઘળાં હતાં. સઘળા સાથે મહેતાજી નીડરપણે ભરોસાથી સુધારાની વાતો કરતા; અને લોકોને તે રુચતી નહિ તોપણ એકાગ્ર ચિત્તે સાંભળતા તથા એના ખરાપણાને માન આપતા. પાછળથી મહેતાજીની કીર્તિ કાંઈક ઝાંખી પડી હશે. તોપણ મૂઆ ત્યાં સુધી તે ગુજરાતી સુધારાના મૂળ પુરુષ અને દેશના ખરા મિત્ર ગણાતા હતા. આવા પુરુષોનાં ચરિત્ર લખવાં જ જોઈએ. એવા પુરુષો કાંઈ ઘડીએ ઘડીએ જોવામાં આવતા નથી. તેઓ તો પુરુષત્વના નમૂના છે, અને કુદરત એવા નમૂના પ્રસંગે પ્રસંગે જ માણસોને નકલ કરવા સારુ તેમની આગળ મૂકે છે. તેઓનાં મહત્કૃત્યો તથા ઊંચા મનોભાવ જાણ્યાથી માણસ પોતાનાં ઊંચાં કર્તવ્યો સમજે છે. આપણા દેશમાં જન્મ ચરિત્રો લખવાની રીત ન હોવાથી આપણને ઘણું નુકસાન થાય છે. લોકોને સારા નમૂના માલમ પડતા નથી, અને તેથી પોતાની ક્ષુદ્ર બુદ્ધિને અનુસરી ક્ષુદ્રગતિ જ કર્યા જાય છે. જ્યારે મહત્કર્મનાં દૃષ્ટાંત આપવાં હોય છે ત્યારે ઘણી વાર આપણને પેલે છેડેના ઠેઠ યુરોપખંડમાં તે ખોળવા જવું પડે છે, કેમ કે આપણા દેશનાં જોઈએ તેવાં ઐતિહાસિક ઉદાહરણો મળતાં નથી. એનું મુખ્ય કારણ તો એ છે કે આપણામાં વાસ્તવિક ચરિત્રો લખવાનો ધારો નથી; અને તેથી મહાપુરુષો હોય છે ત્યાં સુધી જ તેના દાખલાનો લાભ મળે છે અને પછીથી તે જન્મ્યા જ ન હોય તે પ્રમાણે તે મળતો બંધ પડે છે. અથવા કોઈ વખતે તે મહત્ત્વમાં આપણી પતિત પ્રજાને પોતાની શક્તિની બહાર જ એટલે દરજ્જે લાગે છે કે તેને અલૌકિક ગણે છે, અલૌકિક ગણતાં અદ્‌ભુત કથાઓ તેમાં ઉમેરે છે અને એ પ્રમાણે તેને સંપૂર્ણ અદ્‌ભુત રૂપ આપી પૂજવા મંડે છે. પણ તેઓ નકલ કરવા જોગ પુરુષ થઈ ગયા છે એ વાત તો તેમની કલ્પનાથી પણ દૂર રહે છે. આથી લાભમાં એ જ થાય છે કે પતિતપણું વધે છે. આપણા દેશની કરુણામય સ્થિતિનું આ પણ એક કારણ છે, અને તેથી મહાપુરુષોનાં મહત્કૃત્યો મનુષ્ય ભાવે વર્ણાવાની, એટલે, સ્વાભાવિક જીવનચરિત્રો લખાવાની હાલને સમયે બહુ જ જરૂર છે. અમારો આવો વિચાર હોવાને લીધે રાવસાહેબ મહીપતરામ રૂપરામે આ વિષયને મથાળે લખેલાં પ્રતાપી પુરુષના ચરિત્રનો પહેલો ભાગ છપાવી પ્રસિદ્ધ કર્યો છે. તે જોઈને અમે ઘણા રાજી થયા છીએ, ગયે વર્ષે અમે એ જ ચરિત્રનિરૂપકના બનાવેલા કરસનદાસ જીવનનું વિવેચન હર્ષથી કર્યું હતું. અને એટલી મુદતમાં એવો જ બીજો વિષય એ ભાઈએ લખીને બહાર પાડ્યો એ એમની સુધારકોના ચરિત્રનિરૂપણ વિષે કેટલી કાળજી છે તે સારી પેઠે સાબિત કરે છે. આ પ્રથમ ભાગમાં મહેતાજી ૩૫ વર્ષના થયા ત્યાં સુધીનું બયાન સમાયું છે. પ્રસ્તાવનામાં લખે છે તે પ્રમાણે આ ભાગમાં ચરિત્ર નિરૂપકનું લખાણ તો માત્ર વીસેક જ પાનાં છે. અને બાકીનાં આશરે દોઢસો પાનાંમાં તો ખુદ મહેતાજીનું જ લખાણ છે. એ લખાણ ઘણું જ ઉપયોગી અને મનન કરવા જોગ છે. સુરતમાં માનવ ધર્મ સભા મહેતાજીએ સ્થાપી હતી તેનો મહેતાજીએ પંડે લખેલો એમાં હેવાલ છે, અને એ સભાનો આત્મા અને શરીર એ બંને મહેતાજી જ હતા તેથી એ દફતર દુર્ગારામના જીવનચરિત્રમાં ઘણું જ ઉપયોગી હોય એમાં કોઈ આશ્ચર્ય નથી. એ વાંચ્યાથી માલમ પડશે કે મહેતાજીના શા વિચાર હતા, તે પ્રગટ કરવાને કેવી ખંત રાખતા, અને તે પ્રગટ કરતાં કેવું ડાહાપણ, ચાતુર્ય અને નીડરપણું વાપરતા. મહેતાજીના ચરિત્રનું વિવેચન કરવા માંડ્યા પહેલાં એના નિરૂપણ વિષે એક બે બોલ બોલવાની અમને જરૂર લાગે છે. અમે ગઈ વેળા કહ્યું હતું કે ચરિત્ર નિરૂપકમાં શોધ, સત્યતા, વિવેક અને વર્ણન શક્તિ એ ચાર ગુણની જરૂર છે અને પહેલા ગુણ વિષે અમે કાંઈક અસંતોષ બતાવ્યો હતો. તે વેળાએ દોષ ગૌણ રૂપે દર્શાવવાનું કારણ હતું કે ગુજરાતી ભાષામાં તે પહેલ વહેલો જ પ્રયત્ન હતો. પણ આ બીજા પ્રયત્નમાં પણ જ્યારે તે ખામી નજર આવે છે ત્યારે તે તરફ એ ગ્રંથકર્તાનું લક્ષ ખેંચવું એ અમે અમારી ફરજ સમજીએ છીએ. કદાપિ બીજા ભાગમાં વધારે શોધનાં ફળ માલમ પડશે, અને અમે ઇચ્છીએ છીએ કે તેમ થાય પણ થવાને માટે અહીંયાં જે સૂચના કરીએ છીએ તે નકામી નહિ ગણાય. સત્યતા, વિવેક અને વર્ણન શક્તિ રાવસાહેબ સારી બતાવે છે, પણ જોઈએ તેટલી ખોળ થતી નથી એમ અમને લાગે છે, અને એ ગુણ તો ચરિત્રનિરૂપકમાં પહેલે દરજ્જે જોઈએ જ. ખોળ કરી સંપૂર્ણ હકીકત મેળવ્યા પછી તેનો આકાર ઘડતી વખતે બીજા ગુણોનો વિશેષે કરીને ખપ પડે છે, અને પહેલી બાબતમાં જે કસર રહી ગઈ હોય છે તેનો બદલો પાછલા ગુણોથી વળી શકતો નથી. બીજા ગુણોની ખામી હોય, તો કદાપિ ચાલે, કેમ કે જો વિગતવાર હકીકતો એકઠી કરી હોય તો પાછળથી બીજો કોઈ પણ વિવેક અને વર્ણનશક્તિ વાપરી સારા આકારમાં ગોઠવી શકે, અને પોતાના તર્કથી સત્યતા સંબંધી ખામીઓને પણ કોઈ કાંઈ સુધારી શકે. મતલબ કે સવિસ્તર હેવાલ તો મેળવવો જ જોઈએ. આ ચરિત્ર લખવામાં માનવસભાનું દફતર અને મહેતાજીના છોકરાએ જે ખબર લખી મોકલી છે તે સિવાય બીજાં સાધનો એમણે મેળવ્યાં હોય એમ જણાતું નથી. બીજા ભાગમાં પોતાનો અનુભવ તથા તે સમયના બીજા મિત્રોની યાદદાસ્ત મદદમાં આવશે એમ ધારીએ છીએ, તો પણ જે સમયે મહેતાજીનું મન ઘડાયું, સુધારા તરફ વળ્યું, અને ઘણું કરીને સઘળી કીર્તિ મેળવી ચૂક્યું તે જૂના સમયની બેશક વધારે હકીકત મોકલે એવા નથી, આપણા દેશમાં બીજાનો હેવાલ નોંધી રાખવાની ટેવ જ નથી, વગેરે અનેક કારણોથી સવિસ્તર ચરિત્ર તૈયાર કરવું એ ઘણું જ અઘરું કામ છે, અને બીજો કરવા નીકળ્યો હોત તો એટલો પણ સંગ્રહ કદાપિ કરી ન શકત; એ બધું જાણીએ છીએ તોપણ અમારું મન એમ કહે છે કે વધારે હકીકતો મેળવવી હતી અને તે વધારે પૂછપરછ કરી હોત તો તે મળત. આપણા દેશની હાલ એવી સ્થિતિ છે કે લખીને ખબર માગીએ તો સુધરેલા કહેવાતામાંના પણ થોડા જ મહેનત લઈને લખી મોકલે. જાતે જઈ તેમની રુચિ તથા અવકાશને અનુસરીએ, તજવીજથી વારંવાર તે વાત કાઢીએ, એક પાસેથી કોઈનો પત્તો લાગે તો તે બીજાને જઈ પકડીએ, તેની પણ એવી જ રીતે સાધના કરીએ, ત્યારે એક નાની સરખી હકીકત મળે. એમ ઘણી મુદત સુધી પંડે ખોળ જારી રાખીએ ત્યારે ચરિત્ર લખી શકાય. આટલી મહેનત સઘળા દેશમાં ચરિત્ર નિરૂપકને પડે છે અને તેથી જ નિરૂપકમાં નિરૂપ્ય તરફ ગુરુભાવ હોવાની જરૂર ગણાય છે. તો, હવે, આપણા દેશમાં કેટલી વધારે પડે? એ એટલી બધી છે કે વાંચનારને સહેજ વિચાર પણ આવવો મુશ્કેલ છે અને તેથી કહીએ છીએ કે રાવ સાહેબ મહીપતરામે સંગ્રહ કર્યો છે તે પણ કરવો સહેલ નથી, અને એમનો પરિશ્રમ સ્તુત્ય જ છે. અહીંયાં જે ટીકા કરી છે તે માત્ર તેઓ વધારે ખોળમાં પ્રવૃત્ત થાય એવા મિત્રભાવથી જ કરી છે. કેવી કેવી જાતની હકીકતો જીવનચરિત્રમાં જરૂરની છે તે વિષે અને કરસનદાસના વિવેચનમાં કાંઈક વિસ્તારથી લખ્યું છે એટલે તે અહીંયાં ફરીથી લખવાની જરૂર નથી. મહેતાજીના મિત્રો, સગાંસંબંધીઓને પણ અત્રે કહેવું જોઈએ કે તમારી ફરજ છે કે બીજો ભાગ પ્રગટ થાય તે પહેલાં જે જે વાત એઓ જાણતા હોય તે બધાની નોંધ કરી આ ચરિત્ર નિરૂપકને આપવી. ખરેખરું મહેતાજીનું આ વેળા શ્રાદ્ધ થાય છે અને તેમાં તેના સ્નેહીઓએ શ્રદ્ધાથી પોતાના તર્ફનો પિંડ આપવો જ જોઈએ. [...]

૧૮૭૯