સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – નીતિન મહેતા/કાવ્યમય પદાવલિ – શોધપ્રબંધ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૧. [કાવ્યમય પદાવલિ]
શોધપ્રબંધ ‘કાવ્યબાની’માંથી

કાવ્યવિવેચનમાં જ્યારે આપણે કાવ્યમય પદાવલિ(poetic diction), કાવ્યની પદાવલિ (diction of poetry) કે કાવ્યાભાસી પદાવલિ (pseudo poetic diction) અને અલંકૃત(poeticism) એવા શબ્દો પ્રયોજીએ છીએ ત્યારે આપણા મનમાં આ બધી સંજ્ઞાઓ વિશે સૂક્ષ્મ ભેદ પ્રવર્તતો હોય છે. કાવ્ય સિવાયના ગદ્યપદ્યના બધા જ પ્રકારોના સંદર્ભમાં ‘કાવ્યમય પદાવલિ’ યોજી શકાય. કાવ્ય સિવાયના બધાં જ સાહિત્યસ્વરૂપોની અંદર આવતી કાવ્યમય પદાવલિ તપાસી શકાય. ‘કાવ્યની પદાવલિ’ એટલે કાવ્યમાં પ્રયોજાયેલી પદાવલિ તે. ‘કાવ્યાભાસી પદાવલિ’ કૃતક કાવ્યમય લાગતી પંક્તિઓ દ્વારા સસ્તી અકાવ્યાત્મક ચમત્કૃતિમાં સરી પડે, કાવ્યભાષાનો તેમાં વરખ લગાડેલો જોઈ શકાય, આવી સુષ્ઠુ-મધુર અલંકૃત ભાષા ગદ્યપદ્યપ્રકારમાં ઘણી વાર પ્રયોજાય છે. જ્યારે poeticismમાં ભાષા મોટે ભાગે અલંકૃત હોય છે અને તેમાં કાવ્યાર્થના વિવેક વિના, ઇષ્ટતા વિના આવી ભાષાનો વિનિયોગ થાય છે. છેલ્લા બે પ્રકારનાં કેટલાંક ઉદાહરણો જોઈએ. ‘રણ તો લીલાંછમ’, ‘વગડાને તરસ ટહુકાની’, (ગુણવંત શાહ) ‘ભીની અનુભૂતિના સરુવન’ ‘અનુભવ આકાશો’[1] જેવી કાવ્યાત્મક લાગતી ભાષા ખરેખર કૃતક કાવ્યભાષાનાં દૃષ્ટાંતો કહેવાય. અલંકાર, પ્રતીક, છંદોરચના, લય, પદાવલિ ઇત્યાદિ કાવ્યનાં ઘટકો છે. આ બધાં ઘટકો કૃતિમાં એકબીજા જોડે સમવાય સંબંધે સંકળાયેલાં છે. આમાંની કોઈ એક પ્રયુક્તિને ઘણી વાર કવિ પોતાની રચનામાં મહત્ત્વ આપે છે. સ્વાભાવિકપણે કોઈ એમ માનવા પ્રેરાય કે કવિતામાં માત્ર પદાવલિનું જ વર્ચસ્‌ હોઈ શકે. કોઈ પણ ઘટક કવિતામાં પ્રાધાન્ય ભોગવે જ એવો સર્વસામાન્ય સિદ્ધાંત આ ઉપરથી બાંધી ન શકાય. કવિતા એ સ્વાયત્ત એકમ છે. તેમાં એક ઘટક અને બીજા ઘટક વચ્ચે મજ્જાગત સંબંધ પ્રવર્તે છે. હવે, વિવેચન જ્યારે કાવ્યની ચર્ચા કરે ત્યારે એક તત્ત્વને અન્ય તત્ત્વોથી વિખૂટું પાડી ચર્ચા કરી શકાય નહીં.[2] કાવ્યનું કોઈ ઘટક આમ જોવા જઈએ તો ઉચ્ચ નથી હોતું કે નિમ્ન કે હલકી કક્ષાનું નથી હોતું. કાવ્યના સંદર્ભે અને આધારે જ તેના વિશે નિર્ણય થઈ શકે. એક ઉદાહરણ લઈ મુદ્દો સ્પષ્ટ કરીએ. વાક્‌છટા અને કવિતાના નિયમો જુદા જુદા છે? હોમરના ‘ઇલિયડ’માંથી એક પંક્તિ જોઈએ.

“Sing, O Goddess, of the Wrath of Achilles.”

આ પંક્તિની ટીકા કરતાં પ્રોટેગોરાસ કહે છે કે તમે દેવીને આજ્ઞા કરી શકો નહીં. તેને તમે પ્રાર્થના, વિનંતી કે આજીજી કરી શકો. તેના મતે હોમરની આ પંક્તિ ભૂલભરેલી છે. આ પંક્તિ વાક્‌છટાની દૃષ્ટિએ ભલે ભૂલભરેલી હોય પણ તે જે સંદર્ભમાં ઉચ્ચારાઈ, જે વાતાવરણમાં બોલાઈ છે તેને મહાકાવ્યના સમગ્ર સંદર્ભમાં જોવા તપાસવાની હોય એવું એરિસ્ટોટલનું માનવું છે.[3] સમગ્ર કવિતાના સંદર્ભમાં ઉચ્ચારેલ શબ્દ, વાક્યની કાવ્ય સંદર્ભે અખંડ પ્રતીતિ થવી આવશ્યક છે. વિવેચનના સિદ્ધાંતો શાસ્ત્રની જેમ ત્રિકાલાબાધિત ન હોઈ શકે. કાવ્યશાસ્ત્રના નીતિનિયમો એ કોઈ ચોક્કસ પ્રકારની કવિતાને અનુલક્ષીને તપાસવા પડે. ‘કાવ્યમાં ભાષા જ મહત્ત્વની છે,’ ‘કાવ્યમાં અલંકાર તો હોવા જ જોઈએ’, ‘કાવ્ય એટલે પ્રતીક’ આ બધું અંતિમે જઈ કહી શકાય નહીં. આવા જડ નિયમો કવિતા વિશે ન હોઈ શકે. પ્રથમ કૃતિ છે, પછી શાસ્ત્ર. સમર્થ કૃતિ શાસ્ત્રને નવેસરથી રચવાની ફરજ પાડે, તેની ફેરવિચારણા કરવાની ફરજ પાડે તેવી હોઈ પણ શકે. આટલી પ્રાથમિક ભૂમિકા પછી હવે આપણે કવિતામાં પદાવલિનું સ્થાન શું છે, તેનાં લક્ષ્યવિશેષો કયા કયા છે તેની તપાસ કરીએ. કાવ્યના વિષય, વસ્તુસંભાર, સ્વરૂપ વગેરે પાસાંઓની જેમ પદાવલિ પણ ઘણું જ મહત્ત્વનું ઘટક તત્ત્વ છે. પદાવલિનો વિચાર સંસ્કૃત કાવ્યમીમાંસામાં રીતિ, ગુણ, શબ્દશક્તિ વગેરે વિભાવો નીચે થયો છે. જ્યારે પાશ્ચાત્ય વિવેચનમાં ‘સ્ટાઈલ’ ‘ડિક્શન’ ઇત્યાદિ વિભાવો નીચે થયો છે.[4] શબ્દ અથવા વાક્ય કાવ્યમાં પ્રયોજાય ત્યારે તેની શી અસર થાય છે? આ શબ્દ અથવા વાક્ય તેની સાથે ક્યાં ક્યાં સાહચર્યો અને સંદર્ભો લાવે છે? આ કાવ્યપદાવલિની અગત્ય કવિતામાં શી છે? વગેરે ચર્ચાવિચારણા પદાવલિ અંતર્ગત સમાવિષ્ટ થઈ શકે. જ્યારે શબ્દને પસંદ કરીને અમુક રીતે ગોઠવતાં તેમાંથી જે રસકીય અસર જન્મે એના પરિણામે કાવ્યપદાવલિ કહી શકાય,[5] કાવ્યનું રસકીય પરિણામ નિષ્પન્ન કરવા માટે શબ્દોની સમ્યક્‌ પસંદગી અનિવાર્ય બને છે. સાથે સાથે આ શબ્દો ચોક્કસ અસરકારક અભિવ્યક્તિ કરે એવા હોવા જોઈએ. કાવ્યમાં કવિને જે કહેવું છે તેનું, જે અભિવ્યક્ત કરવું છે તેનું ચોક્કસ અને સ્પષ્ટપણે પ્રતિનિધિત્વ કરી શકે તેવી પદાવલિની યોજના કાવ્યમાં સૌંદર્યાત્મક સ્તરે થાય તે સામાન્ય પાયાનો નિયમ આપણે સ્વીકારીએ પણ આ નિયમ ઉપર ઉપરથી જેટલો સરળ લાગે છે તેટલો સરળ નથી, સંકુલ પણ છે. કારણ કે કવિએ શબ્દની પસંદગી યોગ્ય જ કરી છે તે કોણ નક્કી કરશે?[6] અને અહીંથી જ કાવ્ય પદાવલિની અનિવાર્યતાની તપાસ શરૂ થાય છે. એક એક શબ્દ એક જ પદાર્થ, એક જ વિભાવનાનું નિદર્શન કરતો હોત તો કદાચ પદાવલિનો પ્રશ્ન જ કવિતામાં ઉપસ્થિત થયો ન હોત. શબ્દ માત્ર તેના અભિધાયુક્ત આશય માટે જ પ્રયોજાતો હોત તો પદાવલિનો પ્રશ્ન ગૌણ જ રહેત. પણ ભાષા તો અનેક પરિમાણો, અનેક સંકેતો વ્યક્ત કરે છે. સંસ્કૃતિની પરંપરાને અને વિવિધ સાહચર્યોને ભાષા નિપજાવે છે તો કવિએ કાવ્યમાં યોજેલા શબ્દભંડોળની રસકીયતા શી રીતે કાવ્યના સંદર્ભમાં નક્કી કરીશું? સામાન્ય માન્યતા એ છે કે પર્યાયવાચી શબ્દો અનેક હોય પણ કવિતામાં પર્યાયવાચી શબ્દ ન હોઈ શકે. છંદનું માપ જાળવવા પર્યાયવાચી શબ્દોમાંથી કોઈ એકની પણ ઘણી વાર કવિ પસંદગી કરતો હોય છે ખરો. આ પર્યાયવાચી શબ્દોની પણ જુદી જુદી અર્થચ્છાયાઓ અને સાહચર્યો હોઈ શકે. ઉદાહરણ તરીકે પ્રકાશ, અજવાળું, અજવાસ, તેજ. આ બધા શબ્દોનો અભિધાયુક્ત એક જ અર્થ થતો હોય પણ આ બધા શબ્દો વચ્ચે તાત્ત્વિક ભેદ એ છે કે તે જુદા જુદા અર્થસંકેતો, પ્રતીકો સંદર્ભ પ્રમાણે પ્રગટ કરે છે. શબ્દો એ સ્થિર નથી, એકાર્થી નથી, સંદર્ભ પ્રમાણે તેની અર્થચ્છાયાઓ બદલાયા કરે છે. કેટલાક શબ્દો સમય જતાં ઘસાઈ જાય છે, કેટલાક તેની પોતાની જ રાખમાંથી ફિનીક્સ પક્ષીની જેમ નવો જન્મ ધારણ કરે છે. આમ શબ્દો હંમેશાં મુખ્યાર્થ અને વ્યંગ્યાર્થ સૂચવતા હોય છે. ભાષા દ્વારા કાવ્ય તેના સમગ્રરૂપે વ્યંજિત થાય છે. શબ્દ તો પરિવર્તનશીલ છે, આ શબ્દ જ કવિની સામે મોટા પડકાર રૂપે આવે છે. કોઈકે કહ્યું છે કે ભાષા કવિતાનો અશ્મિભૂત અંશ છે તે આ અર્થમાં. પદાવલિ એ કવિની શૈલીનો જ એક પ્રકાર છે. કવિતામાં વપરાતા શબ્દો પદાર્થનું સૂચન કરતાં પ્રતીકો છે. શબ્દ સ્વયં પ્રતીક નથી. આ શબ્દોને કાવ્યના સંદર્ભ જોડે સંબંધ છે. જેમ સંદર્ભ બદલાય તે પ્રમાણે શબ્દાર્થ પણ બદલાય છે અને આ જ શબ્દાર્થમાંથી પ્રગટેલા કલ્પન કે વિભાવ બંનેની સંલગ્નતા કાવ્યના સમગ્ર સંદર્ભ રૂપે જ પરિણામે છે. આટલાં ધોરણે આપણે કૃતિનું વિશ્લેષણ કરી તેની પદાવલિ તપાસી શકીએ. ચાલતી આવતી કાવ્યભાષા રૂઢ, નિષ્પ્રાણ કે લપટી પડી જતાં વ્યવહારની ભાષામાંથી નવતર પ્રયોગો અપનાવી સર્જક તેને સમૃદ્ધ કરે છે અથવા તો કવિ પ્રચલિત ભાષાના પ્રયોગોને નવા સંદર્ભમાં યોજીને તેનો નવો અર્થ નિષ્પન્ન કરે છે. એટલે કે કવિ શબ્દો જોડેના આપણા જે પ્રકારના સાહચર્યો કે ભાવ-પ્રતિભાવ હોય છે તેને ગાળી નાખે છે; આને જ કદાચ વાલેરી જેવા કવિ language in language કહે છે.[7] અથવા તો ભાષકના દ્વારા લોપ પામેલો શબ્દ કવિચિત્તમાં અનેક રૂપે જન્મે છે. આમ શબ્દનિર્વાણમાંથી જ જુદી રીતે અર્થચ્છાયા અને ભાવાભિવ્યક્તિ પ્રગટ કરતો શબ્દ કવિ યોજે છે. ભાષા આ રીતે non-languageમાં રૂપાંતર પામીને કાવ્યમાં નવા રૂપે અવતરે છે.[8] કોઈ નવો જ પ્રયોગ યોજીને કવિ પોતાનું પ્રયોજન સાધે છે. પ્રાચીન અલંકારશાસ્ત્રીઓ આને ‘કાન્તિગુણ’ કહે છે. કટાયેલા શબ્દોને સ્થાને તાજા - તેજસ્વી શબ્દો વાપરવાથી કવિનો હેતુ સિદ્ધ થતો હોવાનું વામન તો માને જ છે. ઉદાહરણ તરીકે ગુલામમોહમ્મદ શેખની કવિતામાં આવતો ‘સૈકાકુશળ આંગળાં’ શબ્દ (‘અંધકાર અને હું’) કે રાવજીની કવિતામાં આવતો ‘સજીવી હળવાશ’ (‘આભાસી મૃત્યુનું ગીત’) આવા શબ્દો દ્વારા કાવ્ય કાન્તિગુણને પામીને સંદર્ભનો નવો રણકાર ઉપજાવી શકે છે. કાવ્યમાં પ્રયુક્ત થયેલા શબ્દ અથવા વાક્ય એક નિશ્ચિત અર્થમાં પ્રયોજાયેલાં હોય છે. કાવ્યમાં તેની રસકીય અનિવાર્યતા હોય છે. આ શબ્દો અથવા વાક્યો વિવિધ અર્થચ્છાયાઓ ધરાવતાં હોય છે. હવે પ્રશ્ન એ થાય કે આ શબ્દ અથવા વાક્યમાં એવું તો શું હોય છે કે જેને કારણે કાવ્યનાં અનેક અર્થઘટનો શક્ય બને છે? કવિ પણ સામાજિક પ્રાણી છે. મારી, તમારી અને કવિની ભાષા તત્ત્વતઃ જુદી નથી. પણ આપણે જાણીએ છીએ કે ‘વ્યવહારના માધ્યમરૂપ ભાષા વ્યવહારને સિદ્ધ કરીને મરી પરવારે છે, પણ એ જ ભાષામાંથી કવિ કશુંક અણખૂટ તત્ત્વ શોધી કાઢે છે.’[9] શબ્દ અથવા બોલચાલની શૈલી પોતાનો આગવો અર્થ તો ધરાવે છે પણ કાવ્યમાં જે વિશિષ્ટ સંદર્ભમાં તેનો વિનિયોગ કરવામાં આવે તે શબ્દ અથવા બોલચાલની ભાષાનું તે કાવ્યમાં મહત્ત્વ શું? બોલચાલની કે વ્યવહારની ભાષા કરતાં કવિતાની ભાષામાં ભિન્નતા – વિશિષ્ટતા હોય છે? કયા પ્રકારની? કવિતાની ભાષા અલંકૃત હોય તેથી તે બોલચાલની ભાષાથી અલગ પડી જાય? વ્યવહારની ભાષામાં રૂઢિપ્રયોગો, કહેવતરૂપ ઉક્તિઓ નથી આવતી? વ્યવહારની ભાષાથી ખરેખર કવિ ઊફરો જઈ કામ કરી શકે ખરો? કાવ્યભાષાનાં એવાં કોઈ વિશિષ્ટ લક્ષણો કયા આધારે આપણે તારવી શકીએ? વ્યવહારની ભાષાને સામગ્રી માનીએ તો કાવ્યમાં તેનું રૂપાંતર શી રીતે સિદ્ધ થાય છે? શુદ્ધ સંગીતની જેમ શુદ્ધ ભાષા હોઈ શકે ખરી? કવિ કવિતામાં મુખ્યાર્થ લોપ કરી શકે? (મુખ્યાર્થબાધ તો હોય જ.) વ્યવહારભાષાની ને કાવ્યભાષાની ભિન્નતા-અભિન્નતા શી રીતે નક્કી કરીશું? વ્યવહારની ભાષાનો કવિતામાં વિનિયોગ કરવાથી true diction (સાચી પદાવલિ) સિદ્ધ થાય? કાવ્યાત્મક ભાષાથી false diction (બનાવટી પદાવલિ) રચાય છે? કવિ પોતાના જમાનાની ભાષાથી જુદો ક્યાં અને કેવી રીતે પડે છે? યુગની ભાષા શું કવિતાની ભાષા ન બને? આવા ઘણા પ્રશ્નો પ્લેટો, એરિસ્ટોટલ તથા ભરત મુનિના જમાનાથી પુછાતા આવ્યા છે. અંગ્રેજી કવિતાને લક્ષમાં રાખીને વિચાર કરીએ તો કાવ્યપદાવલિ વિશેની સભાનતા શરૂઆતથી જ તે સમયના કવિઓ તથા વિવેચકોમાં હતી જ. આ રીતે ચોસરના જમાનાથી કાવ્યપદાવલિનો પ્રશ્ન એક કે બીજી રીતે ચર્ચાતો રહ્યો છે. શિક્ષણના પ્રચાર પ્રસારની સાથે સાથે શબ્દબાહુલ્ય, પાંડિત્ય તરફ સર્જકો જતા ગયા. કળા એક સભાન પ્રવૃત્તિ છે એમ ક્રમશઃ મનાવા માંડ્યું. કવિતાને જો મહત્ત્વપૂર્ણ બનાવવી હોય તો ભાષાને પણ મહત્ત્વપૂર્ણ બનાવવી જોઈએ. ડ્રાયડને લેટિનમાંથી અંગ્રેજીમાં અનુવાદ કર્યા તેથી કાવ્યપદાવલિ તત્સમ બની. કવિની કવિતામાં વિશેષણોનું પ્રાચુર્ય વધવા માંડ્યું અને આ વિશેષણો પણ લેટિનમાંથી જ આપ્યાં. બીજું, એ જમાનાની ફિલસૂફી એવું માનતી કે બધું જ સંવાદી અને વ્યવસ્થિત છે અને તેથી કાવ્યનો અન્વય પણ સંવાદી અને વ્યવસ્થિત હોવો જોઈએ. આમ એક બાજુ કવિતામાં આવતી શિષ્ટ ભાષા, વ્યવસ્થિત ભાષા તો બીજી બાજુ અપભાષા (slang), બોલચાલની છાંટવાળી વ્યવહારની ભાષા એવા બે ધ્રુવો સતત પ્રવર્તતા આપણે જોઈએ છીએ. એડિસન જેવાએ એમાં કહ્યું કે કવિએ તો બોલચાલની ભાષાથી દૂર રહેવું જોઈએ કેમ કે એમાં એક પ્રકારની અભદ્રતા હોય છે. પોપે પણ આ પ્રકારની માન્યતાને સમર્થન આપ્યું તો થોમસ ગ્રે જેવાએ કહ્યું કે યુગની ભાષા એ કવિતાની ભાષા ન બનવી જોઈએ.[10] દરેક યુગમાં તત્સમ, તદ્‌ભવ, બોલચાલની – વ્યવહારની અને કવિતાની ભાષા, આદિમ ભાષા અથવા ભદ્રતાના આવરણ વિનાની ભાષા, કૃત્રિમ અને સ્વાભાવિક ભાષા, કાવ્યાત્મક અને અકાવ્યાત્મક ભાષા, આ પ્રશ્નો તો શબ્દાન્તરે પુછાતા હોય છે જ. કવિઓ કેટલીક વાર અંતિમે જઈ તે વિશે પોતાનાં મંતવ્યો પ્રગટ પણ કરે છે. પોતાની આજુબાજુના સમાજમાં જે પ્રકારની ભાષા સામાન્ય માણસ બોલે છે તેને કવિતામાં યોજીએ તો ખોટું શું છે? કવિતાની ભાષા એ ગદ્યની ભાષા કરતાં ખરેખર જુદી છે ખરી? ગદ્ય અને છંદોબદ્ધ રચનામાં કોઈ અંતર ખરેખર છે ખરું? કવિતાના છંદો શું કવિતાની વૈકલ્પિક શોભા નથી? કવિની પદાવલિ તો સરળ, સુબોધ, લોકોની બોલચાલની વાણીની નજીક જવી ન જોઈએ? કવિએ તો અલંકારપૂર્ણ ભાષાનો ત્યાગ કરવો જોઈએ તેમજ સરળ ગ્રામીણ ભાષાનો સ્વીકાર કરી કાવ્યરચના કરવી જોઈએ.[11] વર્ડ્‌ઝવર્થના મતે તો પરંપરાગત ભાષાનો વિનિયોગ, છંદોબદ્ધતા આ બધાં તો કૃતક પદાવલિનાં લક્ષણો છે જ્યારે સાચી કાવ્યપદાવલિ તો સ્વાભાવિકપણે રોજબરોજની ભાષામાંથી જ આવે છે. પોતાના જમાનાની કાવ્યપદાવલિ કૃત્રિમ હતી તેની સામે વર્ડ્ઝવર્થનો મુખ્ય વાંધો હતો. કવિની પદાવલિ પ્રકૃતિ અને માનવપ્રકૃતિ બંનેના નિયમોને અનુસરતી નથી.[12] કવિઓની ભાષા સામાન્ય બોલચાલની ભાષા હોતી નથી; માટે શાશ્વત પણ નથી હોતી એમ કહી શકાશે? સામાન્ય વ્યવહારની ભાષાને કવિતામાં મહત્ત્વ આપીએ તો તેથી કવિતા વધારે પ્રત્યાયન સાધી શકે? બીજી બાજુ એ પ્રશ્ન થાય કે તો પછી કવિતાની ભાષામાં વિશિષ્ટતા હોય છે શાને કારણે? અથવા એમ પણ પૂછી શકાય કે બોલચાલની છટાનો કવિતામાં સ્વીકાર કરીએ, ગદ્યપદ્યના સીમાડાનો લોપ કરીએ, છંદનાં બંધનો તોડીએ તેથી ‘કાવ્ય’ નામનો પદાર્થ સિદ્ધ થશે ખરો? બોલાતી ભાષાને વર્ડ્ઝવર્થની જેમ મહત્ત્વ આપીએ ત્યારે એનું કારણ એ લાગે છે કે કવિતામાં અનુભૂતિ અભિવ્યક્ત કરવા માટે પદાવલિ જ મહત્ત્વની છે, નહીં કે કથયિતવ્ય કે પાત્રો.[13] શું આપણે એવું માનીએ કે એકાદ શબ્દ કે વ્યાકરણના નિયમોમાં ફેરફાર કરવાથી જ વ્યવહારની ભાષામાં કવિતા રચી શકાય? બીજું, વર્ડ્ઝવર્થ જ્યારે real language of men કહે છે ત્યારે એનો અર્થ real language of nature લેવાનો છે અને કવિઓએ કોઈ વિશિષ્ટ ઉન્નતભ્રૂ વર્ગની ભાષા નહીં પણ સમસ્ત માનવજાતને સ્પર્શે એવી ભાષા પોતાની કવિતામાં પ્રયોજવાની છે. આમ કાવ્યની પદાવલિમાં વિશિષ્ટ શું છે કે જે સામાન્ય માણસની વ્યવહારની ભાષાથી તે જુદી પડી જાય છે? એક પક્ષ એવું માને છે કે કળા અને પ્રકૃતિ વચ્ચે વિરોધ નથી માટે સામાન્ય માણસની ભાષા કાવ્યમાં યોજવી જોઈએ તો બીજો પક્ષ એવું માને છે કે કળા અને પ્રકૃતિ ભિન્ન ભિન્ન છે. પ્રકૃતિથી કળાને જુદી પાડવા કવિ સભાનતાપૂર્વક વ્યવહારની ભાષાથી કવિતાની ભાષા જુદી બનાવે છે, જો કે ગદ્ય અને પદ્ય સરખું જ શબ્દભંડોળ ધરાવે છે પણ શબ્દ યોજવાની રીતિ ગદ્ય અને પદ્યમાં એક સરખી છે એમ કેમ માની શકાય? આપણે જાણીએ છીએ કે વ્યુત્ક્રમ અને સ્વરભારને કાવ્યમાં મહત્ત્વનું સ્થાન છે.

ડાળીએ ડાળીએ ઊડે પંખીના છંદનો રવ
રેખાળી ગતિમાં કેવું સરે સૌંદર્ય સર્પનું
(રાજેન્દ્ર શાહ)

આ પંક્તિનો ગદ્યાન્વય કરવાથી, બોલચાલની ભાષામાં મૂકવાથી આનું કાવ્યસૌંદર્ય ખંડિત થાય તે આપણે જાણીએ છીએ, હવે બીજી પંક્તિ જોઈએઃ

મને ના અંતોનું દરદ કદી યે, અંત સહુનો
(સુંદરમ્‌)

આ પંક્તિનો ગદ્યાન્વય કરવાથી, બોલચાલની ભાષામાં મૂકવાથી તેનું કાવ્યસૌંદર્ય ખંડિત થાય છે? અછાંદસમાં પણ સીધાસાદાં વિધાનો, બોલચાલની છટાના શબ્દો યોજવાથી કાવ્ય સિદ્ધ થઈ શકે તેની ના નહીં. છંદોબદ્ધતા આવે તેથી રચના વિકૃત થતી નથી. અલબત્ત, વર્ડ્ઝવર્થ પોતાના કાવ્યપદાવલિના સિદ્ધાંતને વફાદાર રહ્યા હોય તેવું ઓછું બન્યું છે જેની કૉલરિજે ચર્ચા કરી છે, પણ તેથી સિદ્ધાંત તરીકે બોલચાલની કે વ્યવહારની ભાષા અને કાવ્યભાષા વચ્ચેની સમાંતર-અસમાંતર ધ્રુવોની ચર્ચાનો અંત નથી આવતો. પદાવલિ કાવ્યનું એક ઘટક છે, એક અંશ છે. શબ્દો અથવા વાક્યો કાવ્યમાં યોગ્ય પરિપ્રેક્ષ્યમાં નિશ્ચિત ને મહત્ત્વનું સ્થાન દર્શાવનાર કાવ્યનું અંગ છે. અથવા પદાવલિ કવિ, કવિતા, અમુક સમયમાં લખાતી કવિતાની શબ્દયોજના, સંદર્ભો આ બધાનું દ્યોતક લક્ષણ પ્રગટ કરે છે. કાવ્યમાં નિશ્ચિત અર્થનું નિદર્શન કરનાર અને તે દ્વારા કાવ્યનો સંદર્ભ રચી આપનાર, યોગ્ય શબ્દપસંદગીની યોગ્ય ક્રમમાં ગોઠવણી તે કાવ્યની પદાવલિ છે એવી સામાન્ય વ્યાખ્યા સ્વીકાર્યા પછી પણ કવિતામાં પ્રયોજાયેલા આ શબ્દો રોજબરોજની વ્યવહારની ભાષામાંથી જો આવતા હોય તો તેનું કાર્ય મુખ્યાર્થ પાસે પૂરું થાય છે; પણ તે જ શબ્દો જે સંદર્ભમાં કવિતામાં પાસેપાસે મુકાય છે તે દ્વારા કાવ્યનો જે પ્રતીયમાન અર્થ નિષ્પન્ન થાય છે તે તો જુદો હોય છે. પણ કઈ રીતે? પોતાની આજુબાજુ જીવાતી સામાન્ય જિંદગીની રોજબરોજની વપરાશની ભાષાથી કવિતામાં યોજાતા શબ્દો કંઈ જુદા નથી હોતા અને અસામાન્ય પણ નથી હોતા. કાવ્યભાષાને અલગ ભાષા માનવા માટેનો કોઈ આધાર જ નથી. રોજબરોજના વ્યવહારમાં પ્રયોજાતી ભાષા જ કાવ્યનું માધ્યમ બની શકે. કવિતાની ભાષાની કોઈ અનન્ય આગવી, વિશિષ્ટ પદાવલિ નથી હોતી. તેમ જ વ્યવહારની ભાષા કંઈ ઊર્મિયુક્ત કે એક જ અર્થમાં સીમિત નથી હોતી. કાવ્યભાષા તેમજ શાસ્ત્રીય ભાષા બંને ઇઝાબેલ હંગરલેન્ડની દૃષ્ટિએ નિત્યની ભાષાનાં જ વિશિષ્ટ રૂપો છે.[14] સાહિત્યના એક બાજુથી શાસ્ત્રીય, વૈજ્ઞાનિક ઇત્યાદિ તો બીજી બાજુથી લલિત – એમ બે પ્રકાર સામાન્ય રીતે પડે છે. અહીં પ્રશ્ન એ છે કે સર્વસામાન્ય વ્યવહારની ભાષા, લલિતેતર સાહિત્યની ભાષા એ એકની એક છે કે ત્રણેમાં જુદી જુદી રીતે પ્રયોજાઈ છે? સ્થૂળ દૃષ્ટિએ જોતાં આ બધાં વચ્ચે ઝાઝો તફાવત આપણને ન જણાય છતાં આપણે ‘સાહિત્યની ભાષામાં’ રોજ-બરોજના વ્યવહારમાં ભાગ્યે જ વાતચીત કરીએ છીએ તે ઉપરાંત સાહિત્યના મોટા ભાગના પ્રકારોમાં સાવ જ બજારુ કે ઘરેલુ ભાષાને સળંગપણે પ્રયોજતા નથી. તે ઉપરાંત માહિતી, જ્ઞાન-વિજ્ઞાનનાં પુસ્તકોમાં કાવ્યભાષાનો ઉપયોગ તો હાસ્યાસ્પદ જ લાગે તે આપણે જાણીએ છીએ.[15] આપણે જાણીએ છીએ કે જુદા જુદા જમાને કાવ્યપદાવલિ સાથે કવિના પ્રયોજનને સાંકળવામાં આવતું હોય છે. એનો એક અર્થ એવો થાય કે કવિ ધારે તો પોતાની આગવી પદાવલિ ઉપજાવી શકે. કવિ ધારે કે ન ધારે, તેણે પોતાની આગવી પદાવલિ ઉપજાવવી જ પડતી હોય છે. સામાન્ય વ્યવહારમાં જોવા ન મળતા કાવ્યસાધક શબ્દોનું ભંડોળ ઊભું કરવાનો કવિનો હક્ક છે. અલબત્ત ભાષાના ઇતિહાસમાં જોવા જઈએ તો પ્રત્યેક તબક્કે એવું જોવા ન પણ મળે. ઉદાહરણ તરીકે ત્રીસીની કવિતામાં. (કોઈ પણ સમયની કવિતા વિશે પણ કહી શકાય.) એક પ્રકારની રૂઢ કાવ્યપદાવલિ બંધાઈ ગયા પછી સામાન્ય વ્યવહારની ભાષા તરફ આપણો કવિ ચાલતો થયો અને અત્યારે આપણે જોઈએ છીએ કે તેની પણ એક લઢણ બંધાઈ ગઈ છે. કવિતામાં ખાસ વિશિષ્ટ પ્રકારની પદાવલિ હોવી જોઈએ તે ગ્રેહામ હોના મતે તો અપૂર્ણ જ વાત કહેવાય. જો એવું થાય તો આપણી રોજબરોજની વ્યવહારની ભાષાના ઘણા બધા પ્રદેશો બાકાત રહી જાય. મમ્મટે તો યાદી આપી છે કે અમુક શબ્દો જ કવિતામાં પ્રયોજાય, અમુક શબ્દો ન પ્રયોજાય. તેથી તો એક પ્રકારની રૂઢિગત પદાવલિ ઊભી ન થાય? કવિતાની ખાસ વિશિષ્ટ પદાવલિ હોવી જ જોઈએ તેની સામે વર્ડ્ઝવર્થનો આગળ દર્શાવેલો મત મૂકી જુઓ. વર્ડ્ઝવર્થ પોતે તળપદી પદાવલિ કાવ્યમાં યોજી નથી અને તે પછીના રોમેન્ટિક કવિઓએ પોતાની ખાસ પદાવલિ ઉપજાવી લીધી. અમુક પ્રકારની કાવ્યપદાવલિમાં જ કવિતા લખાય પણ બધી કવિતા લખાઈ ખરી? જે કવિ વ્યંગ-ઉપહાસ કરવા માંગતો હોય તે કવિ પરંપરાગત પદાવલિમાં લખી શકે ખરો? અલબત્ત, તે પ્રકારની પદાવલિનો એક પ્રયુક્તિ તરીકે વિનિયોગ કરે ખરો. ‘મનુજપ્રણય’માં સુંદરમ્‌ ગંભીર, સંસ્કૃત, તત્સમપ્રધાન પદાવલિ યોજે છે પણ ‘કોયા ભગતની કડવી વાણી’માં તો સામાન્ય બોલચાલની જ ભાષાનો વિનિયોગ કરે છે. વિરહકાવ્યમાં માત્ર સંસ્કૃત પદાવલિ જ યોજવી જોઈએ એવો આગ્રહ ન રાખી શકાય. રાવજી પટેલ જેવો કવિ તળપદી પદાવલિમાં વિરહનું સંવેદન કેવું ઉત્કટતાથી આલેખી શકે છે? ‘એક બપોરે’ કાવ્ય એના ઉદાહરણ તરીકે આપણે જોઈ શકીએ.[16] કવિતામાં પરંપરાગત ભાષા હોવી જ જોઈએ તેના હિમાયતી અમુક અંશે સાચા હશે પણ તેમની સંખ્યા વધારે નથી. સામાન્ય વ્યવહારની ભાષાનાં સ્તર પણ કાવ્યમાં આવવાં જોઈએ.’[17] અપભાષાથી આર્ષ બાની સુધીનું ભાષાનું સ્તર છે. કવિતાની ભાષામાં આવી સમગ્રતા આવવી જોઈએ. આપણે જાણીએ છીએ કે કવિતામાં વૈજ્ઞાનિક પરિભાષાનો તથા અશ્લીલ ભાષાનો વિનિયોગ ઘણો ઓછો છે. ગિન્સબર્ગ કે હોલુબ જેવા કવિઓએ તેનો ક્યાંક ક્યાંક વિનિયોગ કર્યો છે ખરો. ભાષામાં તો પરંપરાગત શબ્દો હોય, સમાસો હોય, આ બધાનો ખાસ રસકીય સંદર્ભમાં વિનિયોગ કરી કવિ ભાષાને વિસ્તારી શકે. ધારો કે આ બધું છે છતાં અમુક તબક્કાની કાવ્યભાષામાં જે ચૈતન્ય છે તે તો એ જમાનાની બોલાતી ભાષાનું છે એટલે કવિતા વ્યવહારની ભાષાથી દૂર તો ન જ જઈ શકે અને જાય તો તેનાં માઠાં પરિણામ આવે. પ્રતીકવાદના કવિઓ એનાં સબળ દૃષ્ટાંતો છે. આથી જ ગ્રેહામ હો કહે જ કે કોઈ પણ સમયમાં કવિતાની ભાષાનો જીવંત ધબકાર તો બોલાતી જ ભાષા હોય છે.[18] ગ્રેહામ હોની દૃષ્ટિએ વર્ડ્ઝવર્થની ભૂલ એ થઈ કે લોકોની બોલાતી ભાષાને છંદમાં ગોઠવી દેવાથી કાવ્ય બને એવું તેમણે માની લીધું. આમાં એક બાજુ બોલાતી ભાષાનો લય, બીજી બાજુ છંદોલય – આ બે વચ્ચેના આદાનપ્રદાન અને સંઘર્ષ તથા તે યુગની ભાષાનો ને કવિતાનો સંઘર્ષ – આમાંથી કશુંક સમર્થ નીપજી પણ આવે. આ બંને ભાષા કેટલીક વાર ભેગી થઈ પણ જાય છતાં વધારે વખત રહે તો પરિણામ શું આવે? Unimaginative limitations of the tone and emotion. વ્યવહારની ભાષાના અનુભવ કરતાં કવિતાની ભાષાનો અનુભવ વધારે સૂક્ષ્મ અને ઉત્કટ હોય છે. અહીં રોમેન્ટિકો ભલે ના પાડતા હોય, ગ્રેહામ હો તો હા પાડે છે.[19] કવિતા જો વ્યવહારની ભાષાથી વધુ દૂર રહે તો જીવનથી છેદાઈ જાય. થોમસ ગ્રેએ જે કહ્યું હતું તે તેના જમાનામાં સાચું હશે.[20] કવિતાની ભાષા તો રોજબરોજના ચાલુ વપરાશની જ ભાષા હોવી જોઈએ તેવો બીજો વિચાર પણ સાથે મૂકવો જોઈએ. કવિતાની પદાવલિ યુગની પદાવલિથી જુદી પડી ખાસ પ્રકારની કાવ્યપદાવલિ બને તો કઈ રીતે બને? કાવ્યપરિશીલનથી જ કવિ અને ભાવક બંને પોતાની કાવ્યરુચિ ખિલવી શકે છે. કવિએ તો ખાસ આ કાર્ય કરવું પડે. જે કવિતા ભૂતકાળની કવિતામાં મૂળિયાં નાખીને પડેલી હોતી નથી તે કવિતા બહુ જલદીથી પોતાની અસર ગુમાવી બેસે છે. આ જ સંદર્ભમાં કદાચ એલિયટે કહ્યું હશે કે સંપૂર્ણ મૌલિક કવિતા સંભવી ન શકે. અમુક અંશે કવિ પુરોગામી કવિતાની પરંપરાને પણ ટકાવે છે. ભાવક પાસે પણ એવી અપેક્ષા રાખે છે એટલે એના શબ્દભંડોળનો થોડો અંશ સૂચિતાર્થો ધરાવતો હોઈ શકે છે. પણ મોટા ભાગની કવિતામાં વ્યવહારની ભાષાને સારા અર્થમાં વિકૃત કરવામાં આવતી હોય છે, તેને ભાંગવી-તોડવી પડતી હોય છે એવી દલીલ પણ થઈ શકે. પ્રાચીન કાવ્યમીમાંસકોએ વ્યવહારની અને કાવ્યની ભાષાના આ ફરકને લક્ષમાં લઈને ‘વ્યવહારની કે શાસ્ત્રની ઉક્તિના વિરોધમાં કાવ્યનો ‘ઉક્તિવિશેષ’ ‘વિશિષ્ટભણિતિ’, ‘વક્રઉકિત’ વગેરે શબ્દો વડે લાક્ષણિક નિર્દેશ કર્યો છે.[21] આપણે જાણીએ છીએ કે વ્યવહારમાં પ્રયોજાતા શબ્દોનો સર્જક પોતાની ચેતનાના અર્ક વડે જુદી જ રીતે કાવ્યમાં વિનિયોગ કરે છે અને તે શબ્દની અનેક શક્યતાઓનો તાગ કાઢે છે. તે શબ્દનો પુનઃસંસ્કાર કરી રસકીય રીતે કાવ્યમાં પ્રયોજે છે અને શબ્દને અજવાળે છે. વાલેરી આ માટે ચલણી નોટનું ઉદાહરણ આપતાં નોંધે છે કે ચલણી નોટ અનેક હાથોમાં જાય છે છતાં પોતાની મૂળ value ગુમાવતી નથી.[22] કવિતાનો શબ્દ તે આવો સંકુલ છે. કાવ્યમાં પ્રયોજાતાં જ તે વ્યંજનાનાં અનેક ભાવજગતો, અર્થજગતો ખોલી આપે છે. આપણા કાવ્યમીમાંસકોએ પણ શબ્દશક્તિનો મહિમા કર્યો છે તે તો સર્વવિદિત છે. શબ્દની વ્યંજનાશક્તિમાંથી ઉદ્‌ભવતો અર્થ તે જ કાવ્યનો રસ અને તે સિવાયના બીજા verifiable meaningsનો કશો અર્થ નથી કે તેનું મહત્ત્વ નથી. કાવ્યનો અર્થ તે રસ અને રસ તે વ્યંગ્ય. સારા કવિ દ્વારા આમ વ્યવહારનો અભિધાશ્રિત શબ્દ પણ કાવ્યમાં વ્યંજનાપ્રધાન બને છે. ટી. એસ. એલિયટ જેવા કવિ-વિવેચકે પણ હિમાયત કરી છે કે અનુભૂતિ તેના ઉત્તમ સ્વરૂપમાં અભિવ્યક્તિ પામે છે માત્ર લોકોની વ્યવહારની ભાષામાં જ. આ ભાષા બધાને માટે સહજ તેમ જ સામાન્ય હોય, તેની લયયોજના, ધ્વનિયોજના, તેની વિવિધ ભંગિમાઓ, આ બધું બોલાતી ભાષામાંથી જ નિષ્પન્ન થવું જોઈએ.[23] ભાષા કરતાં સંસ્કૃતિનું માળખું વધુ સંકુલ છે. ભાષા એ સંસ્કૃતિની જ પરંપરા છે તેથી કાવ્યમાં તો તે અનેક સાહચર્યો સાથે પ્રગટ થાય છે. કવિએ તો પોતાની આજુબાજુ બોલાતી ભાષાને જ કાવ્યત્વ આપવાનું છે. કવિની ભાષા એ જ કવિની અભિવ્યક્તિ છે. પણ બોલાતી ભાષાનો અર્થ એ નથી કે રેડિયો સમાચારમાં જે ભાષા સાંભળવા મળે છે તેનો ઉપયોગ કરવો. કવિની પદાવલિ એ તો અંતે કવિએ સ્વયં જ શોધવાની રહે છે, તેમાં જ તેનું કવિકર્મ રહેલું છે. કાવ્યભાષામાંથી જ તેના જીવનની, સંસ્કૃતિની મુદ્રા ઊપસી આવે છે. કવિ ભાષાની મુદ્રા વડે જીવનની મુદ્રા કાવ્યમાં ઉપસાવે છે અને એટલે જ કવિતામાં જીવન, ભાષા વડે સતત સર્જાતું આવે છે. પણ સાથે સાથે એ પણ યાદ રાખવું જરૂરી છે કે કવિએ પોતાના કુટુંબની, ઘરની, મિત્રોની કે પોતાના ગામની જ ભાષા યોજવી તે અનિવાર્ય નથી કેમ કે આ બધી ભાષાઓ તો આખરે કવિની સામગ્રી જ થઈ. તેનું કાવ્યમાં રૂપાંતર થવું જોઈએ. એલિયટ આ માટે કહે છે કે કવિ તો શિલ્પી જેવો છે, તેણે પોતાની સામગ્રીને જ વફાદાર રહેવાનું છે અને તેમાંથી જ આકાર નિર્માણ કરવાનો છે. કવિનું કામ ભાષામાં ધરખમ ફેરફાર કરી નાખવો તે નથી. કાવ્યપદાવલિની, છંદયોજનાની નવીનતા માટેના ઉધામા કવિએ મચાવવાના નથી અને કવિપક્ષે આ પ્રકારની અપેક્ષા રાખવી શક્ય હોય તો પણ યોગ્ય તો નથી જ[24] જો કોઈ રસકીય અનિવાર્યતા પદાવલિ બદલવા માટે ઊભી થાય તો જ કાવ્યની પદાવલિ બદલવી જોઈએ, અન્યથા નહીં. સામાન્ય વર્ગની બોલચાલની ભાષા. (બધા વર્ગોના સામાન્ય લોકો બોલે છે તે સામાન્ય ભાષા છે.) આત્મસાત્‌ કર્યા પછી કવિ તેને સંસ્કારે છે. આ વાત આમ તો કૉલરિજે પણ કહી છે. પણ આપણે એવા જમાનામાં જીવીએ છીએ કે સવારથી સાંજ સુધી આપણા પર અનેક પ્રકારની ભાષાનું આક્રમણ થાય છે. ખાસ કરીને સમૂહમાધ્યમોનાં સાધનો જેવાં કે રેડિયો, ટી.વી., જાહેરખબર, સિનેમા, આ બધાંના આપણા પર થતાં આક્રમણથી આપણે બચી શકતાં નથી. કવિ પણ સામાજિક પ્રાણી છે, તે આ બધાં સાધનોનો ભોગ બને છે. આમ અનેક બોલાતી ભાષાઓની વચ્ચે રહીને કવિએ પોતે પોતાની આગવી વ્યક્તિ ભાષા (ideolect) શોધી લેવાની છે. ‘Print culture’ની માર્શલ મેકલુહાનની વાત કદાચ આજે સાચી ન લાગે. તેના મતે તો આ બધાં સમૂહ માધ્યમોનાં સાધનો વ્યક્તિની વ્યક્તિતાનો હ્રાસ કરે છે, પણ તેની સામે આપણે એમ પણ કહી શકીએ કે કવિનું કામ તો આ બધાં સાધનોની વચ્ચે રહી પોતાની સ્વકીયતા ટકાવી રાખવાનું છે, આવી અગણિત ભાષાઓની વચ્ચેથી પોતાના સ્વનો શબ્દ સ્વયં તેણે શોધવાનો છે. આ રીતે સમાજમાં બોલાતી ભાષાઓમાંથી કવિની ભાષા જન્મે છે. પણ કવિ પોતાની સર્જકતાથી આ ભાષાનું રૂપાંતર કરી તેને કાવ્યભાષા કેવી રીતે બનાવે છે તે જ મહત્ત્વનું છે. વોલ્ટર નાશે આ વિશે કવિના શબ્દભંડોળની ચર્ચા કરી છે જેનો નિર્દેશ આપણે શબ્દભંડોળની ચર્ચા કરતી વખતે કરીશું.[25] ઘણી વાર કહેવામાં આવે છે કે કવિ નવી ભાષાનું સર્જન કરે છે. આ મુદ્દો યોગ્ય નથી. ‘કવિ પ્રજાને શબ્દો ઘડી આપે છે એ કહેવું અર્ધ સત્ય છે, પ્રજા જે શબ્દોને જીવનથી ઉચ્છ્‌વસિત કરે છે તેને આધારે જ કવિ તેના શબ્દો ઘડતો હોય છે.’[26] કાવ્યની ભાષા વ્યવહારની ભાષામાંથી જ પોતાને યોગ્ય લાગે તે શબ્દો લે છે પણ સાથે સાથે તે ઓછીવત્તી માત્રામાં તેનું distortion પણ કરે છે. આ distortion એક કાવ્યથી બીજા કાવ્ય પૂરતું અલગ હોઈ શકે.[27] કાવ્યભાષા અમુક નિશ્ચિત પ્રકારની જ હોવી જોઈએ તેવો આગ્રહ કોઈ અંતિમે જઈ આપણે રાખી શકીએ નહીં. કાવ્યપદાવલિનું ક્ષેત્ર નિયત કરવાથી આપણાં ઘણાં બધાં અનુભવક્ષેત્ર જોડેનો આપણો સંબંધ અસ્પૃશ્ય જ રહી જાય, કોઈ કવિ પોતાની ચેતનાને કુંવારી રાખીને સાહિત્યસર્જન કરવામાં પ્રવૃત્ત ન થઈ શકે. જીવનના સમગ્ર અનુભવખંડને પ્રકાશિત કરે તેવી જે જે ભાષાઓ હોય તેને કાવ્યભાષામાં સમાવી ન શકાય? શાસ્ત્રીય તથા અશિષ્ટ પદાવલિ સાધારણ રીતે કવિઓ કાવ્યમાં પ્રયોજતા નથી. છંદ, અલંકાર કે પ્રતીક વડે મૂળ ભાષા પર બીજી ભાષાનું આરોપણ કરે છે માટે તે ભાષા સામાન્યમાંથી કાવ્યભાષામાં રૂપાંતર પામે છે. ભાષાની સીમાઓની શક્યતા વિસ્તરે છે. આમ છતાં જોવા જઈએ તો હકીકતે સામાન્ય ભાષા, જીવાતા જીવનની ભાષા એ જ કવિતાનો આધાર છે. છંદોબદ્ધ કે અછાંદસનાં બાહ્ય લક્ષણો સ્વીકારવાથી જ સામાન્ય ભાષા એ કાવ્યભાષા બની જતી નથી. અનુભવનાં અનેક સંકુલ સ્તરોને મૂર્ત કરવા માટે કવિએ પોતાના સમયની, પોતાના પૂર્વકાલીન કવિઓના સમયની ભાષા જોડે નાડીસંબંધ બાંધ્યો હોવો જરૂરી છે. કવિ પોતાની ભાષાના કાવ્યસાહિત્યને આત્મસાત્‌ કરીને જ કાવ્યપ્રવૃત્તિ કરી શકતો હોય છે.[28] માટે જ આગળ કહ્યું તે પ્રમાણે કાવ્યનાં બાહ્ય લક્ષણો આત્મસાત્‌ કરી વ્યવહારની ભાષાને તેમાં ઢાળી દેવાથી તે કંઈ કાવ્યભાષા બની નથી જતી. વ્યવહારની ભાષા નિયમોને વશ વર્તીને ચાલે છે જ્યારે કવિતાની ભાષા નિયમોને તોડે છે. પોતાનું counter grammar (પૂરક વ્યાકરણ) રચે છે. પણ રૂઢિપ્રયોગો, બોલચાલની ભાષાની લઢણો, લોકબોલીના કાકુઓ – આ બધાંને સૂક્ષ્મતાથી જોઈશું તો વ્યવહારની ભાષા, વાચ્યાર્થના સ્તરે જ ચાલે છે તે માન્યતાને કદાચ બદલવી પડે. આપણે રોજબરોજના વ્યવહારમાં પણ લક્ષણાનો ઉપયોગ કરીએ છીએ તેમ કવિ પણ ઘણી વાર સપાટી પરની વાત કરવાની પ્રયુક્તિને વાચ્યાર્થ દ્વારા જ કાવ્યમાં પ્રયોજતો હોય છે. ખાસ કરીને વ્યંગ-કટાક્ષ. સપાટી પરની જિંદગીની એકવિધતાને રજૂ કરવા માટે આવી અભિધા-લક્ષણાની પ્રયુક્તિઓની યોજના કવિ કાવ્યમાં કરતો હોય છે, ઉદાહરણ તરીકે સુરેશ જોષીકૃત ‘મૃણાલ’. વ્યવહારની ભાષા કે કાવ્યની ભાષા એવા ભેદ પાડવા જ અશક્ય છે. કાવ્યમાં નિરૂપિત સંદર્ભના સ્તરે જ ભાષા વિશેનો નિર્ણય આપી શકાય. કાવ્યને કાવ્ય બનાવવામાં ભાષા કેવો ભાગ ભજવે છે તે જ વિવેચનની તપાસ હોઈ શકે. પછી ભલે એ ભાષા વ્યવહારની હોય, વિજ્ઞાનની હોય કે કોઈ પણ પ્રકારની હોય. જોકે આપણે જાણીએ છીએ કે સાહિત્ય ભાષામય હોય છે, પણ જે કંઈ ભાષામય છે તે બધું જ સાહિત્ય નથી.[29] અલબત્ત સાહિત્યિક ભાષા અને અસાહિત્યિક ભાષા આવાં બે ભાષાસ્વરૂપો હકીકતે પ્રવર્તતાં નથી, પણ ઉક્તિના અનેક પ્રકારો છે અને દરેકને પોતાનું બંધારણ છે. સ્વરૂપની દૃષ્ટિએ સાહિત્યની અને અસાહિત્યની ભાષાઓ વચ્ચે નથી નિતાન્ત ભેદ કે નથી તદ્દન એકરૂપતા. સાહિત્યભાષા જો એક જ ભાષા હોય તો તેના સ્વરૂપને સામાન્ય ભાષાની રીતિપદ્ધતિએ જ તપાસી શકાય. સાહિત્યિક કે અસાહિત્યિક ઉક્તિઓને જુદું પાડનારું કોઈ સ્વરૂપગત ધ્રુવતત્ત્વ નથી માટે સાહિત્યિક કે અસાહિત્યિક ભાષાઓ વચ્ચેનો ભેદ સ્વરૂપગત નહીં પણ સંદર્ભગત છે એવા હરિવલ્લભ ભાયાણીના વિધાન સાથે આપણે સંમત થવું રહ્યું.[30] ભાષાવિજ્ઞાનીઓએ સામાન્ય વ્યવહારની referencial ભાષાનો ઊંડો અભ્યાસ કર્યો છે અને ભાષાની અનેક દૃષ્ટિબિંદુથી વિચારણા કરી છે. ચોમ્સ્કીના મતે તો ભાષાનો અભ્યાસ એ ભાષામાં રહેલાં સાર્વત્રિક અને સર્વવ્યાપી તત્ત્વોનો અભ્યાસ છે. બધી ભાષામાં કેટલાક સમાન ગુણધર્મ હોવાના અને તેના મૂળમાં જગતને જોવાજાણવાની માનવમનની જન્મસિદ્ધ ખાસિયત રહેવાની. રોજર ફાઉલર કહે છે કે અમુક સંવિધાન કે તત્ત્વો બધી કથાઓના વસ્તુમાંથી તારવી શકાય. કવિતાને પણ ‘સાહિત્ય’ સંજ્ઞા હેઠળની જનરલ કેટેગરી તરીકે આપણે સ્વીકારીએ તો જગતનાં બધાં સાહિત્યો અને કવિતાની વચ્ચે કેટલી સમાનતા આપોઆપ જ સ્વીકૃત બને.[31] કાવ્યભાષાની બાબતમાં ઘણાં સાહિત્યોમાં વ્યવહારની ભાષાથી જુદા પડવાનું વલણ જોઈ શકાય છે. લક્ષણા-વ્યંજનાનો આશ્રય લેવાનું વલણ, નવતર ભાષાપ્રયોગો યોજવાની પદ્ધતિ અખત્યાર કરવાનું વલણ અથવા તો કાવ્યભાષા રૂઢ, રેઢિયાળ કે લપટી બને, કાન્તિગુણ ગુમાવે ત્યારે ભાષાનું નવસંસ્કરણ કરી નવા સંદર્ભે તેને આલોકિત કરવાનું વલણ સમાનપણે જોઈ શકાય છે. આપણે જાણીએ છીએ કે કવિતાનું સ્વાયત્ત વિશ્વ હોય છે. આ વિશ્વ રચાય છે ભાષા વડે. આ ભાષા સમાજ, સંસ્કૃતિ અને પરિસ્થિતિની સંપત્તિ છે અને તેમાંથી જ તે પ્રગટી આવી છે. ભાષાનો જન્મ શૂન્યાવકાશમાંથી નથી થતો. કવિતાની ભાષા સંસ્કૃતિ, સમાજ ઇત્યાદિના અધ્યાસોથી મુક્ત નથી. કવિતામાં જ્યારે અર્થની વાત આવે ત્યારે ઉપર્યુક્ત તત્ત્વોથી તે દૂર જઈ શકે નહિ. કવિતામાં પ્રયોજાયેલો પ્રત્યેક શબ્દ આમ તો કશાકનું counter છે. કવિતામાં તે અમુક અસર ઊભી કરવા, અમુક અનુભૂતિના આલેખન માટે પ્રયોજાય છે. શબ્દો સ્વયં અભિધાશ્રયી છે. અતિશયોક્તિનો આશરો લઈ કહી શકાય કે ભાષા સ્વયં સંસ્કૃતિ છે. રોજર ફાઉલર તો કહે જ છે કે કવિને બાહ્ય જગતની સાથે અનિવાર્ય સંબંધ છે.[32] બધી જ ભાષા સર્જનાત્મક છે તેથી આ કવિતાની ભાષા કે આ વ્યવહારની ભાષા એવા ભેદ કેમ પાડી શકાય? કવિતા એ ભાષાકીય સૃષ્ટિ છે અને અનુભૂતિનું કલ્પનાત્મક સંવિધાન છે એટલે સંવિધાને સંવિધાને ભાષાનું સ્વરૂપ પણ ભિન્ન ભિન્ન જોવા મળે છે. કાવ્યમાં પ્રયોજાતી ભાષા વ્યવહારની ભાષાથી દૂર જવાની. વિચારને પ્રતીક રૂપે, કલ્પનરૂપે કે અલંકારયોજના તરીકે જ્યારે કાવ્યમાં કવિ પ્રયોજે ત્યારે કવિનો idea (વિચાર) એ વૈયક્તિક ભાષાની મુદ્રા ઉપસાવે છે. કળા સ્વયં concrete universal છે. અનુભવ જોડેનો અપરોક્ષ સંબંધ રચવા માટે કવિ વિશિષ્ટ પદાવલિ યોજે છે, જે માત્ર conceptual level પર છે તેને sensory level પર લાવે છે. ભાષા કવિને આ રીતે પડકારે છે, તેની જોડે સતત કવિએ સંઘર્ષ કરવો પડતો હોય છે. આ માટે તેના સ્થાપત્યની વિશિષ્ટતા, સદા વિસ્તરતા જતા ભાવરણકારને અનુરૂપ છંદોલય ઉપજાવવાની એની શક્તિ, એની અલંકારયોજના પાછળ રહેલી દૃષ્ટિ[33] આ બધું તેની પદાવલિ પ્રયોજવાની શક્તિ-અશક્તિમાંથી પ્રગટી ઊઠે છે. કાવ્યની ભાષાને જે વિરોધ છે તે વ્યવહારની ભાષા સાથે નહીં પણ શાસ્ત્રની ભાષા સાથે છે. ફ્રેંક કરમોડ તો કહે જ છે કે કવિતા વ્યવહારની ભાષાની સામગ્રીનો જ ઉપયોગ કરે છે કારણ કે કવિ પોતાના ભાવકોને તૈયાર અર્થ આપવા માગતો હોય છે.[34] કવિ ઘણી વાર ગદ્યને તથા પદ્યને નિકટ લાવી તેમાંથી સંવાદ યોજવાનો પ્રયત્ન એ રીતે કરે છે કે કાવ્યને રોજબરોજની ભાષામાં નિમજ્જિત કરી નવો પ્રાણ પ્રગટાવે છે. આ માટે જ કદાચ ઓક્તાવિયો પાઝ જેવાને એટલી હદે કહેવું પડ્યું હશે કે કાવ્યનો સાચો લેખક તે નથી કવિ કે નથી ભાવક, ભાષા જ એ કામ કરે છે (જુઓ પ્રથમ પ્રકરણ-સંદર્ભ ૧૯). ટૂંકમાં, સાહિત્યની ભાષાને વિશિષ્ટ પ્રકારની ભાષા નહીં ગણવાનું વલણ પ્રગટતું જાય છે. કૃતિની તપાસમાં આ ભાષાવૈજ્ઞાનિક અભિગમ કેટલે અંશે સ્વીકાર્ય બને તેની ચર્ચા અત્રે અપ્રસ્તુત છે. આપણે તો કહી શકીએ કે કવિતાને કવિતા બનાવનાર તત્ત્વ એ કવિએ શબ્દનો કેવી રીતે વિનિયોગ કર્યો તે છે. ગદ્ય-પદ્યમાં એક સરખા જ શબ્દો પ્રયોજાય છે તેનો પદાન્વય પણ સરખો, તેનું વ્યાકરણ, તેના ધ્વનિઓ અને tone પણ સરખાં જ છે પણ તે કવિતામાં કઈ રીતે કયા સંદર્ભમાં ગોઠવાય છે તે જ નિર્ણાયક તત્ત્વ બની રહે છે.[35] આ જ સંદર્ભમાં કાવ્યાર્થ ને શાસ્ત્રાર્થનો ભેદ અભિનવગુપ્ત ‘ધ્વન્યાલોક’ની ટીકામાં જણાવે છે કે ‘કાવ્યની પ્રતીતિ શાસ્ત્રની પ્રતીતિ જેવી નથી હોતી... કાવ્યાસ્વાદ વખતે તો વિભાવાદિની ચર્વણા જાદુથી ઉત્પન્ન થયેલા ફૂલની પેઠે ઉત્પન્ન થાય છે.’[36] એટલે કાવ્યની ભાષા વાચ્યાર્થમાં જ પૂર્ણ થઈ જતી નથી પણ સંદર્ભના બળે અનેક અર્થનાં આંદોલનો દ્વારા, અર્થઘટનો દ્વારા વિકાસ પામતી હોય છે. આથી જ કવિતામાં જ્યારે શબ્દોની ગોઠવણી કવિ કરતો હોય છે ત્યારે એણે ઘણી સભાનતાથી કામ કરવું પડતું હોય છે. ગદ્ય અને પદ્યના વિનિયોગ પરત્વે કેવી સભાનતા જાળવવી જોઈએ તેની ચર્ચા પશ્ચિમમાં પણ થઈ છે કે સારા ગદ્ય વડે જે કહી શકાય તેને તુચ્છ પદ્યમાં ન આલેખવું[37] તેથી પાઉન્ડના મતે તો તૈયાર શબ્દસમૂહો કે રૂઢિપ્રયોગોનો ઉપયોગ કવિએ ઓછો કરવો જોઈએ. Great literature is simply language charged with meaning. આમ સારી કવિતામાં ઉત્તમ ગદ્યનાં લક્ષણો હોવાં જોઈએ તેવું એલિયટ, પાઉન્ડ તથા વર્ડ્ઝવર્થ જેવાને લાગ્યું. અહીં પ્રશ્ન એ જ રહે છે કે વ્યવહારના શબ્દો જે અર્થ આપે છે તે ઉપરાંતનો કોઈ વિશિષ્ટ અર્થ કાવ્ય આપે છે ખરું? જો આપતું હોય તો તેનાં વિવિધ અર્થઘટનો શક્ય છે અને ન આપતું હોય તો અર્થઘટનની શક્યતા નથી તેવું આપણે માનવું રહ્યું. કાવ્યના શબ્દો ઉપલક જેટલું આપતા હોય તેથી વધુ એમાં હોવા સંભવ છે એવી અપેક્ષા કે તકેદારી કાવ્યનો સઘન અનુભવ કરનારાઓને તરેહ તરેહનાં અર્થઘટનો માટે પ્રેરતી હોય છે,[38] પદાવલિ પ્રયોજવાની રીતિમાં જ એક કવિ બીજા કવિથી જુદો પડે છે. આ શૈલીભેદે જ તેની કવિતાને તપાસી શકાય. આ શૈલી કે ભાષા સમગ્ર કૃતિના સંદર્ભમાં તપાસી શકાય. આ માટે કવિની ભાષા કેવી હોવી જોઈએ? ઉમાશંકર જોશી એક મુશ્કેલી નોંધતાં કહે છે કે સુરેખ કાવ્ય સુધી ભાષા દ્વારા પહોંચવાનો ક્રમ ભારે કસોટીનો છે. ભાષા જગતના અનુભવોને વ્યક્ત કરવા માટે ઉપજાવવામાં આવેલું વ્યાવહારિક સાધન છે, તેને કવિતામાં તદ્દન જુદી રીતે પ્રયોજવાનો પ્રસંગ આવે છે. શબ્દો અનુભવાત્મક આત્મનિર્ભર જગતનો નિર્દેશ કરવા ટેવાયેલા છે. હવે કવિતાના આત્મપર્યાપ્ત આત્મનિર્ભર જગતનો એમને નિર્દેશ કરવાનો છે એટલે કાવ્યમાં એ યોજાય ત્યારે એમને બહિર્‌-નિર્દેશક મટીને અંતર્‌-નિર્દેશક થવાનું છે.[39] પણ વ્યવહારના શબ્દ અંતર્‌-નિર્દેશક થાય કઈ રીતે? કવિએ આ માટે ભાષાની ઇબારત સાથે છૂટછાટ લેવી પડે છે, ભાષા વાળ્યું વળે તેવું સાધન છે છતાં તે ઠીક ઠીક પ્રતિકાર પણ કરે છે[40] આપણો ઉચ્ચાર કરેલો શબ્દ પોતાની જોડે એક વિભાવાત્મક વિરોધ પણ ઊભો કરતો હોય છે.[41] એટલે ભાષા એ ચેસની રમત જેવી છે, કવિને જો તેના નિયમોને આધારે રમતાં આવડે તો કાવ્ય જોડે તેની શુભદૃષ્ટિ થાય છે, નહીં તો ભાષા જ કવિને પરાસ્ત કરે, તેથી ઘણી વાર કવિ બીજા કવિઓનાં અનુકરણ કરનારો અન્યસારસ્વત જ બની રહે. સાથે સાથે આપણે એ પણ જાણીએ છીએ કે કવિતા એ વાણીની કળા છે. કવિએ શબ્દ જેવા અમૂર્ત વાયવી માધ્યમ દ્વારા સંવેદનને ભાવકના સંવિદ્‌માં સંક્રાન્ત કરવાનું છે એટલે એ અભિવ્યક્તિના અવનવાં સ્વરૂપો સિદ્ધ કરવા મથે છે. કાવ્યનો અર્થ ભાવકને સમજાય એટલેથી જ જો કવિનું કામ પૂરું થતું હોત તો એને કાવ્યની ઉપાદાન સામગ્રી અંગે બહુ મથામણ કરવાની ન રહેત. ભાવકો સમજે એવી ભાષામાં જ કાવ્ય રચવાથી એનું કામ પતી જાત. પણ કવિનો ભાવ કે વિચાર ભાવકને માત્ર સમજાય એટલું જ પૂરતું નથી. આ ભાવ કે વિચારનો એને સાક્ષાત્કાર થવો જોઈએ એટલે સઘન, મૂર્ત ને સ્પષ્ટ રૂપે ભાવકને એનું ભાવન થવું જોઈએ.[42] આ માટે કવિ કઈ કઈ પ્રયુક્તિઓ યોજે છે? કવિનું શબ્દભંડોળ કયા પ્રકારનું છે? કવિતાની ભાષા શાના પર અવલંબે છે? કાવ્યની સર્જનપ્રક્રિયાનો મૂળ પ્રશ્ન તો એ છે કે કવિકલ્પના ભાષામાંથી કવિતા કઈ રીતે પ્રગટાવે છે? એ રીતે કવિની ભાષા મહત્ત્વની બને છે. કવિનો આશય કાવ્યમાં પ્રયોજાયેલા શબ્દો વડે જ શોધી શકાય. અંતે તો કાવ્ય એ જ કાવ્યનું પ્રત્યાયન છે. પણ શબ્દોના અર્થો કંઈ યુગે યુગે બદલાતા નથી પણ તે કાવ્યના સંદર્ભે બદલાય છે.[43] કાવ્યની પદાવલિ કવિના વ્યક્તિત્વને તેના સમગ્રરૂપે વ્યંજિત કરે છે. શબ્દ તો પરિવર્તનશીલ છે તેથી કવિની સામે મોટા પડકાર રૂપે સતત આવે છે. સમયે સમયે શબ્દો અને તેના અર્થોમાં ફેરફાર થતો રહે છે. ભાષાની શક્તિ તેના વપરાશમાંથી આવે છે અને વપરાશમાં જ બદલાય છે, વધે છે અને ઓછી થાય છે એટલે કવિ વપરાતી ભાષામાંથી એ પોતાને ઉચિત શબ્દ લઈ શકે છે.[44] આમ એરિસ્ટોટલથી અત્યાર સુધી થયેલી કવિતાની વિચારણામાં કવિતાની પદાવલિનો પ્રશ્ન આખરે તો રૂપરચનાના પ્રશ્નમાં જ પરિણમે છે. કારણ કે કૃતિનું વિશ્વ તેમાં પ્રયોજાતા શબ્દ વડે જ આખરે નિર્માણ પામે છે. કેમ કે પદાવલિ વિષયનું નિયંત્રણ કરે તે રીતે કૃતિમાં પ્રયોજાય તો રચનારીતિ પ્રત્યેની બેદરકારીમાંથી સર્જક બચી શકે અને મનોરુગ્ણ બન્યા વિના તટસ્થતાથી પોતાની અનુભૂતિનું આલેખન કરી શકે. આ માટે કવિતાનો શબ્દસંદર્ભ પણ એટલો જ મહત્ત્વનો બને છે. આ માટે વિનિફ્રેડ નોવોટની કહે છે કે ‘The question of the diction of poetry is a question of how words affected and are affected by the artistic context they enter.’[45] આપણે જોઈ ગયા કે વ્યવહારની, વિચારની અને કાવ્યની ત્રણેય પ્રકારની ભાષા અભિધા, લક્ષણા કે વ્યંજનાની શક્તિ ધરાવે છે. કઈ કઈ શબ્દશક્તિઓ પ્રવર્તે છે એ પરત્વે કાવ્યની વાણી અને વ્યવહારની વાણી વચ્ચે કશો ભેદ નથી; પ્રમાણનો ભેદ છે ખરો, પ્રકારનો નહીં.[46] તો બીજી બાજુ એક મુશ્કેલી વર્ણવતાં લીચ કહે છે કે કવિએ બે રીતે બચવાનું છે. એક તો પરંપરાગત ભાષાથી અને બીજું રોજબરોજની બોલાતી ભાષાથી. આ બંનેનું વર્ચસ વિરુદ્ધ દિશાનું છે અને બંને વચ્ચે ભાગ્યે જ કોઈ સમતોલન સંભવી શકે.[47] હવે આપણે માટે પ્રશ્ન એ છે કે કવિની કાવ્યપદાવલિને યુગની કાવ્યપદાવલિ જોડે કયા પ્રકારનો સંબંધ છે? કવિ જે યુગમાં રચના કરતો હોય એ જ યુગની બોલાતી ભાષાનો કાવ્યની પદાવલિમાં વિનિયોગ કરી શકે ખરો? આ વિનિયોગ દ્વારા તે પ્રત્યાયન સરળતાથી કરી શકે છે એવું છેતરામણું પદ કવિની ભાષા અને તેની આજુબાજુ બોલાતી ભાષા વચ્ચે માંડી શકીશું ખરા? કવિ પોતાના યુગની ભાષાથી ઊફરો થઈ કાવ્યરચના કરવા જાય ત્યારે તેને શું પોતાની આજુબાજુ બોલાતી ભાષા, શબ્દભંડોળ આ બધાં પ્રત્યે એક જાતની શંકા જાય છે? અને તેને એવું લાગે છે કે પોતાની કાવ્યરચના માટે આ બોલાતી ભાષાની બધી જ શક્તિઓનો ક્યાસ નીકળી ગયો છે અને તેથી (પોતાની રચના માટે) કોઈ વિશિષ્ટ પદાવલિની અનિવાર્યતા છે. આ કઈ રીતે સિદ્ધ થાય? કવિતાની ભાષા તો પોતાના સમયની બોલાતી ભાષામાંથી જ કવિએ શોધી લેવાની છે એવું એક બાજુ કહેવામાં આવે છે. કવિતાની પદાવલિ એ યુગવિશેષનું લક્ષણ છે. કવિ પોતાના યુગની ભાષાને આત્મસાત્‌ કર્યા વિના કવિતા સર્જન ન કરી શકે. પ્રત્યેક યુગની કવિતાની પદાવલિ અને છંદોરચના પોતાના યુગની આગવી એંધાણીઓથી અંકિત હોય છે.[48] પણ પ્રશ્ન એ થાય કે યુગની ભાષા અને કવિની વ્યક્તિગત ભાષાનું કોઈ શાસ્ત્ર હોઈ શકે ખરું? આપણે વિજ્ઞાન જોડે સંમત થઈએ તે જાતનું તે શાસ્ત્ર પ્રગટાવે છે જ્યારે કવિ તો સમ્મતિના વિકલ્પોમાં માને છે એટલે તેની ભાષામાં ફેર પડે છે. એક રીતે જોઈએ તો પ્રત્યેક યુગમાં કવિની સામે તે સમયની બોલાતી ભાષા મોટા પડકારરૂપ હોય છે, પોતાના માધ્યમમાં કાન્તિગુણ તથા અર્થશ્રુતિ કેમ પ્રગટાવવી તે કવિની સમસ્યા હોય છે તથા પોતાની આગવી વૈયક્તિક ભાષા કેમ શોધવી તે તેને માટે મોટો પ્રશ્ન હોય છે. અહીં જ કવિની મૌલિકતાની કસોટી થાય છે. મૌલિક કે આધુનિક હોવું એનો અર્થ અલબત્ત એ નથી ઘટાવવાનો કે કવિએ બોલાતી વ્યવહારની ભાષાથી તદ્દન છેડો ફાડવાનો છે. નવીનતા, આધુનિકતા, મૌલિકતાનો સંદર્ભ અહીં એટલો જ લેવાનો છે કે ચીલો ચાતરીને નવો શબ્દઉન્મેષ પ્રગટ કરવો જેની ભોંય તો પરંપરાગત ભાષા જ હોય. કાન્ત જેવા કવિની કવિતા આવું સમર્થન કરશે. પરંપરાગત ભાષાને પોતાની સર્જકતા વડે આગવી ચેતના આપવાનો કીમિયો કવિ પાસે હોવો જ જોઈએ. આથી જ સુંદરમ્‌ પણ કાવ્યની પદાવલિ સાથે કવિના વ્યક્તિત્વનો અને યુગચેતનાનો સંબંધ સ્થાપે છે.[49] બીજી બાજુ, આપણે એવું કહેવાતું સાંભળીએ છીએ કે કવિ આધુનિક ત્યારે બને જ્યારે તે યુગની ભાષાથી દૂર જાય. પોતાના યુગની ભાષાની લઢણો, રેઢિયાળપણું, નવતાનો અભાવ – આ બધાંથી તે અકળાય ત્યારે પોતાની વિશિષ્ટ પદાવલિ રચવાની અનિવાર્યતા તેને વરતાય. આ અર્થમાં ગાંધીયુગની કવિતા જોઈશું તો તે સમર્થનની કવિતા લાગવા સંભવ છે. તે ખરેખર માનવ પરિસ્થિતિની કટોકટીનું આલેખન કરે છે? તે તો વ્યક્તિએ નિરૂપેલાં દૃઢ આસ્થા કે શ્રદ્ધાનું સમર્થન કરે છે. આપણી માન્યતા કે શ્રદ્ધાને આઘાત આપે એવી ભાષા જૂજ અપવાદો બાદ કરતાં ગાંધીયુગની કવિતામાં વપરાઈ નથી, કવિ સ્થિતસ્ય સમર્થનની સામે ભાષામાં તોડફોડ કરી, વિધિનિષેધોની સામે આઘાતો આપી પોતાની વિશિષ્ટ ભાષા ઊભી કરી શકે. આ માટે તેના પૂર્વગ્રહો, ગૃહીતો તેનાં શબ્દભંડોળને નક્કી કરે છે. પહેલાં એટલું જાણી લઈએ કે જ્યારે આપણે ભાષા બોલીએ છીએ ત્યારે આપણે માત્ર આપણી ભાષાનું જ coherence demonstrate નથી કરતા પણ સાથે સાથે social systemનું પણ coherence ઊભું કરીએ છીએ. રોજની જીવાતી જિન્દગી, સમાજ અને વ્યક્તિ વચ્ચેનો સંબંધ, સામાજિક નિર્ણયો માટેના સાક્ષી તરીકે અને કાવ્યના માધ્યમ તરીકે ભાષાને પ્રયોજીએ છીએ કેમકે આ અનુભવો અને જે ભાષામાં તે પ્રગટ થાય છે – આ બંને અભિન્ન છે.[50] તેથી સામાન્યપણે તે સમયની ભાષા કવિના કાવ્યમાં આવે તો નવાઈ પામવા જેવું નથી. ભાષા સર્જકના વ્યક્તિત્વ પર આધારિત છે. ભાષા દ્વારા જ સર્જકનું વ્યક્તિત્વ નિર્માણ પામે છે તેથી આ સંદર્ભમાં યુગની કે તે સમયની ભાષા વિશે વિચાર થઈ શકે, ભાષાનું બદલાતું સ્વરૂપ અંતે તો કવિના સમયને તથા તેની જીવનદૃષ્ટિને જ અભિવ્યક્ત કરે છે. કવિતાની ભાષાને સામાજિક અર્થ કે મૂલ્યોથી અલગ પાડીને ન જોઈ શકાય. આ રીતે ભાષામાં જ આપણને સંસ્કૃતિની પરંપરા જોવા મળે છે. દરેક યુગ પોતાની આગવી કાવ્યપદાવલિ ઉપજાવે છે. સુધારકયુગને મધ્યકાલીન કવિતાની પદાવલિથી ઊફરા જવું પડ્યું તો પંડિતયુગને સુધારકયુગની પદાવલિ કામમાં ન આવી. અંતે તો એક યુગની પદાવલિ બીજા યુગની પદાવલિ કરતાં ભિન્ન જ રહેવાની છે કેમકે કવિતાની ભાષા એક યુગમાં જ્યારે લીસી-લપટી બની જાય, તેનાં તૈયાર universals થવા માંડે ત્યારે સર્જકે પોતાના સમયની કવિતાની પદાવલિ કરતાં જુદી જ પદાવલિ પોતાની કવિતામાં યોજવી એ તેની જવાબદારી બની જાય છે. અલબત્ત, આપણે પણ સુંદરમ્‌ની જેમ સ્વીકારવું રહ્યું કે ‘કાવ્યની બાની એ બધાં કરતાં ય અને નિયમોમાં ન બાંધી શકાય તેવો વિષય છે. કવિનું વ્યક્તિત્વ, તેની જ્ઞાનસંપત્તિ, તેની મનોવૃત્તિ તથા કાવ્યનો વિષય, કાવ્યનું લક્ષ્ય, તેમાંનો રસ તથા તે વખતના દેશ અને કાળ એ બધાંમાંથી પ્રત્યેક કાવ્યની કાવ્યબાની નિર્માણ પામે છે. પ્રત્યેક યુગની કાવ્યબાની જુદી હોય છે અને કવિની કૃતિએ કૃતિએ પણ બાની જુદી જુદી બને છે એમાં કોઈ સર્વસામાન્ય નિયમ આપવો હોય તો ઔચિત્યનો આપી શકાય. જે લક્ષ્યપૂર્વક, જે રસ માટે જે વર્ગને ઉદ્દેશીને રચના થઈ હોય તો તેનો પૂર્ણ ઔચિત્યપૂર્વક નિર્વાહ કરી શકે અને પોતાનું કશુંક વ્યક્તિગત ચારુત્વ અને નવત્વ નિપજાવી શકે.[51] કાવ્યનો શબ્દ બીજાં ઘણાં ઘટકતત્ત્વોથી પ્રભાવિત થતો હોય છે તેથી ઓલ્સન જેવા શબ્દને બહુ મહત્ત્વનો ન ગણે પણ બીજી બાજુ કવિતામાં પ્રયોજાયેલા શબ્દો દ્વારા જ આપણે કાવ્યવિશ્વમાં પ્રવેશી શકીએ છીએ તેથી શબ્દ કાવ્યમાં વિશેષ મહત્ત્વનો બને છે. કાવ્યપદાવલિ નર્યું શબ્દસંઘટન નથી પણ કાવ્યપદાવલિ કવિના વ્યક્તિત્વ સાથે સંકળાયેલી છે. બે કવિઓ એક જ શૈલીનો વિનિયોગ કરે છે છતાં બંને જુદા પડી જાય છે તે સૂચવે છે કે પદાવલિ કવિના વ્યક્તિત્વ જોડે સંલગ્ન છે.[52] દરેક યુગની ભાષાને પોતાની વિશિષ્ટતા, મર્યાદા અને પરંપરા હોય છે. કવિ જો પરિચિત પદાવલિ છોડી જુદા પ્રકારનો પદવિન્યાસ રચવા જાય તો એનો અર્થ એ થાય કે કવિને સંપ્રજ્ઞાત ચિત્તના બુદ્ધિનિર્ભર રચનાતંત્રમાં વિશ્વાસ નથી. આ પ્રશ્નની ચર્ચા ડોનાલ્ડ ડેવી જેવા વિવેચકે કરી છે. તેના મતે તો યુગની ભાષા, રોજબરોજની ભાષાનો જ કાવ્યપદાવલિમાં વિનિયોગ થવો જોઈએ.[53] કવિનું વ્યક્તિત્વ એની શૈલીમાં પ્રતિબિંબિત થાય, કવિનો વ્યક્તિવિશેષ તેની પદાવલિમાં કોઈ ને કોઈ રીતે અનુસ્યૂત થયેલો જોવા મળે. સાચો કવિ એના જીવનમાં એક જ રચના કરતો હોય છે એવી એલિયટની વાતને જરા જુદી રીતે શૈલીવિજ્ઞાને અને ચૈતન્યલક્ષી વિવેચકોએ કહી છે. કોઈપણ કૃતિને તે સર્જકની અન્ય રચનાઓના સંદર્ભમાં અને સમગ્ર યુગના સંદર્ભમાં જ મૂલવી શકાય. કવિ પોતાની પદાવલિ દ્વારા જ particular universal કે universal particular રજૂ કરતો હોય છે. હવે આપણે કાવ્યપદાવલિમાં પ્રયુક્ત થયેલા શબ્દોની વાત કરીએ. કવિતામાં શબ્દો એકબીજાથી શી રીતે પ્રભાવિત થાય છે અને કાવ્યના સંદર્ભમાં પ્રવેશતાં જ કઈ રીતે તે પ્રભાવિત થાય છે તેની તપાસ એ કાવ્યપદાવલિની તપાસ છે. આ શબ્દપસંદગી કવિના કયા વલણને છતું કરે છે? પદાવલિ વિશેની સમજ આમ તો હજી ઘણી ધૂંધળી છે. કવિની શબ્દપસંદગીને જ કાવ્યમાં મહત્ત્વ આપતા વિવેચકોએ કવિના શબ્દભંડોળ પૂરતો જ કાવ્યની પદાવલિનો સંદર્ભ મર્યાદિત રાખ્યો છે. કવિની શબ્દપસંદગી અથવા કવિનું ભાષાભંડોળ આને કાવ્યસમગ્રના સંદર્ભથી કઈ રીતે અલગ પાડી તપાસીશું? આપણે જાણીએ છીએ કે શબ્દ અને સંદર્ભ એ કંઈ કાવ્યનાં ભિન્ન ભિન્ન તત્ત્વો નથી. તો કવિતામાં કયા શબ્દો આવી શકે? એરિસ્ટોટલ તો તરત જ કહેશે કે કવિ ભાષાની સર્વાશ્લેષી શક્યતા તપાસે માટે પરિચિત અપરિચિત, સામાસિક, વક્રોક્તિપ્રધાન શબ્દો કાવ્યમાં પ્રયોજવા જોઈએ.[54] કાવ્યમાં પ્રયોજાતા આ શબ્દો અનેક રીતે આપણી પાસે આવે છે. બોલાતી ભાષાના ઉચ્ચરણો વડે શબ્દનો એક ધ્વનિ જન્મે છે. શબ્દ એ વસ્તુના પ્રતીકો (symbols of things) છે પણ સ્વયં વસ્તુઓ નથી, પદાર્થ નથી. આ શબ્દો જ્યારે કાવ્યમાં પ્રયોજાય ત્યારે ત્રણ રીતે અર્થ વ્યક્ત કરે; પ્રતીક દ્વારા, સાહચર્યો દ્વારા, મૂર્ત કે અમૂર્તના સૂચન દ્વારા. શબ્દને સાહચર્યો દ્વારા અર્થ પ્રાપ્ત થાય, શબ્દ કશાક વિચારનું સૂચન કરે જે આપણા ચિત્તમાં પહેલેથી જ સ્થાન ધરાવતા હોય, ઘણી વાર પ્રતીક દ્વારા પરોક્ષપણે વિચાર વ્યક્ત થાય, આ શબ્દો પોતાનો અર્થ સંદર્ભ પ્રમાણે બદલે, સાહચર્યો દ્વારા વિવિધ પ્રકારના અર્થો નિષ્પન્ન કરી શકે અને સમય પ્રમાણે શબ્દો પોતાના અર્થો બદલાવે પણ ખરા.[55] પદાવલિ, અલંકાર, પ્રતીક ઇત્યાદિ બધાં જ તત્ત્વો આખરે તો કવિતાની ભાષાની ચર્ચા કરે છે પણ આપણે શાના પર ધ્યાન કેન્દ્રિત કરવા માગીએ છીએ તે અગત્યનું છે. આપણે કાવ્યની પદાવલિની તપાસમાં કવિના શબ્દભંડોળને અલગ રીતે જોતા નથી. કાવ્યમાં ભાષાનું મહત્ત્વ, તેનું રૂપગત બંધારણ, તેની અનેકકેન્દ્રી પરિમાણકારી પ્રમાણભૂતતા પ્રગટ કરવા કવિએ ખપમાં લીધેલાં અને વાચ્યાર્થ દ્વારા પ્રગટ થતાં તથા વ્યંજના દ્વારા સૂચવાતાં શબ્દગત ઘટકો વચ્ચેનો સંબંધ આપણે પદાવલિ દ્વારા તપાસી શકીએ. ભાષા એ કંઈ નરી શબ્દોની ગોઠવણી નથી. પણ શબ્દો તો વાક્યના અન્વય રૂપે, એકબીજા જોડે સંબંધો સ્થાપતાં વિધાનો રૂપે, પ્રશ્નો રૂપે, નિવેદન રૂપે, અને આવી અનેક રીતે આવીને પછી તે પુનરાવર્તનો દ્વારા, ભાષા દ્વારા, વાદવિવાદ રૂપે વર્ણન, કટાક્ષ કે કથન રૂપે અને આવી બીજી અનેક રીતે કાવ્યમાં આવી કાવ્યનું સંગઠન (Form) રચતા હોય છે.[56]ભાષાની અંતર્ગત લાક્ષણિકતા તેમ જ સહજપણે જ્ઞાત થઈ શકે તેવાં ભાષાનાં પુનરાવર્તનો વચ્ચેના સંબંધનો આગ્રહ અને ભાષાની ઔપચારિકતા તથા ભાષાની ક્રિયાશીલતા શું છે તે વચ્ચેના સંબંધોનો આગ્રહ અને સાથે સાથે ઉપર ઉપરથી દેખાતાં ભાષાની અભિવ્યક્તિનાં સાધનો તેમજ અદૃશ્ય અને ન કળી શકાતાં વ્યંજનાનાં સ્તરો પણ કાવ્યપદાવલિમાં જ નિહિત હોય છે. પહેલાં તો આપણે શબ્દભંડોળની તપાસમાં ભાષાનાં ઔપચારિક પાસાંને અને તેનાં ક્રિયાશીલ પાસાંને તપાસવાં જોઈએ અને તે દ્વારા તેમાં દેખાતી અર્થસૂચકતા તપાસવી જોઈએ. આ માટે વાક્યમાંના એક જ શબ્દના અર્થને પ્રથમ તો અર્થની દૃષ્ટિએ નાણવો રહ્યો. આ માટે શબ્દ એ પદાર્થ નથી પણ પરંપરા છે તે દૃષ્ટિકોણથી જુદો દૃષ્ટિકોણ થોડી વાર કેળવવો રહ્યો. પ્રથમ તો આપણે અર્થની તપાસ કરવી જોઈએ માટે એક એક શબ્દના અર્થ કે જેના પર અર્થના બધાં જ માળખાંઓ આધાર રાખે છે તે શબ્દના મુખ્યાર્થ પૂરતા જ મર્યાદિત છે એમ માનવું રહ્યું. અહીં શબ્દ-પદાર્થ વચ્ચેના સંબંધમાં કે જેમાં અર્થ દરમ્યાનગીરી કરનાર બને છે તેને આપણે ‘સંદર્ભ’ કહી શકીએ. પદાર્થ કે જેની સાથે શબ્દો સંબંધ સ્થાપે છે તેને આપણે ‘સંદર્ભનો વિષય’ કહી શકીએ. આ બંનેને એક સાથે આપણે ‘વિષયવસ્તુ’ પણ કહી શકીએ. આમ શબ્દ જે સૂચવે છે તે જ વિષય અથવા વિષય અને સંદર્ભ. આપણે કયા toneમાં વાત કરીએ છીએ તેને આધારે આપણે શબ્દો વાપરતા હોઈએ છીએ. ઉદાહરણ તરીકે તમે ધંધાદારી તરીકે, ઉદાસીન બનીને કે તદ્રૂપતાથી વાત કરો છો તે તો શબ્દો, તેના સંદર્ભગત અર્થથી જ જ્ઞાત થાય છે. અર્થ અને સંદર્ભ વચ્ચેનો તફાવત સ્વાભાવિક છે કે થોડી ચર્ચા માગી લે. આના સમર્થન માટે આપણે કેટલાક શબ્દયુગ્મો દર્શાવી શકીએ. આ માટે જ્યારે આપણે પર્યાયવાચી સંજ્ઞાઓ, શબ્દો યોજીએ ત્યારે અભિવ્યક્તિની દૃષ્ટિએ ભેદ હોય તેવા શબ્દોનો સામનો કરવાનો વારો આવે. અથવા તો મર્યાદિત રીતે અર્થની રીતે અલગ અલગ હોય, જે એક જ વિષય, એક જ કાર્ય અને એક જ પ્રકારની ગુણવત્તા ધરાવતાં શબ્દયુગ્મો હોય. ઉદાહરણ લેખે માણસ – ડૉક્ટર, સંદર્ભની દૃષ્ટિએ એક જ વ્યક્તિ પૂરતું આ મર્યાદિત કહી શકાય. અથવા વિહાર કરવો, ભ્રમણ કરવું, ફરવું, આ બધું પ્રવાસ શબ્દના સંદર્ભમાં યોજી શકાય. નેવી બ્લૂ, ડાર્ક બ્લૂ આ બધા એક જ બ્લૂ કલરના સંદર્ભમાં યોજી શકાય. આજીજી, નિવેદન, કાલાવાલા વિનંતીના સંદર્ભમાં યોજી શકાય. આ બધા શબ્દો અભિધાના જ પર્યાયવાચી શબ્દગુચ્છો બની રહે છે. આમ એક પદાર્થને સૂચવતા અનેક શબ્દો મળી રહે પણ અંતે તો તેનો સંદર્ભ જ કાવ્યને કાવ્ય બનાવવા ઉપર આધાર રાખે. ઘણી વાર કવિ છંદ જાળવવા, લઘુ-ગુરુની માત્રા સાચવવા આ પ્રકારના શબ્દોની સહાય લે. ‘અમરકોશ’માં ‘કમળ’ શબ્દના અનેક પર્યાયવાચી શબ્દો મળે : નલિની, કુમુદિની, પંકજ, ઉત્પલ ઇત્યાદિ. આપણે તો આટલી વસ્તુનો ખ્યાલ રાખવાનો રહે છે કે શબ્દ ચિત્તમાં કેટલા અધ્યાસો જગાડે છે? શબ્દ કાવ્યમાં કઈ ભૂમિકાએ પ્રયોજાય છે? ઉદાહરણ તરીકે આજીજીની? વિનંતીની? કાલાવાલાની? અથવા તો પાંડિત્યપૂર્ણ ઔપચારિક ભૂમિકાએ શબ્દ પ્રયોજાય તો કાવ્યની શૈલી વસ્તુલક્ષી બને. અથવા તો વ્યક્તિ સાથે મોઢામોઢ વાત કરો ત્યારે શૈલી વાતચીતની બને પણ ત્યાં ભેદ પડે કે તમે કોની સાથે વાત કરો છો. ઉદાહરણ તરીકે સફરજન અથવા કેરી તેનો એક અર્થ ખાવાનું ફળ થાય છે પણ બે પુરુષો તેની વાત કરે અને એ પણ slangમાં વાત કરે ત્યારે તેનો અર્થ તેઓના મનમાં ‘સ્તન’ પણ હોઈ શકે છે. શબ્દનો સર્જનાત્મક વિનિયોગ તેના સંદર્ભ પ્રમાણે બદલાય છે, પણ તે કઈ ભૂમિકાએ બદલાય છે તે તો કૃતિ જ સ્વયં જ નક્કી કરે છે. શબ્દનું વિભાવનાગત સ્વરૂપ તો હોય જ છે પણ તેનાં શૈલીગત લક્ષણો સમગ્ર કાવ્યયોજનામાં સંદર્ભ પ્રમાણે બદલાતાં રહે છે, શબ્દને અર્થ તો હોય જ તાત્પર્ય દ્વારા પણ અર્થ હોય છે, વૃત્તિભેદે એક જ શબ્દ વાચક, લાક્ષણિક કે વ્યંજક હોઈ શકે.[57] શબ્દને આ રીતે અર્થ હોય છે અને તે તાત્પર્ય દ્વારા પણ સમજી શકાય. એટલે એ શબ્દ સમગ્ર વાક્યમાંથી કયા ભાવે નિષ્પન્ન થાય છે તે પણ જોવું રહ્યું. સ્ત્રીને ‘કામિની’ ‘મીનાક્ષી’, ‘નારી’ કહી શકીએ પણ કયા સંદર્ભમાં કહીએ છીએ તે મહત્ત્વનું છે. શૈલીગત રીતે પણ શબ્દની યોજના વાક્યના સંદર્ભ પ્રમાણે તપાસવી જોઈએ. શબ્દ ઉપર આપણી અભિવ્યક્તિની, આપણા વિચારોની મુદ્રા પણ આપણે પ્રકાશિત કરીએ છીએ તેથી વાક્યમાં આવતા શબ્દનો સંદર્ભ સમાચારની, આજીજીની, આજ્ઞાની આવી અનેક મુદ્રાઓ ઉપસાવે છે. થોડાં ઉદાહરણો જોઈએ. ૧. ડૉક્ટરે સવારે તેને જોયો અને મને કહ્યું કે ચિંતા કરવાનું કારણ નથી. અહીં ‘ડૉક્ટર ‘સવાર’ વચ્ચે એક સંબંધ છે. ૨. તે સવારે ડૉક્ટરને મળ્યો ને મને કહ્યું કે ચિંતા ન કરશો. આ વાક્યમાં અન્વયનું રૂપ જ બદલાઈ ગયું છે. ૩. ડૉક્ટરે તેને સવારે જોયો હતો અને મને કહ્યું કે ચિંતા કરશો નહીં. આમ આ વાક્ય વધારે ને વધારે ઔપચારિક બનતું જાય છે. ૪. સવારે ડૉક્ટરે દરદીને તપાસ્યો અને સમાચાર આપ્યા કે તેની પરિસ્થિતિ હવે સારી છે. આ કોઈ વ્યવસ્થિત સમાચાર બુલેટીનની જેમ વાક્યમાં આવે છે. આ પ્રમાણે પદાવલિની અંદર અનેક રીતે અન્વયો આવીને, શબ્દો બાજુ બાજુમાં મુકાઈને વિશિષ્ટ અર્થસંદર્ભ નિપજાવતા હોય છે. એક શબ્દ અને બીજો શબ્દ જુદા છે. ઉદાહરણ તરીકે ૧. ‘ચોક’ અને ‘ચીઝ’ બંને પદાર્થ તરીકે જુદા છે. ૨. કેટલાક શબ્દો સરખા છે. પર્યાયવાચી ડૉક્ટર-સર્જન પણ ‘ડૉક્ટર’ ‘સર્જન’ ‘દાંતના ડૉક્ટર’ ‘હાડકાંના ડૉક્ટર’ આ એકબીજાથી પાછા તાત્પર્યભેદે જુદા જુદા છે. આમાંની ‘ડૉક્ટર’ સંજ્ઞા સામાન્ય છે. જ્યારે ‘આંખના ડૉક્ટર’, ‘દાંતના ડૉક્ટર’ એવી સંજ્ઞાઓ વિશિષ્ટતા દર્શાવે છે. બીજી બાજુ એક જ ઘટના બે કે ત્રણ સ્તરે શબ્દો દ્વારા રજૂ થઈ શકે. ઉદાહરણ તરીકે ૧. તેઓએ સોદાની બાબતમાં મંજૂરી દર્શાવી અથવા તો ૨. અને તેઓએ સોદાની મંજૂરી માટે હસ્તધૂનન કર્યું. આ રીતે જે હકીકત છે તે સંદર્ભને કારણે અલગ પડી જાય છે. એક જ વાત આપણે હકીકત રૂપે, નિર્ણય રૂપે, ઇન્દ્રિયજન્ય બોધ રૂપે પામી શકીએ. ૧. ડૉક્ટરે આવી દરદીનું લોહી લીધું. (હકીકત) ૨. દરદીને ઈજા કર્યા વિના ડૉક્ટરે કુશળતાથી તેનું લોહી લીધું. (નિર્ણય) ૩. સફેદ કોટ પહેરેલા ડૉક્ટરે દરદીને ક્લોરોફોર્મ આપ્યું તથા તેનું લોહી લીધું. (ઇન્દ્રિયજન્ય) આમ શબ્દ અનેક અર્થછાયાઓ રૂપે અભિવ્યક્તિ પામતો હોય છે તેથી તો શબ્દની લક્ષણા અને વ્યંજના શક્તિ છે. અલંકાર, પ્રતીક, કલ્પનની યોજના દ્વારા કવિ શબ્દોનો લાક્ષણિક અને સંદિગ્ધ વિનિયોગ કાવ્યમાં કરતો હોય છે, શબ્દ પ્રયોજવાની વિશિષ્ટ રીતિમાંથી જ કવિના કર્મનો, તેની સર્જકતાનો અંદાજ આવતો હોય છે. જાણીતા, અજાણ્યા, મૂર્ત, અમૂર્ત, નવા-જૂના કોઈ પણ શબ્દને સંદર્ભના બળે કવિ કાવ્યાત્મકતા આપી શકતો હોય છે. તેથી આપણે કોઈ પણ કાવ્યકંડિકા લઈએ અને એ કંડિકા અંશતઃ મહત્ત્વની વર્ણનાત્મક વિગતો ધરાવતી જોઈએ; અંશતઃ વિશિષ્ટ અર્થ ધરાવતી સંજ્ઞાઓની અન્વીતિ તરીકે જોઈએ અને અંશતઃ શબ્દ તરીકે અમુક મૂલ્ય ધરાવતા અને કેટલાક સંબંધિત અભ્યાસો ધરાવતા શબ્દોની શ્રેણી તરીકે જોઈએ તો પછી રૂપરચના ક્યાં? સામગ્રી ક્યાં? ટૂંકમાં ભાષા ક્યાં?[58] (આથી શબ્દ, ભાષા અને રૂપરચનાનો પ્રશ્ન અલગ છે જ નહીં સામગ્રી રૂપાંતરિત થાય ત્યારે જ ફોર્મ બને.) આથી જ રોલાં બાર્થ કહે છે કે ઠળિયાવાળા ફળમાં તો ઠળિયો અને તેને આવરીને પડેલો ગર્ભ એવાં વિભાગીકરણ જોઈ શકાય છે પરંતુ ડુંગળીને જેમ અનેક સ્તરો હોય છે, આ સ્તરો એકબીજા જોડે અવિનાભાવી રીતે સંકળાયેલાં હોય છે, તેમ કવિતામાં પણ પદાવલિ, અલંકાર, છંદ, પ્રતીક, ભાવ, ઇત્યાદિ કાવ્યનાં અનેક સ્તરો છે જે એકબીજા જોડે સંલગ્ન હોય છે. કાવ્યનું ભાષાકીય વાતાવરણ આગવું હોય છે. દરેક શબ્દનો આગવો ઐતિહાસિક, પૌરાણિક, સામાજિક સંદર્ભ હોય છે. અથવા શબ્દ શબ્દ જોડેના સાહચર્યોને પ્રગટ કરીને કવિ આગવો સંદર્ભ ઉપજાવતો હોય છે. શબ્દને સાહિત્યિક સંદર્ભ ન હોય છતાં પણ કવિ દ્વારા યોજાયેલો શબ્દ કાવ્યનું નવું-જુદું અર્થઘટન કરાવવા પર્યાપ્ત હોય છે, અથવા નીવડી શકે છે. કવિતામાં પ્રયોજાયેલા શબ્દો માત્ર સંદર્ભયુક્ત પ્રતીકાત્મકતા જ નથી ધારણ કરતા પણ તે શબ્દો સ્વયં જ એકબીજા જોડે કંઈ વિશિષ્ટ સંદર્ભે અન્વય પામ્યા હોય છે. આથી શબ્દની અર્થત્રિજ્યા હંમેશાં કાવ્યમાં વિસ્તરેલી હોય છે. ‘અંધારું’ શબ્દ જ જુઓ – મણિલાલ દેસાઈ, ગુલામમોહમ્મદ શેખ, ઇત્યાદિ કવિઓની કવિતામાં તેનું વિશિષ્ટ સંદર્ભયુક્ત પ્રદાન જોઈ શકાય છે. ગુલામમોહમ્મદ શેખના ‘અંધકાર અને હું’ કાવ્યમાં કવિ અંધકારને અનેક સ્તરે ઇન્દ્રિયપ્રત્યક્ષો દ્વારા સૂક્ષ્મ રીતે નિરૂપે છે. કવિ સમુદ્રની છાતી તથા પોતાના આંગળા વચ્ચે અંધકારની સમીપતા અનુભવે છે. પથરાની છાતીને ચીટકેલા ખાર જેવું અંધકારનું ઘર કવિને લાગે છે. અંધકારનાં વસ્ત્રો ચીરી સમુદ્ર નગ્નટોટેમ જેવો લાગે છે, અંધકાર સૂકા, સડેલા વૃક્ષની આંખોમાં ગંદા કપડાની જેમ ભરાઈ ગયેલો, જર્જરિત તંબૂ જેવો કવિને લાગે છે. કવિ તેને ગભરુ, રેશમી અંધકાર પણ કહે છે. આમ અંધકાર શબ્દ અર્થની અનેક શક્યતાઓને અહીં સ્ફુટ કરે છે. કાવ્યમાં શબ્દનો કળાયુક્ત સંદભદ્યોતક વિનિયોગ રોજબરોજની બોલાતી ભાષા કરતાં જુદો હોય છે તે આ અર્થમાં. માટે કાવ્યપદાવલિનો મૂળ પ્રશ્ન તો એ છે કે શબ્દો કઈ રીતે સંદર્ભયુક્ત કળાત્મક વિનિયોગ દ્વારા કવિતામાં પ્રયોજાય છે. અહીં બીજી પણ એક મહત્ત્વની વાત યાદ રાખવાની છે કે કાવ્યમાં શબ્દોની ગોઠવણી વિષયવસ્તુ પર જ આધાર રાખતી નથી પણ કવિ જે વિષય પસંદ કરે છે તેને શબ્દબદ્ધ કરવા અલગ અલગ પ્રયુક્તિઓનો આશરો લે છે. આ માટે કવિ કવિતામાં વિવિધ શબ્દશક્તિઓનો ઉપયોગ કરે છે તથા વિવિધ રીતે શબ્દઆયોજન પણ કરે છે તો બીજી બાજુ અમુક અંશે સમયની પરંપરા, અમુક અંશે છંદો, નિરૂપ્ય વિષય અથવા ભાવ તો કેટલીક વાર કવિપ્રકૃતિ પદાવલિનું નિયંત્રણ કરે છે તે પણ એટલી જ સ્વીકૃત હકીકત છે તે ન ભૂલવું જોઈએ. પહેલાં તો એવું માનવામાં આવતું કે કવિતામાં શબ્દની વ્યંજનાશક્તિ હોવી જ જોઈએ પણ કવિતાનો સંદર્ભ માત્ર સપાટી પરના જીવનની જ વાત કરવા માગતો હોય તો કવિ અભિધાનો પણ એક પ્રયુક્તિ તરીકે વિનિયોગ કરી શકે. ઉદાહરણ તરીકે સુરેશ જોષીના કાવ્ય ‘એક ભૂલા પડેલા રોમેન્ટિક કવિનું દુઃસ્વપ્ન’માં વ્યક્તિના જીવનની યાંત્રિકતા દર્શાવવા માટે કવિએ રોજબરોજની સીધી-સપાટ પદાવલિનો જ એક ખંડમાં વિનિયોગ કર્યો છે. જીવન કેવું છિન્નભિન્ન થતું જાય છે તે વિષય તરીકે સંકુલ છે પણ તેની અભિવ્યક્તિ રમતભરી ભાષામાં, બાળકથાની ભાષામાં અને બોલચાલના કાકુઓની ભાષાપ્રયુક્તિ દ્વારા કવિ કહે છે. તો રાવજી પટેલ ‘સ્વ હુશીલાલની યાદમાં’ કાવ્યમાં ગંભીર વિષયની રજૂઆત મરશિયાનો કાવ્યપ્રકાર સ્વીકારીને, ઠઠ્ઠા, મશ્કરી, વ્યંગ, કટાક્ષની પ્રયુક્તિ દ્વારા કરે છે. આ બંને કવિતાની ચર્ચા આગળ કરી છે. શબ્દો સ્વયં કાવ્યાત્મક કે અકાવ્યાત્મક હોતા નથી. સર્જક અકાવ્યાત્મક કહેવાતા શબ્દોનો પણ કાવ્યમાં વિનિયોગ કરી તેનું આગવું પરિમાણ સિદ્ધ કરી શકતો હોય છે. કાવ્ય તરીકે સિદ્ધ થયેલી ઉત્તમ કૃતિમાં પણ કવિએ તુચ્છ સામાન્ય વપરાશની ભાષાના અકાવ્યાત્મક કહેવાતા શબ્દોનો વિનિયોગ કરી તે શબ્દો દ્વારા કાવ્ય સિદ્ધ થતું દર્શાવ્યું છે. ઉદાહરણ તરીકે ગુલામમોહમ્મદ શેખની ‘શહેર’ રચના જોઈએ.

ભૂંડા ભખ્ખ ધાન જેવું
કોળિયાની સાથે આંતરડામાં ઊતરી જાય છે.
કડવું, કઢંગું
શીરાઓમાં પ્રસરે,
પાંસળામાં ખૂણા કાઢે,
હાથપગજીભે પરસેવો, લાળ થઈ લટકે.
શ્વાસમાં ગંધાય સંડાસ જેવું,
આંખો અને ગુદામાં
બારીઓ જેવું ઊઘડે, બંધ થાય.
રઝળતો રઝળતો થૂંકી નાખું શહેરને,
ઓકું ફૂટપાથ પર,
મૂતરી કાઢું,
બકું,
લવું એની કવિતા.
(‘અથવા’) ૭૩

કાવ્યમાં માત્ર ‘વિરોધ’ બતાવવા આવા પ્રકારના શબ્દોનો ઉપયોગ થાય છે તે કહેવું રસકીય દૃષ્ટિએ તો બરાબર નથી જ તેમ જ યોગ્ય પણ નથી. રોજબરોજની ભાષામાં વપરાઈને લપટા પડી ગયેલા, ઘસાઈ ગયેલા શબ્દો પણ સંદર્ભ અને સર્જકતા વડે પ્રકાશવંતા બની શકે છે. ટી. એસ. એલિયટ જેવા કવિએ આ સિદ્ધ કરી બતાવ્યું છે. ‘શબ્દપસંદગીમાં એ જૂનો-નવો છે, સ્વ-પરભાષાનો છે, એવા જડ નિયમને માનવામાં ભાષાને એકંદરે નુકસાન છે. તે સ્થળે એ જ શબ્દ – એ જ અને બીજો કોઈ નહીં – કામ આવી શકે એમ હોય તો બેધડક એનો ઉપયોગ કરવો જોઈએ. ક્યારેક એ વ્યાકરણદુષ્ટ હશે, ઘસાઈ ગયેલો હશે, તદ્દન અજાણ્યો, નવીન, લેભાગુ જેવો હશે. કશી ચિંતા નહીં દરેક શબ્દ ભરી બંદૂક હોય એ જ બસ છે. નિશાન વીંધે એટલે બસ... ભાષામાં ભ્રંશ થતો જ નથી, ઉત્ક્રાંતિ થાય છે. શબ્દપસંદગીમાં બહુ રૂઢિચુસ્ત કે ચોખલિયા થવું બિનજરૂરી અને હાનિકર્તા છે.[59] ઉમાશંકર જોશીએ ગદ્ય માટે કરેલું આ વિધાન કાવ્ય માટે પણ એટલું જ સાચું છે. કાવ્યાત્મક અસર માટે પદાવલિની અનિવાર્યતા છે તે વાત બરાબર પણ આ નિમિત્તે કેટલાક પ્રશ્નો પણ ઊભા થાય છે. પદાવલિ કાવ્યમાં નિરૂપિત કે વર્ણિત ભાવને કેટલી અસરકારક રીતે મૂર્ત કરી શકે? કાવ્યમાં પ્રયોજાયેલા શબ્દો કઈ રીતે અસરકારક સાબિત થઈ શકે? લય, પ્રાસયોજના, અને શબ્દોની ભાત કવિતામાં એક સાથે કેવી રીતે કામ કરી શકે? નિરંજન ભગતની એક કવિતા ‘એકસૂરીલું’ આ સંદર્ભમાં તપાસીએ.

એ જ તેજ
એ જ ભેજ
એ જ સેજ
એ જ એજ
એ જ બેપગા
લગા લગા લગા લગા
(‘છંદોલય બૃહત્‌’ પૃ. ૧૫૮)

એકસૂરીલાપણું કાવ્યનો વિષય છે અને કાવ્યના શીર્ષકમાં એકવિધતા, રેઢિયાળ જીવનની ગતિ આદિનો નિર્દેશ પણ જોઈ શકાય છે. કાવ્ય ગુલબંકી છંદમાં લખાયેલું છે. ગુલબંકીનાં ગુરુ લઘુનાં આવર્તનો પ્રથમ પાંચ પંક્તિમાં અને લઘુ ગુરુનાં આવર્તનો કાવ્યની અંતિમ પંક્તિમાં જોઈ શકીએ છીએ. અહીં ભાષાનો વિનિયોગ વર્ણોના આવર્તન દ્વારા એકવિધતા સૂચવવા માટે થયો છે. અહીં માત્ર ‘તેજ’ જેવો તત્સમ શબ્દ છે, બાકી તત્સમ શબ્દનો વિનિયોગ સમગ્ર કાવ્યમાં થયો નથી. કવિને માનવી વિશે જે સંવેદન થયું છે તેને ચુસ્તપણે, શબ્દની કરકસર દ્વારા મૂકવાનો ઉપક્રમ છે. નવ વર્ણોના ઉપયોગ વડે સમગ્ર જીવનનું વર્તુળ કવિ દોરી આપે છે. પ્રથમ પાંચ પંક્તિમાં આવતાં ગાલગાલનાં આવર્તનો માનવજીવનની એકવિધતા સૂચવે છે. તેજ, ભેજ, સેજ, એજ-માં આવતી પ્રાસની સાંકળી અને છેલ્લી બે પંક્તિમાં આવતો પગા-લગાનો વિરોધ તે પણ પ્રાસ દ્વારા જ સૂચવાયો છે. વર્ણરચનાની દૃષ્ટિએ છંદની પ્રત્યેક પંક્તિ પરસ્પર બિબંપ્રતિબિંબ ભાવે સંકળાયેલી જોવા મળે છે, તેથી ‘એ’ ‘જ’ શબ્દનાં પાંચ પુનરાવર્તનો, તેજ, ભેજ, સેજ, એજ જેવાં અંત્યાનુપ્રાસની સાંકળી તથા ‘પગા’ ને ‘લગા’ દ્વારા માણસ જાતની સતત લડતા-ઝઘડતા રહેવાની, એકવિધતાનું સૂચન, તથા નવતાનો, સર્જનાત્મકતાનો અભાવ અત્યંત માર્મિકતાથી થયો છે. આ વર્ણરચના અર્થસમર્થક છે અને એકવિધતાના ભાવને પુનરાવૃત્ત કરી અભિવ્યક્તિને પ્રબળતા આપે છે. અહીં છંદના અને પંક્તિના પુનરાવર્તન દ્વારા લયની નિયમિતતા સચવાઈ છે. લય પણ કાવ્યમાં અભિવ્યક્ત એકવિધતાના ભાવ સાથે ઓતપ્રોતતા જાળવે છે અને તે દ્વારા કાવ્યની લાક્ષણિકતા વ્યંજિત થાય છે. બીજું, એ નોંધવાનું કે ‘તેજ’ ‘ભેજ’ ‘સેજ’ જેવા શબ્દોના સંયોજનો પ્રાસ દ્વારા જે રીતે પંક્તિમાં ગોઠવાયાં છે તેમાં લયનો ફાળો વિશેષ જોવા મળે છે. એ ઉપરાંત ‘તેજ’ ‘ભેજ’ ‘સેજ’ શબ્દોમાં માનવજીવનની જીવવાની, ટકી રહેવાની, કામક્રીડા જેવી ક્રિયાઓની એકવિધતા સૂચવાય છે. વળી, ‘બે પગા’ શબ્દ દ્વારા કવિ માનવની વાત કરે છે તેનું સૂચન કરે છે. દાંપત્યજીવનમાં એકસૂરીલાપણું છે તેમાંથી બચવા માનવીએ સર્જન કર્યું તેમાં પણ એકસૂરીલાપણું આવ્યું તે લગા લગાનાં પુનરાવર્તનો દ્વારા સૂચવ્યું છે, આથી આગળ વધવાની કોઈ શક્યતા કવિને દેખાતી નથી. કવિ માનવીની કોઈ વિશિષ્ટતા બતાવવા માગતા નથી, ચોપગા પશુથી જુદા પાડવા માટે બે પગા મૂક્યું. લગામાં છંદોરચનાનું સૂચન છે, પણ પછી એ જ સર્જનાત્મકતા પણ રેઢિયાળ બની ગઈ માટે કવિ લગા લગાનાં પુનરાવર્તનો કરે છે. આખી કવિતામાં ક્રિયાપદોનાં રૂપો નથી, કોઈ પ્રવૃત્તિ નથી, કોઈ ક્રિયા કરવાની રહી નથી. આરંભ, મધ્ય, અંત સર્વ ‘લગા’નાં આવર્તનો દ્વારા પૂર્ણ થઈ ગયું, બે પગાથી ‘લગા’માં સર્જન કર્યું પણ તરત જ એ સર્જનમાં પણ અર્થ રહ્યો નહીં ને તેનું પણ પુનરાવર્તન થઈ ગયું. આમ માણસની એકવિધતા, રેઢિયાળપણું અંતિમ પંક્તિમાં ‘લગા લગા લગા લગા’નાં પુનરાવર્તનોમાં જ કાવ્યનું શીર્ષક વ્યંજિત થતું જોઈ શકાય છે. અહીં ‘લય’ એટલે છંદોલય સમજવાનું છે કેમકે આપણાં વિવેચનમાં ‘લય’ સંજ્ઞા વિશેની સંદિગ્ધતા ઘણી જ પ્રવર્તે છે, માટે આપણે ‘વર્ણસંવાદ’, ‘શબ્દસંવાદ’, ‘અર્થસંવાદ’ જેવા પ્રયોગો કરવા જોઈએ એવું હરિવલ્લભ ભાયાણીનું સૂચન સ્વીકારવું રહ્યું.[60] આ રીતે, શબ્દોની ગોઠવણી, અને તેમાંથી જ ફલિત થતું તેનું અર્થઘટન કાવ્ય વાંચતાં કે આત્મસાત્‌ કરતાં ભાવક કઈ રીતે કરે છે તેનો કવિતામાં પ્રયોજાયેલ શબ્દ પ્રત્યેનો કયા પ્રકારનો અભિગમ છે તેની વિવેચનાત્મક તપાસ આ સંદર્ભમાં અનિવાર્ય બને છે. (આ રીતે કેટલાકને મતે પદાવલિ ભાવનલક્ષી પણ છે.) અલબત્ત, આ નિમિત્તે ઠાવકી બાઘાઈભર્યા પ્રશ્નો ન પૂછવા જોઈએ. ઉદાહરણ તરીકે અમુક શબ્દ અહીં લખ્યો છે તેને કવિના જીવનદર્શન જોડે કે અંગત જીવન જોડે કોઈ સંબંધ છે? અથવા તો ‘ચકલી’ જેવો શબ્દ કાવ્યમાં પ્રયોજાયેલો હોય તો કવિ ‘દેવચકલી’ની વાત કરે છે? તે ગુજરાતના કયા પ્રદેશમાં જોવા મળે છે? અથવા કવિ કાવ્યમાં ખિસકોલી કે ચકલીનું વર્ણન કરે છે તો શું વાસ્તવિક જીવનમાં કવિને તેનો ખરેખરો અનુભવ થયો હશે? આવા પ્રશ્નો નિષિદ્ધ હોવા જોઈએ. કવિતામાં પદાવલિની યોજના એ રીતે થઈ હોવી જોઈએ કે તે કાવ્યની અંદર જોડાજોડ મુકાયેલા શબ્દોના સંદર્ભને સ્ફુટ કરી આપે. આપણે જેને ગુજરાતી ભાષા કહીએ છીએ તેનું સીધુંસાદું માળખું નથી (કોઈ પણ ભાષા વિશે આમ કહી શકાય). તે તો અનેક સંકુલ માળખાંઓની બનેલી છે. દરેક ધંધાની જુદી જુદી શબ્દાવલિ છે, શબ્દભંડોળ છે. જ્ઞાનની શાખા-પ્રશાખાઓની પદાવલિ વળી જુદી છે. સમાજના વિવિધ ધર્મના, કોમનાં, અલગ અલગ પ્રાંતનાં લોકોની અનેક બોલીઓ છે. ભાષાની લઢણો, લહેકાઓ તથા આગવા કાકુઓ છે. ઉદાહરણ તરીકે મહુઆના ખરક લોકો ઘરઆંગણે રંગોળી કરશે તો કહેશે કે ‘આ તો ગારના ગોકુળ છે’, ચોમાસામાં ચાંદો ઊગે તો કહેશે કે ‘આ તો જળભરેલો ચાંદો છે.’ સ્કૂલમાં જતાં બાળકોની ભાષા પણ જુદી હોય છે. કૉલેજમાં જતાં વિદ્યાર્થીઓની ભાષા પણ જુદી છે. ઉદાહરણ તરીકે મુંબઈની કૉલેજોમાં ગુજરાતી, હિન્દી શબ્દ જોડે અંગ્રેજીનો ing શબ્દ જોડી વાત કરવાની ટેવ છે. અથવા ‘નો ગરબડ’, ‘ઘેટ ગાય વોસ ગરબડ કરીંગ’ ‘ઓહ! ધેટ ચમચા પ્રોફેસર’ ‘યાર છોડો.’ સિનેમાની અસરને કારણે બોલીઓનું ક્યાંક ક્યાંક સ્વરૂપ બદલાયેલું જોવા મળે છે. નીચલા થરના લોકોની ભાષામાં વચ્ચે વચ્ચે ગાળો આવે, આ ઉપરાંત નિષેધાત્મક બોલી, ગાળ, મિત્રો જોડેની વાતચીતમાં બોલાતી સાંકેતિક ભાષા, ‘Night Words’, છાપાની ભાષા, સિનેમાનાં મૅગેઝિનોની ભાષા ઉદાહરણ તરીકે ‘સ્ટારડસ્ટ’ મૅગેઝિનની ભાષા જોવા જેવી છે, ‘હેમામાલિની ઇડલી’, ઘરમ્‌ નરમ, અમિતાભ લંબૂ. કોસવડર્‌ઝ કે પઝલની ભાષા, કોયડા, ઉખાણાની ભાષા, કહેવતો જુદાં જુદાં વ્યાપારી બજારોની ભાષા, એન્જિનિયર ઇત્યાદિની ટેકનિકલ ભાષા, પરપ્રાંત, પરદેશનાં શબ્દજૂથો, પત્રો, નિમંત્રણ, રેલ્વેસ્ટેશન, આ બધામાં આવતી અલગ અલગ ભાષા. આમ પુરાણ કાળના અનેક મુખી દેવ જેવી આપણી ભાષા છે અને તે દ્વારા આપણો ભાષાવ્યવહાર ચાલતો હોય છે. ભાષા સતત ગતિશીલ, પ્રવહમાન હોય છે. આપણે જાહેરખબર અને ગંભીર લેખ એક જ રીતે વાંચતા નથી કે રમતગમતના સમાચાર કે વિજ્ઞાન, સાહિત્ય, ઇતિહાસના લેખો પણ એક રીતે વાંચતા નથી. આ બધી તો ભાષાની અલગ અલગ તરાહો થઈ. પણ વ્યક્તિગત રીતે આપણો ઉછેર, વાતાવરણ, અને જુદી જુદી પરિસ્થિતિમાં આપણે વસ્તુ, પરિસ્થિતિ કે ઘટના વિશે આપણા પ્રતિભાવો જે રીતે વ્યક્ત કરીએ છીએ તેની સંકુલતા પણ ઓછી આંકવા જેવી નથી. માણસ તરીકે આપણે અનેક વિરોધો, વિસંગતિઓ અને સંકુલતા ધરાવીએ છીએ; આપણે મશીનો બનાવીએ છીએ, પ્રેમ કરીએ છીએ, મિલકત ધરાવીએ છીએ, વિચારો પ્રગટ કરીએ છીએ, ભૂલો કરીએ છીએ, ભાષણો આપીએ છીએ, રઘવાયા થઈએ છીએ, મુંઝાઈએ છીએ, મુશ્કેલીઓ ઊભી કરીએ છીએ, તો વળી તેના ઉકેલ શોધવાના પ્રયત્ન કરીએ છીએ, મથામણો, સમાધાનો, વિપરીત પરિસ્થિતિમાં ઝઝૂમવું, શાતા આપવી, ઉપદેશ આપવો વગેરે અનેક અનુભવોનાં વિવિધ પાસાંઓ વ્યક્ત કરવા માટે ભાષાના અનેક સ્તરીય પ્રયોગો અપનાવી તેનો પરિસ્થિતિ પ્રમાણે વિનિયોગ કરીએ છીએ. શબ્દભંડોળ અને તેનો ઉપયોગ પરસ્પર એટલાં તો ઓતપ્રોત થઈ ગયાં છે કે બંને વચ્ચે ઘણી વાર ભિન્નતા છે કે નહીં તે પ્રશ્ન થાય. કવિની શબ્દપસંદગીને માટે ઉપર વર્ણવેલાં બધાં ક્ષેત્રો ખુલ્લાં છે અને તે દ્વારા પોતાને જે અભિવ્યક્ત કરવું છે તેની ક્ષમતાની અનેક શક્યતાઓ પ્રગટ કરવાની ગુંજાયશનું ક્ષેત્ર પણ કવિને માટે ખુલ્લું છે. સાથે સાથે આ બધાં ક્ષેત્રોમાંથી યોગ્ય પરિમાણ વ્યક્ત કરે તેવો શબ્દ શોધવાની કવિની પાસે સ્વતંત્રતા છે. આ માટે કવિની વિષયપસંદગી અને તેની અભિવ્યક્તિ માટેનો દ્યોતક શબ્દ, જે સાંસ્કૃતિક કે સામાજિક મૂલ્ય ધરાવતા હોય તેવા શબ્દ કે વાક્યની લઢણો, કહેવતો, આ બધાં માટેની ભરપૂર સર્જનાત્મક શક્યતાઓ કવિની અનુભૂતિનાં અનેક સ્તરોએ અભિવ્યક્ત કરવાનાં અનેક દ્વારો ખોલી આપે છે. ‘કવિ વાસ્તવમાં એક કિમિયાગર છે, એ જુદા જુદા શબ્દોનું રેણ કરીને, ઝારણ કરીને નવા પ્રયોગો કરતો હોય છે, એ કેટલાક મૃતઃપ્રાય શબ્દોને નવેસરથી અદ્‌ભુત રીતે સજીવન કરે છે. શબ્દના સંકેત, પરિવર્તન અને સંકેતવિસ્તારના દીર્ઘ ઇતિહાસના જુદા જુદા તબક્કા કામમાં લેતો હોય છે. શિષ્ટ માનવભાષાના સ્તરની નીચેની અને સામાન્ય શિષ્ટવ્યવહારમાં નિષિદ્ધ લેખાતી ભાષાનો પણ એણે ઉપયોગ કરવો પડતો હોય છે. કારણ કે સમકાલીન વિધિનિષેધોની મર્યાદામાં રહીને ભાષાકર્મ સિદ્ધ કરવા માટેનું એને માટે ઘણી વાર પૂરતું કાર્યસાધક ન પણ નીવડે. શબ્દો એકબીજા જોડે ભળી અનેક પ્રકારનો સંબંધ રચે. શબ્દોના ભૂતકાળના વિવિધ પ્રયોગોમાંથી ઉપયોગી અંશોનો ફરીથી ઉદ્ધાર કરીને એ નવાં નવાં સંમિશ્રણો કરતો રહે છે. ઘણી વાર કવિ ભાષાના ખવાઈ ગયેલાં ખોખાં તોડી નાખી તેની અંદર રહેલા અર્થગર્ભને અભિવ્યક્તિના પ્રકાશમાં લાવે છે.’[61] આ રીતે કાવ્યમાં પ્રયોજાતા શબ્દોનું interaction એટલું તો શક્તિશાળી હોય છે કે તેનો કાવ્યાત્મક વિનિયોગ અનેક સાહચર્યો અને અનેક સંદર્ભો રચી આપે છે. ઉદાહરણ તરીકે નાનાલાલની કવિતા ‘વીરની વિદાય’માં આવતા ‘કેસરભીના કંથ’ કે ‘રણવાટ’ જેવા શબ્દોનું આગવું કાર્યક્ષેત્ર કાવ્યમાં હોય છે. ધારો કે આ શબ્દોને દૂર કરી બીજો શબ્દ મૂકવાનો કે ગોઠવવાનો આપણે પ્રયત્ન કરીશું તો પણ તેનો આગવો, કવિને અભિપ્રેત એવો ભાવસંદર્ભ નહીં જન્મે. અમુક પદાવલિ યોજીશું તો પ્રૌઢિ આવશે એવા ભ્રમમાં કવિએ રહેવાનું નથી. સંસ્કૃત પદાવલિ પ્રયોજવાથી આપોઆપ પ્રૌઢિ, સઘનતા પ્રગટે છે એવી કૃતક માન્યતાને કારણે આગલી પેઢીના કવિઓ તત્સમપ્રધાન રચનાઓ તરફ વળ્યા હતા. કવિતામાં પ્રૌઢિ કે સઘનતાના ગુણો આ રીતે નથી પ્રગટતા. ભાષાની જાણકારી એ કાવ્યપદાર્થની જાણકારી છે એવું રખે માનવું રહ્યું.’ કરુણપ્રશસ્તિ માટે કેવી શબ્દયોજના હોવી જોઈએ. કથાકાવ્યો માટે શબ્દો કઈ રીતે યોજવા જોઈએ – આ કાવ્યપ્રકારો માટેની ભાષામાં નમનીયતા, સરળતા, વીરત્વ, માનવતા વગેરે હોવાં જોઈએ અને તેમાંથી પવિત્રતાનો અણસાર આવવો જોઈએ આવું બધું આધુનિક કવિ ભાગ્યે જ વિચારે છે. એને તો માત્ર એટલું જ જાણવું છે કે તે પદાવલિનો ઉપયોગ જ શા માટે કરે છે? કાવ્યાત્મક કે અકાવ્યાત્મક, જાણીતા કે અજાણ્યા એવા શબ્દોનો સવાલ જ ખરેખર તો ઊભો થતો નથી. દરેક શબ્દ કાવ્યાત્મક જ છે. કવિની સર્જકતા પર જ શબ્દની કાવ્યાત્મકતા, કળાત્મકતા અવલંબે છે.[62] માટે કવિની યોગ્ય શબ્દપસંદગી કોઈ નિશ્ચિત સંદર્ભ માટે જ હોય છે, એ શબ્દ સ્વયં ત્યાં જ મૂલ્યવાન હોય છે. દિવસ દરમિયાન અનેક ભાષાઆક્રમણો આપણાં પર થતાં હોય છે, અપભાષાથી આર્ષ બાની સુધી ભાષાનું સ્તર વિસ્તરેલું છે. આમાંથી કવિ પોતાની સ્વકીયતા તથા સર્જનાત્મકતા વડે આગવો કળાત્મક સંદર્ભ ઉપજાવી પોતાની કાવ્યરચના કરી શકે. તેને માટે કોઈ પણ ભાષાનો છોછ નથીઃ આપણે આગળ જોયું તે પ્રમાણે ભાષા સંસ્કૃતિની પરંપરા છે, સમાજની સંપત્તિ છે, તે અનેક સ્તરે કાવ્યમાં આવી શકે છે. આ માટે કાવ્યની પદાવલિ અને તેનો સામાજિક સંદર્ભ આ બંને વચ્ચે કેવા પ્રકારનો સંબંધ હોય છે તે પ્રશ્ન પણ સાથે સાથે થઈ શકે. શબ્દોની જોડે સંકળાયેલાં જે સાહચર્યો છે, અથવા શબ્દો જોડે સંકળાયેલા જે સંદર્ભો છે તે જ કવિએ કાવ્યમાં પ્રયુક્ત કરેલા શબ્દો જોડે આવે તો કોઈ નવું પરિમાણ સિદ્ધ થઈ શકે? ઉદાહરણ તરીકે કાન્તના ‘અતિજ્ઞાન’ કાવ્યનો પ્રારંભ જુઓ :

ઉદ્‌ગ્રીવ દૃષ્ટિ કરતાં નભ શૂન્ય ભાસે
ઝાંખી દિશા પણ જણાય, અનિષ્ટ પાસે;[63]

અહીં ઉદ્‌ગ્રીવનો અર્થ માત્ર ઊંચી ડોક કરીને જોયું તે લેવાથી નહીં ચાલે, સમગ્ર કાવ્યના સંદર્ભમાં આ શબ્દનું આગવું મૂલ્ય છે, ઉદ્‌ગ્રીવ દૃષ્ટિ કરવી એટલે કે જે જાગૃત, સંવેદનશીલ વ્યક્તિ તરીકે જુદા, એકાકી પડવાનો શાપ વ્હોરી લેવો. આ જાગૃતિ એ જ શાપ અને એ જ અતિજ્ઞાન તેનું સૂચન સમગ્ર કવિતાના સંદર્ભમાંથી ફલિત થાય છે. ‘ભાસે’ ‘પાસે’ના પ્રાસ, શૂન્ય અને અનિષ્ટનો સંબંધ આ બધામાં આવનાર કરુણતાનું સૂચન રહેલું જોઈ શકાય છે. એટલે જ શબ્દો જોડેનાં સાહચર્યોને જાળવી રાખીને, મુખ્યાર્થબાધ કરીને કવિ વ્યંજનાની શક્તિ પણ શબ્દસાહચર્ય દ્વારા પ્રગટાવી શકે છે. અને નિરૂપિત ભાવ-વિષયને ઉત્કટ બનાવવા શબ્દનાં અનેક પરિણામો સિદ્ધ કરે છે. આ રીતે શબ્દોની સમ્યક્‌યોજના, પછી એ પરંપરાપ્રાપ્ત શબ્દ હોય, કે રોજબરોજની જિંદગીમાંથી આવેલો શબ્દ હોય તે નવું પરિમાણ સિદ્ધ કરે છે. એક અંગ્રેજી કવિતાનું ઉદાહરણ આ સંદર્ભમાં જોઈએ.

Thirty days hath September,
April, June and November :
All the rest have thirty one,
Excepting February alone,
Which has only eight and a score
Till leap-year gives it one day more.[64]

આ અજાણ્યા કવિની કવિતા વાંચતાં પ્રથમ દૃષ્ટિએ કશું જ વિશિષ્ટ આપણને અહીં લાગશે નહીં. અંગ્રેજી વર્ષના બાર મહિનાની માત્ર યાદી આપી હોય તેવું લાગશે. તેમજ કયા કયા મહિનામાં ત્રીસ, એકત્રીસ, અઠ્ઠાવીસ કે ઓગણત્રીસ દિવસો આવે છે તેની વિગતો નરી નિર્મમતાથી નિર્દેશેલી લાગશે. અને અહીં તો માત્ર હકીકતો જ વર્ણવી છે એવું લાગવા પણ સંભવ છે. પ્રથમ તો અહીં આપેલા મહિનાઓ ક્રમિક ગોઠવણી જાળવતા નથી. તેના ક્રમમાં જ કશી ઊલટા-સૂલટી આપણે જોઈએ છીએ. કવિએ પ્રથમ સપ્ટેમ્બર માસ મૂક્યો છે, ત્યાર બાદ એપ્રિલ, જૂન, નવેમ્બર મૂક્યા છે. આ બધા જ મહિનામાં ત્રીસ દિવસ હોય છે. ક્રમિક ગોઠવણી પ્રમાણે ગદ્યાન્વયમાં આ રીતે આવી શકે કે એપ્રિલ, જૂન, સપ્ટેમ્બર અને નવેમ્બરના ત્રીસ દિવસ હોય છે. હવે સવાલ એ થાય કે આ વ્યવસ્થાનો, આ તાર્કિક ક્રમાંકનો કવિએ ભંગ શા માટે કર્યો? સામાન્ય ભણેલા-ગણેલા માણસો આ આનુપૂર્વી સ્વીકારે તે હકીકત છે, તેમાં કોઈ વિવાદને સ્થાન નથી. કવિ કલેન્ડરમાં આવેલા ક્રમાંકોથી અજાણ હશે એવું માનવાને કોઈ કારણ નથી. અથવા તો સપ્ટેમ્બર પછી એપ્રિલ આવે એવી માન્યતા કવિ ધરાવતો હશે એવું માનવું આપણે પક્ષે તો નરી બાલિશતા જ પુરવાર થાય. તો પછી આ કાવ્યના આસ્વાદ માટે આપણે કોઈ બીજી ભૂમિકા શોધવી રહી. ડાયનેમિક એનાલિસીસે સિદ્ધ કર્યું છે કે ઉત્તમ કૃતિની અસર ભાવકની અપેક્ષાને પૂર્ણ સંતોષે તે પહેલાં તેને આઘાત આપે છે. તેની નિશ્ચિત વિચારણાને ધક્કો પહોંચાડે છે, તેના રેઢિયાળ પ્રતિભાવોને બદલવાની ફરજ પાડે છે; આ કવિતાના સૂચિત સત્યથી કવિ પુરવાર કરે છે, આ અર્થમાં કળાનું સત્ય એ તાર્કિક આનુપૂર્વીનું સત્ય નથી. સામાન્ય વાચકને નર્યા ગદ્યાન્વયમાં રસ પડે પણ કવિને તે અહીં અભિપ્રેત નથી. તેનું સૂચન પ્રથમ બે પંક્તિની ગોઠવણી દ્વારા જોઈ શકાય છે. કવિએ આ માટે પ્રથમ gentlest month મૂક્યો છે. જુઓ કઠોર વ્યંજનો p, t એ septemberના બે e, e કોમળ સ્વરોની વચ્ચે મૂકી દીધા છે. સપ્ટેમ્બર એ એવો મહિનો છે કે જેમાં વનસ્પતિની ધીરે ધીરે કરમાવાની શરૂઆત થાય. પણ પૂર્ણપણે વનસ્પતિનો નાશ ન થાય. (આ યુરોપની ઋતુઓના સંદર્ભમાં જ જોવાનું છે.) ભવિષ્યમાં જે બનવાનું છે તેને માટે કવિ પ્રથમથી જ આપણને સજાગ રાખે છે તેથી અહીં મહિનાઓના આલેખનનો ક્રમ ઉલટાવ્યો છે. આમ ભાવકની અપેક્ષા પ્રમાણે પ્રથમ ‘એપ્રિલ’ માસ હોવો જોઈએ તે અપેક્ષા સંતોષાતી નથી. એટલે કવિ સપ્ટેમ્બરથી શરૂ કરે છે. અને એપ્રિલ પાસે લઈ જાય છે અને આનુપૂર્વી પ્રમાણે ફરી જૂન તથા નવેમ્બર પાસે આવે છે પણ અહીં આવીને જ કવિનું સંવેદન અટકતું નથી. આ રીતે ચાર મહિનાનું વર્ણન કરી લાઘવથી બાકીના સાત માસનું વર્ણન એક જ પંક્તિમાં કવિ કરી દે છે. All the rest have thirty one - બાકીના બધા જ મહિના એકત્રીસ દિવસના છે. બીજી રીતે કહીએ તો ગાણિતિક આંકડાઓ આપતા ત્રીસ તથા એકત્રીસ દિવસોના અનુક્રમે ચાર તથા સાત મહિનાઓ છે. માત્ર કરુણ એકાકી ફેબ્રુઆરી મહિનો આ બધાથી વિખૂટો પડી જાય છે. ફેબ્રુઆરી મહિનાની રજૂઆત પણ કવિ નાટ્યાત્મક રીતે કરે છે. તેને એકાકી કહ્યો છે, બીજા મહિનાઓની બરાબરી ન કરી શકતો, તેઓની જોડે પ્રત્યાયન ન સાધી શકતો એવો એકાકી કહ્યો છે. અહીં ‘એક્સેપ્ટીંગ’ શબ્દનો ધ્વનિ Xનો નિર્દેશ કરે છે. આ ઘણાં સાહચર્યો લાવે છે. નાનાં હોઈએ અને સ્કૂલમાં બધા જ સવાલના જવાબ ખોટા પડ્યા હોય ત્યારે દરેક જવાબની બાજુમાં ચોકડીની સંજ્ઞા (X), ખોટાની સંજ્ઞા કરી હોય, અથવા તો ભૂતપૂર્વ પદભ્રષ્ટ રાજાઓની નામાવલિ ઇતિહાસમાં ગોખતા હોઈએ, તેઓની હદપારીની વાતો વાંચીએ, અથવા એક રસ્તો બીજા રસ્તાને છેદીને જતો હોય ત્યાં Xની નિશાની જોઈએ વગેરે અનેક એવાં સાહચર્યો જાગે. ઘણી વાર તો જે પોતાની સહીમાં પોતાનું નામ નથી લખી શકતા તેમને માટે Xની નિશાની કરી અંગૂઠાની છાપ લેવામાં આવે છે તેવાં અજાણ્યા અનેક માનવીઓ જેવો આ ફેબ્રુઆરી માસ બધાથી વિખૂટો પડી ગયેલો, એકાકી લાગે, છતાં પણ આ ફેબ્રુઆરી માસ માટે એક આશાનું કિરણ છે. જોકે તે પણ છેતરામણું જ નીવડવાનું છે તેની ના નહીં (જુઓ ચોથી પંક્તિમાં આવતો ‘અલોન’ ને પાંચમી પંક્તિમાં આવતો ‘ઓનલી’ શબ્દ) આવો એકાકી બધામાં પોતાને ગોઠવી ન શકતો ફેબ્રુઆરી માસ (જેવો માણસ!) ચોક્કસ કાવ્યનો નાયક છે ‘ક્રૂશિયલ ફીગર’ છે, તે તેના સાથી મહિનાઓની જેમ રેઢિયાળ વ્યવસ્થા તંત્રને ખૂંટે પોતાની સ્વતંત્રતા બાંધતો નથી. તે તો વ્યક્તિવાદનું સજીવ પ્રતીક છે. અને ‘વન’, ‘અલોન’, ‘સ્કોર’, ‘મોર’ના પ્રાસ દ્વારા પોતાની આગવી અસ્મિતા સ્થાપે છે અને તરત જ આપણી સંવેદનાનું પાત્ર બની રહે છે. છેલ્લે આ ફેબ્રુઆરી વિશે નોંધવાની વાત એ છે કે તે સમાજની ચાલી આવતી રીતરસમોને અંધ બની અનુસરતો નથી. દર ચોથા વર્ષે તેનામાં એક દિવસની વૃદ્ધિ થાય છે પણ બીજાઓની જેમ તે વૃદ્ધિના આનંદને જાળવી નથી શકતો. પરંપરાગત રીતે એને સ્વીકારી નથી શકતો. ફરીથી પાછો ત્રણ વર્ષ સુધી તે અઠ્ઠાવીસ દિવસનો જ રહે છે. તેને ત્રીસ તથા એકત્રીસ દિવસનાં નિશ્ચિત શાંતિ, રક્ષણ કે સલામતી નથી મળતાં. વર્ષો પછી વર્ષો વીતતાં જાય છે એ તો સતત વિરતિ પામેલા માનવી તરીકે, યાતનાના પ્રતીક તરીકે જ સ્થિત રહે છે. બધું બદલાય છે, તે બદલાતો નથી. ચાર વર્ષે એકાદ વાર ઊભો થવાનો પ્રયત્ન કરે છે પરન્તુ તે ફરી પાછો નીચે જ જ્યાં હતો ત્યાં પડે છે. તેને હંમેશાં એક દિવસ જ ઓછો પડે છે. આમ તેના ત્રણ વર્ષના પ્રયત્નોમાં એક વાર સફળતા મળે છે, તે તે જાણે, અનુભવે ત્યાં તો ફરી તેણે એકલતાની, વેદનાની ગર્તામાં ધકેલાઈ જવું પડતું હોય છે. આ જ તેની નિયતિ છે. આ રીતે કૃતિનું ડાયનેમિક એનાલીસીસ કૃતિની શબ્દયોજનાથી થઈ શકે. આ ઉપરાંત સામાન્ય રોજબરોજની જિંદગીમાં જે અભિવ્યક્તિ સાધારણ રીતે નિષિદ્ધ ગણાય છે, અનૈતિક ગણાય છે અને એ નિષિદ્ધ ભાષા બોલી શકાતી નથી, તેનો ઉપયોગ કાવ્યમાં કલાત્મક કક્ષાએ થઈ શકે છે. ‘હું’ વિશેનાં કાવ્યો, ઈશ્વરને પોતાના આક્રોશનું સાધન બનાવી તેની હદપારીની વાતો સામાન્ય રીતે સામાજિક જીવનમાં નિષેધાત્મક લાગે પણ કવિતામાં તો એક કપોલકલ્પિત ‘હું’ હોય છે, તે કાવ્યના જ વિશિષ્ટ વિશ્વ જોડે સંકળાયેલો હોય છે. આ ‘હું’ આગલા સંદર્ભથી પોતાના કાવ્યનું વિશિષ્ટ વાતાવરણ સર્જે છે, જેમાં સામાજિક નીતિ-નિયમો, નિષિદ્ધ ગણાતાં ઉચ્ચારણો, અપભાષા, બધું કાવ્યના ભાવને વર્ણવતી રસસામગ્રી તરીકે આવે. કાવ્યના સંદર્ભની બહાર તેનું કોઈ મૂલ્ય નથી. કેટલાંક ઉદાહરણો જોઈએ :

સ્વર્ગમાં જેના નામથી બધા દેવો ધ્રૂજતા હશે
એ બાબરદેવા છાપ ભગવાન
દાઢી કર્યા પછી ફટકડી લગાવતાં લગાવતાં
એના પાપનું પ્રાયશ્ચિત્ત કરતો હશે.[65]

અથવા

ભાષા બાયડી
ભાષાને ભડવા રંડી કરે
ભાષા બોડીબામણી, ભાષા વેશ્યા, ભાષા ઢોર
ભાષા જ્યાં મળી, જેવી મળી તેમ ભોગવી
ન મળી તો ખંજવાળ્યા લેંઘા
મૂતરડીમાં લખ્યા શિશ્નની સત્તાના શિલાલેખ[66]
કવિતામાં હિરોશીમા દીઠું ત્યારે
બીજું શહેર ડબા જેવું ખખડીને કોરે ખસ્યાં
બુદ્ધ જેવો બુદ્ધ પણ નયન ઢાળીને સાલો ઢોંગ કરે.[67]

આ ત્રણે કવિતાની ભાષામાં આક્રોશ, આક્રમકતા તથા તારસ્વરે અભિવ્યક્તિ પામતી અકળામણ કવિના કાકુમાં જોઈ શકાય છે. જે સામાજિક જીવનમાં વ્યક્ત કરતાં ક્ષોભ-સંકોચની લાગણી અનુભવાય તેને કવિ આવી આક્રોશમય, ઉપાલંભયુક્ત તથા આક્રમક ભાષામાં વર્ણવે છે. આ રીતે સામાજિક નિષેધોને કવિની પદાવલિ ઓળંગે છે. એ રીતે કવિતામાં કાવ્યમય અકાવ્યમય પદાવલિ જેવું કશું વિભાગીકરણ હોતું નથી. ફરીથી ભાર મૂકી કહેવું હોય તો કાવ્યને કાવ્ય બનાવવા માટે શબ્દોની સમુચિત, કળાત્મક ગોઠવણી જ મહત્ત્વની બની રહે છે. કવિતાની પદાવલિ એ સતત વિકાસશીલ ભાષાના ઘટક તરીકે આવે છે. રોજબરોજની ભાષા હંમેશાં બદલાયા કરે છે કેમ કે તે જીવાતા જીવનમાંથી આવે છે. ભાષાનો ભૂતકાળ, પરંપરા, ઇતિહાસ સંદર્ભો પણ કવિની પદાવલિ જોડે સતત સંકળાયેલા રહે જ છે. કાન્ત જેવા કવિએ પરંપરાગત, શિષ્ટ સંસ્કૃત પદાવલિ યોજી, પણ કાન્તે પોતાની ચેતનાનો વ્યક્તિગત સંસ્પર્શ પણ ભાષાને આપ્યો. ઉત્તમ સર્જક વડે ભાષા કેટલી જીવંત-સજીવ રહે છે તેનું ઉદાહરણ કાન્તની કવિતાએ પૂરું પાડ્યું. આને જ કારણે સંસ્કૃતિની સળંગસૂત્રતા તથા કવિ વ્યક્તિત્વનો આગવો અવાજ કાન્તની કવિતામાં સાંભળવા મળે છે. આમ તો શિષ્ટભાષા પાંડુરોગી હોય છે કેમકે તેનાં સંબંધને ફરીથી કાર્યરત કરે એવો જીવાતા જીવન સાથેનો અનુબંધ તે લગભગ ગુમાવી બેઠી હોય છે. અલબત્ત શિષ્ટ ભાષામાં પણ ઉત્તમ કાવ્યરચના થઈ શકે. આ રીતે જોઈએ તો ભાષા ‘પ્રોડક્ટ’ છે, પરંપરા છે. પરંપરાગત ભાષાનો વ્યક્તિગત ચેતનાના અર્કરૂપે નવો અર્થપ્રકાશ ન પ્રગટાવીએ તે ભાષા મૃત જ બની રહે છે. આગલી પેઢીની કેટલીક કવિતા તપાસતાં આપણને પ્રતીતિ થાય છે કે આપણે ચિંતા છંદની કરી તેને બદલે ભાષાની કરી હોત તો? કેમકે છંદમાં ભાષાની પસંદગીને નિયંત્રિત કરવી પડતી હોય છે. સાહિત્યભાષા, શિષ્ટભાષા ‘કેન’ (કન્ટેનર) જ રહે. માટે ભાષાનાં નવાં નવાં આંદોલન દરેક પેઢીના કવિ માટે, કવિમાત્ર માટે એક આંતરિક અનિવાર્યતા બની રહેવાં જોઈએ. માણસ છીએ તેથી જીવાતા જીવનના સંદર્ભોથી પલાયન થઈ શકતા નથી. આપણે કોઈ ને કોઈ પ્રકારનું ભાષાકીય વર્તન, પ્રસંગે પરિસ્થિતિએ બતાવતા જ હોઈએ છીએ. જે પ્રકારના લોકો જોડે વાતચીત કરીએ છીએ, સભામાં ઉદ્‌બોધન કે ભાષણ કરીએ છીએ, ટેલિફોન પર જે રીતે બોલીએ છીએ, ઝઘડો કરતાં, ગુસ્સો કરતાં, અંગત મિત્રો જોડે, વ્યવહારમાં વાતચીત કરીએ છીએ ત્યારે આપણી ભાષાકીય વર્તણૂક અલગ અલગ હોય છે. કોઈ વિષય પર બોલવાનું હોય ત્યારે આપણે તે વિષયની જે રીતે રજૂઆત કરીએ છીએ, અવતરણો ટાંકીએ છીએ. વાગ્મિતાથી સમુદાયને આંજવાનો પ્રયત્ન કરીએ છીએ, આ બધાંનો કવિ સંવાદ રૂપે, નિવેદન રૂપે, ઉદ્‌બોધન રૂપે, પ્રશ્નો રૂપે, પોતાની કવિતામાં પ્રયુક્તિઓ તરીકે વિનિયોગ કરે છે. જાહેરખબરની, પ્રવચનની, મૂલ્યોની, વિવેચનની શિષ્ટ, તળપદી આવી અનેક ભાષાઓનો વિનિયોગ કરીને પોતાના વક્તવ્યને કળાત્મકતા આપવાનું ભાષાકર્મ કવિ કરતો હોય છે. આ સંદર્ભમાં કેટલાંક ઉદાહરણો સંક્ષેપમાં જોઈએ. વાગાડમ્બરને સામાન્યપણે દોષયુક્ત ગણવામાં આવે છે પણ અમુક ભાવની ઉત્કટ અભિવ્યક્તિ માટે કવિ વાગાડમ્બરની પ્રયુક્તિનો વિનિયોગ પણ કરે છે. લાભશંકર ઠાકરકૃત ‘માણસની વાત’ આ સંદર્ભમાં જોઈ શકાય :ref>માણસની વાત - લાભશંકર ઠાકર, પૃ. ૩૦</ref>

બુદ્ધિને કારણે તમે
સોલંકી યુગમાં પાંગરેલી
દેવાલયની સ્થાપત્ય રચનાનું મૂળ
શોધી શકો છો.

તો બીજી બાજુ સિતાંશુ યશશ્ચન્દ્ર મગનકાવ્યોમાં મગન કોણ છે તે દર્શાવવા આખી વિશેષણોની યાદી આપે છે અને વક્રતા સિદ્ધ કરે છે :

મગનને મૂત્રાશયનો રોગ છે કે કોઈ ભળતો જ
એ બાબતે સન્નારીઓમાં એકમતિ નથી.
મગન મુન્સીપાલટી છે.
મગન મહંત છે, મગન મવલો છે, મહાત્મા મગન
મોદીનો માલ નથી મંગાવતા, પોતે જ કરિયાણાની હાટડી
ચલાવે છે.[68]

અહીં ઊંચા આભાસવાળા શબ્દોના ઉપયોગ વડે કવિ મગનના વ્યક્તિત્વને શબ્દબદ્ધ કરે છે. તો બીજી બાજુ, જાહેરખબરની ભાષાનો વિનિયોગ પણ કવિ કરે છે અને તે દ્વારા પોતાના વક્તવ્યને નવું પરિમાણ આપે છે. સિતાંશુ યશશ્ચન્દ્ર, લાભશંકર ઠાકર, રાવજી પટેલ જેવા કવિઓએ ઘણી વાર એક જ કાવ્યમાં વિવિધ પ્રકારની શૈલીઓનો વિનિયોગ કર્યો છે. સિત્તાંશુના ‘દા.ત. મુંબઈ : હયાતીની તપાસનો એક સર્‌રિયલ અહેવાલ’ કાવ્યમાં અંગત સંવેદનની ભાષાથી માંડીને જાહેરખબરની ભાષા સુધી સમૂહમાધ્યમોની અનેક તરાહો યોજાઈ છે. બાળકથાઓ, જોડકણાં, લોકગીતોની ભાષા પણ પ્રયોજાયેલી છે.[69] જ્યારે કવિ કાવ્યમાં બોલચાલની ભાષાના પ્રયોગો, મધ્યકાલીન ભાષાનો વિનિયોગ, અપભાષા, ગીતોના વિવિધ ઢાળો, જાહેરખબરની, જોડકણાની ભાષા આ બધાંનો એક પ્રયુક્તિ તરીકે વિનિયોગ કરતો હોય ત્યારે આટલા પ્રશ્નો થાય. આ પ્રકારની પદાવલિનો કાવ્યમાં ઉમેરો કરવાનો અર્થ શો? આ પ્રકારની પદાવલિની યોજના કાવ્યમાં કેટલી ઉપકારક નીવડે? કાવ્યના સમગ્ર સંદર્ભમાં આની કોઈ અનિવાર્યતા ખરી? સમગ્ર કવિતામાંથી આપણે જે ગ્રહણ કર્યું છે તેના પ્રકાશમાં આ પ્રકારની પ્રયુક્તિઓ આપણી સમજમાં કોઈ વૃદ્ધિ કરે છે ખરી? આ પ્રશ્નોના ઉત્તર આપતાં જ્યોફ્રે લીચ કહે છે કે આ પ્રકારની અનેક પ્રયુક્તિઓનો કાવ્યમાં થતો વિનિયોગ આપણને ‘કૉલાજ’ ચિત્રપદ્ધતિની યાદ અપાવે.[70] કૉલાજ ચિત્રોમાં પણ છાપાનાં કટિંગો, જાહેરખબરના ટુકડા, નકામી અથવા ક્ષુલ્લક લાગતી વસ્તુઓને એક સાથે મૂકવામાં આવે છે અને ચિત્ર સમગ્રમાં તે પોતાનો આગવો વિશેષ સંદર્ભ નિર્માણ કરે છે. આમ આવી ઉપર ઉપરથી દેખાતી ક્ષુલ્લક વસ્તુઓને સમગ્ર ચિત્રના સંદર્ભમાં જોવાથી તેને કળાત્મક અર્થ પ્રાપ્ત થાય છે. આવું જ કૈંક વિવિધ કાવ્યાત્મક પ્રયુક્તિઓના ઉમેરણથી કાવ્યના સમગ્ર સંદર્ભની કાવ્યાત્મકતા સિદ્ધ કરે છે. એ પ્રયુક્તિઓ કાવ્યનો બાહ્યાંશ, વિખૂટો પડી ગયેલો ટુકડો ન રહેતાં સમગ્ર કાવ્યનો અવિચ્છેદ્ય અંશ ભાગ બની રહે છે. આ ઉપરાંત, કાવ્યની પદાવલિ જોડે ગૌણપણે સંકળાયેલાં બીજાં અનેક તત્ત્વો ધ્વનિ (સાઉન્ડ) રવાનુકારી શબ્દો, સ્વરવ્યંજન સંકલના, છંદ, પ્રાસ, વર્ણરચના, અન્વય તથા પ્રયોગવક્રતાની (વિચલન-ડીવીએશન) વિવિધ પદ્ધતિઓ પણ છે. આ બધાંની સંક્ષિપ્ત ચર્ચા હવે જોઈએ. આ બધાં તત્ત્વો આપણે શબ્દભંડોળના અનુસંધાનમાં જ જોઈ શકીએ. કવિતા અવાજોની સૃષ્ટિ છે. કવિ શબ્દના ધ્વનિ દ્વારા અર્થયુક્ત ચિત્રો સર્જી શકે છે, અવાજનાં કલ્પનો (શ્રુતિગોચર કલ્પનો) આપણે કવિતામાં જોઈએ જ છીએ. રવાનુકારી શબ્દો, શબ્દોની દ્વિરુક્તિઓ, અમુક રીતની વાક્યમાં સ્વરવ્યંજન સંકલના, વર્ણસગાઈ ઇત્યાદિ દ્વારા ધ્વનિનું આગવું વિશ્વ કવિતામાં સર્જાય છે. ઉમાશંકર જોશી કહે છે કે ‘કવિતાના શ્રવણમાધુર્યનો મુખ્ય આધાર પુનરાવૃત્તિ ઉપર હોય તેવું જોઈ શકાય છે. એકના એક સ્વરવ્યંજનો ફરી ફરી દેખાતા હોય એવી શબ્દોની સ્વરવ્યંજન સંકલના એક જાતનો આહ્‌લાદ આપી શકે. છંદોરચના પણ અવાજોના અમુક એકમના પુનરાવર્તન પર આધારિત છે.’[71] છંદમાં અવાજોના એકમો વારંવાર આવર્તન પામે છે, છંદમાં પણ એક પંક્તિ અને બીજી પંક્તિનો પ્રાસ મેળવ્યો હોય છે. ઘણી વાર વર્ણસગાઈ દ્વારા ઊભી કરે છે. ‘સાગર અને શશી’ કાવ્ય અવાજ દ્વારા ઊભી થતી સૃષ્ટિનો અનુભવ કરાવે છે. આ ધ્વનિ સંગીતમય હોય, તેમાં વર્ણસંવાદ હોય. કઠોર વ્યંજનો દ્વારા કર્કશતાનો અનુભવ પણ તેમાં થાય. ઘણી વાર આ બધું છંદની લઢણરૂપે અસમર્પક રીતે આવે તો કાવ્ય જોડે કવિની શુભદૃષ્ટિ ન થઈ હોય તેનું પરિણામ જ લાગે. એકલા ધ્વનિઓથી જ કોઈ પણ પ્રકારની કાવ્યરચના શક્ય નથી. સિતાંશુ યશશ્ચન્દ્રનાં કાવ્યો ‘હો ચી મિહ્ન માટે એક કવિતા’ તથા ‘ચે ગૂવેરા માટે એક ગુજરાતી કવિતા’[72]માં માત્ર ધ્વનિ દ્વારા કાવ્ય નિપજાવવાનો અસફળ પ્રયત્ન થયો છે. આ કાવ્યોને નર્યા ધ્વનિના આધારે તપાસીએ તો ઘણા પ્રશ્નો ઊભા થાય. ઘણી વાર કવિ પોતાના ભાવને મૂર્તતા આપવા માટે રવાનુકારી શબ્દોનો વિનિયોગ પણ પોતાનાં કાવ્યોમાં કરતો હોય છે. આ રવાનુકારી શબ્દો કવિતામાં બે રીતે પ્રયુક્ત થાય છે. એક સંકુચિત અર્થમાં અને બીજી રીતે બૃહદ્‌ અર્થમાં. રવાનુકારી શબ્દ એ શબ્દગુચ્છને, વાક્યના ટુકડાને જોડતો પ્રાસાનુપ્રાસ ધરાવતો શબ્દ છે, ઉદાહરણ તરીકે રવરવતી, હણહણતી, ટગરટગર, અહીં શબ્દ શબ્દનું અનુકરણ કરે અને તેના ધ્વનિમાંથી, આ રવાનુકારી શબ્દ સર્જાય. આથી એક શબ્દનું પુનરાવર્તન વાક્યમાં કે શબ્દગુચ્છમાં વારંવાર આવે. આને આપણે રવાનુકારી શબ્દનો સંકુચિત અર્થ કહી શકીએ. તો બૃહદ્‌ અર્થમાં જ્યારે કવિતામાં રવાનુકારી શબ્દો પ્રયોજાય ત્યારે આખા વાક્યખંડમાં આવતા રવાનુકારી શબ્દો સમગ્ર કાવ્યને ગતિ આપે અને એ દ્વારા કાવ્યના પંક્તિવિભાગો, અને ધ્વનિ વચ્ચે સંબંધ સ્થપાતો જાય. આ ‘verbal mimicry’ દ્વારા ‘Sound should seem an echo of the sense’,[73] ટૂંકમાં રવાનુકારી શબ્દો sound & sense બંનેનો સંવાદ કરે, ધ્વનિ, ગતિ અને મિજાજ આ ત્રણેને રવાનુકારી શબ્દો પ્રગટ કરે. ઘણી વાર આ રવાનુકારી શબ્દો મર્યાદિત અર્થ પ્રગટ કરે, તેમાં ઘણી વાર Nonsense words પણ આવે. રવાનુકારી શબ્દના વ્યર્થ લંબાણ દ્વારા કાવ્યને હાનિ પણ થાય. પ્રાસની સાંકળીમાં જ્યારે આવું થતું જોવામાં આવે ત્યારે કવિમાત્ર શબ્દરમત કરતો હોય તેવું લાગે. રવાનુકારીમાં ‘રસ-ધ્વનિ’નું જ પ્રાધાન્ય હોય છે. આપણી ભાષામાં રવાનુકારી શબ્દો ઘણા પ્રમાણમાં છે અને તેમાં વૈવિધ્ય જોઈ શકાય છે.

શબ્દો તારા થરથર થથરે
ફફડાટોની કરે કવિતા
કકળાટોની કરે કવિતા.[74]

અહીં લાભશંકર ઠાકર રવાનુકારીની મદદથી ધ્વનિની સૃષ્ટિ ઊભી કરે છે. ભાષાકીય ઘટકોને બદલે ઘણી વાર માત્ર ધ્વનિની મદદથી ભાવને વ્યક્ત કરવા રવાનુકારી પ્રયોગ થાય છે તે ઉપરના ઉદાહરણમાં જોઈ શકાય છે. કવિ પોતાના વક્તવ્યને પુષ્ટિ આપવા માટે સ્વરવ્યંજનની સંકલના દ્વારા કળાત્મકતા સિદ્ધ કરતો હોય છે. સ્વરવ્યંજનની સમુચિત ગોઠવણી દ્વારા તે બે વિરોધી ભાવો, બે સમાન ભાવોને સાથે સાથે પણ મૂકી આપતો હોય છે. આ માટે કાવ્યમાં યોજાતા વર્ણો ઘણા જ મહત્ત્વના બની રહે છે. કાવ્યરચનામાં સ્વતંત્રપણે વર્ણોનું આગવું મહત્ત્વ નથી. કાવ્યાર્થ જોડે વર્ણો સંકળાયેલા છે. વર્ણો દ્વારા કાવ્યના અર્થને વિશિષ્ટતા મળે છે. વર્ણો એ કાવ્યના અર્થના સાધક નથી હોતા પણ કાવ્યના અર્થના સમર્પક હોય છે. કૃતિમાં જે પ્રકારનો ભાવ નિરૂપવો હોય તો તે પ્રમાણે કવિ કોમળ, કઠોર એવા વર્ણો યોજતો હોય છે. આમ ભાવની પરિપુષ્ટિ માટે વર્ણો આવશ્યક છે. બીજું એ કે અમુક વર્ણોનો આપણા અનુભવખંડ સાથે સીધો સંબંધ છે; આ તોડવા માટે કવિ ઘણી વાર વિરોધી વર્ણોનો ઉપયોગ પણ કાવ્યમાં કરે છે. આમ વર્ણો એ અનુભવના સંકેત રૂપે કે તેના વિરોધ રૂપે કાવ્યમાં આવી શકે છે. કવિની વર્ણયોજના તેના ભાવજગતનો નકશો દોરી આપે છે. હરિવલ્લભ ભાયાણીના મતે કૃતિના વર્ણવિચારમાં વર્ણરચનાની તારવણી, તેનું ભાષાવૈજ્ઞાનિક પદ્ધતિએ વર્ણન, તેનો અન્ય તત્ત્વો સાથેનો સંબંધ, તેનો અર્થ સાથેનો સંબંધ એટલાનો સમાવેશ થાય છે.[75] કાવ્યભાષાના વિશ્લેષણમાં સ્વરવ્યંજન, ઘોષઅઘોષ ઇત્યાદિ વર્ણોના ઘણાં બધાં ભેદક તત્ત્વો છે, કાવ્યની તપાસમાં અમુક સમયગાળામાં લખતા કવિઓની વર્ણરચના પણ પદાવલિના એક ભાગ તરીકે તપાસી શકાય. સિતાંશુ યશશ્ચન્દ્રની કવિતામાં મૃદુ અને કઠોર વર્ણની યોજનાથી ક્રિયા કઈ રીતે સિદ્ધ થાય છે તે જોઈએ. ધઝડઘબ ધઝડઘબ ધઝડધબ ધઝડઘબ ધઝડઘબ ગાંડા હાથીનું ટોળું ભમે છે મારી નસોમાં લમણાં ધબકે, ટેરવાં ફાટે છળી ઊઠે છાતી.[76] અહીં ઘોષવ્યંજનોનો વિનિયોગ (પ્રથમ પંક્તિમાં) ચિત્તની અતંત્ર અવસ્થાને મૂર્ત કરવા માટે, વર્ણોની – પછીની પંક્તિયોજનામાં કેટલો સફળ નીવડી શકે તે જોવા જેવું છે. તો નિરંજન ભગતે કવિ બ.ક.ઠાકોરની ‘ભણકાર’ કૃતિના આસ્વાદમાં વર્ણોની કલાત્મકતા ચીંધી બતાવી છે.[77]પણ ઘણી વાર આવી કે આવા પ્રકારની વર્ણરચનામાં વિશિષ્ટ કવિકર્મ જોવાનું આરોપણ અતિ મુગ્ધતાથી વિવેચક કરે તો તેનું પરિણામ કેવું હાસ્યાસ્પદ આવે તેનું સૂચન જયંત કોઠારીએ કર્યું જ છે.[78] કાવ્યમાં છંદ તથા પ્રાસની સાર્થકતા પણ આ જ સંદર્ભમાં જોવી જોઈએ. પ્રાસરચના સરખા વર્ણો કે સરખા ઉચ્ચારના સરખા ધ્વનિઓ પર આધાર રાખે છે. પ્રાસ અર્થના, વર્ણના, ધ્વનિના પણ હોઈ શકે છે. પ્રાસ પંક્તિના આદ્ય, મધ્ય કે અંત્ય સ્થાને પણ છંદમાં પ્રયોજાય. પ્રાસ તો આમ વાક્‌છટાની એક પ્રયુક્તિ તરીકે કાવ્યમાં આવતા હોય છે. છંદ તથા પ્રાસ વિશે ઘણા ઊંડાણથી રા.વિ.પાઠક તથા હરિવલ્લભ ભાયાણીએ ચર્ચા કરી જ છે. [79] કાવ્યની પદાવલિની તપાસમાં અન્વયની ઉપેક્ષા ન કરી શકાય. અન્વયની લાક્ષણિકતાઓ ઢંકાઈ રહેલી હોય છે ત્યાં સુધી એના પ્રભાવને આપણે જાણી શકતા નથી. આપણે વિચારનું પ્રત્યાયન કરવા માંગીએ છીએ. વિચાર સ્વયં તો અમૂર્ત છે તેથી તે એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી સીધી રીતે તો પહોંચાડી શકાતો નથી. આથી મૂર્ત શબ્દોની મધ્યસ્થી જરૂરી બને છે. આ અર્થને મૂર્તતા સમય અને અવકાશના સંદર્ભમાં આપી શકાય. આથી બોલનાર, સાંભળનાર, લેખક-વાચક બધા માટે અર્થ મૂર્તતા ધારણ કરે. આમ અન્વય સમય અવકાશના પરિમાણને મૂર્ત શબ્દ દ્વારા અર્થવત્તા આપે અને આ રીતે શૈલીની તપાસમાં અન્વય મહત્ત્વનો બની રહે. અન્વય દ્વારા માત્ર કાવ્યનું કથયિતવ્ય રજૂ થતું નથી પણ કાવ્યની વ્યંજના સિદ્ધ કરવામાં પણ અન્વયનો ફાળો મહત્ત્વનો બની રહે છે. વાક્યમાં શબ્દનું સ્થાન, વિશેષણ-વિશેષ્ય વચ્ચેનું અંતર, વ્યુત્ક્રમ, ક્રિયાપદ આ બધાંની કાવ્યપંક્તિમાં થયેલી યોજના કાવ્યને કાવ્ય બનાવવામાં કેટલી અનિવાર્ય તેમ જ ઉપકારક છે તે આપણે અન્વયની યોજનાથી જાણી શકીએ છીએ. કવિતામાં શબ્દો અન્વય દ્વારા એકબીજાથી પ્રભાવિત થાય છે. કાવ્યના વિષય પ્રમાણે અન્વય હોઈ શકે. સ્વપ્નને, પ્રેમને, વિફળતાને, ઉપદેશને કે માહિતીને વિષય બનાવતી દરેક કવિતાનો અન્વય અલગ અલગ રહેવાનો. અન્વયમાં નામને વિશેષણ તરીકે, વિશેષણને નામ તરીકે, નામ પરથી ક્રિયાપદ બનાવીને, નવી સમાસરચના દ્વારા વિસરાઈ ગયેલા શબ્દને નવા સંદર્ભમાં પ્રયોજીને ભાષાની ક્ષમતા પ્રગટ કરવાનું કામ અન્વય કરે છે. ડોનાલ્ડ ડેવીએ તેના પુસ્તક ‘આર્ટિક્યુલેટ એનર્જી’માં વિવિધ પ્રકારના અન્વયોની ચર્ચા કરી છે. તેના મતે અન્વય આત્મલક્ષી, નાટ્યાત્મક, વસ્તુલક્ષી, સંગીતમય તથા ગાણિતિક હોઈ શકે છે.[80] આ જ પુસ્તકમાં ડેવીએ કલ્પનવાદી, પ્રતીકવાદી કવિતા સામે ઊહાપોહ કરતાં કહ્યું કે અન્વય માત્ર કલ્પન વચ્ચે જ હોવો જોઈએ તે જરૂરી નથી. અન્વય વડે જ કાવ્યની આગવી પરિપાટીની, કવિની તેના સમયની, તેની આજુબાજુની ભાષાની, ભૂતકાળની ભાષાની જાણકારી મેળવી શકાય. તેનો પ્રતીકવાદી સામે વાંધો એ જ છે કે પ્રતીકવાદીઓ ‘human smell’ની જ, અન્વયની જ ઉપેક્ષા કરી, બાદબાકી કરી કવિતાને ઘણી વાર નુકસાન પહોંચાડે છે.[81] ઉદાહરણ તરીકે લાભશંકર ઠાકરની એક કવિતાની થોડી પંક્તિઓમાં અન્વયની લાક્ષણિકતા જોઈએ :

ઉફ કરી આંખોની સામે વસ્ત્ર વગર સૂતી છે ભાષા?
એને રગદોળું, ચૂંથું
ચૂર બનીને ચઢું
અને એ જ નરી યાંત્રિકતા યાંત્રિકતા
યાન્‌ ત્રિકતા યાન્‌ ત્રિક તા.[82]

અહીં પરંપરાપ્રાપ્ત રૂઢ ભાષાની જડતા તથા યાંત્રિકતા કવિને અકળાવે છે. શબ્દો નવી અર્થક્ષમતા પ્રાપ્ત કરે તે પહેલાં તો વેશ્યા જેવા બની જાય છે અને રેઢિયાળ પ્રતિભાઓથી વિશેષ કશું બની રહેતા નથી. તે પ્રકારનું સંવેદન સમગ્ર કવિતામાંથી વ્યંજિત થાય છે. હવે આ પંક્તિનો અન્વય તપાસીએ તો કવિની સામે નિર્વસ્ત્ર ભાષા સૂતી છે, ભાષા ખુલ્લી છે, વપરાયેલી છે, એ જ ભાષાને ચકચૂર બની કવિ રગદોળે છે, ચૂંથે છે અને તેની યાંત્રિકતાનો અનુભવ કરે છે. ખરેખર તો લેખનમાં યાંત્રિકતા આવી ગઈ છે તેનું સૂચન છે. આ તો તેનો ગદ્યાન્વય થયો. પ્રથમ પંક્તિમાં થયેલો વ્યુત્ક્રમ ક્રિયાપદ ‘છે’ દ્વારા વર્તમાનમાં તેના અસ્તિત્વની હાજરીનો નિર્દેશ કરે છે. ઉફ શબ્દમાં કંટાળો અને એ જ રોજબરોજની વપરાયેલી નિર્લજ્જ ભાષાની વાત કવિ નિર્દેશે છે. ‘રગદોળું’ ‘ચૂંથું’ ‘ચઢું’ ક્રિયાપદોમાં રેઢિયાળ સંભોગ ક્રિયાનો ધ્વનિ જાગે છે. આ સંભોગ યાંત્રિક છે તેનાથી કવિ સભાન છે. પ્રથમપુરુષ એકવચનમાં આખી કવિતા લખાઈ છે. કવિ વારંવાર સાદા વર્તમાનનાં ક્રિયાપદોનું પુનરાવર્તન કરે છે. આ યાંત્રિકતાનો ભાર તોડવા કવિ અંતિમ પંક્તિમાં શબ્દને તેના નિજી ઉચ્ચારણથી તોડે છે, ઢોલના અવાજની યાદ આપે એ રીતે ‘યાન્‌ ત્રિકતા’ શબ્દનું પુનરાવર્તન કર્યું છે અને તે દ્વારા ઉપહાસ, રોષ, નિરર્થકતાનો ટોન ક્રમશઃ પ્રગટ થાય છે. આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે કાવ્યમાં અન્વય કેટલું મહત્ત્વનું કામ કરે છે. ક્રિયાપદોનો સમુચિત વિનિયોગ કાવ્યની ગતિને ચક્રાકારે, થાકની, કંટાળાની એકવિધતાની માત્રા દર્શાવવા કેટલો સાર્થક નીવડી શકે છે તે કાવ્યમાં જોઈ શકાય છે. આ સાથે હર્ષદ ત્રિવેદીએ ભાષાની દૃષ્ટિએ આ કાવ્યની ચર્ચા કરી છે તે પણ જોઈ શકાય.[83] આ રીતે અન્વય દ્વારા કવિનું ભાવજગત ઉત્ક્રાંત થતું આવે છે અને અન્વય કાવ્યપદાવલિની વિવિધ યોજનાનાં અનેક ક્ષેત્રો ખુલ્લાં કરી આપે છે. આ ઉપરાંત કાવ્યની એક પ્રયુક્તિ તરીકે કવિ વિમાર્ગીપ્રયોગો અથવા વિચલનનો પણ આશરો લે છે. આને કેટલાક વિવેચકો પ્રયોગવક્રતા, વિમાર્ગી પ્રયોગો (‘ડેવિએશન’) પણ કહે છે. કાવ્યભાષા અભિધાના સ્તર સિવાય, લક્ષણા, વ્યંજનાના સ્તરે આવે તેને પ્રયોગવક્રતા કહી શકાય. આપણે ત્યાં કુન્તકે વક્રોક્તિની ચર્ચા કરી છે જે સર્વને વિદિત છે. કવિતાની ભાષામાં રોજબરોજની ભાષાથી દૂરતા, વક્ર પ્રયોગોનું વલણ જોવા મળે છે. આ પ્રયોગવક્રતા વિશે કોહેન માને છે કે આ પ્રકારના વિમાર્ગી પ્રયોગો કાવ્યભાષાનું ઐક્યસાધક મૂળભૂત તત્ત્વ છે. કવિતામાં સર્વત્ર ઘણું ખરું જોડાયેલાં તત્ત્વોનો વિચ્છેદ સાધે છે પરંતુ લેવિન આ મુદ્દાની સ્પષ્ટતા કરતાં કહે છે કે વિમાર્ગિતા ભાષિક તત્ત્વોની સાથે નહીં પણ લય, પ્રાસ વગેરેનો વાક્યરચના અને અર્થભાર પર જે પ્રભાવ પાડે છે તેની સાથે જોડાયેલી હોય છે.[84] ટૂંકમાં, કાવ્યની ભાષામાં રોજબરોજની ભાષાથી ઊફરા જઈ, વક્રોક્તિ સાધવાનો પ્રયત્ન હોય છે. આ પ્રયોગવક્રતા કાવ્યમાં લગભગ નવ રીતે સિદ્ધ થઈ શકે છે. નવા શબ્દની શોધ દ્વારા, વ્યાકરણગત વક્રતા, ધ્વનિગત વક્રતા, પંક્તિઓની ગોઠવણીથી સધાતી વક્રતા, અર્થગત વક્રતા, બોલીગત વક્રતા, એક જ કાવ્યમાં વિવિધ શૈલીઓ પ્રયોજવાથી આવતી વક્રતા(જેને રજિસ્ટર પણ કહી શકાય) તથા ઐતિહાસિક સમયની પણ ભાષા યોજી પ્રયોગવક્રતા સિદ્ધ થઈ શકે છે. જ્યોફ્રે લીચે ‘ડેવિએશન’ના આ બધા પ્રકારો પાડ્યા છે અને તેની વિગતે ચર્ચા કરી છે.[85] આ રીતે કાવ્યની રચનામાં અનેક ઘટકોનો મહત્ત્વનો ફાળો હોય છે. આ બધાં તત્ત્વોનો સમવાય, કલાયુક્ત, સંદર્ભદ્યોતક સંબંધ કાવ્યમાં રચાવો જોઈએ. પદાવલિનાં આ બધાં લક્ષણોની તપાસ દસ કવિની દસ કાવ્યરચનામાં કરી છે. દરેક કૃતિ આવા પ્રશ્નો ઊભા ન કરે એ પણ સ્વાભાવિક છે એટલે કૃતિમાંથી ઊભા થતા પદાવલિના પ્રશ્નો અહીં આગળ ચર્ચ્યા છે. કૃતિ નિષ્પન્ન કરવામાં પદાવલિ શો ભાગ ભજવે છે એ જ તપાસ કેન્દ્રમાં રાખી છે.

સંદર્ભ:

  1. સ્વાતંત્ર્યોત્તર કવિતા. સંપાદક : યશવંત ત્રિવેદી, પૃ. ૧૭, ૧૯૭૩.
  2. Understanding Poetry : Cleanth Brooks Robert Penn Warren, P.III, (Holt, Rinehart and Winston, USA,) ૧૯૫૦.
  3. Aristotle’s Poetics - Translation by Leon Goldon, Commentary by O.B. Hardison, Jr., p. ૨૪૬. Prentice Hall, Inc. N.J. ૧૯૬૮. : વ્યવહારજગતના નિયમોને આધારે ટ્રેજેડીનો ગુણધર્મો તપાસી શકાય? એજ રીતે વાક્‌છટાના નિયમોને આધારે કવિતાના નિયમો તપાસી શકાય?
  4. કાવ્યનું સંવેદન – હરિવલ્લભ ભાયાણી, સાહિત્યિક શૈલી અને ભાષા, લેખનો આધાર. પૃ. ૧૬, આર. આર. શેઠ, ૧૯૭૬.
  5. Poetic Diction - A Study in Meaning - Owen Barfield, p. ૪૧, McGraw-Hill, ૧૯૬૪.
  6. Modern Rhetoric - Cleanth Brooks, Robert Penn Warren, p. ૨૮૫, Harcourt Brace Jovanovich, Inc., New York, Chicago, San Francisco, Atlanta. ૧૯૭૨.
  7. Art of Poetry, Paul Valery, p. ૬૪. Pantheon Books, Bollingen Foundation Inc., New York, ૧૯૫૮.
  8. એજન, પૃ. ૬૫.
  9. કિંચિત્‌ - સુરેશ જોષી, પૃ. ૫૭, બુટાલા, બીજી આવૃત્તિ, ૧૯૭૬.
  10. (Letter to Richard West, ૧૭૪૨) Ref. See - A Linguistic Guide to English Poetry, P.B. Geoffrey E. Leech, Longman, ૧૯૭૭.
  11. Literary Criticism - A short history, William K. Wimsatt, Jr., Cleanth Brooks, part III, chap. ૧૬ Oxford, ૧૯૫૭.
  12. એજન, પૃ. ૩૪૭ : ‘જે ઉક્તિઓ તેમની પોતાની રીતે સુંદર અને યોગ્ય હતી તેવી ઉક્તિઓમાંથી મારી કવિતાને મેં બચાવી લીધી છે કારણ કે આ ઉક્તિઓ નબળા કવિઓ દ્વારા કેટલીય વખત પુનરાવર્તન થતી આવી છે.’
  13. Mirror and The Lamp - M.H. Abrams, P. ૧૧૦, Oxford, ૧૯૭૧.
  14. Poetic Discourse - Isabel C. Hunger Land, p.૧૩. University of California Press, Berkeley and Los Angeles, ૧૯૫૮.
  15. કાવ્યનું સંવેદન - હરિવલ્લભ ભાયાણી, પૃ. ૧૮–૧૯.
  16. અંગત - રાવજી પટેલ, પૃ. ૧, આર. આર. શેઠ, મુંબઈ, ૧૯૭૧.
  17. An Essay on Criticism - Graham Hough, p. ૧૧૧–૧૧૫, Duckworth, ૧૯૭૩. (First Published, ૧૯૬૬)
  18. એજન, પૃ. ૧૧૪.
  19. એજન, પૃ. ૧૧૪. મૂળ અવતરણ ‘ધ રોમેન્ટિક પોએટ્‌સ’, ગ્રેહામ હો, પૃ. ૭૭
  20. The Language of the age is never the language of poetry - Thomas Gray. See Linguistic Guide to English Poetry, Geoffrey N. Leech. chapter ૧, p. ૮, ૧૯૭૭.
  21. કાવ્યનું સંવેદન - હરિવલ્લભ ભાયાણી, પૃ. ૧૯
  22. The Art of Poetry - Paul Valery, pp. ૫૫–૫૬.
  23. On Poetry and Poets - Social function of poetry T.S. Eliot, p. ૧૯, Faber & Faber, ૬th edition, ૧૯૭૧.
  24. On Poetry and Poets, The Music of Poetry - T.S. Eliot, p. ૩૨.
  25. Our Experience of Languages - Walter Nash, B.T. Batsfard Ltd., London, ૧૯૭૧ : પ્રથમ પ્રકરણની ચર્ચાનો આધાર
  26. ગુજરાતમિત્ર (દૈનિક) - ‘શબ્દે શબ્દે મેળાવડો’ - સુરેશ જોષી, સોમવાર, ૨ જૂન ૧૯૮૦
  27. English Poetry and The English Language, p. ૧૮ F.W. Bateson, Calarendon Press, Oxford, ૩rd edition ૧૯૭૩.
  28. સ્વાધ્યાય (સામયિક) ‘અર્થઘટન?’ - સુરેશ જોષી, : વસંતપંચમી અંક : જાન્યુઆરી ૧૯૮૦
  29. કાવ્યનું સંવેદન - હરિવલ્લભ ભાયાણી, પૃ. ૧૯
  30. એજન, પૃ. ૧૯–૨૧ – પરની ચર્ચાનો આધાર
  31. Linguistics and the Novel - Roger Fowler, Netheuen & Co. Ltd. ૧૯૭૭. આ મુદ્દાની વિગતે ચર્ચા નવલકથાના સંદર્ભમાં કરી છે, અહીં તો માત્ર નિર્દેશ કર્યો છે.
  32. Language of Literature - Roger Fowler, p. ૯૦, Routledge & Kegan Paul, ૧૯૭૧.
  33. કિંચિત્‌ - સુરેશ જોષી, પૃ. ૫૯–૬૦, બુટાલા, બીજી આવૃત્તિ ૧૯૭૬.
  34. Romantic Image - Frank Kermod, Chapter ૮, Routledge & Keganpaul, ૧૯૫૭.
  35. Art of Poetry - Paul Valery, page ૭૧.
  36. ભારતીય રસવિચાર, રાન્યોરો નોલી, અનુ. નગીનદાસ પારેખ, એતદ્‌ (સામયિક) પૃ. ૨૪–૨૫. ફેબ્રુઆરી ૧૯૭૮ - વાળી રીતે અભિનવગુપ્તની ચર્ચા.
  37. Modern Poetry : Essay in Criticism, (Retrospect by Ezra Pound) p. ૫. Edit : John Holander, Oxford University ૧૯૬૮.
  38. સ્વાધ્યાય (સામયિક) - ઉમાશંકર જોશી, પૃ. ૧૧૩, વસંતપંચમી અંક જાન્યુઆરી ૧૯૮૦.
  39. સાહિત્યમીમાંસા – ‘કવિકર્મ’ - ઉમાશંકર જોશી, પૃ. ૩૨૫, સંપાદક : વિ.ર.ત્રિવેદી. મગનલાલ જીવનલાલ પરીખ, ચુનીલાલ ગાંધી વિદ્યાભવન, સુરત, ૧૯૬૨.
  40. એજન.
  41. The Prison House of Language - Fredric Jameson, p. ૧૯, Princeton University Press, ૧૯૭૨. (Trends in Linguistics)-નો આધાર જે પૃ. ૧૯૬–૧૯૭ પર લેખમાં છે.
  42. આધુનિક કવિતાપ્રવાહ - જયંત પાઠક, પૃ. ૨૭૯–૮૦, પોપ્યુલર બુકસ્ટોલ, સુરત, ૧૯૬૫.
  43. A Poetic Diction - A study in meaning - Owen Barfield, p. ૩.
  44. કાવ્યની શક્તિ - રા. વિ. પાઠક - ‘કવિ ઉપાદાનની શક્તિ એક જગ્યાએ ન્યૂન લાગતાં જ્યાં તેનું બળ અધિક છે ત્યાંથી શક્તિ લાવી તેનો ઉપયોગ કરે છે.’ પૃ. ૬ સયાજી સાહિત્યમાળા. પૃ. ૨૬૭, ૧૯૩૯.
  45. The Language Poets Use - Winifred Nowottny - p. ૩૨, University of London, ૧૯૭૫. (કાવ્યની પદાવલિનો પ્રથમ અત્યારે તો કવિ કઈ રીતે શબ્દોની કલાત્મક સંદર્ભયુક્ત પસંદગી કરી કાવ્યમાં પ્રયોજે છે તે છે.)
  46. કાવ્યમાં શબ્દ - હરિવલ્લભ ભાયાણી, પૃ. ૪.
  47. A Linguistic Guide to English Poetry - Geoffrey N. Leech, p. ૨૪.
  48. કાવ્યમાં શબ્દ, હરિવલ્લભ ભાયાણી, પૃ. ૪૩.
  49. અર્વાચીન કવિતા - સુંદરમ્‌, પૃ. ૪૮૮. ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ, ૧૯૬૫.
  50. Our Experience of Language - Walter Nash, p. ૯.
  51. અર્વાચીન કવિતા, સુંદરમ્‌. પૃ. ૪૮૮.
  52. Modern Philosophy - May ૧૯૫૦ (Magazine) William Empson - Contemporary Criticism & Poetic diction - Elder Olson.
  53. Articulate Energy - Donald Davie, pp. ૧૬૧–૧૬૪.
  54. Aristotle’s Poetics - Translated by Leon Goldon, commentary by O.B. Hardison, Jr., p. ૩૪.
  55. The Criticism of Prose - S.H. Burton, pp. ૨૫–૨૭. Longman, ૧૯૭૭. (Diction વિશેની સામાન્ય ચર્ચાનો આધાર) :
  56. Words, Language and Form - Marie Borrof, p. ૬૪, મૂળ પુસ્તક Literary Theory and Structure - Edited by Frank Brady, John Palmer and Martin Price - Yale University Press, ૧૯૭૩.
  57. ભારતીય સાહિત્યશાસ્ત્ર - ગણેશ ત્ર્યંબક દેશપાંડે, અનુ.ઃ જશવંતી દવે ૫૫, વોરા, ૧૯૭૩.
  58. Words, Language and Form, Marie Borrof, p. ૭૪.
    એજન - Style and Its Image - Roland Barthes-ના લેખનો નિર્દેશ.
  59. શૈલી અને સ્વરૂપ - ઉમાશંકર જોશી, પૃ. ૩૫–૩૬, વોરા, અમદાવાદ-૧૯૬૦
  60. કાવ્યમાં શબ્દ - હરિવલ્લભ ભાયાણી, પૃ. ૯૫–૯૬, ઉપરની ચર્ચા જુઓ.
  61. ‘અર્થઘટન?’ સુરેશ જોષી, ૧૧૭. ‘સ્વાધ્યાય’ (સામયિક) વસંતપંચમી અંક, જાન્યુ. ૧૯૮૦.
  62. Purity of Diction in English Verse - Donald Davie, p. ૧૧ Routledge & Keganpaul, Reprinted, ૧૯૬૯.
  63. પૂર્વાલાપ ‘અતિજ્ઞાન’ - ‘કાન્ત’ પૃ. ૯૭, આર. આર. શેઠ, મુંબઈ, પાંચમી આવૃત્તિ, ૧૯૪૮.
  64. The Critical Twilight - John Fekete, આ પુસ્તકમાં How to criticise a poem, Appendix-Abtk, Theodore Spencer આ કવિતાની વિગતે ચર્ચા કરે છે તેનો અહીં આધાર લીધો છે. pp. ૨૦૯–૨૧૨, Routledge & Kegan Paul, ૧૯૭૮.
  65. નવોન્મેષ : મણિલાલ દેસાઈની કવિતા, ૨૬ : સં. : સુરેશ જોષી : સાહિત્યસંસદ, સાંતાક્રુઝ, ૧૯૭૧
  66. અથવા - ગુલામમોહમ્મદ શેખ, પૃ. ૭૨.
  67. અંગત - રાવજી પટેલ, પૃ. ૧૨૪.
  68. ઓડિસ્યુસનું હલેસું - સિતાંશુ યશશ્ચન્દ્ર, પૃ. ૬૫
  69. એજન - પૃ. ૭૮થી ૧૦૩.
  70. A Linguistic Guide to English Poetry - Geoffrey N. Leech, p. ૬૮.
  71. કવિતા વાંચવાની કળા - ઉમાશંકર જોશી, ૧૪. પરિચય પુસ્તિકા ૩૦૧, પરિચય ટ્રસ્ટ ૧૯૭૧.
  72. ‘સંજ્ઞા’-૧૨ (સામયિક)
  73. Princeton Encyclopedia of poetry and poetics, pp. ૫૯૦ and ૫૯૧. (Onomatto poeia)
  74. મારે નામને દરવાજે - લાભશંકર ઠાકર, પૃ. ૯૭
  75. કૃતિના પાઠબંધની સમીક્ષા પદ્ધતિઓ - હરિવલ્લભ ભાયાણી, ‘સંસ્કૃતિ’ - (સામયિક) જુલાઈ - સપ્ટેમ્બર ૧૯૮૦ પૃ. ૧૫૩–૧૫૪.
  76. ઓડિસ્યુસનું હલેસું - સિતાંશુ યશશ્ચન્દ્ર પૃ. ૯૬
  77. કવિતા કાનથી વાંચો - નિરંજન ભગત, પૃ. ૨૨–૩૨, પર : ‘ભણકારા’ કાવ્યની ચર્ચા જુઓ : પરિચય પુસ્તિકા, ૩૧૮
  78. વિવેચનનું વિવેચન - જયંત કોઠારી, પૃ. ૧૬૭ : ચંદ્રકાન્ત ટોપીવાળાએ સુંદરજી બેટાઈની કાવ્યપંક્તિનું કરાવેલું અર્થઘટન - તેની ચર્ચા : ગુર્જર, ૧૯૭૬
  79. બૃહદ્‌ પિંગળ - રા.વિ. પાઠક, કાવ્યમાં શબ્દ - હરિવલ્લભ ભાયાણી
  80. Articulate Energy - Donald Davie અન્વયના પ્રકારોની ચર્ચા માટે જુઓ પ્ર. ૧
  81. એજન પૃ. ૧૬૫
  82. બૂમ કાગળમાં કોરા - લાભશંકર ઠાકર, રચના ૩૦, પૃ. ૪૭–૪૮
  83. અધીત-બે, અદ્યતન કવિતા : કૃતિલક્ષી વિશ્લેષણ : ૨ ‘ગોળ ગોળ કરતી’... હર્ષદ ત્રિવેદી પૃ. ૬૮થી ૭૧ - સંપાદક જયંત કોઠારી, સોમાભાઈ પટેલ, ગુર્જર ૧૯૭૮
  84. કૃતિના પાઠબંધની સમીક્ષાપદ્ધતિઓ - હરિવલ્લભ ભાયાણી- સંસ્કૃતિ - જુલાઈ-સપ્ટેમ્બર ૧૯૮૦, પૃ. ૧૫૬ પરના મુદ્દા પરનો નિર્દેશ.
  85. ‘ડિવિએશન’ની ચર્ચા માટે જુઓ - A Linguistic Guide to English Poetry, Geoffery N. Leech, chapter ૩, pp. ૪૨ to ૫૨.

Lua error in package.lua at line 80: module ‘strict’ not found.

(‘કાવ્યબાની’)