સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – નીતિન મહેતા/વાંકદેખાં વિવેચનો (જયંત કોઠારી)

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૧૨. વાંકદેખાં વિવેચનો (જયંત કોઠારી)

પ્ર. લેખક, વિ. ગૂર્જર, નવભારત તથા આર. આર. શેઠ, અમદાવાદ, ૧૯૯૩

વિધેયાત્મક નિર્મમ આલોચના

જયંત કોઠારી આપણી ભાષાના એક મહત્ત્વના સંશોધક, સંપાદક અને સંમાન્ય અભ્યાસી વિવેચક છે. મુખ્યત્વે તેઓ ઐતિહાસિક, તુલનાત્મક અને પૃથક્કરણાત્મક વિવેચનપદ્ધતિને અનુસરનારા વિવેચક છે. ક્યારેક અલગઅલગ રીતે તો ક્યારેક એક કે બે પદ્ધતિને સાથેસાથે મૂકી કૃતિનું સઘન વાચન, પરીક્ષણ કે અર્થઘટન કરવાનું તેમને વિશેષ અનુકૂળ આવે છે. ‘વાંકદેખાં વિવેચનો’માં સંશોધનનાં, સંપાદનનાં, સર્જનાત્મક કૃતિઓનાં તથા અનુવાદ વિશેનાં પુસ્તકોનાં (તથા લખાણોનાં) નિર્ભીક અને શ્રદ્ધેય વિવેચનો છે. પહેલી નજરે ગ્રંથનામ વિચિત્ર લાગે, પણ એવું નથી. વિવેચનમાં તો એક વિચારની સામે બીજો વિચાર મુકાતો હોય છે. થોડા વિચારના ટકરાવ પણ સંભવે છે. સંમતિ-અસંમતિના સૂરો પ્રગટતા હોય છે. સામસામા છેડાના વિચારો, માન્યતાઓ વિશે સતત પરિસંવાદ ચાલતો જ હોય છે. અહીં કૃતિના સીધા મુકાબલા દરમિયાન વિવેચકને નડતા, મૂંઝવતા પ્રશ્નોની માંડણી છે. કૃતિપરીક્ષાનાં કડક ધોરણો અપનાવાયાં છે કોઈનીયે શેહશરમમાં તણાયા વિના, અસહિષ્ણુ બન્યા વિના, સાહિત્યમાં મોટે ઉપાડે ચાલતા સંબંધશાસ્ત્ર કે સમાજશાસ્ત્રની પરવા કર્યા વિના વિવેચકને કૃતિના ભાવન દરમિયાન જે યોગ્ય લાગ્યું છે તેની જ વાત સ્પષ્ટતાથી પોઇન્ટ-બ્લેન્ક ભાષામાં થઈ છે. માત્ર દોષદર્શન કરાવવાના ઇરાદાથી જ વિવેચક કૃતિ પાસે જતા નથી. એક રસજ્ઞ ભાવકને કૃતિના વાચન સમયે કેવાંકેવાં વિઘ્નોનો સામનો કરવાનો આવે છે એની મથામણનો રસપ્રદ, વિધેયાત્મક આલેખ આ વિવચનોમાં છે. આ વિવેચનોમાં ભાગ્યે જ કોઈને ડંખ દેખાશે, અહીં વસ્તુલક્ષિતા છે. તાટસ્થ્ય છે તથા પોતે સ્વીકારેલી વિવેચનની શિસ્તને પ્રામાણિકતાથી અનુસરવાનો નમ્ર પ્રયત્ન છે. મધ્યકાલીન તથા અર્વાચીન સાહિત્યમાં કૃતિના કર્તૃત્વના પ્રશ્નોને ઐતિહાસિક હકીકતનોને આધારે, રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક ભૂમિકાના સંદર્ભોના પરિપ્રેક્ષ્યમાં, લેખકના જીવનની ઘટનાઓ, પ્રસંગો, મિત્રોની વાતચીત કે પત્રવ્યવહાર અને અન્ય લખાણો કે oral Historyના સંદર્ભમાં તુલનાત્મક અને કૈશિકી પૃથક્કરણની મદદથી સાધારણ રીતે ચર્ચવામાં આવતા હોય છે. આ પ્રશ્નો આજે ય મૂંઝવનારા રહ્યા છે. કોણે, ક્યાંથી, કોનું શું લીધુંની ચર્ચા ને નિંદા રસનો વિષય રહ્યા છે. કૃતિના કર્તૃત્વ વિશે કે તે સંબંધી પ્રશ્નોનો સામનો કરનાર સંશોધક કઈ પદ્ધતિ અપનાવે છે તેનું આગવું મૂલ્ય છે. ‘કલાપી અને સંચિત’ના લેખક રમેશ શુક્લ કલાપીની કેટલીક રચનાઓના કર્તૃત્વ વિશે સાશંક છે. તેમણે કર્તૃત્વના પ્રશ્નોની માંડણી તુલનાત્મક ભૂમિકાએ રહીને કરી છે. પણ એમની તુલનાત્મક પદ્ધતિનાં જોખમો અને તર્કદોષો જયંત કોઠારીએ બરાબર ચીંધી બતાવ્યાં છે. કલાપીની ચારેક રચનાઓની ચર્ચા રમેશ શુક્લે કરી છે, આ ચર્ચામાં તે ક્યાંક્યાં ભૂલથાપ ખાઈ ગયા છે એની તેમણે વિગતે નોંધ લીધી છે. રમેશ શુક્લનો આખો આયામ હકીકતોની વિકૃત રજૂઆતથી ભરેલો, સંદર્ભોની રજૂઆતમાં એકવાક્યતાના અભાવવાળો, તર્કછલથી ભર્યોભર્યો અને કલાપીની કૃતિઓના bad reading તથા પૂર્વગ્રહદૂષિત વાચનાના નમૂનાવાળો જયંત કોઠારીને લાગ્યો છે. આપણે ત્યાં વિવેચનને નામે, સંશોધનને નામે, સર્જકના જીવનને બારી માની, તેમાં ડોકિયાં કરી, તેની અંગત જિંદગીની ઘટનાઓ મારીમચડીને તેની કૃતિઓ સાથે સાંકળવાનો જે ચાલ છે તે કેટલો વિવેકહીન છે તે વાત પર જયંત કોઠારી આ વિવેચનોમાં ભાર મૂકે છે. નરસિંહ મહેતાકૃત ‘સુદામાચરિત્ર’નું ઉમાશંકર જોશીએ કરેલું અર્થઘટન જયંત કોઠારીને સર્જક-બુદ્ધિવાળું, સાહસિક અને ચર્ચાસ્પદ લાગ્યું છે. ઉમાશંકર જોશીએ આત્મલક્ષી ભૂમિકાએથી કરેલું અર્થઘટન કેટલાક સંદર્ભોને ધ્યાનમાં લેતું નથી પણ ‘કેવળ શબ્દને પકડીને કલ્પનાશીલતાથી કરવામાં આવેલું અર્થઘટન જણાય છે’ (પૃ. ૪૭–૪૮). આથી જ આગળ તેઓ કહે છે, ‘સર્જન પરનો વિવેચનનો અત્યાચાર પણ કોઈને અહીં દેખાય તો નવાઈ નહીં’ (પૃ. ૪૮). અહીં પ્રશ્ન ઉમાશંકર જોશીએ સ્વીકારેલી આત્મલક્ષી પદ્ધતિનો છે. આ પદ્ધતિ તેમને જયંત કોઠારી કરતાં જુદાં જ તારણો પર લાવે તે સ્વાભાવિક છે. પરંતુ આથી ઉમાશંકર જોશીના અર્થઘટનને સર્જન પરના વિવેચનના અત્યાચાર તરીકે ઘટાવી શકાય નહીં. સર્જકની જેમ વિવેચક પણ સહસર્જક છે, પોતાની વાચનપ્રક્રિયા દરમિયાન જુદી ભૂમિકાએથી તે પણ કૃતિની રચના કરતો હોય છે. કેટલીક મધ્યકાલીન કૃતિઓ આજે ગમતી હોય તો તેના થયેલા પરંપરાગત વાચનને કારણે નહીં (અહીં પરંપરાના વાચનનો અનાદર નથી તે ભાગ્યે જ કહેવાનું હોય). નરસિંહ મહેતા કે પ્રેમાનંદ ભાગવતની સુદામા-કથાનો સીધો અનુવાદ કરતા નથી. જો એવું જ હોત તો તેમની કૃતિના અર્થબાહુલ્યની ચર્ચા આજે શક્ય હોત ખરી? પોતાના સમયની સંવેદના તથા સંરચનાને પણ તેઓ સાથેસાથે તેમની રચનાઓમાં ગૂંથતા હોય છે અને ભાવનની ક્ષણે આપણે પણ આપણા સમય જોડે તેને સાંકળતાં, ગૂંથતાં હોઈએ છીએ. માત્ર એક જ કેન્દ્ર પરથી કૃતિની તપાસ થઈ શકે નહીં. ઉત્તમ કૃતિને તપાસવાનાં, પામવાનાં અનેક કેન્દ્રો સંભવી શકે. આ જ સંદર્ભમાં નગીનદાસ પારેખ, જયંત કોઠારી, ઉમાશંકર જોશી તથા લાભશંકર ઠાકરનાં ‘સુદામાચરિત્ર’ પરનાં વિવેચનો સાથે-સામે મૂકી, તુલનાત્મક ભૂમિકાએ રહી તપાસી શકાય. નગીનદાસ પારેખે ‘સુદામાચરિત્ર’ને મૈત્રીકાવ્ય કહ્યું જ છે (જુઓ ‘સ્વાધ્યાય અને સમીક્ષા’, પૃ. ૯૨થી ૧૩૩). ટૂંકમાં જયંત કોઠારી જેવા તથ્યોની માવજત કરનારા અને ઉમાશંકર જોશી જેવા સર્જનાત્મક અર્થઘટન આપનાર, બન્નેની વાચના એક જ કૃતિને જુદાંજુદાં કેન્દ્રોથી તપાસી શકે, એક કૃતિને બદ્ધ કે મર્યાદિત પરિપ્રેક્ષ્યમાં તપાસે છે, બીજાને મન કૃતિ એક ખુલ્લા છેડાઓ વાળી સંરચના છે. મધ્યકાલીન કૃતિના અભ્યાસમાં આપણે થોડા ખુલ્લા મનના થવાની જરૂર છે. (અહીં ‘વાચના’નો અર્થ પોતાને ગમે તે પ્રકારનું વાચન કે પ્રભાવવાદી વાચન એવો લેવાનો નથી.) મીરાંની પંક્તિ ‘દવ તો લાગેલ ડુંગરમેં, કહોને ઓધવજી હવે કેમ કરીએ’નું ચન્દ્રકાન્ત ટોપીવાળાએ તથા નરોત્તમ પલાણે કરેલું સર્જનાત્મક અર્થઘટન મીરાંના પદની યોગ્ય મૂલવણી કરવામાં ક્યાં પાંખું પડે છે તે જયંત કોઠારીએ સરસ રીતે દર્શાવી આપ્યું છે. નર્યા કૃતિલક્ષી, કૃતિને સર્જક ભાવકથી સ્વતંત્ર ગણતા વિવેચનપક્ષના જયંત કોઠારી હિમાયતી નથી તેથી જ તેઓ કહે છે કે ‘નવું વિવેચન કેટલીક વાર સમગ્ર કાવ્યની સંગતિ વિચારવાનું ચૂકી જાય છે. અને આસ્વાદ ખેંચવાની પ્રવૃત્તિ કરે છે’ (પૃ. ૫૪). આ રીતે મીરાંની પંક્તિમાં over readingને તેઓ સ્પષ્ટતાથી ઇન્કારે છે. ભાલણની ‘કાદંબરી’ વિશેનાં માન્ય વિવેચકોનાં મંતવ્યોની તેઓ ફેરતપાસ માંગે છે, માન્ય વિવેચકો દ્વારા દર્શાવાયેલા વિચારો કેવા ખામી ભરેલા છે તે તેઓ નોંધે છે અને સ્પષ્ટતાથી કહે છે કે ‘પ્રતિનિર્માણની કે વિવેકયુક્ત સંક્ષેપની ભાલણની દૃષ્ટિ નહોતી’ (પૃ. ૫૧).

આ ઉપરાંત રજની કે. દીક્ષિતકૃત ‘નરસિંહ મહેતા, નરસૈંયો અને અન્ય નરસિંહો’નું વિવેચન કરતાં લેખિકાનાં સૂઝબૂઝ તથા સાહસને તેઓ બિરદાવે છે છતાં રજની દીક્ષિતે ‘પાઠસુધારણાના અતિરેકી વ્યાપારમાંથી બચવાનું રહેશે’ (પૃ. ૬૩), એમ કહેવાનું તે ચૂકતા નથી. એમનો આગ્રહ સંશોધનમાં તથ્યોની યોગ્ય માવજત તથા સંશોધન દરમિયાન સતર્ક રહી જાળવવી પડતી વૈજ્ઞાનિક શિસ્તનો રહ્યો છે. હસુ યાજ્ઞિકકૃત ‘મધ્યકાલીન ગુજરાતી કથાસાહિત્ય’ વિશેના ગ્રંથની તેઓ સરાહના કરે છે છતાં તેમાં પણ સામગ્રીની રજૂઆતમાં દેખાતી અસંગતિઓ, લેખોનાં પરીક્ષણ તથા સંમાર્જનમાં દેખાતી ઓછપ, ભાષાભિવ્યક્તિની દૂષિતતા અને અસ્પષ્ટતાની, જ્યાં જરૂર લાગી છે ત્યાં, કડક ટીકા તેઓ કરે છે. ‘ગુજરાતી લોકકથાઓ’ વિશેનું જયંત કોઠારીનું નીડર અવલોકન ધ્યાનપાત્ર છે. જોરાવરસિંહ જાદવે કરેલું લોકકથાઓનું સંપાદન અનેક ત્રુટિઓથી ભરેલું છે. તેમના સંપાદનમાં સંશોધકની, વૈજ્ઞાનિકતા, શિસ્ત તથા તાટસ્થ્યનો અભાવ છે, સંપાદનમાં ચોક્કસ દૃષ્ટિની ઊણપ છે, વાર્તાઓની પસંદગી વિવેકહીન ને આડેધડથયેલી છે, કથાઘટકો વિશેની જોરાવરસિંહ જાદવની સમજ ઊણી છે – એ, તેમજ ભાષાભિવ્યક્તિની અનેક મર્યાદાઓ જયંત કોઠારીએ ચીંધી બતાવ્યાં છે અને આ બધાં કારણોને લીધે આ સંપાદન રદ કરવું જોઈએ એવું તારસ્વરે તેમણે કહ્યું છે. પરંતુ વડીલોની મીઠી નજરને કારણે આ સંપાદન રદ થયું નથી તેને ઉદારતા ગણીશું કે દુર્ભાગ્ય? આથી જ જયંત કોઠારી અંતે ટકોર કરતાં કહે છે... ‘જ્ઞાનકોશને થતી હાનિ કરતાં વિત્તકોશને થતી હાનિનો વધારે વિચાર કરવો એ જ ગુજરાતી પ્રજાની વણિકબુદ્ધિને શોભેને?’ (પૃ. ૧૦૫). સુરેશ જોષીના સંપાદન ‘જાનન્તિ યે કિમપિ’ની સમીક્ષા કરતાં જયંત કોઠારી એક અણિયાળો સવાલ પૂછે છે કે સંપાદક ‘એ શું ટપાલી છે?’ પોતાની જવાબદારી સંપાદક ભૂલી જાય છે ત્યારે કેવા પ્રશ્નો ઊઠે છે તે એમણે પૂરી નિર્મમતાથી, નિર્ભીક રીતે દર્શાવ્યું છે. આધુનિક સાહિત્યના ઊંડા અભ્યાસી સુરેશ જોષી તથા અરુણા અડાલજાના લેખો અનુવાદિયા લાગે છે તેમજ ‘સંક્રમણશીલતાના ગંભીર પ્રશ્નો’ જન્માવનાર લાગ્યા છે. સુરેશ જોષીના ગદ્યની અસ્પષ્ટતા અને પાંખી ગતિ તથા દૂષિત તાર્કિક અન્વયોથી તેમના અનુવાદમાં દેખાતી અસંગતિઓ બતાવી આપીને તેઓ કહે છે કે ‘સુરેશભાઈ હવે થાક્યા તો નથીને?’ (પૃ. ૧૧૬) આપણે ત્યાં કાવ્યાસ્વાદોને નામે ચાલતી ઘટના વિશેનો જયંત કોઠારીનો આક્રોશ મર્મસ્પર્શી છે. યશવંત ત્રિવેદીકૃત ‘કવિતાનો આનંદકોશ’નું વિવેચન અનેક રીતે મહત્ત્વનું બને છે. કવિતાને નિમિત્ત બનાવી થતા યદ્દચ્છાવિહારની અહીં બરાબર ખબર લેવાઈ છે, યશવંત ત્રિવેદીનો અવતરણશોખ, અપ્રસ્તુત વાગ્વૈભવ, સંદર્ભવિહીન માહિતીઓનો ખડકલો તથા કાવ્યનો સીધો મુકાબલો ન કરવાને પરિણામે આવી જતી મર્યાદાઓ એમણે લાઘવથી તેમજ તર્કબદ્ધ રીતે દર્શાવ્યાં છે. કાવ્યાસ્વાદનો વેપલો માંડી બેઠેલાઓ માટે આ લેખ લાલબત્તી સમાન છે. ‘વાંકદેખાં વિવેચનો’માં ત્રણ સર્જનાત્મક કૃતિઓનું થયેલું વિવેચન તપાસવા જેવું છે. ‘મારી બારીએથી ભા. ૧–૨’ એ સુરેશ દલાલકૃત નિબંધોની સમીક્ષા કરતાં એમને લાગે છે કે આ નિબંધો છાપાળવા તથા છીછરા છે, ઊંડાણની પ્રતીતિ વિનાના છે. સસ્તી અને સ્થૂળ શબ્દરમતો રૂપ છે. એની ભાષાશૈલી કઢંગી તથા સૌંદર્યવિહીન છે, તે બધું એમણે ઉદાહરણો સાથે દર્શાવી આપ્યું છે. આ જ મુદ્દાઓથી કેટલાક અન્ય નિબંધકારોની શૈલી ઇત્યાદિને તપાસીએ તો જયંત કોઠારીએ સુરેશ દલાલના નિબંધોના સંદર્ભમાં કરેલાં તારણો એ બધા નિબંધકારોની તપાસમાં ઉપયોગી નીવડી શકે એટલાં સમર્થ લાગશે. ‘ઘેરો’ નવલકથામાં મણિલાલ પટેલ નવલકથાના સ્વરૂપ સાથે બરાબર કામ પાર પાડી શક્યા નથી અને મફત ઓઝા ‘ઘૂઘવતા સાગરનાં મૌન’માં કવિતામય કે છટાદાર ભાષાશૈલીના અતિપ્રયોગથી નવલકથાની કળાને કેવી હાનિ પહોંચાડે છે તેની જયંત કોઠારીએ નવલકથાના સ્વરૂપના સંદર્ભમાં નોંધ લીધી છે. કેટલાક લેખોમાં તેમણે આપણી અનુવાદપ્રવૃત્તિની કડક ટીકા કરી છે. ચંદ્રશંકર ભટ્ટનો લોંજાઈનસના ‘ઉદાત્તત્ત્વ’નો અનુવાદ તથા ફ્રોસ્ટની કવિતાના અનુવાદો તપાસતાં એમને આપણી અનુવાદપ્રવૃત્તિમાં પ્રવેશેલી શિથિલતા તથા કચાશ કઠે છે. આપણા મોટાભાગના અનુવાદો ફિક્કા તથા ભાગ્યે જ આનંદ આપનારા બની રહે છે. ઉદાહરણો સાથે કરેલી અનુવાદોની આ ચર્ચા એમની ગંભીર પર્યેષણાબુદ્ધિનું તથા ભાષાની ચોકસાઈ વિશેની તેમની ઊંડી સૂઝબૂઝનું નિદર્શન પૂરું પાડે છે. પુસ્તકની શરૂઆતમાં જયંત કોઠારીએ ‘મારા વિવેચન વિશે મારી કેફિયત’ નામે એક વિસ્તૃત લેખ લખ્યો છે. આ કેફિયતમાં ગુજરાતી વિવેચનસાહિત્યની પરિસ્થિતિ વિશે, પોતાના વિવેચનવિચાર અને પદ્ધતિ વિશે ગંભીરતાથી વાતો થઈ છે. તો આ જ કેફિયતમાં જયંત કોઠારી નામના વિવેચકને થયેલા ન્યાય-અન્યાયની આંતરકથાને પણ સાંકળી લેવાઈ છે. તેમાં ક્યાંક નમ્રતા છે, ક્યાંક જાતસફાઈ છે, ક્યાંક પોતાની મર્યાદાઓનો નમ્ર એકરાર છે. એમાં ક્યાંક ક્યાંક સ્વનામધન્ય સ્તવન અકળાવે એ રીતે પ્રવેશી ગયું છે તો તેમાં વારંવાર આત્મરતિનો રણકો ઉપર તરી આવે છે. કેફિયતના ઘણા મુદ્દાઓ સાથે ભાગ્યે જ અસંમત થવાય, પણ વિવેક તથા તાટસ્થ્યનો જે અનુભવ જયંત કોઠારીના વિવેચનલેખો વાંચતાં થાય છે તે જાણે કે અહીં અળપાઈ જતો હોય એવું લાગે છે. જયંત કોઠારી આપણી ભાષાના એક નીડર, નિર્દંભ અને નિખાલસ વિવેચક છે જ, તેમનાં લખાણોએ તેની પ્રતીતિ કરાવી છે. આમ પણ આત્મકથાનો પ્રકાર સહેજ જોખમી છે અને જો પોતાના જ પ્રેમમાં પડ્યા તો –? આપણે પૂરા આદર સાથે વિવેચક જયંત કોઠારીને કહેશું કે સાહેબ, તમારાં વિવેચનોને બોલવા દોને! તમે વિવેચન નામની પ્રવૃત્તિમાંથી વિશ્વાસ તો નથી ગુમાવી દીધોને!

[‘પ્રત્યક્ષ’, જુલાઈ-સપ્ટેમ્બર ૧૯૯૪]