સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – નીતિન મહેતા/૨૦૦૮નું સાહિત્યનુ નોબેલ પારિતોષિક

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૬. [૨૦૦૮નું સાહિત્યનું નોબેલ પારિતોષિક
ઝ્યાં મૅરિ ગુસ્તાવ લ ક્લેઝિયો]

વર્ષ ૨૦૦૮નું નોબેલ પારિતોષિક નવલકથા, લઘુનવલ, ટૂંકી વાર્તા, નિબંધ અને બાળકથાનાં સાહિત્ય સ્વરૂપોમાં મહત્ત્વનું પ્રદાન કરનારા ફ્રેન્ચ સર્જક ઝ્યાં મૅરિ ગુસ્તાવ લ ક્લેઝિયોને મળે છે. લ ક્લેઝિયોને ધ સ્વિડિશ ઍકેડેમીએ ૨૦૦૮નું નોબેલ પારિતોષિક જાહેર કરતાં એમના વિશે જે કહ્યું તે અત્યંત મહત્ત્વનું છે. તેઓ નવપ્રસ્થાનના સર્જક છે, કાવ્યાત્મક સર્જન-સાહસ અને ઇન્દ્રિયગમ્ય રસાનુભવ એમની રચનાઓના કેન્દ્રમાં છે. આ લેખકે લગભગ ૩૦ રચનાઓ કરી છે. એમનો જન્મ ફ્રાંસમાં નીસ ખાતે ૧૯૪૦માં એપ્રિલની ૧૩મી તારીખે થયો હતો. અત્યારે તો વ્યવસાયે તેઓ માત્ર સર્જક અને અનુવાદક છે. એમને ૧૯૬૩માં પ્રિક્સ રેનેદો એવોર્ડ, ૧૯૮૦માં ગ્રાન્ડ પ્રિક્સ પૉલમોરાં એવોર્ડ અને ૨૦૦૮માં એમના સમગ્ર સાહિત્યિક યોગદાન માટેનો નોબેલ પુરસ્કાર મળે છે. આમ તો પોતાના દેશ ફ્રાંસમાં જ તેઓ અજાણ્યા છે. જ્યારે નોબેલ પારિતોષિકની જાહેરાત થઈ ત્યારે એક વર્તમાનપત્રે તો મથાળું બાંધ્યું ‘Mr. Nobel Unknown’. એમને નોબેલ પુરસ્કારના સમાચાર મળ્યા ત્યારે પ્રથમ તો તે આ વાત માનવા જ તૈયાર નહોતા. એ વખતે તેઓ એક પુસ્તક વાંચી રહ્યા હતા અને તટસ્થભાવે એમણે સમાચાર જાણ્યા. સ્વીકાર્યા. એમની રચનાઓના વાચકવર્ગની સંખ્યા લગભગ ૧૩% છે. હવે પુસ્તકપ્રકાશકો અને વિક્રેતાઓને આશા છે કે નોબેલ પારિતોષિક પછી એમના વાચકોની સંખ્યા કદાચ વધશે. પારિતોષિક મળ્યા બાદ ઍકેડેમીનો આભાર માનતાં, આ તકનો લાભ લેતાં તેઓ એક મહત્ત્વનો સંદેશો આપે છે : ‘Keep reading novels’ અને આગળ કહે છે કે ‘It is very good means for questioning the world today, without having answers that are too schematic – ’ તૈયાર, ચતુરાઈભર્યા ઠાવકા જવાબોની આજે જરૂર નથી. ઉત્તરો વિનાના પ્રશ્નો જ પૂછતા રહેવાનું મહત્ત્વનું માધ્યમ એ નવલકથા છે. તેથી જ એ કહે છે કે : ‘The novelist is not a philosopher, he is not a technician of the language; he is someone who writes, who asks himself questions. If there is a message to send, it is that we must ask ourselves questions.’ લ ક્લેઝિયો અનેક દેશોના પ્રવાસી છે અને મોટા ભાગના એમના લેખનમાં વિદેશી તથા ભય અને તાણગ્રસ્ત વાતાવરણમાં જીવતી પ્રજાની સંસ્કૃતિગાથાનું વેદનાયુક્ત, સંતુલિત અને સમસંવેદનભર્યું આલેખન જોવા મળે છે. વિવિધ સંસ્કૃતિનાં પરસ્પર ભિન્ન પરિમાણો અને જીવનની પરિવર્તિત પામતી રહેતી સંરચનાઓ વચ્ચેનો અનુબંધ એમની મોટા ભાગની રચનાઓના હાર્દમાં ઓતપ્રોત થયેલો જોઈ શકાય છે. એક રીતે તો આ પ્રવાસી લેખક છે. પર્યાવરણ માટે અને હાંસિયામાં ધકેલાઈ ગયેલી, ક્રમશઃ છેકાઈ-ભૂંસાઈ રહેલી, સંસ્કૃતિના જતન માટેની એમની ઊંડી નિસ્બત એમના લેખનમાં રૂપ પામતી રહી છે. એમની પ્રથમ નવલકથા Le proces - verbal (The interrogation)માં અસ્તિત્વનિષ્ઠ પરિસ્થિતિનું આલેખન છે. રોજબરોજની વ્યવહારુ ભાષાની દયાજનક સ્થિતિમાંથી ભાષાને, શબ્દોને પુનઃ ગૌરવ કઈ રીતે અપાવવું અને વાસ્તવના સામર્થ્યની પુનઃ સ્થાપના કઈ રીતે કરવી એની મથામણ આ રચનામાં પ્રતીકાત્મક રીતે ઉદ્‌ગાર પામી છે. લ ક્લેઝિયોનો વાર્તાસંચય La fievere (Fever) તથા Le deluge (The Flood)માં પશ્ચિમમાં મહાનગરોના લોકોની વેદના, એકલતા, ભય, કટોકટી અને વિચ્છિન્નતાની પરિસ્થિતિનું સજીવ અને કલાત્મક આલેખન થયું છે. એમની કેટલીક નવલકથાઓ આપણા સમયમાં વણસી રહેલા પર્યાવરણ પ્રત્યે વાચકને બોલકા બન્યા વિના સભાન અને ચિંતિત કરે છે. ખાસ કરીને એમની Terra Amata (૧૯૬૭), The Book of flights (૧૯૭૧) અને Giants (૧૯૭૫) નવલકથાઓ આ સંદર્ભમાં અભ્યાસીઓ માટે વિશેષ મહત્ત્વની અને સ્મરણીય બની રહે છે. એમને ખ્યાતિ આપનાર નવલકથા Desert છે. ઉત્તર આફ્રિકાના રણપ્રદેશની લુપ્ત થઈ રહેલી સંસ્કૃતિનું આ નવલકથામાં ઇન્દ્રિયગમ્ય, કલ્પનાયુક્ત અને પ્રતીકાત્મક આલેખન છે. અહીં નિવાસ કરતા લોકોની સંસ્કૃતિ તથા યુરોપની સંસ્કૃતિનું સહોપસ્થિતિભર્યું, વેદનાસભર આલેખન આ નવલકથાની વિશિષ્ટતા છે. એમના ફિલ્મના ઇતિહાસ વિશેના અંગત નિબંધોનો સંગ્રહ Ballaciner ૨૦૦૭માં પ્રગટ થયો છે. લેખકના બાળપણ અને યુવાનીના દિવસોની વાતચીત સાથે ફિલ્મના ઇતિહાસના તાણાવાણા શૈલીની વિવિધ ભાતો દ્વારા ગૂંથાતા-ઉકેલાતા આવે છે. લ ક્લેઝિયોને નોબેલ પુરસ્કાર મળ્યો એ પહેલાંની એક મુલાકાતમાં તીર્થંકર ચંદાએ લેખકને પૂછ્યું હતું કે કલ્પના કરો કે આવતી કાલે કદાચ તમને નોબેલ પારિતોષિક મળે, તો તેના વિતરણ સમારંભમાં તમે શું કહેશો? એમણે કહ્યું હતું કે આ એક કાલ્પનિક પ્રશ્ન છે. નોબેલ પારિતોષિકની જાણકારી વિશે તો કદાચ હું કશું જ ન કહી શકું, પરન્તુ જાહેરમાં મારે શું કહેવાનું છે તે હું બરાબર જાણું છું. હું તો અનેક બાળકોની હત્યા કરતાં યુદ્ધો વિશે વાત કરું. મારે માટે યુદ્ધો એ આપણા યુગની એક ભયંકર સમસ્યા છે. સાહિત્ય યુદ્ધની કરુણાંતિકાનું સ્મરણ પ્રજાને કરાવે એ એની કેન્દ્રસ્થ ભૂમિકા હોવી જોઈએ. હમણાં જ પેરિસમાં એક સ્ત્રીની પ્રતિમાના બુરખાનું અનાવરણ કરવામાં આવ્યું. આ દ્વારા અફઘાનિસ્તાનમાં સ્ત્રીને સ્વતંત્રતાનો અધિકાર આપવામાં આવતો નથી એનો વિરોધ સૂચિત રીતે પ્રગટ કરવામાં આવ્યો. લ ક્લેઝિયોના મતે આ એક ધ્યાનયોગ્ય ઘટના હતી. આગળ તેઓ કહે છે કે આવી જ રીતે ઠેર ઠેર બાળકોની પ્રતિમાઓ હોવી જોઈએ અને બાળકોના હૃદય પર લાલ રંગનું એક નિશાન પણ હોવું જોઈએ. જે પ્રત્યેક ક્ષણે આપણને યાદ અપાવે કે ક્યાંક પેલિસ્ટીનમાં કે દક્ષિણ અમેરિકા કે દક્ષિણ આફ્રિકામાં બાળકોને નિર્મમ રીતે ગોળીથી વીંધી નાખવામાં આવતાં હોય છે અને આ વિશે મોટા ભાગના લોકો ક્યારેય અવાજ ઉઠાવતા નથી. અનેક સંસ્કૃતિના પ્રવાસી, રામાયણ, મહાભારતના ઊંડા અભ્યાસી આ લેખક અત્યંત સંવેદનશીલ વ્યક્તિત્વ ધરાવે છે. એમનું લેખન પોતે શું છે અને શું માને છે એની અભિવ્યક્તિ કરે છે. માત્ર વિચારોની અભિવ્યક્તિ પાસે એમના કાર્યની ઇતિશ્રી થતી નથી. એમના લેખનમાં સાંપ્રત ઘટનાઓ સાથે નવો સર્જનાત્મક સંબંધ સ્થપાય છે. એના જ શબ્દો વાંચીએ : We live in a troubled era in which we are bombarded by a chaos of ideas and images. આ અરાજકતા ને ઘોંઘાટભર્યા સમયની છબી ઉપસાવવી એ સાહિત્યકારનું એક પાયાનું કામ છે. દર વખતે આંખ મીંચી આપણા પૂર્વજોની આરતી ઉતારવાનું આપણા સમયમાં અઘરું થઈ ગયું છે. સાર્ત્રના સમયમાં એવું માનવામાં આવતું હતું કે નવલકથા વિશ્વને બદલી શકે છે, પરન્તુ આજનો લેખક માત્ર રાજકીય વીર્યહીનતાના અહેવાલ આપી શકે, જ્યારે આપણે સાર્ત્ર, કામુ કે દોસ પાસોસ કે સ્ટાઇનબેકને વાંચીએ છીએ ત્યારે આપણને પ્રતીત થાય છે કે આ બધા પ્રતિબદ્ધ સર્જકોને માનવજાતના ભવિષ્યમાં અને લિખિત શબ્દોની શક્તિમાં અસીમ વિશ્વાસ હતો. લ ક્લેઝિયોના મતાનુસાર સાર્ત્ર, કામુ અને મોરિશના તંત્રીલેખો જીવાતા જીવનના ઘણા પ્રશ્નોનું નિરાકરણ સૂચવતા : શું આજે આપણે એવી કલ્પના કરી શકીએ? સમકાલીન સાહિત્ય લ ક્લેઝિયોના મતે આશાભંગનું સાહિત્ય છે. કોઈ એક નિશ્ચિત વર્ગમાં મૂકી શકાય એવા આ સર્જક નથી. એમના મતે તો નવલકથા કોઈ એક પ્રકારમાં, વિચારસરણીમાં બાંધી ન શકાય એવું સાહિત્યસ્વરૂપ છે. આ એક મિશ્રિત, બહુસંવાદી, અનેક વિરોધો પોતાનામાં સમાવી બેઠેલું વિલક્ષણ સ્વરૂપ છે. આ સ્વરૂપ વિભિન્ન વિચાર-સંવેદનાના જુદા જુદા અંશોને જોડે છે, તોડે છે અને આખરે તો આ દ્વારા બહુધ્રુવી વૈકલ્પિક વિશ્વરચનામાં રૂપ પામતું હોય છે. તેઓ પશ્ચિમની સંસ્કૃતિને અખંડ સંસ્કૃતિ કહે છે. મોટે ભાગે એ સંસ્કૃતિ શહેરી અને ટેક્‌નિકલ પાસાંને મહત્ત્વનાં ગણે છે અને અભિવ્યક્તિનાં અન્ય સ્વરૂપો, ઉદાહરણ તરીકે ધર્મ અને પરિવર્તન પામતી સંવેદનાનાં અનેક સ્વરૂપોની અવગણના કરે છે. રેશનાલિઝમના નામે, તર્કપ્રણાલીને નામે માનવસંવેદનાના અનેક અજાણ્યા ખંડોથી એ ખાસું એવું અંતર જાળવે છે અને એથી જ લ ક્લેઝિયો પોતાના લેખન દ્વારા અન્ય સંસ્કૃતિઓ અને સભ્યતાઓ તરફ વળે છે. એમને લશ્કરી સેવાઓ માટે ૧૯૬૭માં થાઇલેન્ડ જવાનું થયું. બાળવેશ્યાઓના પ્રશ્નો સામે એમણે ત્યાં આંદોલન કર્યું અને થાઇલેન્ડમાંથી એમને હાંકી કાઢવામાં આવ્યા. આ ઉપરાંત લશ્કરી સેવા માટે એમને મેક્સિકોમાં રહેવાનું થયું. બે વર્ષના મેક્સિકોના નિવાસ દરમ્યાન એમણે ઘણો પ્રવાસ કર્યો, ત્યાર બાદ પનામામાં ચાર વર્ષ ગાળ્યાં અને ઇન્ડિયન ફોરેસ્ટની પ્રજા સાથે ગાઢ સંપર્ક કેળવ્યો. એમનો આ અનુભવ અત્યંત ઊંડાણભર્યો અને હૃદયને હચમચાવી નાખનારો હતો. અહીંના લોકોનું જીવન યુરોપની પ્રજા કરતાં તદ્દન વિપરીત હતું. એનો યુરોપમાં જિવાતા જીવન સાથે કોઈ મેળ નહોતો. Emberas પ્રજાનું પ્રકૃતિ સાથેનું તાદાત્મ્ય, ત્યાંના વાતાવરણ જોડે એમનું હળીમળી જવું, આ માટે કોઈ કાયદાકીય કે ધાર્મિક સત્તાની એ લોકોને આવશ્યકતા જ નહોતી. આવાં આશ્ચર્યો સાથે લ ક્લેઝિયો જ્યારે પાછા ફરે છે ત્યારે આ પ્રજાની સામાજિક નિસ્બતની એમને પ્રતીતિ થાય છે અને એ વાતને એમણે પછીથી પોતાની રચનાઓનું વિષયવસ્તુ બનાવ્યું. પરંતુ એમના ટીકાકારોએ એમને શિખાઉ, સરળ અને ‘noble savage’ની મિથમાં મુગ્ધતાથી પડી જનાર કહ્યા, પરન્તુ લ ક્લેઝિયો કહે છે એ પ્રજા અશિક્ષિત પણ સંસ્કારી હતી. એ બધા પણ સભ્ય સંસ્કૃત સમાજના સભ્યો હતા. તે પ્રજાનાં જુદાં મૂલ્યો અને જીવનને પારખવાની ભિન્ન દૃષ્ટિ હતી. એમના કહેવા પ્રમાણે તો આ પ્રજા બે જુદી જુદી સંસ્કૃતિઓનો એક જ સમયે શિકાર બની છે અને ત્યાં મોટો પ્રશ્ન તો બાળકોનો છે. એમનાં પોતાનાં મૂળિયાં જોડે મેક્સિકન સંસ્કૃતિ જોડાયેલી છે. એક રીતે કહીએ તો એ સંસ્કૃતિ ‘શેરી’ સાથે, બહાર વળતા સમય સાથે સંકળાયેલી સંસ્કૃતિ છે. બીજી બાજુ યુરોપની સંસ્કૃતિ ‘ઘર’, સ્કૂલના નિયમો અને અંદર તરફ વળેલી સંસ્કૃતિ છે. અહીં બાળકો ‘શેરી’ ને ‘ઘર’ની સંસ્કૃતિની દ્વિધામાં અટવાતાં જોવા મળે છે અને લેખક આ બે સંસ્કૃતિના સંઘર્ષને પોતાની રચનાઓમાં આગવી રીતે રૂપ આપે છે. ‘રોમેન્સ’ શબ્દ વક્રોક્તિ અને વિડમ્બનથી ટ્રેજિક પરિસ્થિતિનું વર્ણન કરે છે. ‘રોમેન્સ’માં સાત વાર્તાઓ છે. આપણે જાણીએ છીએ કે રૂમાની કથાઓમાં સંવેદનાઓ સામાજિક સત્યની અગ્રવર્તી હોય છે. બીજી બાજુ આ સંગ્રહની બધી જ વાર્તાઓને લ ક્લેઝિયોએ વાસ્તવિક ઘટનાઓના ઢાંચામાં ઢાળી છે તેથી એક રીતે જોતાં આ સાચી વાર્તાઓ લાગે. અહીં વર્તમાનપત્રોનાં પાનાંઓ પર હોય એવી અતિ લાગણીવશતા ભારોભાર જોવા મળે છે, પરંતુ આ વાર્તાઓની સઘન વાચના જુદા જ સંકેતો તરફ આપણને લઈ જાય છે. લ ક્લેઝિયો માને છે કે નવલકથા એ બુર્ઝવા સાહિત્ય પ્રકાર છે. દૈવ અને દુર્દૈવના તંતુઓ ૧૯મી સદીની મોટા ભાગની નવલકથાઓમાં વણાયેલા છે. બુર્ઝવા સમાજના નસીબના ઉતાર-ચઢાવનું આધિપત્ય ૧૯મી સદીની નવલકથાનું અગત્યનું વિશ્વ રચે છે. ત્યાર બાદ સિનેમાનું આગમન અને આ જ વિશ્વ વધારે અસરકારક રીતે અને સ્વાભાવિકતાથી સિનેમામાં પ્રગટ થાય છે. આને જ કારણે નવલકથાકારે વિચાર અને સંવેદનાઓનું ફલક નવલકથામાં જુદી રીતે વિસ્તારવાનું રહે છે અને તેથી જ રચનારીતિના અનેક પ્રયોગો નવલકથાના સ્વરૂપને ભિન્ન ભિન્ન રીતે ઘડતા આવે છે. લ ક્લેઝિયોના મતે દરેક પેઢીના નવલકથાકારે આ સ્વરૂપમાં સતત સાહસ અને પ્રયોગોને માર્ગે ગતિ કરવાની રહે છે. એમના માનીતા નવલકથાકારો રૉબર્ટ લુઈ સ્ટીવન્સન અને જેમ્સ જૉય્‌સ છે. તેઓએ પોતાનાં શરૂઆતનાં વર્ષોમાં એ બે પાસેથી ઘણું પોષણ મેળવ્યું છે. આ બંને નવલકથાકારો વિશે વાત કરતાં લ ક્લેઝિયો કહે છે કે ‘They drew their inspiration from their first years of life. Through writing they relived their past and tried to understand the ‘why’ and ‘hows’ of it.’ લેખકના પ્રાથમિક અનુભવનું મૂલ્ય એમણે જરાય ઓછું આંક્યું નથી. તેથી જ એ કહે છે કે ‘Literature is only strong when it manages to express the first sensations, the first experience, the first ideas, the first disappointments.’ એક રીતે જોઈએ તો લ ક્લેઝિયો હદપારી ભોગવતા લેખક છે. એમનું કુટુંબ મોરિશિયસમાં. એમની કેટલીય પેઢીઓને વારસામાં મોરિશિયસની લોકવિદ્યા, ભોજન, દંતકથાઓ અને સંસ્કૃતિ મળ્યાં છે. કદાચ આ બધાં જ એમના જીવનનાં પોષક અને રસવત્‌ તત્ત્વો છે. મોરિશિયસની સંસ્કૃતિ મિશ્ર સંસ્કૃતિ છે. ભારત, આફ્રિકા અને યુરોપની સંસ્કૃતિઓનું વિલક્ષણ રસાયણ આ સંસ્કૃતિમાં જોવા મળે છે. ભલે તેઓ ફ્રાન્સમાં જન્મ્યા, એમનો ઉછેર ભલે ફ્રેંચ સંસ્કૃતિમાં થયો, પરંતુ એમની મોરિશિયસ સંસ્કૃતિ સાથેની જન્મનાળ તો ક્યારેય કપાઈ નથી. એમનાં મૂળિયાં તો મોરિશિયસની ધરતીમાં જ રોપાયેલાં છે. આથી ઘણી વાર તેઓ ફ્રાન્સમાં ઇતરજન હોવાનો અનુભવ કરે છે. બીજી બાજુ ફ્રેંચ ભાષાને અને સંસ્કૃતિને તેઓ ઉત્કટ રીતે ચાહે છે. એમને મન ફ્રેંચ ભાષા જ એમની સાચી માતૃભૂમિ છે સાથે સાથે ફ્રાન્સનો રાષ્ટ્ર તરીકે તેઓ જ્યારે વિચાર કરે છે ત્યારે ફ્રાન્સની અસ્મિતા જોડે તેઓ ભાગ્યે જ એકરૂપતા અનુભવે છે. લ ક્લેઝિયોના નોબેલ પારિતોષિકે પણ અમેરિકામાં ઘણા વિવાદો જગાડ્યા છે. એ નિમિત્તે સૌંદર્યશાસ્ત્રનાં ધોરણોની અનિશ્ચિતતા વિશે ઘણી ચર્ચા થઈ છે, પરંતુ સાહિત્યનાં ઇનામો જોડે સંકળાયેલા રાજકારણમાં પડવાનું અત્યારે મુલતવી રાખીએ, કારણ કે એવોર્ડ કે પારિતોષિકોનું વાચન બહુમુખી-બહુવિવાદી રહેવાનું છે. આ નિમિત્તે આપણે તો એટલું જ કહી શકીએ કે લ ક્લેઝિયોની સર્જકચેતના જીવનના બહુવિધ અનુભવોને રચનાકૌશલ્યના વૈવિધ્ય દ્વારા રૂપાંતરિત કરે છે. એમની નવલકથાઓમાં સ્થળ, સમય અને વિષયવસ્તુના આલેખનની અનેક મુદ્રાઓનાં સંવેદનો કલાત્મક રૂપ પામ્યાં છે. એક સજાગ, સમસંવેદનશીલ, પોતાના સમયના પ્રશ્નોનું નિસ્બતથી નિરૂપણ કરનાર, કલાધર્મી સર્જક તરીકેની એમની સાચી ઓળખ તો વાચક, પોતાની રીતે, એમનાં સર્જનોના પ્રત્યક્ષ ભાવનથી જ મેળવી શકે. આપણે એમના સર્જન તરફ આપણા સંદર્ભો સાથે વળીએ, કારણ કે વાચન અને ભાવનનો અન્ય કોઈ વિકલ્પ નથી. નોંધ : ફ્રેંચ સર્જક લ ક્લેઝિયો વિશેની આ પરિચયાત્મક નોંધમાં શ્રી વીરચંદ ધરમશીએ મોકલાવેલી કેટલીક માહિતીનો સાભાર વિનિયોગ કર્યો છે.

(‘નય-પ્રમાણ’)