સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – પ્રમોદકુમાર પટેલ/વિવેચક પ્રમોદકુમાર પટેલ
રમણ સોની
પ્રમોદકુમાર પટેલ આધુનિક ગુજરાતી સાહિત્યના એક ઉત્તમ વિવેચક હતા. પશ્ચિમના વિવેચનપ્રવાહોના પરિશીલન ઉપરાંત એમણે સંસ્કૃત કાવ્યમીમાંસાનું પણ ઊંડું પરિશીલન કરેલું હતું. એમની વિવેચક તરીકેની સજ્જતા ગુજરાતી સર્જનાત્મક સાહિત્ય તેમજ વિવેચનસાહિત્યના વાચન-અધ્યયનથી પણ કેળવાયેલી હતી. આવી નિરંતર અધ્યયન-ચિંતનશીલતાને લીધે એમનું વિવેચન સર્વગ્રાહી અને સંતુલિત હતું. અખૂટ જિજ્ઞાસા એમનાં સર્વ વિવેચનકાર્યોનું એક ચાલકબળ હતી અને વાચન-અધ્યયનના મૂળમાં જવાની એમની તત્પરતા હતી. એટલે એમણે એમના પહેલા વિવેચનસંગ્રહ ‘વિભાવના’(૧૯૭૭)ની પ્રસ્તાવનામાં એમણે જે લખ્યું કે, ‘સાહિત્યવિવેચન અને કળામીમાંસાના મૂળભૂત પ્રશ્નોમાં મને રસ છે’ એ, એમનોે સાચો સન્નિષ્ઠ ઉદ્ગાર છે. એમના કેટકેટલા વિવેચનલેખોમાં આ ‘પ્રશ્ન’કેન્દ્રી તપાસ છે! કેટલાક લેખોનાં શીર્ષકો જોઈએ : ‘સાહિત્યમાં પ્રતીકસંવિધાન અને અર્થઘટનના પ્રશ્નો’, ‘નવલકથાની રૂપરચનાના પ્રશ્નો’, ‘કૃતિવિવેચનના ત્રણ પ્રશ્નો’, ‘સાહિત્યનો ઇતિહાસ : યુગનિર્ધારણના પ્રશ્નો’, ‘સાહિત્યસંશોધનની પદ્ધતિના પ્રશ્નો’, વગેરે. પ્રમોદભાઈએ જીવનભર – એમની કારકિર્દીનાં ચાલીસ ઉપરાંત વર્ષ – અવિરતપણે વિવેચનસાધના કરી, કેવળ વિવેચનની આરાધના કરી. એનાં બે પ્રેરક બળો : સતત પ્રદીપ્ત રહેલી અધ્યયન-વાચનવૃત્તિ અને સાહિત્યનું અધ્યાપન. આપણા કેટલાક મહત્ત્વના વિવેચકોએ – જેમકે રામનારાયણ પાઠક, ઉમાશંકર જોશી, જયંત કોઠારીએ – એ મતલબની વાતો હંમેશાં કરી છે કે, હું શિક્ષક ન હોઉં તો વિવેચક પણ ન હોઉં, કે હું સૌથી પહેલાં શિક્ષક છું, પછી વિવેચક છું. શિક્ષક હોવાથી સતત વ્યાપક અધ્યયન કરવાનું રહે ને અધ્યાપન દરમ્યાન જ સતત વિદ્યાર્થી તરીકે વિદ્યા-ગ્રહણ-તત્પરતા પણ રહેતી હોય છે. પ્રમોદકુમારના લેખો સુદીર્ઘ – ક્યારેક દીર્ઘસૂત્રી લાગે એવા – હોય છે એની પાછળ, વિષયને, એના મુદ્દાઓને સ્પષ્ટ કરતા રહેવાની શિક્ષકવૃત્તિ પણ કારણરૂપ છે. પ્રમોદકુમારની એ વિવેચકમુદ્રા છે.
૦
પ્રમોદકુમાર પટેલે એમની કારકિર્દી દરમ્યાન ૧૮ વિવેચન-પુસ્તકો આપ્યાં એમાં ‘ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા’, ‘ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા’, ‘રસસિદ્ધાન્ત : એક પરિચય’, ‘પન્નાલાલ પટેલ’ એટલા સળંગ ગ્રંથો છે ને બાકીના વિવેચન-લેખસંગ્રહો છે. સળંગ ગ્રંથો પૈકી પહેલો એમનો પીએચ.ડી.નો શોધનિબંધ છે ને બીજો યુ.જી.સી. સંશોધનપ્રકલ્પ નિમિત્તે કરેલું બીજું સંશોધનકાર્ય છે. સંશોધન-વિદ્યાર્થી-અધ્યેતા તરીકેનાં આ બંને કામ ખૂબ જ સંગીન છે ને ગુજરાતી વિવેચનપરંપરામાં એનું ઘણું મહત્ત્વનું પ્રદાન છે. પ્રમોદકુમારની વિવેચક-તાસીર જોતાં એ કોઈને સિદ્ધાન્ત-વિવેચન કરનાર વિવેચક જ લાગે. અલબત્ત, એમનો સિદ્ધાન્તવિચાર જેટલો ઊંડો એટલો વ્યાપક પણ રહ્યો જ છે. પહેલા ગ્રંથ ‘વિભાવના’મા, સર્વ લેખો, પ્રત્યેક ૨૫–૩૦ પાનાંના સિદ્ધાન્તલક્ષી લેખો છે – ‘સર્જકતાની વિભાવના’, ‘વિવેચનનું તત્ત્વજ્ઞાન’, ‘કળાનું પ્રયોજન’, ‘કાવ્યકલ્પન’ વગેરે. એ પછીનાં પુસ્તકોમાં પણ ‘સાહિત્યમાં આકૃતિ’, ‘ભારતીય રસસિદ્ધાન્ત’, ‘પ્રતીકનો વિનિયોગ’, ‘ટ્રેજેડીની વિભાવના’, ‘સાહિત્યના ઇતિહાસની વિભાવના’ એવા સંગીન અને વિવિધ મુદ્દાઓને આવરી લેતા લેખો છે. એમણે ‘તત્ત્વસંદર્ભ’ (મરણોત્તર પ્રકાશન)માં પશ્ચિમની ને સંસ્કૃતની વિવેચનાને વિષય કરતા, ઉત્તમ વિવેચકો-દાર્શનિકોના, દીર્ઘ અંગ્રેજી લેખોના અનુવાદો આપ્યા છે. જેમાં ‘કળા’ વિશેના અર્ન્સ્ટ કેસિરરના ૫૦ પાનાંના લેખનો અનુવાદ છે ને એ ઉપરાંત રેને વેલેક, જ્યૉર્જ પુલે, સ્ટીફન સ્પેન્ડર, ડી. એચ. લોરેન્સ, આલ્બેર કામૂ વગેરેના વિવિધક્ષેત્રીય લેખો તેમજ ‘ભારતીય કાવ્યશાસ્ત્રમાં કલ્પનાનો સિદ્ધાંત’ (ટી. એન. શ્રીકંઠૈયા), ‘રીતિવિચાર’ (વી. રાઘવન) વગેરે જેવા, પૌર્વાત્ય વિદ્વાનોના અંગ્રેજી લેખોના અનુવાદો છે. સર્જનાત્મક પુસ્તકોના તો ઘણા અનુવાદો ગુજરાતીમાં મળશે. વિવેચનના પણ છૂટાછવાયા લેખોના અનુવાદો પણ કેટલાક થયેલા છે. પરંતુ સઘન અને સુદીર્ઘ એવા ૧૫ અંગ્રેજી લેખોના અનુવાદનું પ્રમોદભાઈનું આ પુસ્તક વિરલ છે ને વિવેચક તરીકે આ અનુવાદગ્રંથ પણ એમનું એક મહત્ત્વનું પ્રદાન ગણાશે.
૦
પ્રમોદકુમાર પટેલે આમ મૂલ્યવાન સિદ્ધાન્તવિવેચન કર્યું છે, પણ એમના વિશાળ વિવેચનકાર્યમાં એનું પ્રમાણ ત્રીસેક ટકાથી વધારે નથી. એટલે કે પ્રમોદકુમાર કેવળ અમૂર્ત વિવેચનના પંડિત નથી, અખૂટ સાહિત્યરસથી એમણે હંમેશાં ગુજરાતી સાહિત્યના પ્રવાહોને ને ગ્રંથોને પણ તપાસ્યાં છે ને માર્મિક રસદર્શી વિવેચના આપી છે. એમના આવા પ્રત્યક્ષ વિવેચનને ત્રણ મુખ્ય ધારાઓમાં વિભાજિત કરી શકાય. કર્તા (સર્જક અને વિવેચક)લક્ષી વિવેચન, પ્રવાહદર્શી વિવેચન તથા કૃતિકેન્દ્રી વિવેચન. આપણા ત્રણ મહત્ત્વના વિવેચકોના વિવેચનકાર્યને તપાસતા એમના લેખો છે – ‘નવલરામનો કાવ્યતત્ત્વવિચાર’, ‘બલવંતરાયનું વિવેચન’, ‘સુરેશ જોષીની કાવ્યવિચારણા’. એમની આ તપાસ સર્વગ્રાહી ને ગુણગ્રાહી તો છે જ, પણ એ ચિકિત્સક દૃષ્ટિની પણ છે. જેમ કે સુરેશ જોષીની કાવ્યવિચારણાનું મૂલ્ય ચીંધીને પણ એમણે એમાંના વિરોધાભાસો, સંદિગ્ધ રહી જતાં સ્થાનો અને મર્યાદાઓ સંયત રીતે પણ સ્પષ્ટતાપૂર્વક બતાવી આપ્યાં છે. સર્જકોની વિચારણામાં એમણે મુનશી, પન્નાલાલ, જયંત ખત્રી, ભૂપેશ અધ્વર્યુના નવલકથા-વાર્તાવિશ્વની ઝીણવટભરી ચર્ચા કરી છે. ‘કાન્ત’ની કવિતાની વાત કરવાની સાથે જ એમણે સમકાલીન કવિઓને પણ એવી જ સંગીનતાથી ને રસદૃષ્ટિથી તપાસ્યા છે. રાજેન્દ્ર શાહ, લાભશંકર, રાવજી, રમેશ પારેખ, ઉશનસ્ની કવિતાની એમની તપાસ એક સાહિત્યપ્રેમી ભાવક ને એક કાવ્યરસપારખુ વિવેચકની દૃષ્ટિએ થયેલી છે. એમના એક લેખનું શીર્ષક આ રીતે સૂચક બને છે : ‘ઉશનસ્ની કવિતાના મર્મકોષોમાં!’ સર્જકની ઉત્તમતા ને વિશેષતા બતાવતો આ સુદીર્ઘ લેખ એમની કાવ્યરસિકતા ને કાવ્યજ્ઞ દૃષ્ટિનો એક મહત્ત્વનો નમૂનો છે.
૦
પ્રમોદભાઈ હંમેશાં પોતાના સમયના સાહિત્યને તપાસવા તત્પર રહ્યા છે એ, ઉમાશંકર જોશીએ કહ્યું છે એમ, ‘વિવેચકનું મુખ્ય કર્તવ્ય તે તો સમકાલીન સાહિત્યને તપાસતા જવાનું છે’ – એને ચરિતાર્થ કરે છે. પ્રમોદકુમારના આ પ્રકારના લેખોનું ધ્યાનકેન્દ્ર ‘આજનું –’ એ છે. જેમકે, ‘આજનું કાવ્યવિવેચન’, ‘આજની ગુજરાતી નવલિકા’, ‘વર્તમાન ગુજરાતી વિવેચનનાં નવીન વલણો’, ‘સામ્પ્રત ગુજરાતી કથાસાહિત્ય’, વગેરે.
૦
મધ્યકાળથી આંરભીને અદ્યતન સમય સુધીની મહત્ત્વની કૃતિઓ વિશે એમણે લાંબા લેખો રૂપે, સમીક્ષા અને અવલોકનરૂપે સતત લખ્યું છે. ‘મીરાંનાં પદો’, ‘મામેરું’ (પ્રેમાનંદ)–થી આરંભીને ‘પૂર્વાલાપ’, ‘મળેલા જીવ’, ‘હિમાલયનો પ્રવાસ’, ‘ઉપરવાસ કથાત્રયી’, ‘સ્વપ્નતીર્થ’, ‘જટાયુ’ – એમ વિવિધ સમયખંડોની ઉત્તમ કૃતિઓની એમણે ઝીણવટભરી સમીક્ષા કરેલી છે. જ્યારે ગુજરાતીમાં અદ્યતન સાહિત્યનું પ્રવર્તન થયું ત્યારે, એ સમયની કૃતિઓને તપાસવાના દૃષ્ટિકોણથી ‘ગ્રંથ’ના તંત્રીની વિનંતીની એમણે ‘પાંચ અદ્યતન નવલકથાઓ’ નામનો સ્વાગત અને ચિકિત્સાને સમાવતો લેખ કરીને વિવેચનના મૂળ ને મહત્ત્વના કર્તવ્યને બજાવેલું.
૦
આટલા વ્યાપક ફલક પર વિવેચના કરનાર હોવા છતાં પ્રમોદભાઈએ ઊંચા અવાજે કોઈ વિદ્રોહી સૂર કાઢ્યો નથી. એમની છાપ એક સૌમ્ય, સરળ, કંઈક લો પ્રોફાઇલ લેખક તરીકેની રહી. પરંતુ એમણે – કર્તા કે કૃતિઓની તપાસ વખતે પણ – નર્યું ગુણદર્શન કે સમાધાનવાદી, ગોળગોળ વિવેચન લખ્યું નથી. એમની દૃષ્ટિ ચિકિત્સકની, એક પ્રશ્નકારની જ રહી ને એથી સંયત સૂરે પણ એમણે સ્પષ્ટ નિરીક્ષણો આપ્યાં જ હતાં. એમના વિવેચનમાં અભિનિવેશ વિનાની નિર્ભિકતા છે એ ધ્યાનાર્હ છે. રાધેશ્યામ શર્માના વાર્તાસંગ્રહ ‘બિચારાં’ની સમીક્ષાનું શીર્ષક જ સ્પષ્ટતાવાળું છે – ‘બિચારાં : સ્થૂળ અંશોથી રૂંધાતી વાર્તાકલા!’ સિતાંશુ યશશ્ચંદ્રના ‘જટાયુ’ની સમીક્ષા કરતી વખતે, એની વિશેષતાઓ ચીંધવા સાથે જ, પ્રમોદભાઈએ સ્પષ્ટપણે લખ્યું કે, ‘જો કે આગલા સંગ્રહ [‘ઓડિસ્યૂસનું હલેસું’]ની રચનાઓમાં જે કંઈ કાવ્યસમૃદ્ધિ કે સિદ્ધિ પ્રગટ થયાં હતાં તે આ સંગ્રહમાં નથી.’ સંગ્રહમાંની ‘પ્રલય’ નામની કૃતિને એમણે સ્પષ્ટપણે ‘વણસી ગયેલી રચના’ તરીકે ઓળખાવેલી. મતાંતરો તો હોઈ શકે, પણ પોતાને જે સ્પષ્ટ લાગ્યું એ સંતાડીને પ્રમોદભાઈએ ક્યારેય વિવેચન કર્યું નથી.
૦
ગુજરાતીમાં ઘણા વિવેચકોએ સૈદ્ધાન્તિક ને પ્રત્યક્ષ વિવેચનાનાં ઉત્તમ દૃષ્ટાંતો પૂરાં પાડેલાં છે. અલબત્ત, દરેકનું એક વિશેષ પ્રદાન ચિહ્નિત થતું હોય છે – તો જ એ વિવેચકની (કે કોઈપણ લેખકની) એક આગવી મુદ્રા ઊઠે. પ્રમોદભાઈનું મહત્ત્વનું પ્રદાન તે વિવેચ્ય મુદ્દાના મૂળમાં જઈને, પ્રશ્નો ઊભા કરીને એ અંગે પોતાનાં યથાશક્ય નિરીક્ષણો આપવાની તટસ્થ સન્નિષ્ઠા છે. એમણે ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા તેમજ વિવેચનતત્ત્વવિચારણા વિશે જે મોટા પ્રબંધો આપ્યા તે; સાહિત્યસંશોધનની તેમજ સાહિત્યના ઇતિહાસોની સૈદ્ધાન્તિક તેમજ પ્રત્યક્ષ [‘ગુજરાતી સાહિત્યના ઇતિહાસોનો ઇતિહાસ’] ગવેષણા કરી એ તથા ‘તત્ત્વસંદર્ભ’ દ્વારા વિશ્વના ઉત્તમ દાર્શનિક વિવેચકોના સંગીન અને પડકારરૂપ અંગ્રેજી લેખોના ગુજરાતી અનુવાદો આપ્યા એ – પ્રમોદભાઈનું આગવું ને ચિરંજીવ પ્રદાન ગણાશે.
૦
આટલા મોટા વિવેચક હોવા છતાં પ્રમોદકુમાર પટેલ અત્યંત વિનમ્ર ને સરળ વ્યક્તિ અને અભ્યાસી હતા. પોતાના વાચનરસને ‘પર્ણજ્યોતિના શીળા ઉજાસમાં’ તરીકે ઓળખાવનાર પ્રમોદભાઈએ, એ લેખમાં, લખ્યું છે કે – ‘હું એક જિજ્ઞાસુ વિદ્યા-અર્થી રહ્યો છું. અને જીવનના કોઈક તબક્કે મને એમ પણ લાગ્યું છે કે મારું વિશ્વ, મારી આ સ્થૂળ નજર વિસ્તરે એટલું સીમિત નથી. ભીતરમાં ક્યાંક સ્ફુલ્લિંગ પડ્યો હશે એ વચ્ચે વચ્ચે તગતગી ઊઠે છે. એવી ક્ષણોમાં રોજિંદા પરિચિત જગતના અક્ષાંશ-રેખાંશ કંપી ઊઠે છે.’ આ ઉદ્ગારમાં એક સર્જક ફિલોસૉફરનો હૃદ્ય અવાજ સંભળાય છે. ભીતરી વિશ્વ જેનું આટલું કોમળ હતું એ સાચા વિદ્યા-અર્થીએ આપણા વિદ્યાજગતને, આપણા સાહિત્યજગતને પોતાનાં સમૃદ્ધ ને પરિશ્રમ-પરિશીલનવાળાં વિવેચનોથી રળિયાત કર્યુ છે.
૦ ૦ ૦