< સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ભોગીલાલ સાંડેસરા
સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ભોગીલાલ સાંડેસરા/સૌભાગ્યપંચમી કથા
(જૂની ગુજરાતી ગદ્ય)
(કાર્તિક શુદિ પાંચમ-જ્ઞાનપંચમી અથવા સૌભાગ્યપંચમીનું માહાત્મ્ય વર્ણવતી વરદત્ત અને ગુણમંજરીની કથા જૈન સાહિત્યમાં સુપ્રસિદ્ધ છે, એ તિથિનો ઘણો મહિમા જૈન શાસ્ત્રોમાં કહેલો છે. તે દિવસે પુસ્તકોની યથાવિધ પૂજા કરીને જ્ઞાનનું આરાધન કરવામાં આવે છે. સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશમાં તથા ગુજરાતી વગેરે પ્રાદેશિક ભાષાઓમાં પણ જ્ઞાનપંચમીનું માહાત્મય વર્ણવતી નાનીમોટી કથાઓ તેમજ સ્તવનાદિ રચાયેલાં છે. જ્ઞાનની આશાતના કરવાથી કેવું દુર્ભાગ્ય, અને જ્ઞાનની આરાધના કરવાથી કેવું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે તે તેમાં વર્ણવેલું છે. એ જ કારણથી જ્ઞાનપંચમી સૌભાગ્યપંચમી પણ કહેવાય છે. એ વિષે કહેલું છે.
जायतेऽधिकसौभाग्यं पश्चम्याराधनात् नृणाम् ।
इत्यस्या अभिधा जज्ञे लोके सौभाग्यपञ्चमी ।।
વિક્રમના સત્તરમાં શતકમાં થઈ ગયેલા તપાગચ્છીય કનકકુશલે સં.૧૬૫૫માં સંસ્કૃતમાં સંક્ષિપ્ત ‘પંચમીકથા’ રચેલી છે. એ કથાનો એ સમયની ભાષામાં બાલાવબોધ અર્થાત્ ગદ્યાનુવાદ તેમણે પોતે જ રચેલો છે. એ ગદ્યાનુવાદની સં. ૧૭૮૦માં લખાયેલી હાથપ્રત મને પ્રવર્તક શ્રીકાન્તિવિજયજી મહારાજ પાસેથી મળી હતી. મને મળેલી હાથપ્રતમા કર્તા તરીકે કનકકુશલનું નામ નથી, પરન્તુ સ્વરચિત પંચમી કથા ઉપરનો તેમનો બાલાવબોધ સુપ્રસિદ્ધ છે તેમજ અન્યત્ર પણ એ વિષેની નોંધ મળે છે (લીંબડી જ્ઞાનભંડારનું સૂચિપત્ર, પૃ.૬૪, તથા જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, પૃ.૫૯૧ તથા ૬૦૪), એટલે તેને કનકકુશલની કૃતિ માનવામાં કોઈ પ્રત્યવાય નથી. પ્રાચીન ગૂજરાતી ગદ્યના એક શિષ્ટ નમૂના તરીકે પ્રસ્તુત બાલાવબોધ અહીં પ્રસિદ્ધ કરવાની તક હું લઉં છું, અને આશા રાખું છું કે અભ્યાસીઓને તે કંઈક ઉપયોગી થઈ પડશે. સામાન્ય વાચકોની અનુકૂળતા માટે જૂના ગૂજરાતી ગદ્યનો અર્વાચીન ગૂજરાતીમાં, બને ત્યાં સુધી શબ્દશઃ અનુવાદ પણ આપ્યો છે.
કનકકુશલની અન્ય રચનાઓમાં સંસ્કૃતમાં દાનપ્રકાશ (સં. ૧૬૫૬), રોહિણીકથા, દીપાલિકાકલ્પ, ચતુર્વિંશતિ જિનસ્તોત્રવૃત્તિ, ભક્તામર સ્તોત્રવૃત્તિ, તથા જૂની ગુજરાતીમાં હરિશ્વંદ્ર રાજાનો રાસ ઇત્યાદિ પ્રાપ્ત થઆય છે.)
મૂલ કથા
।। र्द. ।। श्रीवीतरागाय नमः ।। શ્રી શંખેશ્વર પાર્શ્વનાથઈં પ્રણામ કરીનઇં, ભવ્ય જીવના ઉપગારનઇં કાજઇ કાતી શુદી પાંચમિનો મહિમા કહું છું, જિન પૂર્વાચાર્યઇં શાસ્ત્રમાંહિ કહ્યો તિમ.
સકલ સંસાર માંહિ જ્ઞાન તે પરમ આધાર છઇં, પંચમ ગતિદાયક છઇં, તે માટિં પ્રમાદ મુકીનઇં વિધિસું જ્ઞાન આરાધવું, જિમ વરદત્ત રાજકુમાર અને ગુણમંજરીઇં આરાધ્યું તેહની પરિં. તેહની કથા કહિઇં છઈં.
જંબુદ્વીપના ભરષેત્રનઇ વિષઇ પદ્મપુર નામા નગર છઇં, શોભાઇં કરી દેવતાના નગરને જીતઇ છઇ. તિહાં અજીતસેન રાજા થયો, તેહની યશોમતી રાણી, સકલ કલાની ષાણી હુતી, તેહનો પુત્ર વરદત્ત રૂપલાવણ્યઇં શોભિત આઠ વરસનો થયો. પિતાઇં પંડિત પાસે ભણવા મોકલ્યો ઉધમ કરઇં – ભણાવઇં પણિ અષ્યર માત્ર મુખેં ન ચઢઇં, તો શાસ્ત્રની વાત વેગલી રહી. અનુક્રમઇં યૌવનાવસ્થા પામ્યો. પાછિલા કર્મ્મના ઉદયથી કોઢઇ રોગઇં શરીર વિણઠું. કિહાઈ સાતા ન પામઇં.
હવઇં તેહજ નગરનઇં વિષઇં જિનધર્મરાગી, સપ્તકોડિસુવર્ણસ્વામી, સિંહદાસ નામા સેઠિ વસતો હવો, તેહની સ્ત્રી કપુરતિલકા નામઇં શીલવતી, રુપવતી, સૌભાગ્યવતી હવી. તેહની પુત્રી ગુણમંજરી નામઇં, અદ્ભુત વિનયવતી, પણિ કર્મે કરી રોગઇં ઉપદ્રવી; અને વલી મૂંગીબોલી ન સકઇં. પિતાઇં અનેક ઉપાય દીધા, પણિ રોગ શમઇં નહીં. કોઈ વિવાહ પણિ ન કરઇં. સોલ વરસની થઇં. તેહનઇં દુખઈ કરી સમસ્ત કુટુંબ દુખીઉં થયું.
હવઇં તે નગરનેં વિષેં એક સમઇ ચ્યાર જ્ઞાનધરણહાર શ્રીવિજયસેનસૂરિ આવ્યા. સર્વ નગરના લોક, પુત્ર સહિત રાજા, કુટુંબ સહિત સિંહદાસ સેઠિ વાંદવાનઇ અર્થે જાતા હવા. ત્રિણ પ્રદક્ષિણા લેઈ વિધિપૂર્વક વાંદી યથાયોગ્ય ઠામઈં સહુ બેઠા. આચાર્યે દેશના દીધી, તિહાં જ્ઞાન-આરાધન વષાણું – “જે જ્ઞાનને મનઇં કરી વિરાધઇ, તે આગલિં ભવિં શૂન્યમન અથવા અસંનિયા થાઇં, વલી જ્ઞાનનેં વચનેં વિરાધઇં તે મુગા-મુખરોગી થાઈં, વલિ જે જ્ઞાન કાંઇ કરી વિરાધઇં તેહુને દુષ્ટ કુષ્ટાદિક રોગ થાઈ; અને ત્રિવિધ પ્રકારઇં વિરાધઇં તેહને પરભવિ પુત્ર, મિત્ર, કલત્ર, ધન, ધાન્ય, સૌભાગ્યાદિ સર્વનો નાશ થાઈ.”
ઇમ દેશોના સાંભલી સિંહદાસ સેઠિ બોલ્યા : “હે ભગવન કુણ કર્મઇં માહરી પુત્રીનઇં શરીરઇં રોગ થયા?” ગુરુ કહવા લાગ્યાઃ- ‘અરે મહાભાગ, સર્વ શુભાશુભ કર્મ્મથી નીપજઇં, તે માટિં એહનો પૂર્વભવ સાંભલો.
ધાતકીખંડના ભરતનઇં વિષઇં ખેટક નામા નગર. તિહાં જિનદેવ સેઠ છઇં તેહની સુંદરી નામા સ્ત્રી છઇં; નામઈં અને રૂપઇં પણિ. તેહના ૫ પુત્ર આસપાલ, તેજપાલ, ગુણપાલ, ધર્મપાલ, ધર્મસાર નામઇં; વલી તેહનઇં ૪ પુત્રી છઇં, લીલાવતી, શીલાવતી, રંગાવતી, મંગાવતી એહવઇં નામઇં. અનુક્રમઇં જિનદેવઇ ૫ પુત્ર પંડિત પાસે વિદ્યા શીષવા મૂક્યા. તે પાંચ ભેલા મિલી ચપલાઈ કરઇં, જિમતિમ બોલઇં, ભણવું ન કરઇં; તિવારઇં પંડિત તેહનઇં શિક્ષા આપઇં, કાંબડી પ્રમુખ તે મારઇં. તિવારઇ રોતા થકાં તે ઘરિ આવિ, માતા આગલિ દુખ કહઇં, તિવારઇં માતા કહઇં ‘હે પુત્રો, ભણવાનું સૂં પ્રયોજન છે? જે માટિં ભણ્યા મરઇ છઇં, અભણ્યા મરઇં છઇં. તે માટિ બિહુનઇં મરણનું દુઃખ સમાન દેષીનઇં કંઠશોષ કુણ કરઇ? તે માટિં મૂર્ષપણું ભલૂં.’ ઇમ કહી પુત્રનઇં ભણતા વાર્યા: પાટી, પોથી, જ્ઞાનોપરગણ બાલ્યાં, પંડિતનઇ પણિ ઉલંભો દીધો. પુત્રનઇં સીષવા. “જો કિહાઈં અધ્યારૂ સાહમો મિલઇં, ભણવાનું કહઇં તો પત્થર હણવો.” ઇમ સીષવ્યા.
તિ વાત સેઠઇ સાંભલી, તિવારઇં સ્ત્રીનઇ કહવા લાગ્યો, “અરે સુભગે, મૂર્ખ પુત્રનઇં કન્યા કુણ આપસ્યઇં? વ્યવસાય કિમ કરસ્યઇં? પુત્રોનેં ન ભણાવ્યા તેહના માતપિતા વયરી જાણવાં. પંડિત-રાજહંસની સભામાંહિ તે મૂર્ખ-બગલાં ન શોભઇં.” ‘ઇમ સેઠિનાં વચન સાંભલી સેઠાણી બોલી, “તુમેજ કાંઈ નથી ભણાવતા?” માહરો દોષ કોઈ નથી. લોકપણિ ઇમજ કહઇં છઇં. “વડ તેહવા ટેટા, બાપ તેહવા બેટા, જેહવો કુંભ તેહવી ઠીકરી, માતા તેહવી દીકરી” એહવું કહતાં થકાં સેઠિને રીસ ચઢી: “પાપિણિ, પોથી બાલી પુત્ર મૂર્ષ રાષ્યા, વલી માહરો વાંક કાઢઇં છઇ?” સેઠાણી કહવા લાગી, “તાહરો બાપ પાપી, જિણિ એહવો સીષવ્યો.” ઇમ કલહઇં સેઠિનઇં મહારીસ ચઢી તિવારઇં માથા મધ્યે પાહણઇં આહણી. મર્મસ્થાનકઇં લાગો. તે સ્ત્રી મરીને તાહરી પુત્રી થઈ, જ્ઞાનની આશાતના કીધી માટિં મૂંગી રોગવંત થઈ. તિ માટિ કૃત-કર્મ્મનો ક્ષય વિગર ભોગવ્યાં ન થાઈં.”
એહવી વાત સાંભલી ગુરુમુખથકી, જાતીસ્મરણઇં પોતાનો ભવ દીઠો, (ગુણમંજરી) મૂર્છા પામી. સ્વસ્થ થઈ કહવા લાગી, “હે ભગવન્ તુહ્મારુ વચન સત્ય, મોટું જ્ઞાનમહિમા.” તિવારિ સેઠ કહવા લાગ્યાઃ- “હે ગુરૂરાજ, એહના શરીરથી રોગ જાઈં તે ઉપાય કહો.” તિવારઇં જ્ઞાન-આરાધન વિધિ દેષાડ્યો, “અજૂઆલી પાંચમિ દિને ચઉવિહાર, પોસહ ઉપવાસ કરઇં, સાથિઓ આગલિ ભરઇં, પાંચ વાટિનો ધૃતમય દીવો અષંડ કરઇં, મેવા, પકવાન ફલ પાંચ પાંચ જાતિના સર્વ આગલિ ઢોઇ, પૂર્વ દિશિ તથા ઉત્તર દિશિ સાહમો બેસી ओम ह्री नमो नाणस्य એ પદ સહસ્ત્ર સહસ્ત્ર ગણઇં, પવિત્ર થઈ પૂજા ત્રિસંધ્યે કરઇં; જો પોસહ કીધો હોય તો તે દિનઇં એતલો વિધિ ન કરી સકઇઁ તો બિજઇં દિનિ પારણું કરઇં તે વિધિ સાચવીનઇં કરઇં. પાંચ વરસ અને પાંચ માસ એ રિતિ કરઇં, જો માસઇં માસઇં ન કરી સકઇં તો કાર્તિંક શુદિ પાંચમ યાવજ્જીવ આરાધઇં જ્ઞાનઇં શરીરની નીરોગતા પાવૈ; દેવલોક, અનુક્રમિં મોક્ષસુખ પામઇં. પછઇં ઉજમણઇં ૫ પ્રાસાદ, ૫ જિનબિંબ, ૫ પાટી, ૫ પ્રતિ, ૫ ઠવણી, ૫ નોકરવાલી, ૫ રોમાલ ઇત્યાદિક પાંચ પાંચ વસ્તુની વિધે ઉજમણું કરઇં”
એહવું સાંભલી તે તપ ગુણમંજરીઇં આદર્યો. ભલા વૈદ્યનું કહિઉં વચન જીવિતવ્યની આશાવંત પુરુષ માનઇ તિમ માનીને આદરિઉં.
હવઇં એહવા અવસરનઇં વિષઇં રાજાઇં સાધુ-પુરંદર પૂછ્યા, ‘સ્વામિન, માહરો પુત્ર વરદત્ત, તેહનઇં મૂર્ષપણું, કુષ્ટરોગ, કિસેં કર્મઇં થયો તે કૃપા કરી કહો.’ તિવારે તેહનો પાછલો ભવ ગુરુ કહવા લાગ્યા;
“એહ જંબૂદ્વીપ ભરતનેં વિષઇં શ્રીપુર નામા નગર છઇં, તિહાં વસુ નામા સેઠિ વસઇં છઇં, મહર્દ્ધિક છઇં, તેહના પુત્ર બે; વસુદેવ અનઇ વસુસાર. એકદા સમયેં ક્રીડા કરવા વનમાં ગયા છઇં. તિહાં મુનિસુન્દરસૂરિ જ્ઞાની ગુરુ વાંદ્યા. તિહાં યોગ્ય જાણી દેસના સાંભલી, “જે પ્રભાતિં તિ મધ્યાહને નહીં, જે મધ્યાહને તે સંધ્યા નહી. જે સવારઇં સંસક્યું ધાન્ય તે સાંઝઇં વિણસ્યઇં, તો તેહના રસથી નીપની કાયા વિણસઇ તે માહિ સૂં કહવું? ધર્મ્મ વિના મનુષ્યનો ભવ તો કૂતરાના પૂંછ સરિષો: જિમ કૂતરાનું પૂંછ દંસ મસા રાષવા સમર્થ નહીં, ગુહ્ય ઠામિ રાષવા સમર્થ નહી તિમ જાણવું.”
ઇમ દેશના સાંભલી માતાપિતાને પૂછી બે ભાઈ વ્રત લેતા હવા. અનુક્રમેં લહુડાઈં વસુદેવઇં બુદ્ધિરૂપ નાવઇં કરી સિદ્ધાંતસાગર અવગાહ્યો. અનુક્રમઇં આચાર્યપદ દીધૂં, પાંચસય સાધુનઇં વાચના આપઇં, એકદા સમયે સંથારઇં સૂતાં એક સાધુ પદ પૂછવા આવ્યો, તે પૂછી વલ્યો એતલઇ બીજો આવ્યો. ઇમ વારંવાર પૂછતાં નિંદ્રા કરવા ન પામ્યો. અરતિ ઉપની. તે કહવા લાગો જે “ધન્ય માહરો ભાઈ મૂર્ખ સૂઈં છઇં. મૂર્ખ માહિ ઘણા ગુણ છઇં, તે માટિ કહ્યો છઇઃ
સૂઇ નિચિંત, ભોજન બહુ કરઇં, નિરલજ, અહોનિસિ નિદ્રા ધરઇં,
કાર્ય-અકાર્ય વિચારઇં નહી, માન-અપમાન ગુણ જાણઇ નહી.
એહવું મૂર્ખપણું મુઝનેં હોય તો વારું. હવઇ પાછિલું ભણું વિસારૂં, નવું ન ભણૂં, પૂછે તેહને ન કહૂં. ઇમ ચિંતવી મૌન કીધું તે બાર દિન લગઇં. આર્તધ્યાને તે પાપ અણલોયઇ મરીને તાહરો પુત્ર થયો. તે જ્ઞાનની આશાતના થકો મૂર્ખપણું પામ્યો, દુષ્ટરોગાક્રાંત થયો. આચાર્યનો વડેરો ભાઈ માનસરોવરને વિષઇં હસબાલક થયો. કર્મની વિચિત્ર ગતિ છઇં.’
એહવાં ગુરુનાં વચન સાંભલી જાતિસ્મરણઇં (વરદત્તઇં) પોતાનો ભવ દીઠો, મૂર્છા પામી સ્વસ્થ થયો. કહિવા લાગો જે ‘સ્વામિન, સત્ય તુહ્મારું વચન, વિશ્વપ્રકાશક જ્ઞાન છે.’ તિવારે રાજા કહવા લાગ્યા, ‘હે ભગવન, એહના શરીરથી રોગ કિમ જાઇં? અનેં અમનેં સમાધિ કિમ થાઇં?’ તિ વારઇં કરુણાસમુદ્ર આચાર્યઈં એહજ કાર્તિક શુક્લ પાંચમિનો પ્રભાવ દેષાડ્યો તે સર્વ પાછિલિ કહિઉ તે રિતિ પાલિવાનું ગુરુ પ્રણમીનઇં સર્વ સ્વસ્થાનકેં ગયા.
તે પ્રધાન તપ કરતા વરદત્તનઇ સકલ રોગ રીસાવીનેં ગયા. અનુક્રમઇં સ્વયંવરમંડપઇ હજાર કન્યાનાં પ્રાણિગ્રહણ કીધાં. અશેષ કલા શીષી. અનુક્રમઇં વરદત્તનઇં રાજ્ય આપી પિતાઈ ગુરુ પાસે ચારિત્ર લેઈ સુગતિ પામ્યા.
હવઇં વરદત્તરાજા ચિરકાલ લગઇ રાજા ભોગવી, પ્રતિ વર્ષેઇ પાંચમી તપ વિધિપૂર્વક આરાધીને પોતાના પુત્રનેં રાજ્ય થાપીને પોતઇં દીક્ષા લેતા હવા.
હવઇં ગુણમંજરી પણ તે તપના મહિમા થકી નીરોગ થઈં, તિવારે જિનચંદ્ર સેઠિ પરણી, પિતાઈ કરમોચન વેલાઈ બહુધન આપ્યું. અનુક્રમઇં ગૃહવાસના સુખ ભોગવી, વિધઇં તપ આરાધી દીક્ષા સ્વીકારી.
તે બેહુ જણાં નિરંતર ચાર ચારિત્ર પાલી, કાલ કરી વિજયવિમાને દેવતા થયા. હવિં તિહાંથી ચવી વરદત્તનો જીવ જંબૂદીપના મહાવિદેહઇં પુષ્પકલાવતી વિજય, પુંડરીકિણી (નગરી), અમરસેન રાજા, ગુણવતી સ્ત્રી, તેહની કૂષિનઇં વિષેં આવી ઉપનો. ક્રમેં ગુણ,સુલક્ષણ પુત્ર પ્રસવ્યો, સૂરસેન નામ આપ્યું, અનુક્રમઇ રૂપલાવણ્ય-મંદિર બાર વરસનો થયો. પિતાઈ શત કન્યાનું પાણિગ્રહણ કરાવ્યું. રાજ્ય આપી પિતા પરલોક પોહતા.
એકદા સમઇં સીમંધર સ્વામી સમોસર્યાં; તિહાં પણિ પાંચમિ આરાધવાનો વિધિ કહતાં વરદત્તનો દ્રષ્ટાંત દેષાડ્યો. તિવારે રાજા બોલ્યા, ‘વરદત્ત જે તુમે કહ્યો તે કુણ?’ તિહાં પ્રભુઇં સર્વ સર્વ વૃત્તાંત કહિઉં. એહવાં અરિહંતનાં વચન સાંભલી ઘણા ભવ્ય જીવઇં પાંચમિ તપ આદર્યો. રાજાઇં પણ વિશેષથી તપઇં સાવધાન થયો. દશ હજાર વરસ રાજ્ય પાલી, પુત્રનઇં રાજ્ય આપી, તીર્થંકર પાસે દીક્ષા લીધી. દશ હજાર વરસનું રાજ્ય ઋષિ ચારિત્ર પાલી, કેવલજ્ઞાન પામી મોખ્યસુખ્ય પામ્યા.
હવઇં ગુણંજરીનો જીવ વિજયવિમાનથી ચવી, જંબૂદ્વીપ વિદેહઇં રમણીય વિજયઇં શુભા નામ નગરી. તિહાં અમરસેન રાજાન, અમરવતી રાણી, તેહની કુષિનઇં વિષઇં ઉપનો. અનુક્રમઇં પ્રસવ થયો. સુગ્રીવ નામ થાપના કીધી. અનુક્રમઇં વીસમઇં વરસઇં જોગ્ય જાણી પિતાઇં રાજ્ય આપી, પિતાઈં દીક્ષા ગ્રહી પરલોક સાધ્યો.
હવઇં સુગ્રીવ રાજાઇં બહુ કન્યાનું પાણિગ્રહણ કીધું, ચોરાસી હજાર પુત્ર થયા. અનુક્રમઇ પુત્રનઇં રાજ્ય આપી પોતઇં દીક્ષા લેતા હતા. અનુક્રમઇં કેવલજ્ઞાન ઉપાર્જી, ઘણા જીવનઇ પ્રતિબોધી, એક પૂર્વ લક્ષ ચારિત્ર પાલી, સર્વ્વ કર્મ્મ ક્ષય કરી મોક્ષ પોહતા.
તે માટિં અધિક સૌભાગ્ય – સૌભાગ્યપંચમી નામ થયું. ઇમ બીજઇ પ્રાણીઇં પણિ એહની પરિ પાંચમનું તપ આરાધવો. पंचमीकथा संपूर्णाम् ।। संवत् १७८० वर्षे कार्तिक शुदि २ रवौ आर्या रही वाचनार्थम् ।।
અર્વાચીન ગૂજરાતી અનુવાદ
શ્રીશંખેશ્વર પાર્શ્વનાથને પ્રણામ કરીને ભવ્ય જીવના ઉપકારને કાજે કાર્તિંક સુદિ પાંચમનો મહિમા, પૂર્વાચાર્યોએ શાસ્ત્રમાં કહ્યો છે તે પ્રમાણે, કહું છું.
સકલ સંસારમાં જ્ઞાન એ પરમ આધાર છે, પંચમ ગતિદાયક છે, માટે પ્રમાદ મૂકીને, વરદત્તકુમાર અને ગુણમંજરીની જેમ, વિધિપૂર્વક જ્ઞાનની આરાધના કરવી તેમની (વરદત્તકુમાર અને ગુણમંજરીની) કથા કહીએ છીએ.
જંબુદ્વીપના ભરતક્ષેત્રના પદ્મપુર નામે નગર છે, તે શોભાએ કરીને દેવતાના નગરને જીતે છે. ત્યા અજિતસેન રાજા થયો. તેની યશોમતી રાણી સકલ કલાની ખાણ હતી. તેનો રૂપલાવણ્યથી શોભિત પુત્ર વરદત્ત આઠ વરસનો થયો. પિતાએ પંડિત પાસે ભણવા મોકલ્યો. પંડિત ઉદ્યમ કરવા લાગ્યો, ભણાવવા લાગ્યો, પણ અક્ષર માત્ર તેને મુખે ચઢતો નહોતો, તો શાસ્ત્રની વાત તો દૂર જ રહી. અનુક્રમે વરદત્ત યુવાવસ્થામાં આવ્યો. પૂર્વકર્મના ઉદયથી તેનું શરીર કોઢથી વિકૃત થયું. કોઈ સ્થળે તે શાતા પામતો નહોતો.
હવે, તે જ નગરને વિષે જિનધર્માનુરાગી, સપ્ત કોટિ સુવર્ણનો સ્વામી સિંહ નામે શ્રેષ્ઠી વસતો હતો. તેની કર્પૂરતિલકા નામે સ્ત્રી શીલવતી, રૂપવતી અને સૌભાગ્યવતી હતી. તેની ગુણવતી નામે પુત્રી અદ્ભુત વિનયવતી હતી, પણ કર્મે કરીને રોગથી પીડાતી હતી. વળી મૂગી હોવાથી બોલી શકતી નહોતી. પિતાએ અનેક ઉપાય કર્યો, પણ રોગ શમતો નહોતો, કોઈ તેની સાથે વિવાહ પણ કરતું નહોતું. એમ કરતાં તે સોળ વરસની થઈ. તેના દુઃખે કરીને સમસ્ત કુટુંબ દુઃખી થયું.
હવે, તે નગરને વિષે એક સમયે ચાર જ્ઞાન ધારણ કરનાર શ્રી વિજયસેનસૂરિ આવ્યા, નગરના સર્વે લોકો, પુત્ર સહિત રાજા તથા કુટુંબ સહિત સિંહદાસ શ્રેષ્ઠી તેઓને વાંદવાને માટે ગયા. ત્રણ પ્રદક્ષિણા કરી વિધિપૂર્વક વાંદી યથાયોગ્ય સ્થાને સૌ બેઠા. આચાર્યે દેશના આપી, અને તેમાં જ્ઞાનની આરાધનાને વખાણી - ‘જે જ્ઞાનને મનથી વિરાધે છે તે આગલા ભવમાં શૂન્યમન અથવા અસંજ્ઞી થાય છે, જે જ્ઞાનને વચનથી વિરાધે છે તે મૂગા-મુખરોગી થાય છે, જે કાયા વડે જ્ઞાનને વિરાધે છે તેને કોઢ વગેરે દુષ્ટ રોગો થાય છે, અને ત્રિવિધ પ્રકારે વિરાધે તેને પરભવમાં પુત્ર, મિત્ર, સ્ત્રી, ધન્ય, ધાન્ય, સૌભાગ્યાદિ સર્વનો નાશ થાય છે.’
આ પ્રમાણે દેશના સાંભળીને સિંહદાસ શ્રેષ્ઠી બોલ્યા, ‘હે ભગવન! કયા કર્મથી મારી પુત્રીની શરીરમાં રોગ થયા છે?’ ગુરુ કહેવા લાગ્યા, ‘હે મહાભાગ! સર્વે શુભાશુભ વસ્તુ કર્મથી ઉત્પન્ન થાય છે, માટે એનો પૂર્વભવ સાંભળો -
ધાતકીખંડના ભરતને વિષે ખેટક નામે નગર છે. ત્યાં જિનદેવ નામે શેઠ હતો, તેને સુન્દરી નામે પત્ની હતી. તે નામમાં તેમજ રૂપમાં ખરેખર સુન્દરી હતી. તેના પાંચ પુત્ર આસપાસ, તેજપાલ, ગુણપાલ ધર્મપાલ અને ધર્મસાર નામે હતા, તથા ચાર પુત્રીઓ લીલાવતી, શીલાવતી, રંગાવતી અને મંગાવતી એવાં નામે હતી. જિનદેવે અનુક્રમે પાંચ પુત્ર પંડિત પાસે વિદ્યા ભણવા મૂક્યા. તે પાંચે ભેગા મળી ચાપલ્ય કરતા, જેમ તેમ બોલતા, પણ ભણતા નહિ, એસમયે પંડિત તેમને શિક્ષા કરતો, સોટી વગેરે તેમને મારતો. એટલે રોતા રોતા તેઓ ઘેર આવીને માતા આગળ દુઃખ કહેતા. એ સમયે માતા કહેતી, ‘હે પુત્રો! ભણવાનું શું પ્રયોજન છે? જેઓ ભણ્યા છે તેઓ મરે છે અને નથી ભણ્યા તેઓ પણ મરે છે, માટે બન્નેએ મરણનું દુઃખ સમાન હોઈને ભણીને કંઠ કોણ સુકાવે? માટે મૂર્ખપણું સારું.’ એમ કહીને માતાએ પુત્રને ભણતા વાર્યા, અને પાટી, પોથી વગેરે જ્ઞાનનાં ઉપકરણ બાળી નાખ્યાં. પંડિતને પણ ઠપકો આપ્યો. પુત્રોને શીખવ્યું, ‘જો ક્યાંય પંડિત સામે મળે અને ભણવાનું કહે તો પત્થર મારવો.’
આ વાત શેઠે સાંભળી, એટલે તે સ્ત્રીને કહેવા લાગ્યો, “હે સુભગે! મૂર્ખ પુત્રને કન્યા કોણ આપશે? તે વેપાર શી રીતે કરશે? જેમણે પુત્રોને નથી ભણાવ્યા એ માબાપ પુત્રોનાં વેરી જાણવાં. પંડિતરૂપી રાજહંસોની સભામાં એ મૂર્ખ બગલાં શોભતાં નથી.” આ પ્રમાણે શેઠનાં વચન સાંભળીને શેઠાણી બોલી, “તમે તેમને શું કામ ભણાવતા નથી? એમાં મારો કંઈ દોષ નથી. લોકો પણ એમ જ કહે છે. વડ તેવા ટેટા અને બાપ તેવા બેટા. જેવો કુંભ તેવી ઠીકરી અને મા તેવી દીકરી.” તેણે આમ કહ્યું એટલે શેઠને રીસ ચડી, અને તે બોલ્યા, “પાપિણિ! પોથી બાળીને પુત્રોને મૂર્ખ રાખ્યા, અને હવે મારો વાંક કાઢે છે?” શેઠાણી કહેવા લાગી, “જેણે તમને આવું શીખવ્યું એ તમારો બાપ પાપી.” આ પ્રમાણે કલહ થતાં શેઠને ઘણી રીસ ચઢી. એ સમયે તેણે સ્ત્રીના માથે પત્થર માર્યો, તે મર્મસ્થાનમાં વાગ્યો, એટલે તે સ્ત્રી મરીને તારી પુત્રી થઈ. પૂર્વજન્મમાં જ્ઞાનની આશાતના કરી હતી, તેથી મૂગી અને રોગિષ્ઠ થઈ. માટે કૃતકર્મનો ક્ષય તે ભોગવ્યા વિના થતો નથી.”
ગુરુના મુખેથી આવી વાત સાંભળીને ગુણમંજરીએ જાતિસ્મરણથી પોતાનો પૂર્વભવ જોયો અને તે મૂર્ચ્છા પામી. પછી મૂર્ચ્છા વળતાં સ્વસ્થ થઈને કહેવા લાગી, “હે ભગવન્ ! તમારું વચન સત્ય છે, જ્ઞાનનો મહિમા મોટો છે.” એ સમયે શેઠ કહેવા લાગ્યા, “ગુરુરાજ ! એના શરીરમાંથી રોગ જાય એવો ઉપાય કહો.” એટલે ગુરુએ જ્ઞાનઆરાધનાનો વિધિ બનાવ્યો, ‘અજવાળી પાંચમને દિવસે મનુષ્ય ચોવિહાર, પૌષધ ઉપવાસ કરે, આગળ સાથિયો ભરે, પાંચ વાટનો ઘીનો દીવો અખંડ રાખે, પાંચ જાતના મેવા, પકવાન્ન અને ફળ આગળ ધરે, પૂર્વ દિશા તથા ઉત્તર દિશા સામે બેસીને ॐ ह्रीँ नमो नाण्स्स એ પદનો હજાર હજાર વાર જાપ કરે. પવિત્ર થઈને ત્રણ સંધ્યાએ પૂજા કરે. જો પૌષધ કર્યો હોય અને તે દિવસે એટલો વિધિ ન કરી શકે તો બીજે દિવસે પારણું કરે તે વિધિ સાચવીને કરે. પાંચ વરસ અને પાંચ માસ સુધી એ વિધિ કરે. જો પ્રત્યેક માસે આ પ્રમાણે ન કરી શકે તો કાર્તિક સુદિ પાંચમના દિવસે આ પ્રમાણે આરાધના જીવન પર્યંત કરે જ્ઞાનની આરાધનાથી મનુષ્ય નીરોગતા પામે છે, દેવલોક તથા અનુક્રમે મોક્ષસુખ પામે છે. પછી ઊજમણામાં ૫ પ્રાસાદ, ૫ જિનબિંબ ૫ પાઠી પ્રતિ, ૫ ઠવણી, ૫ નોકરવાળી, ૫ રૂમાલ ઇત્યાદિ પાંચ પાંચ વસ્તુની વિધિએ ઊજમણું કરે.”
એ સાંભળીને ગુણમંજરીએ એ તપ આદર્યું. જીવવાની આશા રાખતો મનુષ્ય ઉત્તમ વૈદ્યનું કહેલું વચન માને તેમ માનીને તેણે એ તપ આદર્યું.
હવે એ અવસરે રાજાએ સાધુપુરંદર શ્રીવિજયસેનસૂરિને પૂછ્યું, “સ્વામી ! મારા પુત્ર વરદત્તને મૂર્ખપણું અને કોઢ કયા કર્મથી ઉત્પન્ન થયાં તે કૃપા કરીને કહો.” એ સમયે ગુરુ તેનો પાછલો ભવ કહેવા લાગ્યા –
“આ જંબૂદ્વીપના ભરતને વિષે શ્રીપુર નામે નગર છે. ત્યાં મહાઋદ્ધિવાળો વસુ નામે શેઠ વસતો હતો. તેને બે પુત્ર વસુદેવ અને વસુસાર નામે હતા. એક વાર તેઓ બન્ને ઉપવનમાં ક્રીડા કરવા માટે ગયા હતા. ત્યાં રહેલા જ્ઞાની ગુરુ મુનિસુન્દરસૂરિને તેમણે વંદન કર્યું. ત્યાં મુનિએ તેમને યોગ્ય જાણીને દેશના આપી, “જે પ્રભાતે છે તે મધ્યાહ્ને નથી, જે મધ્યાહ્ને છે તે સંધ્યાએ નથી. સવારે રાંધેલું ધાન્ય સાંજે બગડી જાય છે તો એ ધાન્યના રસથી નીપજેલી કાયા નાશ પામે એમાં શું કહેવું? ધર્મ વિના મનુષ્યનો ભવ કૂતરાની પૂંછડી જેવો જાણવો. જેમ કૂતરાની પૂંછડી ડાંસ કે મચ્છરને ઊરાડી શકતી નથી તેમજ ગુહ્ય સ્થાનને ઢાંકવા સમર્થ નથી, તેમ આ વિષયમાં પણ સમજવું.”
આ પ્રમાણે દેશના સાંભળીને માતાપિતાને પૂછીને બન્ને ભાઈઓએ દીક્ષા લીધી. અનુક્રમે નાના ભાઈ વસુદેવે બુદ્ધિરૂપ નાવવડે કરીને સિદ્ધાંતસાગરનું અવગાહન કર્યું. અનુક્રમે આચાર્યપદ લીધું. પાંચસો સાધુને વાચના આપવા લાગ્યો. એક વાર તે સંથારા પર સૂવા જતો હતો ત્યાં એક સાધુ પદ પૂછવા આવ્યો. તે પૂછીને ગયો, એટલે બીજો આવ્યો. એમ પ્રમાણે સાધુઓએ વારંવાર પૂછ્યું, એટલે તે નિદ્રા કરી શક્યો નહિ. તેને અણગમો ઉત્પન્ન થયો. તે કહેવા લાગ્યો કે “મારા ભાઈને ધન્ય છે, જે મૂર્ખ હોવાથી સૂઈ શકે છે. મૂર્ખમાં ઘણા ગુણ છે. એથી કહ્યું છે કે -
સૂઈ નચિંત, ભોજન બહુ કરઈ, નિરલજ અહોનિસિ નિંદ્રા ધરઇ;
કાર્ય-અકાર્ય વિચારઇં નહી, માન-અપમાન ગુણ જાણઇ નહી.
(નિશ્ચિંત સૂએ છે, ઘણું ભોજન કરે છે, નિર્લજ્જ હોય છે, રાત દહાડો નિદ્રા કરે છે, કાર્યાકાર્ય વિચારતો નથી તથા માન-અપમાનના ગુણ જાણતો નથી.)
‘એવું મૂર્ખપણું મને હોય તો સારું. હવે પૂર્વે ભણેલું ભૂલી જાઉં. નવું ન ભણું, અને પૂછે તેને ન કહું’ એમ ચિંતવીને મૌન કર્યું. બાર દિવસે તે પાપની આલોચના કર્યા સિવાય મરીને તારો પુત્ર થયો. જ્ઞાનની આશાતનાને લીધે તે મૂર્ખપણું પામ્યો અને દુષ્ટ રોગથી પીડાવા લાગ્યો. આચાર્યનો મોટો ભાઈ માનસરોવરમાં હંસબાલક થયો. કર્મની ગતિ વિચિત્ર છે.”
આ પ્રમાણે ગુરુનાં વચન સાંભળી વરદત્તે જાતિસ્મરણથી પોતાનો ભવ દીઠો. મૂર્ચ્છા પામ્યા પછી તે સ્વસ્થ થયો અને કહેવા લાગ્યો, ‘સ્વામી ! તમારું વચન સત્ય છે. જ્ઞાન એ વિશ્વપ્રકાશક છે.’ પછી રાજા કહેવા લાગ્યો, ‘ભગવાન્ ! એના શરીરમાંથી રોગ શી રીતે જાય અને અમને શાંતિ શી રીતે થાય?’ એ સમયે કરુણાસમુદ્ર આચાર્યે એ જ કાર્તિક શુદિ પાંચમનો પ્રભાવ બતાવ્યો. એ સર્વ અગાઉ બતાવ્યું તે રીતે પાળવાનું. ગુરુને પ્રમાણ કરીને સર્વ પોતાને સ્થાનકે ગયા.
એ મુજબ તપ કરતાં વરદત્તના સર્વ રોગ જાણે કે રીસાઈને ચાલ્યા ગયા. પછી સ્વયંવરમંડપમાં તેણે હજાર કન્યાઓનાં પાણિગ્રહણ કર્યા. સર્વ કલાઓ શીખ્યો. અનુક્રમે વરદત્તને રાજ્ય આપીને પિતા ગુરુ પાસે ચારિત્ર લઈને સુગતિ પામ્યા.
હવે, વરદત્ત રાજાએ ઘણા સમય સુધી રાજ્ય ભોગવીને, પ્રતિવર્ષે પંચમીના તપનું વિધિપૂર્વક આરાધન કરીને, પોતાના પુત્રને રાજગાદી ઉપર સ્થાપન કરીને દીક્ષા લીધી.
હવે, ગુણમંજરી પણ તે તપના પ્રભાવથી નીરોગી થઈ, એટલે જિનચંદ્ર શ્રેષ્ઠી સાથે તેનું લગ્ન કરવામાં આવ્યું. કરમોચન વખતે પિતાએ ઘણું ધન આપ્યું. અનુક્રમે ગૃહવાસનાં સુખ ભોગવી, વિધિપૂર્વક તપ કરીને તેણે દીક્ષા દીધી.
તે બન્ને જણાં નિરંતર ચારિત્ર પાળી, કાળ કરીને વિજય વિમાનમાં દેવતા થયા. હવે, ત્યાંથી ચ્યવીને વરદત્તનો જીવ જંબૂદ્વીપના મહાવિદેહમાં પુષ્કલાવતી વિજય, પુંડરીકિરણી નગરી, અમરસેન રાજા, ગુણવતી રાણી તેની કુક્ષિમાં આવ્યો. અનુક્રમે ઉત્તમ ગુણ અને લક્ષણવાળો પુત્ર પ્રસવ્યો. સુરસેન તેનું નામ પાડ્યું. રૂપ અને લાવણ્યના ધામરૂપ તે અનુક્રમે બાર વરસનો થયો. પિતાએ તેને સો કન્યાનું પાણિગ્રહણ કરાવ્યું. રાજ્ય આપીને પિતા પરલોકમાં ગયા.
એક વાર સીમંધર સ્વામી તે નગરમાં સમોસર્યા. ત્યાં પણ પંચમી આરાધવાનો વિધિ કહેતા વરદત્તનું દૃષ્ટાંત કહ્યું. એ સમયે રાજા બોલ્યા, ‘તમે જે વરદત્ત કર્યો તે કોણ?’ ત્યાં પ્રભુએ સર્વ વૃત્તાન્ત કહ્યો. અરિહંતનાં એવાં વચન સાંભળીને ઘણા ભવ્ય જીવોએ પંચમીનું તપ આદર્યું. રાજા પણ વિશેષ પ્રકારે તપને વિષે સાવધાન થયો. દશ હજાર વર્ષ સુધી રાજ્ય કરીને, પુત્રને રાજ્ય આપીને તેણે તીર્થંકર પાસે દીક્ષા લીધી. દશ હજાર વર્ષ સુધી રાજર્ષિ તરીકેનું ચારિત્ર પાળી, કેવલજ્ઞાન પામીને તેઓ મોક્ષસુખ પામ્યા.
હવે ગુણમંજરીનો જીવ વિજય વિમાનથી ચવીને જંબૂદ્વીપના વિદેહમાં રમણીય વિજયમાં શુભા નામે નગરી, ત્યાં અમરસેન રાજા, અમરવતી રાણી-તેની કુક્ષિમાં ઉત્પન્ન થયો. અનુક્રમે પ્રસવ થયો. સુગ્રીવ એવું તેનું નામ પાડવામાં આવ્યું. વીસમે વર્ષે પિતાએ તેને યોગ્ય જાણીને રાજ્ય આપ્યું. અને પોતે દીક્ષા ગ્રહણ કરીને પરલોક સાધ્યો.
હવે, સુગ્રીવ રાજાએ ઘણી કન્યાઓનું પાણિગ્રહણ કર્યું. તેને ચોરાશી હજાર પુત્ર થયા. પુત્રને રાજ્ય આપીને સુગ્રીવ રાજાએ દીક્ષા લીધી. અનુક્રમે કેવલજ્ઞાન પ્રાપ્ત કરી, ઘણા જીવને પ્રતિબોધ પમાડી એક પૂર્વલક્ષ ચારિત્ર પાળી, સર્વ કર્મનો ક્ષય કરી તેઓ મોક્ષે ગયા.
એ કારણે અધિક સૌભાગ્યકારી હોવાથી આ તિથિનું સૌભાગ્યપંચમી એનું નામ થયું. એમ બીજા જીવોએ પણ એમની જેમ પંચમીના તપનું આરાધન કરવું.
વસ્તુપાળનું વિદ્યામંડળ અને બીજા લેખો, પ્રકા.જૈન ઑફિસ, ભાવનગર,૧૯૪૮
****