< સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – મણિલાલ દ્વિવેદી
સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – મણિલાલ દ્વિવેદી/બે બેહેનો
સફાઈદાર કાગળ, સફાઈદાર છાપ, અને સફાઇદાર પુઠાવાળી આ વાર્તાની ચોપડી જોઈ અમને સંતોષ થાય છે કે એમાં વસ્તુસંકલનાની લેશ પણ ક્લિષ્ટતા દાખલ કર્યા વિના કેળવણી અને સંસ્કારની અસરોના ભાવે અને અભાવે બે કેવાં મનુષ્ય ઉત્પન્ન થાય છે, કેવી પ્રકૃતિઓ ઘડાય છે, ને સંસારમાં સુખ કે દુઃખ કેવાં ઉદ્ભવે છે તેનું સદુ પણ કાંઇક બોધદાયક ચિત્ર આપવા ઠીક યત્ન કરવામાં આવ્યો છે. એકજ માબાપની બે પુત્રીઓ ભિન્ન ભિન્ન સ્થિતિમાં, ભિન્ન સંસ્કારથી ઉછરેલી, અને ભિન્ન ભિન્ન પ્રકારના પતિના સંબંધમાં જોડાયેલી, તેથી તેમની જાતનો અને તેમના પરિવારનો તથા સગાં સંબંધનો ભવ કેવો સુખકર કે દુઃખકર થયેલો એનું એક એકને મુકાબલે પ્રત્યક્ષ છાપ ઉપજાવી શકે તેવું ઠીક વર્ણન થયેલું છે. વચ્ચે વચ્ચે અનેક વિષેયો ઉપર, સંસારને ઉપયોગી એવી અનેક ઝીણી પણ અગત્યની વાતો ઉપર ઉપદેશ કરવાનો પણ પુષ્કળ પ્રયાસ દીઠામાં આવે છે, ને ગ્રંથકર્તાને સંસારના દીર્ઘ અનુભવથી મળેલા ડહાપણ અને વ્યવહારજ્ઞાનનું એકંદરે સારું પ્રતિબિંબ આ તેમના લેખમાં જણાઇ આવે છે. ભાષા પણ અત્યંત સરલ, અને સાદી છે.
આ ગ્રંથ વિષે જે સામાન્ય રીતે ઉત્તમપણાનો અંશ કાઢી બતાવાય તે આ પ્રકારનો છે, પણ તેટલુંજ કહીને અટકવા કરતાં, જે ઉત્તમતા છે તેનો ખુલ્લા અંતઃકરણથી સ્વીકાર કરી, હજી વધારે ઉત્તમતા સાધી શકાય કે નહિ? જે વિષય અને જે ઉદ્દેશ કર્તાએ પોતાના આગળ ધરીને વાર્તા રચી છે તે વિષય અને તે ઉદ્દેશ આ કરતાં વધારે અસરકારક રીતે સિદ્ધ કરી શકાય કે નહિ? એનો વિચાર કરવો એ, સાહિત્યની ઉન્નતિ કરવાના હેતુથી, અને લેખનપ્રવૃત્તિમાંથી સંસારને ઉપયોગિતા શોધી આપવાને અર્થે, અવલોકન કરનારની ફરજ છે. કથાઓ વાર્તાઓ ઇત્યાદિ રચવાનો ઉદ્દેશ, હમેશાં આપણા હૃદયમાં વળગી રહે, અને આખા જીવનને કોઇ ઉત્તમ સુવાસ આરોપે, તેવો ભાવ ઉપજાવવાનો હોય છે. દિવસમાં દશવાર ભેગાં થતાં હોય એવાં હકમચંદ, ને ઘેલાભાઇ, ને ધનલક્ષ્મી, ને ધનબાઇનાં વર્ણન વાચવાથી એવું કોઇ ભાવરૂપ ફલસિદ્ધ થતું નથી–અતિપરિચિત એવી તે વ્યક્તિઓના ચારિત્રનિરીક્ષણમાંથી આપણને હૃદયઘાત કરે એવો કોઇ ભાવ વળગતો નથી, વાચી ખુશી થઇને ચોપડી બંધ કરતાની સાથે આપણે તે બધી વ્યક્તિઓને ભુલી જઇએ છીએ. સંસારમાં ભવ્યતા, ઉત્તમ ભાવરૂપતા, વારંવાર સુલભ નથી, એટલે સંસારને છે તેવોજ ચીતરવો એ પણ એક કથાપદ્ધતિ છે, તે “રીએલિસ્ટિક” પદ્ધતિવાળા તેને માન્ય કરે છે; પરંતુ તેનો એ ઉદ્દેશ તે સંસારને છે તેવો બતાવી, જે પડદા નિચે ઢંકાયેલો રહેવાથી તે ‘સારો’ લાગે છે તે પડદો ખસેડી નાખી, નિર્વેદદ્વારા ઉપદેશ આપવાનોજ હોય છે, એટલે એમાં પણ હૃદયાઘાત કરે તેવી નીચ ભાવનાની અપેક્ષા રહે છે; અને ગમે તે માર્ગે પણ સંસારની પાર એવી કોઈ ભાવનાના આશ્રય વિના કથાની રચના નિરુપયોગીજ છે એ વાત નિર્વિવાદ રહે છે. પરંતુ જે વાર્તાઓમાં કોઈ ઉત્તમ ભાવની તુલના તેથી ઉતરતા ભાવ સાથે કરી બતાવી હોય તેનો સમાસ તો આ રીએલિસ્ટિક પદ્ધતિમાં થતો નથી, એટલે તેમાં પરિચિત કરતાં કોઇ વધારે અલૌકિક વ્યક્તિઓનો પ્રાદુર્ભાવ અવશ્ય હોવો જોઇએ. આ વાર્તામાં બે સામે સામેની—ઉત્તમ અને કનિષ્ઠ કુટુંબસ્થિતિનું વર્ણન છે,છતાં એમાં એકે વ્યક્તિ એવી આવતી નથી કે જે આપણને સરાસરી સંસારી મનુષ્યોમાંથીજ ન મળી શકે, કે જેનાથી પુરતક ઉંચુ મૂક્યા પછી આપણને નિરંતર સ્મરણમાં રાખી અનુકરણ કરવાની ભક્તિ ઉપજે; એકે પાત્ર એવું નથી કે જેનું નામ અમુક ભાવના મંત્રરૂપે ઉચ્ચારાતુંજ રહે. નાની બાલકીઓ માટે આ મુક્તક ધારેલું છે, એટલે ખાસ કરી તેમાં આવી કોઈ યોજના થયાની આવશ્યકતા હતી, કેમકે બાલકીઓને તો ભક્તિ સાથે અનુકરણબુદ્ધિ પ્રેરે તેવો કોઈ દૃષ્ટાન્તભૂત ભાવ બતાવવો જરૂરનો છે. વિદ્યાગારી કરતાં કાંઇક વધારેની અપેક્ષા છે. હાલની સ્થિતિની બાલાઓ એથી અધિક થવી જોઇએ છીએ, થતી જાય છેજ.
મનુષ્યસ્વભાવનું પૂર્ણ અવલોકન કરવામાંથી આ ખામી દૂર થઇ શકી હોત તેની સાથે ઉત્તમ ગ્રન્થકારોના લેખનો વિશાલ પરિચય હોત તો વસ્તુવિન્યાસમાં જે વિલક્ષણ ખામી છે, તે પણ દુર થઇ હોત. આખી વાર્તામાં પ્રકરણ ૩૫-૩૬ સિવાય કોઇ ઠેકાણે ભાગ્યેજ પાત્રો પોતે કશું કહેતાં જણાય છે. કર્તા પોતેજ, કહાણી કહેનારાની પેઠે એક કથા કહેતા હોય તેમ કોઇકની વાત કહી જાય છે. વાચનારને રસ ઉપજાવવાની એ એક યુક્તિ છે કે વાર્તામાં પાત્રો પોતેજ પોતાની કથા કહેતાં જાય, અને એમ જે કહેવાની વાત કહેવાતી જાય તે દ્વારા આપવાના ઉપદેશનો ધ્વનિ નીકળતો ચાલે. વચમાં કર્તાએ આવીને એ રસનો નિક્ષેપ કરવો એથી રસ બરાબર જામતો નથી. આ ગ્રન્થમાં તો કર્તાએ બધી વાત કહી છે, ને વાતના વર્ણનની અધવચમાંજ ઠેકાણે ઠેકાણે અટકી પડી ઉપદેશ આપવાનાં ભાષણ દાખલ કર્યાં છે, એને લેઇને રસ બીલકુલ જામતો નથી, કોઇ પણ પાત્રના ભાવ સાથે આપણી એકતા થતી નથી, ને ધ્વનિથી એટલે કે પાત્રોના વર્તનમાત્રથી અને તે વર્તનમાં ઉપજતાં સ્વાભાવિક પરિણામોથી જે ઉપદેશ મનમાં ઠસે, તે ઉપદેશને સ્પષ્ટ રીતે કહી બતાવવાથી તે ઉપદેશ છે. એમ દેખતાં મન રસવૃત્તિનો આશ્રય ત્યજી બુદ્ધિના તર્કજાલમાં પેશી ઉપદેશને તુરત ગ્રહતું નથી, આ રીતે જોતાં વસ્તુવિન્યાસ અને ઉદ્દેશનું સ્ફોટન એ બે કરવામાં ગ્રન્થકર્તાએ કાંઇજ ચાતુર્ય વાપરી શકાયું નથી, જેથી આ ગ્રન્થ સારો છતાં, તેથી યથેચ્છ રસ જામતો નથી. રસ અને ભાવ પરત્વે કર્તાને કાંઇ અસ્પષ્ટતાજ હોય એમ લાગે છે. રસ જમાવાની સામગ્રીજ દુર્બલ દેખાય છે. પિતા મરણ પથારીએ છે, માથે દેવું વાળ જેટલું છે, તેથી પુત્રને મહા ક્લેશ હતો તે ટળીને આનંદ થવાનો પ્રસંગ આવે છે, નોકરીનો હુકમ મળે છે,—તે પ્રસંગે કર્તા એટલેથીજ પતવે છે કે “કેટલો આનંદ થયો હશે તેનું વર્ણન કરવું મુશ્કેલ છે;” જ્યારે સુવાવડના ઓરડાનું કે જમણવારની ગોઠવણનું, કે રાંધવાનું વ્યાખ્યાન લખે છે ત્યારે તો ખાટલાનું, કે પાટલાનું, કે દાળનાં પૂઠાં સુદ્ધાંનું વર્ણન કરી દે છે; સાંઘવારી હતી એમ કહેવામાં રૂપીઆની કેટલી દાળ, કેટલા ચોખા, કેટલું તેલ, કેટલું ઘી, તે બધી તપસીલ આપે છે. એમજ એક ઠેકાણે સંગીતની બહુ તારીફ કરવાનું વ્યાખ્યાન છે, પણ તેનો છેડો એમ કહીને આણ્યો છે કે “નીતિનું અને ઇશ્વરભજનનું ગાણું સુખદાયક છે.” ગાણાની જે ચીજ તેમાં રહેલા અર્થ ઉપર, સંગીતને મનુષ્યમાત્રે શીખવાથી લાભ છે એ વાતનો આધાર રાખવાની દલીલ કરનારને, સંગીતમાં જે ઉન્નતભાવમયતા મનુષ્યના હૃદયને મૃદુ અને દયાર્દ્ર કરનારી હોઇ ઇશ્વરપરાયણ કરે છે તેનો ખ્યાલ નથીજ એમ કહેવું જોઇએ. આ વાર્તાની યોજના પણ સંગીતની આ દલીલના જેવીજ છે એમ કહીએ તો ચાલે, કેમકે તેમાં કથા સારી, બોધદાયક, છતાં તેમાં સ્થૂલથી રહિત એવી ભાવમયતા, ભક્તિ પ્રેરે તેવી ઉત્તમતા, અનુકરણ કરવાને જીવતા સુધી પ્રત્યક્ષ રહે તેવી ભવ્યતા, સિદ્ધ થતી નથી. ઉપદેશો આપવામાં કોઈ કોઇ ઠેકાણે પૂર્વાપર વિરોધ પણ છે. એકંદર વહેમમાત્રની વિરુદ્ધ ઉપદેશ છે, છતાં રોહિદાસે આપેલા ચરણામૃતના ડાઘાને ધોઈને પીવાથી દાસીને ત્રકાલજ્ઞાન થયાની વાત માન્ય રાખી છે, કોઈ ઠેકાણે પુરાણનાં દષ્ટાન્ત વાપરવા યત્ન કર્યો છે પણ તેમાં ચૂકો જણાય છે. સ્ત્રીઓને સંગીત શીખવાની આવશ્યકતામાં લખે છે કે “પાર્વતીએ તાંડવ નૃત્ય કરીને શિવજીને છળ્યા હતા,” પણ ‘તાંડવ’ એ તો શિવજીનું નૃત્ય છે, અને લાસ્ય એ પાર્વતીનું નૃત્ય છે, તે વાત લક્ષમાં રહી નથી.
કર્તાએ ગ્રંથની ભાષા સરલ રાખી છે, પોતેજ લખે છે કે “દેખીતાં કારણસર ભાષા સાદી અને ‘ઘરગથુ’ વાપરી છે.” જે ભાષા ખાસ ધારીને “વાપરવી” પડે તે ભાષા કૃત્રિમજ કહેવાય, અને અમને તો આ આખો ગ્રંથ વાચતાં એ કૃત્રિમતાજ પદે પદે જણાઇ છે, ને આ ગ્રંથથી સાધવાના સ્તુત્ય હેતુને કાંઈક મંદ કરી નાખનારી લાગી છે. જાણી જોઇને ખોળી ખોળીને, “ઘરગથુ” શબ્દો વાપર્યા છે, ને તેમાં કર્તાને ફતેહ મળી છે એમ કહેતાં અમને સંતોષ થાય છે, તોપણ સંસ્કૃત શબ્દોજ વાપરનારાની શૈલી કૃત્રિમતાને લીધે જેવી અરુચિકર લાગે છે, તેવી આ શૈલી પણ કૃત્રિમતાને લીધે નીરસ લાગે છે એમ કહ્યા વિના ચાલતું નથી, લડકણી સ્ત્રી શાન્ત થયાનું લખતાં લખે છે “પાકતાં લીંબોળી પણ મીઠી થાય છે, એવો ઉખાણો છે. ધનલક્ષ્મી ટપલા ખાઇ ખાઇને કંઈ ઘડાઇ હતી. સંસારમાં અનેક તરેહના વા વાવાથી તેનો આંકડો કંઈક નરમ થયો હતો—વયે પહોંચવાથી તેના ગાળા સ્વાભાવિક રીતેજ થોડા નરમ પડ્યા હતા–વીશ વરસની અણપલોટી ધનલક્ષ્મી અને આ ધોર અવસ્થાની કુટાઇને કંઇક ઠેકાણે આવેલી ધનલક્ષ્મીમાં તફાવત પડ્યો હતો,” આ શૈલી, અથવા “છોકરાંને લાપશી ચોળતાં ધાતશે નહીં, એમ જાણી માસીએ.... ચોળી’ તે ઉપર ઘણી ખાંડ થથરડી... પૂઠાં સોતી દાળમાં ત્રણ વર્ષની જાૂની આંબલી ને છોલ્યા વગરનાં રીંગણાંનું મેળવણું નાખ્યું હતું” એ શૈલી, અથવા “તેઓ વાતનું વતીગણ કરી મૂકે છે,... ઘરનાં રોદણાં રોવાનું તેમને બહુ હોય છે, સગાં સંબંધીના ફોલ્લા ફોડવાનું તેમને રૂચે છે” એ શૈલી, કૃત્રિમતાનો ભાસ કરે છે, એકંદરે બૈરાંની પરિભાષામાત્રનું આખા ગ્રંથમાં બહુ આયાસથી દર્શન કરાવ્યું છે. કહીં કહીં સંસ્કૃત શબ્દો વાપરવા યત્ન કર્યો છે પણ ઋણાબંધ, નિંદ્યા, શામ, જમુનાં, એવી ચૂકો થઈ ગઈ છે, એટલે તેમાં પણ કૃત્રિમતા જણાય છે. ‘પંચકાણ’ શબ્દ વાપરવામાં એક ઠેકાણે હસવા જેવી ભૂલ થઈ છે મૂલ શબ્દ પ્રત્યાખ્યાન-પચ્ચખાણ–છે, ને જૈન લોકો તેને પચખાણ કહે છે. પચકાણ નથી. આટલુંજ નથી પણ અમુક નિયમ લેવાને પચખાણ કહે છે એ વાત યદ્યપિ ખરી છે તથાપિ વૈષ્ણવ કુટુંબની સ્ત્રીએ પચખાણ લીધું કદાપિ કહેવાય નહિ. છતાં લસણ ખાવાનો નીમ લીધો એમ લખીને ‘નીમ’ શબ્દની પાસે કૌંસ કરી ‘પચકાણ’ શબ્દ વડે તેનો અર્થ કર્યો છે, ને પછીથી ‘પચકાણ લીધું.’ એમ સામાન્યતઃ પણ લખ્યું છે. આવો આયાસ કરીને લખવા કરતાં સરલતાથી સાહજિક રીતે લખ્યું હોત તો ગ્રંથની શોભામાં વધારો થયો હોય એમ અમારૂં માનવું છે.
એકંદરે આવી ભાષા કે જેને “બરખ”–-શાસ્ત્ર માલુમ ન હોય તે સમજી ન શકે, ગૂજરાતનાં બૈરાં સમજે તો કાઠીયાવાડના સમજી ન શકે, એવી ભાષાને અમે શિષ્ટશૈલી (classical diction) કહી શકતા નથી, અને બાલકો માટે ધારેલા પુસ્તકમાં પણ તેને હાનિકારકજ માનીએ છીએ જેમ ભાષા તેમ આ વાર્તાનું વસ્તુ અને સ્ફોટન તે પણ ભાવશૂન્ય, કાવ્યચાતુર્યરહિત, હોવાથી શિષ્ટ સાહિત્ય ( classical literature) માં આ લેખને મૂકી શકાય નહિ. જેને અમે ‘વ્યવહાર’ પક્ષ કહીએ છીએ જે વર્તમાનમાત્રનેજ દેખી ભવિષ્યની ભાવમયતા સુધી જઈ શકતો નથી, તેની શૈલીનો આ ગ્રંથ સારો નમુનો છે, ને તે પક્ષના પ્રથમ વર્ગમાં મુકવા યોગ્ય છે.
આ પ્રકારે વસ્તુવિન્યાસ હેતુસ્ફોટન, ભાવોત્કર્ષ, રસનિષ્પત્તિ, તથા ભાષાપ્રકાર, એ સર્વમાં આ ગ્રંથ કાંઇ કાંઇ કરી બતાવે છે તથાપિ તેમાં ઘણો સુધારો થવાનો અવકાશ છે; ઉત્તમ લેખકને હાથે એજ વાર્તા લખાઇ હોય, તો જેટલો ઉત્કર્ષ તેમાં આવી શકે તેટલો આવવાને અવકાશ છે. વાત અતિ ઉત્તમ, બોધદાયક, ને પ્રત્યેક કુટુંબમાં રાખવા લાયક, તથા બાલકોએ અભ્યાસવા લાયક છે. ભાષા પણ શુદ્ધ અને સરલ છે; વાર્તા યોજવાની ઉત્તમ શક્તિ કર્તામાં પ્રત્યક્ષ જણાય છે. અનુભવથી અને શિષ્ટ લેખોના પરિચયથી તે પરિપક્વ થવાનો સંભવ છે.
ફેબ્રુઆરી—૧૮૯૫