સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – મણિલાલ દ્વિવેદી/મણિલાલ દ્વિવેદીની વિવેચન પ્રવૃત્તિ – અનંત રાઠોડ
અનંત રાઠોડ
પોતાનાં અન્ય લખાણોની જેમ મણિલાલે સાહિત્યવિવેચન પણ ‘પ્રિયંવદા’ અને ‘સુદર્શન’ સામયિકોનાં સંપાદન નિમિત્તે કર્યું હતું. આ સામયિકોનાં સંપાદન નિમિત્તે સતત ૧૩ વર્ષ સુધી તેમણે ઝીણવટથી નિષ્ઠાપૂર્વક ગ્રંથસમીક્ષાનું કાર્ય કરેલું. આથી જ એમના વિવેચનાત્મક લખાણોનો મોટો ભાગ ગ્રંથસમીક્ષાઓ રોકે છે. ‘સુદર્શન ગદ્યાવલિ’નાં ૩૦૦ પાનાંમાં પથરાયેલાં વિવેચનાત્મક લખાણોમાંથી ૨૧૦ પાનાં ગ્રંથસમીક્ષાઓ રોકે છે. આજે ભુલાઈ ગયેલાં અનેક પુસ્તકોની સમીક્ષાઓ સંદર્ભે એમણે કાવ્ય, નાટક, વાર્તા, રસ વગેરે વિષયોની તાત્ત્વિક ચર્ચા કરી છે અને એ નિમિત્તે કેટલાક સાહિત્યિક સિદ્ધાંતો ખોલી આપીને ભાવિ વિવેચનને માર્ગ દેખાડ્યો છે. ભાષા અને સાહિત્યતત્ત્વવિચાર કરતાં થોડાક લેખ પણ એમણે આપ્યા છે.
મણિલાલે બહુ ઓછી સંખ્યામાં સૈદ્ધાંતિક ચર્ચાના લેખો આપ્યા છે, પરંતુ એ એમની તત્ત્વદર્શી વિવેચક તરીકેની વિશેષતાઓના પરિચાયક છે. મણિલાલની કાવ્યભાવના સ્પષ્ટ કરતો લેખ ‘કાવ્ય’, ગુજરાતી શબ્દકોશની યોજના સમજાવતો લેખ ‘શબ્દકોશ’, અવલોકનના સિદ્ધાંતની ચર્ચા કરતો ‘અવલોકન’ નામનો લેખ વગેરે મણિલાલના મહત્ત્વના સિદ્ધાંતચર્ચાના લેખો છે. આ લેખો શાસ્ત્રીય વિચારણા, મુદ્દાસરની છણાવટ અને માર્મિક નિરીક્ષણોનું મૂલ્ય ધરાવે છે.
‘ગુજરાતના લેખકો’ મણિલાલનો એક વિવાદાસ્પદ લેખ છે. લેખકોનું પાંચ વર્ગો – ઉદ્વત, વ્યાવહારિક, પ્રાચીન, વિવેચક અને યથાર્થ – માં વર્ગીકરણ કરીને દરેક વર્ગના લક્ષણો તારવી આપવાનો મણિલાલે આ લેખમાળામાં પ્રયત્ન કરેલો છે. જૂનથી ડિસેમ્બર ૧૮૯૪ એમ છ મહિના સુધી પ્રગટ થતી રહેલી ‘ગૂજરાતના લેખકો’ લેખમાળાએ એ સમયે હરગોવિંદદાસ કાંટાવાળા વગેરે વડોદરાના સાહિત્યમંડળમાં સારો એવો ઊહાપોહ જગાવેલો. મણિલાલના પ્રતિસ્પર્ધી રમણભાઈ નીલકંઠે પણ એનો વિરોધ કર્યો હતો. ‘જ્ઞાનસુધા’, ‘ગુજરાતી’, ‘વિવેચક’, ‘હિતેચ્છુ’, ‘હિંદુસ્તાન’ વગેરે પત્રોમાં ૧૮૯૪-૧૮૯૬ દરમિયાન આ વિશે ચર્ચાઓ ચાલી હતી. આ સુદીર્ઘ વિવાદે ગુજરાતી લેખકો તેમજ સાહિત્યરસિકોની સાહિત્યસમજ વધારવામાં સારો એવો ફાળો આપ્યો હતો.
અહીં જે નથી સમાવાયો એ ‘સંગીત’ નામનો લેખ પણ ઉલ્લેખનીય છે, જેમાં એમણે સંગીતકલા અને શાસ્ત્રની વિશિષ્ટતા ચર્ચી છે અને કવિતા સાથેના તેના સંબંધની ઊંડી અને તાત્ત્વિક પર્યેષણા કરેલી છે.
ગ્રંથસમીક્ષા એ મણિલાલની વિવેચનાનો મુખ્ય ભાગ છે. એમના મોટાભાગના અવલોકનો ગુણદર્શી છે. તેમાં ‘કુસુમમાળા’, ‘ઇન્દ્રજીતવધ’, ‘પૃથુરાજ રાસા’, ‘ક્લાન્ત કવિ’, ‘સ્નેહમુદ્રા’, ‘શ્રી કચ્છભૂપતિ-પ્રવાસવર્ણન’, ‘અમરુશતક’, ‘રસશાસ્ત્ર’ વગેરેના અવલોકનો ઉલ્લેખનીય છે.
નરસિંહરાવકૃત ‘કુસુમમાળા’નું એમણે કરેલું અવલોકન તો જાણીતું છે. મણિલાલે કરેલા આ અવલોકને ઠીક ચકચાર જગાવી હતી. પાશ્ચાત્ય કવિતાને વખોડવા માટે એમણે પ્રયોજેલા શબ્દો ‘રૂપરસગંધવર્જિત પાશ્ચાત્ય કુસુમોની માળા’ એ શબ્દો પાછળથી કહેવતરૂપ બની ગયા હતા. જોકે કાવ્યત્વની દૃષ્ટિએ એમણે આ સંગ્રહને આવકાર્યો છે. દોલતરામ કૃપાશંકર પંડ્યાએ કરેલ મહાકાવ્યના પ્રયોગરૂપ ‘ઇન્દ્રજીતવધ’નું સંસ્કૃત કાવ્યશાસ્ત્ર અનુસાર વિસ્તૃત પૃથક્કરણ કરીને તેના ગુણદોષ એમણે તારવી બતાવ્યા છે. એ જ રીતે ભીમરાવ ભોળાનાથકૃત ‘પૃથુરાજ રાસા’નું અવલોકન પણ તટસ્થ અવલોકન છે. શિવલાલ ધનેશ્વરકૃત ‘શ્રી કચ્છભૂપતિ-પ્રવાસવર્ણન’નું વિસ્તૃત અવલોકન મણિલાલની તત્ત્વલક્ષી વિવેચનદૃષ્ટિનું સુંદર દૃષ્ટાંત છે. શરૂઆતમાં ગુણનો ઉલ્લેખ કરીને, દોષોનું લંબાણથી પૃથક્કરણ કરીને સાચી કવિતા વિશેની સમજ એમણે આ લેખમાં આપેલી છે. છોટાલાલ નરભેરામ ભટ્ટકૃત ‘રસશાસ્ત્ર’નું વિગતે અવલોકન કરીને કાવ્યસ્વરૂપ, શબ્દશક્તિ, રસસ્વરૂપ આદિ પરત્વે લેખકે કરેલી ભૂલો બતાવી છે, તો જટિલ દ્વારા સંપાદિત નરસિંહ મહેતાના ‘સુદામાચરિત્ર’ના અવલોકનમાં જટિલના વિવેચન અને સંપાદનમાં રહેલી ક્ષતિઓ એમણે ઝીણી નજરે જોઈને બતાવી છે. મણિલાલની સમગ્ર સમીક્ષાઓમાંથી પસાર થતાં એક તત્ત્વજ્ઞની મૂલગામિતા અને એક બહુશ્રુત સંસ્કૃતજ્ઞની વિવેચનાનો અનુભવ થાય છે.
આ સંપાદનમાં જે નથી સમાવાયું એ નૌતમરામ ત્રિવેદીકૃત ‘રાજર્ષિ’ પુસ્તકનું વિસ્તૃત અવલોકન પણ ઉલ્લેખનીય છે. મણિલાલ પ્રાચીન આર્ય ધર્મના પક્ષકાર હતા એ હકીકત સુવિદિત છે. નૌતમરામના આ પુસ્તકમાં ‘સનાતન હિંદુ ધર્મ’નું પ્રતિપાદન હોવા છતાં મણિલાલે તેમાંની ‘અવ્યવસ્થા અને અપ્રમાણ વાતો’ની લંબાણથી ટીકા કરી છે અને ભાષા ઇત્યાદીની અશુદ્ધિ પણ તારવી બતાવી છે. મણિલાલના નિષ્પક્ષ વલણની સાક્ષી પૂરતો આ લેખ ધ્યાનપાત્ર છે. આ ઉપરાંત, હરિકૃષ્ણ બળદેવ ભટ્ટ સંપાદિત ‘કાવ્યનિમજ્જન’ અને ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ દ્વારા અનુવાદિત ‘એરેબિયન નાઇટ્સ’ના વિસ્તૃત અવલોકનો મણિલાલની વિવેચનશક્તિના સુંદર નમૂના છે.
મણિલાલના વ્યક્તિ-ચર્ચા કરતાં, નર્મદ અને દલપતરામ વિશેના, બે લેખો અગત્યના છે. નર્મદ અને દલપતરામની ભાવનાની તટસ્થ તુલના કરતો લેખ ‘કવિશ્વર દલપતરામ ડાહ્યાભાઈ સી.આઈ.ઈ’ મણિલાલની વિવેચનશક્તિનો ઉત્તમ નમૂનો છે. “ગુજરાતને વાચન અને કાવ્યસ્વરૂપનો કાંઈક પણ સ્વાદ લગાડનાર રૂપે દલપતરામને માન આપવું જોઈએ” - એવું એમણે અહીં નોંધ્યું છે. ‘બાળાશંકર ઉલ્લાસરામ કંથારીયા’ લેખમાં એમણે પોતાના પ્રિય મિત્રના અવસાનની આર્દ્ર કલમે નોંધ લીધી છે. એના પછી થોડાક જ સમયમાં મણિલાલનું અવસાન થયેલું.
મણિલાલની સમગ્ર સાહિત્યદૃષ્ટિ અને અભિરુચિ ઘણે અંશે સંસ્કૃત સાહિત્યના પરિશીલનથી બંધાઈ હતી. આથી એમની ભાષા પાંડિત્યપૂર્ણ અને સંસ્કૃત શબ્દોથી પ્રચૂર છે. કૃતિની ચર્ચા કરતી વખતે તેઓ વિષય-ભાષાની ચર્ચા કરે છે તેમજ કૃતિના ગુણ-દોષો વિસ્તારથી તારવી બતાવે છે, પરંતુ કૃતિના પ્રત્યેક ઘટકને સ્પર્શતી સર્વાશ્લેષી સમીક્ષા તેઓ આપતા નથી.
હીરાબેન પાઠક નોંધે છે તેમ મણિલાલના અવલોકનો “અંગત પક્ષપાતથી અન્યાય કરનારાં નહિ પણ અંગત પૂર્વગ્રહથી ક્વચિત્ અંકિત થયેલાં ખરાં. સંસ્કૃત કાવ્યશાસ્ત્રના સિદ્ધાંતોને માન્ય રાખનારી તથા વેદાંત ધર્મને અનુસરનારી એમની દૃષ્ટિને, આપણા સાહિત્યમાં પાશ્ચાત્ય સાહિત્ય કે ધર્મમાંથી આવેલા સિદ્ધાંતો એકદમ ગ્રાહ્ય લાગતા નથી.’ તેના ઉદાહરણરૂપે ‘કુસુમમાળા’ અને ‘હૃદયવીણા’નાં ગ્રંથાવલોકનો જોઈ શકાય.[1]
મણિલાલે ગુજરાતી વિવેચનને શુદ્ધ સંસ્કૃત સાહિત્યના સંસ્કારો સિંચીને સમૃદ્ધ કર્યું એ એમનું આ ક્ષેત્રનું મહત્ત્વનું પ્રદાન છે. પરંતુ તેઓ સંસ્કૃત કાવ્યશાસ્ત્રની ત્રિજ્યામાંથી બહાર નીકળી શક્યા નહીં. આથી તેઓ, એમના સાહિત્યિક પ્રતિસ્પર્ધી રમણભાઈ નીલકંઠ જેવા મોટા ગજાના વિવેચક બની શક્યા નહીં. સંસ્કૃત સાહિત્યશાસ્ત્ર તરફના પક્ષપાતને કારણે, ધીરુભાઈ ઠાકર નોંધે છે તેમ, “તેમનાં વિવેચનો કેવળ વિષયચર્ચા કરતાં વાર્તિકો જેવાં થોડેઘણે અંશે બની ગયાં છે. વિષય અને ભાષાની ચર્ચાથી તે ભાગ્યે જ આગળ જઈ શકે છે. પાશ્ચાત્ય કાવ્યમીમાંસાનો તેમને અભ્યાસ નહોતો તેમ નહિ, પણ રમણભાઈની માફક સંસ્કૃત અને અંગ્રેજી વિવેચનસિદ્ધાંતોનો ઉત્તમ મેળ તેમના વિવેચનોમાં પ્રતીત થતો નથી. આથી રમણભાઈ સૌંદર્યલક્ષી પદ્ધતિએ કૃતિનાં અંગ-ઉપાંગોનું દર્શન કરી-કરાવી શકે છે તેમ મણિલાલથી થઈ શક્યું નહિ. મણિલાલનું સ્થાન વિવેચક તરીકે રમણભાઈનાં જેટલું ઊંચું ન ગણાયું તેનું કારણ આ છે.[2]
– અનંત રાઠોડ
Lua error in package.lua at line 80: module ‘strict’ not found.