સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – મણિલાલ દ્વિવેદી/રા. રા. બાલાશંકર ઉલ્લાસરામ

રા. રા. બાલાશંકર ઉલ્લાસરામ.

આ નિપૂણ પુરુષનો તરુણ વયમાં સ્વર્ગવાસ થયાના સમાચાર જાણી તેના મિત્રો, સંબંધીઓ, અને ભકતોને અપાર શોક થયા વિના રહેશે નહિ. સમૃદ્ધ અને કુલીન કુટુંબમાં જન્મ પામી આજ સુધીના માત્ર ચાલીશ વર્ષના વયમાં એમણે જે કાંઇ કર્યું છે તે એમનું નામ ગુજરાતનાં નરરત્નોમાં સર્વ કાલને માટે સ્થિર રાખવાને અને તેથીજ એમના પ્રયાણથી આપણને શોકાકુલ કરવાને પૂર્ણ છે. ગુજરાતી, હીંદી, અંગરેજી, સંસ્કૃત, ફારસી, આરબી એટલી ભાષાઓનું સારૂં જ્ઞાન ધરાવી ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી વાચનની ઉન્નતિ માટે એમણે જે જે યત્નો કર્યા છે તે સર્વને સુવિદિત છે. “ભારતીભૂષણ”માં જ્યારે તેઓ પોતાની સાહિત્યભાવના વિસ્તારી રહ્યા હતા ત્યારે “ઇતિહાસમાલા” માં તેમણે પોતાના ફારસી જ્ઞાનને આધારે ગુજરાત અને હિંદુસ્તાનના ઇતિહાસની ખરી હકીકત બહાર લાવી ઐતિહાસિક ચર્ચાનાં સપ્રમાણ ધોરણો સમજાવવાનો યત્ન આરંભ્યો હતો. પ્રાચીન શિક્કા અને લેખો વિલોકવાનો અને તે ઉપરથી અનુમાન કરવાનો પણ એમને એટલો બધો શોખ હતો કે તેમાં પણ કાલ અને દ્રવ્યનો ઘણો વ્યય કરી ઇતિહાસના કામને ઉપયોગી હકીકત મેળવ્યાં કરતા. પ્રખ્યાત કવિ હરિશ્ચંદ્રની ચંદ્રાવલી નાટિકાનો તેમ દેવીદાસ રાજનીતિનો રસ ગુજરાતીમાં આણવા ઉપરાંત શૂદ્રકના મૃચ્છકટિકને એવી સારી રીતે તેમણે ગુજરાતીમાં મૂક્યું છે કે તે અદ્યાપિ પણ અતિ લોકપ્રિય છે. ‘સાહિત્યસિંધુ’ જેવા ગૂર્જર સાહિત્યમાં એક અપૂર્વ ગ્રંથ ઉપજાવવાને મહા યત્ન જેમ તેમણે આરંભેલો આપણે ભારતીભૂષણમાં જોઇએ છીએ તેમ તેમનાં ખાનગી લખાણોથી એક એ કરતાં વધારે ઉપયોગી ભગીરથ પ્રયત્ન તેમણે એકલાએ ઉઠાવેલો આપણને સમજાય છે. શાસ્ત્ર માત્રના પારિભાષિક શબ્દોનો એક સર્વ સંગ્રહ (સાઇક્લોપીડીઆ) તેમણે રચવા માંડ્યો હતો. સર્વ કરતાં મુખ્ય તો તેમની અતિ આકર્ષક, અતિ લાવણ્યમયી, અતિ મધુર, પ્રાસાદિક કાવ્યકલાજ તેમનું નામ અમર કરી શકે તેવી છે. સંગીતનો અતિ નિપુણ પરિચય હોવાથી એમના કાવ્યોદ્‌ગારમાં પણ બહુ સંગીત રહેતું. ક્લાન્તકવિ, સૌંદર્યલહરિ, અને છુટક છુટક કાવ્યો કરતાં વધારે સંગ્રહ આપણી પાસે નથી તથાપિ તેટલાથીએ તેમની અપૂર્વ પ્રતિભાનું આપણને પ્રમાણ મળી શકે છે. કાવ્યપદ્ધતિ પરત્વે નવીન શૈલીને અનુસરતાં છતાં તેઓ સર્વદા કવીશ્વર દલપતરામને પોતાના ગુરુ માનતા કેમકે તેમની પાસે પ્રથમ કાવ્યકલા શીખ્યા હતા. તેમના પિતા મામલતદાર હતા અને સારી સમૃદ્ધિ મૂકી ગયા હતા. રા. રા. બાલાશંકરને વિદ્યાવિલાસનો એટલો બધો રસ હતો, વિદ્યાના ખરા ભક્તોને જે સ્વાતંત્ર્ય હોય છે તેની એટલી બધી ઉત્કટતા એમનામાં હતી, કે સરકારી નોકરીમાં સારી પ્રતિષ્ઠા પ્રાપ્ત કર્યા છતાં, આજ સુધી તેમાં ને તેમાં રહેવાતાં મામલત સુધી ચઢાય તેવી મદદ અને આશા છતાં, તેમણે નોકરી છોડી દીધી અને સ્વતંત્ર ધંધો કરવાનો આદર કર્યો. લોઢાના બીડનું તેમણે એક મહોટું કારખાનું કાઢ્યું અને તેમાં સામાન્ય બીડ ભરવા કરતાં વીલાયતથી આવતા માલ જેવું બીડ કાઢવાની ઈચ્છા રાખી એટલુંજ નહિ પણ ખેતીવાડીના કામને રસ્તા, સાદા અને સરલ એવા પાણી લેવાના સાંચા પૂરા પાડવાના પ્રયોગોમાં ઘણો વ્યય કર્યો. એ કારખાનામાં તેમને ઘણી ખોટ ગઇ અને તેઓની વ્યાવહારિક સ્થિતિ વિપરીત થઇ ગઇ. પણ લોઢાની ભઠ્ઠીઓ ઉકળતી હોય ત્યાં પણ જે પુરુષ કાવ્યનિમગ્ન રહી શકતો તેને વિદ્યાવિલાસ તેનો તેજ રહ્યો; તેની સ્વાતંત્ર્યપ્રિયતા તેની તેજ રહી; તેનો ટેક તેનો તેજ રહ્યો;–અને તેને વ્યવહારકુશલ મિત્રો, સ્નેહીઓ, સંબંધીઓ અનેક રીતે વ્યવહાર ચાતુર્યમાં ઉણો કહી ત્યજી ગયા તોપણ તેણે પોતાને હાથે પોતાના નિશ્ચયોથી ઉલટું કાંઇજ કર્યું નહિ. જે મૃચ્છકટિકનું આ પુરુષે બહુ સુરસ વાણીથી ભાષાંતર કર્યું છે તેનો નાયક ચારુદત્ત એજ જાણે એની નિરંતરની ભાવના રહી. મહાવિપત્તિ અને ભાગ્યના વિપર્યય આ તરુણ કવિએ અનુભવ્યા, તેમાં જે ધીરજ, પરાક્રમ, અને ભવ્યતા સાચવી રાખ્યાં, તે એના વિદ્યાવિલાસ જેટલાંજ હરકોઇને બોધક અને અનુકરણ કરવા જેવાં છે. તેના આશયો અતિ વિશુદ્ધ હતા, તેના વિચારો અતિ વિશાલ હતા, તેની યોજનાઓ સર્વગ્રાહી હતી. આવા એક નરરત્નનો વિલોપ થતાં સર્વ સુજનોનાં હૃદયમાં અત્યારે અતિ આર્દ્રતા ભરેલો શોક વ્યાપી રહે એ સ્વાભાવિક છે. તેમની પાછળ તેમનાં માતા, પત્ની, ત્રણ પુત્રો અને બે પુત્રીઓ વિદ્યમાન છે.

એપ્રીલ–૧૮૯૮