< સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – મણિલાલ દ્વિવેદી
સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – મણિલાલ દ્વિવેદી/સુદામાચરિત્ર
સુદામાચરિત્રની કથા એટલી લોકપ્રસિદ્ધ અને લોકપ્રિય છે કે પ્રત્યેક શિષ્ટ ગૃહની ગૃહિણીઓ અને બાલાઓ અનેક વખતે તેના આખ્યાનને આલાપી વિવિધ આશ્વાસન લેતી દેતી જણાય છે. પ્રેમાનંદે તેને જે આલાપમાં મૂકી આપ્યું છે તેજ અતિશય લોકપ્રિય થઈ સર્વને મુખે રમી રહેલો જોવામાં આવે છે. ગુજરાતના આદિકવિસ્થાને પૂજાયલા પરમ ભક્ત મહેતાજીની સુરસ સાદી, અને સરલ વાણીનાં પ્રભાતીયાં જે સર્વત્ર અતિ પ્રસિદ્ધ અને પ્રિય છે. તેમાં પણ સુદામાચરિત્રનો આ લેખ થયાનું અમોએ પોતે તો રા. જટિલના આ ગ્રંથથીજ જાણ્યું છે. કાવ્ય મહેતાજીનું જ છે એમ તેને જોતાંજ કહી શકાય છે અને મહેતાજીના હૃદયનો ભક્તિભાવ જે તેર પ્રભાતિયામાં સુદામાચરિત્ર કહેવામાં આવ્યું છે તેને પદે પદે સ્પષ્ટ દેખાય છે. રા. જટિલે આ તેર પ્રભાતિયાં ઉપર ઘણા વિસ્તારથી વિવેચન આપ્યું છે, અને આરંભે એક લાંબો ઉપોદ્ઘાત લખ્યો છે. કવિના ભાવની સ્પષ્ટતા કરવાનો આ તેમનો પ્રયાસ સ્તુતિપાત્ર છે, અને જોકે અમને પોતાને કોઈ કોઈ સ્થાને તેમના વિચારથી જુદા પડવાનું કારણ રહે છે તોપણ તેમના પ્રયાસની સર્વ પ્રકારે અમો સ્તુતિ કરીએ છીએ.
પ્રથમ પ્રશ્ન એ થાય છે કે નરસંઇ મહેતાની સરલ અને લોકપ્રિય કવિતાને પાંડિત્યવાળા વિવેચનની અપેક્ષા હતી? હોય તોપણ જે વિવેચન રા. જટિલ “કુંડલાની સંસ્કૃત શાળાના સાથે સર્વ શાળાઓના વિદ્યાર્થીઓને” લાભ આપવા માટે ધારે છે તે તેમને ઉપયોગી થયું છે? તેરે પ્રભાતીયાંમાં ભાગ્યેજ તેર શબ્દો કઠિન આવે છે, કે ભાગ્યેજ પાંચ છ ઠેકાણે વાક્યરચના સમજાવવી પડે એમ છે, એટલે તેટલું કરવા ઉપરાંત જે જે કરવામાં આવ્યું છે તે સાર્થક છે કે કેમ એ જોવાનું છે; અને એમાં પણ ભક્તિ અને કાવ્ય અને સૌંદર્ય આદિના તાત્ત્વિક વિચારોને અંદર આણી ઠેકાણે ઠેકાણે પાંડિત્ય વિસ્તાર્યુ છે તે “શાળાના વિદ્યાર્થીઓને,” કવિતાના વાચનારને, કે મહેતાજીની મૂલ કલ્પનાને અનુકૂલ છે કે નહિ, તે સમજવું કઠિન છે.
શેક્સપીઅર જેવાં નાટકોમાં દૃશ્યપ્રસંગોથી જે ભાવધ્વનિ વ્યંજિત કર્યો છે તે સમજાવવાને જર્વાઈનસ જેવા ટીકાકારના વિશાલ અને તલસ્પર્શી લેખની અપેક્ષા છે; પ્રત્યેક પાત્રની પાત્રતાનાં બીજ ક્યાંથી ભેગાં કર્યાં છે, અને ભિન્ન ભિન્ન પાત્રોના મિશ્રણથી વસ્તુને શી રીતે ઉપજાવ્યું છે, તથા એકંદર વસ્તુ અને કાર્યથી શો ધ્વનિ ઉઠાવ્યો છે તે જણાવવાને સુક્ષ્મદૃષ્ટિવાળા ટીકાકારની અપેક્ષા છે, પ્રત્યેક નાટક જોનાર કે વાચનાર તે સહજે સમજી શકે નહિજ. પરંતુ શેક્સપીઅરનાં નાટકો ઉપરે કાવ્યમાત્રના લક્ષથી ટીકા થઈ હોત તો તે નીરસ અને નિરૂપયોગીજ ગણાત. માલતીમાધવ જેવા ઉત્તમ અને રસપૂર્ણ નાટક ઉપર જગદ્ધરની અતિ સૂક્ષ્મ ટીકા તેવા પ્રકારની હોઇ સારા પંડિતોને બહુ પ્રિય લાગતી નથી એ પ્રસિદ્ધ વાત છે; જો કે તે ટીકામાં જેને અંગરેજીમાં Hair Splitting (અર્થાત્ દધિમાંથી ઇ કાઢવી એમ ગામડીઆઓ) કહે છે તેવું અર્થ અને રસપરત્વે કરવામાં કાંઈ ન્યૂનતા રાખી નથી. રઘુ, કુમાર, માઘ, કિરાત, આદિ નાટકો નથી, માત્ર કાવ્યોજ છે એટલે તેના ઉપર વધારે પાંડિત્યનો અવકાશ નથી, અને તેજ વાત લક્ષમાં રાખી મલ્લિનાથે જે જે સ્થાને અર્થ અને ધ્વનિને અનુસરી સુરસ અને લઘુ ટીકા યોજી છે તે સર્વને અતિપ્રિય થઇ પડે છે, દૃશ્ય-કાવ્ય અને શ્રવ્યકાવ્ય ઉપરની ટીકાઓ પરત્વે ત્યારે આવો વિવેક છે. તેમાં પણ જે કેવલ ભાવપ્રધાન ખંડકાવ્યો છે, જેમકે શેલીનાં લિરિક્સ, જયદેવનું ગીતગોવિંદ, તેના ઉપર ગમે તેવી ટીકા કરતાં પણ મૂલનો ભાવ વાચનારને આપી શકાય કે નહિ એ વાત બહુ વિચારવા જેવી છે. એવાં કાવ્યનો મર્મ ગૃહવો એ તેવા હૃદયવાળાનું જ કામ છે, અને તે હૃદય કોઈ પણ ટીકા ઉપજાવી શકે કે નહિ એ પ્રશ્ન છે, કારણ કે તે ટીકા પણ પાછી તેવું કાવ્યજ થઈ જવાની. નરસઈ મહેતાનું સુદામાચરિત્ર તે એક નાનું સરખું આખ્યાન છે, અતિપ્રસિદ્ધ છે, તેની કવિતામાં કશી કઠિનતા નથી, કથાનો ભાવાર્થ અને પ્રધાન ઉદ્દેશ સર્વત્ર સુવિદિત છે, તો તેના ઉપર અતિ વિસ્તીર્ણ વિવેચનની અને તાત્ત્વિક તર્કોના ગુંફનની આવશ્યકતા હતી કે નહિ, અને તેથી મૂલને સમજવામાં સરલતા થઇ છે કે કઠિનતા થઈ છે એજ જોવાનું છે.
ઘણી વખત એમ થાય છે કે પોતાના હૃદયનો ભાવ કાવ્યને આરોપાઈ જાય છે અને પછી તે ભાવ તેમાંથી ઉપજાવવાનો યત્ન થતાં ટીકાકાર પોતેજ કવિ બની જાય છે. કેટલાક લેખકો કે કવિઓ કાંઇક નવીન કરી બતાવવાની લાલસામાં ઘણી વાર બહુ ક્લિષ્ટ કલ્પના કરે છે. રસનો જમાવ સીધે સીધું જોતાં જે જણાય તેમાંજ છે, ગુલાંટ ખાઇને શોધવા જવું પડે તેમાં નથી એમ અમો માનીએ છીએ. રા. જટિલે સુદામાચરિત્રને ભક્તિનો નમુનો માન્યો છે અને સુદામાની ભક્તિનું પ્રાધાન્ય માની તેને જે જે ફલ થયું તે તેની ભક્તિનો પરિણામ છે એમ કલ્પતાં તે ભક્તિના પાછા સકામ નિષ્કામ એવા ભેદ માન્યા છે, અને સુદામાએ તેની સ્ત્રીની પ્રેરણાથી યાચનાની પ્રવૃત્તિ કરી તે સકામ ભક્તિનો પ્રભાવ છે, તે તે વાતનાં પોતાના મનથી સમાધાન કરી લીધાં અ નિષ્કામ ભક્તિનો પ્રકાર છે, એવો વિવેક કર્યો છે. તત્ત્વશાસ્ત્રની મર્યાદાથી જોતાં આ બધી વાત ખરી છે, પણ અમને પોતાને તો એમ લાગે છે કે સુદામાચરિત્રમાં ભક્તની ભક્તિ કરતાં ભગવાનનું માહાત્મ્ય દર્શાવવાનો મુખ્ય ઉદ્દેશ છે, અને તેથી ભક્તિના પ્રકારનું પાંડિત્ય કરીને સુદામાને દૃષ્ટિ આગળ રાખી એ આખ્યાનને વિલોકવું એજ તેને અવળા દૃષ્ટિબંદુથી વિલોકવા જેવું છે. ભક્તિના નવ પ્રકારમાં જે સખ્ય ભક્તિ છે તેનું દૃષ્ટાન્ત સુદામાચરિત્ર છે, અને સખ્યથી કરીને સમાનતાનો વિચાર મનમાં આવતાં ભગવાન્ની મહત્તા ન સમજાયાથી જે કૃપણતા ઉપજી ક્લેષ થાય છે તેનો ચીતાર છે. અર્જાુનને દિવ્ય દૃષ્ટિથી વિરાટદર્શન થયાં ત્યારે તેણે પોતે પણ એજ કહ્યું છેઃ—
‘સખેતિ મત્વા પ્રસભં યદુક્તં વિહારશય્યાસનભોજનેષુ |’
મેં તમને સખા જાણીને વિહાર, શય્યા, આસન, ભોજન ઈત્યાદિમાં જે કાંઈ અવિચાર ભરેલું કહ્યું હોય તે ક્ષમા કરજો. મહેતાજી પોતે પણ સુદામાને અનેકવાર કૃપણતા પામતો, યાચવા જતાં લજવાતો, પાછો ફરતાં કાંઈ ન આપ્યું માટે ક્લેષ પામતા દર્શાવે છે, અને ભગવાને ન માગ્યા છતાં પણ સર્વસ્વ આપ્યું એવી તેમની ભક્તપરાયણતા અને મહત્તા ગાય છે તથા ધ્વનિત કરે છે. મહેતાજી જેવો ભક્તકવિ એમજ કરે એ સ્વાભાવિક છે, તેને સુદામાની દરકારજ નથી, તે તો જે ભગવાનનો પોતે ભક્ત છે તેના ગુણના ગાનમાં વિલીન છે. ભક્ત પોતે પોતા વિષે કાંઇએ વિચારે તે તેના મનથી પાપજ છે. પ્રેમાનંદે પણ એજ માર્ગ લીધો છે અને મહેતાજીએ જે વાત થોડામાં કહી છે, તે વાત તેણે પોતાના શ્રોતા વર્ગની રુચિને અનુસરી (કારણ કે તે પ્રસિદ્ધ કથા કરનાર હતો) વધારે વિસ્તારથી સ્પષ્ટ કરી છે. ભક્તના અવિશ્વાસથી શો પરિણામ થાય છે તેજ દર્શાવવાનો મુખ્ય આશય છે, અને મહેતાજીએ જે વાત,
“એક રેણી રહ્યા વન વિશે આપણે, સરપણ ભાગતાં મેઘ આવ્યો” એટલા સ્મરણથી સૂચિત કરી છે, તે વાત પ્રેમાનંદે વધારે સ્પષ્ટતાથી સુદામાએ કૃષ્ણથી છાની રીતે ચણા ખાધેલા એમ કહીને પ્રકટ કરી આપી છે. અને એજ પાપથી સુદામો દરિદ્રી હતો; તે પાપ,
“ગોમતી સ્નાન કરી કૃષ્ણજી નિરખીયા, પુણ્ય પ્રકટ થયું પાપ નાઠું”
એમ કહી મહેતાજીએ સૂચવ્યું છે, ને પ્રેમાનંદે વિસ્તારેલું છે. ભક્તને અવિશ્વાસ હતો, સખ્યભાવે કરીને સમાનતા માનવાથી કૃપણતા આવી હતી, તે જતી રહી એટલે સાક્ષાત્કાર થયો. એ કૃપણતા ઉપજાવવામાં સુદામાની સ્ત્રી વાસનારૂપે કારણ હોય એ સ્વાભાવિક છે અને તેટલે અંશે અમો વિવેચકની કલ્પનાને મળતા છીએ. આ પ્રકારે આ આખ્યાનનું મુખ્ય તાત્પર્ય અમને સમજાય છે, અમને રા. જટિલના વિવેચનનું દૃષ્ટિબિંદુ અમને વાસ્તવિક લાગતું નથી, અને સુદામાની કે તેની સ્ત્રીની રીતિ કૃતિનાં પ્રભાતિયાંમાં સકામ નિષ્કામ ભક્તિ બંધ બેસાડવાનો વિવેચકનો આયાસ પણ અસ્થાને લાગે છે. જેમ છે તેમનું તેમજ એ કાવ્ય વધારે રસવાળું છે, સકામ નિષ્કામના વિવેચનથી તે રસમાં વૃદ્ધિ થતી જણાતી નથી.
દૃષ્ટિબિંદુમાં આવો ફેર હોવાથી જ વિવેચકને પ્રેમાનંદની કૃતિ મહેતાજીની કૃતિ કરતાં ઉતરતી લાગી છે. અમે કહીએ છીએ તે દૃષ્ટિબિંદુથી જોતાં ઉભયેની કૃતિ સારી લાગત, અને જે તફાવત છે તે શ્રોતાના અધિકારાનુસાર યોજાયેલ સમજાત. વિવેચકે દૃષ્ટિબિંદુ બદલી નાખીને પોતાની કલ્પનાના ઘણાક ક્લિષ્ટ પ્રસંગો સામાન્ય અર્થવાળી કડીઓની ટીકામાં પણ ઘાલવા યત્ન કર્યો છે.
“જદુપતિ નાથ તે મિત્ર છે તમ તણા, જાઓ વેગે કરી કૃષ્ણપાસે”
આ ઉપર વિવેચક લખે છે “કૃષ્ણ અને જદુપતિ નાથ એ કદાચ ઉંડી અર્થ સંકલનાથી સંકળાયા હોય એમ લાગે છે. સુદામાજીના દેવ કૃષ્ણ ઋષિપત્નીના ફલદાતા છે. જાણે ક્લિષ્ટ રીતે પણ કવિથી પાત્રભેદ જળવાયો હોય એમ જણાય છે. સુદામાજીને મુક્તિદાતા દેવના ભક્ત બનાવ્યા લાગે છે. પત્નીને મુક્તિદાતા સાથે ફલદાતા એવા દેવનાં ભક્ત બનાવ્યાં લાગે છે” ઇત્યાદિ અર્થ કર્યો છે કે “તમતણા તે મિત્ર જદુપતિ નાથ છે.” અમને તો એમ લાગે છે કે “જે પ્રસિદ્ધ જદુપતિનાથ તે તમારા મિત્ર શ્રીકૃષ્ણ છે, સમર્થ છે, તેની પાસે જાઓ” એટલો જ અર્થ છે. વળી “પતિ” અને “નાથ” બે શબ્દ એક અર્થના છતાં સાથે કેમ લખ્યા છે એવી શંકા કરીને વિવેચક તે ઉપર પાંડિત્ય કરે છે, પણ અમને તો એમ જ લાગે છે કે ભવભૂતિના મહાવીરચરિતમાં “ભવાનીપતેઃ” એવો પ્રયોગ છે તેના જેવો જદુપતિનાથ એ પ્રયોગ છે. ‘ભવાની’ એટલે ભવ જે શિવ તેની પત્ની અને પાછા તેના પતિ કહેવા એ પુનરુક્તિ કે દોષ જેવું છે, પણ ભવાની એટલે પાર્વતી એવો લોકમાં અર્થ થઇ ગયો છે તેથી ભવાનીપતિ એટલે પાર્વતીના પતિ, શિવ, એમ પ્રયોગ થઇ શકે છે. તેમજ જદુપતિ એટલે કૃષ્ણ એવો લોકમાં અર્થ પ્રસિદ્ધ છે તેથી જદુપતિ જે વિશ્વના અથવા આપણા નાથ છે એમ જણાવવા જદુપતિનાથ એવો પ્રયોગ થઇ શકે છે.
“કરશે કરુણા પ્રભુ દીન જાણી”
એમાં ‘દીન’ શબ્દ વિવેચકને “વિષમ” જણાય છે. “એ વિષમતા બે વિચારે તજી શકાય. પ્રથમ એ વિચારે કે પૂજનીય દેવ પાસે પૂજક પોતે ક્ષુદ્ર હોય; બીજા એવા વિચારે કે ભક્તિમાન હૃદયને ‘દીનતા’ શોચનીય ન હોય, ‘અભક્તિમત્ત્વજ’ શોચનીય હોય. આવો ભેદ તપાસતાં કદાચ ‘કરૂણા કરશે પ્રભુ દીન જાણી’ એમ બોલી ઋષિપત્ની એમ પણ કહેતાં હોય જે અભક્તિમત્ત્વને શોચનાર નાથ કદાચ આપણી દીનતા નહિ સમજી શકે પણ ભક્તિને વશ થયેલ દેવની નજરે તે જણાશે જ.” આવી કલ્પના આ ‘દીન’ શબ્દ ઉપર “વિદ્યાર્થીઓને” આ કાવ્ય સમજાવાની ટીકામાં ચાલેલી છે. આટલા બધા પાંડિત્યને ન સમજનાર કોઈ સામાન્ય માણસ પણ કહી શકશે કે પ્રભુની કરુણા’ ‘દીનતા’ વિના આવતી જ નથી, ‘અદીન’ અહંકારીને પ્રભુ મળતા જ નથી, આપણે દીન-પ્રભુ પરાયણ-છીએ, માટે આપણા ઉપર કરુણા કરશે એટલો જ અર્થ છે. ભક્તિનું સ્વારસ્ય જ દીનતા છે, ત્યાં “વિષમતા” અને તેના પરિહારના વિસ્તારનો અવકાશ જ અમોને સમજાતો નથી.
મહેતાજીએ જે વાત સુદામાના અવિશ્વાસથી સુદામાના મુખમાં મુકી છે કે
“નરપતિ નવ પ્રીછે પ્રીત જુની”
તે કેવલ દુનિયાંદારીના દૃષ્ટાન્તને લક્ષમાં રાખી રાજાઓ જુની પ્રીતિને ઓળખી શકતા નથી ને યાદ લાવતા નથી, માટે કૃષ્ણ મને ઓળખે કે ન ઓળખે તેથી નહિ જાઉં. એટલા તાત્પર્યથી મુકી છે; પણ દૃષ્ટિબિંદુ જ ફેરવી નાખવાથી વિવેચક લખે છે કે “આ વાક્યનો વિચાર કરતાં એવો વિચાર સામેલ રાખવાનો છે જે પ્રીતને જુની કરનાર ઋષિજી પોતે જ છે. પોતે પ્રીત જુની કેમ થવા દીધી? જવાબ” ઇત્યાદિ.
“ઇંદ્ર કુબેરથી અધિક વૈભવ કર્યો રૂકિમણી કર ગૃહ્યો શીષ નામી,
એક રહ્યાં અમો, એક બીજા તમો, ભક્તને અઢળક દાન કરતાં”
તાંદુલ ભગવાને ખાવા માંડ્યા ત્યારે રૂક્મિણીએ હાથ ઝાલ્યો, બહારથી એવું બતાવવા કે અમને પણ ખાવા આપો, પણ અંદરથી એવા હેતુથી કે અમારે માટે હવે કાંઈક તો રાખો? સુદામાને બધું આપી દેશો કે શું? આટલું સ્પષ્ટ તાત્પર્ય છે, અને પ્રેમાનંદે વિસ્તારથી તે કહી બતાવેલું છે. આ ઉપર વિવેચકે જે વિવેચન પૃષ્ઠ ૫૧ થી ૫૪ સુધી વિસ્તાર્યુ છે તે અત્રે ઉતારવા સ્થલ નથી, પણ તેમના દૃષ્ટિબિંદુના એક ઉત્તમ દૃષ્ટાન્ત રૂપ છે.
ઉપોદ્ઘાતમાં ભક્તિનો અર્થ કરવાનો પ્રયાસ છે અને ભક્તિનો અર્થ “અનુશીલન” એટલો જ કર્યો છે. ‘અનુશીલન’ એ તો ક્રિયા છે એટલે શાનું અનુશીલન તે જાણવાની અપેક્ષા રહે છે; તેમજ ભક્તિમાં જે પૂર્ણતા હોવી જોઇએ, સમર્પણની પૂર્ણતા હોવી જોઇએ તે અર્થ પણ ‘અનુશીલન’ માંથી નીકળતો નથી. ભક્ત પોતાની ભક્તિના વિષયને ‘દેવ’ નહિ પણ પરમેશ્વર —સર્વસ્વ—માને છે એ પણ કહેવા જેવું છે; કારણ કે ‘ઇશ્વર’ ને બદલે વિવેચકે સર્વત્ર ‘દેવ’ શબ્દ જ વાપર્યો છે.
અમારા સમજવા પ્રમાણે સુદામા ચરિત્રના હાર્દ વિષે આવો મતભેદ છતાં વિવેચકની અર્થગ્રહણશક્તિ, સૂક્ષ્મ દૃષ્ટિ, અને કાવ્યાભિરૂચી સર્વ રીતે સ્તુતિપાત્ર છે.
જાનેવારી—૧૮૯૭.
- ↑ મહેતા નરસિંહનું સુદામાચરિત્ર, વિવેચક જટિલ મુંબઇ, નિર્ણયસાસર પ્રેસ, મૂલ્ય ૦–૮–૦