સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રમણ સોની/આપણું પદવીકેન્દ્રી સાહિત્યસંશોધન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(1) વિવેચનવિચાર

(૧) આપણું પદવીકેન્દ્રી સાહિત્યસંશોધન
થોડીક અપેક્ષાઓ, ઝાઝી મર્યાદાઓ

સાહિત્યસંશોધનના ક્ષેત્રે જેમની સાધના સતત ચાલતી રહેતી હોય એવા વિદ્વાનો તો આપણે ત્યાં જૂજ છે—અને આ ક્ષેત્રમાં સતત પ્રવૃત્ત વિદ્વાનોની સંખ્યા ઓછી હોય એ સમજી શકાય એવું છે. પરંતુ, આ ઉપરાંત, આપણી વિદ્યાસંસ્થાઓમાં પીએચ.ડી.ના નિમિત્તે સંશોધનકાર્ય કરનારની સંખ્યા ઠીકઠીક મોટી છે. પીએચ.ડી.થી આરંભાયેલી સંશોધનની આ યાત્રા કેટલાક અભ્યાસીઓમાં આગળ ચાલતી રહે છે પણ મોટાભાગનામાં તો એ પદવીપ્રાપ્તિ આગળ અટકી જાય છે. એ પછી, અલબત્ત, ઘણાનું કામ વિવેચનના ક્ષેત્રે આગળ ચાલતું હોય છે. અધ્યાપન સાથે સંકળાયેલા અભ્યાસીઓ માટે સંશોધનમાં જ કારકિર્દી આગળ ચલાવવી એ એકમાત્ર માર્ગ ન હોઈ શકે. સંશોધનકાર્ય દરમ્યાન એમણે જે શિસ્ત અને સજજતા કેળવ્યાં હોય એ અધ્યયન- અધ્યાપનમાં અને વિવેચનાત્મક લેખનકાર્યમાં કામ આવી શકે તો પણ એનું મૂલ્ય ઓછું નથી. અને સૌથી વધુ મહત્ત્વનું તો એ છે કે અભ્યાસીએ જે શોધનિબંધ તૈયાર કર્યો હોય એ આપણા સંશોધન—વિવેચનના ક્ષેત્રમાં કોઈ ને કોઈ રીતે, નાનુંસરખું પણ એક નક્કર પ્રદાન બની રહે, ભવિષ્યના અભ્યાસીને માટે એ કોઈ ને કોઈ રીતે ઉપયોગી તેમજ માર્ગદર્શક બની રહે, ને એમ સરવાળે આપણું વિદ્યાક્ષેત્ર સમૃદ્ધ બને. પણ આવું થાય છે ખરું ? આપણે જોઈએ છીએ કે યુનિવર્સિટીઓની કૉલેજોના અને અનુસ્નાતક કેન્દ્રો/ભવનોના અધ્યાપકોમાં 'ડૉક્ટર' વિશેષણ આપણું પદવીકેન્દ્રી સાહિત્યસંશોધન ઝડપથી પ્રસરતું જાય છે. આ વિશેષણ વિનાના અધ્યાપકો લઘુમતીમાં આવી ગયા છે. ને એમાંના પણ, જેમણે કાયમ માટે આ દિશામાં જવાનું માંડી વાળ્યું હોય છે કે ઇચ્છયું જ નથી હોતું એવા થોડાઘણાને બાદ કરતાં, મોટાભાગના તો ડૉક્ટર થવા માટેની દીક્ષા લઈ ચૂક્યા હોય છે કે લેવાની પેરવીમાં હોય છે. વળી હવે તો, અધ્યાપનના વ્યવસાયમાં હજુ ન જોડાયા હોય એવા રિસર્ચસ્કૉલર્સ માટેની સુવિધાઓ પણ વધી છે ને એ ઉપરાંત, એમ.એ. થયા પછીને વળતે જ દિવસે રજિસ્ટ્રેશન કરાવી લેવાનું ઉત્સાહી વલણ પણ જોર પકડતું જાય છે. માર્ગદર્શક સાહેબોનાં શિષ્યમંડળ વિસ્તાર પામતાં જાય છે ને એમને અનેકાવધાની બનવું પડે છે. સાહિત્યસંશોધનના ક્ષેત્રમાં આમ લીલી વાડી છે. પણ એનાં ફળ, એનાં પરિણામો કેવાં આવે છે? સૌ જાણે છે કે આપણી આ પીએચ.ડી.—સંશોધનપ્રવૃત્તિનું એક મુખ્ય પ્રેરક બળ તો વ્યાવસાયિક સ્પર્ધા છે અને એથી આ કામગીરી પાછળનાં પ્રયોજનો મર્યાદિત થતાં ચાલ્યાં છે. દર વર્ષે કેટલાબધા અભ્યાસીઓ પોતાનાં સમયશ્રમ આ પ્રવૃત્તિને આપતા રહેતા હોય છે ? વાચન, નોંધ, લેખન, ફેરલેખનની પ્રક્રિયા નિરંતર ચાલ્યા કરે છે. પરંતુ આમાંનું ઘણુંખરું તો સાચી અને આવશ્યક એવી, સૂઝ—શિસ્તભરી વિદ્યા- ઉપાસનાની દિશામાં જાણે કે વળતું જ નથી. એટલે ક્યારેક તો આ આખોય ઉપક્રમ સંશોધનના લક્ષ્ય સુધી ન પહોંચનારો, કશા નક્કર અનુસંધાન વિનાનો, પાનાં ભરીને પદવી મેળવવા આગળ અટકી રહેનારો બની જાય છે! આ સ્થિતિ ખરેખર જ ચિંતાજનક છે. ગુણવત્તાના ઉચ્ચાવચક્રમની દ્દષ્ટિએ જોઈએ તો પહેલી વાત તો એ ધ્યાન પર આવશે કે સાહિત્ય—સંશોધનનાં જે ઉત્તમ કામ થયાં છે એમાં પીએચ.ડી.ના શોધનિબંધોનું પ્રમાણ ઓછું છે. સંશોધન સિવાયનું કોઈ અન્ય નિમિત્ત ન સ્વીકારનારા, કેવળ સંશોધક હોય એવા વિદ્વાનોએ જ મોટેભાગે આ કામ કર્યાં છે. બહોળું વાચન—અધ્યયન ધરાવનારા, તેજસ્વી અધ્યાપન-કારકિર્દીવાળા અને વિવેચનના ક્ષેત્રમાં જેમનું અર્પણ સ્વીકૃતિ પામેલું છે એવા જે અભ્યાસીઓએ પીએચ.ડી. નિમિત્તે સંશોધનકાર્ય કર્યું છે એને પેલા ઉત્તમની કોટિએ મૂકી શકાય એમ છે. (અલબત્ત, એમાં પણ થોડાક અપવાદો રહેવાના). એ પછી એવા સંશોધન-નિબંધો આવે જેમાં પ્રતિપાદનો કે નિરીક્ષણ આપવાનું કે, ઓછામાં ઓછું, પશ્ચિમમાં થયેલી ચર્ચાઓને સંગતિપૂર્વક મૂકી આપવાનું અને જરૂર પડયે એને ચકાસવાનું આકરું પણ આવશ્યક કર્તવ્ય બજાવ્યું હોતું નથી. એટલે પછી એના વિનિયોગ વખતે એ ગુંચવાય છે, ચર્ચાની ચુસ્તી અને એની શાસ્ત્રીયતા ઓ- છાં થાય છે ને સરવાળે અભ્યાસીનું કામ પૂરું સંતોષકારક ને સફળ બનતું નથી. લેખનપદ્ધતિ : આધારસામગ્રી અને સંદર્ભસામગ્રીનો વિનિયોગ લેખનના આ આયોજન પછીની બીજી મહત્ત્વની સમસ્યા લેખનપદ્ધતિ અંગેની છે. સ્વીકારેલા વિષય અને પ્રયોજન અનુસારની એક સ્પષ્ટ નિશ્ચિત પદ્ધતિ અભ્યાસીએ નિપજાવી લેવી પડે છે. એમાં બે બાબતો વિશેષ મહત્ત્વની છે. પહેલી વાત આવે છે આધારસામગ્રીની. આધારસામગ્રી એટલે નિબંધના વિષયની ચર્ચાના લક્ષ્યરૂપ, આધારરૂપ કૃતિઓ અને વિગતો. આ સામગ્રીનો ઉપયોગ કેટલા પ્રમાણમાં કરવો અને કેવી રીતે કરવો એ વિવેકની સૂઝનો અભાવ ઘણા નિબંધોમાં જોવા મળે છે. કર્તા- વિષયક કે સ્વરૂપવિષયક અધ્યયનોમાં, પ્રતિપાદન માટેના વિશેષોની ચર્ચા વિષયસંદર્ભે સ્વીકારેલી સર્વ કૃતિઓનાં ઘટકોના આકલનદ્વારા અને જરૂર પડ્યે તુલનાદ્વારા થાય તો એક સ્વચ્છ ને આધારભૂત આલેખ ઊપસે. પણ એમ કરવાને બદલે સમયના/ઇતિહાસના ક્રમે પુસ્તક પછી પુસ્તક, (વાર્તા કે કવિતા કે નિબંધની) કૃતિ પછી કૃતિ એવી પદ્ધતિએ વાત કરવાનું ઘણાને સુકર થઈ પડતું હોય છે. એટલે, ધારો કે, કવિતાની ચર્ચા થતી હોય તો કાવ્ય- પંક્તિઓ ઉતારીને એના વિશેના આસ્વાદ—અભિપ્રાય—મંતવ્યને ક્રમે નિબંધને 'વિકસાવવા'ની રસમ અપનાવાતી હોય છે! આમ, મૂળ આધારસામગ્રીનો ઘણો ભાગ —ક્યારેક તો અધઝાઝેરો ભાગ- નિબંધને સુપુષ્ટ બનાવવામાં ખપે લગાડાયો હોય છે. ચર્ચા માટે આધારસામગ્રીમાંથી લેવામાં આવતાં દૃષ્ટાન્તોના પ્રમાણ અને પસંદગીની પણ એક તર્કસંગત પદ્ધતિ હોવી જોઈએ; નિયંત્રણનો અભાવ અને યાદચ્છિકતા તો આવી આખીય ચર્ચાને અર્થહીન અને અસ્પષ્ટ બનાવે. કેટલાક નિબંધોમાં આ મર્યાદા તરત ધ્યાન ખેંચતી હોય છે. ક્યારેક તો દષ્ટાન્તો લેખે અનેક પંક્તિઓ ખડકાઈ જતી હોય છે. ક્યારેક સપાટી પરનું વર્ગીકરણ એમાં મળતું હોય છે. ને એને અંતે અભ્યાસીનાં સાવ સામાન્ય કે જાડાં તારણો ચોંટાડવામાં આવેલાં હોય છે, એક શોધનિબંધમાં, અભ્યાસવિષય એક કવિની કવિતામાંથી ઉપમા રૂપકાદિ અલંકારો દર્શાવતી પંક્તિઓ (દરેક અલંકારમાં દસદસ બારબાર પંક્તિઓ) ઉતારવામાં આવી છે ને એને અંતે સંશોધકે આવું તારણ કાઢ્યું આ કવિની “વિપુલ કાવ્યસૃષ્ટિમાં અલંકારો પણ ઓછા નથી !’ આધારસામગ્રીની, એટલેકે પૂર્વસૂરિઓનાં વિવેચન-અવતરણોન વાત કરીએ તો, પોતાના મતના સમર્થન માટે (ને ઘણીવાર તો મતના સીધા ઘડતર માટે !) કેટલાબધા વિદ્વાનોની કુમક લેવામાં આવતી હોય છે! એક શોધનિબંધમાં ટાઈપ કરેલા ૪૦ પાનાંમાં ૧પ૨ પાદટીપો આશરો પામેલી હતી! આ અવતરણ-બહુલતા પણ, મને લાગે છે કે, શોધનિબંધ માટેની એક આવશ્યક રૂઢિ લેખે આપણે ત્યાં પ્રચાર પામેલી છે. પ્રસ્તુત કે આવશ્યક બને છે કે નહીં એ જોયા વિના જ ક્યારેક :- ચારેબાજુએથી એકઠાં કરેલાં અવતરણોનો મારો ચલાવાય છે. એમાં વિદ્વત્તાની ઇતિશ્રી, જાણે અજાણેય, જોવામાં આવે છે. આનું બીજું એક પરિણામ એ આવતું હોય છે કે, આમ કરીને પેલો અભ્યાસી પોતાનો શ્રમ ઓછો કરીને વધુ પ્રસ્તારી બનવાની સુવિધા મેળવી લેતો હોય છે. સંશોધકની ભૂમિકા જોતજોતામાં સંપાદકની કે સંપાદન-પ્રેરકની બની જતી હોય છે, કારણકે જેમ ધૂમકેતુની ને રમણલાલ દેસાઈની નવલકથાઓમાંથી કોઈકે તેજતણખા અને રત્નકણિકાઓના ગ્રંથો સંપાદિત કરેલા છે એમ જ આવા કેટલાક શોધનિબંધોમાંથી, કોઈ ધારે તો, અવતરણ—સંગ્રહ સંપાદિત કરી શકે ! આ બધું જોતાં, આપણા એક જાણીતા થયેલા શોધનિબંધને …. એક અધ્યયનગ્રંથ'ને બદલે કોઈકે મજાકમાં ....એક અવતરણગ્રંથ’ કહ્યાનું યાદ આવી જાય છે. લેખનશૈલી લેખનપદ્ધતિના જેવી જ બીજી મર્યાદા લેખનશૈલીની એટલે કે લખાવટની પોતાની છે. ને એ વધુ ગંભીર છે. આમાં એક રીત અઘરી, અટપટી, જાણીકરીને પંડિતાઉ બનાવેલી લખાવટની છે. એના પર પણ એક રૂઢિ સવાર થયેલી હોય છે-પરિભાષાનાં, જાર્ગનનાં, જાળાં ગૂંથવાની. સ્પષ્ટતાને ભોગે આવી શૈલીની અજમાયશ થાય છે એમાં, નાનાલાલે કવિતાસર્જનના સંદર્ભમાં કહેલી 'નરી સરલતાને કોણ પૂજશે?’— વાળી વૃત્તિ પ્રગટ થાય છે. પરંતુ લખાવટની શિથિલતા, સાવ નબળી અભિવ્યક્તિ એ આપણા કેટલાક શોધનિબંધોની સૌથી ગંભીર મર્યાદા છે. પીએચ.ડી. કરવા ઉઘુક્ત થનારની સૌથી પહેલી ને લઘુતમ યોગ્યતા તો સ્પષ્ટ, સફાઈદાર લેખનની હોય. તાર્કિક ને અર્થપૂર્ણ, લાઘવવાળી ને નક્કર પણ વિશદ લખાવટ એ પણ સંશોધન-વિવેચનની એક આવશ્યક શિસ્ત છે એ વિસરાઈ જતું હોય છે. પ્રસ્તારી ને પુનરાવર્તનોવાળાં, ચર્ચાતા મુદ્દાને સ્હેજ પણ આગળ ન વધારનારાં વાક્યોનાં વાક્યો કેટલાક શોધનિબંધોમાં ખડકાયેલાં જોવા મળે છે. ને એ ઉપરાંત તર્કબળ વિનાનાં, સંગતિ વિનાનાં વિધાનો પણ થયે જાય છે. આવાં તો અસંખ્ય દૃષ્ટાન્તો નોંધી શકાય. નમૂના લેખે થોડાંક જોઈએ : (૧) 'ગુજરાતી સાહિત્યમાં ઉમાશંકર સુન્દરમ્ પછી પ્રવેશ કરે છે પણ નીકળી જાય છે આગળ.’ (૨) ‘પ્રહ્લાદ સારા કવિ હોવા છતાં એમની પાસેથી આપણને વિપુલ કાવ્યરાશિ મળ્યો નથી.’ (૩) 'ચુનિલાલ મડિયાએ મૌલિક કથાબીજ અને શુદ્ધ વાતકિલાને કસુંબીના રંગે રંગી આપી છે' (૪) 'નાનાલાલની ઉપમા દમયંતીના હાથમાંથી સજીવન થઈ સરકી જતાં માછલાં જેવી છે.' વગેરે. વાક્યરચનાની શિથિલતા સુધ્ધાં ઘણા નિબંધોમાં વારંવાર નજરે પડતી હોય છે ને પરીક્ષકને ખોટી વાક્યરચનાઓ સામે પ્રશ્નાર્થો મૂકતા જવું પડ્યું હોય છે ! એક શોધનિબંધની લાયબ્રેરી—નકલમાં, આવાં પ્રશ્નાર્થો- ઉદ્ગારોનાં ચીતરામણો અનેક પાનાં પર થયેલાં જોવા મળેલાં. અલબત્ત, આમાં ફરી વાંચી લઈને ભૂલો સુધારી ન લેવાની અભ્યાસીની બેકાળજી પણ જવાબદાર હશે. એવીજ બેકાળજી, ટાઈપ આદિની ભૂલોને પણ જેમની તેમ રહેવા દેવામાંય દેખાય છે. બીજી એકબે નાની પણ મહત્ત્વની બાબતો: ૧. લેખકોના નામનિર્દેશો વસ્તુલક્ષી શાસ્ત્રીય અધ્યયન લેખે શોધનિબંધ પાસે લેખનશિસ્તને લગતી બીજી પણ કેટલીક અપેક્ષાઓ રહે છે. જેમકે, નિબંધમાં ઉલ્લેખ પામતા લેખકોના નામનિર્દેશની પણ એક નિશ્ચિત અને સર્વસામાન્ય પદ્ધતિ નિપજાવવી જરૂરી હોય છે. સાહિત્યકોશ, ચરિત્રકોશ આદિમાં તો આવી એકવાક્યતા અનિવાર્ય ગણાય છે, કેમકે એના મૂળ માળખાનો જ એ એક ભાગ હોય છે. સંશોધનનિબંધ પણ આવી સર્વમાન્ય એકવાક્યતાને સ્વીકારે એ જરૂરી ગણાવું જોઈએ કેમકે રૂબરૂ વાતચીતમાં કે વક્તવ્યમાં થતા નામોલ્લેખો અને સંબોધનો આદરની કે પ્રેમની વ્યક્તિલક્ષી ભાવ- છાયાઓવાળાં હોય એ બરાબર છે પરંતુ સંશોધનાત્મક-વિવેચનાત્મક લખાણોમાં તો લેખકનામો સંજ્ઞાસૂચક હોય છે એટલે એમના નિર્દેશો પણ નિશ્ચિત પદ્ધતિને અનુસરતા હોય. એથી પાઠકસાહેબ, ભાયાણીસાહેબ, સુરેશભાઈ, કુન્દનિકાબહેન, મધુ, કિશોર . એવા નિર્દેશોને બદલે હરિવલ્લભ ભાયાણી, સુરેશ જોશી, મધુ રાય એવા સ્વીકૃત નામનિર્દેશો જ ઉચિત ગણાય. લેખનશિસ્તના આ આગ્રહને આગળ લંબાવીએ તો, નામની આગળ થતા 'શ્રી', 'ડૉ.' એવા નિર્દેશો પણ અનાવશ્યક ગણાવા જોઈએ. પરંતુ, અનૌપચારિકતાઓથી આપણે એટલા ટેવાઈ ગયેલા છીએ ને સંબંધવાચક ભાવછાયાઓનો આપણા મન પર એવો કબજો છે કે શાસ્ત્રીય લખાણોમાં પણ આવી ટેકણલાકડીઓ વિનાના નામનિર્દેશો કરવાનું આપણને જાણે કે અડવું ને તોછડું લાગે છે! ઝવેરચંદ મેઘાણી વિશેના એક શોધનિબંધમાં સતત મેઘાણીભાઈ એવો નામનિર્દેશ આવે છે તો વળી રામનારાયણ પાઠકનો ઉલ્લેખ એક અન્ય શોધનિબંધના એક જ પૅરેગ્રાફમાં પાઠક, રામનારાયણ, પાઠક સાહેબ, રામનારાયણ પાઠક એમ ચાર જુદી- જુદી રીતે થયેલો છે ! એટલે, નામનિર્દેશોની સંગતિપૂર્ણ એકવાક્યતાની કાળજી રાખવી એ પણ સંશોધનની આવશ્યક પરિપાટીનો એક અંશ છે એ ન ભુલાવું જોઈએ. સંદર્ભ સૂચિ આ જ પુકારનો બીજો એક પ્રશ્ન સંદર્ભસૂચિની પદ્ધતિનો, એની વિગતોના ક્રમ અંગેનો પણ છે. આપણે ત્યાં આની એકવાક્યતા કોણ જાણે કેમ પણ ઊભી જ ફરાઈ નથી. પીએચ.ડી.ના વિદ્યાર્થીઓ પણ, સંદર્ભ માટેનાં અંગ્રેજી પુસ્તકોમાં ને ગુજરાતીના પણ કેટલાક જાણીતા સંશોધન-વિવેચન-ગ્રંથોમાં, સંદર્ભસૂચિઓ કેવી રીતે મુકાયેલી છે એ ઝીણવટપૂર્વક જોવાની કાળજી રાખતો હોય એવું જણાતું નથી. એટલે આ બાબતમાં નરી યાદચ્છિકતા પ્રવર્તે છે. કેટલાક નિબંધોમાં, પ્રકાશકના સૂચિપત્રની જેમ, પહેલાં કૃતિનામ પછી કર્તા (લેખક સંપાદક કે અનુવાદકનું) નામ અને કૌંસમાં પ્રકાશનવર્ષ એવો ક્રમ જોવા મળ્યો છે તો ક્યાંક કર્તાના પ્રથમનામ પછી અટક એવો ક્રમ જોવા મળ્યો છે. કેટલાકે કતનામનો અકારાદિક્રમ જાળવેલો છે પણ એની નીચે નિર્દેશાતાં એનાં પુસ્તકોમાં અકારાદિક્રમ જાળવેલો નથી ! ક્યાંક વળી પ્રકાશનવર્ષનો જ ક્રમ જાળવેલો જોવા મળે છે. કર્તાની અટક, પ્રથમ નામ, (સંપાદક હોય તો એનો કૌંસમાં નિર્દેશ), કૃતિનામ, પ્રકાશક, પ્રકાશકનસ્થળ, પ્રકાશનવર્ષ-એવો સ્વીકાર્ય ક્રમ ઘણા ઓછા નિબંધોમાં જોવા મળ્યો. સૂચિનું મહત્ત્વ ને એની ઉપયોગિતા આપણે બહુ પ્રમાણ્યાં જ નથી એવું લાગે. સંશોધન એ જ સંશોધન-સામગ્રી ? આવી અનેક મુશ્કેલીઓ વિષયની સ્પષ્ટતા, ક્ષેત્રમર્યાદા ને એના સરસ્વત આયોજનની; તથ્યોના ઉપયોગની, અર્થઘટનની ને મૂલ્યાંકનની; લેખનપદ્ધતિ ગાવામી ને લેખનશૈલીનાં શાસ્ત્રીયતા, ચોક્સાઈ ને વિશદતાની— એનાથી આપણા શોધનિબંધો શિથિલબંધ બનેલા છે. સંશોધકની સન્નદ્ધતા વિરલ બનવા માંડી છે. સંશોધનો આપણા વિદ્યાકાર્યની એક શ્રદ્ધેય પરંપરા બાંધી આપતાં હોય છે એટલે એનું મૂલ્ય ઓછું નથી. પણ સંશોધનેચ્છુ વિદ્યાર્થી એ મૂલ્યની ખેવના ન કરે, સત્યશોધનની તતપૂર્વકની મથામણો કરવાનું ન રાખે. મેડમજી લેખકોનું હોય છે. એટલે. ખરેખર તો ઘણી સજ્જતા ને આકરી શિસ્ત માગી મારવાની રીતે થયાનું ઘણા નિબંધોમાં જોવા મળ્યું છે. સંશોધકને પોતાને તો જાણે કશું કહેવાનું હોતું જ નથી-આમતેમથી જે મળ્યું એને 'કોના તળાવા ને કોની પિંજણીઓ' એ પદ્ધતિએ ઉતારી-ગોઠવી દેવાનું વલણ ઘણા નિબંધ- લેનારા આ વિષયમાં આ રીતે બધું સપાટ ને સરળ બનાવી દેવાનું. સુગમ પડે એવો રસ્તો લેવાનું ઘણાને ઠીક ફાવતું હોય છે. એટલે જયંત કોઠારીનું એક નિરીક્ષણ એકદમ સાચું છે કે, પીએચ.ડી.ની ડીગ્રી માટે મધ્યકાલીન વિષય પસંદ કરવામાં આવે છે ત્યારે એની પાછળનું પ્રયોજન ઘણીવાર સરળતાનું જ રહ્યું હોય છે. 'ર ગ્રંથકાર-અભ્યાસો અવચિીન ગ્રંથકારો પર થતાં અધ્યયનોની મથરાવટી આપણે ત્યાં હલકી છે એનું મુખ્ય કારણ એ છે કે ઘણાખરા ગ્રંથકાર—અભ્યાસો તો જીવન- ચરિત્રાત્મક અને પ્રશસ્તિમૂલક બની બેઠા હોય છે. જીવનની વિગતોનું મહત્ત્વ નથી એમ નહીં—સંશોધનમાં તો ક્યારેક વિગતોની ઉપયોગિતા બહુ મોટી પુરવાર થતી હોય છે—પણ અધ્યયનના મુખ્ય અભિગમ સાથે એની સંગતિ રચાતી હોવી જોઈએ કે પ્રતિપાદનોને એમાંથી સમર્થનો સાંપડતાં હોવાં જોઈએ, એટલે કે સંશોધનના તથ્ય તરીકે જ એ વિગતો ઉપયોગમાં લેવી ઘટે. કર્તા વિશેના એક શોધનિબંધમાં તો કતિના જીવન-ઈતિહાસ ઉપરાંત એ જ્યાં જન્મેલા એ પ્રદેશનાં ઈતિહાસ અને ભૂગોળ પણ આલેખાયાં છે અને કર્તા વિશેની ચર્ચામાં એની કોઈ વિગતની કશી ઉપયુક્તતા દેખાતી નથી ! ગ્રંથકાર વિશે સાહિત્યના ઈતિહાસોમાં લખાયેલાં પ્રકરણોને જ ફુલાવીને મૂકવાથી કે એના સર્વ લેખનકાર્યને મારીમચડીને ઉત્તમ દેખાડવાથી ને એની એક પછી એક કૃતિ લઈને એનો આસ્વાદ-પરિચય કરાવતા જવાથી તો સંશોધન કે વિવેચનનો કશો હેતુ સરતો નથી. ક્યારેક એની કૃતિઓની કે સર્જક કે વિવેચક તરીકેનાં એનાં વલણોની તેમજ ઇતિહાસમાં એને વિશે નોંધાયેલાં રૂઢ મંતવ્યોની આકરી આલોચના કરવાનું પણ બને. એટલે આ પ્રકારના અભ્યાસોમાં તો ગ્રંથકારનું એના સમયની સાંસ્કૃતિક-સાહિત્યિક આબોહવા સાથે, એની જીવન—ઘટનાઓ સાથે, એના સમકાલીનો સાથે તેમજ એનાં પોતાનાં સાહિત્યવિષયક વલણો સાથે તુલનામૂલક અધ્યયન થવું જોઈએ. એને બદલે, ગ્રંથકાર વિશેના કેટલાક શોધનિબંધોમાં વિગતોનો, કશા લક્ષ્ય વગરનો, શિથિલ પ્રસ્તાર જોવા મળે છે. એક શોધનિબંધમાંથી લીધેલું આ વર્ણન જુઓ: (તેઓ) સ્વભાવત વાર્તાકાર છે. વાલિખન એમને ગમે છે અને ફાવે છે. અપવાદરૂપે જ કોઈ અન્ય સ્વરૂપની કૃતિ તેમણે રચી છે. બાકી, મુખ્યતઃ એમણે વાર્તાઓનું જ સર્જન કર્યું છે. પરંતુ એમ કરીનેય તેઓ એક મોટા સાહિત્યકાર બની શક્યા છે. એમની મોટાભાગની વાર્તાઓ સરલ ને કલાત્મક છે, બહુ ઓછી વાર્તાઓ નબળી છે.' સાહિત્યસ્વરૂપો અને વિષયઘટકો સાહિત્યના કોઈ સ્વરૂપવિશેષને કે પ્રેમ—પ્રકૃતિ—પાત્ર—માનવસંબંધો જેવા વિષયઘટકોના આલેખનને વિષય તરીકે સ્વીકારતા શોધનિબંધોની બે મર્યાદાઓ તરત ધ્યાન પર આવે છે. એક તરફ, સ્વરૂપ કે વિષયઘટકની વિભાવનાની ને લક્ષણવિશેષોની ચર્ચા તથા એના વિકાસ આદિની ચર્ચા રૂઢ માળખાને વશ વર્તતી, નવાં પ્રતિપાદનો અને નિરીક્ષણો આપવાને બદલે કેવળ સંદોહનની મર્યાદામાં બંધાઈ જતી જોવા મળે છે. બીજી તરફ, વિકાસનો ઈતિહાસ ચીતરવામાં પુષ્કળ સામગ્રીના ઢગલા ખડકી દઈને નિબંધને દળદાર કરવાનું વલણ જોવા મળે છે. (કેમ કે, અભ્યાસી ‘મહા’ નિબંધ તૈયાર કરી રહ્યો હોય છે ને!). વિષયઘટકના વિભાવનમાં સાહિત્યવિવેચન ઉપરાંત સમાજવિદ્યા, મનોવિજ્ઞાન, ફિલોસોફી વગેરેનું પણ આવશ્યક અધ્યયન ઉપકારક બની રહેતું હોય છે—ક્યારેક તો એ અનિવાર્ય પણ હોય છે. પરંતુ, આપણો અભ્યાસી એ સર્વની અવેજીમાં પોતાનાં છાપગ્રાહી મંતવ્યોથી કે હાથવગી હોય એવી તૈયાર રૂઢ સામગ્રીથી કામ ચલાવે છે. આથી, કેટલીકવાર સ્વરૂપની કે વિષયવિશેષની વિભાવના નક્કર અને મૂર્ત બનવાને બદલે રંગદર્શી અને ધૂંધળી રહી જવા પામે છે. કશું નવું ઉમેરાતું નથી, કશું સં-શોધિત થઈ ને આવતું નથી. આવા દોદળાપણા-ગ્રોસનેસ-ને લીધે, બિનજરૂરીનો પરિહાર કરીને સ્વરૂપ અને વિકાસની રેખાઓને સ્પષ્ટ કરી આપવાનો ‘થીસિસ'નો મૂળભૂત હેતુ દૂર સરી જાય છે અને વ્યાવર્તકતાઓને પણ ભૂંસી નાખતી અસ્પષ્ટતાઓ ઉભરાય છે. જેમકે, ગદ્યની લાક્ષણિકતાઓ તો લેખકેલેખકે જુદી મળી શકે પરંતુ એથી કરીને ગુજરાતીના વિવેચનલેખોનો પણ નિબંધ સ્વરૂપના વિકાસમાં સમાવેશ કરી દેવાય તો એના કેવા ફલિતાર્થો ઊભા જુદી મળી શકે પરન્તુ એથી કરીને ગુજરાતીના વિવેચનલેખોનો પણ નિબંધ- થાય ? પણ એવાં દૃષ્ટાંતો ય આપણા શોધનિબંધોમાં મળે છે ! પ્રમાણભાનના અને શાસ્ત્રીય આયોજનના પ્રશ્નો સૌથી મોટા પ્રશ્નો તો સંશોધનકાર્યમાં જરૂરી એવા પ્રમાણભાનના અને અભ્યાસવિષયના શાસ્ત્રીય આયોજનના છે. કેટલાક સન્નિષ્ઠ અભ્યાસીઓ પણ આ મર્યાદાઓનો ભોગ બનતા જણાયા છે. આને માટે પીએચ.ડી.ના સંશોધનકાર્ય વિશે કેટલાંક રૂઢ થઈ ગયેલાં વલણો પણ જવાબદાર છે. મધ્યકાલીન વિષયો પરનાં સંશોધનોનું તો એક જડબેસલાક માળખું જ બંધાઈ ગયેલું છે. ને ઔચિત્યનો વિચાર કર્યા વિના જ ઘણીવાર તો આ માળખાને વશ વર્તવાનું-બહિર્ગત માળખાની ટેકણલાકડીને આધારે આગળ વધવાનું વલણ જોવા મળે છે. એટલે રૂઢ મૉડેલનું અનુસરણ અને વિલક્ષણ પ્રકારની વસ્તુલક્ષિતા, ગુણપક્ષ બનવાને બદલે મૂળભૂત સૂઝ વિનાની નિષ્પ્રાણતા બની રહેતી હોય છે. તથ્યો ઘોતક મૂલ્યાંકન માટેની ઉપયોગી સામગ્રી બનવાને બદલે, દષ્ટિપૂર્ણ આયોજનના અભાવે, વેરવિખેર માહિતીના ઢગલારૂપે ખડકાતાં જાય છે. એવું અર્વાચીન વિષયોમાં પણ બને છે. બિનજરૂરી પ્રસ્તારી પૂર્વભૂમિકાઓ સંગતિસાધક બની રહેતી નથી. સાહિત્યના અદ્યતન સમયનો વિષય સ્વીકાર્યો હોય ત્યાં પણ, પ્રસ્તુતતાનો કશો વિચાર કર્યા વિના, છેક દલપતરામથી શરૂ કરીને લાંબો ઈતિહાસ લખી દેવાતો હોય એવા ઘણા દાખલા જડે છે. આ પ્રકારની અનુગતિકતા શોધનિબંધની જાણે કે એક અનિવાર્ય જરૂરિયાત બની બેઠી છે. આવી લાંબી પૂર્વભૂમિકાઓ નિબંધના પ્રકાશન વખતે રદ કરવામાં કે ટુંકાવવામાં આવતી હોય છે એ જ બતાવે છે કે પહેલાં એ કેવળ ઉપચાર માટે કર્યું હતું. પરંતુ આવા ઉપચારોનું, પરંપરાજીર્ણ પંડિતાઉ વલણોનું અનુસરણ શા માટે થવું જોઈએ? એને કારણે આયોજનની શાસ્ત્રીયતા પણ જળવાતી નથી. શોધનિબંધના આયોજનનાં, એના વિકાસક્રમના ઘટકોરૂપ પ્રકરણોમાં પ્રમાણભાનનો અભાવ એ આ જ પ્રકારની એક બીજી મર્યાદા છે. ચાર-પાંચ આધુનિક વાર્તાકારોને લઈને એક સમયખંડના વાતસિાહિત્યનાં વલણો તપાસતા એક શોધનિબંધમાં એક વાતિકારને અઢીસો જેટલાં પાનાં ફાળવવામાં આવ્યાં છે ને બીજા એક વાર્તાકાર વિશેની ચર્ચા પચાસેક પાનાંમાં સમેટાઈ ગઈ છે. નિશ્ચિત શોધઘટકોનો બધે સમાન વિનિયોગ કરવાને બદલે તે-તે વાર્તાકારે લખેલી કુલ વાર્તાઓના પ્રમાણમાં એના પરના લખાણનાં પાનાંની સંખ્યા જાણે કે નિયત થઈ જાય છે! આનું એક કારણ તો, વળીવળીને કૃતિલક્ષી આસ્વાદનની પદ્ધતિનો આશરો લેવાયો હોય એ છે. અને બીજું એક કારણ એ કે જેની સંદર્ભસામગ્રી, એટલે જેના પરનાં વિવેચનોની સામગ્રી વધુ હોય એની વાત વધુ વિસ્તારથી થઈ જતી હોય છે. કિશોર જાદવની વાર્તાઓનું વિવેચન ઓછા પ્રમાણમાં થયું હોવાથી પીએચ.ડી.નો અભ્યાસી પણ એને ઓછાં પાનાં આપે છે, બલકે આપી શકે છે. સૈદ્ધાન્તિક ભૂમિકા અને એનો પ્રત્યક્ષ વિનિયોગ સંગતિની આવી જ મર્યાદા શોધનિબંધમાં જે સમસ્યા હાથ ધરવામાં આવી હોય એની સૈદ્ધાન્તિક ભૂમિકા અને એના વિનિયોગ વચ્ચે જોવા મળે છે. સૈદ્ધાન્તિક ભૂમિકામાં જે નિરીક્ષણો કર્યાં હોય છે ને જે પ્રતિપાદનો કર્યાં હોય છે એ બધાં એ જ રૂપે, પસંદ કરેલી કૃતિઓની ચર્ચામાં વિનિયુક્ત થતાં નથી. ગદ્યના સ્વરૂપને લક્ષ્ય કરતા એક નિબંધમાં ગદ્યવિધાનની ચર્ચા ખૂબ ચુસ્ત અને વૈજ્ઞાનિક રહી છે પણ ગદ્યકારોનાં લખાણોની વાત કરતાં એ અભ્યાસી સામગ્રીની—વિષયો અને વિચારોની—ચર્ચા તરફ જ વળી ગયા છે; ભાષાલક્ષી વસ્તુનિષ્ઠ તપાસને બદલે વિષયઘટકોનું વર્ગીકરણ કરવામાં અને ક્યાંક તો દોહન આપવામાં પડી ગયા છે! એ જ રીતે ભાષાવૈજ્ઞાનિક કે રૂપરચનાવાદી અભિગમોને કેન્દ્રમાં રાખતાં કેટલાંક સંશોધનોમાં પણ કૃતિચર્ચા તો આસ્વાદલક્ષી ને પ્રભાવમૂલક બની બેઠી છે! એથી ઘણીવાર મૂળ સ્વીકૃત હેતુ જ માર્યો જાય છે ને ફલિતાર્થો ધૂંધળા આવે છે. પ્રતીક, કલ્પન, મિથ, કાવ્યભાષા જેવી સંજ્ઞાઓ ને સંપ્રત્યયો પર આધારિત સંશોધનોમાં પણ પ્રત્યક્ષની તપાસ અસ્પષ્ટ ને ક્યારેક ગેરમાર્ગે દોરનારી બને છે. આવો કોઈ નિબંધ લઈને એની વિગતે ઝીણવટભરી ચર્ચા કરવામાં આવે તો અસ્પષ્ટતાઓ ને અરાજકતાનાં અનેક દૃષ્ટાન્તો એમાંથી મળે. આનું એક કારણ મને એ જણાયું છે કે આ પ્રકારની સિદ્ધાન્તચર્ચામાં આપણા અભ્યાસીએ પશ્ચિમમાં થયેલાં કામોની તૈયાર સામગ્રી પર વધુ પડતો આધાર રાખ્યો હોય છે. ત્યાં થયેલી ચર્ચાઓના સીધા હવાલા આપીને ચર્ચા વિકસાવવાનું વલણ એણે સ્વીકાર્યું હોય છે — સ્વ-ચિંતિત સૂઝ-શક્તિ ન દાખવે અને મર્યાદિત પ્રયોજનો સિદ્ધ કરવાના ટૂંકા—સરળ રસ્તા જ શોધ્યા કરે ત્યારે વિપરિત પરિણામોનો—અશ્રદ્ધેયતાનો-ભય પણ ઊભો થાય છે. પછીનો અભ્યાસી તો થયેલાં કામને આધારે જ આગળ ડગ ભરવાનો. એટલે જો મૂળ આધાર જ બોદો હોય ને એની દિશા ગેરરસ્તે દોરનારી હોય તો એ અનુગામી કામો પર પણ બૂરી અસર થવાની ને ખોટાં તથ્યો આગળ ચાલ્યા કરવાનાં. અધૂરી ને અસિદ્ધ રહી જતી વિગતો, અધ્ધરતાલ રહી જતાં તથ્યો, પ્રતીતિકરતાનો અભાવ—આવાં સંશોધનો વિશે શંકા પ્રેરે છે ને એનાં તથ્યો-પ્રતિપાદનો—તારણોની ચકાસણી કરવામાં પછીના અભ્યાસીનું કામ વધી જાય છે, એનાં ઘણાં સમયશ્રમનો ભોગ લેવાય છે. એથી, સંશોધન સંશોધન ન રહેતાં સંશોધન માટેની સામગ્રી બની જાય છે.3 – તો કેટલાંક સૂચનો આ બધી મર્યાદાઓ કેવળ ટીકા કરવા માટે કે આપણે ત્યાં બધું આવું જ ચાલે છે એવો કોઈ ઉન્નતભ્રૂ તિરસ્કાર વ્યક્ત કરવા માટે બતાવી નથી, પરંતુ જે ચિંતાજનક સ્થિતિ છે એ તરફ સૌનું ધ્યાન ખેંચવા એમનો નિર્દેશ કર્યો છે, ખરેખર તો, આપણા સૌ વતીથી કરેલો આ એકરાર છે. એક બાબત એ પણ મનમાં પડી છે કે, આપણા કેટલાક સંશોધન—ઉત્સુક યુવાન અધ્યાપક અભ્યાસીઓ પ્રામાણિક, શ્રમતત્પર અને સત્રિષ્ઠ હોવા છતાં સંશોધન— કાર્યના માર્ગમાં આવનારી ગૂંચો ને મુશ્કેલીઓનો એમને ખ્યાલ હોતો નથી, કેવી તકેદારીઓ રાખવી જોઈએ એ વિશે પણ એમની જાણકારી ઓછી હોય છે ને એ કારણે પણ એમનાં કામ શિથિલ બનવાનો સંભવ રહેતો હોય છે, ને ખાસ તો, જે માર્ગે જવું છે એના ધૂંધળાપણાને લીધે એમની મૂઝવણો વધે છે. માર્ગદર્શક સાહેબોમાંના પણ કેટલાક, પોતાના વિદ્યાર્થીને સંશોધન અંગેની મૂળ તાત્ત્વિક તાલીમ મળવી જોઈએ એ વિશે કાં તો ઉદાસીન હોય છે કાં તો એ પોતે પણ આવી તાત્ત્વિક જાણકારીને વિશે પૂરા નિર્દોષ (!) હોય છે. આ સંયોગોમાં, અધ્યાપકસંઘના વિદ્વાન પ્રમુખને અને કાર્યશીલ મંત્રીઓને મારે કેટલાંક નમ્ર સૂચનોરૂપે એક વિનંતી કરવાની છે કે આ અંગે કેટલુંક પાયાનું કામ હવે આપણે હાથ ધરવું જરૂરી છે : ૧. વિદ્યાર્થીઓ તેમજ અધ્યાપકો માટે આપણે કાર્યશિબિરો યોજીએ છીએ. વિવેચનના સંપ્રત્યયો ને અભિગમો માટે, વર્ણનાત્મક ભાષાવિજ્ઞાન માટે આવા શિબિરો યોજાયા પણ છે. તો હવે, આ સાહિત્ય-સંશોધન વિશે પણ શિબિર યોજવો જોઈએ જેમાં અનુભવી સંશોધકો ને વિદ્વાનો કેટલીક પાયાની બાબતો વિશે નવા સંશોધકો ને સંશોધનેચ્છુઓ સાથે ચર્ચા. વિચારણા કરે—એમને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડે. કેટલાક તૈયાર શોધનિબંધોની ઝીણવટભરી સમીક્ષા પણ એમાં થઈ શકે. સાહિત્યિક સંશોધન અને સંશોધનપદ્ધતિ વિશે આપણે ત્યાં કેટલાંક પુસ્તકો ને લેખો લખાયાં છે એ તો ઉપયોગી છે જ, પરંતુ આવા શિબિરોમાંથી જીવંત ને પ્રત્યક્ષ ચર્ચાવિચારણા વિશેષ ફળદાયી બની શકે. ૨. થયેલા શોધનિબંધોનાં સામગ્રી—સ્વરૂપના સાર (સમરી) પ્રગટ થતા રહે એ પણ બીજી મહત્ત્વની આવશ્યકતા છે. આ કામ આમ તો યુનિવર્સિટી-જર્નલ્સનું ગણાય, પણ એ હવે ઝાઝું અસ્તિત્વ ધરાવતાં નથી. 'અધીત' દર વર્ષે ચાર-પાંચ સંશોધનનિબંધોની સમરી ન આપી શકે ? ૩. વિજ્ઞાનો અને સામાજિક વિજ્ઞાનોના ક્ષેત્રમાં સંદર્ભસૂચિ (બિબ્લીઓગ્રાફી) વગેરેને સમાવતાં સ્ટાઈલ મૅન્યુઅલ્સ હોય છે. આપણે ત્યાં એવાં કોઈ સ્ટાઈલ મેન્યુઅલ્સ નથી. એ પણ તૈયાર કરાવવાં જોઈએ. સૂચિકરણની, સંદર્ભનોંધોની તાલીમ તો સ્નાતક—અનુસ્નાતક કક્ષાએ પણ આપી શકાય. એટલે આ દિશામાં આવું થોડુંક પ્રાથમિક આવશ્યક કાર્ય-સ્પેડવર્ક- થાય તો આપણી સંશોધનની કામગીરી કાર્યક્ષમ બની શકે ને તો એનાં પરિણામો નિરાશાજનક ને અર્થહીન બનતાં અટકે. હું કંઈ સંશોધનના ક્ષેત્રનો વિદ્વાન નથી, સંશોધનની કામગીરીમાં રસ લેનાર એક જિજ્ઞાસુની મારી ભૂમિકા છે. એટલે, આવી તક આપીને આ પ્રકારના સ્વાધ્યાય માટે થોડીક મથામણ કરવા મને પ્રેર્યો એ માટે અધ્યાપકસંઘનો હૃદયપૂર્વક આભાર માનું છું. ૨. 'સાહિત્યિક તથ્યોની માવજત’ (૧૯૯૨), પૃ.૬૫ ૩. જુઓ : 'એક શ્રદ્ધેય વિદ્યાકીય કાર્ય અનેક લોકોનાં સમયશ્રમ બચાવે છે અને નવું જ્ઞાન સિદ્ધ કરવા માટેની ભૂમિક રચી આપે છે પરંતુ કાચું-નબળું કાર્ય પોતે સંશોધન માટેની સામગ્રી બની જાય છે’- જયંત કોઠારી, ‘સાહિત્યિક તથ્યોની માવજત' પૃ. ૨૦

  • ભાદરણમાં યોજાયેલા 'ગુજરાતીનો અધ્યાપક સંઘ'ના અધિવેશનની સંશોધનના પ્રશ્નો અંગેની બૈઠકમાં તા. ૫ એપ્રિલ ૯૩ ના દિવસે આપેલું વક્તવ્ય.

પ્ર.ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, એપ્રિલ-જૂન અને જુલાઈ-સપ્ટે. ૧૯૯૩ ‘વિવેચનસંદર્ભ’ પૃ. ૭૫ થી ૯૦