સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રમણ સોની/કોશરચના-વિજ્ઞાનની નવી દિશાઓ
વિદ્યાકાર્યોની, અને એના મૂળમાં રહેલી વિદ્યાવૃત્તિની, ક્ષીણતાના કપરા કાળમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ ત્યારે, આપણા પૂર્વસૂરિઓએ જે મંત્રો આ અધ્યાપકસંઘ સાથે સાંકળ્યા છે એ મંત્રો: ‘તેજરવી નૌ અધીતમ્ અસ્તુ’ અને ‘સ્વાધ્યાયાત્ મા પ્રમત્તઃ’ આપણે ફરીફરીને, એક ચેતવણીરૂપે પણ, યાદ કરતા રહીએ એ બહુ જરૂરી છે. એ યાદ કરતાંકરતાં વ્યાપક વિદ્યાજગત તરફ આપણે કાન માંડીશું તો, ઉપરના મંત્રોને જ જાણે ચરિતાર્થ કરતો હોય એવો એક ઉદ્ગાર આપણે સાંભળીશું: “દરેક ક્ષેત્રના શિક્ષકો પોતાનું વિદ્યાજીવન સંશોધનકાર્યોને સમર્પિત કરતા રહ્યા છે. સરકાર સંશોધન પાછળ કરોડો ખર્ચે છે, વ્યવસાયજગત તો વળી એથીય વધુ ખર્ચે છે. સંશોધન ચાલી રહ્યું છે પ્રયોગશાળાઓમાં અને પુસ્તકાલયોમાં, ગીચ જંગલોમાં ને સમુદ્રોને તળિયે, ગુફાઓનાં ઊંડાણોમાં અને અવકાશની ઊંચાઈઓ પર. સંશોધન, વાસ્તવમાં તો દુનિયાનો એક વિશાળતમ ઉદ્યોગ છે. જે (અભ્યાસીઓ) ભરોસાપાત્ર સંશોધન કરી શકતા નથી કે બીજા (અભ્યાસીઓ)નાં સંશોધનોનું ઝીણું પરીક્ષણ કરતા રહેતા નથી એમને પોતાની જાતને વિકસિત વિદ્યાજગતમાંથી હડસેલાઈ ગયેલી જોવા વારો આવશે." [Teachers at all levels devote their lives to research. Governments spend billions on it, and businesses even moer. Re- search goes on in laboratories and libraries, in jungles and ocean depths, in caves and in outer space. Research is in fact the world‘s biggest industry. Those who can not reliably do research or evalu ate the research of the others will find themselves on the side. lines. [The craft of Research, 2003, p. 9] સંશોધનકૌશલની વૈજ્ઞાનિક સમજ આપતા, વેઈન બૂથ, વગેરે શિક્ષક-સંશોધકોના પુસ્તકમાંથી લીધેલું આ અવતરણ આપણને સૌને પ્રેરક દિશા ચીંધનારું છે. અનેક કૉલેજો અને યુનિવર્સિટીઓમાં ફેલાયેલું આપણું બૃહત વિદ્યાજગત સમાજને કશું નક્કર ધરનારું -પ્રોડક્ટિવ –નથી એમ કહેવાય છે. પરંતુ વિશ્વભરમાં અત્યારે સતત ને સખત પરિશ્રમથી જે જ્ઞાન-નિર્માણ થઈ રહ્યું છે એ આપણી આંખ ખોલી દેનારું ને આપણને પ્રવૃત્ત કરી દેનારું બને એમ છે. એવાં અનેક ક્ષેત્રોમાંથી એક ક્ષેત્ર વિશે થોડીક વાત તમારી સૌની સાથે કરવા માગું છું.જ્ઞાનના સંદર્ભોને પણ સમાવી લેતા માહિતીવિસ્ફોટનો આ યુગ છે એ તો આપણે જાણીએ છીએ. અનેક દિશાઓમાંથી પ્રચંડ ગતિથી માહિતી વરસી રહી છે ત્યારે દુનિયાના સાવધ અભ્યાસીઓને લાગ્યું છે કે જો નિયંત્રણ નહિ કરાય તો, કાં તો આ માહિતીનો ઘણો ભાગ એળે જશે, હોવા છતાં એ ન—હોવા—બરાબર થશે ને કાં તો એ દિગ્મૂઢ કરી દેનાર ભારરૂપ બની રહેશે. એટલે, માહિતીને વ્યવસ્થાનું રૂપ આપતી પદ્ધતિઓને યોજતાં આવાં નિયંત્રણો (controls)ને અનેક રીતે આવિષ્કૃત કરવાં પડે છે. આવી બે મહત્ત્વની નિયંત્રક વ્યવસ્થાઓ અત્યારે, વ્યાપક સંશોધનની ભૂમિકાએ વિશ્વભરમાં પ્રવૃત્ત છે : એક છે Bibliographical Control—સંદર્ભ—માહિતીનું વૈજ્ઞાનિક વર્ગીકરણ. આ વર્ગીકરણ અનેકવિધ ચુસ્ત ને સંકુલ પ્રયુક્તિઓથી કરવામાં આવે છે. એનું પ્રાથમિક ને જાણીતું નામ છે સૂચિવિજ્ઞાન. યાદ રહે કે સૂચિ એ સામગ્રી છે અથવા બહુબહુ તો પ્રાથમિક વ્યવસ્થા છે પરંતુ સૂચિવિજ્ઞાન એ પુનર્વ્યવસ્થા છે–અનેક પડવાળી (multifold) વ્યવસ્થાનું શાસ્ત્ર છે. એ કામ પણ એટલું ગંજાવર બનવા માંડ્યું છે કે હવે સૂચિઓની સૂચિ (Bibliography of bibliographies) સુધી જવું પડ્યું છે. જ્ઞાનનો કોઈ સ્રોતસંદર્ભ આપણી જાણબહાર, ને એમ પહોંચબહાર ન રહેવો જોઈએ એ આ સૂચિઓ પાછળનો આશય છે. એટલે કેવળ વિદ્યાજગતમાં જ નહિ, ઔદ્યોગિક-વ્યાપારજગતમાં પણ સૂચિવિદ્યાનો ને નિષ્ણાત વ્યવસાયી સૂચિકારો(Indexers)-નો મહિમા વધ્યો છે. બીજી મહત્ત્વની નિયંત્રક વ્યવસ્થા છે કોશવિદ્યાવિજ્ઞાન. હવે કોશ એ અકારાદિક્રમે ગોઠવેલો શબ્દસંચય માત્ર નથી, એટલે કે નર્યું વૉકેબ્યૂલરી લિસ્ટનથી. હવે શબ્દભંડોળને અને પૂર્વકોશોને એવા સ્થિર રૂપમાં રાખવાને બદલે એને, પરિવર્તન પામતી અર્થછાયાઓ તેમ જ નવા અર્થસંકેતો ઉમેરતી, સતત ચાલતી પ્રક્રિયાનું અંકન (રેકર્ડિંગ) કરનારી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. એક દૃષ્ટાંતથી આ સ્પષ્ટ થશે. યુનિવર્સિટી ઑફ બર્મિંગહામમાં ૧૯૯૧માં Bank of English નામે એક વૃદ્ધિભંડોળ (Corpus)ની શરૂઆત થઈ. એને Electronically ac- cessible archive of English Language કહેવામાં આવે છે. આ સતત વૃદ્ધિ પામતા માહિતીભંડોળ (data bank)માં આજે ૩૨ કરોડ જેટલા શબ્દો કે અર્થસંકેતો છે. પહેલી નજરે તો આ માન્યામાં ન આવે એવો આંકડો છે પણ આ કોઈ નિશ્ચિત કરી દીધેલો કોશ નથી, પણ કોશસામગ્રી બલકે કોશસ્રોત છે. એટલે કે દુનિયાભરના અંગ્રેજી ભાષકો જેજે શબ્દો જેટલાજેટલા અર્થમાં વાપરે છે ને વાપરતા હતા એ બધાનો આ સમુચ્ચય છે અને એ એકસાથે વૃદ્ધિ અને (તરત) વ્યવસ્થા પામે છે. એટલે, ધારો કે આપણે ગુજરાતીમાં આવું કોર્પસ કરવાનું થાય તો જનક, પિતાશ્રી, પિતાજી, પિતા, બાપુજી, બાપા, બાપ, (કેટલીક આદિવાસી પ્રજામાં પિતા માટે વપરાતો) બા, આતા, ડોસા, ડોહા, ફાધર તથા સંબોધન તરીકે વપરાતા ડેડી, પપ્પા, ભાઈ, કાકા એ બધાનો; અને વળી બાપા કે બાપ શબ્દ બીજા જે જે રૂઢ કે વિલક્ષણ અર્થોમાં વપરાતો હોય, સ્લૅગ તરીકે યોજાતો હોય—એટલી ઍન્ટ્રી (અધિકરણ-વિગત) થાય. કેટલાક માત્ર વપરાશમાં હોય ને કેટલાક માત્ર લેખનમાં જ ટક્યા હોય એવા શબ્દોનો પણ એમાં સમાવેશ થાય. જેમકે પતિ-પત્ની માટે, એક તરફ, આર્યપુત્ર અને દેવી, સ્વામી અને સ્વામિની, ભર્તા અને ભાર્યા જેવા અ-વપરાશી તો બીજી બાજુ હુતો અને હુતી; બબલીના બાપા કે મારે ઘેરથી, વગેરે જેવા ભાગ્યે જ લેખન-પ્રવેશ કરતા, એમ પાર વગરના શબ્દાર્થસંદર્ભોની એમાં નોંધ લેવાની થાય. આમ સતત વપરાતા ને એકાદ-બે વાર વપરાઈને લુપ્ત થયેલા, ઓછી-વધારે આવૃત્તિ (ફ્રિક્વન્સી)વાળા, અર્થછાયાઓમાં વિસ્તરતા જતા અસંખ્ય શબ્દોનું ભંડોળ લેખિત સામગ્રીમાંથી, પુસ્તકોમાંથી, માહિતીદાતા શ્રોતાઓ પાસેથી, ઈન્ટરવ્યૂ દ્વારા, સતત સર્વે અને સંશોધન દ્વારા અંકિત થતું જાય છે ને વધતું જાય છે. અંગ્રેજી તો ઇંગ્લેન્ડની તળ ભાષા ઉપરાંત બીજી ભાષા (સેકન્ડ લેંગ્વેજ) તરીકે દુનિયાભરમાં ફરી વળેલી છે એટલે શબ્દોની અર્થછાયામાં, એના તળભાષીનેય અપરિચિત લાગે એ હદે તે વિસ્તરતી ગયેલી છે! (જેમ કે, ગુજરાતીમાં, ફેમિલી શબ્દ પરિવાર માટે જ નહિ, માત્ર પત્ની એવા અર્થમાં વપરાતો મેં સાંભળેલો છે. વળી અંગ્રેજીનો સેટિંગ શબ્દ ગુજરાતીમાં એવા જાતભાતના અર્થોમાં યોજાય છે કે અંગ્રેજી જાણનાર માટે પણ એના અર્થો સંકલિત કરવાનું શક્ય નથી!) એટલે આવાCorporaને જીવંત શબ્દસંકલન કહી શકાય. અલબત્ત, આ કોશ નથી પણ કીમતી કોશસામગ્રી છેબહુબહુ તો એ કોશની પૂર્વવ્યવસ્થા છે. એવો એક દાખલો આપણે ત્યાં ભગવદ્ગોમંડળ કોશનો છે. એમાં પાર વગરના વ્યવહાર-સંકલિત શબ્દો છે પણ એની શાસ્ત્રીય વ્યવસ્થા પાંખી છે. પરંતુ, સંશોધનમાં જેમ નવા સંશોધન જેટલું જ સંશોધન-સામગ્રીનું, રિસર્ચ મટિરિયલનું મહત્ત્વ છે એવું જ આવા કોશ-સામગ્રી-ગ્રંથોનું પણ છે. ભગવદ્ગોમંડળના કોશ જેવું જ એક દૃષ્ટાંત, ૧૮મી સદીમાં ચીનમાં થયેલા એક કોશ Kangxi Zidian છે. રાજા કાંગ્સીએ તૈયાર કરાવેલો, ૪૯૦૦૦ જેટલા શબ્દોનો એ કોશ હતો. કોશવિજ્ઞાનનાં કેટલાંક અદ્યતન વિશિષ્ટ વલણોની વાત કરતાં પહેલાં, કોશવિજ્ઞાનક્ષેત્રે તાજેતરમાં થઈ રહેલી કેટલીક પ્રવૃત્તિઓ અને પ્રકાશનોનો પરિચયાત્મક ખ્યાલ આપું. એની વિગતે ચર્ચાને આ એક વક્તવ્યમાં અવકાશ નથી. ૨૦મી સદીના છેલ્લા બેત્રણ દાયકા આ નવા સંદર્ભવિજ્ઞાનના ઉદય-વિકાસનો કાળ છે. એણે વ્યવહાર અને વ્યવસાયનાં અનેક ક્ષેત્રોમાં પ્રસરેલા માહિતી-વ્યવસ્થાશાસ્ત્ર (ઇન્ફર્મેશન ટેક્નોલોજી)નો પૂરો ઉપયોગ કરી લઈને વિદ્યાના ઇલાકામાં નવા આવિષ્કારો આપ્યા છે. ૨૦૦૮ના જૂનમાં, એટલે હજુ હમણાં જ, ઑક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસે The Oxford Guide to Practical Lexicography નામનું પ્રકાશન કર્યું છે.કોશવિજ્ઞાન શીખવતી યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ માટેનું એ અદ્યતન પાઠ્યપુસ્તક છે. મુદ્રિત કોશરચના ઉપરાંત ઑનલાઈન કોશોની રચના માટેની માર્ગદર્શિકાનું પણ એ કામ આપે છે. એનાથી થોડાક માસ પૂર્વે પ્રકાશિત થયેલું Practical Lexicography: A Reader એ કોશવિજ્ઞાન શીખવતા અધ્યાપકો માટેનો સંદર્ભગ્રંથ છે. એના પરિચયમાં કહેવાયું છે કે, ભાવિ કોશરચના તરફ લઈ જતી સંદર્ભવૃક્ષોની એક વીથિ જેવું ને એની વચ્ચે પસાર થતી એક સુંદર કેડી જેવું આ પ્રકાશન છે. આ જ સમયનું એક બીજું પ્રકાશન વધુ રોમાંચક છે: છેક ૨૦૦૭ના જુલાઈ સુધીનાં પ્રકાશનોની અદ્યતન વિગતોને આવરી લેતું Bibliography of lexicog- raphy કોશવિજ્ઞાનના વિશ્વરૂપ દર્શન જેવું, આપણને આશ્ચર્યથી અ-પલક કરી મૂકે એવું પ્રભાવક કામ છે. અલબત્ત, એ મુખ્યત્વે તો અંગ્રેજી-ફ્રેંચ—જર્મન અને ઓસ્ટ્રેલિયન—રશિયન ભાષાઓમાં થયેલાં પ્રકાશનોની વિગતો સમાવે છે. ૮ વિભાગોમાં વર્ગીકૃત કરેલી આ બૃહત્ સંદર્ભગ્રંથસૂચિમાં, છેલ્લા ચારેક દાયકા દરમિયાન પ્રગટ થયેલા, કેવળ લૅક્સીકોગ્રાફીના જ ૯૦૦ જેટલા ગ્રંથોનો નિર્દેશ છે—એમાં સૈદ્ધાંતિક ગ્રંથો છે ને પાઠ્યગ્રંથો પણ છે. યુરપમાં, પરિસંવાદો અને અધિવેશનોનાં વક્તવ્યોને ગ્રંથરૂપે પ્રગટ કરવાની પરંપરા જાણીતી છે. આવા પરિસંવાદોના સંપાદિત ગ્રંથોની સંખ્યા પણ ૨૦૦ ઉપરાંત છે. એટલું જ નહિ, યુરપ-અમેરિકામાંથી પ્રગટ થતાં માત્ર કોશવિજ્ઞાન અંગેનાં ૨૫ જેટલાં સામયિકોનો પણ એમાં નિર્દેશ છે. (આપણે ત્યાં એક ‘ભાષાવિમર્શ’ આ પ્રકારનું હતું. પણ એ લાંબો સમય ન ચાલ્યું!) આ ગ્રંથો અને સામયિકોમાં, જૂનામાં જૂનું પ્રકાશન પણ ૨૦મી સદીના ૮મા દાયકા પહેલાંનું છે એ બતાવે છે કે છેલ્લાં ૩૫-૪૦ વર્ષોમાં જ કોશવિજ્ઞાનની શાખાપ્રશાખાઓનો વિસ્તાર તેમ જ એની વિશેષજ્ઞતા આટલી ઝડપથી વધ્યાં છે. આ બૃહત્ સૂચિ જેણે તૈયાર કરી એ પ્રો. આર. આર. કે. હાર્ટમન અમેરિકાની યુનિવર્સિટી ઑફ ઍક્ઝિટરના કોશસંશોધન કેન્દ્રના નિયામક છે. એમણે હોંગકોંગની સાયંસ એન્ડ ટૅક્નોલૉજી યુનિવર્સિટીના નિયામક ગ્રેગરી જેમ્સ સાથે મળીને ૧૯૯૮માં એક શકવર્તી પ્રકાશન કરેલું – Dictionary of Lexicography. દુનિયાની કોઈપણ ભાષાના કોશરચનાકારને માટે સદ્ય સંદર્ભ સંપડાવતો આ મૂલ્યવાન ગ્રંથ છે. ગ્રંથના આરંભે, કોશરચનાની બદલાતી વિભાવનાઓ વિશેના તથા રચાયેલા કોશોની ઐતિહાસિક આલોચનાના લેખો છે. અંતે સંદર્ભગ્રંથસૂચિ છે. આ કોશની વિસ્તૃત ભૂમિકામાં, કોશપરંપરાના નિર્દેશો કરતી વખતે, સંસ્કૃતમાં થયેલાં કોશકાર્યોની પણ ખૂબ આદરપૂર્વક નોંધ લેવામાં આવી છે. એમાં લખ્યું છે કે નિઘંટુ વગેરેમાં છંદલયપ્રાસવાળું પદ્યરૂપ છે એ Oral Lexiconની – મૌખિક કોશની—અસરકારક પ્રયુક્તિ નીવડી છે. એટલું જ નહિ, એની સંરચના પણ એમને વિકસિત વિદ્યાકૌશલ રૂપ લાગી છે – ‘It is extremly sophisticated in its structure.’ આટલી પરિચયદર્શી વિગતો પરથી પણ ખ્યાલ આવશે કે કેવા સાતત્યથી ને કેટલી ક્ષમતાથી આ જ્ઞાનસંવર્ધક પ્રવૃત્તિ મોટા પાયા પર ચાલી રહી છે! વેઈન બૂથ એમના The Craft of Researchમાં વ્યાપક સંશોધનપ્રવૃત્તિને ઇન્ડસ્ટ્રી કહે છે એમ, એના તમામ અર્થોમાં આ કોશવિજ્ઞાન પણ એક વિરાટ ઉદ્યોગ છે- વિદ્યાને લક્ષ્ય કરતો એક સાર્થક અને પરિણામકારી ઉદ્યોગ વિદ્યાજગતની નિર્માણશક્તિ કેવી હોઈ શકે એનાં આ દ્યોતક દૃષ્ટાંતો છે. હવે, છેલ્લા થોડાક દાયકાઓમાં વિકસેલી ને પરિવર્તન પામેલી કોશની વિભાવનાનાં ને કોશરચનાનાં આધુનિક વલણો કેવાં છે એનો એક ઝડપી ખ્યાલ મેળવીએ. ૧. વર્ષો સુધીકોશવિદ્યા અને કોશરચનાવિજ્ઞાન ભાષાવિજ્ઞાનની એક શાખા તરીકે અસ્તિત્વ ધરાવતાં હતાં. પણ હવે એક સ્વતંત્ર ક્ષેત્ર તરીકે એની પોતાની ઓળખ ઊપસીરહી છે. માનવવિદ્યાઓ અને સામાજિક વિજ્ઞાનો જેવા વિદ્યાજગતને જ નહિ પણ વેપાર- ઉદ્યોગ જગતના તથા વીજાણુ માધ્યમોના સંક્રમણ-વ્યવહારોને પણ આવરી લેતી એક વ્યવસાયલક્ષી (પ્રૉફેશનલ) પ્રવૃત્તિ તરીકે તેમ જ વિદ્યાલક્ષી (ઍકેડેમિક) પ્રવૃત્તિ તરીકે, એમ બંને દિશામાં આ ક્ષેત્ર વિકસી રહ્યું છે. વિવિધ ડિરેક્ટરીઓની વર્ગીકૃત વિગત-વ્યવસ્થાઓ એટલે કે data processમાં; અનેકસ્તરીય સૂચિઓમાં, ને વેપારલક્ષી વિગત-વિશ્લેષણમાં, સ્પેલચેક સૉફ્ટવૅરમાં ને પુસ્તકોની શબ્દસૂચિ કરી આપતા સોફ્ટવેરમાં - એમ બધે કોશરચના-કૌશલનો વિનિયોગ થવા લાગ્યો છે. કોશકારની વિશેષજ્ઞતા વૈશ્વિક વ્યવહારજગત ને વિદ્યાજગતને મહત્ત્વનું પ્રદાન કરી રહી છે. ૨. કોશમાં વ્યાકરણની ભૂમિકા કેવી ને કેટલી હોય એ વિશે પણ નવી વ્યવસ્થાઓ આકાર લેતી રહી છે. ૧૯મી સદીના પાંડિત્યલક્ષી (Scholarly)કોશોમાં વ્યાકરણ ઘણે સ્તરે યોજાતું હતું. પણ હવે વ્યુત્પત્તિને બદલે શબ્દના અધુનાતન અર્થસંકેતનો, એ પ્રકારની બદલાયેલી ઉપયોગિતાનો મુદ્દો કેન્દ્રમાં આવ્યો હોવાથી અનિવાર્ય હોય એટલા જ વ્યાકરણી નિર્દેશોનું વલણ જાગ્યું છે. કોશવિજ્ઞાનના એક સંશોધકે લખ્યું છે કે વ્યાકરણ તરફ સર્વસામાન્ય અંગ્રેજી વાચક/કોશવપરાશકારનું વલણ કંઈક હૉસ્ટાઈલ—ભારે અણગમો કે તીવ્ર પ્રતિક્રિયા દાખવનારું હોય છે એટલે અર્થના સ્તરો અને અધ્યાસો પર જ એનું ધ્યાન કેન્દ્રિત થાય એ સારું. વળી મેડિસિન, એન્જિનિયરિંગ જેવા ટેક્નિકલ વિષયના કોશોમાં તો વિભાવનાની ચોકસાઈ પ્રાધાન્ય ભોગવતી થઈ, એથી વ્યાકરણી નિર્દેશો કંઈક અપ્રસ્તુત બની રહ્યા. ૩.મુદ્રિત કોશોની સમાંતરે ને એના વિકલ્પે કમ્પ્યુટરાઈઝ્ડ કોશોની શક્યતા ખુલ્લી થવાથી એની રચનાપદ્ધતિ ને એનાં વ્યવહારુ વલણો બદલાયાં. એ તો બરાબર. પરંતુ કૉમ્પ્યુટર ડેટાબેઝને લીધે બીજી એક વિલક્ષણ સ્થિતિ પેદા થઈ છે એ જોવા જેવી છે. કમ્પ્યુટરની પરિભાષા જ નહિ; એના પરસ્પર-સંક્રમણ માટે, ઈ-મેઈલ્સ, આદિમાં વપરાતી ભાષામાં જે પરિવર્તનો થયાં એ ક્યારેક કેવળ ઈલેક્ટ્રોનિક લિપિમાં જ સીમિત રહ્યાં. વ્યવહારમાં એવા કેટલાક શબ્દોનો વપરાશ બહુ જ ઓછા પ્રમાણમાં અસ્તિત્વમાં આવી શક્યો. પેલા વૃદ્ધિભંડોળ (કોર્પોરા)માં કૉમ્પ્યુટર સંક્રમણના એવા દસેક લાખ શબ્દો છે જેના પ ટકાથી વધુ શબ્દો બોલાતી ભાષાના વપરાશમાં નથી. આપણી SMSની ભાષામાં પણ આવા લિપિ-સીમિત અર્થ—સંકેતો કેવા ને કેટલા વિકસ્યા છે! મહત્ત્વની વાત એટલી જ કે નવો કોશવિદ તો આવાં રૂપોને પણ ભંડોળરૂપે સાચવીને વ્યવસ્થાતંત્રમાં ઢાળવાનો. ૪. આધુનિક કોશવિજ્ઞાનનું સૌથી વધુ મહત્ત્વનું વલણ તે એની વર્ણનપરકતા છે. પ્રશ્ન એ ઊપસતો રહ્યો નવા કોશવિજ્ઞાન સામે, કે, કોશ આદેશલક્ષી એટલે કે પ્રિસ્ક્રિપ્ટીવ હોય કે વર્ણનલક્ષી એટલે કે ડિસ્ક્રીપ્ટીવ? પશ્ચિમના, ૧૮મી-૧૯મી સદી સુધીના કોશ અને આપણા સંસ્કૃતના કોશ એક અર્થમાં ભાષાની નિયંત્રક રખવાળી કરનારા હતા— કયું શબ્દરૂપ, કયા વ્યાકરણનિયમો, કયા અર્થસંદર્ભો સ્વીકાર્ય બલકે સાચા ગણાય એનો આગ્રહ વ્યક્ત કરનારા, એટલે કે આદેશલક્ષી હતા—સાચા—સ્વીકૃત—અધિકૃત શબ્દાર્થ જ કોશમાં હોય કે જે કોશમાં હોય તે જ શબ્દો અધિકૃત—એવો પાંડિત્યલક્ષી વૈયાકરણી અભિગમ હતો. (અને એટલે જ તો કોશવિદ્યા ભાષાશાસ્ત્રને આશરે હતી.) મજાની વાત તો એ કે, પ્રાચીન સમયમાં જ નહીં, ૧૯મીના અંત સુધી કોશ—વપરાશકારો પણ ‘યોગ્ય’ શબ્દાર્થ માટે આ વૈયાકરણી કોશવિદોનું માર્ગદર્શન ઇચ્છતા રહ્યા! ૨૦મી સદીના આરંભે વર્ણનાત્મક ભાષાવિજ્ઞાને ભાષા અંગેની વિભાવના બદલી નાખી. પણ, એ પછીય પ્રિસ્ક્રિપ્ટીવ કોશ તો રચાતા જ હતા! એનું એક મોટું દૃષ્ટાંત ઈ. ૧૯૧૧માં પ્રકાશિત Concise Oxford Dictionary [COD] છે. પરંતુ એ પછી ઝડપથી વર્ણનાત્મક કોશની વિભાવના આકાર લેતી ગઈ. CODની પછીની આવૃત્તિઓ ઉત્તરોત્તર ઓછી આદેશ—આગ્રહોવાળી ને વધુ વર્ણનપરક થતી ગઈ. ૧૯૯૯માં થયેલી એની ૧૦મી આવૃત્તિમાં એની સંપૂર્ણ કાયાપલટ થઈ—એ પૂરેપૂરી વર્ણનાત્મક બની! જેની પહેલી આવૃત્તિ ઉકેલવી ક્યાંક દુષ્કર થઈ પડે એવી સઘન અને ચુસ્ત હતી એ જ CODની આ ૧૦મી આવૃત્તિ વપરાશકાર માટે સુગમ ને સરળ, ‘user friendly’ બની ગઈ. એનાં પેજ-ડિઝાઈન અને મુદ્રણસજ્જા પણ આકર્ષક થયાં એ કેવળ મુદ્રણવિદ્યાના વિકાસનું જ પરિણામ ન હતું, કોશકારની દૃષ્ટિ જ હવે સમૂળગી બદલાઈ ગઈ હતી. આદેશપરક કોશોમાં માન્ય ભાષાના પૂર્વપરંપરા—સ્વીકૃત અને સામ્પ્રત વ્યવહારના, પણ ઘણુંખરું લેખન પ્રચલિત શબ્દાર્થો નોંધાયેલા હોય—એના વ્યાકરણસંમત રૂપ સાથે. જ્યારે હવે વર્ણનપરક કોશોમાં વ્યાપક વ્યવહારમાં, ‘બોલાતી’ ભાષામાં જે જે શબ્દો ને એની વિવિધ અર્થછાયાઓ ઓછાવત્તા પ્રમાણમાં પણ પ્રચલિત હોય એની નોંધ લેવાય છે. વ્યવહારમાં વહેતી જીવંત ભાષાના બધા જ આયામોની એમાં નોંધ લેવાવી જોઈએ—એવું સર્વાશ્લેષી વલણ વિકસતું રહ્યું છે. કોશની સાચી આર્કાઈવલ મૂલ્યવત્તા તો જ ઊભી થાય જો કોશ જૂના શબ્દાર્થો, વપરાશની બહાર નીકળી ગયેલા (કાળગ્રસ્ત ગણાયેલા) શબ્દો અને અર્થની છાયાઓ બદલતા શબ્દોની સાથેસાથે જ નવા સરજાતા / સંયોજિત થતા શબ્દોને પણ સમાવે; પ્રચલિત થયેલાની સાથે જ પ્રચલિત થયે જતા, શિષ્ટ કહેવાતા સમાજમાં વપરાતા શબ્દોની સાથે જ નાનાં જૂથોમાં વિલક્ષણ અર્થોમાં વપરાતા શબ્દોને પણ સમાવે, શું હોવું જોઈએએવી બદ્ધતા નહિ પણ શું શું છે એ, અને એ ક્યાં ક્યાં છે, કયા સ્વરૂપે છે એ બતાવવું. એવી સમગ્રતા આ વર્ણનાત્મકતાનું લક્ષ્ય છે. નવા કોશવિદો ને કોશકારો આદેશપરકતાને, બોલાતી ભાષાની સહજતાને વિપરિત કરનાર Language fixing તરીકે ઓળખાવે છે. આવી અતિનિબદ્ધતા એમને જોહુકમી જેવી લાગે છે. એક કોશવિદ કહે છે કે, આ તો આપણે દુનિયાનો ભૌગોલિક નકશો કેવો હોવો જોઈએ એ નક્કી કરવા બેઠા હોઈએ જાણે! નકશો કરનાર ધારો કે નદીઓની રેખાઓ બદલી નાખે, પર્વતોને નવે સ્થાને મૂકી આપે ને થોડાંક તળાવડાં ઉમેરી આપે તો? એટલે નકશો કેવો હોવો જોઈએ એ ખ્યાલ જેટલો બેહૂદો છે એટલો જ બેહૂદો ખ્યાલ આદેશલક્ષી કોશનો છે. આ નવા ખ્યાલે કેટલાક લાક્ષણિક કોશપ્રકારોને જન્મ આપ્યો. જેમકે ઉપશિષ્ટ અને નિષિદ્ધ શબ્દોના કોશ (Slang Dictionaries); અર્થ માટે શબ્દની શોધને મદદરૂપ બનતા, લેખનસહાયક, અને પોતાની ભાષામાંથી અન્ય ભાષામાં અનુવાદ કરવા માટે મદદરૂપ બની શકતા કોશ - Active Dictionaries. (એમાં થિસોરસ ડિક્શનરીનો સમાવેશ થાય); તેમ જ શબ્દથી અર્થ તરફ જતા, વાચનસહાયક બનતા, અન્ય ભાષામાંથી પોતાની ભાષામાં અનુવાદ માટે મદદરૂપ બનતા કોશ - Passive Dictionaries; તથા સ્મૃતિને સંકોરતા, ચિત્તસ્થ શબ્દભંડોળ—રચનાને સહાયક બનનારા કોશ—Dictio- nary of words in mind વગેરે. (આપણે ત્યાં, ઊર્મિ ઘનશ્યામ દેસાઈએ આવો એક સ્મૃતિસંચિત શબ્દકોશ તૈયાર કરેલો છે.) ટૂંકમાં, પદ્ધતિમાં ચુસ્તી અને ચોકસાઈ, પણ સામગ્રીસંકલનમાં સર્વગ્રાહીપણું એ આજની કોશરચનાવિદ્યાની મુખ્ય તાસીર છે. Dictionary of Lexography જેવો, કોશરચનાની પરિભાષા વર્ણવતો કોશ પણ, રૂઢ થયેલા પરિભાષાસંકેતોની સાથે સાથે અનૌપચારિક સંકેતોનો નિર્દેશ પણ કરે છે. જેમ કે, બૃહત્ કોશો પરથી સંક્ષેપ-સંપાદન કરીને તૈયાર થાય છે એ Abridged Dictionary (લઘુકોશ?) માટે Cut down [ગુટકો?] શબ્દસંજ્ઞા પ્રચલિત થયેલી છે. તો એને પણ આ પરિભાષાકોશ એક પ્રતિનિર્દેશ તરીકે નોંધે છે. ભાષાવપરાશની બધી જ ખાસિયતો ને વૈકલ્પિકતાઓને સ્વીકારતું સર્વસમાવેશી વલણ તથા પદ્ધતિશાસ્ત્ર અંગેની ચુસ્તી આ કોશોની પરિઘ તરફથી કેન્દ્ર તરફ જતી ગતિને નિર્દેશે છે. શબ્દકોશોનું, મુખ્યત્વે જેને Lexicon કહે છે તેનું આ એક જગત છે. બીજા બે મોટા પ્રકારખંડોની વિકાસગતિ પણ એવી જ રોમાંચક અને શક્તિમંત છે. આપણી ભાષામાં તો એક વ્યાપક અને સર્વદર્શી સંશોધન થઈ છે—કોશ. અંગ્રેજીમાં શબ્દથી અર્થ તરફ લઈ જતા શબ્દકોશો Lexicon કે Dictionary નામે ઓળખાય છે; તો, અર્થનાકેન્દ્રથી શબ્દો તરફ, શબ્દપર્યાયો તરફ જ લઈ જતા શબ્દાર્થસંદર્ભ કોશો. Thesaurus તરીકે ઓળખાય છે. ત્રીજો પ્રકારખંડ છે Encyclopaedia – જે શબ્દથી વિગત તરફ લઈ જાય છે, સંજ્ઞાથી માહિતી અને વિશેષ જ્ઞાન તરફ દોરી જાય છે. આ બે પ્રકારખંડોની વાત સ્વતંત્ર ચર્ચા માગી લેનારી છે એટલે અહીં તો એનો નિર્દેશમાત્ર. આપણે ત્યાં પણ કોશો અને કોશપ્રવૃત્તિની ચર્ચા આજસુધીમાં ઠીકઠીક પ્રમાણમાં થઈ છે એટલે એ ચર્ચામાં ઝાઝું ઊતરતો નથી, માત્ર એકબે મહત્ત્વના ઉલ્લેખો કરવા આવશ્યક સમજું છું. ૧૯૭૫માં ભારતમાં ‘Lex Society of India’ની સ્થાપના થઈ. એણે કોશરચના અંગે થોડુંક મહત્ત્વનું કામ કર્યું છે. મૈસૂરસ્થિત Central Institute of Indian Langauge (CIIL) તરફથી ૧૯૮૨માંAn Introduction to Lexicogra- phy નામનું એક મહત્ત્વનું પ્રકાશન થયેલું એ કોશવિદ્યા અને કોશરચનાનાં મૂળભૂત ઘટકોને વિશદ રૂપે મૂકી આપતી એક સારી હાથપોથી છે. એમાં, ભારતીય ભાષાઓમાં થયેલા ૨૦૦ કોશોની એક ભાષાવાર સૂચિ—Bibliography છે. એ સૂચિમાંની ગુજરાતી કોશોની યાદીમાં એક મહત્ત્વના કોશનો નિર્દેશ નથી. એ છે ઈ. ૧૮૯૫માં બેલસરેએ કરેલો An Etymological Gujarati-English Dictionary. શબ્દના અર્થોને વ્યાખ્યા, સમજૂતી તથા ગુજરાતી ગદ્ય-પદ્ય સાહિત્યમાંથી લીધેલાં દૃષ્ટાંતોથી રજૂ કરતો એ એક બહુ જ મહત્ત્વનો કોશ હતો. ઉપશિષ્ટ જ નહિ, કેટલાક નિષિદ્ધ ગણાયેલા શબ્દો પણ એમાં સમાવિષ્ટ હતા. એ પછી એની એકાદ આવૃત્તિ થયેલી પણ પછી એ કોશ દુર્લભ થઈ ગયેલો એટલે એ જ કોશને આધારે ભાનુસુખરામ મહેતા અને ભરતરામ મહેતાએ, ૧૯૨૫માં, બે ખંડમાં, The Modern Gujarati-English Dictionary – ગુજરાતી અંગ્રેજી ડિક્શનરી તૈયાર કરેલી એનાથી આપણે પરિચિત છીએ. અગાઉ આપણે જોયું કે, ઈ. ૧૯૧૧માં The Concise Oxford Dictionary થયેલી એ આદેશપરક (પ્રિસ્ક્રીપ્ટીવ) હતી પણ પછી આવૃત્તિએ આવૃત્તિએ એ શોધનવર્ધન, ખરું નવસંસ્કરણ પામતી ગયેલી ને ૧૯૯૮માં તો એ નવા અભિગમોનો વિનિયોગ કરતા વર્ણનપરક કોશ રૂપે રૂપાન્તર પામેલી. એની સરખામણીએ, ૧૯૨૯માં પહેલી વાર તૈયાર થયેલો સાર્થ ગુજરાતી જોડણીકોશ ૧૯૫૭ની આવૃત્તિ પછી લગભગ એના એ જ રૂપે પુનર્મુદ્રણ પામતો રહ્યો ને છેક ૨૦૦૫માં પણ, એક વધારાની અલગ પુરવણી સાથે (અને ૨૦૦૬માં એ પુરવણી સમાવીને) લગભગ પુનર્મુદ્રણ જ પામતો ગયો! આ બે ઘટનાઓ સરખાવીએ તો આપણે ક્યાં છીએ એનો ખ્યાલ તો આવે જ છે પણ એ સાથે જ, વિધાયક રીતે કહીએ તો, હજુ આપણા માટે શું શું કરવાના રસ્તા ખુલ્લા છે એનો ખ્યાલ પણ આવે છે. એટલે, કૌશવિજ્ઞાનની અદ્યતન સમયની પ્રવૃત્તિનું આ એક વ્યાપક ચિત્ર રજૂ કરવા પાછળનો એક આશય તો એ જ છે કે, એ જો ચાનક ચડાવી શકે તો, ગુજરાતીના, અધ્યાપકો સામે કેવી કેવી વિદ્યાપ્રવૃત્તિઓ રાહ જોતી બેઠી છે એ તરફ આપણે સૌ ખેંચાઈએ આખી દુનિયામાં, મોટે ભાગે તો અધ્યાપકો જ આવાં વિવિધક્ષેત્રીય સંશોધનકાર્યો કરે છે. અલબત્ત, એની અલાયદી સંસ્થાઓ છે ખરી — યુરોપમાંની Burolex કે ઓસ્ટ્રેલિયાની Auotrolex જેવી. પણ મુખ્ય અને મહત્ત્વનાં કેન્દ્રો તો યુનિવર્સિટીઓ છે. સ્વતંત્ર કૌશવિજ્ઞાન- રસંસ્થાઓ પણ મૂળે તો અગ્રણી કૌશકાર અધ્યાપકોએ જ સ્થાપેલી ને વિકસાવેલી છે. યુનિવર્સિટીઓ ખૂબ મોટે પાયે કોવિજ્ઞાનની તાલીમ આપતાં ને સતત નવાં સંશોધનો કરતાં થાનકો કે થાણાં છે. દુનિયા જ્યારે આવી ધોધમાર સંશોધનપ્રવૃત્તિથી પ્લાવિત હોય ત્યારે આપણે સાવ કોરા, કેવળ અલિપ્ત થઈને કેમ બેસી રહી શકીએ? કેમકે વિદ્યા-પરિશ્રમ કદી થકવે એવો હોતો નથી—બલકે રોમાંચક હોય છે. ગાંધીજીએ કોશિયાને છેલ્લામાં છેલ્લો માણસ ગણીને, એના સુધી સાહિત્યનો અર્થ પહોંચાડવા આપણા સારસ્વતોને વિનંતી કરેલી. પણ ગાંધીજી કેવળ આવાં સૂચન—સલાહ આપીને બેસી નહોતા રહ્યા. લેખનની એકવાક્યતાની જરૂર ઊભી થઈ ત્યારે એમણે સાર્થ ગુજરાતી જોડણીકોશ તૈયાર કરાવવા માટેની પ્રેરકતા પણ દાખવી. તો હવે આપણામાંના કેટલાક પણ જો આધુનિક કૌશિયારૂપે વિદ્યા—શ્રમ કેન્દ્રિત થઈએ તો એ વાત આગળ વધે. સામગ્રીસંચયના ને એને રચનામાં ઢાળતા પદ્ધતિવિજ્ઞાનનાં એટલાં બધાં ક્ષેત્રો આપણી સામે છે કે આપણે શું કરવું એની રાહ જોવી પડે એમ નથી. આપણે વિદ્યાવ્યાસંગ ચાલુ રાખીએ કે ન રાખીએ, વધારીએ કે ન વધારીએ, સમાજ તો આપણો વિત્તકોશ વધારતો જ જાય છે! તો એ સમાજ તરફ પણ આપણું કર્તવ્ય છે. વ્યાપક સમાજને નહિ તો આપણા વિદ્યાસમાજને-આપણો વિદ્યાસમાજ એટલે સાથી અધ્યાપકમિત્રો, અને ખાસ તો,આપણા વિદ્યાર્થીઓ–એમને માટે આપણે કશુંક પ્રદાન નોંધાવવું જોઈએ. એ પ્રદાન નોંધાતું જાય ને આપણું અધીત સાચે જ તેજસ્વી થતું જાય, આપણા ચહેરા એ શ્રમથી ચમકતા ને તાજગીવાળા રહે એવો અભિલાષ વ્યક્ત કરીને, સૌનો આભાર માનીને, મારી વાત પૂરી કરું છું.
સંદર્ભગ્રંથો (આ લેખમાં ઉલ્લેખ પામેલા સંદર્ભગ્રંથોની યાદી અહીં પ્રકાશનવર્ષને અનુક્રમે મૂકી છે – છેલ્લા (latest) પ્રકાશનથી આરંભીને પૂર્વપ્રકાશની તરફના ક્રમે. The Concise English Dictionaryનો ઉલ્લેખ બે વાર સકારણ કરેલો છે. લેખમાં એના સંકેત છે, વર્ષનિર્દેશ પછી ગ્રંથનામના ક્રમે જ ગ્રંથોની નોંધ, લેખ વાંચનારને શોધવામાં સરળતાકોશરચના-વિજ્ઞાનની નવી દિશાઓ: કેટલાક સંકેતોરહે એ આશયથી કરી છે. આમાંના કેટલાક ગ્રંથોની જાણકારી આપવા માટે તેમ જ કેટલાક ગ્રંથો મોકલવા માટે મિત્ર બાબુ સુથાર (ફિલાડેલ્ફીઆ)નો આભારી છું. - ૨.)
2008: The Oxford Guide to Practical Lexicography, Atkins and Rundell, June 2008
2008: Practical Lexicography: A Reader, Theirry Fontenelle, Oxford, jan. 2008
2007: Bibliography of Lexicography, RRK Hartmann, 2007
1998. Dictionary of Lexicography, RRK Hartmann and Gregory James, Routledge, London and New Youk, 1998, e-library publication, Taylor and Francis, 2002.
1998: The Concise English Dictionary, Oxford Uni. Press, 10th Edi -tion (Descriptive). 1998
1995: The Craft of Research, Wayne Booath, G. Colomb and J. Will - iams, Chicago Uni., 1995; 2nd revised Ed. 2003
1987: Words in the mind: An Introduction to mental Lexicon, Jean Alfchison, Oxford B. Blackwell, 1987, 2nd print 2003.
1982: An Introduction to Lexicography, R. A. Singh, CILL, Mysore, 1982.
૧૯૪૪ : ભગવદ્ગોમંડળ કોશ ખંડ - ૧, ગોંડલ, ૧૯૪૪, ખંડ-૯, ૧૯૫૫.
૧૯૨૯ : જોડણીકોશ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ, ૧૯૨૯; સાર્થ ગુજરાતી જોડણીકોશ, અમદાવાદ, ૧૯૩૨. સુધારેલી પાંચમી આવૃત્તિ ૧૯૫૭; પુરવણી ૨૦૦૫, પુરવણી સમાવતી આવૃત્તિ, ૨૦૦૬.
1925: The Modern Gujarati-English Dictionary, Vol. 1&2, Bhanusukhram N. Mehta & Bharatram B. Mehta, 1925; 2nd Edition, Gandhinagar, Director of Languages, 1989.
1911: The Concise English Dictionary, Oxford Uni. press, 1st Edition (Prescriptive) 1911.
1895: An etymological Gujarati-English Dictionary, M. B. Belsare, Ahmedabad, 1895. Reprint 1904.
* ‘ગુજરાતીનો અધ્યાપક સંઘ’ના ભુજ-અધિવેશન (૨૦૦૯)માં કરેલું અધ્યક્ષીય વક્તવ્ય.
* અધીતઃ ૩૨ તથા અધીતઃ પ્રમુખીય પ્રવચનો-૩, સંપા. અજય રાવલ અને અન્ય, ૨૦૧૦માં પ્રકાશિત.
‘ગિરિધરો અને પિચ્છધરોની વચ્ચે’ પૃ. ૯૫ થી ૧૦૫