સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક/મારી વાર્તાનું ઘડતર

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૫. મારી વાર્તાનું ઘડતર

પોતાનાથી જે કાંઈ લખાયું હોય તે કેવી રીતે લખાયું તે શોધવું જાણવું કહેવું એ માનસશાસ્ત્ર કે મનોવિશ્લેષણનો વિષય છે. આ શાસ્ત્રની મને જિજ્ઞાસા છે, તે સંબંધી મેં યથાશક્તિ કંઈક કંઈક વાંચેલું છે, પણ તેનો અભ્યાસી હું મને ગણી શકતો નથી, એટલે અહીં મારે વિશે જે કાંઈ કહું છું તે કોઈ તદ્વિદનું નિરૂપણ નથી, પણ પોતાનો અનુભવ સમજવાનો એક સાધારણ માણસે કરેલો પ્રયત્ન છે. બધી વાર્તાનો ઉદ્‌ભવ, હું હમણાં દાખલાથી સ્પષ્ટ કરીશ તેમ, એક જ રીતે થાય છે એમ નથી. તેમાં કંઈક કંઈક ફરક હોય છે, જોકે મૂળ પ્રવર્તકબળનું સ્વરૂપ એકનું એક જ હોય છે. એ મૂળ પ્રવર્તકબળ એક પ્રકારની લાગણી કે રહસ્ય હોય છે. કોઈ વાર એવું બને છે કે અમુક વસ્તુ સમજવા સાથે તે વસ્તુ વિશે લાગણી થાય છે. આ વસ્તુ સાથે મારે અંગત સંબંધ હોય એવું અવશ્ય હોતું નથી, છતાં તે લાગણી અતિ પ્રબળ હોય છે. વસ્તુ જાણે જીવનના મર્મને સ્પર્શે છે, જીવનના મધ્યબિન્દુ સુધી જાય છે, અને તેથી સમગ્ર જીવન તે વસ્તુ વિશે લાગણી ધરાવે છે – સમસ્ત જીવન લાગણીમય બને છે. જીવનનો એ અમુક વસ્તુ તરફનો લાગણીમય – ભાવાત્મક સંબંધ એને જ હું રહસ્ય કહું છું. એ રહસ્ય જ વાર્તાનું સૂક્ષ્મ બીજ બને છે. એવા બીજ વિના મારા મનમાં વાર્તાનિર્માણનો વ્યાપાર શરૂ જ થઈ શકતો નથી. લાગણી થયા પછીની વાર્તા બનવાની ક્રિયાને હું એક દૃષ્ટિએ ઘનીકરણવ્યાપાર કહી શકું. લાગણી થાય છે ત્યારે તે સૂક્ષ્મ હોય છે. તે પછી, હકીકત પાત્રો વૃત્તાન્ત ચિત્રો બનાવ ચિંતન સંવાદ વગેરેથી તે ઘન બને છે. મૂળ લાગણીના આઘાતથી જાણે કે તેનું અધિષ્ઠાનભૂત હૃદય સમસ્ત અનુભવમાં અને સર્વ માનસિક શક્તિતંત્રમાં ચારે બાજુ ફરવા માંડે છે, અને તેથી જાણે અનુભવમાંથી એ રહસ્યને અનુકૂળ હકીકત વગેરેનાં રજકણો એ રહસ્યપિંડને ચોંટવા માંડે છે. અને એ રીતે એ મૂળ નેબ્યુલસ (વાયુરૂપ) લાગણીપિંડ હકીકતથી ઘન બનતો જાય છે, તેની સાથે સાથે જ સર્વ માનસિક શક્તિઓ એ જ સંચલનથી સચેત થઈ નવી નવી હકીકત ઘડીને પેલા પિંડમાં ઉમેરતી જાય છે. આ વ્યાપારમાં અનુભવ પણ, પેલા પિંડમાં પ્રવેશ કરતાં, એ મૂળ રહસ્યને અનુકૂળ થઈને જ પ્રવેશ કરે છે. આ ઘનીકરણવ્યાપાર મૂળ લાગણી પછી તરત જ થવા માંડે કે તે પછી અમુક સમયે થાય. એ વ્યાપાર કંઈક અંશે પોતાને અજ્ઞાત રીતે કામ કરતો જણાયો છે. એમાં હકીકત પુરાવા માંડે તે પછી જ એનું ભાન થાય છે. હકીકત ભેગી થાય, તેમ તેમ જ તે મનની ગોચર ભૂમિકા ઉપર આવે છે, પણ ત્યારે પણ એ વ્યાપાર સ્વયંભૂ જ હોય છે. તેમાં બુદ્ધિ પણ કામ કરે છે એ ખરું પણ એ વ્યાપાર ઇચ્છાને આધીન નથી, બુદ્ધિ પણ તેમાં પેલા રહસ્યને વશ રહીને, રહસ્યની લાગણીના જ ચેતનથી પ્રવર્તે છે. આ વ્યાપારથી જ્યારે રહસ્યપિંડ ઘનીભૂત થઈને સાકાર થાય અને તેનો આકાર મને પસંદ પડે, ત્યારે હું લખવા બેસું છું. એમ થતાં, કોઈ વાર મૂળ લાગણીના આઘાત અને લખવાના પ્રારંભની વચ્ચે, મહિનાઓ નીકળી ગયા હોય છે. એ આકાર મને પસંદ ન પડે તો હું લખતો જ નથી, પણ એ આકાર પણ અસ્પષ્ટ જ હોય છે. સાચો આકાર તો લખવા માંડ્યા પછી જ ઘડાવા માંડે છે. એ લખાતા હું મૂળની લાગણી ઘણા જ તીવ્ર આવેગમાં અનુભવું છું. લાગણીનો એ આવિર્ભાવ દેખાઈ જાય તેનો મને હંમેશાં સંકોચ રહે છે, અને તેથી વાર્તાના માર્મિક ભાગો એકાન્તમાં લખવા હું પસંદ કરું છું. ઘણી વાર, આ લાગણીનો મને થાક પણ લાગે છે, જોકે તે સાથે તેમાં એક પ્રકારના સાર્થક્યનો આનંદ પણ મળે છે. ઘણી વાર તે લખાતું હોય તે દિવસોમાં તે લાગણી આખું મન રોકી લે છે. હરતાં-ફરતાં પણ, મનની સર્વ દોરીઓ તંગ થઈ તે તરફ ખેંચાયેલી રહે છે. આનો અર્થ એવો નથી કે હું બીજાં કામો કરી જ નથી શકતો. પણ કામ કરી રહ્યા પછી મન પાછું ત્યાં જ જઈને ભમવા માંડે છે. પણ તેમાં કશી વિલક્ષણતા નથી. કોઈ મહત્ત્વનો નિબંધ લખતાં પણ મારું મન એવું જ તંગ રહે છે. થોડા દાખલાથી આ સ્ફુટ કરવા પ્રયત્ન કરું. એક વાર કોઈ માણસે મને વાત કરી કે અમુક વિદ્યાર્થી ઘેર જઈને માબાપને પજવે છે. એ સાંભળીને મને દુઃખ થયું. તે પછી એ રહસ્યની આસપાસ વસ્તુઓ વીંટાવા માંડી અને તેમાંથી ‘મુકુન્દરાય’ની વાર્તા લખાઈ. એક નવાઈની વાત છે કે જે વિદ્યાર્થી વિશે મેં એ સાંભળેલું તેણે જ મને વાર્તા પ્રસિદ્ધ થયા પછી, એક વાર કહ્યું કે પોતે મુકુન્દરાયની પેઠે જ ઘરમાં વર્તતો હતો. એ પછી તો મને બીજા પણ કેટલાક વિદ્યાર્થીઓએ આવી કલૂબાત આપી છે. પણ તે તો સહેજ કહું છું. થોડા સમય પર લખાયેલી ‘સૌભાગ્યવતી’ પણ આવી જ રીતે લખાયેલી છે. શ્રીમતી શારદાબહેને મને એક વાર્તા બતાવી. તેના રહસ્ય ઉપર અમે ચર્ચા કરી. એ રહસ્ય સંબંધી તેમણે મને કહ્યું કે ગામડામાં કણબણોએ તેમના જીવનની આ કરુણ કહાણી પોતાને ખાનગીમાં કહેલ છે. તેમણે ખાસ કોઈ દાખલો આપ્યો ન હતો, પણ મને એ વાતની અસર થઈ અને તેથી મારા મનમાં ‘સૌભાગ્યવતી’ ઘડાઈ. શારદાબહેને ગયા ગુણસુંદરીના અંકમાં એ અસલ લખેલી વાર્તા પ્રસિદ્ધ કરી છે તે સહેજ જણાવું છું. એક દંપતી વિશે જોયું કે સ્ત્રી પુરુષને ચાહતી હતી, છતાં તેના પર શંકાઓ કરી પુરુષનું જીવન ઝેર કરતી હતી, અને છેવટે પુરુષના મરણનું કારણ પણ તે જ બની. એ જોતાં જે લાગણી થઈ તેમાંથી ‘દેવી કે રાક્ષસી’ નાટિકા લખાઈ.[1] ઉપર દાખલા આપેલી વાર્તામાં, વસ્તુ, લાગણીને આઘાત, રહસ્ય અને ઘનીકરણ એ આખો ક્રમ મને જ્ઞાત છે. પણ ઘણી વાર્તામાં એવો ક્રમ હું પોતે શોધી શકતો નથી. મેં આગળ કહ્યું તેમ, રહસ્યના સંચલનનો વ્યાપાર, અગોચર પ્રદેશમાં ચાલે છે. ખરી રીતે એ રહસ્ય પણ અત્યન્ત અસ્પષ્ટ હોય છે. એ, વાર્તામાં ઘનીભૂત થયા પછી જ સ્પષ્ટ બને છે. ઘણી વાર્તામાં, ઘનીકરણવ્યાપારમાં પકડાયેલાં ચિત્રો, હકીકતો, વાક્યો ક્યાંથી આવ્યાં, અમુક ચિત્રોનો મૂળ અનુભવ કેવો હતો, એટલું જ હું જાણું છું; રહસ્ય ક્યારે બંધાયું, રહસ્યનો મૂળ અનુભવ શો હતો તે જાણતો નથી. કોદરની વાતના મૂળમાં રહેલી એક હકીકત કહું. હું ઘણો નાનો હતો, અને મારા પિતાશ્રીની જેતપુર બદલી થઈ ત્યારે નિશાળમાં એક ઘરડો પટાવાળો હતો. એ કામ કરતો નહિ એટલું જ નહિ પણ જુઠ્ઠો બેદરકાર અને ઉદ્ધત હતો. એને કાઢી મૂકવાની સૂચના થતાં મારા પિતાશ્રીએ કહ્યું : ‘પણ ક્યાંક નોકરી ગયા પછી તે મરી જશે તો?’ આવી લાગણી છતાં, એને છેવટ કાઢી તો મૂકવો જ પડેલો. જોકે એ તરત જ મરી ગયો નહોતો. મારી વાર્તામાં કોદર વિશે આટલી વાત આવે છે, પણ એ કોદર મૂળનો પટાવાળો નથી, તેમ મુખ્ય પાત્ર પણ નથી, અને વાર્તાનું રહસ્ય જુદું જ છે. અમદાવાદમાં હું રહેતો હતો તેની બાજુમાં એક જાજરૂના પગથિયા ઉપર એક ભંગીજોડું હમેશ બેસી વાતો કરતું એ દૃશ્ય મનમાં છપાઈ ગયું, અને તે પછી તેમાં જુદું જ રહસ્ય બીજભૂત થઈ વાર્તા ઘડાઈ; ધનિયો બીડી સળગાવતાં, ખેમી પવન ખાળવા લાજનો છેડો લંબાવે છે, એને મળતું દૃશ્ય નાનપણમાં મેં કાઠિયાવાડની ટ્રેનમાં એક વાર જોયેલું. એક વાર એક ગામમાં, એક બાળવિધવાએ નાનપણથી મોટો કરેલો જુવાન દીકરો તેને મૂકી મરી ગયો એ સાંભળ્યું, અને પછી આપણી ઘરડી ડોસીઓનાં જીવન સંબંધી વિચારો થતાં, ઘરડાં માણસોને પ્રેમ-વિનિમયનું પાત્ર મળતું નથી તેથી તેમનું જીવન વિકૃત થઈ જાય છે એ કરુણતા સમજાતાં, ‘નવો જન્મ’ લખાઈ. ‘હૃદયપલટા’માં અબ્દુલ ઘાંચી છે તેનું સૂચન એવી રીતે મળેલું કે ઘણાં વરસો ઉપર શિહોરને સ્ટેશને, લોકોની વાતમાં સાંભળેલું કે ત્યાં એક ઘાંચી પાટા બાંધી પ્રસૂતિ કરાવતો. અને પ્રસૂતિનું બાકીનું વર્ણન, એક ગુજરાતી કુટુંબને, પરદેશમાં સુયાણીની મદદ વિના, પ્રસૂતિનો પ્રસંગ આવેલો સાંભળેલો, તે ઉપરથી લખેલું છે. અમદાવાદમાં એક વાર એક સુંદર જુવાન મારવાડી દંપતી રેંકડી ખેંચતાં જોયેલાં, તે દૃશ્ય ઉપરથી ‘રેંકડીમાં’ વાર્તા લખાઈ છે. તેના અનુસંધાનની ‘કંકુડી અને કનિયો’ વળી જુદી જ રીતે લખાઈ છે. મારા મિત્ર શ્રી ગિરીશભાઈએ ‘રેંકડીમાં’ના અનુસંધાનની એક વાર્તા મને લખી મોકલી અને મારો અભિપ્રાય પૂછ્યો. મેં કહ્યું, ‘મારાં કંકુડી કાનિયો આમ દુઃખી થાય તે મને નથી ગમતું.’ મારા જવાબમાં મશ્કરી હતી, પણ પાત્રો તરફ પણ મમત્વ થાય છે એ ખરું છે. પણ એ પત્ર ઉપરથી મૂળ વાર્તાના વિસ્તાર ઉપર મન ચઢી ગયું ને તેમાંથી ‘કંકુડી અને કાનિયો’ લખાયું. ‘સાચો સંવાદ’ પાછળ પણ આવી જ એક ઘટના છે. મારાં એક મિત્રદંપતી વચ્ચે આવા જ પ્રકારની વિનોદવાર્તા થયેલી, તે એ મિત્રે મને કહી અને તેના પર વાર્તા લખવા સૂચના કરી, અને તેમાં મારા અનુભવની તર્કની બીજી કેટલીક હકીકતો ભળતાં એ વાર્તા લખાઈ. ઘણી વાર વાતચીત કરેલી મશ્કરી ઉપરથી કોઈ સંવાદનું કે ઉક્તિનું કે વાર્તાનું બીજ સ્ફુરે છે. એક વાર એક માણસે એક અમલદારનાં વખાણ કરતાં મને કહ્યું કે એ ઑફિસ ટાઇમથી પણ પા કલાક હમેશાં વહેલો હાજર થાય છે. એણે તો પ્રશંસામાં કહેલું પણ મને મશ્કરી સૂઝી ને મેં કહ્યું : ‘ઘરમાં બૈરી સાથે નહિ બનતું હોય.’ અને મારી વાત તદ્દન સાચી નીકળી. એ વસ્તુ વિકસી તેમાંથી ‘સરકારી નોકરીની સફળતાનો ભેદ!’ ઘડાઈ. એક વાર વિદ્યાર્થીમિત્રોએ મશ્કરીમાં કહ્યું, ‘બટુભાઈ, માથામાં તેલ કેમ નાંખતા નથી?’ મેં મશ્કરીમાં જ કહ્યું કે વિધવાને જેવા ધર્મો પાળવાના હોય છે તેવા વિધુરના પણ જોઈએ. એ મશ્કરી ઉપરથી ‘જક્ષણી’ના બીજા ખંડમાં આવતી પ્રોષિતપત્નીકની મશ્કરી સૂઝેલી. ‘જક્ષણી’માં નાયક, કૂતરીને જક્ષણી કહી વીશીમાંથી ખાવાનું લઈ આવે છે, એના મૂળમાં જરા જુદો સાચો બનેલો પ્રસંગ છે. એક ભાઈનાં પત્ની ઇસ્પિતાલમાં હતાં, ને ઘેર કૂતરો હતો, તેને માટે પોતાને ઘેર બાવાજી છે એમ કહી તે ખાવાનું લઈ આવતા, એ સાંભળ્યું. મારી વાર્તામાં કૂતરાને બદલે કૂતરી આવી ને વાર્તાના મુખ્ય વક્તવ્યને ઘણી જ ઉપકારક થઈ ગઈ. વળી કોઈ વાર – જોકે જવલ્લે જ – વાર્તાનો કેટલોક ભાગ સ્વપ્નમાંથી લીધેલો હોય છે. ‘એક સ્વપ્ન’ની વાર્તાનો કેટલોક ભાગ સ્વપ્નમાં ખરેખર જોયેલો હતો. તેમાં સ્વપ્નમાં જોયેલ પ્રદેશનું કરેલું વર્ણન સ્વપ્નમાં જોયા પ્રમાણે કરેલું છે, અને અત્યારે જોકે આખું સ્વપ્ન બરાબર યાદ નથી, પણ એટલું બરાબર યાદ છે કે એ વાર્તાનું રહસ્ય સમાજમાં જોઈ મને જે આઘાત થયો એ જ આઘાતના પરિણામનું એ સ્વપ્ન હતું. તેમાં કંઈક એક સ્ત્રી આવતી હતી, કંડિયામાંથી મદારીએ એક છોકરું કાઢેલું, અને પછી એ છોકરું લઈ નૃત્ય કરેલું એવું ઝાંખું યાદ છે. અને પછી એ જ આઘાતથી એ સ્વપ્નની હકીકતમાં બીજી ઉમેરાઈ એ લખાઈ. વાર્તા લખતાં, કોઈ વાર મારે તેના સ્વરૂપના પ્રયોગો કરી જોવા પડે છે. ‘કોદર’ની વાર્તા છે તેવી પહેલાં લખી. પછી ‘જક્ષણી’ની પેઠે, એક પાત્ર પોતાની હકીકત બોલી જાય એવો પ્રયોગ થોડો કરી જોયો, તે પછી મૂળની લખેલી વાર્તા જ કાયમ રાખી. ‘દેવી કે રાક્ષસી’ની નાટિકા, પહેલાં નાયિકાને એક ડાયરી મળે છે તે તે વાંચતી જાય છે એવા રૂપમાં થોડી લખી જોઈ, પણ તે ન ફાવી એટલે હાલના રૂપમાં લખી. વાર્તા લખતાં પાત્રોનાં નામો પાડવા ઉપર હું બહુ ધ્યાન આપતો નથી. મારા મનમાં પાત્રોનો સ્વભાવ ઘડાઈ ગયો હોય છે એટલે નામ વગર એમ ને એમ લખ્યે જાઉં છું. ને પછીથી નામ નક્કી કરી સંવાદમાં ખાલી રાખેલી જગાએ ઉમેરી દઉં છું. તેથી કોઈ વાર પાત્રોનાં નામ લખવામાં ભૂલ થાય છે. અને પ્રૂફમાં પણ પાત્રોનાં નામો તરફ ધ્યાન આપવાની ટેવ ન હોવાથી, છાપવામાં પણ ખોટાં નામો આવી જાય છે. મને અમથું પણ નામોનું વિસ્મરણ બહુ થાય છે એ મારા મિત્રો અને પરિચિતો જાણે છે. એ જ ટેવ કદાચ અહીં પણ આવી જતી હોય! આમ કંઈક જુદી જુદી રીતે વાર્તા લખાય છે, પણ બધામાં એક સમાન અંશ હોય છે, તે એ કે બધી કોઈ રહસ્યના બીજની આસપાસ થડાય છે અને તેમાં એ રહસ્યમાં રહેલી લાગણી બધા સંચલનનો હેતુ થાય છે. રહસ્યનો અર્થ મેં શરૂઆતમાં જ કહેલો છે. તે સંપૂર્ણ નથી પણ ટૂંકી વાર્તા માટે તે પૂરતો છે. એક પ્રશ્ન હજી ચર્ચવો જોઈએ. આ બધી ક્રિયામાં વિવેચનશક્તિ ક્યાં કામ કરે છે? એક રીતે કહું તો ક્યાંય નહિ, અથવા વાર્તા પૂરી લખાઈ રહ્યા પછી જ. વાર્તા પૂરી લખાઈ રહ્યા પછી માણસમાં જેટલી તટસ્થતા હોય, તેટલે અંશે તે પોતાનો વિવેચક થઈ શકે. અને એ રીતે નાના દોષો સુધારી શકે. વાક્યો વચ્ચે, સંવાદની ઉક્તિઓ વચ્ચે સંબંધ બરાબર ન બેઠો હોય તો તે બેસાડી શકે. ઉતાવળમાં લખેલ વર્ણનો સુધારી શકે. હું પોતે કોઈ શાસ્ત્રને લગતી હકીકત તદ્વિદને પૂછી સુધારી લઉં છું. અબદુલ ઘાંચીની કુશળતા વિશે લખવા પહેલાં એક દાક્તરમિત્રને તે પૂછી તેની સંભવિતતાની ખાતરી કરી લીધી હતી. ‘કોદર’માં ઠંડીના વર્ણન માટે અમદાવાદમાં વધારેમાં વધારે કેટલી ઠંડી પડી હતી તેની તપાસ કરાવી હતી. આવી બાબતોમાં ફેરફારો કરી શકાય, વધારેમાં વધારે, સંવાદમાં જરૂર ન હોય તો થોડી ઉક્તિઓમાં ફેરફાર કરી એકાદ પાત્ર કમી કરી શકાય, પણ એથી મોટા દોષો હોય તો, તે વિવેચનથી સુધરી શકે નહિ. એથી મોટા દોષો જણાય તો લેખકે તે વાર્તા દબાવી રાખવી જોઈએ અથવા તેનો નાશ કરવો જોઈએ. મારે એકબે વાર્તા અર્ધી લખી મૂકી દેવી પડી છે. પણ એક બીજી રીતે વિવેચનશક્તિ, આખા નિર્માણવ્યાપારમાં કામ કરે છે એમ કહી શકાય. એક દૃષ્ટિએ, વિવચેનનું અંતસ્તતત્ત્વ રુચિ છે, – ઊંચામાં ઊંચા સૂક્ષ્મમાં સૂક્ષ્મ અને વિશાલમાં વિશાલ અર્થમાં. વાર્તાનું આખું ઘડતર એ રુચિને અનુકૂળ રીતે જ થઈ શકે. તેમ સંગીતપરીક્ષક કર્ણને સંગીતમાં થતી સ્વરની ભૂલ એકદમ ખૂંચે છે, તેમ વાર્તાઘડતરમાં એક પણ વસ્તુ રુચિ વિરુદ્ધની આવતાં રુચિતંત્ર દુભાય છે, અને એ વસ્તુને પેસતી જ અટકાવે છે. તે ઉપરાંત તે વાર્તાને અમુક તરફ ઝોક પણ આપતી હશે. એ રીતે રુચિ, આખી વાર્તાના ઘડતરમાં સચેત રહી પોતાનું કામ કર્યા કરે છે. પણ વાર્તાઘડતરનો મુખ્ય વ્યાપાર રુચિ અને વિવેચન બન્નેથી અલગ છે. મને મારી વાર્તાઘડતરનો વ્યાપાર આવો જણાયો છે. અને જેવો જણાયો તેવો તેને હું રજૂ કરું છું. તેમ કરવામાં કોઈ અનન્યતાનો લગારેય દાવો નથી. માત્ર મારા પોતાના એક મનોવ્યાપારને સમજવાનો પ્રયત્ન છે.[2]

માગશર, ૧૯૯૫ [‘સાહિત્યવિમર્શ’]
પાદટીપ

  1. ઘડતરની દૃષ્ટિએ વાર્તા અને નાટિકાનો તફાવત અહીં ગૌણ ગણું છું.
  2. મુંબઈના રેડિયો સ્ટેશનના ગુજરાતી વિભાગના નિયોજક શ્રી ચન્દ્રવદન મહેતાએ How I write a short story ઉપર તા. ૨૪-૧૨-૩૮ના રોજ બોલવાને મને આમંત્રણ આપ્યું. તે ઉપરથી આ વિષય ઉપર લખ્યું. રેડિયોમાં બોલવા માટે આમાં ઠેકઠેકાણે ફેરફાર કરેલો હતો.

Lua error in package.lua at line 80: module ‘strict’ not found.