સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક/મુક્તક અને સૉનેટ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૪. મુક્તક અને સૉનેટ

આ વાર્તાલાપમાં અર્વાચીન સાહિત્યની આપણે સ્વીકારેલી મર્યાદામાં રહીને એટલે કે માત્ર સદ્‌ગત કવિઓનાં કાવ્યો જ લક્ષમાં લઈને, મુક્તક અને સૉનેટ એ બે કાવ્યપ્રકારોનો વિચાર કરીશું. મુક્તક આપણા દેશનો ખાસ કાવ્યપ્રકાર છે. બીજા દેશનાં સાહિત્યોમાં મુક્તકો હોતાં નથી એમ નહિ, પણ આપણા દેશમાં એને ખાસ પ્રકારનું મહત્ત્વનું સ્થાન મળેલું છે, અને એ તરીકે એ સ્વતંત્ર રીતે પુષ્કળ ખેડાયેલો પ્રકાર છે. મુક્તક એટલે એક જ શ્લોકમાં સમગ્રપણે આવી જતું કાવ્ય. મુક્તકનો વિરોધી પ્રકાર પ્રબન્ધ છે. પ્રબન્ધમાં અનેક શ્લોકો એક જ સંદર્ભમાં આવે છે. મુક્તક એ મુક્ત એટલે છૂટું કાવ્ય છે. સંસ્કૃતમાં તો એવો કવિસમય છે કે મુક્તક એક જ વાક્યનું બનેલું હોવું જોઈએ. પણ આપણે માટે એક જ શ્લોકમાં સમાઈ જતું કાવ્ય એટલી વ્યાખ્યા બસ થશે. સંસ્કૃતમાં મુક્તકોના અનેક નાનામોટા સંગ્રહો છે જેમાં ‘સુભાષિતરત્ન-ભાંડાગાર’ બહુ જ પ્રસિદ્ધ છે. ભર્તુહરિનાં શતકો બધાં મુક્તકોના જ સંગ્રહો છે. ‘અમરુશતક’ પણ બહુ મોટું માન પામેલ મુક્તકસંગ્રહ છે. પ્રાકૃતમાં પણ મુક્તકસંગ્રહો છે. પ્રાચીન ગુજરાતીમાં મુક્તકોનો પ્રવાહ ઘણાખરા ભાટ-ચારણોએ અને કથા કરનારાઓએ વહેતો રાખેલો છે. દેશીઓ લાંબાં વર્ણનોને અનુકૂળ છે, તેમાં મુક્તકો અનુકૂળ ન પડે. અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્યની પ્રેરણા ઘણીખરી અંગ્રેજી સાહિત્યની હતી અને અર્વાચીન કવિઓએ અંગ્રેજી કાવ્યપ્રકારો અપનાવ્યા એટલે તેમાં મુક્તક તરફ પ્રથમ કંઈક દુર્લક્ષ થયું. એક પ્રકાર તરીકે મુક્તક પ્રારંભમાં પ્રયોજાયું નથી. પણ તેમ છતાં દલપતરામમાં મુક્તક અનેક નિમિત્તે મળી રહે છે. જેમ કે દલપતરામ એક જ ટેકવાળી ચોપાઈઓ લખે છે ત્યાં દરેક કડી મુક્તક બને છે. જેમ કે ‘ફાંસ કાઢતાં પેસે સાલ’ની બધી કડીઓ મુક્તક છે.

એક વખત ઊગરવા આંચ, લુચ્ચાને જો દઈએ લાંચ,
ખચિત પછી નહિ છોડે ખ્યાલ, ફાંસ કાઢતાં પેસે સાલ.
ધનની મનમાં ઇચ્છા ધરે, જુગટા જેવો ધંધો કરે,
ઊલટી તનની ઊતરે ખાલ, ફાંસ કાઢતાં પેસે સાલ.

અહીં કાવ્ય ઊંચી કોટિનું નથી, પણ જો કાવ્ય હોય તો દરેક કડી મુક્તક છે, જોકે મુક્તક તરીકે લખાઈ નથી. તેમ જ પ્રસંગ જ એક કડીનો હોય ત્યાં પણ અનાયાસે મુક્તક થઈ જાય. દાખલા તરીકે ‘શુભ સંવતે ઓગણી પંદરામાં’ ગુજરાતમાં મહારાણી વિક્ટોરિયાનું રાજ્ય થયું ત્યારે કલેક્ટરે દારૂખાનું ફોડાવ્યું તેના વર્ણનમાં દલપતરામ સંદેહાલંકારનું એક કવિત રચે છે તે સહેજે એક મુક્તક બને છે. મુલ્લાં સુલેમાન તેમાં દારૂખાનું ફોડે છે તેનું વર્ણન દલપતરામ આ પ્રમાણે કરે છે :

મેલો ઘેલો પેલો જુઓ આગ ખેલમાં ઊભેલો
ગોદડે ગૂંથેલો એવો આવે હનુમાનજી.
કાળા હાથ દારૂવાળા દાઢી મોઠું દીસે કાળું,
પાઘડીનો પલ્લો પૂંઠે પૂંછડા સમાનજી.
લોક નાસાનાસ કરે ત્રાસ પામી તેને ઠામે
એને નાવે આંચ જેના રામજી જમાનજી.
ઠેકી ઠામ ઠામ આગ લગાડીને આઘો ખસે
હશે હનુમાનજી કે મુલ્લાં સુલેમાનજી.

કવિ કાવ્યતર્ક કરે છે કે આ આગ લગાડનાર તે હનુમાનજી હશે કે મુલ્લાં સુલેમાનજી! અહીં કવિત છંદ એક જ છે. પણ તેમાં વાકયો અનેક છે, અને છતાં તેને મુક્તક કહેવું પડે. મુક્તકોનાં સાદાં દૃષ્ટાંતો તો પાદપૂર્તિમાં સહેજે આવે. પાદપૂર્તિનો કવિસમય એવો છે કે એક જ કડી કે શ્લોકમાં કાવ્ય પૂરું થવું જોઈએ. જોકે અત્યારના કવિઓ મુશાયરાની પદ્ધતિ પ્રમાણે અનેક કડીઓથી પણ પાદપૂર્તિ કરે છે. આપણે એક પાદપૂર્તિ જોઈએ; પાદ છે : ‘પુત્ર વર્ષ પાંચનો ને બાપ માસ બારનો.’ પંક્તિનો અર્થ જોવા જતાં દેખીતી રીતે જ તે અશક્ય છે, અને છતાં કવિએ તેની પાદપૂર્તિ કરેલી છે.

પેરંભના હિંદુ પાદશાહ પાસ પોતે રહ્યો
કચ્છી રજપૂત સુત સારા સરદારનો;
પિતા તેનો આવ્યો પછી પુત્રની સંભાળ લેવા
વેઠી શક્યો સુતનો વિયાગ વર્ષ ચારનો;
એને પણ એક વર્ષ રાજાજીએ રોકી રાખ્યો
દાખે દલપત સોંપ્યો ભાર કારભારનો;
પછી તે સ્વદેશ જવા પોતાનો પગાર માગે
પુત્ર વર્ષ પાંચનો ને બાપ માસ બારનો.

પાદપૂર્તિ સુંદર છે પણ એટલું પણ કહેવું જોઈએ કે પાદપૂર્તિની દૃષ્ટિ વિના આ કવિત વાંચતાં તેનું વક્તવ્ય પછી કાવ્યોચિત રહેતું નથી. કોઈ કોઈ વાર કેવળ ઉક્તિવૈવિધ્યથી અને દૃષ્ટાંતવૈવિધ્યથી કોઈ કાવ્ય મુક્તક બની જાય છે.

હોડી તૂટી હોય તોય તેમાં લે ઉતારુઓને
એ તે ખાડીમાં ઊંડા ઉતારવા કે તારવા?
વૈદક ભણ્યા વિનાનો વૈદ બની વૈદું કરે
એ તે એનું શરીર સમારવા કે મારવા?
કામમય કથા કહી કહે જીતો કામક્રોધ,
એ તે અગ્નિ ભારેલો ઉભારવા કે ભારવા?
દાખે દલપત શસ્ત્ર વિના જૈ સંગ્રામ સજે
એ તે શત્રુ સૈન્યને સંહારવા કે હારવા?

પણ દલપતરામનો કાવ્યસાહિત્યનો ચિરંજીવ ફાળો તે તો તેમનાં હાસ્યનાં કાવ્યો – નિર્દેશ, સમગ્ર જનતા તરફના સમભાવશીલ હાસ્યનાં. દલપતરામના અનેક સંગ્રહોમાં અને શાળાનાં પાઠ્યપુસ્તકોમાં એ આવી ગયાં છે. છતાં એ પુનઃપઠન સહી શકે એમ છે. હું એક જ દૃષ્ટાંત લઉં છું.

એક શરણાઈવાળો સાત વર્ષ સુધી શીખી
રાગરાગણી વગાડવામાં વખણાણો છે;
એકને જ જાચું એવી ટેક છેક રાખી એક
શેઠને રિઝાવી મોજ લેવાને મંડાણો છે;
કહે દલપત પછી બોલ્યા તે કંજૂસ શેઠ
ગાયક ન લાયક તું ફોગટ ફુલાણો છે;
પોલું છે તે બોલ્યું તેમાં કરી તેં શી કારીગરી
સાંબેલું બજાવે તો હું જાણું કે તું શાણો છે.

છેલ્લી બે પંક્તિઓ તો લગભગ કહેવતરૂપ થઈ ગઈ છે. દલપતરામનાં હાસ્યનાં મર્મનાં કેટલાંય કાવ્યો શાળાઓમાં વિદ્યાર્થીઓને હૃદ્‌ગત થઈ જવાં જોઈએ.

આ પ્રમાણે દલપતકાવ્યમાંથી મુક્તકો મળે છે પણ તે મુક્તકના પ્રકાર તરીકે ભાનપૂર્વક લખાયેલાં નથી. અને મુક્તકના શબ્દાર્થમાં એક પ્રકારની ભાષાની કરકસર, અર્થની વેધકતા વગેરે આવે છે તેને માટે મનહર કે કવિત બહુ ઉચિત ન ગણાય. મનહરનો વણાટ ફીસો છે. જોકે અસરકારક પઠનને લીધે તેનું હંમેશનું મહત્ત્વ રહેલું છે. મનહર કે કવિત કરતાં બે પંક્તિનો હડૂલો મુક્તકને વધારે બંધબેસતું ખોળિયું છે. દલપતરામનો એક હડૂલો ‘કવીશ્વર દલપતરામ’માં નોંધાયેલો છે. વઢવાણમાં વરસાદ વરસતો હતો, કાગડા છાપરાંની પાળમાં ભરાઈ બેઠા હતા. મૂળીમા ઘંટી ફેરવતાં હતાં. કવિ દલપતરામ સાંગમાંચી ઉપર બેઠા હતા. એ સ્થિતિ જોઈ કવિને હડૂલો સૂઝ્યોઃ

સાગ ઉપર કાગ બેઠો, રથે બેઠાં રાણી;
બંદા બેઠા માંચીએ, ને દુનિયાં ડહોળે પાણી.

કશા પણ ગંભીરપણાના દાવા કે પ્રયત્ન વિના, માત્ર ઠાવકી મર્માળી ઘડીભર દિલમાં ઝબકી જાય એવી વાણી. હું ઇચ્છું છું કે આપણા મુશાયરામાં આવા પ્રયત્નો થાય. લોકસાહિત્યના હડૂલા મેં સાંભળ્યા છે. તે આથી જરા જુદા હતા. સંભળાવનાર ભાઈના કહેવા પ્રમાણે એ હડૂલામાં ત્રણ ચરણ સોરઠા આવે છે અને ચોથા ચરણની જગ્યાએ ટૂંકો ગદ્યખંડ આવે છે.

ગિરમાં હાલ્યાં ગામ, આળસ અદકેરી ચડે
કાંઈ ન સૂઝે કામ, પછી તો સૂવું જ ના!
કટ્ટી હોયે ગાય, વણનોંધણે વળૂંધીએ,
પાટુ પડખામાંય, ઈ તો મારે જ ના!

નર્મદે પણ મુક્તક તરીકે મુક્તકો લખ્યાં નથી. એના સ્નેહ સંબંધી દોહરામાં કે એવાં કાવ્યોમાં છૂટાં મુક્તકો મળી આવે, જેમ કે :

સજન નેહ જે બાંધવો, બાંધ જોઈને જાત,
થાય ન પસ્તાવો કદી, સુખ રહે દિન રાત.
સજન નેહ નિભાવવો, ઘણો દોહ્યલો યાર,
તરવો સાગર હોડકે, સૂવું શસ્ત્ર પર ધાર.

દરેક દોહરો અકેકું મુક્તક છે. અને દોહરો મુક્તક માટે બહુ જ ઉચિત શરીર છે. સંસ્કૃત સાહિત્યમાં જે સ્થાન અનુષ્ટુપનું છે, પ્રાકૃતમાં જે ગાથાનું સ્થાન છે, તે અપભ્રંશ અને ગુજરાતી માત્રામેળ રચનામાં દોહરાનું સ્થાન છે. તેનો ઘાટ સફાઈવાળો છે, અને કોઈ ભાવ કે વિચાર ટૂંકમાં કહેવો હોય તો દોહરામાં તે ચોટથી કહી શકાય છે. ગુજરાતી ભાષાને આ ત્રણેય, અનુષ્ટુપ, ગાથા અને દોહરો વારસામાં મળ્યાં છે. નર્મદનું એક મુક્તક, છૂટો જ દોહરો, જેમાં નર્મદ પોતે પોતાના સ્વભાવનું વર્ણન કરે છે તે જોઈએ :

સ્ત્રી કવિતા ગાયન વિના, મને ન ભાવે કાંઈ,
આ જગતમાં ત્રણ મોહિની, અનુપમ રત્ન સુહાઈ.

અને એનું એક હિંદી મુક્તક :

ડરત ડરત કરના નહીં, કરના તો નિઃશંક,
ડરત ડરત કરને લગે, હોત જાત દો-રંગ.

આ પણ નર્મદના સ્વભાવનું જ વ્યંજક છે. દલપત-નર્મદ પછી અંગ્રેજી કાવ્યસાહિત્યની અસર આપણા સાહિત્ય ઉપર પૂરેપૂરી થઈ, તેમાં થોડાં વરસો મુક્તકને અવકાશ ન મળ્યો. નરસિંહરાવ-રમણભાઈમાં મુક્તકો નહિ મળે. કાન્તમાં મળે છે અને તે શુદ્ધ મુક્તક જ છે, જોકે તે મુક્તક તરીકે યોજ્યું નથી. ‘પૂર્વાલાપ’ના પ્રારંભમાં ઈશ્વરસ્તુતિ માટે તેમણે એક શાર્દૂલવિક્રીડિત લખ્યો. અને એ નિમિત્તે એ એક મુક્તક બન્યું. આપણે જોઈએ :

ઉત્પત્તિ, સ્થિતિ વિશ્વ આ સકલની છે સર્વ જે તાતથી,
ઉદ્ધારાર્થ મનુષ્યના અવતરે જે માનવી માતથી,
જે ધાતા જગનો, પવિત્ર, પ્રભુ, જે ત્રાતા સ્વયં નંદન,
તે શ્રી સાંબ દયાલુ શંકર પિતા! સ્વીકારજો વંદન.

અત્યાર સુધી જોયેલાં કાવ્યો કરતાં અહીં નવી જ બાની, ગૌરવ, સુઘડતા, અક્ષરની ગૂંથણી, વગેરે દેખાશે. મુક્તક માટે કવિત કે મનહર ફીસો છે, અને તેને શ્લોકને દૃઢબંધ કેવો અનુરૂપ છે તે આ એક જ વાર સાંભળતાં પણ સમજાશે. સ્તુતિ શ્રી સાંબની છે, છતાં તેમાં અંબા તે ક્રાઇસ્ટની માતા કુમારી મૅરી હોવાનો પૂરો સંભવ છે. આખો શ્લોક એક સારા મુક્તકનો નમૂનો છે. કલાપી, ખબરદાર, બોટાદકર, લલિતજી, મણિલાલ નભુભાઈ, મેઘાણી, એમનાં કાવ્યોમાં મુક્તકો નથી. કલાપીનાં કાવ્યોમાં એવા શ્લોકો મળી શકશે જેને જુદા પાડી મુક્તકો ગણી શકાય, જેમ કે :

કલા છે ભોજ્ય મીઠી તે, ભોક્તા વિણ કલા નહિ,
કલાવાન કલા સાથે ભોક્તા વિણ મળે નહિ.

સુંદર અનુષ્ટુપ છે. જોકે મુક્તક દૃષ્ટિએ જોતાં આમાં વિચાર થોડો બેવડાય છે. મુક્તક ટૂંકામાં ટૂંકું જોઈએ.

સૌંદર્યો વેડફી દેતાં ના ના સુન્દરતા મળે,
સૌંદર્યો પામતાં પહેલાં સૌંદર્ય બનવું પડે.

આ બધી રીતે સુંદર મુક્તક છે. પણ વિષયના સંદર્ભમાંથી છૂટું કરીને મૂકી શકીએ એટલા ઉપરથી આપણે એને મુક્તક નહીં કહીએ. એટલે કલાપીને મુક્તકોના વિષયમાં લઈ શકાય નહિ. એ જ વાત કવિ નાનાલાલ માટે પણ સાચી છે. મેઘાણીને પણ આમાં સ્થાન નથી. મુક્તકને મુક્તક તરીકે સ્થાન આપનાર પ્રો. બ. ક. ઠાકોર છે. તેમણે પ્રસંગોપાત્ત મુક્તકો લખ્યાં છે, જેમ કે કેટલાંક પુસ્તકોનાં અર્પણકાવ્યો છે. તેમાં કોઈમાં અંગત ઉલ્લેખ છે, કોઈમાં તો માત્ર મૈત્રીસંબંધનું સામાન્ય કથન જ છે. જેમ કે :

વયવૃત્તિ સ્થિતિ રુચિના, અરે ભાવનાતણા ભલે મેળ, મનો મેળ તે મૈત્રી, બીજા સૌ ભાગ્યના ખેલ.

તેમના મિત્ર કાન્તની પત્રધારા ઉપરનું તેમનું મુક્તક સુંદર છે :

પત્ર તારા ગત સમયના સ્નેહવ્હેનો રસીલાં
દડતા ધીમે ગતિય ગતિમાં તેજ તારું ધરંતાં.
પડતા ધોધે
વર્ષા ગ્રીષ્મો અકળ ખમતાં હાય તે શુષ્ક હાવાં
ફીકી શાહી ત્રુટિત જ રહ્યાં હાથમાં પાતરાં આ

પ્રો. ઠાકોર તેમના પિંગલના પ્રયોગો માટે પણ પ્રસિદ્ધ છે. અહીં છંદમાં એક નાનો સરખો ફેરફાર એટલે ઉમેરો કર્યો છે તે ધ્યાનમાં આવ્યું હશે. તેમના અનેક પ્રયોગોથી, પિંગલચર્ચાથી, અને કાવ્યના સામાન્ય વિકાસથી અત્યારે આપણે છંદની એક પંક્તિને પણ સંપૂર્ણ સંવાદવાળી ગણીએ છીએ, એટલે અત્યારે અકેક પંક્તિનાં મુક્તકો પણ લખાય છે, તેમજ શ્લોક ચાર જ પંક્તિનો હોવો જોઈએ એ અભિપ્રાય પણ તૂટ્યો છે એટલે મુક્તકો સાત સુધીની ગમે તેટલી પંક્તિમાં મળી આવે છે. એક દૃષ્ટાંત લઈએ :

કોનૂ આખું, કોનું હૈયું ગળેલું.
કોની સાચી કોની ખોટી પરીક્ષા,
એ પ્રશ્નોને તે જ જાણે ઉકેલી
ઊકેલતો સાર નિઃસારની જે,
નિઃસાર ગાળી શકતો વળી સારમાંથી.

પાંચ પંક્તિનું મુક્તક અને એક જ મુક્તકમાં ત્રણ છંદોની પંક્તિઓ સંવાદી બનીને એક જ અર્થને પ્રકટ કરે છે. નવા પ્રકારનાં મુક્તકોનો આ સુંદર દાખલો છે. એક બીજા પ્રકારના દૃષ્ટાંત તરીકે તેમનું ‘ઈ. સ. ૧૯૧૮ની એક પ્રશસ્તિ’ એ કાવ્ય લઈએ. એ મુક્તકમાં ભવભૂતિના ઉત્તરરામચરિત્રના ‘દૃષ્ટિસ્તૃળીકૃતજગત્‌ત્રયસત્ત્વસારા’ એ શ્લોકના શબ્દો આવે છે, પણ પ્રશસ્તિ મહાત્માજીની છે. મૂળ શ્લોકના શબ્દોમાં થોડો જ ફેરફાર કરી શ્લોક મહાત્માજીને લાગુ પડે તેવો કરી આપ્યો છે.

ત્રૈલોકને તૃણ ગાંત પ્રભાવ દૃષ્ટિનો
ધીરોદ્ધતિ ગતિ તણી ધરણી ધ્રુજાવતી;
જાતે વણિક પણ તપે નમવે મહર્ષિ,
આ મૂર્તિ વીરરસની અથવા શું શાન્તની.

આપણે એમનાં કેટલાંક નવી ઢબનાં મુક્તકો જોઈએ : દરેકમાં છંદનો કંઈ ને કંઈ નવો પ્રયોગ જણાશે : ૧. બધો ઠલવ, દૈવ, ખાર : નમશે કદી ન આ પ્રાણિયો ૨. ડીલ સ્વચ્છ, સાફ દિલ, જીવ સાચવરણી, ઉજ્જ્વલાનવદ્ય હાથ કરણી. ૩. પતંગ, ઊડ! જા ચગંત ગળી જા ઝગંતે નભે! ૪. જીર્ણ જે નકામ દુષ્ટ સદ્ય તેહને હણો શ્રેય પ્રેય બીજ શોધી લેવી કાલજિત્‌ બનો. અને કોઈ કોઈ વાર તો તેઓ કાગળમાં પણ જરા બેસતી કરી એકબે પંક્તિ લખી દેતા. એવી ત્રણ પંક્તિઓ તેમણે સદ્‌ગત નરસિંહરાવને એક પત્રમાં લખેલી મળી આવે છે, વિષય રુચિવૈવિધ્યનો છે :

બકરી ઘેટી ઊંટડી
ઘોડી ખરી મહિષડી
ગોરી કેરાં દૂધમાં રુચે પચે તે પી.

‘રુચે પચે તે પી’ એટલો ખંડ તો કહેવત બની જાય એવો છે. એમ આ સાહિત્ય વિશાલ છે અને વિકાસશીલ છે. પ્રો. ઠાકોર પછીના નવા કવિઓએ આ સાહિત્યને સારું ખેડેલું છે. હવે આપણે અર્વાચીન સાહિત્યમાં સૉનેટ લઈએ. એની મૂળ ઉત્પત્તિ ઈટલીમાં થયેલી છે, અને તે સોળમા સૈકામાં ઇંગ્લૅન્ડમાં આવ્યું. ઇંગ્લૅન્ડમાં તેનો ઘણો વિકાસ થયો અને તે વિકસિત રૂપ ૧૯મી સદીના છેલ્લા દસકામાં ગુજરાતીમાં આવ્યું. એને પહેલું ગુજરાતીમાં કોણે ઉતાર્યું તે સંબંધી થોડો મતભેદ છે પણ એટલું નક્કી છે કે તેને પ્રથમ ઉતારનાર કાન્ત અને પ્રો. બ. ક. ઠાકોર હતા. તેઓ જીવનમિત્રો હતા અને કવિમિત્રો પણ હતા. તેમની વચ્ચેનો જ આ પ્રશ્ન છે. હાલ તો આપણે તેને ભવિષ્ય પર છોડી શકીએ. ગુજરાતીમાં આવ્યા પછી સૉનેટે જે રૂપ લીધું તે પણ ધ્યાનયોગ્ય છે. અંગ્રેજીમાં સૉનેટનું બાહ્યરૂપ એવું છે કે ૧૪ પંક્તિઓ જોઈએ, અને તેના પ્રાસ અમુક અમુક રીતે જ આવવા જોઈએ. ગુજરાતીમાં સૉનેટની ૧૪ પંક્તિઓ તો રહી છે – જોકે બીજી બધી રીતે સૉનેટ જેવી રચનાઓ થોડી વત્તી-ઓછી પંક્તિઓની થઈ છે, પણ આ સંખ્યાને આપણે અત્યારે એનું એક અવ્યભિચારી લક્ષણ સ્વીકારીએ, પણ ગુજરાતી સૉનેટે પ્રાસનું લક્ષણ સ્વીકાર્યું નથી. જોકે કોઈ કોઈ કવિઓએ સૉનેટના અટપટા પ્રાસોના પ્રયોગો પણ કર્યા છે, પણ તેમણે પણ પ્રાસને આવશ્યક માન્યો નથી. એનું કારણ એ છે કે, સૉનેટને માટે પ્રથમ પ્રયોગ ઘણાખરા સંસ્કૃત વૃત્તોમાં થયા, અને સંસ્કૃત વૃત્તને પ્રાસ સ્વાભાવિક નથી. અને વધારે અનુભવે એ વૃત્તોની પસંદગી સાચી મનાઈ છે, જોકે સદ્‌ગત ખબરદાર એમાં મહત્ત્વના અપવાદરૂપ છે તે પણ આપણે જોઈશું. સૉનેટના આંતરલક્ષણમાં ખાસ એ દર્શાવવાનું કે તેમાં અમુક જગાએ વિચાર-લાગણીનો વળાંક આવે છે. આ વળાંક અમુક અમુક પંક્તિમાં જ આવવો જોઈએ, અને તેથી તેમાં ૬-૮ કે ૮-૬ કે ૪-૪-૪-૨ એવા પંક્તિખંડો પડે. એ લક્ષણને આપણે આવશ્યક માન્યું નથી. માત્ર વળાંક જોઈએ એટલું જ સ્વીકાર્યું છે. કાવ્યચમત્કૃતિ માટે વળાંક અમુક જગાએ જ આવવો જોઈએ એ આવશ્યક નથી. હવે પ્રથમ હું કાન્તનું સૉનેટ અને તે પણ મિસિસ બ્રાઉનિંગના એક સૉનેટનો અનુવાદ લઉં છું જેથી, અંગ્રેજીમાં સૉનેટ કેવું છે તેનો કંઈક ખ્યાલ આવે અને તે સાથે કાન્તે છંદમાં એક પંક્તિમાંથી ઊભરાઈ બીજીમાં જતાં, પંક્તિમાં ગમે તે સ્થાનેથી શરૂ થતાં વાક્યોનો કેવી રીતે વિન્યાસ કર્યો છે તેનો પણ ખ્યાલ આવે. શીર્ષક છે : ‘પ્રણયની ખાતર જ પ્રણય’, નાયિકા નાયકને કહે છે કે મને ચાહે તો પ્રણયની ખાતર જ ચાહજે, મારા સૌંદર્ય માટે નહિ, કારણ કે સ્થૂલ સૌંદર્ય ક્ષણજીવી છે, મારાં આંસુ ખાતર પણ નહિ, કારણ કે તારી સાથે રહ્યા પછી આંસુ પડવા જેવું દુઃખ જ ન રહે. માટે પ્રણયની ખાતર જ પ્રણય હોવો જોઈએ. આપણે કાવ્ય જોઈએ :

સખે! મારી સાથે પ્રણય કરવો તો પ્રણયના
વિના બીજા માટે નહિ, નહિ જ આવું મન કહીઃ
“સ્મિતા માટે ચાહું, દૃગ મધુર માટે, વિનયથી
ભરી વાણી માટે, અગર દિલના એક સરખા
તરંગોને માટે, અમુક દિન જેથી સુખ થયું!!”
બધી એ ચીજો તો પ્રિયતમ! ફરી જાય અથવા
તને લાગે તેવી; અભિમુખ અને હું પ્રથમથી
થયો, તે એ રીતે વિમુખ પણ રે, થાય વખતે!
અને આવાં મારાં જલભરિત લૂછે નયન જે,
દયા તારી, તેથી પણ નહિ, સખે! સ્નેહ કરતો :
રહે કાંકે તારી નિકટ, ચિર આશ્વાસન લહે,
ખુએ તે એ પ્રીતિ, સદય! નિજ આંસુ વીસરતાં!
ચહો વ્હાલા! માટે પ્રણય જ તણી ખાતર મને :
ગ્રહે કે જેથી એ નિરવધિ યુગમાં અમરતા!

આખું કાવ્ય ૧૪ પંક્તિનું છે. પહેલી પાંચ પંક્તિઓમાં કહે છે કે સૌન્દર્ય માટે ન ચાહતો. પછી ત્રણ પંક્તિઓમાં તેનું કારણ આપે છે કે એ બધી ચીજો ફરી જાય અથવા ‘તને લાગે તેવી’; એટલે તને ફરી ગયેલી લાગે. પ્રથમ તું એનાથી અભિમુખ થયેલો ‘તે એ રીતે વિમુખ પણ રે થાય વખતે!’ આઠ પંક્તિઓ થઈ. અને મારાં જલભરિત નયનો જેને તું લૂછે છે તેમાં રહેલી દયા માટે પણ નહિ. કાંકે – કારણ કે જે તારી નિકટ રહે, ચિર આશ્વાસન લહે તે, નિજ આંસુ વીસરતાં તારી પ્રીતિ ખુએ. ત્યાં બાર પંક્તિ થઈ. છેલ્લી બે પંક્તિમાં કહે છે કે માટે તું પ્રણયની ખાતર જ પ્રણય કરજે જેથી એ પ્રણય નિરવધિ યુગોમાં અમરતા ગ્રહે. પહેલી આઠ પંક્તિમાં એક તરંગ છે. પછીની ચારમાં બીજો છે, અને છેલ્લી બેમાં આખા કાવ્યને એક સમગ્રતા અર્પતો ભાવ છે. ખંડો હોવા છતાં કાવ્યમાં સમગ્રતા તો જોઈએ જ. તે પછી કાન્તનું ‘ઉપહાર’ સૉનેટ જોઈએ. એમાં આ ‘પૂર્વાલાપ’ કાવ્યસંગ્રહ છે. ઠાકોરને સખે! એવું સંબોધન કરીને અર્પેલો છે. તેમાં ચચ્ચાર પંક્તિઓના ત્રણ ખંડો છે અને છેવટે બે પંક્તિનો એક ખંડ આવી ૧૪ પંક્તિ થાય છે. પ્રથમ ખંડ જોઈએ.

ફર્યો તારી સાથે પ્રિયતમ સખે! સૌમ્ય વયનાં
સવારોને જોતો વિકસિત થતાં શૈલશિખરે;
અને કુંજે કુંજે શ્રવણ કરતો ઘાસ પરના
મયૂરોની કેકા ધ્વનિત ધસતી યાં ગગનમાં!

યુવાન વયમાં વિદ્યાર્થી અવસ્થામાં ઊંચે સુધી વિસ્તરતા સ્ફૂર્તિદાયક સૌમ્ય પ્રકાશવાળા નવા ભાવનાપ્રદેશો ફરતાં ફરતાં બન્નેએ સાથે જોયેલા, અને કુંજ કુંજના મયૂરોની કેકા, અનેક કવિઓની ગગનગામી કેકા બંનેએ સાથે સાંભળી એવો અર્થ છે. માત્ર કાવ્યનું ઉચ્ચારમાધુર્ય કેવું હોય છે તે પણ કાન્તની મધુરકોમલકાન્તપદાવલીમાં સહેજે જણાશે. જરા ફરી જોઈએ :

અને કુંજે કુંજે શ્રવણ કરતો ઘાસ પરના
મયૂરોની કેકા ધ્વનિત ધસતી જ્યાં ગગનમાં!

પછીની ચાર પંક્તિઓમાં ફરતાં ફરતાં એક રમણીય સરિતા જોઈ તે કહે છે :

તરંગોનાં સ્વપ્નસ્મિત સરિતમાં જ્યાં વિલસતાં
વિલોકીને વેર્યો વિમલ કુસુમોનો ગણ, અને
સરી ચાલ્યો તે તો રસિક રમણીના ઉર પરે,
અને ત્યાં પાસેનાં તરુવર રહ્યાં ઉત્સુક બની!

પછીની ચાર પંક્તિઓ જોઈએ :

ઠરી સ્થાને સ્થાને કુદરત બધીને અનુભવી,
કર્યા ઉદ્‌ગારો, તે બહુ બહુ હવામાં વહી ગયા;
સખે! થોડા ખીણો ગહન મહીં તોયે રહી ગયા,
કલાથી વીણામાં ત્રુટિત સરખા તે અહીં ભરું.
અને તેને આજે તરલ ધરું તારા ચરણમાં,
ગમે તો સ્વીકારો ગત સમય કેરા સ્મરણમાં!

આખા કાવ્યમાં ઉપસંહારની છેલ્લી બે પંક્તિઓમાં જ માત્ર પ્રાસ છે, બાકી પ્રાસ નથી. આથી વધારે સૉનેટો કાન્તે લખ્યાં નથી. એમણે બાર પંક્તિનાં, સોળ પંક્તિનાં કાવ્યો લખ્યાં છે પણ સૉનેટનો પ્રયત્ન નથી કર્યો. સૉનેટને વિસ્તાર્યું, વિકસાવ્યું, રમાડ્યું એ તો પ્રો. ઠાકોરે. એમના પ્રયત્નોથી સૉનેટ લોકપ્રિય તો થયું કે ન થયું, પણ કવિપ્રિય તો જરૂર થયું, તે એટલે સુધી કે ઘણાખરા નવા કવિઓને સૉનેટ લખવાની જ રઢ લાગી હતી. પ્રો. ઠાકોરે છુટ્ટાં સૉનેટ તેમ સૉનેટમાળા પણ લખી છે. આપણે તેમનાં સૉનેટોના ભિન્ન ભિન્ન પ્રકારનાં દૃષ્ટાન્તો જોઈએ. તેમનાં ઘણાંખરાં સૉનેટ સંસ્કૃત વૃત્તોમાં લખાયેલાં છે, અને તેમાં પણ મુખ્યત્વે પૃથ્વી છંદમાં આપણે પહેલું ‘ભણકાર’ લઈએ; જેના ઉપરથી એમના પુસ્તકનું નામ એમણે ‘ભણકાર’ કદાચ રાખ્યું હોય.

આઘે ઊભાં તટધુમસ જેમાં દ્રુમો નીંદ સેવે,
વચ્ચે સ્વપ્ને મૃદુ મલકતાં શાન્ત રેવા સુહાવે;
ઊંચાંનીચાં સ્તનધડક શાં હાલતાં સુપ્ત વારિ,
તેમાં મેળે તલ સમ પડે ઊપડે નાવ મારી.
માથે જાણે નિજ નરી જુએ કાંતિ તો સૃષ્ટિ સૂતી
ચોંકી ઊઠે, કુસુમવસને તેથી જયોત્સના લપાતી;
ને બીડેલાં કમલમહીં બંધાઈ સૌંદર્યધેલો
ડોલે લોટે અલિ મૃદુ પદે, વાય આ વાયુ તેવો,
ત્યાં સૂતેલો લવું નવલ અર્ધા અનાયાસ છંદ,
કે આંદોલું જરી લય નવે બીનના તાર મંદ,
તેમાં આ શી—રજનિઉરથી નર્મદા વ્હેનમાંથી,
સ્વર્ગંગાની રજત રજ કે વાદળી ફેનમાંથી,
—પુષ્યે પાને વિમલ હિમમોતી સરે, તેમ છાની
બાની ભીની હૃદય ભરતી નીતરે છે સેહેની!

આપણા સાહિત્યનું એક સુંદર સૉનેટ છે. કલ્પના સુંદર છે, વર્ણન સુંદર છે, શબ્દવિન્યાસ સુંદર છે, ઉચ્ચારણ મધુર છે. એમનું એક બીજું સૉનેટ કાલિદાસ ઉપરનું જોઈએ; તે પૃથ્વીમાં છે.

મહાકવિ નું કાલિદાસ : તુજ મુક્તકોની પ્રભા
છટા મધુર ને સદા સરલ વાસ્તવે વર્ણવે
ફૂલો, કિસલયો લતાતરુવરો, નદી પર્વતો,
સુધાધવલ મ્હોલ જ્યાં ઝળહળંત રત્નદ્યુતિ,
વનો નિબિડ અસ્લુસૂલ, નગર જનાકીર્ણ, ને
સુરો, ઋષિકુલો સુધર્મછડીદાર રાજર્ષિઓ!
મહાકવિ તું કાલિદાસ, તુજ કલ્પના-અપ્સરા
અગોચર કરે છતાં કંઈક ભાવ શ્રદ્ધારસ્યા;
વળી સ્થલ કથા પ્રસંગ વિગતો વિભિન્તેય તું
અનંગ શિવ-પૂતનું અજબ સંકટો જીતતું
તવાઈ તપથી થતું અમર સત્ત્વ, નરનારનું
સુકાવ્ય કવતો સનેહરસસિદ્ધ અદ્વૈતનું!
નહીં ફિકર લેશ ભાવિતણી માનવીજાતિના
રચે યુગલ ઐક્યે જ્યાં લગ અનંગ અદ્વૈતનાં.

આટલી ચૌદ પંક્તિમાં કાલિદાસને પૂરો ન્યાય આપ્યો છે. કાલિદાસના વર્ણનવિષયનું વૈવિધ્ય બરાબર બતાવ્યું છે અને તે સાથે કલ્યાણમય દાંપત્યનું તેનું નિરૂપણ પણ યોગ્ય રીતે દર્શાવ્યું છે. અંતે એવા દાંપત્ય ઉપરની પ્રો. ઠાકોરે પોતાની શ્રદ્ધા પણ સુંદર રીતે વ્યક્ત કરી છે. સંસ્કૃત વૃત્ત નહિ એવા એક નવા છંદમાં લખેલું એક સૉનેટ લઈએ. એને એમણે ગુલબંકી કહ્યો છે. જેમાં લગાનાં કે ગાલનાં આવર્તનો આવે છે. શીર્ષક છે ‘સર્જક કવિ અને લોકપ્રિયતા’ :

જુઓ, ઉઘાડું છે કમાડ, જાઓ જ્યાં રુચે;
સ્વલ્પ બિંદુયે દયાનું ના ખપે હુંને.
ખીલો તમે ઉછાળતાં અજબ છટા ઊંચે,
સુંદરી, વહો વરેલ પંથ ચ્હાવ તે ક્રમે,
ર્‌હો સ્વતંત્ર, એ જ પ્રેમતૃપ્તિ દ્યો હુંને તમે.
સાંભળ્યું હશે ઘણુંય જે બખીલ ને
અસૂયકો ગૂંથી રહ્યા વિરુદ્ધ માહરી;
દ્વેષ બીજ એ ઉદાર કાળજે સરી
કરે કઠોર સૌમ્યને, સખેદ વા સલીલને,
પ્રેમને અસહ્ય તે પ્રિયે ન પ્રેમ ઝૂંસરી;
સ્વતંત્ર આવિયાં, સ્વતંત્ર ત્યાગવા અસીલને
જુઓ ઉઘાડું છે જી દ્વાર, જાઓ જો જવું જ નીસરી.
શબ્દ ના; ન કંપ લેશ, ચક્ષુ ઝાંય ના કળાય
દીર્ઘ પક્ષ્મ પાછળે? પરંતુ દ્વાર સુંદરીકરે વસાય.

પ્રોફેસર ઠાકોરે અનેક સુંદર વિધવિધ વિષયનાં સૉનેટ લખ્યાં છે, તેમાંથી પસંદગી કરવી પણ અઘરી છે. એટલે આટલેથી બંધ કરીશું. અને આ પછી સદ્‌ગત કવિશ્રી ખબરદારનું એક સૉનેટ લઈશું. ખબરદાર સૉનેટ માટે સંસ્કૃત વૃત્તોને અનુકૂળ માનતા નથી. તેઓ માત્રામેળ જેવા છંદોને અનુકૂળ માને છે. આપણે તેમનું નર્મદ ઉપરનું પ્રસિદ્ધ સૉનેટ જોઈએ, ‘નર્મદનું મંદિર’!

વીર નર્મદ તું જગમાં લડી જંગ ગયો,
તુજ વીરછબી નીરખી ચખ અક્ષુ ભરે!
કંઈ પુષ્પ નવાં ખીલતાં તુજ પ્રેમ કરે,
સ્થળ સર્વ વિખેરી દઈ કૃત્યકૃત્ય થયો.
તુજ પ્રેમઝરો નિશદિન અખંડ વહ્યો,
ભરી બંધુઉરે ભૂમિ કારણ દાઝ ખરે,
જહીં તેહ અમાસ પછી જયમ આભ–ઉરે,
ચઢતા અમીચંદ્ર દીપે ત્યમ દીપી રહ્યો!
તુજ પુષ્પ સુવાસિત છે હજી નૂતન હ્યાં,
દિન દિન નવીન સુભાવ હૃદે જગવે;
તુજ લેખ સ્વદેશની ભક્તિનું મંદિર છે,
જહીં દેશપૂજા પ્રિતથી કરવા શીખવે.
વળી પ્રેમ સુશૌર્ય બન્યું વીરજીવન જ્યાં,
ગુરુ નર્મદ ધન્ય ઊભો તહીં તું વીર છે!

અંગ્રેજી સૉનેટોમાં આવતા બધા જ અટપટા પ્રાસો આમાં યોજેલા છે. એ પ્રાસો કોઈ કોઈ જગાએ બબ્બે પંક્તિને અંતરે પણ આવે છે, ત્યાં તેની અસર નહિ જેવી જ થાય એમ હું માનું છું. આ સૉનેટ સુંદર છે. લ લ ગા લ લ ગા લ લ ગા લ લ ગા લ લ ગા એવાં પાંચ આવર્તનોનો એ છંદ છે. તેમની પછીના કવિઓએ આ પ્રકારના છંદોને સૉનેટને અનુકૂળ ગણ્યા નથી. મુક્તક અને સૉનેટ બંને મર્યાદિત સંખ્યાવાળી પંક્તિઓનાં ટૂંકાં કાવ્યો છે, પણ તેની વેધકતા જબરી છે. પ્રો. ઠાકોરે ટૂંકાં કાવ્યો વિશે કહ્યું છે તે આ બન્નેને સારી રીતે લાગુ પડે છે :

પ્રમાણો તે કાવ્યો લઘુકણ ભલે ને અધુકડાં
પદો જેનાં ગુંજ્યે ફરી ફરી જીતી જાય હૃદયો.

૧૫-૧૧-’૫૪