સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક/હું લેખક કેમ થયો?
બરાબર આ પ્રશ્નના જવાબમાં હું અહીં કહી શકું એમ નથી. બહુ નાનપણથી, હજી લખવું એટલે શું, અને શું કે શાના પર લખવું છે તેનો કશો સ્ફુટ ખ્યાલ આવી શકે એવી ઉંમર પહેલાં લખવાની ઇચ્છા થતી હું માનું છું મારા પિતાને ઊંડા મનનપૂર્વક વાંચતા લખતા ચર્ચા કરતા વારંવાર જોયેલા, તે ઉપરથી આવી ઇચ્છા થઈ હશે. એક વાત મને યાદ છે. બહુ જ નાનો હતો ત્યારથી એક ટેવ હતી : એકલો નિરાંતે બેઠો હોઉં ત્યારે આમ થયું, પછી આમ થયું, એમ મારા મનમાં બનાવોની સાંકળ લંબાતી જાય. તે મન થાકે ત્યારે અટકે અને એ જ રીતે મેં આમ કહ્યું, પછી એણે આમ કહ્યું, પછી મેં આમ કહ્યું... એમ વાતચીત કે સંવાદ ચાલ્યા કરે અને આમાં ‘હું’ અને ‘એ’માં ‘તું’ તે ખરેખર હું ન પણ હોઉં. વળી વાંચેલી વાર્તાઓ કે રામાયણ-મહાભારતનાં પાત્રો સાથે પણ આવી વાતચીત કે સંવાદ ચાલે. અને આ ટેવ ઠેઠ નાનપણની હજી સુધી એવી ને એવી છે. જ્યારે કંઈ પણ લખું છું ત્યારે ઘણે ભાગે આ ધૂન જ કંઈક વધારે સારી ભૂમિકા ઉપર કામ કરતી હોય છે. આને મારું લેખકમાનસ કહેવું હોય તો કહી શકું. પણ લગભગ આ લેખકમાનસની સાથે સાથે જ તેના પડોશમાં જ તેના વિરુદ્ધનું એક માનસ વસે છે. આ ભિન્ન માનસને હું મારા લેખકમાનસનો વિદૂષક કહી શકું. આ વિદૂષક કાલિદાસનાં નાટકોના વિદૂષક કરતાં વધારે ભયંકર છે. એ એ અર્થમાં વિદૂષક છે : એક તો એ લેખકમાનસનો સતત ઉપહાસ કરે છે, ક્રૂરમાં ક્રૂર મશ્કરી કરે છે. અને તે ઉપરાંત એ વિ-દૂષક છે, એટલે કે લેખકમાનસના વક્તવ્યને, તે વાણીનું રૂપ લે તેની પણ પહેલાં, તેને દોષ દે છે, તેને દૂષણ લગાડે છે, તેની ભૂલો કાઢે છે. અને આ વિદૂષક કોઈવાર ઊંઘતો હોય, કે કોઈવાર ઘડીભર જાગતો છતાં મૂંગો થઈ ગયો હોય તે કોઈ કૃતિ બહાર પડી જાય તો, ‘હવે તો બહાર પડી ગઈ’ એમ કરીને હારી બેસે તેવો નથી. એ બહાર પડી ગયેલી વસ્તુની પણ મશ્કરી કરે છે, એને પણ દૂષણ દે છે, અને ઘણીવાર તો લેખક લખતો હોય તેમાં ભળી જઈ પોતે એ લેખકની જ વિરુદ્ધ લખવાની તક મળે તો છોડે એવો નથી. હું વાર્તાઓ કે વિવેચનો કે કાવ્યો છપાવું, એટલે સુધી લેખક ફાવી જાય, તો તેની પ્રસ્તાવાનામાં પણ તક મળે તો આવ્યા વિના ન રહે. આમ મારા મનમાં હું બે બળો કોઈવાર એક સાથે, કોઈવાર વારાફરતી પ્રવર્તતાં જોઉં છું—એ છતાં જો કાંઈ લખાઈ જાય, બહાર પડી જાય તો તે પડે છે.
‘બુદ્ધિપ્રકાશ’ : વર્ષ ૬૧, અંક-૨, પૃ. ૭૩–૪, એપ્રિલ-જૂન ૧૯૪૪