સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રામપ્રસાદ બક્ષી/અભિનવગુપ્તનો રસસિદ્ધાંત

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૧૧. અભિનવગુપ્તનો રસસિદ્ધાન્ત-અભિવ્યક્તિ વાદ.

સહૃદયને રસાસ્વાદ શી રીતે થાય છે એ વિશેનો પોતાનો સિદ્ધાન્ત રજૂ કરતાં આરંભમાં જ અભિનવગુપ્તે કહ્યું છે કે ‘ઉક્તમ્‌ એવ્‌ મુનિના, ન તુ અપૂર્વં કિંચિત્‌’ એટલે, કે પોતે જે કહેવા ધારે છે તે ભરતમુનિ કહી ગયા છે, એમા અપૂર્વ કાંઈ નથી. એ એમનો વિનય છે. ખરું જોતાં અભિનવગુપ્તે તેમના રસસૂત્રમાં ઘણું ઘણું અર્થદર્શન પોતાની પ્રતિભાથી કર્યું છે. અભિનવગુપ્તે આનંદવર્ધનના ધ્વનિવાદનું (લોચન નામની ટીકામાં) અને ભરતના રસસૂત્રના તાત્પર્યનું (અભિનવભારતીમાં) એવું અપૂર્વ સમર્થન કર્યું છે કે કાશ્મીરના એ આચાર્ય – અભિનવગુપ્ત – અન્તિમ પ્રમાણભૂત મનાય છે. એમની ભરત નાટ્યશાસ્ત્ર ઉપરની એ ટીકા, અભિનવ ભારતી, એમના સર્વે શાસ્ત્રોનો અગાધ જ્ઞાનનો પરિચય કરાવે છે. રસાસ્વાદની પ્રક્રિયાની માનસશાસ્ત્રીય મીમાંસા પ્રથમ ભટ્ટ નાયકે કરી; અને ભટ્ટ નાયકની રસાસ્વાદમીમાંસામાં સુધારણા કરીને અભિનયગુપ્તે તદ્દન નવા અભિવ્યક્તિવાદની સ્થાપના કરી. અભનવગુપ્તનો રસસિદ્ધાંત આજ સુધી પ્રમાણરૂપ મનાયો છે. ભરતના રસસૂત્રમાં કાવ્યને અંગે જે ઊણપ હતી તે ધ્વનિવાદે પૂર્ણ કરી, એ કાવ્યના આત્મા તરીકે ઉચ્ચ સ્થાને ધ્વનિની સ્થાપના કરી અને સ્મૃતિપ્રધાન કાવ્યોમાં રસધ્વનિ વાળાં કાવ્યોને અત્યુચ્ચ પદવી અર્પી. ધ્વનિ એટલે વ્યંજના; એ વ્યંજનાની પ્રવૃત્તિ કાવ્યગત રસના બોધમાં પણ થાય છે એવું ધ્વનિકારે પ્રતિપાદિત કર્યું, અને આચાર્ય અભિનવગુપ્તે ભરતના રસસૂત્રનું અપૂર્વ સામર્થ્યથી વિવરણ કર્યું. ભરતના ‘વિભાવાનુભાવવ્યભિચારિસંયોગાદ્‌ રસનિષ્પત્તિઃ’ એ અર્થ અભિનવગુપ્તે એવો કર્યો છે કે વિભાવ, અનુભાવ અને વ્યભિચારી ભાવ એ ત્રણના પરસ્પર સંયોગથી અર્થાત્‌ વ્યંજના દ્વારા પ્રતીત થતા સ્થાયીભાવથી વાચનાનો પ્રબોધ થતાં ચિત્તમાં અભિવ્યક્તિ થાય છે. અભિનવગુપ્તના મત પ્રમાણે રસની અનુભૂતિ આ પ્રકારની હોય છે.[1] નાટક જોવા જનારે પ્રેક્ષકે લૌકિક વ્યવહારમાં જોયું હોય છે કે જ્યાં પ્રમદા વગેરે અનુરાગનું કારણ હોય, ચન્દ્રિકા ઉદ્યાન વગેરે એ અનુરાગનું ઉદ્દીપન કરનારી પ્રકૃતિ હોય, તરુણની દૃષ્ટિનો અને ભાવોનો વિશિષ્ટ આકાર-વ્યવહાર હોય, લલિત મધુર અંગલીલા હોય (એ અનુરાગના કાર્યરૂપે), અને એના મુખ પર ચિન્તા, ઔત્સુક્યાદિ અનુરાગની સહચારિણી અન્ય મનોવૃત્તિ પ્રકટ થતી હોય, તો એ તરુણના ચિત્તમાં રતિભાવનો ઉદય થયો છે એવું અનુમાન થઈ શકે છે. આવા અનેક પ્રસંગોના અનુભવથી પ્રેક્ષક એવા અનુમાનમાં કુશળ બન્યો હોય છે. એ પ્રેક્ષક નાટક જોવા જાય છે ત્યારે ત્યાં પણ પ્રમદા, ઉદ્યાન, કટાક્ષાદિ ચેષ્ટા અને ચિન્તા ઔત્સુક્યાદિ ભાવો જુએ છે. નાટકમાંની એ સામગ્રી લૌકિક સામગ્રીથી ભિન્ન કક્ષાની અર્થાત્‌ અલૌકિક હોય ને વિભાવ, અનુભાવ, વ્યભિચારીભાવ એવા પરિભાષિક શબ્દોથી ઓળખાય છે. લૌકિક પ્રણયપ્રસંગના અનુભવી એ પ્રેક્ષકને નાટકમાંની વિભાવાદિ સામગ્રી જોઈને નાયકમાં રતિભાવની પ્રતીતિ થાય છે પણ નાટકદર્શન દરમ્યાન, આ વિભાવ, આ અનુભાવ, આ વ્યભિચારી ભાવ મારા છે કે અન્યના છે એવો, અથવા તો મારા નથી કે અન્યના નથી એવો એકે પ્રકારનો નિશ્ચય એ પ્રેક્ષક કરી શકતો નથી. તેથી એને એ વિભાવાદિની સ્થલકાળવ્યક્તિત્યાદિવિશિષ્ટ ધર્મથી રહિત સાધારણીકૃત પ્રતીતિ થાય છે, અર્થાત્‌ શકુન્તલા રતિભાવનો આલંબન-વિભાવ હોય તો તેને તે અમુક સ્થળકાળથી સંબદ્ધ અમુક વ્યક્તિત્વવાળી શકુન્તલા તરીકે જોતો નથી. પણ કેવળ કામિનીરૂપે જુએ છે. સાધારણીકૃત સ્વરૂપે, કેવળ કામિનીરૂપે શકુન્તલારૂપ વિભાવનું ગ્રહણ કરતા એ પ્રેક્ષકના ચિત્તમાં સૂક્ષ્મ વાસનારૂપે નિગૂઢ રહેલો રતિ સ્થાયીભાવ અભિવ્યક્ત થાય છે. એ રીતે અભિવ્યક્ત થતો રતિભાવ તે તે પ્રેક્ષકનો આત્મગત રતિભાવ હોય છે. તે છતાં, વિભાવાદિ સામગ્રીનો સાધારણીભાવ થયો હોય છે તેથી એ રતિભાવ અમુક નામની વિશિષ્ટ વ્યક્તિથી સંબદ્ધ હોય એ રૂપે પ્રતીત થતો નથી. પ્રેક્ષકનો એ રતિભાવ જ્યારે રસરૂપે આસ્વાદ્ય બને છે ત્યારે એ રસાસ્વાદને સમયે, આ વિભાવાદિ મારા છે, હું રસનો આસ્વાદક છું એ પ્રકારનો પરિમિત પ્રમાતૃભાવ (પોતે જે પરિમિત રૂપે એનો પ્રમાતા એટલે ગ્રાહક છે એ ભાવ) એનો વિગલિત થાય છે—લુપ્ત થાય છે. એ સમયે પ્રમાતા અર્થાત્‌ રસાસ્વાદ કરતો પ્રેક્ષક અન્ય લૌકિક વિષયના જ્ઞાનથી અસ્પૃષ્ટ હોય છે—અર્થાત્‌ એને અન્ય લૌકિક વિષયોનું જ્ઞાન કે સંવેદન હોતું નથી. ઉપરાંત એ પોતાનું પરિમિત વ્યક્તિત્વ—વિસરી જઈને અપરિમિતભાવનો અનુભવ કરતો હોય છે. એ પ્રેક્ષકનો પરિમિતભાવ લુપ્ત થયો હોઈને એ સર્વે સહૃદયો જોડે—સર્વે પ્રેક્ષકો જોડે—સમાનભાવથી—હૃદયસંવાદ અનુભવે છે, અને એને વ્યક્તિગત નહિ પણ સર્વસાધારણ એવો રસનો સાક્ષાત્કાર થાય છે.[2] અહીં એક શંકા ઊપજે : રસ એટલે રત્યાદિ સ્થાયીભાવનો આસ્વાદ; સ્થાયીભાવનો આસ્વાદ એ જ રસ; સ્થાયીભાવ આસ્વાદ્ય છે, અને રસ તે તેનો આસ્વાદ છે. આસ્વાદ અને આસ્વાદ્ય વિષય એક નહિ પણ ભિન્ન છે તો પછી ‘રસનો આસ્વાદ’ એમ કેમ કહી શકાય? એ તો ‘આસ્વાદનો આસ્વાદ’ એમ કહેવા જેવું થયું. આ શંકાનું સમાધાન એ કરાયું છે કે વિજ્ઞાનવાદી બૌદ્ધો બાહ્ય વિષષનું અસ્તિત્વ માનતા નથી; વિષય જ્ઞાનસ્વરૂપ છે, જ્ઞાતાનું જ્ઞાન જ વિષય રૂપે ભાસે છે, એમ માને છે. આમ હોઈને વિષયના જ્ઞાન સમયે જ્ઞાનસ્વરૂપ વિષય જ જ્ઞેય બને છે. અહીં જે પ્રકારે વિષય જ્ઞાનસ્વરૂ૫ છે છતાં જ્ઞેય બને છે, તે જ પ્રકારે રસ આસ્વાદરૂપ છે છતાં આસ્વાદ્ય બને છે. પ્રેક્ષક જે રસને આસ્વાદે છે એનું પ્રાણભૂત તત્ત્વ ચર્વણા છે. એ ચર્વણા અટકે એટલે રસની પ્રતીતિ પણ અટકે, એ ચર્વણા વિભાવાદિનું અસ્તિત્વ હોય ત્યાં સુધી જ થતી હોય છે તેથી ચર્વણા નિત્ય નથી. ચર્વણા એટલે સતત ભાવના, અનુસંધાન, પરિશીલન. આ પ્રમાણે અનુભવાતો રસ જાણે કે આપણી સમક્ષ સ્ફુરાયમાણ બની રહે છે, જાણે કે આપણા હૃદયમાં પ્રવેશે છે, આપણા અંગેઅંગમાં વ્યાપી રહેતો હોય એમ આપણને આલિંગીને રહે છે. રસાસ્વાદને સમયે વિભાવાદિ સામગ્રી સિવાયના અન્ય સર્વે વિષયોનું તિરોધાન થાય છે, અન્ય વિષયોનું પ્રતિભાન હોતું નથી. જાણે કે બ્રહ્માસ્વાદનો અનુભવ કરાવતો હોય એવો આ રસ અલૌકિક છે, ચમત્કારક છે. રસાસ્વાદની આ માનસિક પ્રક્રિયાને આપણે ફરીથી સરલરૂપે જોઈ જઈએ. જેને રસશાસ્ત્રમાં સ્થાયીભાવ નામ આપ્યું છે એ રતિ, ઉત્સાહ, શોક વગેરે આઠ મનોભાવ પ્રત્યેક માનવના ચિત્તમાં સૂક્ષ્મ વાસનારૂપે, સંસ્કારરૂપે જન્મથી જ નિગૂઢ રહ્યા હોય છે. એને અભિવ્યક્ત એટલે કે પ્રકટ થવા માટેની સામગ્રી પ્રાપ્ત થતાં એ અભિવ્યક્ત થાય છે. એ ભાવનો આસ્વાદ આનંદમય રસરૂપે પ્રતીત થાય છે. રંગભૂમિ ઉપર ભજવાતું નાટક જોતા પ્રેક્ષકને પોતાના લૌકિક વ્યક્તિત્વનું ઉત્કટ ભાન હોતું નથી, એનું વિસ્મરણ થાય છે અથવા તો એ એના ચિત્તની સપાટી ઉપરથી ઊંડું ઊતરી જાય છે. રંગભૂમિ ઉપરના દુષ્યન્તશકુન્તલાદિ વિભાવને, એમના અનુભાવોને અને વ્યભિચારી ભાવોને એ એના વ્યક્તિગત વિશિષ્ટ સ્વરૂપે જોતો નથી. જો એ દુષ્યન્તને અને શકુંતલાને અમુક કાળગત, અમુક સ્થલથી સંબદ્ધ, અમુક વિશિષ્ટ વ્યક્તિત્વથી યુક્ત, એવા સ્વરૂપે જુએ તો એ નાયકનાયિકાના ભાવનો અનુભવ પ્રેક્ષક ન કરી શકે, કારણ કે આવું સ્થળકાળવ્યક્તિત્વની વિશિષ્ટતાવાળું જ્ઞાન હોય તો એવી કણ્વ પુત્રી દુષ્યન્તપ્રેયસી આશ્રમકન્યા શકુન્તલા પ્રત્યે એ રતિભાવ સેવી શકે નહિ. પણ પ્રેક્ષકને જેમ પોતાના વૈયક્તિક પોતાપણાનું વિસ્મરણ થયું હોય છે તેમ દુષ્યન્તનું દુષ્યન્તત્વ અને શકુન્તલાનુ શકુન્તલાત્વ એને પ્રતીત થયા છતાં એ પ્રતીતિ આ કાન્ત છે આ કાન્તા છે એવા સાધારણ સ્વરૂપની પ્રતીતિમાં પરિણમે છે. આ માનસવ્યાપારને સાધારણીકરણ વ્યાપાર કહે છે એ આપણે જોઈ ગયા છીએ. આમ એ પ્રેક્ષક, રંગભૂમિ ઉપરની ‘કાન્તા’ ને (શકુન્તલાને શકુન્તલા રૂપે જ નહિ પણ કાન્તારૂપે) જોઈને પોતાની વાસનાના ઉદ્‌બોધથી અભિવ્યક્ત થતા રતિભાવનો આસ્વાદ કરે છે. એ આસ્વાદ દરમ્યાન એ વિભાવાદિ પ્રત્યે એને (લૌકિક મનોવૃત્તિના અનુભવમાં હોય તેવું, મમત્વ કે પારકાપણાનું ભાન નથી હોતું. એ સમયે એને પોતાના લૌકિક વ્યાવહારિક જીવનના વિષયોનું પ્રસંગોનું કે મનોભાવનું જ્ઞાન નથી હોતું. એ પણ એના ચિત્તની સપાટી ઉપરથી ઊંડે ઊતરી જાય છે. પ્રેક્ષક તલ્લીન બને છે. આમ પોતાની વૈયક્તિક પરિમિતતા (મર્યાદા) વીસરી ગયેલો એ પ્રેક્ષક આખા સહૃદય સમાજ સાથે (અન્ય પ્રેક્ષકો સાથે) હૃદય સંવાદ અનુભવે છે. બધા પ્રેક્ષકો તલ્લીન હોય છે. એને પોતે જેનો આસ્વાદ કરી રહેલો છે એ રતિભાવ, અર્થાત્‌ એ રતિભાવનો આસ્વાદ, અપૂર્વ અને સંપૂર્ણ આનંદનો અનુભવ કરાવે છે. સ્થાયીભાવના આસ્વાદમાંથી પ્રતીત થતો, પ્રત્યક્ષ થતો, આંનદાનુભવ તે જ રસ પ્રેક્ષક એ સ્થાયીભાવને મનમાં “ચાવ્યા” કરે છે, ઘોળ્યા કરે છે તે જ એના રસાસ્વાદનું પ્રાણભૂત તત્ત્વ છે. એ રસાસ્વાદમાં પરિમિતતા નથી, લૌકિકતા નથી તેથી એ અલૌકિક કહેવાય છે. એ વખતે પ્રેક્ષક સર્વે પ્રેક્ષકો જોડે એકાત્મભાવ અનુભવે છે, પોતાના લૌકિક સુખદુઃખનું વિસ્મરણ કરે છે. ‘આ રસાસ્વાદથી મારો આ સ્વાર્થ સાધીશ, આ કાર્ય કરીશ.’ એ પ્રકારનો હેતુ એમાં હોતો નથી એટલે કે એ રસાસ્વાદમાં લૌકિક અહં-ભાવ હોતો નથી. એ વખતે સંસારના વિષયોનું ભાન કે સ્મરણ થતું નથી. આ કારણે આ રસાસ્વાદને જ્ઞાનીઓને બ્રહ્મ સાક્ષાત્કારથી થતા પરમ આનંદ જેવો ગણવામાં આવે છે. રસાસ્વાદ એ પણ રસનો સાક્ષાત્કાર છે. એક મહત્ત્વની વાત લક્ષમાં રાખવી : પ્રેક્ષક જે આસ્વાદ કરે છે તે પોતાના જ (વાસના રૂપે નિગૂઢ રહેતા, નાટકદર્શનથી અભિવ્યક્ત થયેલા) સ્યાથીભાવનો આસ્વાદ કરે છે. એ સ્થાયીભાવ અવ્યક્ત હતો તે વ્યક્ત થાય છે એનું આસ્વાદન થાય છે; એ આસ્વાદનનો આનંદ પ્રેક્ષકને પ્રત્યક્ષ નહોતો તે પ્રત્યક્ષ થાય છે, એનો સાક્ષાત્કાર થાય છે. તત્ત્વજ્ઞાનીઓ કહે છે કે પરમાત્માને બહારથી શોધવો પડતો નથી. પ્રત્યેક વ્યક્તિનો આત્મા પરમાત્મા જ છે પણ એને એવું ભાન હોતું નથી કારણ કે એને અજ્ઞાનનું આવરણ નડે છે. એ આવરણનો ભંગ થાય ત્યારે એને પોતાનામાં જ બ્રહ્મનો સાક્ષાત્કાર થાય છે. માનવનો આત્મા સત્‌ રૂપ છે, ચિત્તરૂપ (જ્ઞાનરૂપ) છે, આનંદરૂપ છે. મહાસાક્ષાત્કાર જ્ઞાનનું આવરણ કરતા અજ્ઞાનરૂપી આવરણનો ભંગ થતાં થાય છે, તે પ્રમાણે આનંદરૂપ રસનો સાક્ષાત્કાર ચિત્તના અનાનંદરૂપ આવરણનો ભંગ થવાથી પોતામાં જ થાય છે. રત્યાદિ સ્થાયીભાવ તે જ આનંદમય રસરૂપે પ્રત્યક્ષ થાય છે. એ આનંદ સ્વયમ્‌ એકરૂપ છે, એના પ્રકારો નથી; તો પણ પ્રથમ ઉદયને ક્રમે એ રત્યાદિ સ્થાયીભાવમાંના એકથી રંગાયેલો હોય છે. તેથી આઠ (કે નવ) સ્થાયીભાવ અનુસાર રસના પણ આઠ (કે નવ) પ્રકાર માનવામાં આવ્યા છે, પણ રસાસ્વાદ એથી ઉચ્ચતર કોટિએ પહોંચે છે ત્યારે તે સ્થાયીભાવથી રંગાયેલો હોતો નથી, કેવળ શુદ્ધ આનંદરૂપ હોય છે. પ્રેક્ષકનો પોતાનો જ સ્થાયીભાવ આનંદમય રસરૂપે અનુભવાતો હોવાથી રસાસ્વાદ એને અન્તિમ સ્વરૂપે બાહ્ય વિષયનો અનુભવ નથી પણ માત્ર આત્મગત અનુભવ છે, અર્થાત્‌ subjective અનુભવ છે. રસની બે કક્ષા અભિનવગુપ્ત માને છે. પ્રથમ કક્ષાએ સાધારણીકૃત વિભાવાદિ દ્વારા પ્રેક્ષક સ્થાયીભાવનો આસ્વાદ કરે છે સ્થાયીભાવનો એ આસ્વાદ રસરૂપે પ્રતીત થાય છે, એ કક્ષાએ રસ સ્થાયીભાવથી રંગાયેલો હોય છે. આ કક્ષાને અનુલક્ષીને ‘રસ આસ્વાદ્ય છે.’ એવો શબ્દ પ્રયોગ કરી શકાય છે. પણ બીજી, ઉચ્ચતર, કક્ષાએ સ્થાયીભાવ પ્રેક્ષકના ચિત્તની સપાટી પરથી ઊંડો ઊતરી જાય છે, અને પ્રેક્ષક અન્તર્મુખ બનીને, પોતાના આત્મામાં જ વિશ્રાન્તિ પામીને, કેવળ આનંદનો અનુભવ કરે છે. આ કક્ષાએ રસ કેવળ આસ્વાદ રૂપ છે, આહ્‌લાદરૂપ છે, આનન્દસ્વરૂપ છે. રસાનુભૂતિના અવાન્તર ક્રમો અભિનવગુપ્તે રસાનુભૂતિની, ઇન્દ્રિયજન્ય પ્રત્યક્ષ જ્ઞાનથી માંડીને આત્મગત આન્તર પરમાનંદની અનુભૂતિપર્યન્તની ક્રમવ્યવસ્થા દર્શાવી છે. આપણે એવી ક્રમવ્યવસ્થા સરલ અને સંક્ષિપ્ત રૂપે કરીશું તો તે આ વિષયને સમજવામાં મદદરૂપ બનશે. પ્રેક્ષકના અનુભવની ક્રમવ્યવસ્થા આ રીતે શ્રી કાન્તિચંદ્ર પાંડેએ આપી છે. ૧ પ્રથમ નાયક નાયિકાનું અને દૃશ્યસંનિવેશનું (વિભાવોનું) તથા અભિનયનું (અનુભાવોનું) દર્શન; અને વાચિક અભિનયનું, ગીત સંગીતનુ ઉદ્દીપનવિભાવનો અંગભૂત કાંઈ ધ્વનિ હોય તો તેનું શ્રવણ. પ્રેક્ષક દૃષ્ટિ અને શ્રવણ બે ઇન્દ્રિયોનો ઉપયોગ કરે છે. ૨ કલ્પનાનો વ્યાપાર, જે દૃષ્ટ શ્રુત છે તેનું કલ્પનાથી સમૃદ્ધ થતું, કાંઈ અલ્પ ઊણપ હોય તો એને અવગણીને પોતાની ભાવદશાને અનુરૂપ કરનારું, માનસિક ‘દર્શન’; નાટ્ય સર્જકે કલ્પનાથી સર્જેલા અભિનવ જગતની પ્રેક્ષક અનુ-કલ્પના કરે છે. ૩ પ્રેક્ષકના વ્યક્તિત્વભાવનો વિલય; અને નાયકનાયિકા (વિભાવો)નું, અનુભાવોનું, વ્યભિચારી ભાવોનું—અર્થાત્‌ સ્થાયીભાવ વ્યંજક સામગ્રીનું–સાધારણીકરણ. ૪ ભાવાનુભતિ—નાયકગત સ્થાયીભાવનું ભાવન (સાધારણીકરણ અને અન્તર્ગત વાસનાપ્રબોધને પરિણામે) સ્થાયીભાવનું રસત્વાપાદન. ૫ વિષયવિષયી (દૃશ્ય અને દર્શક, ભાવ અને ભાવક) એવી બે કોટિ તે તેનું વિસ્મરણ, વિલયન અને આત્મગત પરમ આનંદરૂપ રસની અનુભૂતિ. રસાસંવાદમાં વિઘ્નો પ્રેક્ષક જે પ્રતીતિ કરે છે તે નિર્વિઘ્ન હોય તો જ એને રસાસ્વાદ થાય છે એમ અભિનવગુપ્ત કહે છે. એ વિઘ્નો એટલે બાળ આગન્તુક વિઘ્નો નહિ. પ્રેક્ષકની માનસિક અવસ્થામાંથી, અથવા નાટ્યલેખકે કે પ્રયોજકે યોજેલી સામગ્રીની અપર્યાપ્તતામાંથી આ વિઘ્નો ઊપજે છે. અભિનવગુપ્ત નીચે પ્રમાણે સાત વિઘ્નો અને એના નિવારણના ઉપાયો જણાવે છે. ૧. પ્રતિપત્તિ—અયોગ્યતા, સંભાવનાવિરહ. એટલે નાટકમાં જે વસ્તુ રજૂ થતું હોય તેના અર્થનું ગ્રહણ કરવાની અયોગ્યતા : “આ અસંભવિત છે” એવા ખ્યાલમાંથી એ ઊપજે છે. આના ઉપાય : એમાં પ્રેક્ષકની શક્તિન્યૂનતા હોય તો પ્રેક્ષકે સાચું સહૃદયત્વ કેળવવું જોઈએ. અને લેખકની ન્યૂનતા હોય તો લેખકે સંભાવ્ય સાથે, પ્રતીતિજનક બને, એવાં નાયકનાયિકાદિ અને એવા પ્રસંગો પસંદ કરીને એ સંભાવ્ય લાગે પ્રતીતિ જનક થાય એ પ્રકારનું એનું નિરૂપણ કરવું જોઈએ. ૨ દેશકાલના ચોક્કસપણાનો ખ્યાલ ચાલુ રાખે તેવું, સુખ દુઃખમાં પોતાપણાનું ભાન—જે સાધારણીકરણમાં બાધક નીવડે. ૩ દેશ કાલના ચોક્કસપણાનો ખ્યાલ ટકાવી રાખે (અર્થાત્‌ સાધારણી કૃતિમાં નડતર ઊભી કરે) તેવું સુખદુઃખ પારકા હોવાનું એક ભાન–ઔદાસીન્ય. આ બન્ને વિઘ્નોનો ઉપાય એ છે કે પ્રયોજકે પ્રેક્ષકને સ્વગતપણાના કે પરગતપણાના અનુભવમાંથી મુક્ત બનાવે એવી યુક્તિઓનો પ્રયોગમાં સફળ રીતે ઉપયોગ કરવો. નાટક શરૂ થતા પહેલાંનો ગીતવાજિંત્રવાદન રૂપ પૂર્વરંગપ્રયોગ, નટના વ્યક્તિત્વને છુપાવી દે એવી વેશભૂષાની સજાવટ, પ્રેક્ષકને બનાવે એવો અભિનય વગેરે આવી યુક્તિઓ છે. આધુનિક સમયની રંગભૂમિમાં પણ પ્રેક્ષકને તલ્લીન બનાવે એ માટે મુખરંજન, વેશભૂષા, પ્રકાશયોજના, અભિનય વગેરે યુક્તિઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ બધા ઉપાયો પ્રેક્ષકને આત્મવિસ્મૃતિ કરાવીને સાધારણીકૃત પ્રતીતિ માટે તૈયાર કરનારા છે. ૪ નિજસુખાદિવિવશી ભાવ. એટલે પોતાનાં સુખદુઃખાદિના ઉત્કટ અનુભવને પરિણામે પ્રેક્ષકના ચિત્તની વિવશતા. વિઘ્ન ૨માં સ્વગત લાગતા અનુભવથી દેશકાલની વિશિષ્ટતાનું ભાન ટકી રહે છે. આ વિઘ્ન ૪થું પણ એ જ પ્રકારનું લાગે છે. પણ આ ૪થા વિઘ્નમાં વિવશતા છે, જ્યારે વિઘ્ન બીજામાં કેવળ સુખદુઃખ પરત્વે પોતાપણાનું ભાન ચાલુ રહે છે, એટલો ભેદ છે. પ્રેક્ષકની ઉપર એવું ઉત્કટ અસહ્ય દુઃખ પડ્યું હોય કે પોતાના ચિત્ત ઉપરનો કાબૂ ખોઈને વિવશ બની જાય, તેવી અવસ્થા તે આ ૪થું વિઘ્ન. એનો ઉપાય પણ પ્રેક્ષકને પોતાપણાનું અને સુખદુઃખનું વિસ્મરણ કરાવીને સાધારણીકૃત અનુભવને યોગ્ય બનાવે એવી પર્યાપ્ત યુક્તિઓ સાથેનો સફળ અભિનય અને સફળ પ્રયોગ એ જ છે. ૫ પ્રેક્ષકને પ્રતીતિ ઉપજાવવા માટે આવશ્યક હોય એવા ઉપાયોની અપર્યાપ્તતા અને એથી રહી જતી અસ્ફૂટતાઃ પ્રતીતિ ઉપાયનું વૈકલ્ય અને તજ્જન્ય અસ્ફુટત્વ. ઉપાય : જેનો અભિનય થતો હોય તે ભાવની પ્રેક્ષકને પૂરેપૂરી પ્રતીતિ થાય તે માટે વેશભૂષા દૃશ્યસંનિવેશ વગેરે ઉપરાંત વાચિક, આંગિક અને સાત્ત્વિક અભિનયની સંપૂર્ણતા અને સ્ફુટતા સાધવી જોઈએ. ૬ અપ્રધાનતા એટલે જે વસ્તુ કે ભાવ પ્રધાન હોય, પ્રધાનરૂપે અનુભવવા માટે કલ્પાયેલો હોય, તેનું જ અપ્રધાનત્ત્વ. ઉપાય : સર્વે ભાવોમાં સ્થાયીભાવ પ્રધાન છે, એની પ્રધાનરૂપે પ્રેક્ષકને પ્રતીતિ થાય એવી લેખકની અને પ્રયોજકની નેમ હોય છે. એ સ્થાયીભાવ પોતાનું પ્રધાનત્વ જાળવી રહે એવી કાળજી લેખકે પ્રયોજકે અને અભિનેતાગણે રાખવી જોઈએ. ૭ સંશયયોગ કયા અનુભાવથી અને વ્યભિચારી ભાવથી કયા ભાવની પ્રતીતિ અભિપ્રેત છે એ વિશે પ્રેક્ષક સંશયગ્રસ્ત રહે, એ કલ્પી શકાય એમ છે. કારણ કે, વિભાવને અને અનુભાવને અને વ્યભિચારી ભાવને એકત્ર નહિ પણ અલગ અલગ ધ્યાનમાં રાખીએ તો એ પ્રત્યેકનો અલગ સંબંધ અમુક સ્થાયીભાવ જોડે જ હોઈ શકે, બીજા સાથે નહિ, એવો નિયમ નથી. વ્યાઘ્ર, શત્રુ વગેરે ક્રોધનો વિભાવ તેમ ભયનો વિભાવ પણ બની શકે; આંસુ વગેરે શોકનું પરિણામ છે તેમ આનંદનું પણ પરિણામ હોય છે અને નેત્રરોગનું પરિણામ પણ હોઈ શકે. શ્રમ–ચિંતાદિ વ્યભિચારી ભાવોનો સહચાર ઉત્સાહ, ભય આદિ સ્થાયીભાવો સાથે શક્ય છે. આમ અલગ એકલા વિભાવ પરથી, કે અલગ એકલા વ્યભિચારી ભાવથી કે અલગ રીતે જોવાતા અનુભાવ પરથી જુદા જુદા સ્થાયીભાવનું અનુમાન થવાનો અવકાશ રહે છે. આ કારણે સંશયયોગ ન ઉપજે એ ઉદ્દેશથી ભરત મુનિએ જ વિભાવ અનુભાવ–વ્યભિચારી ભાવનો સંયોગ જ ઉપદૃશ્યો છે, એ સંયોગને જ સ્થાયીભાવની અને રસની નિષ્પત્તિ કરવાને સમર્થ માન્યો છે. કવિ કે પ્રયોજક એક રજૂ કરે અને બીજાને ન કરે તો જ સંશયનો અવકાશ રહે. અથવા, પ્રેક્ષક એ ત્રણે તત્ત્વોને સંયુક્ત રૂપે નહિ પણ અલગ અલગ જુએ તો જ એમાંથી કયા સ્થાયીભાવનું અનુમાન કરવું એ બાબતની સંદિગ્ધતા રહે સર્વે તત્ત્વોને સંયુક્ત રૂપે, સામગ્રી રૂપે, યોજવામાં અને અનુભવવામાં આવે તો તેમાંથી એક જ સ્થાયી ભાવનું નિરસંદેહ અનુમાન સ્વયમેવ નીપજે. અભિનવગુપ્તના અને ભટ્ટ નાયકના મતની સરખામણી અભિનવગુપ્તે ભટ્ટ નાયકના સાધારણીકરણવ્યાપારને સ્વીકારી લીધો પણ એની ‘ભાવના’ એવા અપૂર્વ નામકરણની જરૂર ન માની. ભટ્ટ નાયકે કહ્યું કે સામાજિક, સાધારણીકૃતિથી ભોગયોગ્ય બનેલા, નાયકગત, સ્થાયીભાવોને “ભોગ” કરે છે, પણ અભિનવને મતે સામાજિક નાયકના સ્થાયીભાવોનો ઉપયોગ કરતો નથી. એનો મત એવો છે કે સાધારણીકરણથી નાયકનાયિકા ભાવો આનુભાવો વ્યભિચારી ભાવો વગેરે પોતાનું સ્થલકાળવૈશિષ્ટ્ય તજીને કાન્ત-કાન્તાદિક સાધારણ રૂપે પ્રતીત થાય છે તેથી કાન્તા (નાયિકા) પ્રતિ નાયકનો જેવો રતિભાવ છે તેવો જ રતિભાવ સામાજિકના ચિત્તમાં, વાસનાના પ્રબોધથી અનુભવાય છે, અને નાયિકાનું કાન્તારૂપ સાધારણીકરણ એ શક્ય બનાવે છે. સામાજિક નાયકગત ભાવનો ભોગ કરતો નથી, પણ પોતાના અન્તર્ગતભાવનું ચર્વણ કરે છે એને રસાનુભૂતિ કહે છે.[3]

પાદટીપ :

  1. મમ્મટ કૃત કાવ્યપ્રકાશ ઉલ્લાસ ૪ જુઓ
  2. સરખાવોઃ—An object that pleases me aesthetically, please the impersonally, and what pleases me impersonally, please me as a member of humanity, and not as a nuique individual,
    –Katherine and Gilbert કૃત History of Estheticsમાં કર્તાઓએ રજૂ કરેલો Kantનો મત.)
  3. રસશાસ્ત્રના પારિભાષિક શબ્દ ‘સાધારણીકરણ’ માટે અંગ્રેજી શબ્દ ‘Universalization’ વપરાય છે તેથી, એ બે વચ્ચે ભ્રમ ન થાય એવી કાળજી આવશ્યક બને છે. Universalization એ કવિએ કરવાની કાવ્યનિર્માણના સમયની, પ્રક્રિયા છે. ‘સાધારણીકરણ’ એ રસાનુભૂતિ કરનાર સામાજિકનો ચિત્તગત વ્યાપાર છે. કવિએ નાયકનાયિકા વગેરેનું, સ્થળકાળવ્યક્તિત્વવિશિષ્ટ, નિર્માણ કર્યું હોય.

Lua error in package.lua at line 80: module ‘strict’ not found.

(નાટ્યરસ)