સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રામપ્રસાદ બક્ષી/બાણ અને ગોવર્ધનરામ : શૈલીવિષયક તુલના
શૈલીવિષયક તુલના
શ્રીયુત ગોવર્ધનરામ ત્રિપાઠીની, સરસ્વતીચંદ્રમાં એમણે વાપરેલી, ભાષાશૈલી વિશે જે અનેક અને વિવિધ અભિપ્રાયો દર્શાવવામાં આવે છે તેમાં એક સાધારણ રીતે પ્રચલિત બની ગયેલો અભિપ્રાય એવો છે કે એમની શૈલી બાણ કાદમ્બરીકાર જેવી છે. આ સામ્યદર્શન કંઈક અંશે લાંબાં વિચારઘન વાક્યો પૂરતું અને અધિક અંશે ઉત્પ્રેક્ષા અલંકારના પ્રયોગના માની લીધેલા સમાન અંશને આધારે પ્રચલિત બનવા પામ્યું છે; તેથી શ્રી ગોવર્ધનરામની વાણીની લાક્ષણિકતાને અંશતઃ અન્યાય થાય છે. એ સામ્યદર્શન સામાન્ય વાચકની અનિપુણદર્શી દૃષ્ટિને અનુરૂપ કદાચ આપણે ગણી લઈએ; પણ બારીકીથી, કાળજીથી જોઈને એ બે લેખકોની શૈલીની તુલના કરીશું તો એ માની લીધેલું સરખાપણું સંપૂર્ણ રીતે પુરવાર થતું નથી એમ જણાય છે, અને શ્રી ગોવર્ધનરામની સ્વકીય શૈલીવિશિષ્ટતાની પ્રતીતિ થાય છે. બાણની મહાવાક્યરચના અને એની ઉત્પ્રેક્ષા, એ બંને શૈલીવિશિષ્ટતાઓ એકબીજાને આશ્રયે રહેલી છે. લાંબાં લાંબાં વાક્યો રચવાથી ઉદ્દેશ્ય અને વિધેય વચ્ચે અંતર પડી જાય છે. તેથી વક્તવ્યમાં અર્થભાન દૂરાન્વયથી દુઃસાધ્ય બને છે. જે વિધાન કરવાનું છે, જે વિધાન કથાવસ્તુનો આવશ્યક અંશ હોઈ અવશ્ય કરવું પડે તેવું હોય છે, એ વિધાન અલંકારભૂષાના આડંબરમાં દબાઈ જાય છે. આમ થવાનું કારણ બાણની અનેક ઉત્પ્રેક્ષામાં વિહરતી કલ્પના છે. એનો એ ઉત્પ્રેક્ષાઓ કાઢી નાખીએ તો વાક્ય સહજ રીતે ટૂંકા બની જાય. અને લાંબાં વાક્યમાં સમાવી શકાતી અર્થસમૃદ્ધિનો આગ્રહ બાણને ન હોય, દૂરાન્વયને એ સર્વથા વર્જ્ય ગણે, તો ઉત્પ્રેક્ષાપરંપરા લંબાવવાને બાણ લલચાય નહિ, આ પ્રમાણે વાક્યદીર્ઘતા અને ઉત્પ્રેક્ષા વચ્ચે અન્યોન્યાશ્રય છે. આ કથનના સમર્થનમાં બાણરચિત કાદંબરીમાંથી ઉદાહરણો અહીં ટાંકવાની જરૂર નથી–કારણ કે જેઓ એ કથાના અભિજ્ઞ છે તેઓને ઉદાહરણની જરૂર નહિ રહે અને જેમને એ સંસ્કૃત રચનામાં રસ નથી તેમને એ વાક્યમહોદ્યાનમાં પ્રવેશ કરવો એ ભુલભુલામણીમાં દાખલ થવા જેવું કંટાળાનું કારણ બને. પરંતુ બાણની એ શૈલીનો સર્વથા સર્વત્ર દોષ જ જોવામાં આવે છે એ લક્ષમાં રાખીને એનાં ગુણપક્ષ સંક્ષેપમાં દર્શાવવો યોગ્ય છે. કાદમ્બરીની ભાષાને અતિ-પરિશ્રમ વિના સમજી શકે એવાને જ ઉદ્દેશીને કહેવું પ્રાપ્ત થાય છે; જેમને એટલો સંસ્કૃતનો ગ્રહણવેગ સાંપડ્યો નથી એમને તો એ બધું દુર્બોધ રહે એ સમજાય તેવું છે. કાદમ્બરી એવા માટે નથી; છતાં એવાં સુકુમાર બુદ્ધિવાળાં અથવા તો પક્વ ભાષાજ્ઞાન વગરનાં તરુણ-તરુણીઓને શિરે પરીક્ષા પાસ કરવા ખાતર એ ગ્રંથનો અમુક ભાગ વાંચવો પડે છે એ વસ્તુસ્થિતિ એ પરીક્ષાર્થીઓને મોટી વિપત્તિ છે, પાઠ્યપુસ્તક નિયત કરનારાઓની બાણ માટેની અતિભક્તિની તેમ જ શીખનારની અશક્તિની, ઉપેક્ષાની, નિશાની છે, અને કાદંબરીકાર મહાકવિ બાણની મંદભાગ્યતા છે. એ વાચકવર્ગની દૃષ્ટિએ બાણને જોવાય નહિ અને મૂલવાય નહિ. એમાં તો ‘ભવતિ યોજયિતુર્વચનીયતા.’ વસ્તુસ્થિતિના આટલા નિરૂપણ પછી હવે બાણની શૈલીનો ગુણપક્ષ લક્ષમાં લઈ શકાશે. બાણની ઉત્પ્રેક્ષાની લાંબી વિથિમાં પ્રવેશ કરનારને બુદ્ધિને પ્રદીપ્ત કરે અને રસવૃત્તિને તૃપ્ત કરે એવાં વિવિધ સૌન્દર્યદર્શનનો લાભ મળે છે અને એ રીતે લાંબી મજલનો એને સારો બદલો મળી રહે છે. હા, એવી પણ ઉત્પ્રેક્ષાઓ બાણ યોજે છે જ્યાં ચાલુ વિષય અને એમાં બાણે આપેલાં ઉપમાન, એ બે વચ્ચે સાધર્મ્ય કેવળ કલ્પિત હોય અથવા કલ્પનાસાધ્ય પણ ન હોય એવું માત્ર શબ્દના શ્લેષથી થતા બે અર્થોને આધારે રહેલું વાસ્તવિક સાધર્મ્ય વિનાનું શબ્દાર્થગત સાધર્મ્ય હોય. આવી ઉત્પ્રેક્ષાઓનો બચાવ કરવો મુશ્કેલ છે : માત્ર એટલું એના બચાવમાં કહેવું હોય તો કહેવાય કે વાચક્ની બુદ્ધિ એ સરાણ ઉપર ચડીને તીવ્રતાનો ગુણ પ્રાપ્ત કરે છે. એવો બચાવ કરીએ કે ન કરીએ, બાણની શ્રેણિબદ્ધ ઉત્પ્રેક્ષાઓ એક એવો વિશિષ્ટ પ્રકારનો આનંદ આપે છે, ‘ક્લેણઃ ફલેન હિ પુનર્નવરતા વિઘત્તે’ એ ન્યાયે ફલપ્રાપ્તિની ધન્યતા ઉપજાવે છે, અને પરિશ્રમનું વિસ્મરણ થતાં અવશેષરૂપે આત્મસંતોષનો અનુભવ કરાવે છે. ગુણપક્ષમાં બીજું એ કહેવાનું છે કે આ ઉત્પ્રેક્ષા અને વાક્યદીર્ઘતા સંસ્કૃતની સમાસરચના ઉપર અવલંબે છે; અને બાણની સમાસરચના એવા પ્રકારની છે કે અધિકારી વાચકને વાચનમાત્રથી જ, એ અતિકાય સમાસોમાં અંગભૂત પદો સ્વયમેવ છૂટાં પડી જતાં જણાવાથી, અર્થબોધ ઊપજે. બાણની સમાસરચનાનો આ ગુણ બરાબર સમજવો હોય તો દશકુમારચરિતની કે ઉત્તરકાલીન ચંપૂઓની સમાસરચના સાથે તુલના કરી જોવી. બાણનાં મહાવાક્યોથી ત્રાસીને નાસતા વાચકો એને બેકન જેવી – એથી પણ સુંદરતર, સુશ્લિષ્ટતર, લાઘવભરી – વાક્યશૈલી સુસાધ્ય છે તે જોવા રોકાતા નથી. બાણની શૈલીના દોષદર્શનની સામે આટલું ગુણદર્શન આવશ્યક હતું. હવે બાણની અને ગોવર્ધનરામની શૈલીની લાંબાં વાક્ય પરત્વે અને ઉત્પ્રેક્ષા પરત્વે સરખામણી કરીએ. બાણનાં વાક્યો લાંબાં થાય છે તેનું કારણ ઉત્પ્રેક્ષા છે. ઉત્પ્રેક્ષા અલંકાર પ્રસ્તુત વિષયનું અપ્રસ્તુત અન્ય વસ્તુ જોડે સાધર્મ્ય કલ્પવાથી નીપજે છે. અર્થાત્ પ્રસ્તુત વિષય ઉપર અપ્રસ્તુત એવા અન્ય વિષયનું આક્રમણ અને એ બેમાં સામ્ય હોવાની સંભાવના અથવા કલ્પના, એ બંને ઉત્પ્રેક્ષાનાં આવશ્યક તત્ત્વો છે; આનો અર્થ એ થયો કે ઉત્પ્રેક્ષા યોજનારે પ્રસ્તુત વિષયની પડખે અપ્રસ્તુત વિષય મૂકવો પડે અને પ્રસ્તુતમાં અપ્રસ્તુત જેવો હોવાની સંભાવના કરવી પડે. આ પ્રસ્તુત તે relevant ખરા વિષય; અને અપ્રસ્તુત તે સર્વથા irrelevant એમ તો ન જ કહી શકાય. એવી અસંબદ્ધતા માનવી એ ખોટું છે. કારણ કે ઉત્પ્રેક્ષા ખાતર આણેલો અપ્રસ્તુત વિષય પ્રસ્તુત વિષયના બોધમાં, સૌંદર્યદર્શનમાં ઉપકારક છે. ઉત્પ્રેક્ષા એ ખરેખર ભાષાનું અલંકરણ છે, આભૂષણ છે, છતાં એ નરી હકીકતમાં ઉપયોગી નહિ એવી નવી બાબત ખેંચી આણવામાં આવે છે, એમ કોઈ કહે તો એ વાતનો સ્વીકાર કરવામાં આપણો કે બાણનો દોષ ઉત્પન્ન થતો નથી. કેમ કે અલંકાર એ વસ્તુ નથી, વસ્તુનું અલંકરણ છે, એ તો નિર્વિવાદ છે. ભલે અલંકાર ખાતર, પણ સાદાસીધા વક્તવ્ય અર્થ ઉપર અન્ય વસ્તુનો ભાર પડે છે એની ના કહી શકાય નહિ. નરી હકીકતની, સાદી અને સીધી, સ્પષ્ટ અને સરળ રજૂઆતની, અપેક્ષા રાખનારાઓને એ ભાર અસહ્ય બને એમ સ્વીકારી લઈએ. પણ શ્રી ગોવર્ધનરામની શૈલીમાં અલંકરણ ખાતર આણેલાં એવાં—મુલાયમ મનને ભારરૂપ બને તેવાં—બાહ્ય તત્ત્વો નથી આવતાં; એમનાં મહાવાક્યોમાં પણ નથી આવતાં. કથનની પ્રત્યક્ષ પ્રતીતિ થાય તે માટે બે ઉદાહરણો અહીં ટાંકું છું : સરસ્વતીચંદ્ર ભાગ ૧-ના પ્રકરણ બીજામાં પ્રમાદધનની અભ્યાસમાં અરુચિનું વર્ણન આ પ્રકારે કરાયેલું છે : “પ્રમાદધને શાળામાં વેઠિયાવાડથી અભ્યાસ કરેલો હતો; અને ઉમ્મરમાં આવ્યે વિદ્યાવસ્થામાં પરતંત્રતા લાગવાથી, શાળામાં નાનમ લાગવાથી, અભ્યાસ કંટાળાભરેલા વૈતરા જેવો થવાથી, વિદ્યામાં નિર્ધન પુરુષોની ઉપજીવિકાના સાધનપણા વગર બીજું ફલ ન દેખાવાથી, વિદ્યામાં બીજું કાંઈ ફલ હોય તો તે ફલ ભણેલાઓને નોકર રાખી તેમની પાસેથી લઈ શકાશે એવી સમજ હોવાથી; વિદ્યાના ભંડારના નમૂનામાં શાળાના માસ્તર નજર આગળ હતા તેને સઉ ખાલી માન આપતા, પરંતુ રાજકાર્યમાં તેમની સલાહ લેવાની પણ કદી કોઈને જરૂર લાગતી ન હતી તે જોવાની ટેવ હોવાથી, અંગ્રેજી વિદ્યામાં માત્ર સ્વભાષા અને રાજભાષાનું જ મહત્ત્વ લાગવાથી, સંસ્કૃત ભાષા માત્ર શાસ્ત્રીપુરાણી જેવા પૂજનીય પણ ભિક્ષુક વર્ગને જ ઉપયોગી તથા શોભાવાળી દેખાવાથી, ગણિતવિદ્યા, તત્ત્વવિદ્યા, વેદાંત વગેરે તો નવરા માણસો, ઘરડાઓ, સંન્યાસીઓ, સાધનરહિત માણસો અને એવા બીજા માન આપવા યોગ્ય પણ ખરું જોતાં નકામા માણસોને જ ઉપયોગી છે એવું લાગવાથી, પિતાના તરફથી પણ આવા સર્વ વિચારોનું બીજ મળેલું અને તે પોતાના આળસુ વિચારરૂપ જળથી વૃદ્ધિ પામેલું હોવાથી, પિતાનો અને પોતાનો મતભેદ પડે તે પણ પુત્રધર્મથી વિરુદ્ધ છે એ રીતની આવા વિષયોમાં બુદ્ધિ રહેવાથી, આસપાસના મંડળની ખુશામત—અપ્રિય પણ સત્ય બોલનારની ખામી અને અનિષ્ટ પરિણામોના અનુભવનો પ્રસંગ ના આવેલો—એ સઉ કારણથી, પોતાની બુદ્ધિને સારુ સામાન્ય રીતે સર્વને હોય છે તેમ ઊંચો અભિપ્રાય હોવાથી, પ્રમાદધન પ્રમાદમાંજ રહેતો,—” સરસ્વતીચંદ્ર ગ્રંથની છાપેલી વીશ પંક્તિ જેટલા મોટા વિસ્તારમાં વિસ્તીર્ણ થયેલા આ વાક્યમાં એક પણ શબ્દ અપ્રસ્તુત-વિષયક નથી, એ સ્પષ્ટ છે. શ્રી ગોવર્ધનરામનાં લાંબા વાક્યો બાણની માફક ઉત્પ્રેક્ષાપરંપરાથી લંબાતાં નથી, એમાં ઉત્પ્રેક્ષા જ ન હોઈને અપ્રસ્તુતના આક્રમણનો પ્રસંગ જ આવતો નથી. વક્તવ્ય વિષયનાં અનેક અંગઉપાંગો, અનેક કારણોની પરંપરા, એ આ વાક્યના વિસ્તારનું કારણ છે. બાણની અને ગોવર્ધનરામની આ શૈલીનો ભેદ મહત્ત્વનો છે. બાણના ઉત્પ્રેક્ષાપ્રચુર વાક્યવિસ્તારમાં અર્થની સમૃદ્ધિની સાથે સંકુલતા આવી જવાનો દોષાવકાશ રહે છે; ગોવર્ધનરામના આ લાંબા વાક્યમાં કેવળ કારણપરંપરા રૂપે રજૂ થતી વિચારસમૃદ્ધિ છે, સંકુલતા નથી. અપ્રાસંગિક, અનાવશ્યક બાબત એમાં કંઈ જ નથી. આજનો લેખક આમાં જે મુખ્ય વક્તવ્ય રજૂ કરવામાં વિલંબ થાય છે તેને પસંદ નહિ કરે; કારણદર્શક ‘થી’ની વણઝાર વાચકની ઉષ્માને થીજવી નાખે એ આજના લેખકને નહિ ગમે; એથી એ કારણદર્શક ઉપવાક્યોને પૂર્ણ વાક્યો બનાવીને આ રીતે લખશે : “ઉમ્મરમાં આવ્યે વિદ્યાવસ્થામાં એને પરતંત્રતા લાગી; શાળામાં એને નાનમ લાગી...” ઇત્યાદિ. પણ એ ફેરફાર પણ મૂળ વાક્યમાં અપ્રાસંગિક અને અનપેક્ષિત તત્ત્વ કાંઈ નથી એની જ ખાતરી કરાવનારો થશે. એ જ પ્રકરણમાં આ પ્રકારનું પણ એથી પ્રમાણમાં ટૂંકું, કારણપરંપરાવાળું વાક્ય કુમુદસુંદરીની મનોદશાના વર્ણનમાં આવે છેઃ “આમ છતાં કાળના પ્રવાહનું બળ, નવીન સૃષ્ટિનો અનુભવ, બીજાં સઉના આનંદની ભરતીનો વેગ, પોતાના બાળક મનની સ્થિતિસ્થાપકતા; ઈશ્વરેચ્છાને શરણ થવાની આવશ્યકતાબુદ્ધિ, નિરુપાય વાતને નભાવી લેવાનો શાણો વિચાર, અને નવા પતિના સંબંધને લીધે હવે પરપુરુષ બની ગયેલાની કલ્પના પણ કરવી એ પતિવ્રતા-ધર્મથી વિરુદ્ધ છે એવું જ્ઞાન : આ સઉને લીધે બળવાન બાળકીએ પોતાના મનનો તંગ ખેંચી હળવે હળવે સ્વાધીન કરી લીધું હતું અને સમયધર્મને અનુસરવા લાગી હતી.” આ વાક્યમાં પણ કુમુદે પાતાના મનને કયાં કયાં કારણોને લીધે, કયાં કયાં સાધનોની મદદથી, સ્વાધીન કરી લીધું હતું. એ દર્શાવનારી સાધનોની પરંપરા પ્રાસંગિક છે. એમાં અપ્રાસંગિકતા પણ નથી અને અપ્રસ્તુતની અપેક્ષા રાખતી બાણ જેવી ઉત્પ્રેક્ષા પણ નથી. બાણની ઉત્પ્રેક્ષામાલા સંકુલતા ઉપજાવે છે, એ સ્વીકાર્ય હોય કે ન હોય તો પણ ગોવર્ધનરામનાં આ વાક્યોમાં અર્થની, વિચારની સંપત્તિ છે, સંકુલતા લેશ પણ નથી, એ આપણે કબૂલ કરવી પડે તેવી હકીકત છે. ગોવર્ધનરામને બાણના જેવો ઉત્પ્રેક્ષાના પ્રયોગનો શોખ છે એવી પણ માન્યતા પ્રચલિત છે. હમણાં જ સરસ્વતીચંદ્રના પૂર્ણ પ્રાકટ્યને અર્ધશતાબ્દી થઈ એ પ્રસંગે મુંબઈમાં યોજાયેલી એક સભામાં એક વિદ્વાન વક્તાએ આવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. અલંકારમય શૈલીનો ગોવર્ધનરામ ઉપયોગ કરે છે; એમની કૃતિમાં ઉત્પ્રેક્ષાનો સદંતર અભાવ છે એવું અત્યારે હું પણ કહેતો નથી. ઉત્પ્રેક્ષા છે; અને હોય ત્યાં ચમત્કારપૂર્ણ હોય છે. દાખલા તરીકે, આ ઉત્પ્રેક્ષા, કલાવતીના વર્ણનમાં એમણે યોજી છે : “તેનું કૃશોદર સર્વના દૃષ્ટિપાતથી સગર્ભ થવા લાગતું—પ્રફુલ્લ થતું હોય તેમ સ્ફુરવા માંડ્યું.” પણ જેટલી વિપુલતામાં ઉપમા અને રૂપકોનાં ઉદાહરણો સરસ્વતીચંદ્રમાં મળી આવે છે તેટલી વિપુલતા ઉત્પ્રેક્ષાની એમાં નથી, એ તો નિઃસંશય વાત છે. ખરું કહીએ તો ઉપમા, અને ઉપમા કરતાં ૫ણ રૂપક, એ ગોવર્ધનરામનો પ્રિય અલંકાર છે. તત્કાલ વર્ણ્ય વિષયની જોડે સામ્ય ધરાવતા હોય એવા પોતે પૂર્વે અનુભવેલા, સ્મરણમાં સંસ્કારરૂપે સંગ્રહાયેલા અને પ્રસ્તુત તાત્કાલિક અનુભવના સામ્યબળે ચિત્તમાં તાજા થઈને ઉપસ્થિત થતા અપ્રસ્તુત વિષયો, એ ઉપમા અને રૂપકની સામગ્રી છે. ઉપમામાં પ્રસ્તુત વિષય જે ઉપમેય, અને અપ્રસ્તુત વિષય જે ઉપમાન, એ બંને સમાનરૂપે સમાન કક્ષાએ વર્ણ્ય વિષય બને છે; પણ રૂપકમાં તો જે પ્રસ્તુત ઉપમેય હોય તે સમાસમાં ગૌણપદ બને છે અને પ્રધાનપદવાચ્ય ઉપમાનને રૂપે વર્ણવાય છે. ગોવર્ધનરામની કવિદૃષ્ટિ તત્કાલ સંનિહિત વર્ણ્ય, અને સામ્યબળે એના ઉપર આરોપિત થતો અપ્રસ્તુત, પૂર્વાનુભૂત વિષય, એ બેનો અભેદ જુએ ત્યારે જ કૃતાર્થતા અનુભવતી જણાય છે. આ આના જેવું છે એવી ઉપમાથી એમને પૂર્ણ સંતોષ નથી. આજનાં અને અગાઉનાં બંને માનસચિત્રો એકરૂપ બને અને રૂપક નિષ્પન્ન થાય ત્યારે જ ગોવર્ધનરામને સંતોષ થાય છે. એમની આ કવિદૃષ્ટિનું અને સમર્પણરીતિનું પરિણામ એ આવે છે કે એમની કૃતિમાં ઉપમા કરતાં રૂપકોની સંખ્યા ઘણી વધારે છે. અને અભેદથી પણ આગળ વધીને ઉપમેયને ઉપમાનમાં ગળાવી નાખતી અતિશયોક્તિ પણ ઘણી છે. ઉપમાનું એક ઉદાહરણ લઈએ :
ભાગ ૧; પ્રકરણ ૧૨; રાજમહેલનું વર્ણન :
“કન્યાવય ગયા છતાં પણ ઘાટડીચણિયો પહેરનારી કાઠિયાવાડની કદાવર સ્ત્રીના જેવો રાજમહેલનો દેખાવ હતો. ફરતી મોટી ભીંત કાળા પટાવાળા ધોળા ચણિયાના ઘેર જેવી લાગતી હતી. રાતી ભાતવાળી, કરચલીવાળી, લીલીછમ ઘાટડી શરીર ઢાંકી નેફા ઉપર વેરાઈ રહે તેમ ભીંતના કાંગરા પર ઝાડો દેખાતાં હતાં. અને તેમનાં શિખર પર લીલો ગોળાકાર રચતી શાખાઓ લીલી ઘાટડીમાં ઢંકાયલો સ્તનમંડળનો આભાસ ઉત્પન્ન કરતી હતી. સઉને માથે માથાની પેઠે મહેલના માળ દેખાતા હતા અને તીવ્ર કટાક્ષ મારતી ચળકતી આંખોની પેઠે કાચગૃહ તેજ મારતું હતું. એ નારીની સેંથીના આગલા છેડા પર બોર મૂક્યું હોય તેમ કાચગૃહ ઉપર અગ્રભાગે ઊડતો ઊડતો એક પોપટ આવી બેઠો હતો. રંગીન કાચ મોં પરનાં છૂંદણાં-ત્રાજવા જેવા લાગતા હતા.”
રાજમહેલને કાઠિયાવાડી કદાવર નારીની ઉપમા આપવામાં અને એ ઉપમાને બંને પક્ષે સર્વાંગસંપૂર્ણ બનાવવામાં ગોવર્ધનરામે સારો શ્રમ ઉઠાવ્યો છે. સેંથીના બોરના ઉપમાનને યોગ્ય બીજો કોઈ રાજમહેલનો ભાગ ન મળવાથી ઊડતો ઊડતો આવી બેસનારો પોપટ પણ તેમાં આણેવો પડ્યો છે. આ ઉપમામાં એમને સ્વાભાવિક સુભગતા પૂરી નથી સાંપડી. પણ રાજમહેલના એમના માનસમાં દૃઢ થયેલા ચિત્રને સ્પષ્ટરેખ કરવામાં સામ્યબળે સ્મરણમાં આવેલી કે આણેલી કાઠિયાવાડી નારી ઉપકારક નથી બનતી એવું સાવ નથી.
ઉપમામાં પણ એઓ સ્વાભાવિક મનોહરતા આણી શકે છે એનું ઉદાહરણ નર્તિકા કલાવતીના વર્ણનમાં મળે છે :
“સમુદ્ર જેવા કરચલીવાળા ઘાઘરાની–કિનારા પર જતાં ફીણવાળા મોજાં જેવી ચમકતી–કોર તળેનાં ઘૂંટણ નીચે કમાન બની ઢળકતાં ઝંઝીરાં માછલીઓ પેઠે ચળકતાં હતાં; અને પગની નાજુક આંગળીઓ પર પહેરેલી વીંટીએ, માછલીઓ, વગેરે ઝીણા અલંકાર અને મૃત્યુસમયે ઊછળતાં સુંદર નાના નખ; એ સર્વેથી સમુદ્રના જોરથી કિનારે ઊછળી પડતાં શંખલાં અને છીપોનું સ્મરણ થતું હતું.”
આ ઉપમા અને સ્મરણાલંકારવાળા વર્ણનમાં આકૃતિની તાદૃશતા અને વર્ણની–રંગની–વિવિધ સુંદરતા, ઉપમાનની મદદથી સવિશેષ પ્રતીતિવિષય, અધિકતર ચમત્કારક બને છે. મુખ્ય ઉપમાન સમુદ્ર છે, અને મોજાં, માછલીઓ, છીપો, એ એનાં આનુષંગિક અંગો છે.
આવી આવી ઉપમાઓ સુંદર છે પરંતુ એમાં વર્ણ્ય વિષય અને ઉપમાન ઉભય વિશાળ વિસ્તારમાં પથરાય છે. ઉપમેય અને ઉપમાન બંનેનાં પ્રથમ અલગ અલગ પણ વર્ણનસમયે નિકટતર બનતાં માનસચિત્રો નિકટવર્તી હોવા છતાં ભિન્નરૂપ છે; તેથી બંનેનાં અંગઉપાંગોને આલેખવાને લેખકને અવસર મળે છે, અથવા સર્વાંગે સંપૂર્ણ ઉપમા ઘડવા માટે એમ કરવાની એમને આવશ્યકતા ઊભી થાય છે. રૂપકમાં ગોવર્ધનરામના માનસપટની આવી સ્થિતિ હોય છે. બંને ચિત્રોને સંનિહિત રાખે અને સ્વતંત્ર અંગઉપાંગોને નિરાંતે અવલોકે, સરખાવે એવી સ્થિતિ હોય છે. જ્યારે રૂપકનાં ઉપમેય અને ઉપમાન અભેદ સાધીને એકરૂપ બને છે ત્યારે એમના વર્ણનમાં પણ સઘનતા અને અર્થઘનતા આપણને ચકિત અને મુગ્ધ બનાવે એવી ઉત્પન્ન થાય છે. સરસ્વતીચંદ્ર ઘોર અરણ્યમાં, અંધારી રજનીમાં, શબવત્ પડ્યો છે ત્યારે ગોવર્ધનરામ રૂપક દ્વારા અત્યંત વૈચિત્ર્યયુક્ત ચમત્કારજનક વર્ણન આપે છે : જુઓ ભાગ ૨, પ્રકરણ ૭ :
“એને ધારણ કરનારી રાત્રિચિતામાં અંધકાર ભડભડ બળવા લાગ્યો.”
અહીં રાત્રિને ચિતાનું રૂપક આપ્યું છે. રાત્રિ અને ચિતા અભિન્નરૂપ બન્યાં છે. અંધકારને અગ્નિનું રૂપક આપ્યું છે, એમ ‘બળવા લાગ્યો’ એ ક્રિયાપદને આધારે આપણે કહીએ તો અંગ્રેજી ભાષાના અલંકાર પ્રકાર પ્રમાણે ઉચિત ગણાશે; પરંતુ સંસ્કૃત-અલંકારશાસ્ત્રનાં ધોરણો પ્રમાણે ઉચિત નહિ ગણાય. ‘અંધકાર-અગ્નિ’ કે ‘અંધકારરૂપી અગ્નિ’ એમ કહીને અગ્નિનો શબ્દનિર્દેશ કર્યો હોત તો રૂપક બનત. એનો નિર્દેશ નથી થયો, અગ્નિનું અંધકારમાં સંપૂર્ણ નિગરણ થઈ ગયું છે. એથી સંસ્કૃત અલંકારશાસ્ત્ર પ્રમાણે આ રચના અતિશયોક્તિની કક્ષામાં જઈ પહોંચે. એ બધું આપણે વિચારવાનું અને સમજવાનું છે; લેખકે તો એક અલ્પ, સુસંહત, અર્થઘન વાક્યમાં પોતાનું વક્તવ્ય રજૂ કર્યું. આવી સઘનતા અને સંક્ષિપ્તતા, અને એમાં છૂપી રહેલી, ભરચક રહેલી, વાચક સ્વબુદ્ધિએ વિસ્તારી શકે, બહલાવી શકે, એવી અર્થઘનતા, એ ગોવર્ધનરામનાં રૂપકોનો વિશિષ્ટ ગુણ છે. એક બીજું ઉદાહરણ લઈએ – એ જ પ્રકરણમાંથી :
“આખા દિવસની ક્ષુધા વિચારમાત્રનું ભક્ષણ કરવા લાગી અને મસ્તક ખાલી પડ્યું : તૃષા કંઠને રોકી બેઠી અને સરસ્વતીનો પ્રવાહ નીકળવા માંડે તે પહેલાં તેનું આચમન કરવા લાગી.”
અહીં પણ ઉપર જણાવેલાં કારણોને લીધે અતિશયોક્તિ અલંકાર છે. ભક્ષણ કરનાર માણસની ક્ષુધા એ ભક્ષણવ્યાપારનું કારણ હોય, અને પીનારની તૃષા એ જલપાનવ્યાપારનું કારણ હોય; તેને બદલે અહીં ભક્ષણ કરનાર અને પીનાર માનવદેહને દૂર કરીને, વિલુપ્ત કરીને, વ્યાપારની કારણભૂત ક્ષુધાને અને તૃષાને જ ખાવાનો તથા પીવાનો વ્યાપાર કરનારી કહી છે, તેથી આ વાક્યમાં અનેરો અદ્ભુત ચમત્કાર આવે છે.
સુંદર રૂપકોનાં તો અનેકાનેક ઉદાહરણો ‘સરસ્વતીચંદ્ર’માં મળી આવે છે. તેમાંથી એક ઉદાહરણ લઈને સંતોષ માનીશું. ભાગ ૧, પ્રકરણ ૨માં આવતા અલકકિશોરીના વર્ણનમાંથી આ ઉદાહરણ લીધું છે :
“ભયંકર ગુમાનરૂપી સર્પ તેના કુમળા મગજમાં પેસી રહી, ધૂંધવાઈ રહી, તેની ભમરો ઉપર કૃષ્ણા માંડતો, આંખમાં ઘૂર્ણાયમાન થતો, જીભમાંથી ફૂંફાડા મારતો અને આખા શરીરમાં વિષમય ચંચળતા પ્રેરતો.”
ગોવર્ધનરામનાં રૂપકોની અર્થસમર્પક શક્તિનું આ સુંદર ઉદાહરણ છે. અલકકિશોરીની નાચતી, ડોલતી ભ્રમરો; ઘૂમી રહેતી, ‘ચકળવકળ’ થતી, લોલવિલોલ આંખો, ભયજનક અને પ્રાણના ઉદ્રેકવાળી, સુસવાટા કરતી એની વાણી, અને સળવળ સળવળ થતા એના દેહની તરલતા તથા ચંચળતા; આ ગુણો કે દોષો—સર્પના રૂપકથી સુંદર, સદ્યઃપ્રતીતિજનક, ચમત્કાર અને સહૃદયને આનંદદાયક રૂપે રજૂ કરવામાં આવ્યા છે.
રત્નમાં પણ લાંછન જોવું એ સારું તો નહિ, પણ આ રૂપકયોજનામાં એક નાની ક્ષતિ છે તે બતાવું તો છું. ‘શરીરમાં વિષમય ચંચળતા પ્રેરતો’ એ વાક્યમાં ‘પ્રેરતો’ ક્રિયાપદ છે તે આ ક્ષતિનું મૂળ છે. બીજાં અંગોની જે ક્રિયા છે, ધર્મ છે, તે સાપની જ ક્રિયાને રૂપે, ધર્મને રૂપે વર્ણવ્યાં છે. અહીં ચંચળતારૂપી ધર્મ શરીરનો છે, સાપનો નહિ, એવું ભાન ‘પ્રેરતો’ ક્રિયાપદથી ઊપજે છે. ચંચળતા શરીરની છે. સર્પ એનો પ્રેરનારો છે. ‘પ્રેરતો’ ને બદલે ‘ધારણ કરતો’ કે એવું, સાપને જ ચંચળતા સ્વયમેવ ધારણ કરતો બતાવે તેવું’, ક્રિયાપદ હોત તો ચંચળતારૂપી ધર્મ શરીરનો તેમજ સર્પનો ધર્મ બની રહેત અને ક્ષતિ દૂર રહેત. પણ એ ક્ષતિ બહુ નડે તેવી મહત્ત્વની નથી.
પ્રથમ ભાગના ત્રીજા પ્રકરણમાં કંઈક ગૂઢ રહેલા રૂપકની સાથોસાથ યથાસંખ્ય અલંકાર યોજેલો છે તેથી ચમત્કૃતિ વધે છે :
“અમલના ઘેનમાં, સ્વાર્થના જડપણામાં, ઉન્માદવિષના આવેગમાં, બાહ્યસૃષ્ટિની ભભકમાં અને રોજના લાગ્યા વ્યવહારની જાળમાં, ઘેરાઈ જતું. ઊંઘતું, મૂર્ચ્છા પામતું, અંજાઈ જતું, અને લપટાઈ જતું – સર્વ મંડળ આ પ્રમાણે શૂન્યવત્ થતું હતું.’
અહીં સપ્તમીવિભક્તિવાળા અક્કેક શબ્દ જોડે પછીથી આવતું વર્તમાનકૃદન્ત અક્કેકું અનુક્રમે લેવાનું છે : ઘેનમાં ઘેરાઈ જતું, જડપણામાં ઊંઘતું, – ઇત્યાદિ. ‘ઉન્માદવિષયના આવેગમાં’, એમાં રૂપકનો પૂર્ણ આવિષ્કાર છે. ‘વ્યવહારની જાળમાં’ એટલે ‘વ્યવહારરૂપ જાળમાં’ એવો અર્થ કરીએ તો રૂપક બને. ‘અમલના ઘેનમાં’ એનો ‘અમલરૂપી નશાના ઘેનમાં’ એવો અર્થ છે. અમલ એટલે સત્તા એવો જ અર્થ કરીએ તો અહીં રૂપકની સામગ્રીમાંથી અતિશયોક્તિ નીપજે છે—પણ ‘અમલ’ એ દ્વિઅર્થી શબ્દ છે તેથી એનો જ ‘નશો’ એવો વ્યંગ્ય અર્થ થતા માનીએ તો પ્રસ્તુતના ઉલ્લેખમાંથી અપ્રસ્તુત સદૃશપદાર્થનો ધ્વનિ શ્લેષયોગે નીકળે છે. ‘સ્વાર્થના જડપણામાં’ એવો અતિશયોક્તિ છે એમ સ્વીકારતાં ‘સ્વાર્થનિદ્રાના જડપણામાં’ એવો અર્થવિસ્તાર પ્રાપ્ત થાય છે. ‘બાહ્યસૃષ્ટિની ભભકમાં’—એમાં બાલસૃષ્ટિનું ઉપમાન શું ધાર્યું હશે એ સ્પષ્ટ થતું નથી, કદાચ એમાં રૂપક નયે હોય. છતાં પ્રયત્ન કરતાં ઘટાવી શકાય ખરું.
આવી અર્થમીમાંસા કરવામાં હેતુ એટલો જ છે કે ગોવર્ધનરામના રૂપકોમાં અને એમની અતિશયોક્તિઓમાં કેટલી અર્થઘનતા રહી છે તે દર્શાવવું.
આ પ્રકારે ઉપમા અને એથી અધિકતર રૂપક અને અતિશયોક્તિ એ અલંકારો ગોવર્ધનરામને જેટલા પ્રિય છે, તેટલો ઉત્પ્રેક્ષાલંકાર પ્રિય નથી. આ કથન તુલનારૂપ છે, તારતમ્યદર્શક છે. ઉત્પ્રેક્ષાના અભાવનું સૂચક નથી એ તો આગળ કરેલા વિધાનથી જ કહેવાઈ ગયું છે.
ગોવર્ધનરામની શૈલી બાણ જેવી છે એમ કહેવામાં કહેનારના મનમાં આક્ષેપનો આશય હોય તો એનો ઉત્તર એ છે કે બાણની પૃથગ્જનને સંકુલ લાગતી શૈલી પણ જાણકારને આહ્લાદકર બને છે. તેથી સરખામણીથી આક્ષેપનું મંડાણ થતું નથી. અને છતાં જો બાણમાં સંકુલ હોય તો ગોવર્ધનરામમાં પણ માત્ર લાંબાં વાક્ય પૂરતા સામ્યને લીધે સંકુલતા છે એમ કહેવું નિરાધાર છે, અને માત્ર કલ્પિત કે શ્લેેષસાધિત સત્યને આધારે નિષ્પન્ન થતી બાણની ઉત્પ્રેક્ષા ગોવર્ધનરામે યોજી નથી. રૂપકમાં અને અતિશયોક્તિમાં ગોવર્ધનરામની સિદ્ધિ અપૂર્વ છે, અને એ જ એમની શૈલીની વિશિષ્ટતા છે.
(ગોવર્ધનરામનું મનોરાજ્ય)