સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રામપ્રસાદ બક્ષી/રામપ્રસાદ બક્ષી : પાંડિત્યપૂર્ણ – સમતોલ વિવેચના

From Ekatra Foundation
Jump to navigation Jump to search


રામપ્રસાદ બક્ષી : પાંડિત્યપૂર્ણ – સમતોલ વિવેચના

– અજય રાવલ

રામપ્રસાદ બક્ષી સંસ્કૃત અને અંગ્રેજી સાહિત્યના ઊંડા અભ્યાસી હતા. શ્રી આનંદશંકર ધ્રુવ પાસે સંસ્કૃત વિષય સાથે બી.એ. થયા પછી મુંબઈમાં શ્રી હિંમતલાલ અંજારિયા અને શ્રી નરસિંહ દિવેટિયાના માર્ગદર્શનમાં વિદ્યાભ્યાસ આગળ વધ્યો એનો પ્રભાવ એમના વિવેચનમાં જોઈ શકાય છે. આરંભમાં અનુવાદક તરીકે અને પછી સંસ્કૃત કાવ્યશાસ્ત્રના અભ્યાસી અને સંનિષ્ઠવિવેચક તરીકે તેઓ ખ્યાત છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્રનો અભ્યાસ અને વિવેચનમાં એના વિનિયોગથી એમનું વિવેચન પંડિત્યપૂર્ણ અને સમતોલ રહ્યું છે, તો સાંપ્રત સાહિત્યને સમભાવથી જોતાં તપાસતાં અને આવકારતાં રહ્યા છે. રામપ્રસાદ બક્ષીનું વિવેચન વ્યાખ્યાનો, વિવેચનલેખો અને ઉત્તમ સંપાદનો વડે થયેલું છે, વિવેચનનું સ્વરૂપ કોઈપણ હોય એમાં ઊંડાણ અને મૂળગામી અભ્યાસ એ વિશેષ ધ્યાનપાત્ર બની રહે છે. રામપ્રસાદ બક્ષીએ કાવ્યતત્ત્વ, રસ – અલંકાર આદિ વિચારણાઓ, સાહિત્યસ્વરૂપ અને પ્રવાહદર્શન વગેરે વિષયોને કેન્દ્રમાં રાખીને વિશદતાથી વિવેચન કર્યું છે. સંસ્કૃતમાં કાલિદાસ અને ગુજરાતીમાં ગોવર્ધનરામ ત્રિપાઠી એમના પ્રિય સર્જક રહ્યા છે. ગોવર્ધનરામ ત્રિપાઠીના સાહિત્યના જુદાંજુદાં પાસાંઓને વખતોવખત તપાસ્યાં છે. એમનું વિવેચન ૧૯૪૫ આસપાસ લખાવાનું શરૂ થાય છે. વિવેચન લેખો ઓગસ્ટ ૪૭ માં ‘કાવ્ય સર્જનના બે પ્રવાહો’ ઑક્ટોબર ૧૯૪૮માં ‘અલંકાર ઘટનામાં માનસવ્યાપાર’ ઑક્ટોબર ૧૯૪૯માં ‘કાવ્ય - નાટકમાં રસનિષ્પત્તિ’ લખાયા અને પ્રકાશિત થયા હતા. આ લેખોમાંથી કાવ્યતત્ત્વ, રસ – અલંકાર વિચારણાની દિશામાં એમનો રસ કેવો હતો એ પ્રગટ થાય છે. આ વિવેચન લેખો એ વખતના ‘વસંત’, ‘વાણી’, ‘મનીષા’, ‘ક્ષિતિજ’, ‘સંસ્કૃતિ’ જેવા જાણીતાં સામયિકોમાં પ્રકાશિત થયાં હતાં. તેમણે સિદ્ધાંત વિવેચન અને પ્રત્યક્ષ વિવેચન કર્યું છે.

રસ વિચારણાનો તેજસ્વી સ્વાધ્યાય  :

જુદી જુદી સંસ્થાઓમાં વ્યાખ્યાનોરૂપે થયેલાં અભ્યાસપૂર્ણ વિવેચનલેખો એમની પાસેથી મળે છે. રામપ્રસાદ બક્ષીએ ભારતીય સંગીત નાટ્ય મહાવિદ્યાલય વડોદરાના ઉપક્રમે તારીખ ૨૫થી ૨૭ નવેમ્બર, ૧૯૫૪ના રોજ ત્રણ વ્યાખ્યાનો આપ્યાં, જે પછીથી ‘કરુણરસ’ નામે પુસ્તકાકારે પ્રકાશિત થયા. થોડા અંતરાલે આ જ સંસ્થાના ઉપક્રમે ૨૮થી ૩૦ જાન્યુઆરી, ૧૯૫૮ના વર્ષમાં અપાયેલાં ભરતનાટ્યશાસ્ત્રના આધારે નાટક અને રસ વિચારણા પર ત્રણ વ્યાખ્યાનો આપેલા. એ વ્યાખ્યાનો ‘મનીષા’ (૩૨) સામયિક ઑક્ટોબર-૧૯૫૮ સં. સુરેશ જોષીના વિશેષાંક રૂપે પ્રગટ થયા હતા. જે પછીથી ‘નાટ્યરસ’ (૧૯૫૯) શીર્ષકથી પુસ્તકાકારે મળે છે. રામપ્રસાદ બક્ષીના આ પહેલાં વિવેચન પુસ્તકમાંથી એમની વિદ્વતા અને સંસ્કૃત મીમાંસાના એમનાં ઊંડા અધ્યયનનો પરિચય થાય છે. રામપ્રસાદ બક્ષીએ આ ત્રણ વ્યાખ્યાનોમાં – જે પુસ્તકમાં ૧૪ પ્રકરણમાં વિભાજિત કરીને – ભરતના નાટયશાસ્ત્રની રસવિચારણાનો સમગ્રલક્ષી પરિચય આપીને, કાવ્ય - નાટકમાં રસનિષ્પત્તિની પ્રક્રિયા શી રીતે થાય છે એની છણાવટ રસપ્રદ રીતે વિશદતાથી કરી છે. અહીં એના બે પ્રકરણમાં રસાસ્વાદની પ્રક્રિયા, અભિનવગુપ્તનો રસસિદ્ધાંતનો સમાવેશ કરવામાં આવ્યો છે. એમાંથી પસાર થતાં આની પ્રતીતિ અભ્યાસીઓને થશે. સંસ્કૃત નાટ્યપરંપરા રસપ્રધાન છે અને રસ નાટકનું પ્રાણભૂત તત્ત્વ છે, એ મુખ્ય વિષયને સ-સંદર્ભ મૂકી આપ્યો છે. તો એમના અગાઉ નિર્દેશ કર્યો એ મુજબ થયેલા વ્યાખ્યાનો કરુણરસ પર કેન્દ્રિત હતાં. આ વ્યાખ્યાનો ભરત મુનિના નાટ્યશાસ્ત્રના આઠ રસ પૈકી કરુણરસને સર્વગ્રાહીરૂપે સ્પર્શે છે. કરુણરસના સ્વરૂપને સ્પષ્ટ કરતી આ વિચારણા ધ્યાનપાત્ર છે. સંસ્કૃત નાટકમાં કરુણરસને પ્રગટાવનારા તત્ત્વોની અહીં ચર્ચા છે. સંસ્કૃત નાટકના કરુણરસ નિમિત્તે પશ્ચિમની ટ્રેજેડી વિભાવનાનો તુલનાત્મક અભ્યાસ જોવા મળે છે. ભારતીય પરંપરામાં ટ્રેજેડી સ્વરૂપ કેમ નથી એવા તાત્ત્વિક પ્રશ્નની પણ એમાં ઊંડાણભરી ચર્ચા કરે છે. અને આ ચર્ચામાં પશ્ચિમના પ્રશિષ્ટ નાટકો સોફોક્લિસના ‘ઇડિપસ’, શેક્સપિઅરના ‘હેમ્લેટ’ની અને ‘રોમિયો અને જુલિયટ’ના ટ્રેજેડીના તત્ત્વોની વાત તુલનાત્મક અભિગમથી કરે છે. એમના મતે, ‘[ઉત્તર રામચરિતના] રામની કરુણતા પાશ્ચાત્ય ટ્રેજેડીની કરુણતાથી વધી જાય છે, કારણ કે જે બે વિરોધી બળોનો સંઘર્ષ થાય છે એ પોતાના જ ધર્મપાલનમાંથી ઉદ્‌ભવેલા છે, અને એનું હૃદય જ એ બળોની રણભૂમિ બને છે.’[1] આપણે ત્યાં કરુણપ્રધાન નાટક હોવા છતાં એ ગ્રીક ટ્રેજેડીની કરુણાન્ત નાટકની કક્ષામાં આવી શકતાં નથી. એ વાતને વિગતે સ્પષ્ટ કરે છે. અહીં ‘કરુણરસ’ પુસ્તકમાંથી પ્રથમ પ્રકરણનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપણા વિવેચનમાં રસસિદ્ધાંતનો ગ્રંથાકારે મળતો આ તેજસ્વી સ્વાધ્યાય મહત્ત્વનો બની રહે છે.

સિદ્ધાંત અને પ્રત્યક્ષ વિવેચના

વાઙ્‌મય વિમર્શ (૧૯૬૩) રામપ્રસાદ બક્ષીના સ્વાધ્યાયના પરિપાકરૂપે લખાયેલા સિદ્ધાંત અને પ્રત્યક્ષ વિવેચનના લેખોનો આ પુસ્તકમાં સમાવેશ થયો છે. અહીંયા મુખ્યત્વે કાવ્યતત્ત્વને લગતા લેખો જેવા કે કાવ્યનું સ્વરૂપ, કાવ્યમાં અલંકાર અને છંદ, કવિતામાં પરંપરા વિચ્છેદ, કાવ્યમાં પ્રતિભા, પ્રતીક વગેરે સિદ્ધાંત લેખોનો સમાવેશ થાય છે. તો સાથેસાથે રસ અને અલંકાર વિચારણામાંથી સિદ્ધાંત લેખો, કાવ્ય - નાટકમાં રસનિષ્પત્તિ, રસ સિદ્ધાંતની હાસ્ય પરત્વે ન્યૂનતા, રસ અને નાટક, હાસ્યરસની એક વિશિષ્ટતા વગેરે લેખોમાં જે તે તત્ત્વની ઊંડી તાત્ત્વિક ચર્ચાઓ આપણને પ્રાપ્ત થાય છે. તો સાહિત્ય સ્વરૂપ અને પ્રવાહ દર્શનને લગતા લેખો અહીંયા સ્થાન પામ્યા છે. સંસ્કૃત એકાંકીનું સ્વરૂપ, ટૂંકી વાર્તાનું સ્વરૂપ, હળવા નિબંધો, વાર્તા અને અન્ય સ્વરૂપો જેવા સાહિત્ય સ્વરૂપને સ્પર્શતા લેખો અહીં છે. તો ગુજરાતી સાહિત્યમાં હાસ્યરસ અને હાસ્ય નિબંધો વિશે ગુજરાતી સાહિત્યની ગતિવિધિ કેવી છે એની તપાસ આ લેખોમાં સદૃષ્ટાંત થયેલી છે. રામપ્રસાદ બક્ષીના ચાર દાયકાના ૪૦થી પણ વધારે આ લેખો એમના વિવેચનના પરિચાયક છે.

સર્જક અને કૃતિ સમીક્ષાઓ

રામપ્રસાદ બક્ષીએ ગોવર્ધનરામનો વિગતે અભ્યાસ કર્યો છે. એને ભિન્ન ભિન્નરૂપે પ્રકાશિત પણ કર્યો છે. જેમ કે, ગોવર્ધનરામની અંગ્રેજી ‘સ્ક્રૅપબુક’નું સંપાદન એમને કાંતિલાલ છ. પંડ્યા અને સન્મુખલાલ છ. પંડ્યા સાથે કર્યું છે. તો, અંગ્રેજી ‘સ્ક્રૅપબુક’ને ‘ગોવર્ધનરામની મનન નોંધ’ એ પુસ્તકમાં સારાનુવાદ રૂપે ગુજરાતી ભાષામાં ઉતારી છે. તો ગોવર્ધનરામ વિષયક અભ્યાસ લેખોને સંકલિત કરીને ‘ગોવર્ધનરામનું મનોરાજ્ય’ નામે પુસ્તકરૂપે પ્રકાશિત કર્યા છે. આ શીર્ષક લેખ ‘ગોવર્ધનરામની મનન નોંધ’ની પ્રસ્તાવના રૂપે લખાયો છે. જે એમની તાત્ત્વિક વિચારણાને સમજવામાં ઘણો ઉપયોગી બની રહે છે. રામપ્રસાદ બક્ષીએ મનન, મનોભાવ અને મનોરથના ઉદાહરણો સાથે ગોવર્ધનરામની પ્રતિભાનું દર્શન કરાવ્યું છે. તો ગોવર્ધનરામ અને શોપનહાઉઅરના વિચારસામ્યનું તુલનાત્મક અધ્યયન છે. એ જ રીતે ગોવર્ધનરામ અને આનંદશંકરના તત્ત્વજ્ઞાનની તુલના તેમજ બાણ ભટૃ અને ગોવર્ધનરામની શૈલીવિષયક તુલના વગેરે લેખોમાં તુલનાત્મક અભિગમથી થયેલાં અધ્યયનમાંથી તેમની બહુશ્રુતતા પ્રગટ થાય છે. આ ઉપરાંત રામપ્રસાદ બક્ષીએ કૃતિસમીક્ષા અને કાવ્યઆસ્વાદ કર્યા છે. એમાંથી ઘણાં લેખો હજુ સામાયિકમાં જ રહ્યાં છે. ગ્રંથ સ્વરૂપે આવવાના બાકી છે. જેમ કે, ‘બિંદુ’ – રામપ્રસાદ શુક્લ, ‘વસંત વર્ષા’ – ઉમાશંકર જોશી, ‘ગૃહપ્રવેશ’ – સુરેશ જોષી, ‘અનાર્યના અડપલા અને બીજા લેખો’ – જહાંગીર એ. સંજાણા, ‘ભગવાનની લીલા’ –ડોલરરાય માંકડ કાવ્ય આસ્વાદ, ‘નિશીથ’ – ઉમાશંકર જોશી કાવ્ય આસ્વાદના ઉદાહરણ છે. તો રામપ્રસાદ બક્ષીએ નવોદિતને હંમેશાં પ્રોત્સાહિત કર્યા છે, આવકાર આપ્યો છે. ‘કિંચિત્‌’ – સુરેશ જોષીના પહેલાં વિવેચન સંગ્રહની સમીક્ષા એનું સુંદર ઉદાહરણ છે. રામપ્રસાદ બક્ષીના વિવેચનની વિશેષતા એ છે કે એ મૂળગામી છે. એમના વિવેચનનો મોટો હિસ્સો સિદ્ધાંત વિવેચનનો છે. તો રમણ સોની કહે છે એ મુજબ, ‘વિવેચ્ય મુદ્દાની ભૂમિકા બાંધી એની વિગતે માંડણી કરીને પછી ઝીણું પૃથક્કરણ કરતાં જવું એ એમની વિવેચનપદ્ધતિ છે.’[2] એમની શૈલી પાંડિત્યપૂર્ણ છે. જ્યારે વિવેચન સમતોલ છે. એમના વિવેચનથી ગુજરાતી વિવેચનમાં ભારતીય રસશાસ્ત્રના અઠંગ અભ્યાસી તરીકે એમની વિવેચન મુદ્રા સ્થિર થયેલી છે.

સંદર્ભ

  1. બક્ષી, રામપ્રસાદ. ‘કરુણરસ’ પૃ. ૮, ૧૯૬૩
  2. સોની, રમણ. ‘વિવેચનસંદર્ભ’ પૃ. ૩૩, ૧૯૯૪

Lua error in package.lua at line 80: module ‘strict’ not found.