સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રામપ્રસાદ બક્ષી/‘કિંચિત્’ – સુરેશ જોષી
સાહિત્યમાં ‘સ્વરૂપાનુસંધાન’
શ્રી સુરેશ હ. જોષીનો આ સાહિત્ય વિષયક લેખોનો સંગ્રહ માત્ર વિવેચન કરતો નથી, મીમાંસા કરે છે. ભાઈ સુરેશે આ સંગ્રહમાંના “ગુજરાતી ભાષા-સાહિત્ય” નામના લેખમાં આધુનિક સાહિત્યપ્રવૃત્તિનું દિગ્દર્શન કર્યું છે, એમાં એમણે કહ્યું છે : “વિવેચનના ક્ષેત્રમાં સાક્ષરયુગનાં પાંડિત્ય, નિષ્ઠા અને સજાગતા બહુ દેખાતાં નથી.” મને એ દેખાયાં છે, આ ‘કિંચિત્’માં પણ આવા લેખોને વિવેચનના લેખો કહેવાની પ્રણાલિકા હવે તજવી જોઈશે. આજે સાહિત્યની તત્ત્વમીમાંસા કરતા લેખો ભલે થોડા પણ લખાય છે : સાહિત્યની તાત્ત્વિક મીમાંસા કરનારા લેખકો કોઈક કોઈક છે. એમના આવા કાર્યને સાહિત્યમીમાંસા નામ આપવું એ યોગ્યતર છે. વાચકોની દૃષ્ટિ કર્તાના ‘નિવેદન’ના, અભિનવગુપ્તના વિનયકથનનો અનુવાદ કરતા “આ ‘કિંચિત’માં xx કશું અપૂર્વ નથી” એ શબ્દો ઉપર પડે અને ઠરે એવો સંભવ કાંઈક માની શકાય. આનો ઉત્તર આનંદવર્ધનના શબ્દોમાં હું આપીશ :
अतो ह्यन्यतमेनापि प्रकारेण विभूषिता।
वाणी नवस्यमायाति पूर्वार्धान्वयवस्यपि।।
પૂર્વે કહેવાઈ ગયેલા અર્થથી જે અન્વિત હોય એ વાણી પણ, કાવ્યત્વસાધક અનેક પ્રકારોમાંના એકથી વિભૂષિત હોય તો, નવત્વને એટલે અપૂર્વતાને પ્રાપ્ત કરે છે. ભાઈ સુરેશના આ સંગ્રહમાંના મુખ્ય લેખોનું તાત્પર્ય પણ એ જ છે કે એમણે જે કલાસામગ્રીથી કવિકર્મનો વિશેષ સિદ્ધ થતો કહ્યો છે એ સામગ્રીથી “કવિએ રચેલું અપૂર્વ રૂપ” પ્રકટ થાય છે. આનંદવર્ધનનું આ વિધાન ભાઈ સુરેશના આ મીમાંસા લેખોને પણ લાગુ પડે છે, એમાં પણ રજૂઆતની અપૂર્વતા છે. મારા જેવાને પણ આ લેખો વાંચતાં મેં અગાઉ કહેલી વાતોનું સ્મરણ થાય – “અનુભૂતિ ચિત્તમાંનાં સંસ્કાર સ્મૃતિ સાથે રાસાયણિક સંયોગ સાધી સ્પષ્ટ ચિત્રકલ્પ (ઈમેજ) ઉપજાવે છે એ ડિલન ટૉમસના કથનનું અવતરણ વાંચતાં પચ્ચીશ વર્ષો પહેલાં મેં કરેલા એવા જ વિધાનનું સ્મરણ થાય, “સાચી કવિતા હમેશાં આપણી એ આદિ સૃષ્ટિની એંધાણી આપે છે” એવું ભાઈ સુરેશનું વાક્ય વાંચીને મને યાદ આવે કે સાંકેતિક શબ્દને અભાવે પ્રતીકકલ્પ સંજ્ઞાનો ઉપયોગ, અમૂર્તનું મૂર્તકરણ ઇત્યાદિ કવિકર્મમાં પ્રાકૃત માનવના અભિવ્યક્તિ પ્રકારનું અનુસંધાન છે એ મેં એક લેખમાં ચર્ચ્યું છે—તો! બીજા વિદ્વાન સાહિત્યમીમાંસકોને પોતે કરેલા વિધાનનું સ્મરણ કરાવે એવું આ લેખોમાં જણાય તો નવાઈ નથી. વળી આ લેખો ભાઈ સુરેશે કરેલા પાશ્ચાત્ય સાહિત્યના અને સાહિત્યમીમાંસાના ગ્રન્થોના સતત વિશાળ મર્મગ્રાહી અનુશીલનમાંથી ઉદ્ભવ્યા હોવાનો સંભવ છે એટલે એમાં પાશ્ચાત્ય સાહિત્યતત્ત્વવિદોની દૃષ્ટિ પ્રતિફલિત થઈ હોવાનું પણ કેટલાક વાચકોને લાગે, પણ તે છતાં ભાઈ સુરેશે જે રીતે આ તત્ત્વોનું પ્રતિપાદન કર્યું છે અને ઉદાહરણોથી વિશદીકરણ કર્યું છે એમાં નવીનતાની પ્રતીતિ થયા વિના રહેતી નથી. એ નવીતતાનાં – અપૂર્વતાનાં – તત્ત્વો આ છે : એમની સાહિત્યમીમાંસામાં પાશ્ચાત્ય દૃષ્ટિનો આપણાં પ્રાચીન સાહિત્યશાસ્ત્રોની દૃષ્ટિ સાથે સુભગ સમન્વય થયો છે – પાશ્ચાત્યાનાં વિધાનોની પ્રકારાન્તરે અને ઓછાવત્તા પ્રમાણમાં આપણી પ્રાચીન સાહિત્યમીમાંસા સાથે એકવાક્યતા પરખાય છે; અને તે ઉપરાંત આ લેખો આપણી કવિતા, નવલિકા, નવલકથા, પદ્યનાટકો—એ સાહિત્ય-પ્રકારોને મૂલવવાની દૃષ્ટિને એક નિશ્ચિત દિશામાં લઈ જાય છે, વિકસાવે છે અને દૃઢતાથી, આગ્રહપૂર્વક, ત્યાં સ્થિર કરે છે. ભાઈ સુરેશની ફરિયાદ છે કે આપણું આજનું કાવ્યનું વિવેચન હજી આગલી પેઢીએ પાડેલે ચીલે ચાલ્યું જાય છે, આનુષંગિક અને ગૌણ વીગતો ઉપર દૃષ્ટિ ઠેરવીને કાવ્યતત્ત્વની ખરી પરીક્ષા ટાળતું હોય એવું લાગે છે. આ ફરિયાદ ‘વાંકદેખા’ની ફરિયાદ નથી, પણ “જ્યાં જ્યાં કવિપ્રતિભા નવો ઉન્મેષ પ્રકટ કરે છે ત્યાં એને આદરથી લળી લળીને વધાવનાર... કવિતારસિકના હૃદયની આ ધા છે.” જેઓએ ‘વિશ્વમાનવ’ના અંકોમાં એમણે કરાવેલો અનેક કવિઓના અક્કેક કાવ્યનો ‘કાવ્ય-આસ્વાદ’ વાંચ્યો હશે તેઓ ભાઈ સુરેશ જોષીના આ કથનનો સ્વીકાર કરશે. એમણે આ ગ્રંથમાં વારંવાર જે વસ્તુની હિમાયત કરી છે તે એ છે કે કાવ્યનિર્મિતિની પ્રકિયાને સમજવાનો વિવેચનમાં પ્રયત્ન થવો જોઈએ. આ પ્રકિયાને એમણે મુખ્યતઃ ‘કાવ્યનો આસ્વાદ’, ‘પ્રતીકચના’ અને ‘વિદ્યાપીઠમાં સાહિત્યનું શિક્ષણ’ એ લેખોમાં કરી છે. કાવ્યમાં એવું કંઈક અગ્રાહ્ય તત્ત્વ રહ્યું હોય છે જે કાવ્યનું સર્વમાન્ય સ્વરૂપલક્ષણ આપવું દુર્ઘટ બનાવે છે. “કાવ્યમાં ‘ફૉર્મ’થી ‘કન્ટેન્ટ’નું પૂરેપૂરું નિગરણ થાય છે ને કવિએ રચેલું એ અપૂર્વ રૂપ, કવિનું એ અનોખું સંવિધાન, કાવ્યનો સાચો ‘અર્થ’ છે. એ અર્થ સમૃદ્ધ છે, માટે એમાં એકવાક્યતા ન સંભવે પણ આ એકવાક્યતાનો અભાવ તે સંદિગ્યતાને કારણે નથી, પણ અપરિમેયતાને કારણ છે.” કાવ્યશાસ્ત્રની રૂઢ સંજ્ઞાઓનો ઉપયોગ કરવાથી, અલંકાર કે છંદનું નામ દેવાથી કે અમુક પ્રતીક યોજાયું છે એમ કહેવાથી કાવ્યની દેખીતી સરળતામાં છુપાઈ રહેલી સંકુલ સમૃદ્ધિ આપણા હાથમાં આવતી નથી – એથી કાવ્યનો આસ્વાદ ખરા સ્વરૂપમાં નથી થતો, માત્ર એનો ભ્રમ ઊપજે છે. કાવ્યનું અપરિમેય, અગ્રાહ્ય તત્ત્વ કાવ્યગત ભાવસંવેદન, પ્રતીકયોજના, ભાષા, છંદ એ સર્વ સામગ્રીમાં યથાવકાશ વિસ્તરી રહ્યું હોય છે. એ સર્વમાં (કે વિશેષતઃ જેમાં હોય તેમાં) “કવિકર્મનો શો વિશેષ છે તે જાણવું કાવ્યના આસ્વાદ માટે જરૂરી છે.” તે આકારનિર્માણમાં કાવ્યની આસ્વાદ્યતા રહી છે, એની કવિયોજિત સામગ્રીની મીમાંસા સુરેશ જોષી આ પ્રમાણે કરે છે – એમણે જે અનેક સ્થળે વિસ્તીર્ણ મીમાંસા કરી છે તેમાંથી એક સ્થળેથી લઈને એને હું અહીં અતિસંક્ષેપમાં આપું છું. જિજ્ઞાસુ વાચક સંપૂર્ણ મીમાંસા ગ્રંથમાંથી વાંચી લઈ શકે છે. ભાષા તો આપણે જે વાપરીએ તે જ કવિ વાપરે છે, પણ કવિ એનો એવો જુદા પ્રકારનો ઉપયોગ કરે છે કે એણે વાપરેલ શબ્દનો વાચ્યાર્થ બાધિત થાય—રૂઢ અર્થ વાક્યાન્વયમાં નિરવકાશ રહે—એટલે એનો અર્થ શોધવા માટે અન્ય દિશામાં જવું પડે. આથી કવિએ પ્રયોજેલો શબ્દ અભિનવ અર્થશક્તિ પ્રાપ્ત કરે છે, અને કવિના ભાવને વ્યક્ત કરવા સમર્થ બને છે. એમાં કવિએ યોજેલું વર્ણોનું ભાવવ્યંજક સાહચર્ય’, છંદના લયનો—ગુરુલઘુ વર્ણોનો – અર્થ પોષક સહચાર, સહાયક બને છે. કવિની તીવ્ર ભાવાનુભૂતિ એની સાથે સંકળાયેલી અનેક ‘વેરવિખેર’ સંવેદનાઓને “ધ્વનિની, દૃશ્યની વિક્ષિપ્ત ઘટનાઓને” એકકેન્દ્રસ્થ બનાવે છે. જીવનવ્યવહારમાં જે સંવેદન થયું હોય તે વ્યવહારની ક્ષણ વીત્યા પછી નિરપેક્ષરૂપે, તટસ્થરૂપે, અનુવૃત્ત થાય છે અને એ સંવેદન રસાનુભૂતિનો પ્રાથમિક બીજાણુ બનીને પોતાના ‘પૂરક, સમર્પક, વિરોધી, સંઘર્ષાત્મક,’ અન્ય વિક્ષિપ્ત સંવેદનોના મંડળને પોતા પ્રત્યે આકર્ષે છે. અને આ મંડળમાં – પરિવેશમાં – એ સંવેદનબીજાણુનું નવીન રૂપ પ્રકટ થાય છે, જે વ્યાપક છે તે સાથે સઘન પણ છે; સાદૃશ્ય અને વિરોધ, સંવાદ અને સંઘર્ષ એ સર્વનો એમાં સમાવેશ હોઈ તેનો વાચકને એકીસાથે સાક્ષાત્કાર થાય એવી ભાષાની શક્તિ કવિએ વિકસાવવી પડે છે. આ પ્રમાણે ભાષા, છંદ અને ભાવસંદર્ભનું કવિએ જે સંવિધાન કર્યું છે. એમાં કવિકર્મનો વિશેષ પ્રગટ થાય છે. આ સંવિધાનમાં, ભાષાના અંગમાં જન્મ કવિ પ્રતીકો શી રીતે યોજે છે. એ પ્રશ્નની મીમાંસા સુરેશ જોષીએ ‘પ્રતીકરચના’ લેખમાં વિસ્તારથી કરી છે, એનો સારાંશ આ છે : વ્યવહારમાં પ્રત્યેક શબ્દનો એના નિશ્ચિત અર્થમાં ઉપયોગ થાય છે, અને એનો અર્થ નિશ્ચિત છે તેથી વ્યવહારમાં સંદિગ્ધતા રહેતી નથી. કાવ્યમાં એ શબ્દ પોતાના નિશ્ચિત અર્થસંકેતની સીમાને વટાવીને અનેક અર્થચ્છાયાએ સ્ફુરાયમાણ કરે છે. આપણી અનેક પરિમાણમાં દશે દિશામાં ઘૂમી શકતી લાગણીને, આપણા અન્ય જોડેના અનેકવિધ સંબંધોમાંથી પ્રસરતી લાગણીઓની જટાજાળને, વ્યક્ત કરવા માટે, શબ્દનો શબ્દકોષમાં આપેલો, સંદર્ભથી છૂટો એકલો અટૂલો અર્થ કવિને ઝાઝો ખપમાં આવતો નથી. એટલે કવિ એના એ શબ્દને એવી રીતે પ્રયોજે છે કે એ એક શબ્દમાંથી અનુભૂતિની વિશાળતા અને સંકુલતા પ્રકટ થાય છે. પ્રત્યેક શબ્દને-યુગયુગથી વપરાતા આવેલા અને વાપરનારના અનેક હૃદયભાવોના વાતાવરણથી વીંટળાયેલા શબ્દને–કવિ એ સમગ્ર વાતાવરણ સાથે ઊંચકી લે છે અને એની અર્થ ઉપજાવવાની નવી શક્યતાઓને પ્રકટ કરી આપે છે. “પ્રતીકરચના અમુક યુગના અમુક સંપ્રદાયના કવિઓની નવી શોધ છે એવું નથી. સૃષ્ટિના આદિકાળથી મનુષ્યનું મન એની ચારે બાજુ વિસ્તરેલી અફાટ વાસ્તવિકતાનો તાગ કાઢવાને મથતું રહ્યું છે... આપણી ઇન્દ્રિયોને મૂંઝવી નાખે એટલી બધી પ્રચુરતા આપણી ચારે બાજુ છે... આ બાહુલ્ય અને પ્રાચુર્યના આક્રમણથી બચવાને આદિ માનવે પ્રતીકની શોધ કરી. એક શબ્દ, એક ઉચ્ચારણ, એક રેખા, એક વિધિ – આ બધાંમાં, જાણે કશાક જાદુથી, પેલા સંકુલ પ્રાચુર્યના અર્થને એણે સારવી લીધો, સામૂહિક ચેતના સાથે એ પ્રતીક નાડી સંબંધે જડાઈ ગયું. એટલે, આજે ય, જ્યારે આપણું મન બુદ્ધિએ સફાઈથી ગોઠવી આપેલા સંસારને તળિયે ડૂબકી મારી જાય છે, નિશ્ચિત વિભાવનાઓનાં માર્ગદર્શક ચિહ્નને વટાવી જાય છે, અને પેલી આદિકાળની અરાજકતાભરી, વિસ્મયનું જ જ્યાં અબાધિત ચક્રવર્તી રાજ હજુય ચાલે છે એવી, સૃષ્ટિમાં પહોંચી જાય છે ત્યારે ચેતનાને તળિયે પહોંચીને એ, સામૂહિક ચેતનાએ પ્રકટાવેલાં પ્રતીકોની પરિભાષા દ્વારા જ એ સૃષ્ટિને સમજવા પ્રેરાય છે. પ્રતીક (સિમ્બૉલ) અને ચિત્રકલ્પ ઇમેજ વચ્ચેનો ભેદ ભાઈ સુરેશે સ્પષ્ટ નિરૂપ્યો છે. “પ્રતીક અને ચિત્રકલ્પ વચ્ચે ભેદ રહેલો છે. પ્રતીકમાં અર્થને અનેક અર્થચ્છાયાઓથી ખચિત નિહારિકા રૂપે વિસ્તારી દેવાની કેન્દ્રોત્સારી પ્રવૃત્તિ હોય છે, તો ચિત્રકલ્પમાં જે ભાવપરિવેશ કવિ પોતાની કૃતિમાં સરજતો હોય છે તેને પોતાના કેન્દ્રમાં ખેંચી આણે એવી શ્રવણગોચર કે સ્પર્શગોચર છબિ કવિ ઉપજાવી આપે છે.’++ “પ્રતીક પરિઘમાં ગતિ કરે છે, કલ્પ કેન્દ્રસ્થ હોય છે.” ‘વિદ્યાપીઠમાં સાહિત્યનું શિક્ષણ’ એ લેખ વિદ્યાપીઠોના તંત્ર-સંચાલકોએ અને અધ્યાપકોએ લક્ષમાં લેવા જેવો છે. એમાં એમણે અધ્યાપકને નગણ્ય યંત્ર જેવો બનાવનાર સર્વસત્તાધીશ તંત્રયોજના વિશે, અધ્યાપકોની અભ્યાસપરાયણતાને બદલે બીજા ઉપર સરસાઈ ભોગવવાની વૃત્તિ વિશે, અભ્યાસક્રમની અને પાઠ્યપુસ્તકોની યોજના વિશે, અને વ્યાખ્યાનપ્રધાન શિક્ષણપદ્ધતિ વિશે જે અસંતોષ વ્યક્ત કર્યો છે તે સકારણ છે અને એને લગતા વ્યવહારુ સૂચનો કર્યાં છે તે વહેલાંમોડાં ધ્યાનમાં લેવાં પડશે અને અનુસરવાં પડશે એવાં છે. આ લેખમાં સાહિત્યના અને કાવ્યના શિક્ષણમાં રહેલી આજની ન્યૂનતાઓ બતાવીને, એની કારણપરીક્ષા કરીને, એના ઉપાયો સૂચવ્યા છે અને એક બે કાવ્યની પંક્તિઓ લઈને એનાં આસ્વાદ્ય તત્ત્વોનું સમર્થ નિરૂપણ કરીને આદર્શ કવિતાપાઠની ખરી દિશા દર્શાવી છે—એ (જેને એવી જરૂર હોય તેવા) અધ્યાપકોને ઉપયોગી નીવડશે. વિદ્યાર્થીને, એની રસાસ્વાદની અપેક્ષાને તૃપ્ત કરે એ પ્રકારનો સુયોજિત પરિચય શુદ્ધ કાવ્યોનો કરાવવો અને એ દ્વારા કાવ્યની તત્ત્વમીમાંસા માટે વિદ્યાર્થીમાં સ્વતંત્ર સૂઝનો વિકાસ થવા દેવો એ સૂચનાને અંગે, પ્રથમ બે લેખોમાં જેનું નિરૂપણ થઈ ગયું છે એ કાવ્યત્વસાધક સામગ્રીનું ભાઈ સુરેશ જોષીએ ફરીથી વિસ્તારપૂર્વક, અને જરાક જુદી શૈલીમાં નિરૂપણ આ લેખમાં કર્યું છે; અને એ વિશે કરેલી વિચારણાનો કથાસાહિત્યના શિક્ષણ પરત્વે પણ યથાયોગ્ય વિનિયોગ કર્યો છે. પોતાના વાર્તાસંગ્રહ ‘ગૃહપ્રવેશ’નું પુરોવચન ‘કિંચિત્’ આ સંગ્રહમાં સમાવિષ્ટ કરીને ફરીથી પ્રકટ કરવામાં ભાઈ સુરેશ જોષીનો ઉદ્દેશ ટૂંકી વાર્તા વિશે અને એના સંદર્ભમાં સાહિત્યસર્જન વિશે – કરેલાં વિધાનો ફરીથી સાહિત્યરસિકો સમક્ષ મૂકવાનો હશે. એમાં એમના મહત્ત્વના મુદ્દાઓ આ છે : સર્જનનું અહેતુકલીલા એ જ પ્રયોજન છે. વાર્તાને જીવનને ઉપકારક મૂલ્ય ઉપજાવવાની ફરજ એના કલાધર્મના અંગ તરીકે પ્રાપ્ત થતી નથી. અને વસ્તુનો પિંડ બંધાવો જોઈએ એવી પણ અપેક્ષા કલા પાસે ન રખાય. પિંડનો આગ્રહ રાખવાથી કૃત્રિમ મર્યાદા આવે છે અને એવી “કૃત્રિમ મર્યાદાનું હેતુપુરઃસર કરેલું નિર્માણ એ કલાના ક્ષેત્રની અનીતિ છે, કારણ કે એ કલાને માટે વિઘાતક નીવડે છે.” કલાનું સત્ય એટલે શું? એ “ભારે વિકટ પ્રશ્ન છે” એમ કહીને ભાઈ સુરેશ જોષી એનો ઉત્તર આ આપે છે કે “સત્ય એટલે ‘ધી પ્યોર સ્ટેટ ઑફ એક્ઝિસ્ટીંગ’—સંતતિ, આ સંતતિ નથી થઈ હોતી ત્યાં સુધી સાધન અને સાધ્યની જટા-જાળ અટપટી લાગે છે” એમનું કથયિતવ્ય એ છે કે કોઈ પણ ઘટનાની ગતિનો આરંભ એક બિંદુથી તો થાય, એ ગતિના આરંભ માટે એક સ્થિર બિન્દુ હોવું જોઈએ પણ એ બિંદુ-સ્થળકાળનું એ બિંદુ સ્થગિત નથી થતું કે રહેતું પણ એ, જળપ્રવાહમાંનાં અનેક બિંદુઓમાંનું—સંતાનવાહી, પૃથક્ ન કરી શકાય તેવાં અનેક બિંદુઓમાંનું પૃથક્ ન કરી શકાય તેવું બિન્દુ છે, અને એમાંથી અનેક વર્તુળો વિસ્તર્યા કરે, એ બિન્દુ એ વિસ્તારનો આધાર બને, વિસ્તરાયમાં અંતરાય ન બને. જે ‘સ્ટેટ ઑફ એક્ઝિસ્ટીંગનો એમણે નિદેર્શ કર્યો એ ‘અસ્તિત્વ’ આવો બિંદુનો સંતાનવાહી પ્રવાહ છે; અને એથી જ એનો ‘સંતતિ’ એવો પર્યાય એમણે આપ્યો છે એમ મને સમજાય છે. સત્ય અને ‘ફૅન્ટેસી’ વચ્ચે કંઈ ભેદ હોય તો તે દૃષ્ટિબિંદુનો ભેદ છે એ સ્પષ્ટ કરવા માટે એમણે કહ્યું છે કે આપણી આસપાસના જગતને આપણે જોઈએ છીએ ત્યારે આપણી દૃષ્ટિ આત્મકેન્દ્રીય હોય છે માણસ પોતાના કેન્દ્રથી, પોતાને છેડેથી, પરિસ્થિતિ અવલોકે છે. પણ “કોઈક વાર સામે છેડેથી પણ આખી પરિસ્થિતિ જોવી જોઈએ. એમ કરવા જઈએ ત્યારે બધા બૂમ પાડી ઊઠે. કપોલકલ્પિત ‘ફૅન્ટેસ્ટિક’–બરાબર છે : સત્યનો સામો છેડો તે ‘ફૅન્ટેસી’. આમ સૃષ્ટિના સર્જનનું કેન્દ્ર માનવી છે એ માન્યતાને ઘડીભર અળગી કરીએ ને સામે છેડેથી જોઈએ તો ફરી આવીને ઊભા રહીએ ‘ફૅન્ટેસી’ આગળ.” આ ‘ફૅન્ટેસી’ તે દૃષ્ટિભેદને લીધે ‘ફૅન્ટેસી’ લાગે છે, પણ એ પણ સત્યમાં સમાઈ જાય છે. “સત્યના સર્વાશ્લેષી પ્રસારમાં તો ‘ફૅન્ટેસી’ ને ઍબ્સર્ડિટી પણ સમાઈ જાય છે.” ભાઈ સુરેશ જોષીનું આ વિધાન મને શાંકર વેદાન્તની ત્રિવિધ સત્તાની સ્વીકૃતિનું સ્મરણ કરાવે છે. વેદાન્ત બ્રહ્મને પરમ શાશ્વત પારમાર્થિક સત્ય માને છે ને સાથેસાથ જગતને વ્યાવહારિક સત્ય માને છે અને સ્વપ્નને પણ પ્રાતિભાસિક સત્તા અથવા સત્ય માને છે. અને એ ખરું છે કારણ કે જેનું ભયકંપપ્રસ્વેદાદિ પરિણામ જાગ્રદવસ્થામાં અનુવૃત્ત થાય છે એવા એ વાસ્તવિક પરિણામ ઉપજાવનારા સ્વપ્નને પણ કારણરૂપે સત્ય માનવું ઘટે પછી ભલે જેમ પારમાર્થિક સત્યની અપેક્ષાએ વ્યાવહારિક સત્તા, અને વ્યાવહારિક સત્તાની અપેક્ષાએ સ્વપ્નની પ્રાતિમાસિક સત્તા, સાપેક્ષ દૃષ્ટિએ ‘મિથ્યા’ મનાય. ભાઈ સુરેશ જોષીએ “સત્ય એટલે ‘ધી પ્યોર સ્ટેટ ઑફ એક્ઝિસ્ટીંગ’ એવું કહ્યું છે ત્યાં ‘સત્ય’ને સ્થાને ‘સત્તા’ શબ્દ મૂકીએ, અને આપણી વ્યાવહારિક સત્તાના અનુભવના “સર્વાશ્લેષી પ્રસારમાં” સ્વપ્નનો અનુભવ પણ સમાઈ જાય છે. એ સ્મરણમાં રાખીએ તો ભાઈ સુરેશના આ મન્તવ્યની પ્રતીતિ ઊપજવા માટે વિશેષ ભાષ્યની જરૂર નહીં રહે, “સત્યના ઘણા મૂલ્યવાન અંશો આ ‘ફૅન્ટેસી’ અને ‘ઍબ્સર્ડિટી’ની અંદર દટાઈને પડ્યા રહ્યા છે.” – જેમ જાગ્રત વાસ્તવિક જીવનના અંશો સ્વપ્નના પ્રતિમાસમાં દટાઈને પડ્યા છે તેમ. એમની ફરિયાદ છે કે “જે જ્ઞાનજગતમાં સ્વીકૃત બન્યું તે જ ભાવજગતમાં પ્રવેશ પામે એવું એક વલણ વધતું જાય છે.” અંતઃસ્ફુરણાથી, અપરોક્ષ રૂપે જે અનુભવ ભાવરૂપે અથવા ભાવ દ્વારા થયો હોય તેને જ્ઞાનની ‘કન્ટેન્ટ’ રૂપે સ્થાન આપવામાં આવે એ યોગ્ય છે, પણ તેને બદલે બને છે એવું કે એ અનુભવ જો ‘તર્કશ્રદ્ધેય’ ન લાગે તો તેટલા જ કારણે તેના તરફ શંકાશીલ દૃષ્ટિ રાખવામાં આવે એટલું જ નહીં પણ એને – જ્ઞાનજગતમાંથી તો ઠીક પણ-ભાવજગતમાંથી પણ બહિષ્કૃત કરવામાં આવે—એની સામે આ ફરિયાદ છે. (અહીં ભાઈ સુરેશનું વક્તવ્ય બહુધા એમના શબ્દોમાં, પણ વક્તવ્ય સ્પષ્ટતર બને એ અર્થે થોડાક અન્વય સાધક શબ્દોનો ઉમેરો કરીને રજૂ કર્યું છે.) આવી ફરિયાદ કરીને ભાઈ સુરેશ કલાધર્મ અંગે દાવો રજૂ કરે છે : “જ્ઞાનગત સત્યો તો ગોચર છે જ : એને પ્રકટ કરવામાં કલાનો વિશેષ રહેતો નથી. કલાનો વિશેષ રૂપ વિધાનમાં છે, નવનિર્માણમાં છે.” અને આ કથનના તાત્પર્યનું અન્યવચનભંગીથી ફરી ઉચ્ચારણ કરીને પોતાની વાર્તાઓ વિશે તેઓ કહે છે : “ઘટનાનો બને તેટલો હ્રાસ સિદ્ધ કરવા તરફ મારો પ્રયત્ન છે. અને રસ હોય તો તે આકારની રચનામાં છે.” આ કથનના સંદર્ભમાં મૂકવા જેવું એમનું આ ‘કિંચિત્’માં થોડાંક પૃષ્ઠો અગાઉ કરેલું બીજું કથન આ છે : “અહીં જે આસ્વાદ્ય છે તે એ આકારની નિર્મિતિ.” આ સંગ્રહમાં બીજા લેખો છે : સાચું કાવ્યાત્મક નાટક કોને કહેવાય? ‘પ્રાચીના’ એ પદ્યનાટક વસ્તુતઃ કાવ્યાત્મક નાટક તો નહીં પણ પદ્યનાટક શા માટે નથી? એ વિષયની ચર્ચા કરતો લેખ ‘કવિ અને રંગભૂમિ’; પરભાષાનાં કાવ્યનો અનુવાદ કરવામાં – શીશીનો દાટો ખૂલતાં એમાં પૂરાયેલો જીન વિરાટ બનીને ઊઠી જાય છે એ રીતે-મૂલ કાવ્યનું કાવ્યતત્ત્વ ઊડી જાય છે એમ કહીને એવા અનુવાદની સફળતા કયાં તત્ત્વોને અવલંબે છે એ જણાવતો ‘કાવ્યનો અનુવાદ’ એ લેખ; ‘ગુજરાતી ભાષાસાહિત્ય’ નામનો, શીર્ષક નિર્દિષ્ટ વિષયમાં મધ્યયુગથી અર્વાચીન યુગ સુધીની આપણી સિદ્ધિઓનું અને મર્યાદાઓનું ત્વરિત-અવલોકન કરતો લેખ; અને આપણી નવલકથાની સત્ત્વહીનતાનું કારણ નિદાન કરતો ‘યોજકસ્તત્ર, દુર્લભઃ’ એ લેખ; આ સર્વ લેખોમાં મનન છે અને વિશિષ્ટ દૃષ્ટિ છે. આ ઉપરાંત “જનાન્તિકે” નામના ગ્રન્થાન્તે મૂકેલા વિભાગમાં સાહિત્યના જ મહત્ત્વના પ્રશ્નોની મીમાંસા કરનારા, અને જે “જનાન્તિક ઉચ્ચારણમાં જ પૂરું રૂપ પામતાં હોય” – જેમાં “અંગત અભિગ્રહ પ્રતિગ્રહના કાકુઓ ઢાંકવામાં આવ્યા” ન હોય-એવાં કેટલાંક સત્યોને નિખાલસપણે રજૂ કરતા અગિયાર લાંબાટૂંકા લેખો પણ છે. એ લેખો પ્રત્યે આટલો અંગુલિનિર્દેશ જ અહીં કરું છું, અને આ ગ્રંથમાં સાહિત્યના ધર્મ વિશે શ્રી સુરેશ જોષીએ કરેલાં થોડાંક વિધાનો તરફ વળું છું. એ વિધાનો આ છે : “કાવ્યમાં ‘ફૉર્મ’થી ‘કન્ટેન્ટ’નું પૂરેપૂરું નિગરણ થાય છે ને કવિએ રચેલું એ અપૂર્વ રૂપ, કવિનું એ અનોખું વિધાન, કાવ્યનો સાચો અર્થ છે” “અહીં જે આસ્વાદ્ય છે તે આ આકારની નિર્મિતિ”; “કલાનું કામ મૂલ્યબોધનું વ્યાકરણ આપવાનું નથી, વિધિનિષેધની સ્મૃતિઓ રચવાનું નથી, ને છતાં આપણા મૂલ્યોની રચનાને પહેલો ઘાટ કલા જ આપે છે—પ્રકટ રીતે નહીં, પ્રચ્છન્ન રીતે.” “કવિતા માત્ર અનુકરણશીલ નથી. એ ‘ક્રિયેટિવ’ હમેશાં હોય છે, ને તે પણ ઊંડા અર્થમાં, આપણી સંવેદના કેવળ બાહ્ય જગતની છાપ ઝીલતી નથી. એ જેની છાપ ઝીલે છે તેના અંતર્ગૂઢ યાથાર્થ્યને એ હંમેશાં પ્રકટ કરે છે, ને એ રીતે અનુભૂતિના એક અનંત શક્યતાવાળા વિશ્વ તરફ એ અંગુલિનિર્દેશ કરે છે.” ભાઈ સુરેશ વારંવાર આગ્રહપૂર્વક કહે છે કે કલાનું સર્વસ્વ સ્વરૂપસિદ્ધિમાં છે, એના અંતર્ગત વસ્તુમાં નહીં; જીવનની મૂલ્યદૃષ્ટિ, જીવનની વિધિનિષેધ વ્યવસ્થા યુગેયુગે બદલાતી રહે, સદીઓ પહેલાંની જીવનદૃષ્ટિ આજે અને આજની સદીઓ પછી એટલી જ સ્વીકાર્ય, અફર કે આનંદપ્રદ ન બને, આથી જેને કલાનું ‘કન્ટેન્ટ’ કહીએ એ તત્ત્વ સનાતન નથી, જ્યારે કલાનો આકાર સનાતન છે. સાર્વદેશિક અને સાર્વકાલિક આનંદ આપનારો છે. સહૃદયો આસ્વાદે છે, સહૃદયોએ આસ્વાદવું જોઈએ – તે આ કલા સ્વરૂપ, વસ્તુ નહીં. એમના આ મંતવ્ય પરત્વે જેમને અરુચિ હોય એમનું લક્ષ ભાઈ સુરેશનાં જ ઉપર ટાકેલાં વિધાનો પ્રત્યે, એમાંના “ઘનશ્યામ” શબ્દો પ્રત્યે હું દોરું છું. એથી જણાશે કે ઘાટ ઘડવો હોય તો વસ્તુપદાર્થ જોઈએ એની ભાઈ સુરેશ ના કહેતા નથી, એમને કહેવું છે તે એ છે કે વસ્તુ તો સર્વત્ર સર્વદા વિદ્યમાન છે, પણ એમાંથી એને આધારે કાવ્ય, નવલિકા, નવલકથા વગેરે કલાસ્વરૂપનું નિર્માણ થાય છે ત્યારે વસ્તુનું નિર્માણ નથી થતું પણ કલાનું. જેમાં કલાકારના કે કવિના કર્મનો વિશેષ છે એવું સ્વરૂપ નિર્માણ થાય છે. સર્જનની લીલા જોઈને થતો વિસ્મય, અથવા ચમત્કાર અથવા ચેતોવિસ્તાર એ જ સર્જનમાત્રનું પ્રયોજન છે એવું જ્યારે ભાઈ સુરેશ કહે છે ત્યારે એમને આનંદ, આસ્વાદ–એને જ કલાનો ધર્મ માનનારા પ્રાચીન સાહિત્ય મીમાંસકોનું સમર્થન છે અને એ આનંદનો આસ્વાદ કરાવનાર છે શબ્દની અભિનવ અપૂર્વ અર્થચ્છાયા, “ચિત્રકલ્પ” અર્થાત્ ‘ઇમેજ’ની ઇન્દ્રિયગોચરતા, પ્રતીકનો અર્થવિસ્તાર એવી સામગ્રીમાંથી નિષ્પન્ન થતી કવિતા. કાવ્યનો આત્મા ધ્વનિ છે એમ કહેનાર આનંદવર્ધન અને રમણીય અર્થનું પ્રતિપાદન કરનાર શબ્દ તે કાવ્ય એવું કહેનાર જગન્નાથ એ બંનેનાં વિધાનોની મીમાંસા કરીશું તો આવું જ તાત્પર્ય નિષ્પન્ન થશે. ધ્વનિ એ વાણીને પ્રચલિત અર્થની મર્યાદામાંથી મુક્ત કરીને વિસ્તીર્ણ વ્યંજના પર્યન્ત લઈ જતો વ્યાપાર છે. જગન્નાથના રમણીય અર્થનું પ્રતિપાદન, એ અર્થની રમણીયતાને સાધનારું તત્ત્વ શબ્દમાં રહ્યું છે. ધ્વનિ એક વ્યાપાર હોવા ઉપરાંત કાવ્યનો અર્થ છે, તો ભાઈ સુરેશ પણ એમ કહે છે કે કવિએ રચેલું અપૂર્વ રૂપ, અનોખું સંવિધાન એ કાવ્યનો સાચો અર્થ છે. અને એ માટે કવિ શબ્દોના ધ્વનિને ખપમાં લે છે. કવિ અનુકરણ નથી કરતો, સર્જન કરે છે, પણ એ સર્જન કવિ શૂન્યમાંથી, કંઈ જ ઉપાદાન વિના નથી કરતો : આ જગત અને એનો અનુભવ, એનું દર્શન, એમાંથી થતી સંકુલ ભાવાનુભૂતિ એ કવિની નિર્મિતિનું ઉપાદાન છે, પણ એ માત્ર ઉપાદાન છે. એ ઉપાદાનમાંથી કાવ્યમય સ્વરૂપનું સર્જન થાય તે કલા. અર્થાત્ કવિતાનું કાવ્યત્ય વાર્તાનું કલાત્વ, એના સ્વરૂપમાં રહ્યું છે એ સૌને સ્વીકાર્ય છે. ભાઈ સુરેશ ઉપાદાનને અવગણે છે એમ માનવામાં મને લાગે છે, ગેરસમજ થાય છે. કાવ્યમાં ‘ફોર્મ’થી ‘કન્ટેન્ટ’નું પૂરેપૂરું નિગરણ થાય છે એમ એમણે કહ્યું છે–પણ એથી ‘કન્ટેન્ટ’નું અસ્તિત્વ લુપ્ત થતું નથી, સ્વરૂપથી નિગીર્ણ થયેલું એ વસ્તુ સ્વરૂપના ઉદરમાં રહ્યું છે. આપણે ત્યાં આજે વાઙ્મયની વિવેચનામાં અને મૂલવણીમાં વસ્તુને મહત્ત્વ અપાય અને સ્વરૂપની ઉપેક્ષા થાય એની સામે ભાઈ સુરેશનો વિરોધ હોઈ એમણે કલાનિધાન સ્વરૂપનો પુરસ્કાર કર્યો—એમાં, બળવંતરાય ઠાકોરે કરેલી વિચારની પ્રબળ હિમાયતની સામે ભાવની અને ભાવવ્યંજક સ્વરૂપની હિમાયત કરવામાં, ભાઈ સુરેશ એવી જ રીતે નિજ પક્ષના સમર્થનમાં અતિ-આગ્રહપૂર્વક પ્રવૃત્ત ન થાય, ઝુંબેશ ન ઉઠાવે તો જ નવાઈ. પાશ્ચાત્ય તેમ જ પૌરસ્ત્ય, પ્રાચીન તેમ જ આધુનિક સાહિત્યની અને સાહિત્યમીમાંસાની એકસરખી ઉપાસનાએ ભાઈ સુરેશને એક દૃષ્ટિ આપી છે અને એ દૃષ્ટિને વ્યક્ત કરવા માટે આવશ્યક વાણીસમૃદ્ધિ પણ આપી છે અને પારિભાષિક શબ્દો શોધી કાઢવાની કે ઘડવાની શક્તિ પણ આપી છે. વાચકને એ પરિભાષા દુર્બોધ ન લાગવી જોઈએ, પણ એનો અર્થ યથાર્થ અવગત થાય એ માટે વાચકે કાળજી તો રાખવી જોઈએ. આ પરિભાષામાંનો એક શબ્દ ‘અધ્યાસ’ જે અર્થમાં ભાઈ સુરેશે વાપર્યો એ અર્થમાં મને બંધબેસતો લાગતો નથી. એમણે ‘એસોસિયેશન’ના અર્થમાં ‘અધ્યાસ’ શબ્દ વાપર્યો છે. પણ ‘અધ્યાસ’નો ખરો અર્થ એ નથી. કદાચ એમ હોય કે જેનો ખરો અર્થ જુદો છે એવા આ શબ્દને, ‘એસોસિયેશન’ માટે અન્ય શબ્દ ન પસંદ પડવાથી, એ અર્થમાં પ્રચલિત કરવાનો એમનો ઉદ્દેશ હોય, ‘સન્નિધિ’નો સ્ત્રીલિંગમાં પ્રયોગ એમણે કર્યો છે તે એ શબ્દનું અકારણ લિંગપરિવર્તન છે. નારાયણોપનિષદનું ‘વૃક્ષ ઇવ સ્તબ્ધ દિવિ તિષ્ટત્યેકઃ’ એ વચન એમણે ટાંક્યું છે તેમાં ‘ઈવ’ મુદ્રણદોષ હોય પણ ‘વૃક્ષો ઈવ’ એમ ‘વૃક્ષો’ શબ્દમાં વિસર્ગસંધિની શુદ્ધિ જળવાઈ નથી એનો દોષ મુદ્રણ માથે ન નાખી શકાય. આ લેખો ભાઈ સુરેશને, સાહિત્યમીમાંસક તરીકે, નવીનોમાં અગ્રસ્થાને મૂકે છે, અને અન્ય વર્તમાન મીમાંસકોમાં પણ આદરણીય સ્થાન અપાવે છે.
(‘ક્ષિતિજ’ સામયિક-માંથી)