સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – લાભશંકર પુરોહિત/ઔરંગઝેબની સંગીતશત્રુતા
માત્ર ઇતિહાસના અભ્યાસી કે કળાપ્રેમી જ નહિ, પરંતુ આપણા સંસ્કારપ્રિય શિષ્ટ સમુદાયમાં પણ મોગલ બાદશાહ ઔરંગઝેબ એટલે સંગીતનો શત્રુ એવો લગભગ સર્વસ્વીકૃત ખ્યાલ પ્રવર્તે છે. સત્તાપ્રાપ્તિ માટે સગા ભાઈઓની ક્રૂર હત્યા, પિતા પ્રત્યેનો નિષ્ઠુર ને નિર્દય વ્યવહાર, ચુસ્ત ઇસ્લામપરસ્તી, એ કારણે જ ઇતર મતાવલંબીઓ પ્રત્યે અસહિષ્ણુતા, દેવસ્થાનોના ધ્વંસ, સલ્તનતના વહીવટમાં શરિયતની શિસ્ત માટેનો કડક આગ્રહ અને એ હેતુથી જ સંગીતની રાજદરબારમાંથી થતી હકાલપટ્ટી : આ બધી બાબતો એમના ઇતિહાસઆલેખ્ય વ્યક્તિત્વ સાથે ઠેકઠેકાણે ઘૂંટાતી રહી છે. એ જ રીતે, એમના અંગત જીવનની સાદગી, અતિ ચુસ્ત ધાર્મિકતા, પોતીકી વ્યક્તિગત જરૂરતો માટે ટોપીઓ સીવીને કે કુરાનની નકલો લખીને ખપજોગું ઉપાર્જન કરી લેવાની જીવનપદ્વતિ : આ બધી વિગતો એમના વ્યક્તિત્વની બીજી બાજુનું ચિત્ર પણ આપે છે. પાછલી વયમાં, એમણે કોઈ હિન્દુ ધર્મસ્થાનોના નિભાવ માટે જમીનજાગીર બક્ષિસ તરીકે એનાયત કર્યાના ફરમાનનો હવાલો પણ કોઈ સ્થળે અપાયો છે. આવી કેટલીક બાબતો એમના ઐતિહાસિક વ્યક્તિત્વને સમ્યક્ રીતે સમજવામાં સંદિગ્ધતા ઊભી કરે એ સ્વાભાવિક છે. સલ્તનતના સર્વસત્તાધીશ તરીકેની એમની રાજનીતિ, શાસનપદ્ધતિ, વહીવટમાં સામેલગીરી માટેનાં ધોરણો બારામાં, અકબર, જહાંગીર કે શાહજહાં જેવા પુરોગામી શાસકો કરતાં નોખી પડતી નીતિરીતિના મુદ્દાઓને એક બાજુ મૂકીને, એમના નામે થપાઈ ચૂકેલી સંગીતદ્વેષની ઘટનાને શાસનપદ્ધતિની સ્વસ્થતા કે સ્વચ્છતાના પરિપ્રેક્ષ્યમાં જોવાનું રસપ્રદ નીવડશે.
*
એ તો ખૂબ જાણીતી વાત છે કે ઔરંગઝેબે બાદશાહ તરીકે સત્તા પર આવતાંવેંત શાહી દરબારમાં પેઢી દર પેઢીથી બેસતા સંગીતકારોને રજા આપી દીધી. સંગીત જેવી કળા પ્રત્યેના આ તિરસ્કારભર્યા દુર્વ્યવહારથી રોષે ભરાઈને પોતાની નારાજગી વ્યક્ત કરવા માટે દરબારી સંગીતકારો ખાંધે જનાજો લઈને શાહી મહેલ પાસેથી સરઘસ કાઢીને પસાર થયા. એ વેળા બાદશાહે ઈતેજારી દાખવીને પૂછપરછ કરી કે કોનો જનાજો જઈ રહ્યો છે ? ડાઘુઓને જવાબ વાળ્યો : સંગીતનો ! રાજકચેરીમાંથી રુખસદ મળવાને કારણે દુભાયેલા સંગીતકારોના બાદશાહી નિર્ણયની સામેના ‘વિરોધ-પ્રદર્શન'ના ધૃષ્ટતાભર્યા તરીકાથી ગિન્નાયેલા ઔરંગઝેબે એવી જ વ્યંગભરી ભાષામાં સુણાવી દીધું કે મૈયતને એટલી ઊંડી દફનાવજો કે જેથી એના સૂરો શાહી કચેરી લગી ન પહોંચે ! બાદશાહ તરીકે ઔરંગઝેબના સંગીતદ્વેષને લગતા આ બનાવની આજુબાજુ આવી મતલબની બોલાચાલી બન્ને બાજુએ થઈ હોવાનું કહેવાય છે.
*
આવા બનાવની ઐતિહાસિક તથ્યપરકતા અંગે તો કશો સંદેહ રાખવાનું કારણ નથી, પરંતુ શહેનશાહ તરીકે સંગીત પ્રત્યેના આટલા દ્વેષની સામે, એમના પારિવારિક જીવનમાં અને અતિ નિકટના ચુસ્ત ઇસ્લામપરસ્ત સરદારોમાં તો સંગીતનો શોખ પ્રચલિત હતો જ એવા ઉલ્લેખો પણ સાંપડે છે. ખુદ બાદશાહની લાડકી પુત્રી ઝેબુનિસા ઊંડી સંગીતપ્રીતિ ધરાવતી હતી. કહેવાય છે કે પુત્રીના સંગીતશિક્ષણ માટે પિતા તરીકે બાદશાહે અંતઃપુરમાં વ્યવસ્થા કરી હતી. મોગલ સલ્તનત, ખાસ કરીને ઔરંગઝેબ વિશેના અધિકૃત ઇતિહાસકાર ડૉ. જદુનાથ સરકારના ગ્રંથોમાં જોકે એ અંગે કશી માહિતી સાંપડતી નથી, આમ છતાં અન્યત્ર પ્રાપ્ત થતા નિર્દેશો પણ આ દિશામાં આપણને વિચારતા કરી મૂકે એવા છે. (૧) ‘ઔરંગઝેબ સંગીતનો દ્રોહી નહિ; રાગ-રંગ અથવા ભ્રષ્ટ અને અશ્લીલ ગીતોનો શત્રુ હતો.' ‘મુગલ બાદશાહોં કી હિંદી', ૪૬ આચાર્ય ચંદ્રબલિ પાંડે (૨) ‘પીર, ફકીર કે સંત તરીકે પોતાની જાતને ઓળખાવવા માટેનો ઔરંગઝેબનો પ્રયત્ન રાજકીય હતો અને એની ધૂનમાં એણે પોતાના દરબારમાં સંગીતનો નિષેધ કર્યો હતો, પરંતુ એના જનાનખાનાની વાત જુદી જ હતી. ત્યાં તો રાગરંગ અને સંગીતની મહેફિલ જામતી રહેતી.' ‘ઔરંગઝેબ કા સંગીતપ્રેમ', લે. આચાર્ય બૃહસ્પતિ (ધર્મયુગ ૨૫ ઓક્ટો. ૧૯૫૮) (૩) ‘ગમે તે કારણે ઔરંગઝેબે સંગીતનો નિષેધ કર્યો હોય, પણ એના દરબારમાંથી એનો પૂર્ણતઃ બહિષ્કાર તો નહોતો થયો. એનો કાશ્મીરી સૂબેદાર ફરીદુલ્લા કટ્ટર મુસલમાન હતો. ઔરંગઝેબની ધાર્મિક નીતિનો એ સમર્થક હોવા છતાં સંગીતનો એ પ્રેમી હતો. ‘રાગદર્પણ' નામે એનો ગ્રંથ ખ્યાત છે. એ પરથી પણ માહિતી મળે છે કે ઔરંગઝેબના દરબારમાં ખુશહાલખાં સરસસેન, સુખીસેન વગેરે સંગીતકારો હતા.' ‘માનસિંહ ઔર માનકુતૂહલ', ૧૪૩ ઉપલા ત્રણેય ઉતારા માટે જુઓ ‘व्रज का सांस्कृतिक इतिहास', लेखकः प्रभुदयाल मित्तल । द्वितीय झण्ड । पृ. २२२-२३ प्रकाशकः राजकमल प्रकाशन, दिल्ली-प्रथम संस्करण /૧૧૬૬ (ગુજરાતી ભાષાંતર આ લેખકનું છે.) (૪) ઔરંગઝેબના દરબારમાં આલમપંડિત(બ્રાહ્મણવંશીય) ગીતકવિ હતા. બાદશાહના પૌત્ર અજિમુશાન જ્યારે ઢાકાના સૂબા તરીકે નિયુક્ત થયા ત્યારે તેણે પ્રવાસમાં સંગત માટે, આલમની માગણી કરી હતી. એને અનુકૂળતા નહોતી એટલે બીજી પસંદગી દરબારી ગીતકવિ કાલિદાસ ત્રિવેદી પર ઊતરી; એ પણ જઈ શકે એમ નહોતા એટલે કવિ વૃન્દને સાથે તેડી ગયા. એમણે ‘વૃન્દ સતસઈ'ની રચના ઢાકામાં પૂરી કરી હતી. (૫) ઔરંગઝેબના દરબારમાં મોટા ગાયકો હતા. બાદશાહની વરસગાંઠ કે તાજપોશીની તારીખે નવા નવા ધ્રુપદ, ખ્યાલની રચના રજૂ થતી. આમાંથી થોડીક ગત ‘અકબર સુત જહાંગીર. તાકે શાહજહાં; તાકો સુત ઔરંગઝેબ હૈ ભુવ.' (રાગ તોડી) ટોડી ઉપરાંત, આશાવરી, ધનાશ્રી, માલશ્રી, શ્રીરાગમાં પણ ઔરંગઝેબની પ્રશસ્તિમાં ગીતગાન થતાં હોવાનું નોંધાયું છે. (જુઓ : ‘ભારતમાં હિન્દુ મુસલમાનની યુક્ત સાધના' ક્ષિતિમોહન સેન અનુ. મોહનદાસ પટેલ પ્રથમ ૧૯૯૭, પૃ.૭૪-૫) અહીં એ નોંધવું પણ રસપ્રદ (ને અચરજભર્યું પણ) બનશે કે ‘સંગીત કલ્પદ્રુમ’ પ્રથમ સ્વામાં તો ખુદ ઔરંગઝેબનું કર્તૃત્વ દર્શાવતી કેટલીક ધ્રુપદ રચનાઓ મળે છે ! માની લઈએ કે એ દેશકાળના શિરસ્તા અનુસાર કોઈ અનામી સંગીતકારે બાદશાહને નામે એ રચી કાઢી હોય અને પછી પ્રચારમાં આવી ગઈ હોય, પરંતુ ઔરંગઝેબની ‘સંગીતશત્રુતા’ તો આવી ગુસ્તાખીને કેમ સાંખી શકે ? એમણે તો અવશ્ય એને સજાપાત્ર ઠરાવીને રદબાતલ કરાવી દીધી હોત ! પરંતુ આમ નથી બન્યું એનો અર્થ એવો ઘટાવી શકાય કે બાદશાહે આ સંગીતવ્યવહારને મૂંગી ઉદારતાથી નભાવ્યો હશે ? આવું વલણ પણ જો દાખવ્યું હોય તો કમ સે કમ બહુ વગોવાયેલી ‘સંગીતશત્રુતા’ એટલા પૂરતી તો ઢીલી પડી ગઈ હોય એવું નથી લાગતું? જે હોય તે, ઔરંગઝેબના નામે કોઈ ધ્રુપદ યા સાંગીતિક બંદિશની પ્રાપ્યતા એ કેવળ કિંવદંતી હોય તો પણ એમના નામ પર ચોંટેલા કટ્ટર કળાવિરોધી તરીકેના કલંકની બાબતને સંદેહાસ્પદ ઠરાવવામાં તો સબળ દલીલ તરીકે અવશ્ય ખપમાં આવે એવી છે ! સંગીતની કળાને સાંપડતા રહેલા રાજ્યાશ્રયને એક જ ઝાટકે ખતમ કરી નાખનારી શાસકીય અસહિષ્ણુતા ને પારિવારિક જિંદગીમાં સંગીતપ્રીતિને મોકળાશ આપનારી ઉદારતા : ઔરંગઝેબના વ્યક્તિત્વમાં કળાનાં આ આત્યંતિક વલણોની દ્વિ-ધાનો ખુલાસો શો હોઈ શકે? એ માટે બહુ ગવાયેલા ને વગોવાયેલા પેલા હકાલપટ્ટીવાળા મામલાના મૂળ સુધી જવું જોઈએ. એટલું જ નહિ પણ અકબરથી માંડીને શાહજહાં સુધીના શાસનકાળ દરમ્યાન સંગીતકારોને શાહી દરબારમાં મળતાં રહેલાં માનમરતબા, ખાતરબરદાસ્તની ખાસિયતોને પણ સમજવાનું જરૂરી બને. દરબારી સંગીતકારોને પોતાનું સ્થાન ટકાવી રાખવા ઉપરાંત ચડિયાતું સ્થાન મેળવવા માટે ગાયનકળાનાં અવનવાં કરતબ દાખવીને બાદશાહને રીઝવવાનું પણ આવશ્યક બનતું. આવા જ કોઈ ઉપક્રમ નિમિત્તે સુપ્રસિદ્ધ સંગીતકાર તાનસેન પાસેથી અકબર-દરબારમાં જ ‘રાગ દરબારી' ની પ્રથમ સ્વરબાંધણી સાંપડી હતી. તાનસેનના પુત્ર બિલાસખાંએ પ્રચલિત રાગ ટોડીને થોડોક નોખો સ્વરસ્પર્શ આપીને, “બિલાસખાંની ટોડી” નામે અલગ પ્રકાર આપ્યો તે દરબારી સંગીતની આવી જ રસમને કારણે. યાદ રહે કે આ મહાનુભાવો સંગીતકાર તરીકેની હેસિયતથી તો બાદશાહ ઉપરાંત શાહી પરિવાર અને પરિસરને પોતાના ગાનકૌશલથી અવશ્ય આનંદ આપીને તોષતા, સંતોષતા; પરંતુ દરબારી તરીકેના દરજ્જે શાહી દરબારમાં, ‘દીવાન'માં પણ હાજરી આપતા. એ તો સમજી શકાય કે રાજ્યશાસનને લગતી કામગીરીમાં આ ‘દરબારી' કલાકારોની કશી ઉપયુક્તતા ન રહેતી હોય; સિવાય કે બાદશાહની તહેનાતમાં રહીને પ્રસંગ પડ્યે કોઈ ‘ચીજ' પ્રસ્તુત કરવાનો યોગ નીપજે ! બાબરના વિજયવિક્રમથી સ્થપાયેલી મોગલ સલ્તનત, એમના પૌત્ર અકબરના શાસનકાળ દરમ્યાન તો વિસ્તાર અને વિશ્વાસ - બન્ને પરત્વે દૃઢમૂલ બની રહી. ધાર્મિક ઉદારતા, રજપૂતો સાથેના સંબંધોની શરૂઆત, શાસનમાં સમ્માનપૂર્વક એ સરદારોની સામેલગીરી ઉપરાંત સંગીત, ચિત્ર વગેરે કળાઓને પણ શાહી દરબારમાં મળતાં થયેલાં માનપાનને કારણે અકબરની ગણના મધ્યકાળના ઈતિહાસમાં “મહાન સમ્રાટ” તરીકે થઈ. અકબરની કલાપ્રીતિને લીધે જ તાનસેન જેવા સંગીતજ્ઞને મોગલ દરબારમાં મોભાદાર સ્થાન મળ્યું. અકબર પછીના એના ઉત્તરાધિકારી બાદશાહો- જહાંગીર, શાહજહાંના શાસન સમયમાં પણ આ પરંપરા ચાલુ રહી. તાનસેનનો પુત્ર બિલાસખાં, પુત્રી સરસ્વતી તથા એના વંશજો પણ ઈસ્લામ અંગીકાર કરીને સંગીતના ક્ષેત્રે મોગલ દરબારની ખિદમત કરતાં રહ્યાં. ત્રણેક પેઢી લગીના સાતત્યને કારણે સંગીતકાર, મોગલ દરબારનો જાણે કે આવશ્યક હિસ્સો બની રહ્યા. આ વર્ગ માટે સંગીતની સાધના અને શાસક પ્રીત્યર્થે એની દરબારી પ્રસ્તુતિ : આટલા પૂરતી જ જીવનપ્રવૃત્તિ સીમિત રહ્યા કરી. શાહી ખજાનામાંથી માતબર દરમાયો ને પરવરિશ ઉપરાંત ભેટસોગાદ તરીકે વાડીવજીફાની આમદાની પણ એ રળતા રહ્યા. આને કારણે આ ગાયકવર્ગની જીવનશૈલીમાં પણ રાજસી વિલાસિતા, પ્રમાદ, ઉડાઉપણું, મસ્તીની ઓથે મદ્યપાન જેવા દુર્ગુણો ઘર કરે એ દેખીતું છે. અકબરથી શાહજહાં લગીના ત્રણેય બાદશાહોનાં શતોપરાંત વરસના અમલ દરમ્યાન આ વર્ગની નિતાન્ત રાજ્યનિર્ભરતાને પરિણામે આજીવિકાની નિશ્ચિતતા અને એશોઆરામની પુષ્કળતા - આ બન્ને વાનાં દરબારી ગાયકવર્ગને ઉત્તરોત્તર જાણે કે વારસામાં મળતાં રહ્યાં. એટલે સ્તો શાહી દરબાર બહારની દુનિયાની નહોતી એમની પાસે કશી સૂઝ કે નહોતી કોઈ દિશા. ઔરંગઝેબ જ્યારે સત્તાસ્થાને આવે છે ત્યારે શાહી દરબાર શોભાવતા સંગીતકારો, મોટે ભાગે આવી મનોદશામાં જીવતા હતા. અકબર, જહાંગીર ને શાહજહાંને મુકાબલે ધર્મની બાબતમાં ઔરંગઝેબ અતિચુસ્ત ઇસ્લામપરસ્ત હતો. એમનો અપ્તરંગી મિજાજ કે સંગીતનિષેધ માટેની શરિયતની કડક જોગવાઈ જેવાં કારણો, જોકે, સંગીતકારોને દરબારમાંથી તગડી મૂકવાના નિર્ણય પાછળ સંભવતઃ ન રહ્યાં હોય; કેમ કે જો એવું જ હોત તો એમની નિકટના સરદારો કે ખુદના પરિવારજનો માટેય સંગીતની બાબતમાં એવું જ કડક વલણ અપનાવ્યું હોત, પરંતુ એમની પુત્રી ઝેબુન્નિસા ને એમના જેવા જ ઈસ્લામના પાબંદ સરદાર ફરીદુલ્લાના સંગીતશોખને, આગળ નોંધ્યું છે તે મુજબ, નથી તો એમણે અટકાવ્યો કે નથી સજાપાત્ર ગણ્યો. એટલું જ નહિ, તેના દરબારી ગાયકોને, પુરસ્કાર રૂપે ઉત્સવના દિવસે બક્ષિસો પણ આપી છે. આ પરથી તો એવું તારણ નીકળી શકે કે સંગીતનિષેધનું એમનું વલણ સાર્વત્રિક નહિ, પણ શાહી દરબારમાં સંગીતને મળતા સ્થાન ને મહત્ત્વ પૂરતું સીમિત રહ્યું હોય. જો એમ હોય તો આવા નિર્ણય પાછળ અંગત અણગમો કે શરિયતની મનાઈ કરતાંય ગાયકો કે કલાવંતોની નીતિગત શિથિલતા પ્રત્યે રોષ ઉપરાંત વહીવટની દુરસ્તી ને શાસનમાં સાવધાનીને લગતી રાજનીતિની વિચક્ષણતા જ નિર્ણાયક ને પ્રભાવકારી નીવડી હોય એમ માનવું સયુક્તિક લાગશે.
*
પરંતુ આવા અભિપ્રાય કે અનુમાનને કશો તર્કસંગત યા તથ્યપરક આધાર છે ખરો ? પ્રમાણભૂત ઇતિહાસગ્રંથો તો શાહી દરબારમાંથી સંગીતકારોને રજા આપ્યાની નોંધ અવશ્ય લે છે, પણ એની પાછળના કારણ તરીકે તો ઔરંગઝેબની તદ્વિષયક કટ્ટર ધાર્મિક માન્યતાને જ આગળ કરે છે. પાછલી વિગતોના પ્રકાશમાં એ કારણ બહુ વજૂદવાળું લાગતું નથી. આ સ્થિતિમાં અધિકૃત ને માન્ય ગ્રંથોમાંના મૌન કે અનુલ્લેખને ઉપેક્ષાભાવ ગણીને, ઈતર સ્રોતની સામગ્રીને આધારે અન્ય સંભાવના વિચારીએ તો ? મુગલ સલ્તનતના રિયાસતી અમલમાં, વહીવટી કક્ષાએ મુલકી(civil) તેમ જ ફોજદારી (criminal) બાબતોમાં કેટલાક મામલાઓના આખરી ફેંસલાનો અખત્યાર ખુદ બાદશાહં સંભાળતા. આવા કોઈ મામલાની પતાવટ વેળા બાદશાહ પંડ, શાહી દરબારમાં સંગીતના અંગત શોખની રંજકતામાં તલ્લીન થઈ જાય અને એ કારણે શાસનની કામગીરીમાં બેધ્યાન બનીને કોઈ ગલતી કરી બેસે એવું ન સંભવે ? સંગીતની રસમાધુરીમાં ચકચૂર બાદશાહની અસાવધતાની પળે, શાહીમહોર (રાજમુદ્રા)નો ઉપયોગ કરીને કોઈ બનાવટને શાહી ફરમાનનો દરજ્જો અપાઈ જાય એવું ન બને? આવો કિસ્સો શાહજહાંના શાસનકાળ દરમ્યાન બન્યો હોવાનું નોંધાયું છે. કિસ્સો આમ બન્યો હતો : મુગલ દરબારના શિરસ્તા મુજબ એક વાર શાહજહાંના શાહી દરબારમાં સંગીતકાર રાગિણી ટોડીનું મુગ્ધકર ગાન કરી રહ્યો હતો. શાહજહાંને પણ અતિપ્રિય ગાન રાગિણી ટોડીનું હતું. સ્વરમાધુરીમાં લેલીન બાદશાહની અસાવધતાની તક ઝડપીને પૂર્વગોઠવણ પ્રમાણે કોઈ દરબારી અમલદારે રાજમુદ્રાનો ઉપયોગ કરી પોતાના મળતિયા માટે શાહી ફરમાન મેળવી લીધું ! આ કિસ્સો જ્યારે બન્યો ત્યારે અન્ય શાહજાદાની સાથે ઔરંગઝેબ પણ શાહી દરબારમાં હાજર હતો (વહીવટી કે શાસકીય તાલીમના ભાગરૂપે શાહી દરબારમાં હાજરી આપવાનું શાહજાદાઓ માટે આવશ્યક હતું). ઔરંગઝેબની ચકોર દૃષ્ટિએ બાદશાહની સંગીતપ્રીતિને કારણે શાસનમાં પેસી જતી શિથિલતા કે ગફલતને તરત નોંધી લીધી. કોઈ પણ શાસનકર્તાનો અંગત શોખ એના કર્તવ્યપાલનમાં કેટલો અનર્થકારી નીવડે અને વહીવટને વણસાવી શકે એનું મૂર્ત ઉદાહરણ આ કિસ્સામાં એમને સાંપડ્યું. યુવા વયે શાહજાદા તરીકે જે બનાવના સાક્ષી બનવાને કારણે જ એમને આ બોધ લાધ્યો. એનું અનુપાલન પોતે શહેનશાહ બન્યાની પ્રથમ ક્ષણથી જ અમલમાં આણ્યું ! અને એમ શાહી દરબારમાંથી સંગીતકળાને વિદાય સાંપડી સદાને માટે. આ પરથી તો એવું તારણ નીકળે કે સંગીતને શાહી દરબારમાંથી કાયમી સ્વરવટો આપવાની ઘટના પાછળ ઔરંગઝેબનો આંધળો સંગીતદ્વેષ કે ધર્મપરક પ્રતિબદ્ધતા નહિ, પણ સંગીતકારોની - એટલે કે એમના સ્વરયોગની — રોજબરોજની હાજરી, કહો કે દખલગીરીથી રાજ્યવહીવટને મુક્ત કરી, શાસનમાં શાણપણ અને દુરસ્તી આણવાની, શાસક તરીકેની, એની દાનત કારણરૂપ હતી. એટલે સ્તો સંગીતબંધીના શાહી ફરમાન પછી જનાજો લઈને નીકળનારા ગાયકોને એણે જે વ્યંગભરી ચીમકી આપી છે એમાંય શાહી દરબારમાં ન સાંભળી શકાય એટલે ઊંડે એને દફનાવવાની સલાહ આપી ! દુભાયેલા દેખાવકારો માટે તો સંગીત જીવનરસ અને જીવનવૃત્તિ - બન્ને હોવાને કારણે જ, શરિયતને અમાન્ય સંગીતપ્રવૃત્તિ છાંડી દેવા બાદશાહ તરીકે એમણે કોઈ હુકમ કર્યો નથી એટલું જ નહિ, રહેમ દાખવીને એ સૌને જતા પણ કર્યા! અન્યથા ત્રણ ત્રણ ભાઈઓની નિર્દય હત્યા તથા પિતાને કેદ કરીને સલ્તનતની તાજપોશી પામનાર ઔરંગઝેબ ગાદીનશીન થયો તો ખુતબો પઢાયાની પળે, આવાં અપશુકન આચરવાનું દુઃસાહસ કરનારાને જ જનાજાની સાથે જીવતા દફનાવી દેવાનો હુકમ કરતાં ન અચકાયો હોત !* આ વ્યવહારમાં પ્રત્યક્ષ થતું ‘ઉદાર' (!) વલણ પણ ઔરંગઝેબનો સંગીતનિષેધ ધર્માભીષ્ટ અંગતતાથી પ્રેરાઈને નહિ; પણ શાસકીય ઈરાદાની સાફદિલીથી થયો હોવાના અનુમાનને સમર્થન આપે એમ છે. આ આખીય ઘટનામાં એક વાત સાફ તરી આવે છે કે સલ્તનતની હકૂમત સંભાળનાર સુલતાનનો અગ્રતાક્રમ શાહી કચેરીમાં ચાલતી વહીવટી કે શાસકીય કાર્યવાહી દરમ્યાન, ફક્ત ને ફક્ત, રિયાસતને લગતા મુદ્દાઓની રજૂઆતની કેન્દ્રીયતાનો જ હોઈ શકે; વ્યક્તિ તરીકે પોતાની અંગત કલાપ્રીતિ યા ઇતરશોખની પૂર્તિ કે પ્રકટનને એ સ્થળે અવકાશ હોય જ નહિ, એની જગ્યા કેવળ એની અંગત કે પારિવારિક જિંદગીમાં જ હોવાની. જો આટલી વાત ગળે ઊતરી જાય તો પછી દરબારી સંગીતકારોનાં મૂંગા આક્રોશ, નારાજગી ને રઝળી પડ્યાના વલોપાતમાંથી ફાટી નીકળેલા જનાજાકાંડને સમજવાનું સહેલું બની જશે. છેક અકબરના વારાથી બાદશાહી આશરાને કારણે તગડી આજીવિકા ઉપરાંત સરઅવસરના લાગા, દાપાં રળનાર વર્ગની સાગમટી સાહ્યબી ને ઉછીની ઠકરાત આમ ઘડીના છઠ્ઠા ભાગમાં નેસ્તનાબૂદ થઈ જતાં રોષે ભરાઈને નવાસવા થપાયેલા બાદશાહને ભૂંડો ચીતરવા માટે ગાયકવર્ગ સંગીતના જનાજાના ‘દેખાવો'નું ત્રાગું ન રચે તો બીજું શું કરે? અર્ધશતક વર્ષો ઉપરાંતના લોકતંત્રમાં શ્વસનારા નાગરિકને તો એનું મુદ્દલ આશ્ચર્ય ન થવું જોઈએ ! મુદતિયા જનપ્રતિનિધિઓની જમાત, મુદત પૂરી થયા પછીય અગાઉ મળતી મફત સુવિધાઓ, આવાસો, નોખાનોખાં દાપાં, લાગાલાતરી, બીજાં રળતરો ને મળતરો સિવાય, મરણઘડી લગીની જિવાઈની જોગવાઈ ‘સર્વાનુમતે’ કરતા રહે; ને એમાં કોઈ ઊણપ કે ઓછપ વરતાય ત્યારે છાશવારે થતાં વિરોધ પ્રદર્શનો કે ‘નનામીયાત્રા' આપણી રિયાસતના નિત્યોપચાર તરીકે આપણને કેટલાં બધાં પરિચિત છે? કોઈ પણ દેશ કે કોઈ પણ કાળના આપ-રખા સમુદાયની, ગમે તેમ કરીને પણ, સ્વ-અર્થને સાચવી લેવાની મનોવૃત્તિમાંથી આકારાતી આ માનવપ્રવૃત્તિ જ ગણીને ચાલવું રહે !
*
ચુસ્ત ઇસ્લામપરસ્ત ઔરંગઝેબના વિવાદાસ્પદ વ્યક્તિત્વને કારણે આ આખીય ઘટનાના મૂળમાં રહેલી શાસનદુરસ્તીના આગ્રહવાળી વાત એક કોર રહી ગઈ, જ્યારે વર્ગીય હિત ખતમ થતાં ઊઠેલા સામુદાયિક પ્રતિરોધના પ્રદર્શનનો તરીકો કેન્દ્રમાં આવી ગયો ! આ ઘટનાને સાંપડેલા આ જાહેર પરિમાણને લીધે જ, ખુદ ‘ઔરંગઝેબ' વ્યક્તિસંજ્ઞા ‘સંગીત- શત્રુ'ના પર્યાયપદે પ્રચલિત થઈ ગઈ! એ વાત તો સ્વીકારવી જ રહી કે અહીં ચર્ચાવિષય ઘટનાની તથ્યપરકતા તો ઇતિહાસસમ્મત છે જ, કહો કે ઈતિહાસનો દાર્શનિક પુરાવો એની તરફેણમાં છે; પરંતુ એ ઘટના પાછળના ઈરાદાને તો સાંયોગિક પુરાવાનું જ સમર્થન છે. તો એવા આશયનિષ્કર્ષની, ઐતિહાસિક પદ્ધતિએ કેવી ને કેટલી સ્વીકાર્યતા? - આ પ્રશ્ન થવાનો. શાહજહાંના દરબારમાંના સંગીતપ્રસંગ વિશે ઇતિહાસનું મૌન, એ બનાવના ઈનકારરૂપ ગણાય ? મુગલ દરબારમાં બાદશાહની મુનસુફી જ સર્વેસર્વા ગણાય એવી સમજવાળા ઇતિહાસવિદ્દ્ન એવો પ્રસંગ નોંધ લેવા જેવો ન લાગ્યો હોય એવું ન બને ? એ વેળા જેની હાજરી હતી એ શાહજાદા ઔરંગઝેબના મનમાં એવા વ્યવહારની ગંભીરતા તીવ્રતાથી ઊપસી હોય એ તો માની શકાય એમ છે. ઈતિહાસમાંની તથ્યપરકતા પણ આખરે તો ઇતિહાસકારની ખુદની આત્મલક્ષી તથ્યગ્રાહ્યતાને રજૂ કરનારી હોવાની. વળી, કોઈ ઐતિહાસિક ઘટનાનું નકરું તથ્ય એના સકલ આંતરમર્મોને ઉદ્ઘાટિત ન કરી શકે; એને ઉકેલવા માટે તો ઘટનાની સાંદર્ભિક ને સાંયોગિક ઉપસ્થિતિઓ (situations)ના પ્રદેશમાં પણ ગતિ થવી જોઈએ. કેવળ તથ્ય-પ્રતિપાદનમાં જ ઇતિહાસનું કામ પૂરું થતું નથી; તથ્ય-પૂર્વ ને તથ્ય-અપર સાથેનો સમજણભર્યો અનુબંધ તથ્યના પૂર્ણ ને સમ્યક ઇતિહાસબોધની અપેક્ષા સંતોષી શકે. આવી વિદ્યાસંગત ઇતિહાસદૃષ્ટિના મેળમાં રહે તે પ્રકારે અહીં ઐતિહાસિક પ્રકરણના અર્થઘટનની સંભાવના વિચારી છે.
*
રાજ્યનાં શાસન અને સુરક્ષાની જવાબદારી જેના શિરે હોય એ શાસકની કર્તવ્યજાગૃતિ અને કલારુચિના અગ્રતાક્રમને લગતાં એક પ્રાચીન પ્રકરણને અહીં ટાંકું ? કૃષ્ણની ગેરહાજરીમાં શાલ્વે જ્યારે દ્વારકા પર આક્રમણ કર્યું ને છેક દ્વારકાના પાદર લગી એની સેના આવી પહોંચી ત્યારે એનો સામનો કરવાની તૈયારી વેળાના પ્રસંગે વ્યાસ આમ લખે છે :
आघोषितं च नगरे न पातव्या सुरेति वै ।
प्रमादं परिरक्षद्भिद्रुग्रसेनोद्धवादिभिः ।। १२ ।।
(સૌને પ્રમાદથી બચાવનારા ઉગ્રસેન અને ઉદ્ધવે નગરમાં ઘોષણા કરાવી દીધી કે કોઈએ મદ્યપાન ન કરવું.)
आनर्ताश्च तथा सर्वे नटानर्तकगायकाः ।
बहिर्निवासिताः क्षिप्रं रक्षद्भिवित्तिसंचयम् ।। १४ ।।
(वनपर्वान्तर्गत अर्जुनाभिगमनपर्व अध्याय १५
महाभारतम् (द्वितीय खण्ड) पृ.९९३)
प्रकाशक : गीताप्रेस गोरखपुर
(ધનસંગ્રહની રક્ષા કરનારા યાદવોએ, આનર્તવાસી નટો, નર્તકો તથા ગાયકોને તરત જ ગામની બહાર કાઢી મૂક્યા હતા.) શું પ્રાચીન કે શું મધ્યકાલીન (અને અર્વાચીન પણ !) : કોઈ પણ દેશકાળનું રાજ્યશાસન સર્વ પ્રકારના રંજક પ્રકર્ષકો/પ્રલોભકોથી અળગું રહે, એ, શાસનતંત્રના ને પ્રજાકલ્યાણના વ્યાપક હિતની દૃષ્ટિએ આવશ્યક રાજનીતિ છે. નથી લાગતું કે આ સંહિતાસૂત્ર સર્વકાલીન ને સર્વદેશીય છે ?
નવનીતસમર્પણ : સપ્ટેમ્બર, ૨૦૦૫
‘શબ્દપ્રત્યય’ પૃ. ૧૬૮ થી ૧૭૫