સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – લાભશંકર પુરોહિત/પુન:મૂલ્યાંકન : પ્રક્રિયા
(૧) પુનઃમૂલ્યાંકન : પ્રક્રિયા અને પરિણતિ
પરિષદના જ્ઞાનસત્રની આ બેઠક, એની સ્થાપિત પ્રણાલિકા મુજબ, સર્જકના પુનઃ મૂલ્યાંકનની હોય છે. આ વરસ, પ્રથિતયશ શૈલીપુરુષ ચં.ચી.મહેતાની જન્મશતીના શબ્દોત્સવનું છે એટલે પરિષદે પણ ચં.ચી.મહેતાના સાહિત્યપ્રદાનની પુનઃતપાસ માટે સમયોચિત રીતે આ બેઠક નિયત કરી છે. જયંતીપર્વની ઉજવણીના મેળાવડાઓનો એકંદર રંગ ઉત્સવનાયકની ગુણપૂજા અને પ્રશસ્તિ ભણી ઢળતો રહેતો હોય છે અને સામાજિક શિષ્ટતા/ સંસ્કારિતાની દૃષ્ટિએ એમ હોવું સ્વાભાવિક પણ ગણાય એટલે આવા મેળાઓમાં પરીક્ષણને મુકાબલે પરિક્રમા; અભિજ્ઞાન કે ઑડીટિંગને મુકાબલે અભિવાદનનું વલણ પ્રસંગપ્રાપ્ય વક્તવ્યોમાં વિશેષપણે તરવરી રહેતું હોય છે. પરંતુ બેઠકનું મથાળું તો સંકેત આપે છે સર્જકના પુનઃમૂલ્યાંકનનો. આવું પુનઃમૂલ્યાંકન પોતે કાંઈ અન્યનિરપેક્ષ વિવેચનવ્યાપાર નથી, પણ પૂર્વમૂલ્યાંકનની સાપેક્ષ વિવેચનપ્રક્રિયા હોય છે. ગજાવાળો અને લેખનમાં પામતો-પહોંચતો લેખક તો વિદ્યમાન હોય ત્યારે પણ એની લેખનપ્રવૃત્તિનો તોલ, સમકાલીન વિવેચન કરતું રહે છે. એવાં મૂલ્યાંકનોમાં, ઘણી વાર, સમસામયિકતાને કારણે તત્કાલ પ્રતિભાવનો રાગ, સંપર્કશીલતાનો મુગ્ધ સ્પર્શ, સમકાલીન સાહિત્યિક આબોહવાની ગાઢી છાયા વગેરે ઊતરતાં રહેવાનો સંભવ ઝાઝો. એ કારણે પણ આવાં મૂલ્યાંકનોએ આંકેલાં વિધાનો, કેટલીક વાર, તટસ્થતાથી અને વસ્તુલક્ષિતાથી વેગળાં રહીને, આત્મલક્ષી નિરીક્ષણો કે અભિપ્રાયોની સપાટીએ વિચરતાં હોય એવું આપણને આજે લાગે. વળી, આ મૂલ્યદર્શી વિધાનો પૂરી પ્રામાણિક અને વસ્તુનિષ્ઠ હોય તો પણ પોતાના સમયની સાહિત્યિક સમજ અને દૃષ્ટિથી તો નિયંત્રિત હોવાનાં. જ્ઞાનવિજ્ઞાનની ક્ષિતિજો સમયક્રમે વિકસતી ને વિસ્તરતી રહે છે. એ સ્થિતિમાં સર્જન/વિવેચનને લગતી સમજ અને સૂઝનાં શોધન-સંવર્ધન થતાં રહે છે. અનુકાલીન ઉપલબ્ધિઓને આમેજ કરીને વ્યાપારવતી થતી વિવેચના, કર્તા/કૃતિની પરીક્ષા માટેનાં પરંપરિત ધોરણોને નવાં પરિમાણોની ધાર આપીને ચાલે એ બાબત ખુદ સાહિત્યના લાભમાં હોવાની. એ ન સ્વીકારીએ તો પણ પુનઃમૂલ્યાંકનની આવી વિવેચનામાં, સમયની દૂરતાને કારણે, તત્કાલીનતાએ ચડાવેલા ઢોળ આછરી ને ઓસરી જતા હોય છે અને આ બાબત, વિવેચ્ય કર્તા/કૃતિનો સમતોલ ઉટાંક કાઢવામાં ઓછી નિર્ણાયક નથી બનતી. પણ પુનઃમૂલ્યાંકન એક રીતે જોઈએ તો પૂર્વમૂલ્યાંકનને પીઠિકા તરીકે માંડીને ચાલે છે. અદ્યપર્યન્તનાં વિવેચનાત્મક વિધાનોની ઉપેક્ષા કરવાનું એને મુદ્દલ ન પાલવે. આ પૂર્વવિવેચના ભિન્નભિન્ન ઉદેશો વા દૃષ્ટિકોણથી સંચારિત પણ હોય. પ્રામાણિક્તાને ચાતર્યા વગર ચાલતી હોય તો પણ ક્યાંક એ પરસ્પરપૂરક વા અનુમોદક હોય તો વળી, ક્યાંક પરસ્પરવિરોધી હોય એવુંય બને. મૂલ્યાંકનનું આ નોખાપણું સંવાદ/વિસંવાદના બે અંતિમો વચ્ચે પૂર્તિ, પુષ્ટિની વિવિધ શક્યતાઓને સંઘરતું હોય. આ કારણે પુનઃ મૂલ્યાંકનને તબક્કે, પૂર્વવિધાનોના પાયામાં રહેલી ઉપપત્તિઓને સંતુલિત પરિપ્રેક્ષ્યમાં ચકાસીને જ નિષ્કર્ષ પર આવવાનું આવશ્યક ઠરે. યાદ રહે કે આગલાં મૂલ્યાંકનોને સમૂળગાં ઉથાપીને કશીક અળગી જ સ્થાપના માંડી આપવાનું અહીં ઈષ્ટ કે અનિવાર્ય નથી પરંતુ પૂર્વવિવેચનાએ સંપડાવેલાં મૂલ્યાત્મક વિધાનો આજને તબક્કે જો સ્વીકૃત લાગતાં હોય તો પણ વિવેચનનાં પરિષ્કૃત ધોરણોથી એની ઉપપત્તિઓને સાધાર ઠરાવવાની રહે. એટલે પુનઃમૂલ્યાંકન આગલાં મૂલ્યાંકનથી અળગું પડે વા 'સ્થિતસ્ય સમર્થન' કરે તો પણ પ્રમાણિતતા માટે તો એણે વિવેચનની અધુનાતન ઉપલબ્ધિઓ અને ઓજારોનો આશરો લેવાનું આવશ્યક બને. એ બાબત તો સ્પષ્ટ છે કે વિવેચનપ્રવૃત્તિ તરીકે પુનઃમૂલ્યાંકન એ, પ્રથમ વિવેચન નથી જ, પણ સમયક્રમે થતાં રહેલાં પૂર્વવિવેચનના સિલસિલાની, તત્ક્ષણ પૂરતી તો અંતિમ શૃંખલા છે. અગાઉનાં મૂલ્યાંકનોને એ નજરઅંદાજ ન કરે તેમ યથાવત્ સ્વીકારીને હામાં હા પણ ન ભણે. એનો નિર્ણય પૂર્વક્રમના મેળમાં હોય વા એનાથી અળગો હોય; સમયાંતરે લાધેલાં વિવેચન-વલણોની ઉપલબ્ધ સકલ સજ્જતાથી એ તર્કમંડિત હોવાનો. સમયક્રમે એ છેલ્લો હોવાને કારણે અગાઉના મૂલ્યનિર્ણયોની કોઈ અસંગતિ હોય તો એને ઉકેલવાનો અવકાશ અહીં છે; તો વળી, કાલગત દૂરતા, સાહિત્યેતર પરિબળો અને અંગતતામાંથી ઊગતી આત્મલક્ષિતાથી ઊંચે ઊઠીને વસ્તુલક્ષી નિર્ણયની તક પણ એને આપે. પુનઃમૂલ્યાંકનના વિવેચનવ્યાપારની આવી કશીક વૈચારિક અને નિયામક શિસ્તના કહ્યામાં રહીને, આ બેઠકમાં પ્રસ્તુત થનારાં વક્તવ્યો, સમુચિત શબ્દવિવેકની દિશામાં લઈ જનારાં નીવડશે એવી આશા છે. કવિતા, નાટક, એ બંનેને લગતાં થોડાંક વિવેચનો ઉપરાંત સ્મરણ/ચરણની શબ્દચર્યાની સહિયારી સંગત સેવતી 'ગઠરિયાં' ની સડસડાટ સરકતી ગ્રંથશ્રેણી : ચં. ચી. મહેતાની યાવજીવન લેખનપ્રવૃત્તિનાં સ્મરણનીય પ્રદાન ગણી શકાય. નાટક, ગદ્ય અને કવિતા—સાહિત્યના આ ત્રણેય પ્રદેશોમાંનાં એમનાં પ્રદાન વિશે, એક વા અન્ય સંદર્ભે/નિમિત્તે આપણી વિવેચના છેલ્લાં સાઠેક વરસ દરમિયાન સક્રિય રહ્યા કરી છે. આજનો આ ઉપક્રમ પણ વિવેચનાની સક્રિયતાના સાતત્યનો શબ્દોપચાર છે. બકુલ ટેલર, વિનોદ અધ્વર્યુ અને રમણ સોની – આ ત્રણેય વક્તાઓ પોતપોતાના વક્તવ્યવિષય અંગે સજ્જ અને સજગ અભ્યાસીઓ તરીકે માત્ર પરિચિત જ નહિ, પ્રતિષ્ઠિત પણ છે. આ ત્રણેય મિત્રો અનુક્રમે, નાટક, ગદ્ય અને કવિતા – એમ ત્રણ પ્રદેશોમાંનાં ચં. ચી.નાં પ્રદાન અને ઉપલબ્ધિઓની પુનઃતપાસની તપસીલ પ્રસ્તુત કરે એવી, આપ સૌ વતી એમને વિનંતી કરું છું. પ્રાસંગિક વક્તવ્યો પરત્વે ખુદ ચં.ચી.ની અપેક્ષા અને પ્રતિભાવ કેવાં હોય એ વાત, બેઠકના સમારોપની ક્ષણે, એમના જ શબ્દોમાં, સૌ પ્રથમ ઉદ્ધૃત કરું ? સને ૧૯૭૬માં પંચોતેરમી જયંતીની ઉજવણી વેળા, સાહિત્યિક/સાંસ્કૃતિક પ્રદાનના અભિવાદનની પળે, વ્યક્ત કરેલા હૃદયોદ્ગાર, આ શતાબ્દીના પર્વે પણ અન્વર્થક અને ઉપયુક્ત લાગશે : 'આજનો અવસર મારે મન પહેલો અને છેલ્લો જ છે, ...આપ સૌએ અત્રે એકઠા થઈ મારું બહુમાન કર્યું, ઉપરાંત કવિવિવેચકો પાસે મારા લખ્યા-કારવ્યાની પ્રસંગને અનુરૂપ સમાલોચના કરાવી એ બધાં માટે આપ સૌનો જેટલો આભાર માનું એટલો ઓછો છે. જે મહાનુભાવોએ મારી લખણી-કરણી ઉપર વિવેચના કરી એમાં મહદંશે ગુણદર્શન જ કર્યું હશે એમ હું માનું છું. ... અલબત્ત, જેટલા પ્રમાણમાં ગુણદર્શન કરાવ્યું, એનાથી ત્રણગણા પ્રમાણમાં મારી ક્ષતિઓ તથા મારાં લખાણમાંની ત્રુટિઓ વિશે ધ્યાન દોર્યું હોત તો હું મારી જાતને ધન્ય માનત. ...વળી, પોતાની કદર થાય એટલા અમૃતથી મનુષ્યને તૃપ્તિ પણ થતી નથી; એની સાથેસાથે વધારામાં ખુશામતનું ઝેર પણ એને જોઈતું હોય છે. આપ સુજ્ઞ છો, એટલે એવા પ્રદૂષણ (પોલ્યુશન)માંથી બચાવશો જ એવી મને સંપૂર્ણ આશા છે.' ‘ચંદ્રવદન મહેતા અમૃતમહોત્સવ ગ્રંથ', 'અંતરખોજ' પૃ. ૬૮-૭૦ બ...રા...બ...૨... પચીસ વરસ પહેલાં, પોતાના લેખન-સર્જનની મૂલવણીનાં ધોરણો માટે, ચં. ચી.એ પોતે વ્યક્ત કરેલી આશાને, આ બેઠકમાંનાં વક્તવ્યો અનુસર્યાં; અને એમ કરવામાં, પુનઃમૂલ્યાંકનની અદબની પણ ઇજ્જત કરી એ બાબતને કૃતાર્થ ઘટના ગણું છું. એટલે જ, ઉપસંહાર રૂપે, પ્રસ્તુત પુનઃસમીક્ષાનું સારકથન ગડગડાવી જવાનો વાચાપરાધ વેઠવાનું મુનાસિબ લાગતું નથી. પૂરી નિષ્ઠા અને નિસબતથી, અપેક્ષિત સૂત્ર- સીમાઓની પાબંદી જાળવીને અભ્યાસી મિત્રોએ પોતપોતાનાં નિરીક્ષણો, અભિપ્રાયો ને વિધાનો સારવ્યાં છે. ચં. ચી. ની નાટ્યસંપદાનું સાંખ્ય અને સત્ત્વસમીક્ષણ કરવામાં, બકુલભાઈએ ઊઠાવેલા પરિશ્રમ અને ઊંડ લગીની પહોંચ – બંનેની પ્રતીતિ થતી રહી. નાટ્યકૃતિઓની આટલી વિપુલતા અને વિવિધતા છતે, વળી, પંડડ્યે મંચનના માહેર છતે, એમની કૃતિઓ અખિલાઈથી ક્યાં/કેમ અળગી રહી જાય છે એની પાકી તારીજ એમણે આપી. વિનોદભાઈને તો ચં. ચી. ના. સાંનિધ્ય અને શબ્દસંગ – બંનેનું સદ્ભાગ્ય સાંપડ્યું હતું. આ નિકટતાનો નિસ્પંદ, ગઠરિયાં-ગદ્યની તપાસમાં ઝિલાયો. 'ગઠરિયાં...'માં ગ્રથિત વિલક્ષણ ગદ્યની પૂર્વસમીક્ષા – ખાસ તો યશવંત શુક્લ અને મોહનભાઈ શં. પટેલનાં નિરીક્ષણો – ને નજર સામે રાખીને, પોતે ધારેલી ફેરતપાસમાં એ વિચરે છે. ઓછા વપરાતા શબ્દોનો પ્રયોગ, કહેવતો, રૂઢિપ્રયોગો, બોલચાલની લઢણોની છાંટથી ચં. ચી.ના ગદ્યને પોતીકો ‘અવાજ' મળે છે. એ અવાજને પોતાની સ્વાભાવિકતા અને સાહજિકતા છે; ચં.ચી.ના ગદ્યની લાક્ષણિકતાઓને સમવેત પ્રકારે પ્રત્યક્ષ કરાવી આપે એવા સમર્પક ગદ્યખંડકોને પણ ટાંકીને, પોતે બાંધેલી વ્યાપ્તિઓને એમણે વ્યવકૃત થતી બતાવી. નિદર્શનના આ તરીકાને લીધે જ ચર્ચાની અમૂર્તતા સ્પર્શક્ષમ અને સુગ્રાહ્ય નીવડી આવી, જેનો રસાળ અનુભવ આપણને લાધ્યો. રમણભાઈની ઝીણી નજર, ચં.ચી.ના કવિતાલેખનમાં સમયાંતરે ઊપસતા વળાંકો, ઝિલાતા પ્રભાવોને તો ઓળખી બતાવે છે. એમની સમગ્ર કાવ્યપ્રવૃત્તિનું સરવૈયું તપાસી, ‘ઉપકવિ' કે મધ્યમ શક્તિવાળા કવિ તરીકે સ્થાપે છે. સૉનેટરચનામાં અગેય પૃથ્વીની પ્રવાહિતા સિદ્ધ કરવામાં એ બ.ક.ઠા.ના ઋણી છે. ભાઈ-બહેનની નિર્વ્યાજ પ્રીતિને ધારતાં 'ઈલાકાવ્યો' કવિતામાં એમની સર્જકતાનો ખરો પરિચય મળે છે. નરસિંહરાવ, બ. ક. ઠા., રા. વિ. પાઠક, મોહનભાઈ પટેલ અને નિરંજન ભગત દ્વારા ચં. ચી. ની કવિતાની થયેલી વિવેચનાને, રમણભાઈએ સમયક્રમે સારવીને પુનઃમૂલ્યાંકનની સમુચિત દિશાનો વિવેક દાખવ્યો. સાહિત્યપદારથના માલમી એવા આ ત્રણેય વચનવિવેકી મહાનુભાવોએ પુનઃમૂલ્યાંકનમાં અભીષ્ટ વિવેચનસરણીને પૂ... રા... અર્થમાં શબ્દચરિત કરી અને એમ થવાને લીધે, બેઠકના પ્રારંભે ભૂમિકારોપમાં બાંધેલી આશાને ફલવતી કીધી એ બદલ ઊંડી પ્રસન્નતા વ્યક્ત કરું છું. (ગુ.સા.પરિ. જ્ઞાનસત્ર(૨૧)માં પુનઃમૂલ્યાંકન બેઠકનું અધ્યક્ષીય વક્તવ્ય) 'પરબ' : ૪(૨૦૦૦) ‘શબ્દપ્રત્યય’ પૃ. ૮૬ થી ૮૯