સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – લાભશંકર પુરોહિત/વાક્ પરંપરાલિખિત અને મૌખિક
- લેખન, પછી મુદ્રણ અને હવે વીજાણુ ઉપકરણોના આક્રમણથી આપણી સમગ્ર ભાષિક પ્રવૃત્તિ એટલી બધી પ્રભાવિત રહ્યા કરી છે કે, સાંસ્કૃતિક ઇતિહાસની સુદીર્ઘ પરંપરામાં, આ લેખન-મુદ્રણ સંચારિત ભાષાવ્યવહારનો, સમય૫૨૬ હિસ્સો, અલ્પ પ્રમાણ ધરાવે છે એ વાત ગળે ઊતરવી પણ મુશ્કેલ લાગે. છાપેલી પુસ્તક પ્રતોના મૂંગા મુદ્રાપ્રતાપ અને વીજાણુ-માધ્યમોના સર્વત:સ્પર્શી અતિબોલકા પ્રભાવગ્રસ્ત દેશકાળમાં, મૌખિક પરંપરા (Oral Tradition)નો ખ્યાલ આપવાનું દુષ્કર – અને અપ્રસ્તુત પણ - લાગે એવી દહેશત છે.
કંઠસ્થ પરંપરાનું મંડાણ આ મૌખિકતા (orality) પર રહ્યું છે. પણ ‘મૌખિકતા' સંજ્ઞા ભારઝલી - ને સંદિગ્ધ પણ - છે. કોઈ પણ લિખિત પ્રતને ઉકેલવી એ મૌખિકતાનું પ્રાથમિક પગથિયું, કેટલાક માને છે. એટલે શરૂઆતમાં માનસિક પ્રક્રિયા અને સામાજિક પરિમાણોની દૃષ્ટિથી આ ‘મૌખિક' (Oral) અને ‘લિખિત’ (written) શાબ્દીકરણના મૂલગત ભેદનો વિચાર કરી લેવાનું જરૂરી બને.
*
શબ્દનું ઉચ્ચારણ ‘ધ્વનિ' (sound) છે; અને આ ધ્વન્યાત્મક શબ્દ પાંખાળો બને છે એની અર્થવાહકતાને કારણે. મૂલગત રીતે જ એ બોલનાર વક્તાથી બાહ્ય એવા શ્રોતા માટે સાર્થક (Significant) હેતુ ધરાવે છે; અને બોલનારની એમાં હેત્વર્થક સામેલગીરી હોય છે. કેમકે, લાગણી, ઇચ્છા, વિચારોની શૃંખલાનું અન્ય પ્રત્યે પ્રત્યાયન (communication) વક્તાને પણ ઇષ્ટ હોય છે. સહેજ ઊંડા ઊતરીને વિચારીએ તો કોઈક સાથેની આપણી ચાલતી વાતચીતમાંનું ‘બોલવું' પણ સંકુલ ઘટના લાગશે. કારણ કે, આ ‘બોલતી' વખતે જ, એ જ શ્વાસમાં, ઉચ્ચરિત થતી ઉક્તિના અંશોની ગોઠવણ દરમ્યાન જ, શોધન/વર્ધન અને લોપ/સંસ્કરણનાં અવાંતર સંચલનોનું જ માત્ર પ્રવર્તન થતું રહેતું હોય છે, એવું નથી; સામે પક્ષેથી, સાંભળનાર શ્રોતા-નો હોંકારો ઉપરાંત, હકાર / નકાર / વિસ્મય વગેરેના પ્રતિભાવોની દ્યોતક આંગિક ચેષ્ટાઓ, મુખસંકેતો જેવા અ-ભાષિક વ્યાપારોનું સહચલન પણ એમાં ભળતું હોય છે. એ રીતે જોઈએ તો, આપણું ‘બોલવું’ એ સર્વથા વૈયક્તિક કે એકાત્મક નહિ, પણ વક્તા / શ્રોતાની હરુભરૂ સામેલગીરી દાખવતી સહકારી પ્રક્રિયા છે. આમ, વક્તા / શ્રોતાનું સહોપસ્થિતપણું — વિશિષ્ટાદ્વૈત, એ, કંઠ્યપરંપરા (Oral tradition)નો લાક્ષણિક વિશેષ છે.
વક્તા/શ્રોતાની સહોપસ્થિતિમાં ઉચ્ચરિત / શ્રુત શબ્દ, ‘ઘટના' (event) છે; એટલે કે સમય પરિમાણમાં વિચરતું સંચલન છે; જ્યારે ‘લિખિત' શબ્દમાં, આ પ્રકારની ઘટનાનો અભાવ હોય છે. કેમ કે લેખનકાર્યમાં તો નર્યું એકાંતિક વિશ્વ હોય છે. કાગળનાં કોરાં ખેતર પર શબ્દ પછી શબ્દ રોપ્લે જતો લેખક કે ટાઇપમશીન પર અક્ષર ઓકતો લેખક - પૂર્ણત: એકાકી અને અન્યનિરપેક્ષ હોય છે. એના અનામી, અજાણ ને અદષ્ટ વાચકની તો લખનારને કશી જાણપિછાણ જ નથી. એ જ રીતે લિખિત પ્રતનો વાચક પણ શબ્દોને એકાકીપણે ઉકેલતો હોય છે. લેખક / વાચકના પ્રત્યક્ષાનુસંધાનના અભાવને કારણે પૃષ્ઠ પરથી વાચકની સામે તાકતા મુદ્રિત શબ્દની અમૂર્તતા ને દૂરતાને મુકાબલે, મૌખિક પ્રવૃત્તિમાં મૂર્તતા, નક્કરતા ને વાસ્તવિકતાનું પરિમાણ જોડાતું હોય છે. એટલે જ, મોટા ભાગની પ્રાથમિક કંઠય (oral) સંસ્કૃતિઓમાં પણ ધાર્મિક વ્રતો, અનુષ્ઠાનોને લગતાં વિધિવિધાનો કે ઉપચારવિધિને લગતી બાબતોમાં મંત્રપાઠ, સ્તોત્રગાન, મહિમાકથા, ધર્મબોધનું મોટેથી પઠન, વાચન કે ગાન થતું હોય છે. (આપણી પુરાણ કથાઓની લેખિત પ્રતોમાં, ‘ભગવાન ઉવાચ' મળે છે; ભગવાન ‘લિખતિ' નહિ.) એટલું જ નહિ, લોકસમાજમાં અતિપ્રચલિત શ્રદ્ધા-માન્યતાના પ્રસંગો ઉપરાંત આપણા વ્યવહારજીવનમાંના મરણ/પરણના સામાજિક પ્રસંગોના વિલાપ / ઉલ્લાસની અભિવ્યક્તિઓમાં - ને દૈનંદિન આર્થિક વા વ્યાવસાયિક પ્રવૃત્તિઓમાં સુદ્ધાં આ મૌખિક પરંપરાની કાર્યસાધકતા પ્રતીત થતી રહે છે અર્વાચીનતાના છેક આરંભકાળ લગી, હસ્તપ્રતો / પુસ્તકોની પ્રાપ્યતા હોવા છતાં, મૂક વાચન (eye-reading)નો મહિમા હતો જ નહિ; પ્રતનું પણ વિશિષ્ટ લઢણોવાળાં પઠન, ગાન કે લહેકાની છાંટવાળા મુખપાઠનું જ ચલણ હતું.
*
ગુટનબર્ગની મુદ્રણશોધ જગતને ખંડેખંડે ને ખૂણે ખૂણે ફરી વળી, એનું એક પરિણામ એ પણ આવ્યું કે માનવ-અવાજની કંઠ્યપરંપરાની શક્યતાઓ ટૂંપાઈ જવા લાગી. ‘વાચા'ની જન્મજાત પ્રકૃતિથી વિરુદ્ધ જઈને, એને ‘શ્રવણ'ના પ્રદેશમાંથી ઊતરડીને, ‘આંખ'ના અજાણ્યા મુલકમાં ઉતારવામાં આવી. ‘વાચા'ને અવાજના પોતીકા પ્રદેશમાંથી ઉપાડીને, લેખનપ્રવૃત્ત હાથના કબજામાં જ્યારે સોંપીએ ત્યારે સીધીસટ વાત છે કે એના સહજ શ્રુતિગુણો સુકાતા જાય; એનું અર્થધ્વનન પાતળું પડતું જાય; હાડેતો શબ્દ પંડયે પોતામાં જ ગળતો જાય અને લિખિત / મુદ્રિત પ્રતની ધૂમ્રસેર આપણી આંખમાં ઊતરતી રહે. કેમ કે, વાચન, એ તત્ત્વત; મુદ્રિત / લિખિત નેત્રગમ્ય (Visual) પ્રતીકો કે ચિહ્નોનું ચૈતસિક અભિજ્ઞાન વા સંજ્ઞાન જ માત્ર રહે છે.
આપણો સામાન્ય ખ્યાલ એવો છે કે મૌખિક / કંઠ્ય (Oral) પ્રવૃત્તિ તો નિત્યજીવનના માત્ર સપાટી પરના સ્થૂળ વ્યવહારોને જ સાચવી શકે. વધારામાં, એની પ્રભાવકતા જ નહિ, અસ્તિત્વ પણ ઓળખી શકાય એવાં જો ક્ષેત્ર બચ્યાં હોય તો ધાર્મિક વિધિવિધાનો; વ્રતર્તા - અનુષ્ઠાનોની સાથે સંકળાયેલી વાચિક પ્રવૃત્તિઓ અને સામાજિક ઉત્સવોના સરઅવસરે થતાં રહેતાં શ્રુતિરંજક કથન-ગાન; બાકી, જ્ઞાનવિજ્ઞાનના વિતરણ કે વિસ્તરણના કાર્યસાધક માધ્યમ તરીકે એનું ગજું નહિ. ઔદ્યોગિક ક્રાંતિ પછી પશ્ચિમના દેશોમાં અક્ષરજ્ઞાન (literacy)ના પ્રચાર - પ્રસારને કારણે વાચનની શક્યતાઓનું વ્યાપક જગત ઊઘડડ્યું. આપણે ત્યાં પણ ગઈ સદીના ઉત્તરાર્ધથી ઔપચારિક શાલેય શિક્ષણે રચી આપેલી વાચનક્ષમતાનો ઉત્તરોત્તર વિસ્તાર વધતો રહ્યો. એથી કરીને, આ વાચનપ્રવૃત્તિના પણ પાયામાં રહેલી મૌખિકતા (Orality)ની મહત્તા વીસરાવા લાગી. હકીકતે તો, જ્ઞાન કે માહિતીને લગતા વિધિ-નિરપેક્ષ (non-sacred) જગતને પણ કંઠયપરંપરા આવરી 3 લે છે. નકરાં એકાકી વાચનને મુકાબલે, દર્શન-શ્રવણની યુગપત્ શક્યતા દાખવતી ટી. વી. સુવિધા કેટલી પ્રભાવક ને અસરકારક નીવડે છે એનો ખ્યાલ તો આપણને ‘દૂરદર્શન' થકી મળતો જ રહે છે. એટલે, પુસ્તકોના મુદ્રીકરણની પ્રવૃત્તિ, મૌખિક પરંપરાઓના, ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિકાસમાંના આ યોગદાનની ઉપેક્ષા તો ન જ કરી શકે.
*
વાણીનો શબ્દ ફૂટે છે માનવમુખમાંથી, એટલે તમામ મૌખિક ઉચ્ચારણો મૂલત: ગતિશીલ હોય છે. જો કે, જ્ઞાન વા માહિતીનું નિદર્શન એ એનું પ્રથમ પ્રયોજન નથી; પણ શ્રોતાના ચિત્તને, અમુક દિશામાં, શ્રુતિ દ્વારા પ્રવૃત્ત કરીને ઇન્દ્રિયબોધ વા વિચારનાં કશાંક વલણની સંકેતોની સક્રિયતા તો એમાં હોય છે. લિખિત પ્રત તો ‘ગતિ' કે ‘સ્થિતિ'ને કેવળ નોંધી આપે. પરંતુ મૌખિકતાની પ્રાણશક્તિ ‘અવાજ'ને સ્થિરતામાં કેવી રીતે ચિત્રિત ‘ચિહ્નિત કરી શકાય ? મૌખિકતાને મૂર્ત કરતા ‘અવાજ'ની લાક્ષણિકતા તો છે આંદોલન. લિખિત પ્રતમાંના સ્થિરીકૃત દર્શન (visual) સાથે સરખાવી શકાય એવું કશું તો ગતિશીલ અવાજમાં હોતું નથી. એટલે જ મૌખિકતાની અવેજીમાં સંજ્ઞા (Sign) પૂરું કામ ન આપી શકે. મૌખિકતા તો ક્રિયા, ને વિવિધતાસભર સાંકેતિક મુદ્રાઓ (gestures)થી પદાર્થની મૂર્તતાને પ્રગટ કરે છે. વળી, મુખપરંપરાનો ‘અવાજ' સાવ કોરોકટ હોતો નથી; પણ વક્તાની વિલક્ષણ મુખભંગિઓથી આવરિત અને અંગસંચલનોના ભાવનિક્ષેપથી તરંગાયિત થઈને વિવક્ષિતાર્થને સંકેતિત કરતા ગતિશીલ ધ્વનિઓની શૃંખલા હોય છે. એટલે કંઠય પરંપરામાં પ્રસ્તુતિ (performance) કે રજૂઆત (presentation)ની ઘટના, વક્તાના ભીતરથી સંચરિત અંગસંચલનો (gestures)થી આવિષ્ટ વાચિક ઘટના બનતી હોય છે. અ-સર્જિત (non-creative) અને અ-ભાષિક (non-linguistic) એવી આ અંત:સંચરિત અંગમુદ્રાઓના થતા રહેતા સતત સ્પર્શને કારણે, વાચાત્મક ‘અવાજ' ને જે ગતિશીલતા, ઇન્દ્રિય સ્પૃષ્ટ સ-જગતા, સજીવતા, ને સાંભળનારને ઠે... ક... ઊંડેથી હલબલાવી નાખે તેવી આંદોલનક્ષમતાનાં પરિમાણી ફૂટતાં રહે છે એ જ આ મૌખિક પરંપરાની, લિખિત વાકૃપરંપરાને મુકાબલે, ચડિયાતી સંપદા છે. મેલિનોવ્સ્કી યથાર્થ નોંધે છે : ‘શબ્દ પોતે જ ક્રિયાનો તરીકો છે; વિચારની માત્ર પ્રતિ-સહી નથી.' (word is itself a mode of action; and not simply a countersign of thought.)
સૈકાઓથી આપણો સાહિત્યસંપર્ક, ભાષાની મૌખિક અભિવ્યક્તિ પર નિર્ભર રહ્યો છે. આજે પણ આપણા ગ્રામીણ કે જનજાતિના સમુદાય માટે તો સાહિત્ય એટલે જ ‘ઉચ્ચરિત શબ્દ' આપણા દેશમાં જુદે જુદે સ્થળે બોલાતી લગભગ સોળસો જેટલી કથ્ય બોલીઓમાંથી ફક્ત ચોવીસ જેટલી બોલીઓને જ લિખિત સંસ્કૃતિ સાથે સાંકળી શકાય એમ છે. પશ્ચિમના સંપર્કે મુદ્રણકળા અને ઔપચારિક શિક્ષણના સાંપડેલા પ્રસ્તારી સ્પર્શ પૂર્વે તો, આપણું સમગ્ર સાહિત્ય મૌખિક પરિપાટી અથવા હસ્તપ્રતોરૂપે જ અસ્તિત્વ ધરાવતું હતું. કોઈ કથક (teller), શ્રવણોત્સુક - શ્રોતાસમૂહને સં. ભ. ળા. વી...ને જ, આ સાહિત્યને સંક્રમિત કરતો, એટલે મૌખિકતાના વિશાળ છત્ર નીચે આપણી અસંખ્ય સાહિત્ય પ્રણાલિઓ ઊછરતી ને ઊઝરતી પણ - રહ્યા કરી.
*
લિખિત પરંપરા ભાષાલેખનના જે તરીકાઓ પર નિર્ભર રહે છે એમાંની બધી લેખન તરકીબો સામટી મળીને પણ વક્તાની વિવક્ષાને અશેષપણે સંકેતિત કરવા માટે પૂર્ણતયા સમર્થ નથી હોતી. કેમ કે ધ્વનિઘટકને, અક્ષરઘટક (grapheme)માં સંપૂર્ણ રૂપે તબદીલ કરવાનું તો મુશ્કેલ છે. સમ-ધ્વનિઘટકો, ઉપરાંત ધ્વનિના અન્ય સૂક્ષ્મ અંશો, સ્વનિતતા (sonarity)નાં ધ્વનિગત વૈવિધ્યો; છાંદસી કે લયાત્મક વાદ્રવ્યો ઉપરાંત વિભિન્ન ઉચ્ચારણ કાકુઓને લિપિરૂપે, લિખિત ભાષામાં, અવતરિત કરવાનું શક્ય નથી. હકીકતે તો, લેખનપ્રક્રિયા એ બહુપરિમાણીય ભાષિક સંરચનાને, દૃશ્ય સંજ્ઞાઓમાં ઢાળવાનો પ્રયાસ છે. અહીં પ્રશ્ન માત્ર ‘ઉચ્ચારણ'ને જ સંજ્ઞિત કરવાનો નથી; પરંતુ ‘શ્રુતિ' - શ્રોતાની સમસ્ત શ્રવણપ્રક્રિયા -ના સમરૂપ સંકેતનનો પણ છે ભાષાનાં અતિ મહત્ત્વનાં નિતાન્ત શ્રાવ્યધર્મી (auditory) પાસાંઓનો તો લિખિત ઘાટમાં લગભગ છેદ ઊડી જવા પામે છે. લયવિવર્તો (rhythmicality) અને આવર્તન (re-currence) જેવાં થોડાંક છાંદસી લક્ષણો, ટાઇપોગ્રાફીકલ પ્રયુક્તિઓ અને વિરામચિહ્નોની મદદથી, કાંઈક અંશે, સંજ્ઞિત થઈ શકે. લિખિત પરંપરાને મુકાબલે, કંઠયપરંપરામાં મુખમુદ્રા, અંગસંચલનો અને શારીરિક ઉપ-સ્થિતિઓનું પણ અર્થસંકેતનમાં નિર્ણાયક મહત્ત્વ હોય છે. અંગચેષ્ટાઓનું સહજ ને અસંપ્રજ્ઞાત હલનચલન, મૌખિકતાના અર્થવિધાનમાં સહાયકારી નીવડતું હોય છે. એટલે, બોલતી વેળાની વિવિધ આંગિક ચેષ્ટાઓને આગંતુક ગણીને ભાષાબાહ્ય સામગ્રી (properties) લેખવાનું વલણ તો મુખપરંપરાના અંત:સ્થને પૂરું સમજવામાં પણ નડતરરૂપ બને. મૌખિક પ્રસ્તુતિ વેળાએ તો માથું, આંગળીઓ, હાથ, કોણી, ખંભા, કબંધ કે પગની અમુકતમુક 5 પ્રકારની હલચલ : આ બધી બાબતો વક્તાની જાતિ (sex), સામાજિક દરજ્જો - અને ક્યારેક બૌદ્ધિક કક્ષા - ની પણ પરિચાયક નીવડતી હોય છે. એટલું જ નહિ, મૌખિકતાનો પ્રસ્તુત વાક્-પ્રપંચ જે એકંદર (total) અર્થને સંક્રમિત કરે છે. એ ઘટનામાં આ સૌ અ-ભાષિક વ્યાપારો પણ, ઓછેવત્તે અંશે સહયોગી બન્યા હોય છે.
કાર્યસાધકતા પરત્વે પણ, મૌખિક પરંપરા, લિખિત પરંપરાથી અલગ તરી આવે છે. લિખિત ઘટના એના લેખક પાસેથી તો વિખૂટી પડી જતી હોય છે; જ્યારે મૌખિકતા તો, વક્તાના વ્યક્તિત્વનો જીવંત અંશ હોવાને કારણે, મોઢામોઢ રહેલા શ્રોતાને કશુંક પ્રત્યાયિત (communicate) કરવા માટે જ હોય છે. લિખિત કવિતા પાઠ (text)નું સ્વરૂપ બદ્ધ (closed) છે, કેમકે લેખનરૂપની સ્થાવરતાને કારણે એનો આરંભ - મધ્ય- અંત, નંજર સામે જ છે. એની સંરચના એટલી તો ચુસ્ત અને ચોક્કસ હોય છે કે એમાં એકાદ શબ્દને પણ જો આઘોપાછો કરીએ તો કાવ્યના ‘અર્થ'માં ગરબડ ઊભી થાય. આને મુકાબલે કંઠ્યપરંપરાની લાક્ષણિકતા એની સ્વરૂપગત મોકળાશ કે ખુલ્લાપણું છે. શ્રોતાની કક્ષા, રુચિ, સ્થળ / સમયના સંદર્ભો અનુસાર મુખપરિપાટીની પ્રસ્તુત ઘટનામાં સ્વરૂપ કે વિગતો પરત્વે ફેરફાર થતા રહે. એકની એક વાર્તા દાદી રસોડામાં કહેતી હોય, અને કોઈ વાર્તાકાર ડાયરામાં હકડેઠઠ બેઠેલા શ્રોતાસમૂહને સંભળાવતો હોય ત્યારે એ બંને પ્રસ્તુતિમાં અલગ અલગ પરિમાણો પ્રગટતાં હોય છે. મોટે ભાગે, બધાં લોકગીતોમાં પંક્તિબંધના અન્વયમાં, વ્યત્યય કે પદોની હેરફેર, પૂરકોનાં ઉમેરણ, સંયોજકોનો પ્રક્ષેપ વ. પ્રત્યેક પ્રયોગે થતા જ રહે. લોકગીત તો, ખરી રીતે, એના પ્રસ્તુતીકરણ(performance)માં જ પોતાનો ‘આકાર' ઘડતું હોય છે. એટલે એનું રૂપ કદી ગણતરીપૂર્વકની ચાલ ન દાખવે. લિખિત પરંપરામાં તો લેખક અનિવાર્યપણે ગૈરહાજર રહે છે; જ્યારે કંઠ્ય પરંપરામાં કથક / ગાયક પ્રત્યક્ષ હાજર હોય છે. આ કારણે જ એમની શારીરિક સર્જનાત્મક ગુંજાશનું પાસું પણ લોકકથા / લોકગીતની રૂપઘટનામાં - ને આસ્વાદમાં પણ નિર્ણાયક નીવડતું હોય છે.
મુદ્રણ અને હવે સમૂહ-માધ્યમોના, વેગીલા આક્રમણના આ જમાનામાં, મૌખિક પ્રસ્તુતિની વિધવિધ શક્યતાઓથી રળિયાત એવી કંઠયપરંપરા ભૂંસાતી જાય છે. મુદ્રિત શબ્દની મૂંગી ચક્ષુગમ્યતા, આપણી શ્રુતપરંપરાને તો લગભગ ગળી ગઈ છે. વળી, ટી. વી. સુવિધાના સતત સાક્ષાત્કારે, વ્યાપક જનસમુદાયને ઘેર બેઠાં, દર્શન / શ્રવણનાં સહિયારાં સુખ - અને સંપર્કશૂન્ય આસનકેદનાં દુ:ખ-નાં જે સફળ વરદાન આપ્યાં એને પરિણામે સરેરાશ ‘નાગરિક' પણ સાવ ‘અનિર્વચનીય’ બની ગયો ! બોલાતી ભાષાનું જોમ, એની રોનક રોળાવા લાગી. જીભને ટેરવે રમતી સરસ્વતી જ જાણે ‘અત્ર લુપ્તા' થઈ! ‘શતપ્રતિશત સાક્ષરતા અભિયાન' આપણાં શ્રુતિજગતને એની ‘સંપૂર્ણ સાક્ષરતા'માં પૂરેપુરું ગારદ કરી દે એ પહેલાં મૌખિકતાના રડ્યાખડ્યા અંશોને સંઘરી લેવાય તો ? લોકમાન્યતાને વળગીને ટકી રહેલાં કેટલાંક વ્રતો, ઉત્સવો, ધાર્મિક / સામાજિક મેળાવડાઓને વિધિવિધાનોનાં મુખપઠન, કથન કે ગાનની અનિવાર્યતા હજી જ્યાં સચવાઈ રહી હોય એવા ધ્વનિપ્રદેશો આમાં મદદરૂપ બને.*
- સાહિત્ય પરિષદના ઉપક્રમે શ્રી વિ. મ. ભટ્ટ સ્મારક વ્યાખ્યાનમાળા અંતર્ગત, ‘મૌખિકતાની કથ્યપરંપરા અને ‘કંકાવટી' વિષયક વ્યાખ્યાનની ભૂમિકારૂપ વક્તવ્ય. (બોલાયું : ૧લી માર્ચ / ૧૯૯૭ / પોરબંદર)
‘લોકાનુસંધાન’ પૃ. ૧ થી ૬