સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – લાભશંકર પુરોહિત/‘જટાયુ’માં પુરાકથાનું વિચલન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(3) અભ્યાસ
(૧) ‘જટાયુ'માં પુરાકથાનું વિચલન અને ‘જોનાથન લિવિંગ્સ્ટન સીગલ'

આધુનિક ગુજરાતી કવિતાના રૂપાંતરણની પ્રક્રિયા અને ઘટનાને લગતી ચર્ચામાં, સિતાંશુ યશશ્ચંદ્રની ‘જટાયુ' કૃતિને નિર્ણાયક સીમાચિહ્ન તરીકે ઘટાવવાનું વાજબી રીતે બને છે. કળાઘટના તરીકે કવિતાના બહુવિધ સર્ગકોષોની અવનવી શક્યતાઓ અને સંભાવનાઓને તાગીને, સ્વ- રૂપગત નવાં પરિમાણો નિપજાવવાનું કવિકર્મ, ‘જટાયુ'ના રચયિતાની કલમે છેલ્લા દોઢેક દાયકાથી સતત સંપન્ન થતું રહ્યું છે. નવાંનવાં અર્થઘટનો ઉજાળી આપે તે પ્રકારે પુરાકથાની તાવણી, શિષ્ટતાના અતિનાગર મેદને ગાળીને, ઘરાળુ બોલીના કાકુઓ સાથે મધ્યકાલીન ભાષાશકલોના રસપોષક સંયોજનવાળું આછરેલું ભાષાપોત તથા સંકુલ ભાવસ્થિતિ ને ગંભીર આશયને ઉપસાવતી રચના માટે પ્રાયઃ અક્ષમ ગણી શકાય તેવા મધ્યકાલીન માત્રિક બંધનો સ-ક્ષમ ને સંતર્પક પ્રયોગ: આવા ત્રિયોગ વડે કરીને ‘જટાયુ' આધુનિક કવિતામાં રસપરિગ્રહની અ-પૂર્વ કૃતિ તરીકે નોખી તરી આવે છે. ‘જટાયુ' કૃતિમાં પુરાકથાનું અર્થવિચલન કેવાં નવાં પરિમાણો પ્રાપ્ત કરે છે અને આધારબીજ (motif)ની કાંઈક અંશે સમાનતા ધરાવતી, ‘જોનાથન લિવિંગ્સ્ટન સીગલ'ના અર્થગત તરંગ-વિસ્તાર (wave-length) સાથે આ અર્થવિચલન કેટલી હદે સમરેખ છે તેનો વિચાર કરવાનું અહીં ઉદિષ્ટ છે.

*

અર્થવ્યંજનાની અંતર્ગત સંભાવનાઓને કારણે, ભારતીય અને યુરોપીય પુરાકથાઓનું સાંપ્રતકાલીન અનુભૂતિના વસ્તુગત-સંબંધક તરીકે કાવ્યમાં અવતરણ એ, કવિ સિતાંશુનો સર્ગવિશેષ રહ્યો છે. રામકથામાં આણવિક અંશરૂપે રહેલા જટાયુવૃત્તાંતને ‘જટાયુ' રચનામાં ‘બનાવ'ની કક્ષામાંથી ઊંચકીને ‘કવિતા'માં એ પલટાવે છે ત્યારે પુરાકથાના મૂળ અર્થતંતુઓને એ કઈ રીતે વાળે છે એના સગડ મેળવતી વેળા, મૂળકથાના મહત્ત્વના અંશો ટૂંકમાં ટપકાવી લઈએ.

જટાયુવૃત્તાંતનું મૂળ કથાનક વાલ્મીકીય રામાયણ અંતર્ગત ‘અરણ્યકાંડ’ના સર્ગ ૪૯- ૫૦-૫૧ અને સર્ગ ૬૭-૬૮માં એમ બે કકડે મળે છે. ‘પર્વતશિખર સમાન' દેહધારી આ ‘તીક્ષ્ણતુંડ-ખગોત્તમ’ દંડકારણ્યમાં સાઠ હજાર વર્ષથી રાજ્યાધિકાર ભોગવે છે. ‘પ્રાચીન ધર્મમાં સ્થિત', ‘સત્યસંશ્રયી', ‘મહાબલ ગૃધરાજ' જ્યારે ઝાડ પર બેઠો હતો (પતિ) ત્યારે અપતા સીતાને લઈને રાવણ ત્યાંથી પસાર થાય છે. પોતાનું દુઃખવૃત્તાંત રામને પહોંચાડવા માટે સીતા તેને વીનવે છે. રાવણને સમજાવવાના પોતાના પ્રયાસો નિષ્ફળ જતાં, નિઃશસ્ત્ર પક્ષીરાજ તેની સામે યુદ્ધ આદરે છે. સર્ગ ૫૧ના શ્લોક ૧થી ૨૦માં જટાયુ તથા રાવણ વચ્ચેના આ ઘમસાણ દ્વંદ્વનું પ્રસ્તારી વર્ણન સાંપડે છે. શસ્ત્રહીન જટાયુ પોતાની પાંખ, ચાંચ અને નખપ્રહારથી ઘડીભર તો રાવણને પાડી દે છે. પરંતુ અંતે, વૃદ્ધાવસ્થાને કારણે થાકી ગયેલો' પક્ષીરાજ પડી જાય છે. રાવણ તલવાર દ્વારા જટાયુની બંને પાંખો, પગ તથા પીઠભાગ કાપી નાખે છે. આ ‘છિન્નપક્ષ મહાગૃધ હવે ‘અલ્પજીવિત' દશામાં પડયો હતો. સર્ગ ૬૭-૬૮માં, સીતાશોધ માટે ભમતા રામનો ‘અતિખિન્ન', ‘સ્વરવિહીન', ‘વિકલવ' જટાયુ સાથે મેળાપ થાય છે. સીતાના બચાવ માટે પોતે કરેલા નિષ્ફળ પ્રયાસો અને સીતાસહિત રાવણના દક્ષિણગમનના ખબર એ ‘વિકલવ વાણીથી' રામને આપે છે. ‘રાઘવ, મારા પ્રાણ રૂંધાય છે અને દૃષ્ટિ ભમે છે'- એમ કહીને સીતાની પુનઃપ્રાપ્તિ માટેનો આશાવાદ ઉચ્ચારી ‘નિર્ભ્રાત' જટાયુ અવસાન પામે છે. રામ, પુત્રસદૃશ પ્રેમથી, જટાયુના અંતિમસંસ્કાર તથા શ્રાદ્ધ તર્પણાદિ ઉત્તરક્રિયા કરે છે. ‘શૂર' અને ‘શરેણ્ય’ જટાયુ કૃતાર્થતા અનુભવી, ‘શુભપુણ્ય આત્મગતિને પ્રાપ્ત કરે છે.' તુલસીકૃત ‘રામચરિતમાનસ'ના જટાયુવૃત્તાંતમાં દાસ્યભાવ અને પ્રભુ રામ પ્રત્યેની શ્રદ્ધાપૂત ભક્તિ વિશેષ વ્યક્ત થાય છે. અહીં પણ અંતે, ‘અખિલ ભગતિ'નું વરદાન પામી, શ્રીહરિના પરધામમાં એને ગતિ સાંપડે છે.

‘જટાયુ' કૃતિની કથાસંઘટનામાં પુરાકથાનું મૂળવૃત્ત તો માત્ર કીલક (fulcrum) તરીકે પ્રયોજાયું છે. રામકથાગત સર્ગ ૪૯-૫૦-૫૧ના ૭૯ શ્લોકોમાં પથરાયેલા જટાયુવૃત્તાંતની ઘટનાને તો અહીં ટૂંકમાં જ આટોપી લીધી છે. જ્યારે સર્ગ ૬૭-૬૮માંના ૫૮શ્લોકમાં વિસ્તરતું ઉત્તરવૃત્તાંત (રામ-જટાયુ-મિલન અને જટાયુ-અવસાન)ને તો એ સમૂળગું છોડી દે છે; કેમ કે, ઇષ્ટાર્થને વ્યક્ત કરવામાં એ કાંઈ ખપમાં આવે એમ નથી, પણ અવરોધક બને તેમ છે.

દોઢાવેલી એક કડી સહિત ૪૧ કડીમાં મળીને સાત ખંડકોમાં વિસ્તરતી ‘જટાયુ' રચનામાં નાયકસંબદ્ધ મૂળ પુરાવૃત્ત તો એકંદરે ૮૩ પંક્તિઓમાંથી રોકડી ચાર પંક્તિમાં જ ઘટાવાયું છે. સીતા-રાવણ-જટાયુ-ઘટનાના વૃત્તને ખંડક ૬ની પાંચમી કડીના ઉત્તરાર્ધ અને દોઢાવેલી છઠ્ઠી કડીના ત્રણ પંક્તિઓમાં ઘનીકૃત કરીને સમાવી લે છે :

‘ત્યાં તો સોનામૃગ, રાઘવ, હે લક્ષ્મણ, રેખા સ્વાંગને સજી
 રાવણ આવ્યો, સીતા ઊંચક્યાં, દોડયો ને ગીધ તુરંત
એક યુદ્ધે મચ્યો, એક યુદ્ધે મચ્યો, એક યુદ્ધે મચ્યો,
હા હા! હા હા ! હાર્યો, જીવનનો હવે ટૂંકડો અંત.

આ મૂળ કથાવૃત્તની પૂર્વે અને ઉત્તરે પ્રયોજાતાં વિસ્તરણો પુરાકથાના સમગ્ર આશયનું પણ વિચલન સાધી આપે છે. ઘટના-પૂર્વ અને ઘટનોત્તર – એમ બંને છેડે અર્થાન્તરસાધક આ વિચલનો પૈકી ખંડક ૧થી ૬માંનું પૂર્વ-વિચલન કાવ્યનાયકની પ્રકૃતિને ઉપલક્ષે છે. તો, ખંડક ૭માનું ઉત્તર-વિચલન નાયકની પ્રકૃતિજન્ય પરિણતિની અંતરવેદનાને ઉપલક્ષે છે. નિરૂપણવિસ્તારની દૃષ્ટિએ જોઈએ તો ખંડક ૧થી ૬ પર્યંતનું વિચલિત વૃત્ત કૃતિનો મોટો ભાગ રોકે છે. આ છ ખંડકમાં કાવ્યનાયક જટાયુનાં નિવાસ-પરિવેશ, વનવર્ણન, તિર્યક-પ્રાણીસૃષ્ટિની સ્થૂળ જીવનચર્યા, પક્ષીકોટી તરીકે ગીધોની અ-ગતિશીલ ઘટમાળ, ગીધવિશેષ જટાયુની અસાધારણતા, ઉત્કટ ઉડ્ડયનવૃત્તિ અને સાહસપ્રિયતા, કિશોર જટાયુનાં ઉડ્ડયન-સાહસોને કારણે માબાપની વાત્સલ્યપ્રેરી વ્યગ્રતા, યુવાન જટાયુને વનની મર્યાદા ન ઓળંગવા માટેની આણ, ભક્ષ્યશોધ દરમ્યાન, પ્રૌઢ જટાયુ દ્વારા સીમાનું આકસ્મિક ઉલ્લંઘન અને સીમાના અતિક્રમણને કારણે ઊભી થતી કરુણતાનું નિરૂપણ થયું છે. ઈતર ગીધપક્ષીઓ કરતાં જટાયુની અ-સામાન્યતા છે એની આ ‘બહુ ઊડવાની ટેવ'. ‘આ ઉડ્ડયનવૃત્તિથી પ્રેરાઈને સતત આકાશવિહાર, સાહસિકતા, દુષ્પ્રાપ્ય ભક્ષ્યનો આગ્રહ અને ઊંડી વિચારપરાયણતા - જટાયુની પ્રકૃતિની આ વિલક્ષણતાઓ છે. સાહસિક અને ઉડ્ડયનશીલ પ્રકૃતિને કારણે જ એ ‘ભૂખ-ધકેલ્યો’ને ‘ખાલીપાની ઢીંક'થી ‘વનના છેડા'ની પાર જઈ ચડે છે.

ખંડક સાતમાંનું ઉત્તર-વિચલન વિસ્તારદૃષ્ટિએ, આગલાં વિચલન કરતાં સાવ ટૂંકું છે, પરંતુ કાવ્યઘટનાના અર્થાન્તરની દૃષ્ટિએ આ વિચલન અતિનિર્ણાયક નીવડે છે. પુરાકથાનો જટાયુ તો, ‘પોતાના મુખમાંથી ફીણયુક્ત લોહી વમન કરતાં કરતાં, અતિ-દીન ને ત્રુટક ત્રુટક વાણીથી' રામને સીતાવૃત્તાંત કહે છે. અંત-સમયે પ્રાણનિરોધ અને દૃષ્ટિભ્રમની' વેળાએ પણ તે ભીતરથી પૂરો સ્વસ્થ અને સભાન છે. દુષ્કર પરાક્રમને કારણે અને ‘મહર્ષિતુલ્ય રામ દ્વારા અંતિમ સંસ્કાર પામીને તે શુભ ગતિને પ્રાપ્ત કરે છે.’ ‘જટાયુ'નો સર્જક રાઘવના પુણ્યપ્રવેશની નહિ, પ્રલંબિત પ્રતીક્ષાની વ્યથાપૂર્ણ પળને અહીં કેન્દ્રમાં મૂકે છે. મરણાસન્ન નાયકને વેદના પોતાના અંતની નથી; પરંતુ પ્રતિક્ષણ ઘેરાતાં જતાં મૌન અને પ્રતિશ્વાસ ટુંપાતી જતી વાચા-એવી બેવડી ભીંસને કારણે વિલુપ્તપ્રાયઃ વિવક્ષાની નિર્વચનીયતાની છે. આ ‘કેડા વિનાનાં' ‘અણસમજુ વન’ વચ્ચે અપ્રત્યાયિત અવસ્થામાં આમ મરવું પડે એવી વિવશ વેદનપૃચ્છામાં, સમયની સૂચ્યગ્ર સ્થિતિમાં જીવતા આધુનિક માનવીની તરડાયેલી સંવેદના, એકાકીતા અને સંપ્રેષણની વંધ્યતાના સાંપડેલા અભિશાપની સહ-પૃચ્છા સાંભળવા મળે છે. અંતિમ ખંડકમાંના કથાવિચલન (વિ-વર્ધન ?)ને કારણે પુરાકથાગત ‘શૂર', ‘શરેણ્ય', શ્રદ્ધાસિક્ત, નિર્ભ્રાત, મુમુક્ષુ જટાયુનો ‘રાંક', ‘નિર્બળ વનવાસી' શ્રદ્ધારિક્ત, સંભાંત, મુમુર્ખ જટાયુમાં વ્યક્તિ-કલ્પ થવા પામે છે.

‘જટાયુ' કૃતિમાં પૂર્વ-વિચલનને નિરૂપતા ખંડક ૧થી ૬ના વૃત્તને જગપ્રસિદ્ધ વાર્તા ‘જોનાથન લિવિંગ્સ્ટન સીગલ'ની જોડાજોડ મૂકીને તપાસવાનું રસપ્રદ નીવડશે. રિચાર્ડ બાકની આ અતિખ્યાત વાર્તાનો નાયક પણ ઉત્કટ ઉડ્ડયનપ્રીતિ અને સાહસવૃત્તિ ધરાવે છે. સાગરકાંઠે વિચરતા અન્ય જાતબંધુઓ રોજિંદી ઘટમાળની સ્થૂળ દિનચર્યા-ભક્ષ્યશોધ- માં પોતાનો જીવનનિર્ગમ કરવામાં જ ઇતિશ્રી માને છે, ત્યારે કથાનાયક જોનાથન એની ઉડ્ડયનશીલ સાહસિક પ્રકૃતિને કારણે સૌથી નોખો તરી આવે છે. કિશોર જોનાથનનાં અતિ ઉડાણોથી વ્યથિત માબાપની રોકટોક, ઉડ્ડયન-સાહસોમાંથી એને પાછો વાળી શકતી નથી. યુવા જોનાથન ગતિનાં નિત્ય નવાં નિશાન સર કરતો જાય છે, અને સાગરપંખીઓની સામાન્ય ઉડ્ડયનગતિની મર્યાદાને અતિક્રમીને સ્વતંત્રતા ને પૂર્ણતાના પ્રદેશપર્યન્ત પહોંચે છે. ઉડ્ડયનસીમાના ઉલ્લંઘનને કારણે જાતિબહિષ્કૃત જોનાથન, નિરાશ થયા વિના, શક્તિસભર છતાં ભીરુ પંખીબંધુઓને મોકળાં ઉડ્ડયન માટે સતત પ્રેરતો રહે છે, અને બદ્ધ, અવરુદ્ધ તથા અલસમંથર સાગરપંખીઓને મુક્તિ, પૂર્ણતા ભણીના ઉત્કર્ષનો નવો રાહ ચીંધે છે. જોનાથન પ્રકૃતિથી જ ઉન્નતિ અને ઉદ્ગતિનો ઉદ્ગાતા છે. એ કેવળ ‘હાડપીંછાંનું શરીર નહિ પણ કશીયે મર્યાદાઓને ન ગાંઠતો એવો, સ્વાતંત્ર્ય અને ઉડ્ડયનનો પૂર્ણ આદર્શ છે.’ અવરોધોને અતિક્રમી ગતિ-પ્રગતિનાં ઉત્તરોત્તર ઊંચાં લક્ષ્યોને આંબીને પૂર્ણતાના પ્રદેશમાં પહોંચતો અને અન્ય પંખીબંધુઓને પ્રેરતો જોનાથન, આત્મિક ઉત્કર્ષનું અદ્ભુત પ્રતીક બની રહે છે. સક્રિય પ્રેરકતા અને વિધેયાત્મક આશાવાદનો પ્રચંડ સૂર એ કૃતિમાંથી ઊઠે છે; જ્યારે ‘જટાયુ’માં નાયકની ઉડ્ડયનપ્રીતિ અને તત્પ્રેરિત સીમોલ્લંઘન જટાયુના જીવનની સૌથી મોટી કરુણ આપત્તિ ઉપજાવે છે. ‘જોનાથન સીગલ'માં અચલ શ્રદ્ધા અને ‘જટાયુ'માં શ્રદ્ધાના વિચલન-અશ્રદ્ધાના અવતરણ-નો ધ્વન્યાર્થ ઊપસે છે. પ્રથમ નજરે તો આ બંને રચનાઓ આધારબીજ ને તેના કોળામણમાં લગભગ સમરેખ લાગશે. જટાયુનો વસવાટ લીલા અંધકાર'વાળા વનપ્રદેશમાં, જોનાથન સાગરપંખીનો ‘લીલા આકાશ’ તળે ‘કાળાં અને નીલરંગી' પાણીના સાગરતટે; અન્ય જાતબંધુઓની સ્થૂળ અને સપાટી પર રાચતી જીવનચર્યા વચ્ચે આ બંને પોતપોતાની અ-સાધારણ ઉડ્ડયનપ્રીતિને કારણે જુદા પડી આવે છે. બંનેની કિશોરાવસ્થામાં અતિ ઉડ્ડયનશીલતાથી વ્યગ્ર થઈને ઉભયનાં માબાપ લગભગ એકસરખા સૂરોમાં ચિંતા વ્યક્ત કરે છે, અને પોતપોતાના પ્રદેશ – વન અને સાગર – માંની નિયત સીમામાં રહીને ઉડાણો માટેની મર્યાદા દર્શાવે છે. આમ છતાં, બંનેનાં ઉડ્ડયનસાહસો સીમાના અતિક્રમણ ભણી બંનેને ધકેલે છે. અહીં સુધી બંને કૃતિઓની વૃત્તરેખાઓ સમાંતર ગતિએ ચાલે છે. વનની સીમાનું અતિક્રમણ જટાયુના જીવનમાં વિનષ્ટિ સર્જે છે, સીગલનું અતિક્રમણ ઊંચા ઉત્કર્ષને સાધી આપે છે. આમ, સીમોલ્લંઘન અને તે પછીની વૃત્તગતિ બંને કૃતિમાં જુદી જુદી દિશામાં ફંટાય છે. બંને કૃતિઓમાંની કથાગતિનો આ દિશાભેદ બંનેના સામગ્રિક આશયની ભેદકતામાં પણ કારક નીવડે છે. કૃતિમાંની પ્રતીકવિધાનની પોતીકી વિલક્ષણતાઓને કારણે, ‘જટાયુ’ પુરાકથામાંથી આધુનિક માનવીય સંવેદના-સમસ્યાના પ્રતીકરૂપે ઊપસી રહે છે; જ્યારે ‘જોનાથન સીગલ' આત્મિક ઉત્કર્ષપ્રતીકમાંથી, એની વ્યાપક પ્રભાવકતા તથા ઊંડા અર્થપ્રક્ષેપને કારણે, પુરાકલ્પનની કક્ષા પ્રાપ્ત કરે છે.

‘જટાયુ' રચનામાં કૃતિનો ૬-૭ ભાગ જે કથાપરિવર્તે રોક્યો છે તે ખંડક ૧થી ૬ પર્યન્તનું પૂર્વ-વિચલન, નિરૂપણગત વિચાર, ભાવ, કલ્પન અને ક્યાંક તો ઉક્તિની લઢણોની બાબતમાં પણ, ‘જોનાથન લિવિંગ્સ્ટન સીગલ' સાથે કેટલું મળતું આવે છે તે, બંને કૃતિમાંના તદ્વિષયક નિરૂપણ-અંશોને સરખાવતાં સ્પષ્ટ થશે :

૧. ‘ધવલ ધર્મજ્યોતિ’ અધર્મનો જ્યોતિ રાતોચોળ
વનમાં લીલો અંધકાર,......
“....on a totally different seashore-trees down to the wa- ter's edge, Twin yellow suns turning overhead.” ૮૧
“....a green sky and a double star for a sun." ૮૨
૨. ‘....જેમ કહે તેમ સૌ કરે
ચરે, ફરે, રતિ કરે, ગર્ભને ધરે, અવતરે, મરે.
....
જેમ આવે તેમ જીવ્યા કરે કૈં વધુ ન જાણે રંક’
i. "till a crowd of thousand sea-gulls came to dodge and fight for bits of food." (p. 11)
ii." Most gulls don't bother to learn more than the simplest facts of flight-how to get from shore to food and back again. For most gulls, it is not flying that matters, but eating." (p.11)
iii....."to behave like the other gulls, screeching and fighting with the flock around.... diving on scraps of fish and bread" (p. 14)
૩. ‘દર્પણ સમ જલ હોય તોય નવ કોઈ જુએ નિજ મુખ;
બસ, તરસ લાગતાં અનુભવે પાણી પીધાનું સુખ.’-
i.....it was that other gulls refused to belive the glory of flight..... they refused to open their eyes and see. (p. 40)
ii. The flock lived with its eyes tightly shut to the joy of flight, using its wings as means to the end of finding and fighting for food." (p. 61)
૪. ‘જુઓ તો જાણે વગરવિચારે બેઠાં રહે બહુ કાળ
જીવણમરણ વચ્ચેની રેખાની પકડીને ડાળ.'
i. "There would be no ties now to the force... there would be no more challenge and no more failure. And it was pretty, just tostop thinking." (p. 23)
ii. Life is the unknown and the unknowable' except that we are put into this world or eat, to stay alive as long as we possibly can.' (p. 39)
૫. ‘એવાં ગીધોની વચ્ચે એક ગીધ છે : નામ જટાયુ.
“Thousands and thousands of gulls. Jonathan is one in a mil- lion bird." (p. 61)
૬. ‘આમ તો બીજું કંઈ નહિ, પણ એને બહુ ઊડવાની ટેવ’
'For this gull, though, it was not eating that mattered, but flight. More than anything else Jonathan Livingston Seagull loved to fly. (p. 12)
૭. ‘પહોર ચડયો ના ચડ્યો જટાયુ ચડયો જુઓ તતખેવ.’
‘By sunup, Jonathan Gull was practicing again." (p. 27)
૮. ‘ઊંચે ઊંચે જાય ને આઘેઆઘે જુએ વનમાં’
i. ‘The Gull sees farthest; who flies highest' (p. 85)
ii. "climb to a thousand feet. Full power straight head first, then push over, flapping, to a vertical dive." (p. 11)
૯. ‘(ત્યાં) ઊના વાયુ વચ્ચે એને થયા કરે કંઈક મનમાં.,
i. ....wind was a whisper in his face' (p. 11)
ii. ‘The wind was a monster roar at his head.' (p. 26)
૧૦. ‘જનમથી જ જે ગીધ છે એની આમે ઝીણી આંખ
એમાં પાછી ઉમેરાઈ આ સતપત કરતી પાંખ.'
He narrowed his eyes in fierce concentration, ...then his feath- ers ruffled.' (p. 11-12)
૧૧. ‘માતા પૂછે બાપને : આનું શુંય થશે, તમે કેવ આમ તો બીજું કંઈ નહિ પણ આને બહુ ઊડવાની ટેવ'
his parents were very much dismayed indeed. "why, Jon, why? his mother asked, "Why is it so hard to be like the rest of the flock. Jon ? Why can't you leave low flying to the pelicans, the albatross?" (p. 13)
૧૨. ‘ઊડતાં ઊડતાં વર્ષો વીત્યાં ને હજી ઊડે એ ખગ’
Time after time it happened. (p. 15)
૧૩. ‘પણ ભોળું છે એ પંખીડું....’
. ......આ ભોળિયાભાઈની મા.'
જોનાથન પોતે જ, ઉડાણની પછડાટ વેળા આત્મસંભાષણ કરતાં કહે છે : ‘I must forget this foolishness' (p. 22) - ‘What a fool I've been !' (p. 26)
૧૪. ‘લીલોછમ અંધાર જે દેખાડે તે દેખીએ, ભા!
હસીખુશીને રહો ને ભૂલી જતા ન પેલી શરત,
કે વનનાં વાસી, વનના છેડા પાર દેખના મત.'
i. ‘As he sank low in the water, a strange hollow voice sounded within him: There's no way around it, I am a seagull. I am limited by my nature.......I must fly home to the flock and be content as I am, as a poor limited seagull' (p. 21-22)
ii. ‘.. and Jonathan agreed. The place for a seagull at night is on shore'.... he vowed, he would be a normal gull.' (p. 22)
iii. "Dark!" seagull never fly in the dark" (p. 23)
૧૫. . ........પ્રૌઢ જટાયુ, મુખી,
કેવળ ગજ-કેસરી શબનાં ભોજન જમનારો, સુખી.'
'He learned to ride the high winds for inland, to dine there on delicate insects" (p. 41)
૧૬. ‘એ ખાલીપાની ઢીંક વાગી, એ થથરી ઊઠ્યો થરથર'
the hollow voice cracked in alarm.' (p. 23)
૧૭. ‘વન ના-ના કહેતું રહ્યું, જટાયુ અવશ ઊછળ્યો અદ્ધર.”
'Jonathan was not alert to listen. There in the night, a hundred feet in the air; Jonathan Livingston Seagull blinked, His pain, his
resolutions vanished." (p. 23)
૧૮. ‘ત્યાં ઠેક્યાં ચારેકોર તુલસી તગર તમાલ ને તાલ'
'He climbed two thousand feet above in the black sea' (p. 26)
૧૯. ‘અને એ જ અસાવધ પળે એણે લીધા કયા હવાના કેડા'
...............and without a moment for thought.... he...fell into a vertical dive." (p. 26)
ii. His vows of a moment before were forgotten' swept away in that great swift wind.' (p. 27)
૨૦. ‘કે ફક્ત એક જ વીંઝી પાંખ, હોં, ને જટાયુએ દીઠા વનના છેડા.'
i."...he brought his forewings tightly into his body, left only the narrow swept daggers of his wingtips, extended into the wind and fell into a vertical dive." (p. 26)
ii. "A seagull at two hundred fourteen miles per hour! It was a breakthrough." (p. 29)
૨૧. ‘પણ ત્યાં જ તો પીંછે પીંછે ફૂટયો બેય નગરનો ભાર નમી પડ્યો એ ભાર નીચે...... in
His wings were ragged bars of lead, but the weight of failure was heavier on his back." (p. 21)
૨૨. ‘.....ને વનવાસી એ રાંક જાણી ચૂક્યો પોતાનો એક નામ વિનાનો વાંક.'
... yet he felt guiltless breaking the promises he had made himself (p. 27)
૨૩. ‘ઊંચા પવનો વચ્ચે ઊડતો હતો હાંફળો હજી
'...... The wind was a solid beating wall of sound against which he could move no faster." (p. 28)
૨૪. ‘તુલસી તગર તમાલ તાલ વચ્ચે એકલો છું સાવ’
'Home I have none, flock I have none, I am outcast (p. 53)
૨૫. ‘દયા જાણી કૈં ગીધ આવ્યાં છે અંધારાને લઈ’
'The dozen gulls by The Seashore came to meet him, none saying a word' (p. 59)
૨૬. ‘પણ હું શું બોલું છું તે એમને નથી સમજાતું કંઈ’
'....in time they listened more closely to Jonathan. He had some crazy ideas that they couldn't understand. (p.111)

*

દેશગત અને ભાષાગત વિભિન્નતા છતાં, સમયના લગભગ સમાન બિંદુએ સરજાતી- ‘જોનાથન લિવિંગ્સ્ટન સીગલ’ (૧૯૭૦). ‘જટાયુ' (૧૯૭૬) - ભિન્નભિન્ન સર્જકોની આ રચનાઓમાં, ભલે સંદર્ભભેદે પણ, વિચાર-કલ્પન – વૃત્તાંત કે ઉક્તિ વગેરેને આવરી લેતું જે બહુપરિમાણીય સામ્ય નજરે ચડે છે એને પ્રતિભાવંત સર્જકોની અંતગૂઢ સર્જનપ્રક્રિયાનાં ભીતરી સ્પંદનોની સમાન સરવાણીનું દ્યોતક માનવું રહ્યું. અન્યથા, રચનાક્રમે અનુકાલીન કૃતિ, પૂર્વકાલીન કૃતિથી પ્રેરિત કે/અને પ્રભાવિત હોવાની સંભાવના ઊભી થાય. બંને કૃતિ વચ્ચેનું બાહ્ય અને તદ્દન આકસ્મિક સામ્ય પણ ધ્યાન ખેંચે છે. બંને કૃતિના કથાનકો – જટાયુ અને જોનાથન વજનદાર દેહધારી પંખીઓ છે એટલું જ નહિ, ઉભયની પક્ષીજાતિ – ગીધ અને ગલપંખી- મુડદાભક્ષી (scavenger) પક્ષીવર્ગમાં આવે છે.*[1]

(એમ તો બંને પુસ્તકોનાં આવરણ-પૃષ્ઠ પણ પાંખપ્રસારિત પક્ષીમુદ્રા ધરાવે છે.)

'જટાયુ'માં પુરાકથાનું પૂર્વ-વિચલન પ્રેરિત કે પ્રભાવિત હોય વા ન હોય એનાથી, જોકે, કૃતિના કલાનિબંધનને કશી અસર થતી નથી. મૂળ પુરાકથામાંથી કેવળ આછોતરું કથાબીજ ઉપાડી એની આજુબાજુ અર્થસંકેતોની અ-પૂર્વ સૃષ્ટિ કવિએ રચી આપી છે. વિવિધમૂળના કૃતિપુદ્ગલોનું સૌંદર્યસિદ્ધ રૂપાયન અહીં એણે સાધ્યું છે, અને એ દ્વારા કથાગત તત્કાલીનતામાંથી સંવેદનાગત સમકાલીનતાનો અર્થારોપ સિદ્ધ કરવામાં એમની કવિપ્રતિભાનો ચમકાર -ને ચમત્કાર પણ - અનુભવી શકાય છે. ‘દૃષ્ટપૂર્વ અર્થો' પણ કાવ્યના શબ્દલોકમાં પ્રવેશે ત્યારે રસપરિગ્રહને કારણે, મધુમાસના નવપલ્લવિત વૃક્ષની જેમ સર્વથા નૂતનરૂપે જ ભાસિત થાય છે, એવા આનન્દવર્ધન-અભિપ્રાયની સુખદ પ્રતીતિ આ રચના કરાવી રહે છે.

સન્દર્ભ
૧. ‘જટાયુ' : સિતાંશુ યશશ્ચંદ્ર, પ્રકાશન, આર.આર.શેઠ, મુંબઈ, પ્રથમ આવૃત્તિ, ૧૯૮૬
૨. ‘Jonathan Livingston Seagull'
- Richard Bach
Avon Books, 1973, 959, Eighth Avenue, New York
૩. ‘Birds of the World'.
Oliver Austen (jr.)
Optimum Books Western first - Pub.Co. 1983
૪. ‘The Birds of Gujarat'
Dr.Salim Ali
Gujarat Reasearch Society, First Edition, 1956
૫ : ‘આપણાં સામાન્ય પક્ષીઓ' સલીમઅલી અને લાઈકઅલી, અનુ: વિજયગુપ્ત મૌર્ય નેશનલ બુક ટ્રસ્ટ પ્રથમ આવૃત્તિ, ૧૯૬૯
તાદર્થ્ય : માર્ચ, ૧૯૮૮

પત્રચર્ચા

'એતદ્' અંક ૨-૩ (એપ્રિલ-સપ્ટે. ’૮૮)માં ‘સિતાંશુ યશશ્ચંદ્રની સરૂરિયલ સૃષ્ટિમાં ડોકિયું’ શીર્ષકના રમેશ ઓઝાના લેખમાં, ‘જટાયુ' વિશેના મારા લેખમાંથી જે અભિપ્રાયો/મંતવ્યો તારવ્યા છે એ સંદર્ભે, આ ખુલાસો પ્રસિદ્ધ કરશો તો આપનો આભારી થઈશ.

ચર્ચાની સુકરતા માટે ઓઝાના ઉક્ત લેખમાંથી સંબદ્ધ અંશો ઉતારું છું: ‘'લાભશંકર પુરોહિતે એમાં મિથનું વિચલન જોયું છે, કોઈ મિથને વિશિષ્ટ કાવ્યહેતુથી પ્રયોજવામાં આવે ત્યારે એની બધી જ વિગતોનું અકબંધ રીતે પુનઃકથન કરવું જરૂરી ખરું ? એ પ્રશ્ન છે. એમ લાગે છે કે મૂળ મિથથી અહીં વિચલન deviation પણ ન જોઈ શકાય. પણ મિથના બિનજરૂરી કથાઅંશોનું વિગલન કરીને જટાયુ કથાને એક ફ્રેમ ઑફ રેફરન્સ તરીકે કવિએ પ્રયોજી છે અને એ દ્વારા પોતાને જે અર્થસંક્રમણ કરવું છે તેને એમણે પ્રાધાન્ય આપ્યું છે.” (પૃ.૧૦૨) (અહીં તથા આ પછીના તમામ સંદર્ભોમાં રેખાંકિત અક્ષરો આ લખનારે કર્યા છે. ખંડકમાંના વ્યાકરણદોષો અકબંધ રીતે જાળવી રાખ્યા છે, એ કહેવું જરૂરી ખરું કે કેમ, એ પ્રશ્ન છે.)

૧. મૂળ પુરાકથાનું અકબંધ પુનઃકથન કરવાનું કામ પુરાણીઓનું / કથાકારોનું છે, રસસર્જક કલાકારોનું નહીં; વળી વિશિષ્ટ કાવ્યહેતુથી જ નહિ, સામાન્ય કાવ્યહેતુથી પણ પ્રેરાઈને થતી કાવ્યરચના, ઇતિવૃત્તનાં મૂળ કથાબિંબોને નોખી અર્થઘુતિ ન આપે તો કળાસિદ્ધિમાં એ ઊણી ઊતરે છે. આ સમજણ તો કાવ્યચર્ચા સંદર્ભે એટલી બધી પ્રાથમિક કક્ષાની છે કે એ બાબતમાં આ લખનારને કશીયે સંદેહ કે પૃચ્છાની જરૂર નથી લાગતી. હકીકતે તો, પુનઃકથન નહિ, અ-પૂર્વકથનના અનુષંગે જ, ‘જટાયુ’માંના વૃત્તપરિવર્તનની તપાસ લેખસ્થળે ઉદિષ્ટ ગણી છે.

૨. રમેશ ઓઝાના લખાણનો મથિતાર્થ એવો છે કે ‘જટાયુ'માં વિચલન નહિ, પણ વિગલન છે. એમના કહેવા મુજબ ‘મિથના બિનજરૂરી કથાઅંશોનું વિગલન' એમાં સધાયું છે. (એ જ લેખમાં અન્યત્ર પણ ‘મિથ પ્રયોજવા છતાં તેનું વિગલન સિદ્ધ કરવાનો સિતાંશુનો પ્રયોગ નિરાળો છે-' એવો નિર્દેશ કર્યો છે. પૂ. ૧૦૦) સાથોસાથ, ‘એમ લાગે છે' અને ‘પણ ન જોઈ શકાય.' જેવાં દુગ્ધ-દવિ-ઉભય-સ્પૃષ્ટ-પદાન્વિત-વિવેચન સંપ્રદાયનાં, ગમે તે દિશામાં ઢળી શકે તેવી પ્રકૃતિનાં કંદુકાકાર વિદ્યાનોની ઓથ તળે શંકાલાભની બારી પણ ખુલ્લી રાખી છે.

કાવ્યશાસ્ત્રીય વિભાવ (concept) તરીકે ‘વિગલન'ની ઘટનામાં તો કૃતિમાં તમામ અંગભૂત દ્રવ્યો /અંશોનો સમાહાર અપેક્ષિત છે, કશાનોયે પરિહાર ઇષ્ટ નથી. કેમ કે વિગલનની પ્રક્રિયામાં પ્રધાન દ્રાવકના સંયોગે અંતર્ગત સકલ દ્રવ્યોના રાસાયણિક રૂપાંતરણનો વ્યાપાર સંનિહિત છે, પાનકરસ ન્યાયેન. કશાનુંયે બાષ્પીભવન વા નિષ્કાસન નહિ. એ જ રીતે કાવ્યગત વિગલન ઘટનામાં પણ અંગભૂત તમામ વૃત્તસંદર્ભોનું પૂર્ણતઃ રૂપાંતરણ આવશ્યક રહે; વૃત્ત-અંશનુંયે નિષ્કાસન એમાં નથી હોતું. વળી ઉત્પાદ્ય કથાનકને બદલે ખ્યાત કે પુરાકથામૂલક વૃત્તાંતને વિષયભાવે ઉપલક્ષતી કૃતિમાં, મૂળના સમગ્ર કથાતંતુઓના સાદ્યંતલક્ષી વિગલનનો પ્રશ્ન જ પેચીદો બની રહે.” ‘જટાયુ'માં પુરાકથામૂલક ખ્યાત વૃત્તસંદર્ભોના વિગલનનો પ્રશ્ન કેવી રીતે ઉપસ્થિત થાય? અભીષ્ટ અર્થસંકેતની વ્યંજનાને જ ઉપકારક નીવડે તે પ્રકારે કવિએ અહીં પુરાકથાનાં કાચાં દ્રવ્યને વાપર્યું છે; અને એ સ્થિતિમાં મૂળ વૃત્તસંકેતોના હાનોપાદાનનો સર્ગવ્યાપાર જે પ્રકારે કાવ્યરત બને છે એમાં જ, રમેશ ઓઝા જેને ‘મિથના બિનજરૂરી અંશો’ ગણે છે તેનો પરિહાર થાય છે. તો બીજી બાજુથી કાવ્યગત ધ્વનિને ઉપકારક નવા વૃત્તસંદર્ભો એમાં આમેજ થાય છે. વાલ્મીકીય ‘રામાયણ' અને ‘રામચરિતમાનસ'માંના જટાયુવૃત્તાંતથી, ‘જટાયુ' કાવ્યનું કથાવૃત્ત-ને નાયકનું ચરિત્રવૃત્ત પણ-ક્યાં જુદું પડે છે અને ‘જોનાથન સીગલ' સાથે એને ક્યાં, કેવું ને કેટલું સગપણ છે એ બધી બાબતો લેખમાં વિગતવાર ને સાધાર ટાંકી છે. જોઈ શકાશે કે સકલનો સંયોજનલક્ષી સમાહાર, કશાનોયે પરિહાર નહીં - એવી વિગલન વ્યાપારની અનિવાર્ય શરત ‘જટાયુ'માં કથાસંદર્ભે તો સચવાતી નથી. આ સ્થિતિમાં, વિગલનના કાવ્યશાસ્ત્રીય વિભાવને ગમે તેટલો વિસ્તારીએ તો પણ, મૂળ કથાતંતુઓના પરિહાર અને રસપોષક નૂતન વૃત્તાંશોના પરિષ્કારની આખી યે ઘટનાની ‘વિગલન’ તરીકેની ઓળખ શાસ્ત્રસંગત નથી ઠરતી. કેમ કે અહીં સવાલ વિગલન કે વિચલન એવા શબ્દપ્રયોગ પૂરતો જ સીમિત નથી; સંજ્ઞા તળે ઊપસતી વિભાવના અને તેની સમજણનો પણ છે. (અહીં એ વાત સ્પષ્ટ કરવી રહે કે રમેશ ઓઝાએ, ‘જટાયુ'માં વિચલનને મુકાબલે વિગલન ઇષ્ટ છે એવો મુદ્દો કૃતિની સમગ્ર રસસાધક કાવ્યસામગ્રીના સંદર્ભે નહિ, પણ કથાઅંશોની બાબત પૂરતો જ ઊભો કર્યો છે. પુરાકથાના વૃત્તતંતુઓનું ઈતર કાવ્યસાધક સામગ્રી સાથેનું રસલક્ષી સંયોજન વિગલન વ્યાપારને ઉપલક્ષે છે કે કેમ, એ તપાસ એમના લખાણમાં ઉદિષ્ટ નથી.)

૩. કૃતિના કલાનિબંધનમાં રસકીય પ્રયુક્તિ તરીકે કવિ દ્વારા વિચલનનો થતો સમાદર કે વિનિયોગ, એ કાંઈ કળાવિરોધી વા અપકર્ષક વ્યાપાર નથી જ નથી; તેમ વળી વિગલન કરતાં એ ઊતરતી કોટિનો પણ નથી. ઈષ્ટ-અર્થની કલાત્મક સ્થાપનાના આશયથી કવિએ અહીં મૂળ કથાના તંતુઓને જે પ્રકારે વાળ્યા અને ઇતર કથાતંતુઓ સાથે એની રસસંસૃષ્ટિ સાધી આપી એમાં વિચલન વા વિગલન કઈ રીતે કલાસાધક નીવડે છે એ તરફ ધ્યાન દેવું ઘટે.

૪. ‘જટાયુ' કાવ્યના અંતિમ ખંડકમાં કેવળ અશ્રદ્ધા નથી, ઉત્તરવાળાને આવવાની વિનંતિ છે. તેમજ એના આવવાની આશા પણ છે.' (પૃ.૧૦૨) રમેશ ઓઝાનું આ વિધાન ‘વિનંતિ' અને ‘આશા' જેવા એકાત્મ ને ચલિત ચિદ્-વ્યાપારોને ‘શ્રદ્ધા'ની સંકુલ અને પ્રમાણમાં સ્થાયી ગણી શકાય એવી ચિદવસ્થા સાથે સમાનાધિકરણમાં મૂકીને વિનંતી+આશા=શ્રદ્ધા, એવું સીધું સમીકરણ, જાણે કે, બાંધી આપે છે. તત્ત્વતઃ, અંતિમ ખંડકમાંના આશ્વાસક પ્રકીર્ણ ઉદ્ગારો, નાયકની અનસ્થામૂલક ચિદવસ્થાની સપાટી પર ઊઠતું કેવળ તરંગ-સ્ફુરણ છે. અંતિમ ખંડકોની ઉક્તિઓને છૂટી છૂટી નહિ, પણ તમામ ઉક્તિઓ/ઉદ્ગારોને સમગ્રભાવે લેતાં, એમાંથી પ્રાપ્ત જીવનવ્યવસ્થા પ્રત્યેની અનાસ્થા-અશ્રદ્ધા-વ્યંજિત નથી થતી? ‘આ કેડા વિનાના વનથી કેટલું છેટું હશે અયોધ્યા? / આ અણસમજુ વન વચ્ચે મારે શું મરવાનું છે આમ?' – આ વેદનાકુલ આત્મપૃચ્છા કાંઈ આશાપૂત તત્ત્વજિજ્ઞાસા કે ઉપલબ્ધિના આહ્લાદક વિસ્મયનું પ્રશ્નોપનિષદ નથી જ, વળી અવબોધ માટે સર્વથા અક્ષમ એવા સાથીઓની વચ્ચે એમનું બોલવું તે પણ કેવળ અનુત્તરિત અભિવ્યક્તિ માત્ર છે, પ્રતિભાવ પ્રેરે એવું પ્રત્યાયન નથી. સપ્રાણ સંવેદનાના અનુબંધથી વ્યતિરિક્ત નિઃસંગ એકલતા, શૂન્યતા ને અભિશપ્ત જીવનની આવી નિયતિનો જાગતો બોધ એ, કવિતાના નિબંધનમાંથી પુરાકથા નિમિત્તે અશ્રદ્ધા-અનાસ્થાને ધ્વનિત કરે છે એમ માનવું સયુક્તિક લાગે છે. રમેશ ઓઝા પોતે એટલું સ્વીકારે છે કે, ‘એને (જટાયુને) મૃત્યુની બીક નથી, એ તો એનું એક માત્ર સાર્થક જીવનકૃત્ય છે. (પૃ.૧૦૨) મૃત્યુને ‘સાર્થક જીવનકૃત્ય' (?) લેખવાની વાત પ્રાપ્ત જીવનવ્યવસ્થા પ્રત્યેની અનાસ્થાને સંકેતિત કરતી ન ગણાય?

  1. *સંદર્ભ માટે જુઓ
    (i) ‘Birds of the World', 73-75, 130-36
    (ii) ‘આપણાં સામાન્ય પક્ષીઓ', ૫૩-૫૫

એતદ્: ઓક્ટોબર-ડિસેમ્બર, ૧૯૮૮.
‘ફલશ્રુતિ’ પૃ. ૨૦૧ થી ૨૧૨