સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – શિરીષ પંચાલ/કરુણપ્રશસ્તિ વિશે થોડો વિચાર

From Ekatra Foundation
Jump to navigation Jump to search
સ્વરૂપવિચાર
(૧૦)
કરુણપ્રશસ્તિ વિશે થોડો વિચાર

અંગ્રેજી શબ્દ Elegyના મૂળમાં શબ્દ છે Elegos - શોકગીત. elegeiaનો અર્થ છે lament. કોઈ વ્યક્તિ—એ ઐતિહાસિક હોય, પૌરાણિક હોય, સમકાલીન હોય—મિત્ર હોય કે સ્વજન હોય—તેના અવસાન નિમિત્તે વ્યક્ત થતું સંવેદન, એથી આગળ જઈને માનવજાતિના કોઈક કરુણ પાસા વિશે પણ અહીં ચિંતન કરવામાં આવે છે. વળી ક્યારેક તો યુદ્ધગીતને પણ કરુણપ્રશસ્તિ તરીકે ઓળખવામાં આવ્યું છે. તો વળી અમુક પ્રકારની છાંદસ અભિવ્યક્તિને કરુણપ્રશસ્તિ સાથે સાંકળવામાં આવી. આવી અતિ વ્યાપ્તિભરી પરિસ્થિતિને ટાળીને એની વિભાવનાને પાછળથી સંકોચવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને આ પ્રકારની વિભાવનાઓ કોઈ પણ ભાષાસાહિત્યના ઇતિહાસમાં જોવા મળવાની. હજુ પણ વ્યાપક ભૂમિકાએ પ્રણયકવિતાને પણ કરુણપ્રશસ્તિ કહી છે. મેટ્રાફિઝિકલ કવિ તરીકે પ્રસિદ્ધિ પામેલા જ્હોન ડનનાં પ્રણય કાવ્યોને કરુણપ્રશસ્તિ તરીકે ઓળખવામાં આવ્યાં છે. કવિ કાન્તે મિસિસ બ્રાઉનિંગનાં પ્રણયકાવ્યોને ગુજરાતીમાં ઉતાર્યાં છે, તેને પણ કરુણપ્રશસ્તિ તરીકે ઓળખાવી ન શકાય? આવાં પ્રણય કાવ્યો જગતની ઘણીબધી ભાષાઓમાં લખાયાં છે. એ બધાંને કરુણપ્રશસ્તિ તરીકે ઓળખાવીશું તો આ વિભાવના અતિવ્યાપ્તિ ભરી નહીં બની જાય? ક્યારેક કરુણપ્રશસ્તિનો કવિ મ્યુઝને સંબોધે (જુઓ એમ. એચ. અબ્રામ્સ ગ્લોસરી ઓવ, લિટટરી ટર્મ્સ), વચ્ચે વચ્ચે પ્રશિષ્ટ પુરાકથાઓ પણ યોજે; સમગ્ર પ્રકૃતિ કોઈના મૃત્યુમાં ભાગ લે, પછી કવિ નિયતિ વિશે પ્રશ્નો પૂછવા માંડે, પોતાના સમયની ભ્રષ્ટ પરિસ્થિતિઓની ટીકા કરવા માંડે. યુરોપમાં અને પછી તો વિશ્વભરમાં જાણીતી થયેલી રેઇનર મારિયા રિલ્કેની કરુણપ્રશસ્તિઓને આધારે આ કાવ્યપ્રકારનું કેવું ચિત્ર ઉપસે છે? અહીં કોઈ વ્યક્તિની સ્મૃતિને કેન્દ્ર બનાવીને કશી અભિવ્યક્તિ કરવામાં આવી નથી. અવારનવાર કવિ અખંડ ચેતના, અદૃષ્ટ વિશ્વની વાત કરે છે. વચ્ચે વચ્ચે દેવદૂતો અને મનુષ્યો વચ્ચેનાં વિરોધ, જીવન તથા મૃત્યુની સંવાદિતા પર પોતાનું સંવેદનસભર ચિંતન વ્યક્ત કરતા રહે છે. મનુષ્ય ઘણીબધી રીતે અપૂર્ણ છે, યાયાવર પંખીઓની સહજ સૂઝ માનવીમાં નથી એનો ભારે રંજ કવિને છે. જે જગતને સમજવું અકળ છે એ જગતમાં માનવી સાવ એકલવાયો છે, અને આ એકાન્તને સભર, સત્ય બનાવવું કેવી રીતે? જેવું છે તેવું મનુષ્યનું અસ્તિત્વ— એનો મહિમા તો કરવો જ રહ્યો. આપણી વેદનાના મૂળ અસ્તિત્વને તેના સાચા સંદર્ભમાં પામવાની અશક્તિમાં રહેલું છે. એક વાર આ માની લેવાય તો પછી સમય, ભૂત-ભવિષ્ય, અંત, મર્યાદા, વિદાય, વિરહ જેવું કશું રહે નહીં અને મૃત્યુને જીવનના વિરોધી પરિબળ તરીકે જોવાની આપણી આદત પણ છૂટી જશે. વળી ક્યારેક આપણે જગતને માત્ર એક જ ચેતનાથી—એક જ ઇન્દ્રિયથી પામવાનો પ્રયત્ન કરતા હોવાને કારણે આપણા દર્શનને મર્યાદિત બનાવી દઈએ છીએ. આમ તો બૉદલેર અને લૉર્કા જેવા કવિઓએ પંચેન્દ્રિયોના ઉત્સવને પોતાની રચનાઓમાં સ્થાન આપ્યું હતું. બૉદલેર કે લૉર્કાના વિશ્વમાં ગયા વિના ઉમાશંકર જોશી (જૂનાં સોણલાંની મંજરીઓ મહોરી), સુન્દરમ્ (મનુજપ્રણય), રાજેન્દ્ર શાહ (નિરુદ્દેશે), પ્રહ્લાદ પારેખ જેવા કવિઓમાં આ ઇન્દ્રિયસભર વિશ્વ ક્યાં નથી જોવા મળતું? રિલ્કેની કરુણપ્રશસ્તિઓમાં પોતાની શિશુઅવસ્થામાં તેમણે જે એકાંત અને એકલવાયાપણાનો અનુભવ કર્યો હતો તે અવારનવાર તેમની રચનાઓમાં પ્રગટ થાય છે. તેમની કરુણપ્રશસ્તિનો આરંભ જ આવા એકલવાયાપણાની લાગણીથી થાય છે.

Who, if I cried hear me,
among the angelic orders?

સામાન્ય રીતે કરુણપ્રશસ્તિ સાથે આપણે કોઈ અસાધારણ વ્યક્તિત્વ ધરાવતા માનવીના મૃત્યુ નિમિત્તે કવિચિત્તની સંવેદનાને તેની કળાત્મક અભિવ્યક્તિને સાંકળતા આવ્યા છીએ. આવું એક ઉત્તમ કાવ્ય સ્પેનિશ કવિ લોર્કાનું જાણીતું છે. ‘લેમેન્ટ ફૉર ઇગ્નેશિયો સાંકેઝ મેજિયાહ.’ આ વ્યક્તિ આખલાયુદ્ધનો બહુ મોટો ખેલાડી હતો. વચ્ચે તેણે આ રમત છોડી દીધી હતી અને ચાલીસ વર્ષની વયે પાછો બુલરિંગમાં પ્રવેશ્યો, આવાં પુનરાગમનો સામાન્ય રીતે સફળ થતાં નથી અને તે ખેલાડી આખલા સાથે લડતાં લડતાં જ મૃત્યુ પામ્યો. અર્નેસ્ટ હેમિંગ્વેએ આ સંદર્ભે લખ્યું હતું કે સાચા ખેલાડીનું મૃત્યુ મેદાનમાં લડતાં લડતાં જ થતું હોય છે; આ વાતને વિસ્તારીએ તો સર્જકનું મૃત્યુ સર્જન કરતાં કરતાં જ થવું જોઈએ એટલે જ જ્યારે હેમિંગ્વેને લાગ્યું કે હવે મારાથી સર્જન નહીં થઈ શકે ત્યારે તેણે આત્મહત્યા કરી હતી. ઇગ્નેશિયો લૉર્કાનો મિત્ર હતો, કેળવાયેલી રુચિવાળો હતો, કૃષિકાર હતો, ઉમદા હૃદય અને શૌર્ય માટે પ્રખ્યાત હતો. અંદાલુસિયામાં તેનું મૃત્યુ હજારો લોકોને હચમચાવી ગયું હતું. આ રમતમાં રહેલી હિંસકતાને કારણે તેના પર પ્રતિબંધ લાદવાની માગ ઊઠી હતી, પરંતુ લોક જેવાએ આ રમતને સાંસ્કૃતિક ઉત્સવ તરીકે ઓળખાવી, અહીં જ મૃત્યુની લીલા જોઈ શકાય છે, જો આખલાયુદ્ધની ભેરીઓ વાગતી બંધ થશે તો સ્પેનની વસંત, સ્પેનનું રક્ત, અરે તેની ભાષાનું શું થાય? આ મૃત્યુ નિમિત્તે લૉર્કા ઉત્કૃષ્ટ કક્ષાની કરુણપ્રશસ્તિ રચે છે, ભાવુકતાથી દૂર સરીને, નિરર્થક ચિંતન વિનાની આ કૃતિ કેમ આપણને સ્પર્શી જાય છે? એક રીતે જોઈએ તો લૉર્કા માત્ર પોતાની વ્યક્તિગત સંવેદનાનું જ આલેખન નથી કરતા પણ આ નિમિત્તે સમગ્ર પ્રજાની સંવેદનાને વાચા આપે છે. આમ એક બાજુએ નરી વૈયક્તિક સંવેદનાનો અને બીજી બાજુએ સમગ્ર સમાજની, સમગ્ર પ્રજાની સંવેદનાનો તે સમન્વય કરી બતાવે છે. સ્પેનનો આ ઉત્સવ માત્ર ઔપચારિક વિધિ, રૂઢિ કે સુશોભન બની રહેવાને બદલે આ ઉત્સવ પ્રજાના શ્વાસોચ્છ્વાસમાં, રુધિરાભિસરણમાં ઓગળી ગયો હતો, એ કહેવાની જરૂર નથી કે આ રમત કવિ સાથે, કવિવ્યક્તિત્વ સાથે એકરૂપ થઈ ગઈ હતી. લૉર્કાની આ રચના ઉત્કૃષ્ટ બની આવી કારણ કે કવિ આ મેદાન, આ મદોન્મત્ત આખલો, આ ખેલાડી અને તેને નિહાળી રહેલા પ્રેક્ષકો—આ બધા સાથે કવિચેતના અભિન્ન થઈ ગઈ હતી. એ રીતે રિલ્કે જે અખંડ ચેતનાની વાત કરે છે તે અહીં જોઈ શકાય છે. વળી અહીં મૃત્યુને કશા નકારાત્મક પરિબળ તરીકે જોવામાં આવ્યું નથી, પણ જીવનના એક વિસ્તાર રૂપે જ જોવામાં આવ્યું છે. આ કરુણપ્રશસ્તિને ધાર નીકળે છે તેના કાવ્યત્વને કારણે—પહેલા ખંડમાં આરંભાતી પંક્તિ -

At five in the afternoon,
It was exactly five in the afternoon.

વારેવારે પુનરાવર્તિત થઈને આપણા કાનમાં તે ઘૂમરાવા માંડે છે, પછી તે માત્ર શરીરના એક અંગ પૂરતી સીમિત રહેવાને બદલે સમગ્ર શરીરમાં, આત્મામાં વ્યાપી જાય છે. વિષયને અનુરૂપ કલ્પનો : પવનમાં ઊડી જતું શીમળાનું રૂ, વેરાયેલો ઓક્સાઈડ, કબૂતર અને દીપડાનું દ્વન્દ્વયુદ્ધ, શિંગડાથી ચિરાયેલી સાથળ, એક બાજુ ખૂણામાં ચૂપચાપ ઊભેલા પ્રેક્ષકો અને બીજી બાજુ વિજેતા આખલો, ઘામાં મૃત્યુએ મૂકેલાં ઈંડાં, મૃત ખેલાડીના કાનમાં ગુંજતાં હાડકાં, વાંસળી, કપાળમાંથી આખલાના ચિત્કાર – આ બધા દ્વારા રચાતું વાતાવરણ આપણને સ્પર્શી જાય છે. રમત વિશે, તેના નિયમો વિશે અર્નેસ્ટ હેમિંગ્વેએ ખાસ્સું લેખન કર્યું છે. આમાંથી એવો ધ્વનિ પ્રગટ થઈ શકે કે કરુણપ્રશસ્તિ આવી ખ્યાતનામ, લોકપ્રિય વ્યક્તિઓને ધ્યાનમાં રાખીને જ થઈ શકે, જેવી રીતે જીવનચરિત્ર સાવ સામાન્ય, સરેરાશ જીવન જીવી જતી વ્યક્તિઓને કેન્દ્રમાં રાખીને નથી રચાતાં તેવી રીતે આવી રૂઢિનોય અપવાદ સંભવી શકે. અંગ્રેજી ભાષામાં એક વિખ્યાત કરુણપ્રશસ્તિ ટોમસ ગ્રે રચિત ‘એલિજી રિટન ઇન અ કન્ટ્રી કોર્ટયાર્ડ’ છે. અહીં કોઈ એક વ્યક્તિને કેન્દ્રમાં રાખવામાં આવી નથી. ગામડાગામના કોઈ કબ્રસ્તાનમાં દાટેલા સામાન્ય માનવીઓને અહીં કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે. આવા સામાન્ય માનવીઓ માટે સમાજ અસ્વસ્થ થતો નથી, તેમનાં સ્મારકો ઊભા કરવામાં આવતાં નથી, તેમને માટે કોઈ ભાવસભર અંજલિઓ આપવામાં આવતી નથી.

સાંજે કોય હવે અંગીઠી ના ચેતવશે એને માટ
કાંતણથી પરવારી ગૃહિણી નિજ પિયુની ના જોશે વાટ.

આવા માનવીને કવિએ કેન્દ્રમાં રાખ્યા છે, તેમના જીવનમાં કશું મહાન, અસામાન્ય બન્યું જ નથી અને એટલે જ ‘કો એ ભૂમિશયન પર એના, નહિ કોતર્યા સ્મારકલેખ.’

પરંતુ કવિ પોતાની કૃતિમાં એને સ્થાન આપશે
કેવાં કેવાં પાણીવાળાં, વિમળ, અમૂલાં રત્ન અનેક
પાકે ઘેરા રત્નાકરને ઘોર, અગોચર કોતર છે !
કેવાં કેવાં સુમન અજાણ્યાં સર્જાયાં સહ રમ્ય રતાશ !
એળે જાય અરણ્ય સમીરે મોંઘેરી એની મીઠાશ.

આવા સાદાસીધા માનવીને કવિ કરુણપ્રશસ્તિમાં સ્થાન આપે છે. આવા માનવીઓની કઈ વિશિષ્ટતા કવિને આ પ્રશસ્તિ રચવાની પ્રેરણા આપે છે?

નહિ નિમ્યું રાજ્યાસન કરવું પ્રાપ્ત મનુષ્ય તણે સંહાર,
ને જનતા પ્રત્યે કરુણાનાં વાસી દેવાં સર્વે દ્વાર.

(આ કરુણપ્રશસ્તિનો ભાવપૂર્ણ અનુવાદ પાંચમા દાયકામાં ડૉ. સુરૈયાએ કર્યો હતો. અહીં એ અનુવાદની મદદ લીધી છે.) આવા સામાન્ય માનવીઓ ક્યારેક અપમૃત્યુ પામતા હોય છે, ક્યારેક શાસકોની ક્રૂર હિંસાનો તેઓ ભોગ બનતા હોય છે. તેમની સ્મૃતિમાં કોઈ કવિ રચના કરે કે ના કરે? એ મૃત વ્યક્તિઓએ જીવનમાં એવાં કોઈ મહાન કાર્યો ન કર્યાં હોય, પ્રજા એમને બીજી કોઈ રીતે સ્મૃતિમાં સાચવી શકે એમ ન હોય તો? દા. ત., જનરલ ડાયરના હસ્તે જલિયાંવાલા બાગનો હત્યાકાંડ—રવીન્દ્રનાથ ઠાકુરે આ વિશે લખવાની ના પાડી દીધી હતી. આવી ઘટનાઓ જગતભરમાં બનતી રહી અને જગતભરમાં આ ઘટનાઓને કેન્દ્રમાં રાખીને મૂર્તિઓ પણ રચાઈ હતી. દા. ત., ફ્રાન્સિસ્કો ગોવાએ ‘થર્ડ મે, ૧૮૦૮’ નામનું ચિત્ર દોરીને આવા સામાન્ય માનવીઓની નિર્દય સૈનિકો દ્વારા થયેલી હત્યાનું એક અસામાન્ય ચિત્ર આલેખ્યું હતું. કળાકારે એક વિશિષ્ટ સન્દર્ભ ઊભો કરીને શ્રોતાઓ / વાચકો / પ્રેક્ષકોને એ દિશામાં લઈ જવા પડે. જે સામાન્ય માનવીના મૃત્યુ વિશે કરુણપ્રશસ્તિ રચાય તેનો પરિચય તત્કાલીન સમાજને પણ હોય, તો ત્યાર પછીની પેઢીઓને તો કેવી રીતે સંભવી શકે? આવા સંજોગોમાં કવિ એ વ્યક્તિ નિમિત્તે જે કલ્પનસૃષ્ટિ ઊભી કરે તેને આધારે જ આપણે એ વ્યક્તિ વિશે પામી શકીએ. એમાં કવિ ક્યારેક એકબે ચિત્રો દ્વારા જ પોતાની વાત કરે – મણિલાલ દેસાઈએ રાવજી પટેલના મૃત્યુ વિશે આવાં જ કલ્પનો યોજીને ભાવકોને તૃપ્ત કર્યા હતા. તેમની એક જાણીતી પંક્તિનો ભાવ આવો હતો—ડાંગરના ખેતરમાં તું તડકો થઈને પ્રગટ થા. પણ એ કૃતિનો વિષય તો ગુજરાતી ભાવકોને પરિચિત હતો, પરંતુ હરિશ્ચંદ્ર ભટ્ટ ‘નિર્દોષ ને નિર્મળ આંખ તારી’માં જે વ્યક્તિને વિષય બનાવે છે તે કંઈ આપણી પરિચિત ન હતી, તે વેળાએ એના મૃત્યુના સ્પર્શની વેદના ભાવકોને થાય એવી રીતે જો નિરૂપણ ન કર્યું હોય તો એ અર્થહીન બની રહે છે. હજુ એક બીજા અંતિમે જઈને વિચારો. કોઈ દુષ્ટ માનવીના મૃત્યુ વિશે કરુણપ્રશસ્તિ રચી શકાય? જોકે ‘પ્રશસ્તિ’ શબ્દ જ આનો ઉત્તર આપે છે. બ્રાઉનિંગનું ‘માય લાસ્ટ ડચેસ’ આ સંદર્ભમાં યાદ કરી શકાય. શાયલોક, ઇયાગો જેવાં કાલ્પનિક કે હિટલર, મુસોલિની જેવાં ઐતિહાસિક પાત્રોના મૃત્યુને કેવી રીતે આલેખાય? મોટા ભાગની પ્રજાને તો એમને માટે તિરસ્કાર હોવાનો, તો પ્રશસ્તિનો ભાવ આવે ક્યાંથી? દૂર દૂર સ્થળ-સમયમાં થઈ ગયેલી વ્યક્તિઓ વિશે કરુણપ્રશસ્તિ રચી શકાય? સામાન્ય રીતે કવિઓ સમકાલીન ઘટનાઓને, સમકાલીન વ્યક્તિઓને કેન્દ્રમાં રાખીને આવી પ્રશસ્તિઓ રચતા હોય છે, આવી વ્યક્તિઓ સર્જનાત્મકતા ધરાવતી હોય પણ ખરી અને ન પણ હોય. કવિઓ ક્યારેક મૃત વ્યક્તિઓને પુરાણપ્રસિદ્ધ પાત્રની હરોળમાં મૂકી આપે — આવે વખતે તે પૌરાણિક પાત્ર અને સમકાલીન વ્યક્તિ વચ્ચે સાદૃશ્ય ઊભું કરવું પડે. દા.ત., શેલી ૧૯૨૨માં મૃત્યુ પામ્યા, તેના એક વર્ષ અગાઉ સાવ નાની વયે મૃત્યુ પામેલા જ્હોન કીટ્સ વિશે પ્રશસ્તિ રચતાં કવિને પુરાણપ્રસિદ્ધ પાત્ર Adonais સાથે મૂકી આપ્યો. આ પૌરાણિક પાત્રને એક જંગલી સૂવરે મારી નાખ્યો હતો. વીનસ પોતાના મૃત પ્રેમીને સજીવન કરવાના પ્રયત્નો કરે છે, છેવટે તે એક પુષ્પમાં રૂપાંતરિત થઈ જાય છે. એપ્રિલ ૧૯૧૮ના ક્વાર્ટરલી રિવ્યૂમાં કોઈ અજાણ્યા વિવેચકે કીટ્સની એક રચનાની ઝેરીલી સમીક્ષા કરી હતી. પી. બી. શેલીએ આ સમીક્ષકને વરાહ સાથે સરખાવ્યો, તેની આવી સમીક્ષાએ કવિનું મૃત્યુ નોતર્યું. આ ઘટનાથી ભારે વ્યથિત થઈને આ કરુણપ્રશસ્તિ રચાઈ, વધુ પડતા સંવેદનશીલ સ્વભાવને કારણે આવી પરિસ્થિતિ ઊભી થઈ. બહુ રૂઢ અર્થમાં જ્હૉન કીટ્સની ‘આઇઝાબેલા’ને કરુણપ્રશસ્તિ તરીકે ઓળખાવી ન શકાય. છતાં એ રચનામાં લોકકથા જેવા ઘટકો પ્રયોજીને (આમ તો બોકાચિયોની એક વાર્તાને આધારે આ કાવ્ય રચાયું છે) એક કરુણગાથા અહીં આલેખાઈ છે. જેવી રીતે વ્યક્તિને કેન્દ્રમાં રાખીને કરુણપ્રશસ્તિ રચી શકાય, તેવી રીતે વધુ વ્યાપક ભૂમિકાએ સંસ્કૃતિના મરણને કેન્દ્રમાં રાખીને આવું કાવ્ય રચી શકાય? ટી. એસ. એલિયટે ‘ધ વેસ્ટ લૅન્ડ’ કાવ્ય રચ્યું, ચોથા દાયકામાં ડબ્લ્યુ. બી. યેટ્સે ધ સેકન્ડ કમિંગ’ કાવ્ય રચ્યું. આ બંને કાવ્યો સંસ્કૃતિના મૃત્યુની વાત સંવેદનાસભર શૈલીમાં કરે છે. ભલે તેમને રૂઢ અર્થમાં કરુણપ્રશસ્તિ તરીકે ન ઓળખાવીએ, છતાં આ પ્રકારનાં લક્ષણો તો જોવા મળે છે. જેવી રીતે સૉનેટ, નવલકથા, નિબંધ, નવલિકા જેવાં સ્વરૂપો પશ્ચિમમાંથી આયાત થઈને આ દેશની માટીમાં ઓગળી ગયાં તેવી રીતે કરુણપ્રશસ્તિનો પ્રકાર આપણે ત્યાં સહજ, સ્વાભાવિક બન્યો ખરો? વાસ્તવમાં મૃત્યુગીતોની આપણી પરંપરાના સંદર્ભે કરુણપ્રશસ્તિ ઊભી કરવી જોઈએ. ગુજરાતીમાં રચાયેલી આવી પ્રશસ્તિઓનું સંપાદન કરીને ગુજરાતી ભાષામાં આ સ્વરૂપ કેવી રીતે ઊપસી આવ્યું તેની અને તેની વિશિષ્ટતા—મર્યાદાઓની ચર્ચા થવી જોઈએ. ઉપરાંત થોડી વધુ પ્રશસ્તિઓ પણ રચાવી જોઈએ, તો જ એનાં લેખાંજોખાં કરવા માટેનો અવકાશ આપણને મળી શકે.

‘પરબ’ નવેમ્બર, ૨૦૧૬