સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – શિરીષ પંચાલ/ફિનોમિનોલોજિ અને મરણોત્તર


(૧૨)
ફિનોમિનોલોજિ અને ‘મરણોત્તર’

ધારો કે આપણે સાવ અજાણ્યો પદાર્થ જોઈએ છીએ, એને ઓળખવો છે, એટલે આપણી સમગ્ર ચેતના વડે તેને પામવા પ્રયત્ન કરીએ. પહેલી વાર એની સાથે મુકાબલો થયો છે એટલે એની ઉપયોગિતા, એને વિશેની કશી પૂર્વવિભાવના, તારણો કશાને વચ્ચે લાવતાં નથી. દાખલો આપીને કહેવું હોય તો જો આપણી સામે કમળ આવે તો તરત આપણો એક તૈયાર પ્રતિભાવ હોય છે. કાદવ અને કમળ-લક્ષ્મી જેના ઉપર ઊભાં છે. કમળ અને ભ્રમર, કમળપાંખડી અને કોઈ સુંદરીના કપોળ... આ બધું આપણને તરત જ યાદ આવવા માંડે છે. એક રીતે જોઈએ તો મોટે ભાગે આપણે કમળ, ગુલાબ જેવાને વિશિષ્ટ પદાર્થ તરીકે જોવાને બદલે કોઈનાં (કમળ જેવાં લાખો ફૂલ, પ્રતિનિધિ રૂપ કમળ) પ્રતિનિધિ રૂપે જોઈએ છીએ, એની સાથે સંકળાયેલા સાહચર્યોને યાદ કરીએ છીએ. આપણામાંથી લગભગ બધા ભાગ્યે જ આપણી સામેની ઘટનાને નવેસરથી જોતા હોઈએ છીએ, આપણને એમની આદત પડી ગઈ હોય છે, એ ઘટના વિશે એક તૈયાર દૃષ્ટિકોણ આપણને વારસામાં સાંપડેલો છે, પરંતુ ધારો કે કોઈ પદાર્થ સાથેનાં બધા સાહચર્યો, પૂર્વગ્રહો, માન્યતાઓ દૂર કરીએ અને નવેસરથી - પહેલી વાર એ પદાર્થને એ ઘટનાને આપણી સમગ્ર ચેતના દ્વારા જોવાનો-ના, માત્ર જોવાનો જ શા માટે-એનું પૂરેપૂરું આકલન કરવાનો -પુરુષાર્થ કરીએ તો એનું સ્વરૂપ બદલાઈ જશે. પદાર્થ-ઘટના એક બાજુ નવાં બની જશે, બીજી બાજુ એ ઘટનાને નવેસરથી સર્જનારો સમૃદ્ધ બનશે અને ત્રીજી બાજુએ આ ઘટનાને માણનારો ભાવક પોતાના વ્યક્તિત્વને વધુ સમૃદ્ધ કરશે-પોતાની ચેતનાથી એનો આસ્વાદ લેતો હોવાને કારણે એ પદાર્થ વિશેષ સમૃદ્ધ થાય છે – પણ એ સમૃદ્ધિ સાપેક્ષ બને છે. એક ભાવકે જેવું આકલન કર્યું તેવું જ બીજો પણ કરશે જ એમ કહી શકાતું નથી. આમ છતાં કોઈ ઘટના અથવા સાહિત્યકૃતિ/કળાકૃતિ કેટલાંક સર્વસાધારણો પરાવે છે, એ સર્વસાધારણતાને કારણે કૃતિ સ્થળકાળની સીમાઓને વળોટી જાય છે. એટલે જ આપણે કોઈ પણ સ્થળ સમયની રચનાને પ્રાથમિક ભૂમિકાએ તો માણી શકીએ છીએ. એક જ કૃતિ દરેક ભાવકને માટે આગવું મૂલ્ય ધરાવે છે, એ તો એક અશક્ય એવો આદર્શ છે. દરેક પ્રેક્ષકને એનું આગવું મેઘધનુષ હોય છે એમ ભૌતિક વિજ્ઞાન કહેશે, સાથે સાથે એ મેઘપનુષની મૂળભૂત લાક્ષણિકતાઓ દરેક માટે એની એ રહે છે. પરંતુ અત્યારે એ વાત બાજુ પર રાખીએ. કવિ જગતને કેવી રીતે જોતો હોય છે એની વાત કરીએ. એક સાદું દૃષ્ટાંત લઈએ. આપણે બધાએ કપૂર જોયું છે, એની સુગંધ માણી છે. કપૂર શબ્દ બોલતાવેંત ભારતીય લોકોને આરતીટાણે વપરાતું કે કાજળ બનાવવામાં વપરાતું કપૂર યાદ આવી જાય. એટલે કપૂર સાથે કેટલાંક સાહચર્યો છે, એનાથી મુક્ત રહીને પદાર્થને જોવાની આપણે આદત પાડી નથી. હવે ધારો કે આપણે રાજેન્દ્ર શાહની આ કાવ્યપંક્તિ વાંચીએ :

વર્ષાની ઝરમર પગલીએ રે
પથ્થરમાંથી વાય કપૂર.

કાવ્યચમત્કૃતિ બીજી પંક્તિમાં છે. વરસાદ પડ્યો, આપણે કહીશું માટીમાંથી સુંગધ આવી, નવું માટલું વીછળીશું તો પણ એવી સુંગંધ આવશે. ધારો કે એનું વર્ણન કરતાં હોઈએ તો કહીશું કે પથ્થરો ઊજળા બન્યા, પણ કવિ એવું કહેતા નથી. એટલું જ નહિ, પથ્થર કપૂરધવલ અને કપૂર જેવા સુવાસિત બન્યા એવી અભિવ્યક્તિ પણ કરતા નથી. પથ્થરમાંથી જ સુવાસ વહેવા માંડી. આમ પથ્થર અને કપૂર બંનેનાં સ્વરૂપ વર્ષાની ઉપસ્થિતિમાં કવિચેતનાએ રૂપાંતરિત કરી દીધાં, હવે કોઈ કહેશે કે આવું કવિકર્મ તો દરેક કવિ, પોતાના કવિપદને સાર્થક કરવા, કરતો જ હોય છે. બે જુદા જુદા જગતને કવિ સેતુ દ્વારા સંયોજે છે એ વાત તો પ્રાચીન કાવ્યાચાર્યોએ સ્વીકારી છે. કવિ જ્યારે આવી આગવી રીતે સૃષ્ટિ આલેખે છે ત્યારે એનો અર્થ એવો થતો નથી કે તે કાવ્યપરંપરાઓનો સમૂળગો ઉપયોગ જ કરતો નથી. વળી, દરેક કવિ સાવ વિલક્ષણ રીતે આલેખન કરે છે એવું પણ નથી હોતું. સાથે સાથે માત્ર કવિઓ જ જગતને આમ વિલક્ષણ રીતે જોતા નથી, ભાવક પણ જોઈ શકે - એ રીતે ભાવકનો અભિગમ પણ ફિનોમિનોલોજિકલ સંભવી શકે. આમ સર્જક અને ભાવકની ગતિ સમાંતરે છે એમ કહી શકાય. ભાવક પોતાની સમગ્ર ચેતના વડે કૃતિનું આકલન કરશે, ચિત્તની નિષ્ક્રિયતાને ખંખેરી નાખશે. પરંપરાગત વિવેચનાએ પણ આવી વાત તો કરી જ છે. એક બીજી વાત પણ ધ્યાનમાં રાખવા જેવી છે. રસાનુભવ વેળાએ ભલે આપણે બુદ્ધિ, ઉપયોગિતા, ભૌતિકતા, વિભાવનાઓને બાજુ પર મૂકી દઈએ. પરંતુ નિત્ય જીવનમાં એમ કરી શકાતું નથી. જો આપણે બધા પ્રત્યક્ષતાથી જ જીવન જીવતા હોત તો સૌ કોઈ કળાકાર હોત, કળાની-સાહિત્યની કશી અનિવાર્યતા ન રહેત. આપણે આપણા વ્યવહારજીવનની જરૂરિયાતો પ્રમાણે જીવવું તો પડે જ અને એમાં વાસ્તવિકતાનું સરલીકરણ કરવું પડે, સ્વીકરણ કરવું પડે, ઉપયોગિતા-વિભાવના વગેરેને પણ સ્વીકારવાં પડે, વિશિષ્ટને બાજુ પર મૂકીને સામાન્યને, પ્રતિનિધિને અપનાવવાં પડે. જ્યારે આપણી સામે કળાકૃતિ આવે ત્યારે જ આપણો અભિગમ બદલાઈ જાય છે. કાવ્યમાં બને કે કવિએ આપણી સામે કોઈ સુંદરી પરંપરાગત વર્ણન દ્વારા ઊભી ન કરી હોય, અને એને ‘અનાપ્રાતં પુષ્પ’ કહીને જિતે જ તે તો ઊભો રહી જાય. કવિને પગલે પગલે આપણે પણ ઇન્દ્રિયપ્રત્યક્ષોના જગતમાં જઈ ચઢીએ, સાથે સાથે કવિતા અથવા કોઈ પણ ઘટના ભાવજગત કે પ્રજ્ઞાજગતની ઉપેક્ષા નથી કરતા. આ બધા વડે આપણું એક વિશિષ્ટ વ્યક્તિત્વ સર્જાય છે, એવા વિશિષ્ટ ભાવજગત વડે કૃતિ આપણી સામે ઉદ્ઘાટિત થાય છે. સ્થૂળ દૃષ્ટિએ તો ફિનોમિનોલોજિ એટલે પદાર્થો કેવા દેખાય છે તેનો અભ્યાસ, પરંતુ સમય જતાં એના અર્થ બદલાતા ગયા, આપણા ચિત્તને પદાર્થો કેવા દેખાય છે એ વાત મહત્ત્વની બની, વળી પદાર્થોને અંતઃસ્ફુરણાત્મક રીતે ગ્રહણ કરવા સાથે ફિનોમિનોલોજિની વ્યાખ્યાઓ સંકળાયેલી છે. એની આંટીઘૂંટીઓમાં ન પડીએ, આરંભે કરેલી ચર્ચાને સામે રાખીએ તો આટલું સ્પષ્ટ થાય છે. આપણી અનુભૂતિના ક્ષેત્રને વિસ્તૃત બનાવવું અને સાથે સાથે ઉત્કટ બનાવવું એ મુખ્ય આશય છે. પરંપરાગત ફિલસૂફી સામે વિદ્રોહ પોકારતી આ ફિલસૂફીમાં પૂર્વધારણાઓને, પૂર્વમૂલ્યાંકનોને અવકાશ નથી, વૈચારિક શિસ્તને નામે સરળતાને મહત્ત્વ ન અપાય. આનો અર્થ એ થયો કે કોઈ પણ પ્રકારના નિરપેક્ષ મૂલ્યોને અહીં સ્થાન નથી. ઈશ્વર પણ આ દૃષ્ટિએ નિરપેક્ષ મૂલ્ય ગણાય. એને આગળ ધરીને પણી બધી જવાબદારી આવી ચઢી. જગત અને આપણી ચેતના આ બે વચ્ચે આવતું સર્વ બાજુ પર મૂકી દેવાની વાત મહત્ત્વની બની. ફિનોમિનોલોજિના સિદ્ધાંતોને જયારે સાહિત્ય વિવેચન સાથે સાંકળવામાં આવે ત્યારે વિવેચનના પ્રશ્નો, કૃતિને જોવાની પદ્ધતિઓમાં પરિવર્તન આવે. એક રીતે જોઈએ તો સાહિત્ય અને તત્ત્વજ્ઞાન આપણા તુચ્છ, ક્ષણજીવી અસ્તિત્વને નવેસરથી ગોઠવે છે. કોઈ કૃતિમાં જીવનમરણના, નીતિ-અનીતિના પ્રશ્નો ચર્ચાય છે. એટલા માટે તેને ચિંતનાત્મક કહી ન શકાય. ફિનોમિનોલોજિ તો એમ કહેશે કે કૃતિ આપણા અસ્તિત્વના પ્રશ્નોને ચર્ચે ત્યારે તે ચિંતનાત્મક બને છે. વાસ્તિવકતાની આપણી અનુભૂતિ સાથે કૃતિ કેવી રીતે કામ પાડે છે તે મહત્ત્વનું છે. ફિનોમિનોલોજિની પરિભાષા પ્રયોજયા વિના કોઈ પણ કૃતિના જગતમાં કેવી રીતે પ્રવેશ કરવો તેની ચર્ચા આપણને ઉપયોગી તો થશે જ પરંતુ સંસ્કૃત કાવ્યસિદ્ધાંત જાણનારને એ સાવ અજાણી નહીં લાગે. કોઈ કૃતિના જગતમાં પ્રવેશવું એટલે આપણા જગતને તેટલા સમય માટે બાજુ પર મૂકવું, કૃતિએ સર્જેલા જગતમાં જ રમમાણ થવું, આનો અર્થ એવો નથી કે આપણું વાસ્તવ જગત લોપ પામે છે. એક બીજા જગતમાં જવાથી હું મારી પોતાની સર્વ પ્રકારની સંવિત્તિ, મારી અપેક્ષાઓ, મારું અચરજ - આ બધું લઈને ચાલું છે. ...વળી, કૃતિના વિશ્વને કાલ્પનિક ન કહેતાં વિશિષ્ટ અર્થમાં વાસ્તવિક કહેવું પડે. કૃતિગત ચેતના પ્રવૃત્ત થાય છે એટલે એ વાસ્તવ સર્જાય છે. ફિનોમિનોલોજિના સંદર્ભે સુરેશ જોષીની તથા એમની ‘મરણોત્તર’ જેવી કૃતિની વાત કેવી રીતે કરવી? ગુજરાતી સાહિત્યવિવેચનના સંદર્ભમાં ફિનોમિનોલોજિ જેવી વિદ્યાશાખાનો પ્રવેશ પાછળથી એટલે કે સાઠીના દાયકામાં થયો. પરંતુ આગળ આપણે જોઈ ગયા તે પ્રમાણે પ્રત્યેક સર્જકનો અભિગમ વત્તેઓછે અંશે ફિનોમિનોલોજિકલ હોય છે. જો કે વિવેચક તરીકે સુરેશ જોષીનો અભિગમ કૃતિનિષ્ઠ ને રૂપરચનાવાદી રહ્યો છે અને આ અભિગમ ફિનોમિનોલોજિથી ઘણી બધી રીતે જુદો પડે છે. પરંતુ આપણે સાહિત્યવિવેચનને ધારો કે બાજુએ રાખીએ અને તેમના સાહિત્યસર્જનને જ ધ્યાનમાં રાખીએ તો ચિત્ર કેવું ઊપસે છે? ૧૯૫૫થી ૧૯૯૦ સુધી જે નિબંધો લખાયા તેમાં સુરેશ જોષી આ રીતે વાત મૂકે છે : ‘મોટા થઈએ છીએ તેમ તેમ શરીર મરતું જાય છે, ઠાઠડી પર. ચઢાવીને ફૂંકી મારતાં પહેલાં તો ક્યારનુંયે આપણે એને ફૂંકી માર્યું હોય છે. સ્પર્શ અને સ્વાદની વાત કરવા જઈએ તો તે પ્રાકૃતતામાં ખપી જાય છે.’ ‘...... જ્યાં વિભાવનાઓનાં ચોકઠાં બંધાયાં નથી, જ્યાં સંજ્ઞાઓથી ભાવને ઓળખી શકાતો નથી એવા અનુભૂતિના અગોચર સ્તરને તાગવાનું સાહસ હજી આપણી કવિતાએ કરવાનું બાકી છે.’ ‘પૂનમની સાંજે બાવળનાં ઝાંખરાં વચ્ચેથી ચન્દ્ર પ્રગટ થતો જોઈને એમ કહી બેસીએ કે દાદીમાના કરચલીથી ભરેલા મુખમાંથી બાળકો આગળ પ્રકટ થવાને આતુર એવી પરીકથાના પ્રથમ ઉચ્ચારનો આ ઉચ્છ્વાસ છે....’ આ અવતરણો વિભાવના પૂર્વેની અને સૃષ્ટિનો પ્રથમ વાર સાક્ષાત્કાર કર્યાની સાક્ષી પૂરે છે. અસ્તિત્વવાદ અને આધુનિક પરંપરાને લગતાં જે કેટલાંક સંપાદનો પશ્ચિમમાં થયાં તેમાં દોસ્તોએવસ્કીની પ્રખ્યાત નવલકથા ‘ધ બ્રધર્સ કારામોઝોવ’નું એક પ્રકરણ ‘ધ ગ્રાન્ડ ઈન્ક્વીઝીટર’ સ્થાન પામતું રહ્યું છે. ગુજરાતીમાં ફિનોમિનોલોજિને આવરી લેતી સામગ્રીનું જો સંપાદન કરવું હોય તો સુરેશ જોષી કૃત ‘વિદુલા’ના કેટલાક ખંડ ઉત્તમ પ્રતિનિધિત્વ પૂરું પાડે એવા છે. નમૂના તરીકે-’આપણે તો બધી ઇન્દ્રિયોને જૂઠી કરીને જીવનારા માણસ! આપણાં ઘર તે કાંઈ ઘર છે! કોઈ ઘર ‘એર ઈન્ડિયા’ના ‘રીસેપ્શન રૂમ’ જેવું તો કોઈ કરિયાણાની દુકાન જેવું - હમણાં જ એક અમદાવાદી શેઠિયાની આલિશાન ઈમારત જોવા ગયો હતો. દરિયા પાસે ઘર બાંધ્યું છે, આજુબાજુ અષ્ટાવક્ર જેવી કેટલીય ઇમારતો ડોકાતી ઊભી છે. ને તેને વચ્ચે ગ્રોપિયસનું અનુકરણ કરીને ઘર બાંધ્યું છે-મને તો ભારે ત્રાસ થયો. આપણામાં વાતાવરણની પકડ જ નથી.’ વિદુલાએ કહ્યું: ‘જગદીપ, તારું ઘર તું કેવું બાંધવાનો છે તે તો જરા અમને કહે. ‘જગદીપે કહ્યુ: ‘દરિયા પાસે બાધુ તો આજુબાજુ એ પોતાનું વાતાવરણ સમજાવી શકે એટલી મોકળી જગ્યા રાખું. દરિયાની અસર વિસ્તાર છે, પણ તે આકાશનો નિશ્વલ વિસ્તાર નહીં, ચંચલ વિસ્તાર. પરની અંદર પુષ્કળ મોકળાશનો અનુભવ થવો જોઈએ, દીવાલ એવી બનાવવી જોઈએ કે એ દીવાલ છે એનું ભાન જ ન રહે, એ જાણે દરિયામાંથી ઊપસી આવેલો ખડક જ હોય. રંગ સમુદ્રમાં ઝીલાતા આકાશના રંગ જેવો! પ્રોફેસર ભટ્ટ પાઈપમાં નવી તમાકુ ભરતાં ભરતાં બોલ્યા: ‘મિસ્ટર પરીખ, જગદીપ તો ભારે સ્વાદીલો માણસ છે. એ આ દુનિયામાં જાણે બધું ચાખવા જ જન્મ્યો છે. એ ભલે બધી ઇન્દ્રિયોની વાત કરતો હોય, પણ મને લાગે છે કે એને એક જ ઇન્દ્રિય છે, અને તે ચાખવાની- રસના. તમે એને જુદા જુદા સો પ્રકારના દારૂ આપો, એ ચાખીને બધા ઓળખાવી આપશે. સ્ત્રીઓ વિશે પણ એવું જ. પણ એક વાત યાદ રાખજો, એને ચાખવામાં રસ છે, ખાવામાં નહિ, એ અકરાંતિયો નથી.’ જગદીપે અત્યંત મૃદુ હસીને કુમાશથી કહ્યું, ‘આભાર.’ વિદુલા બોલી: ‘પ્રોફેસર ભટ્ટ અને જગદીપ ભેગા થાય ત્યારે મજા આવે.’ પ્રોફેસર ભટ્ટે કહ્યું : ‘શું જગદીપ, આપણે તે કાંઈ સરકારના રંગલા છીએ?’ જગદીપે પાસેની ફૂલદાનીમાંથી મેગ્નોલિયા ઉપાડીને વિદુલાના વાળમાં કળામય રીતે ગોઠવી દીધું. આથમતા સૂર્યની રતુમડી ઝાંય ઓરડામાં પ્રસરી ગઈ હતી. હું આ ઓરડાના વાતાવરણને પકડવા મથતો હતો. કોણ જાણે કેમ એમ લાગ્યું કે આ ઓરડાના અસ્તિત્વને કશું કેન્દ્ર નથી. આ બધાં વમળને ઘૂમરી જ છે, એની ગતિ તે કેન્દ્રને માટેની આંધળી શોધ છે. આથી ઉલ્લાસને બદલે મારું મન એક પ્રકારની ખિન્નતા અનુભવતું હતું. ઓરડામાંથી એ આંધળી ગતિ રહી રહીને જાણે મારી સાથે પછડાયા કરતી હતી. હું આ વિચારમાં હતો ત્યાં જગદીપે મને પકડી પાડ્યો. એણે મારા તરફ જોઈને પૂછ્યું: ‘મિસ્ટર પરીખ, તમે તો સર્જક છો. તમારા ઇલમ વિશે તો અમને કાંઈ કહો.’ પ્રોફેસર ભટ્ટ હસીને બોલ્યા: ‘જગદીપને મન બધું જ માયાવી ને જાદુઈ છે. એને મન બધું જ જાણે અકળ રીતે બની આવે છે. આકસ્મિકતામાં જ એ જીવનનો રસ જુએ છે. પણ જીવન તો ગણિતના દાખલા જેવું વ્યવસ્થિત છે. એક ખોટું ડગલું ભરો કે ઠેઠ સુધી ભૂલ આવવાની જ. હા, પછી એ ભૂલની ભુલભુલામણીમાં અટવાયા કરવું એને જ જો જીવનનો રસ કહેતા હોય તો વાત જુદી છે. સુચેતા, તું જ કહે, કલામાં કાંઈ સ્વચ્છંદી હોય ખરું?’ સુચેતાએ કહ્યું : ‘કલાકારના છન્દ સાથે જો લય સાધી નહિ શકીએ તો એ સ્વચ્છન્દ લાગે કદાચ. જગદીપની આંગળીનાં ટેરવાં અસ્વસ્થ થયા. સુચેતાની વાળની એક લટને પોતાની આંગળી સાથે ગૂંચવતાં એ બોલ્યો : ‘મને બાળપણની એક વાત યાદ આવે છે. લાકડાનાં ચોસલાંથી હું બંગલો બનાવતો હતો. બનાવતાં બનાવતાં હું અંદર રહી ગયો, ને મારી આજુ બાજુ બંગલો ઊભો થઈ ગયો. હવે બહાર જવાને માટે બંગલો તોડવો પડે ને બંગલો નહિ તોડું તો હું અંદર કેદ થઈને રહું. બાળપણમાં તો મોટું બળ રડવાનું, રડવાનો અવાજ સાંભળીને બાપુએ દોડી આવીને મને ઊંચકી લીધો. આ લોકોની દશા પણ એવી જ છે. જીવવાની ક્રિયા જેમ જેમ આગળ વધતી જાય છે તેમ તેમ તેઓ પોતાની આજુબાજુ કારાગાર રચતા જાય છે. આ બાજુ માથું ઊંચું કરતાં દીવાલ સાથે માથું ભટકાય છે? વારું, પાટિયું લગાવી દો: અહીં ઊંચે જોવાની મનાઈ છે. સરવાળે શું? દાખલો ખોટો પડતો નથી! આખરે એક દિવસ કોઈ ઉપરથી આવીને ઊંચકી લે એવી આર્તસ્વરે પ્રાર્થના કરવી પડે છે ને ઉપરથી ઊંચકી લેનારની સંખ્યા પણ થોડી નથી!’ વિદુલાએ કહ્યું: ‘એ જીવનની રમતનો એક અંશ જ છે ને!’ જગદીપે જાણે વિદુલાના એ વાક્યની કશી નોંધ લીધી નહિ. એની વાત આગળ ચાલુ રાખતાં એ બોલ્યો : ‘સાચી વાત તો એ છે કે ક્ષણને આપણે સ્વીકારી શકતા નથી, ને વાતો શાશ્વતની કરીએ છીએ. બે ક્ષણને જોડવાનો તન્તુ એ ક્ષણોની બહાર નથી. પણ જે ક્ષણને પૂરેપૂરી સ્વીકારે તેને જ બે ક્ષણને સાંધતો એ તન્તુ હાથ લાગે, અથવા તો એમ પણ કહી શકાય કે પછી એવા સાંધાની કશી જરૂર વરતાય. ક્ષણની સ્વયંપર્યાપ્તતાનો સાથાત્કાર એ જ સાચો સાક્ષાત્કાર છે. પણ એ ક્ષણને પાયા તરીકે વાપરીને એના પર નીતિ, ધર્મ, ફિલસૂફીની ઇમારત ઊભી કરો તો એ પડવાની જ. ને આખરે બને છે શું? ઇમારતો પડવી ને પાડવી-એની જફામાં પડવું એને જ જિંદગીનું લક્ષ્ય માનવું! જે ક્ષણને જીરવી શક્યો નહિ તે કાયરને પોતાની કાયરતા ઢાંકવા માટે શાશ્વતતાની પ્રચણ્ડ અતિશયોક્તિનો આશ્રય લેવો પડ્યો.’ પ્રોફેસર ભટ્ટ ઉશ્કેરાયા ને બોલ્યા: ‘જુગદીપને મતે આપણે ટેઈપરેકોર્ડની ટેઈપ જેવા, એ ટેઈપ પર જેમ જેમ નવું ઊતરતું જાય તેમ તેમ જૂનું આપોઆપ ભૂંસાતું જ જાય.’ જગદીપે કૃતજ્તાઞ સૂચવતા સ્મિત સાથે કહ્યું : ‘આભાર, શિક્ષક નવું જ્ઞાન શોધતો નથી, એ દૃષ્ટાન્તો શોધે છે.’ અમે બધા હસી પડ્યાં, પ્રોફેસર ભટ્ટ એના જવાબમાં શું કહેવું તેની શોધમાં હતાં ત્યાં જગદીપે શરૂ કર્યું : ‘સમયનું સરોવર બનાવનારા બંધિયાર જળને જ જીરવી શકે છે. શાશ્વતતા એ પણ આખરે એક સીમા છે. આપણે કહીએ છીએ ‘શાશ્વત કાળ સુધી.’ આ ‘સુધી’ ઍટલે જ હદ, સીમા. જે અન્તની કલ્પનાના ભયથી અકળાય તેણે જ ‘અનન્ત’ શબ્દ શોધ્યો. નકારવાચક ઉપસર્ગો એ આપણી ભાષા પર પડેલી ભયની પગલી છે’ પ્રોફેસર ભટ્ટ તાળી પાડીને બોલી ઊઠ્યા : ‘શાબાશ, શાબાશ ! વ્યાકરણની નવી ફિલસૂફી આપણને મળશે એવી આશા બંધાય છે.’ સુચેતા બોલી : ‘આપણે સીમા રચીએ છીએ કારણકે સીમા જ આકારનો આધાર છે, ને આકારના માધ્યમથી જ આપણો વહેવાર ચાલે છે. જ્યાં સુધી આ વ્યવહાર નિભાવવાનો હોય ત્યાં સુધી નિરાકારનો શોખ જતો કરવો પડે. હા, અભિમાનથી નથી કહેતી, આકારને નિરાકારના ઈંગિત તરીકે પ્રયોજવાનું અમને કલાકારોને આવડે છે. ધર્મ વાત કરે છે બૃહતની, પણ આખરે તો એ રૂંધે જ છે. રાજ્યોનો તો પાયો જ સીમા છે. નીતિ શુભ અને અશુભના દ્વન્દ્ર પર જ નભે છે. અમે કલાકારો જ આકારના ‘સ્પ્રિન્ગબોર્ડ’ પરથી તમને નિરાકારમાં કૂદકો મરાવી શકીએ છીએ.’ પ્રોફેસર ભટ્ટને પોતાણા પક્ષનો એક સમર્થક મળ્યાનો હર્ષ થયો. સુચેતા બોલતી હતી તે દરમિયાન જગદીપ પડદાની સળ પર પડેલાં ચન્દ્રકિરણો જોઈ રહ્યો હતો. સુચેતા જે બોલી તે એણે કદાચ પૂરું સાંભળ્યું પણ નહિ હોય. ક્યારે વાતની સીમામાં રહેવું અને ક્યારે એની બહાર સરી જવું તે એ તરત જ નક્કી કરી લઈ શકતો હતો. તન્દ્રામાંથી જાગતો હોય તેમ એ બોલ્યો: સાચું પૂછો તો આકાર છે જ ક્યાં? નિરાકાર એવી એક ગતિ, એવો એક સંચાર, આંદોલન માત્ર છે. મારી સામેના પડદાની સળ પર ચન્દ્રનાં કિરણો પથરાયાં છે. એ બે વસ્તુ તો નિમિત્ત છે, એને નિમિત્તે જે ત્રીજી વસ્તુ - એને વસ્તુ કહેવાનું પણ કશું કારણ નથી અનુભવાય છે તે નિરાકાર છે, અનામી છે. મનુષ્ય પણ જો પોતાને નિમિત્તરૂપ બનાવીને આ નિરાકારને સિદ્ધ થવા દે તો બસ. એથી મોટી બીજી કશી ચરિતાર્થતા હું જોતો નથી. જિસસ ક્રાઈસ્ટની ચરિતાર્થતા શેમાં છે? એણે દુનિયાનાં દુઃખ પોતાને માથે ઉપાડ્યાં તેમાં? ના, એ તો એક જુલમ થયો - ને વણનોતર્યા ઉપકારના જેવો બીજો જુલમ ક્યો હોઈ શકે - પણ આ પડદો અને ચન્દ્રકિરણ એ નિમિત્તરૂપ બનીને ત્રીજું જ કશુંક આગવું સરજે છે તેમ ક્રાઈસ્ટ અને ક્રોસ - એ બે નિમિત્તોની સહોપસ્થિતિથી જે અનુભૂતિ સરજાઈ તેમાં જ તેની ચરિતાર્થતા. ક્રાઈસ્ટ એ સ્વરૂપે જ શોભે છે. તેમ, હું, આપણે બધાં જ આ નિમિત્તની પદવીને પામીશું ત્યારે આપણને જોનારાને આપણી ચરિતાર્થતાની ઝાંખી થશે. એની ઝાંખી કરવી એ આપણું કામ નથી.’ વિદુલાએ કહ્યું : ‘આપણે ગીતાની બહુ નજીક આવી પહોંચ્યાં એવું નથી લાગતું? જગદીપે જવાબ વાળ્યો : ‘હું ગીતાથી ભડકતો નથી.’ ‘પ્રોફેસર ભટ્ટે કહ્યું : ‘તારી આ ચરિતાર્થતાને દ્વૈતની અપેક્ષા છે, એમને?’ જગદીપે કહ્યું: ‘ચરિતાર્થતાની પૂર્વાવસ્થાનું પૃથક્કરણ કરવાનું મારું કામ નથી, ફિલસૂફને જો એમાં રસ હોય તો ભલે એમ કરવાનું જોખમ ખેડે. હું દૃષ્ટા છું, અથવા પ્રોફેસર ભટ્ટ કહે છે તેમ ચાખનાર છું. મારા ઘરમાં અનેક પ્રકારની પરાવર્તક સપાટી રચીને સૂર્યનાં અનેક રૂપ સરજું છું. મારા મનની એવી અનેક સપાટીઓ રચીને સંસારની અનેક છબીઓ ઝીલું છું. એ બધું સમગ્ર રીતે જોતાં - ને એ સિવાય બીજી કોઈ જોવાની રીત હું જાણતો નથી, કારણકે ક્ષણમાં જ સમગ્રતા એકાત્મકતા છે. વિસ્તારમાં વિપ્તિતા છે - કોઈ વિશિષ્ટ આકાર વગરનું લાગે છે. એને નામની જરૂર પડતી નથી. આકાર આકાર કહો છો, પણ ક્યાં છે આકાર? લોહીમાં એક વેગ અનુભવાય છે. કશોક આંધળો સંચાર થાય છે. ને પછીથી જે સ્ત્રી તમારા બાહુમાં સમાય છે તેને આકાર નથી હોતો. એ તો સંસારની ભરતી સમી ગયા પછીની બધી ઉપાધિ છે. બે વેગના ટકરાવવા સિવાય એમાં કશું નથી. ટકરાવવાની એક થી જ આકારનું બીજ રોપાય છે. એ બીજના સંવર્ધન માટે બધી જટાજાળ રચવી પડે છે. એને લગ્ન કહો, સમાજ કહો - પણ જ્યાં બે વસ્તુ ટકરાય ને એકબીજામાં વિગલિત નહિ થાય ત્યારે જ આકારનો ગાંગડો રહી રહી જાય. વિગલિત થઈ જવાની શક્તિની ઉણપમાંથી જ આકાર ઉદ્ભવે છે - શરૂઆત કરીને નિરાકારની સ્થિતિને પામવાના નવેસરથી પ્રયત્નો શરૂ કરવા પડે છે.’ વિદુલાએ કહ્યું :’ એને જ અમે લોકો ભગવાનની લીલા કહીએ છીએ.’ પ્રોફેસર ભટ્ટ આ દરમિયાન મનમાં એક મુદ્દો તૈયાર કરી રહ્યા હતા એના તરફ જોઈને જગદીપે પૂછ્યું: ‘બોલો, શું કહેવું છે તમારે?’ પ્રોફેસર ભટ્ટે કહ્યું : ‘આ વાતો સાંભળવામાં સારી લાગતી હશે, પણ એમાં અરાજકતાનાં બીજ રહેલાં છે. સ્ત્રી નહિ સ્ત્રીત્વ, સીમા નહિ ને શૂન્ય - આ બધા વાહિયાત ખ્યાલો છે. હમણાં જ આપણી ઉપરનું છાપરું પડે તો આપણે બધા ખ્યાલોને ભૂલી જઈને નાસવા મંડીએ. જગદીપ નામથી ઓળખાતી દોઢસો પાઉડની નક્કર કાયા ત્યારે એક નરી વાસ્તવિકતામાં ફેરવાઈ જાય, ખરું ને?’ જગદીપ હસીને બોલ્યો: ‘તમારું નિદાન તો સાચું છે. હાઈડ્રોજન બોમ્બની ભૂતાવળ ઊભી કર્યા વિના માણસને પોતાની વાસ્તવિક્તાની નક્કર પ્રતીતિ થતી નથી. પણ એ સિવાય એ પ્રતીતિના બીજા ઉપાય હોઈ શકે. પાણીમાં તરનાર, જમીન પર ચાલનાર ને આકાશમાં ઊડનારને એક જ નિયમ લાગુ નહિ પડી શકે. જમીન પર ઊભેલો માણસ પાણીમાં તરનાર જે રીતે હાથપગ હલાવતો હોય તે જોઈને જો એમ કહે કે અરે, આ તે કાંઈ ચાલવાની રીત છે ! - તો એમ કહીને એ તરનારનો નહિ, પણ પોતાનો જ ઉપહાસ કરતો હોય છે.’ સુચેતાએ કહ્યું: ‘પણ જ્યાં સુધી ઉપર આકાશનો વિસ્તાર છે ને ક્ષિતિજના છેડા દૂર છે ત્યાં સુધી માણસ પોતાના અસ્તિત્વના બિન્દુમાં પર્યાપ્ત નહિ રહે, એની દૃષ્ટિની રેખા ખેંચાઈને ક્ષિતિજ સુધી વિસ્તરવાની.’ જગદીપે કહ્યું: ‘પણ આકાશને શૂન્ય અવકાશ છે, ને ક્ષિતિજને છેડે શું છે? બે સ્થિર બિન્દુ વચ્ચેના પ્રસારને રેખા કહીએ છીએ. પણ અહીં શૂન્ય જ છે !! પ્રોફેસર ભટ્ટ ચિઢાઈને બોલી ઊઠ્યા : ‘સુચેતા, તું એની જોડે ખોટી રકઝક કરે છે. આ તો નવું તર્કછળ છે. જિહ્વા. જગદીપ બોલ્યો : જે તર્ક સ્વીકારે તેને જ છળનો ખપ પડે, અમારે શું?’ વિદુલા બોલી : ‘પણ જગદીપ, તું આટાપાટાની રમત રમતો હોય એવું તો લાગે જ છે. સરળતુરી છે.’ વાત તું કોકડું વાળીને જ મૂકે છે.’ જગદીપે કહ્યું: ‘વારુ, સરળ બનાવવાનું સાહસ કરી જોઉં, જીવનનું રહસ્ય છે પર્યાપ્તતાની અનુભૂતિ. એને વિસ્તારની અપેક્ષા નથી. કશા સાથેના અનુસન્યાનની અપેલા નથી. કારણકે અહીં જે છે તે સ્વયંપર્યાપ્ત છે, પોતાની રીતે અપૂર્વ છે, અદ્વિતીય છે. હું પાણી પીઉં છું - સાવ સાદી ક્રિયા છે. બીજી વાર પીણું પીઉ છું ત્યારે એ સાવ જુદી જ વસ્તુ હોય છે. આમ બધી જ ઘટનાનું, બધી જ અનુભૂતિનું, સ્મૃતિનું, સ્મૃતિના ભિક્ષાપાત્રમાં જેઓ બધું સંઘરતા હોય છે તેમને જ કેવળ આની ઝાંખી થતી નથી, એઓ સો ટકા સાચું પાણી પીતા નથી હોતા, પણ સ્મૃતિમાં પાણી પીવાના આગલા અનુભવનું પુનરાવર્તન કરે છે. જીવન એ પુનરાર્વતન નથી. જે અપૂર્વ છે તે અદ્ભુત છે. બસ જીવન વિશે આ બે વિશેષણો સાચાં છે, બાકીની બધી જ શબ્દજાળ છે. જે સ્ત્રી જોડે સહચાર માણ્યો તે જ સ્ત્રી શું બીજા સહચાર વેળાએ ફરી આવે છે? ના. પણ ભયભીત લોકોની નીતિ જુદી છે. એ એકની જ વાત કરે છે, વફાદારીની વાત કરે છે. પણ એક એટલે કયું એક? જે સદાસર્વદા અખણ્ડ અભિન્ત અનામત રહે તે. એવું શું છે? હું, તમે? આપણે એક નથી. ચાલો, બહુ લાબું થઈ ગયું. સૂત્રાત્મક બનાવવાનો પહેલો પ્રયત્ન હતો ને !’ સુચેતા બોલી : ‘તો વૈવિધ્ય એ જ નિયમ?’ જગદીપે કહ્યું : ‘એવી ભાષા હું ન વાપરું. એક વસ્તુ પ્રત્યેનો આપણો ભાવ સમીકરણના સમ્બન્ધથી જોડવો નહિ. જો એમ કરીએ તો એની અપૂર્વતા ચાલી જાય. મારી સામે દારૂની શીશી છે. એમાંથી એક રંગીન પ્યાલામાં દારૂ રેડું છું. એ રેડતી વેળાની દારૂની સહેજ વળાંક લઈને સરવાની ગતિ, પ્યાલીમાં પડવાનો અવાજ, પ્યાલીના રંગની ઝાંય દારૂના રંગના સાથે ભળતાં એમાંથી પ્રકટી આવતી રંગની એક નવી છટા, સપાટી પર તરતાં ફીણ - આ બધું જ આસ્વાદ્ય છે, કેવળ દારૂ જ નહિ. ને પછી દાહક સ્પર્શ સાથે એ ગળામાંથી ઊતરે છે તે પણ માણવા જેવો છે. આ એકેએક અનુભવ અપૂર્વ હોઈને એકસરખો આસ્વાદ્ય છે. એમાં ઊંચનીચના ભેદ નથી. જિંદગી પણ દારૂની જેમ ટીપેટીપે ચાખવાની વસ્તુ છે. દવાની જેમ ગટગટાવી જવાની વસ્તુ નથી.’ અહીં જે પાત્ર - જગદીપ - નો પરિચય કરાવવામાં આવ્યો છે તે પોતાની સમગ્ર સંવેદના વડે જીવન જીવવામાં માનનારો, ‘જનાન્તિકે’ના નિબંધોમાં પણ ઇન્દ્રિયપ્રત્યક્ષોનો મહિમા અવારનવાર કરવામાં આવ્યો હતો. જીવનમાં આવતી પ્રત્યેક ક્ષણ આગવી હોય છે, અને એટલે જ જે ક્ષણ માણીએ છીએ એનું પુનરાર્વતન કદી થતું નથી. એક ક્ષણે જોયેલો સમુદ્ર બીજી ક્ષણે એનો એ રહેતો નથી. બીજું આ જગતમાં જે છે એ બધું માણવા માટે છે. આપણી માની લીધેલી ફૂટપટ્ટીએ પૂર્ણિમા સુંદર અને અમાવાસ્યા ભયાનક છે; પણ જે સાચો ભાવક છે એને અંધકાર પણ આસ્વાદ્ય લાગે. આ બધાના સંદર્ભમાં ‘મરણોત્તર’નો વિચાર કરી શકાય. આ કૃતિ ફિનોમિનોલોજિકલ છે, અસ્તિત્વવાદી છે, કાવ્યાત્મક લઘુનવલ છે - પ્રકારના પ્રશ્નો બાજુ પર રાખીએ. એક વાત ચોક્કસ છે કે રૂઢ અર્થમાં એ સ્વયંપર્યાપ્ત કૃતિ નથી; કેટલાક સર્જકો એક આખું સાહિત્યવિશ્વ ઊભું કરે છે, જેને સ્વયંર્યાપ્ત કૃતિ તરીકે ઓળખાવવાને ટેવાયેલા છીએ એ તો પેલા સાહિત્યવિશ્વનો એક અંશ હોય છે. એટલે પછી એની બધી જ કૃતિ પાછળ રહેલા અવાજ કે દર્શનને મહત્ત્વનાં ગણીને એની શોપ ચલાવવી જોઈએ. દર્શન કૃતિમાંથી ઉત્ક્રાન્ત થવું જોઈએ કે કૃતિ દર્શનને આધારે ઊભી થવી જોઈએ એ ઉત્તર એટલો સહેલો નથી. ‘જનાન્તિકે’ના નિબંધો જ્યારથી લખાવા માંડ્યા ત્યારથી સુરેશ જોષીના મનમાં જીવન વિશેનો એક ખ્યાલ ઘડાઈ રહ્યો હતો, એને રૂઢ પરિભાષામાં જીવનદૃષ્ટિ-જીવનદર્શન તરીકે ઓળખાવી શકાય, એ દૃષ્ટિને આધારે તેઓ સૃષ્ટિ ઊભી કરતા ગયા અને સર્જક તરીકે એ દર્શનનો અનુવાદ ન કર્યો એટલે કે યાંત્રિક રીતે એ દર્શન પ્રતિબિંબિત કરવાને બદલે કૃતિની સંરચના સાથે એનો મેળ ખાય એ રીતે સહજ ગોઠવણી કરી આપી. જેવી રીતે ‘જનાન્તિકે’ના નિબન્ધોને રૂઢ અર્થમાં નિબંધ તરીકે ઓળખવાની મુશ્કેલી પડી હતી, એમાં નિબન્ધ ઉપરાંતનાં અન્ય સ્વરૂપોનો સમન્વય હતો એવી જ રીતે ‘મરણોત્તર’ (અને ‘છિન્નપત્ર’)માં પણ સમન્વય છે એટલે પ્રકારનિષ્ઠ વિવેચના જે પ્રકારનાં જે વર્ગીકરણ કરે છે એ વર્ગીકરણ અહીં શક્ય બનતાં નથી. વળી નવલકથાના ખંડો રેખાયિત ગતિ ધરાવતાં નથી એટલે પહેલાં પછી બીજો આવે કે દસમો એનાથી ભાગ્યે જ કશો ફેર પડે છે. જો નર્યા રૂપરચનાવાદી અભિગમથી આખી વાત જોઈએ તો ‘છિન્નપત્ર’ કે ‘મરણોત્તર’ જેવી કૃતિઓ સામે શિથિલ વસ્તુસંકલનનો આક્ષેપ મૂકી શકાય. ઘણા બધા કળાકારો એક કૃતિનો વિનિયોગ બીજી કૃતિમાં કરતાં હોય છે એ રીતે ‘જનાન્તિકે’સદૃશ કેટલાક ખંડ અહીં જોવા મળે છે. આમ કહીને સુરેશ જોષીનો કોઈ બચાવ કરવાનો આશય નથી. ‘મરણોત્તર’ કૃતિનું વિભાવન ‘છિન્નપત્ર’ની જેમ જ થયેલું લાગશે. આ રચના પ્રથમ પુરુષ એકવચનમાં લખાયેલી છે. એનો નાયક એક સર્જક છે અને એ પણ સમાજ પ્રજાથી દૂર સરી ગયેલો સર્જક. ક્યારેક આપણને લાગે કે ‘મરણોત્તર’ના સર્જક અને એના નાયક વચ્ચેની રેખાઓ ભુસાઈ ગઈ છે - લિરિકના સર્જક અને એના કાવ્યનાયક વચ્ચે જેમ ભુસાઈ જાય છે તેમ. અહીં કોઈ સામાજિક ચેતનાની વાત આવતી નથી, અહીં નાયક પોતાના અનુભવવિશ્વને આપણી સામે ધરી દે છે. ‘મરણોત્તર’માં આવતી મૃણાલ, ‘છિન્નપત્ર’ની માલા, ‘મૃણાલ’ કાવ્યકૃતિની મૃણાલ તથા એવી બીજી કેટલીક વાર્તાઓની નાયિકાઓનું ગોત્ર એક જ પ્રકારનું છે. નારીની વિવિધ મુદ્રાઓ, છબિઓ, કળાઓ પ્રગટ થઈ છે. આ પ્રકારની કૃતિમાં જેને આપણે વાર્તાતત્ત્વ કહીએ છીએ તે જોવા મળતું નથી, વળી સામાન્ય રીતે કથનાત્મક કૃતિઓમાં જે પ્રકારનું ચરિત્રચિત્રણ જોવા મળે છે એ અહીં નથી. કોઈ પાત્રને ઘટનાઓ દ્વારા મૂર્ત કરવાને બદલે જુદી રીતે એને મૂર્ત કરવાનો પ્રયત્ન કર્યો છે. દા.ત પાંચમા ખંડમાં મનોજ નામના કોઈ પાત્રની વાત કરવામાં આવી છે. ‘મનોજ મોટો કરોળિયો છે. એના બધા પગ લઈને એ ભાગ્યા કરે છે. એ બોલે છે તે હું સાંભળતો નથી, પણ લગભગ અદશ્ય ચીકણા તંતુઓને લંબાતા જોઉં છું..’ મનોજ પ્રત્યેનો નાયકનો પ્રતિભાવ અહીં પ્રયોજાયેલ ઉપમા પ્રપંચ વડે આપણને કહેવામાં આવ્યો છે, એ માટે બીજી કશી ઘટનાઓની અનિવાર્યતા લેખકને વરતાઈ નથી. આ વિશ્વથી પરિચિત ભાવક એવી કશી અપેક્ષા રાખતો નથી. કૃતિના આરંભથી જ ભાવકને સમજાઈ જાય છે કે અહીં સર્જકચેતના સાથે જ પાનું પાડવાનું છે. કૃતિનો આરંભ જુઓ : ‘... સુધીરના ઘરથી દરિયો અર્ધોએક માઈલ દૂર હશે. એનું ઘર એક નાની ટેકરી પર છે. ટેકરીના ઢોળાવ પર વૃક્ષો ગીચ ઊગેલાં છે. આજુબાજુમાં બીજી વસતિ નથી. હું એને ઘેર પહોંચ્યો ત્યારે મનોજ, ગોપી, મૃણાલ, અશોક, રોમા -કોઈ આવ્યું નહોતું. દરિયા તરફ પડતા ઝરૂખામાં જઈને હું ઊભો. હું કોઈની રાહ જોતો નહોતો. દૂરના દરિયાનો આભાસ ચાંદનીમાં ચમકતો હતો.’ હવે આ વર્ણન સાથે કોઈ ચોક્કસ સ્થળકાળ સંકળાયેલાં નથી. જે રીતે વર્ણન આપણી સામે આવ્યું તે એ પ્રકારની અપેક્ષા રાખે કે હવે મનોજ, ગોપી વગેરે વિશે આપણને જાણવા મળશે. પરંતુ એ અપેક્ષાભંગ થાય છે. આ ખંડમાં જયારે મેધાનો સંદર્ભ આવે છે ત્યારે પણ જુદા જ પ્રકારનું વર્ણન છે : ‘મેધાના શ્વાસ મને ઘેરી વળે છે. કણજીના પાંદડાને મસળતાં જેવી વાસ આવે તેવી એની વાસ છે. એ મારી નિકટ સરે છે. એની કાયાનો સ્પર્શ થાય છે. વરસાદમાં નદીના કાંઠાની ભાંગી પડતી માટીના જેવી એની કાયા છે.’ શરૂઆતમાં જે ચર્ચા કરી હતી તેનો સંદર્ભ જો યાદ કરીએ તો નાયક પોતાની ચેતના વડે જગતને પામવાનો પ્રયત્ન કરે છે. એટલે જ આ પ્રકારના સર્જકો કોઈ એક પાત્રને કેન્દ્રમાં રાખે છે. એમને સર્વજ્ઞ અર્થાત્ ત્રીજા પુરુષની કથનરીતિ ઝાઝી કામ લાગતી નથી. હા એ વાત સાચી છે કે આમાં સામાન્ય રીતે કથાસાહિત્યમાં જોવા મળતાં કથનાત્મકતા, નાટટ્યમકતા અહીં નહીં મળે. દસમો ખંડ જેવા અપવાદરૂપ છે. બાકી તો જનાન્તિક પ્રકારની સૃષ્ટિ આપણી સામે નિરૂપાતી આવે છે અને ધ્રુવપંક્તિની જેમ મોટાભાગના ખંડોના અંતે ‘હું પૂછું છું : ‘કોણ મૃણાલ’ પંક્તિ આવર્તિત થતી રહી છે. ફરી એક ખંડ જુઓ : ‘મારા પગનાં તળિયાં નીચે એક પર્વત ઊગે છે. એની હઠીલી ઊંચાઈ મને તરણાની જેમ ઊંચકી લે છે. ચારે બાજુ વિસ્તરતી જતી વિશાળતા મારા ટકી રહેવા પૂરતા પરિમાણને ભૂંસતી જાય છે. મારામાં રહેલું મરણ સંકોચાઈને એક બિન્દુ જેવું થઈ જાય છે. એ સતત ખૂંચ્યા કરીને એના હોવાની જાણ મને કર્યા કરે છે. આ જાણને આધારે જ હું પણ ટકી રહ્યો છું. મારા અસ્થિના મર્મમાંથી એક ચિત્કાર નીકળે છે. અસાધારણતા અને સાધારણતા, વિશાળતા અને અલ્પતા-આ બે પરસ્પર વિરોધી પરિમાણોના સંવાદ - સંઘર્ષમાંથી એક વિશિષ્ટ ચિત્ર ઊભું થાય છે. સર્જક અનુભૂતિ નવા, અજાણ્યા પ્રદેશોની હોવાને કારણે ભાષાનાં નવાં પરિમાણો પ્રગટે છે. છે એ રીતે પ્રયોજવામાં આવી છે. એમ પણ કહી શકાય કે નવી અનુભૂતિ સર્જક પક્ષે નવી ભાષાનું નિર્માણ કરે છે અને ભાવક જજ્યારે આવી નૂતન પરિમાસભર ભાષા જુએ છે ત્યારે એની પાર્શ્વભૂમાં રહેલી વિશિષ્ટ ચેતનાની પ્રતીતિ કરે છે. આમ બે ચેતના-સર્જકચેતના અને ભાવકચેતનાનો સંવાદ એક નવા જગતનું દ્વાર ખોલી આપે છે. ‘લુપ્ત થઈ ગયેલા કોઈ પ્રાચીન નગરના ખષ્ઠિત પ્રવેશહારની જેમ હું ઊભો છું. વર્તમાન વ્યવહારથી હું છેટે છું. મારી કમાનો નીચેથી કોઈ પસાર થતું નથી. પાયદળ, હયદળ, હસ્તિદળના પડથાઓ શમી ગયા છે. મારી બાજુમાં થઈને જ સંસાર ચાલ્યો જાય છે. ઈતિહાસ પોતે જૂની પોથીનાં પાનાંની જેમ ઊડી ગયો છે. હું બધું જોઉં છું. પવન મારી શૂન્યતાની બખોલમાં ભરાઈને ટિખ્ખળ કરે છે. સૂર્ય મારી રતાશને ભોંઠી પાડી દીધી છે. વરસાદનાં ટીપા મારી ખરતી કાંકરીઓને ગણતા જાય છે. મારો પડછાયો પણ કોઈ લેતું નથી. મારી ભંગુરતા બધાને ગભરાવે છે. અસ્ત વૈભવનો આ ઉદ્ગાર કોઈને કાને પડતો નથી. આ ખંડ સુરેશ જોષીના, કદાચ, કોઈપણ ગદ્યખંડમાં ગોઠવી શકાય એમ છે. એમના કથાસાહિત્યમાંથી ક્રમશઃ કથનાત્મક તત્ત્વ ઓછું ને ઓછું થતું રહ્યું છે. ‘મરણોત્તર’નો સમયગાળો એવો છે જયાં નિબંધ, ટૂંકીવાર્તા વગેરે એકાકાર થઈ જાય છે. એટલે ભાવક માત્ર આ સર્જકચેતના અને એના દ્વારા ઊભી થતી સૃષ્ટિને માણે. આ સૃષ્ટિ આપણા વ્યવહારજગત સાથે સંવાદ માંડી ન શકે, એવો કોઈ દાવો સર્જકે કર્યો પણ નથી. પરંતુ જો અહીં પૂર્ણવિરામ મૂકવામાં ન આવે, નવેસરથી બીજા પ્રકારના જગત સર્જવામાં ન આવે તો પછી પુનરાવર્તનની દિશા ખૂલી જાય છે.

(આ લખાણમાં ફિનોમિનોલોજિનાં ગૃહીતોની સંકુલતા, કુરોલ-હાઈડંગર - સાત્ર વગેરેની આ વિશેની ચર્ચાવિચારણા - વગેરેને સાવ આછાં સ્પર્શવામાં આવ્યાં છે. લખાણનો મુખ્ય આશય વિદ્યાર્થી સાથે સંવાદની એક પ્રાથમિક ભૂમિકા ઊભી કરવાનો છે. શિ.પ.) સન્નિધાન -૧૪, પ્રથમ આવૃત્તિ -૨૦૦૪, પૃ. ૭૯ થી ૯૦.