સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – શિરીષ પંચાલ/વીસમી સદીના ઉત્તરાર્ધનું ગુજરાતી વિવેચન

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(૪) વીસમી સદીના ઉત્તરાર્ધનું ગુજરાતી સાહિત્યવિવેચન

એક સમયચક્ર પૂરું થાય અને બીજાનો આરમ્ભ થાય ત્યારે ઘડીભર મળેલા વિરામમાં જે વીતી ગયું તે કેવું હતું અને હવે જે આવનાર છે તેને આવકારવા માટે કયા પ્રકારની તૈયારીઓ કરવી જોઈએ એની તપાસ અનિવાર્ય બને છે. એ નિમિત્તે આપણને આપણી સિદ્ધિઓ કરતાં વિશેષ ભાન આપણી મર્યાદાઓનું થતું હોય છે અને મર્યાદાઓનું ભાન જે નમ્રતા આણે છે તે આપણને આગલાં સોપાનો પર પહોંચવામાં મદદ કરે છે. અહીં આવો જ કંઈક પ્રયત્ન કરી જોઈશું. વળી, ભૂતકાળમાં આવા પ્રયત્નો જુદા જુદા દૃષ્ટિકોણથી, જુદી જુદી પદ્ધતિઓથી થયા હતા. ગયા વરસે ગુજરાતી સાહિત્ય પરિષદે અને સરદાર પટેલ યુનિવર્સિટીએ આવો પ્રયત્ન કર્યો હતો. વળી સાહિત્યવિવેચનની જ વાત કરવી હોય તો એક ભવ્ય પુરુષાર્થ ૧૯૬૬માં અમદાવાદ ખાતે આદરવામાં આવ્યો હતો. આજે તો એ આયોજન સ્વપ્ન જેવું લાગે છે. ‘ઇન્ડીઅન કમિટી ફોર કલ્ચરલ ફ્રિડમ’ સંસ્થાના ઉપક્રમે હરિવલ્લભ ભાયાણીએ એ પરિસંવાદનું આયોજન કર્યું હતું અને અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, દિગીશ મહેતા, ભોળાભાઈ પટેલ, સુરેશ જોષીએ નિબન્ધો વાંચ્યા હતા. નગીનદાસ પારેખ, અનંતરાય રાવળ, યશવંત શુક્લ, ઉમાશંકર જોશી આગલી હરોળમાં હતા અને શ્રોતાઓમાં સન્તપ્રસાદ ભટ્ટ, ગુલાબદાસ બ્રોકર, બચુભાઈ રાવત, ચંદ્રશંકર ભટ્ટ, જયંત કોઠારી, રઘુવીર ચૌધરી, રાધેશ્યામ શર્મા, સ્નેહરશ્મિ, મધુસૂદન પારેખ, હર્ષદ દેસાઈ અને બીજાઓ પણ હતા. નવા નવા સાહિત્યિક પ્રવાહો, ગુજરાતી સાહિત્યની બદલાયેલી વિભાવના, ગુજરાતી સર્જનક્ષેત્રે જે કંઈ જોવા મળ્યું હોય એના વિશે વિવેચનને શું કહેવાનું છે, આન્તરરાષ્ટ્રીય ક્ષેત્રે જે નવા ઉન્મેષો પ્રગટ્યા તેને કારણે કેવા પ્રકારના વળાંકો પ્રગટ્યા, વિવેચનનાં ભાષા-પદ્ધતિ કેવી રીતે બદલાયાં, વિવેચનના મૂળભૂત વિભાવો, પ્રયોજનો, સ્વરૂપ અને પદ્ધતિ વિશે કયા પ્રકારની સ્પષ્ટતાઓ હવે અનિવાર્ય છે – આ અને આવા બીજા પ્રશ્નો આવા પરિસંવાદ પાછળ હોય એ સ્વાભાવિક છે. અહીં યોજાઈ રહેલો પરિસંવાદ પણ કેટલીક વધુ સ્પષ્ટતાઓ કરી આપશે એવી આશા રાખવી અસ્થાને નથી. પંડિતયુગે અને ગાંધીયુગે ગુજરાતી સાહિત્યવિવેચનને જે ભૂમિકાએ પહોંચાડ્યું, જે પ્રકારના પ્રશ્નો વારસામાં આપ્યા તેમાંથી અનુગામી વિવેચકો, સાચાખોટા, પ્રસ્તુતઅપ્રસ્તુત પ્રશ્નો કેવી રીતે જુદા તારવે છે, જે અપૂર્ણતાઓ હોય તેને કેવી રીતે દૂર કરે છે અને બીજા પ્રશ્નો કેવી રીતે ચર્ચે છે તેની તપાસ કરવાનો પણ આ સમય છે. ગુજરાતી વિવેચન ભારતીય સાહિત્ય-વિશ્વસાહિત્યના પ્રવાહોથી કેવી રીતે સુપરિચિત રહે છે, સાથે સાથે વિવેચન પોતે આન્તરરાષ્ટ્રીય સ્તરનું બને છે કે નહિ તેની સમીક્ષા કરવાની તક આવા પ્રસંગો પૂરી પાડે છે. વીસમી સદીના પૂર્વાર્ધની સરખામણીમાં ઉત્તરાર્ધની વિવેચનાનો વ્યાપ વધ્યો છે અને જે અભિગમો પ્રવર્તતા ન હતા તે બધા ધીમે ધીમે વિવેચનામાં ઉમેરાતા ગયા. છે. કોઈ પણ ભાષાની વિવેચના પોતાની પરમ્પરાગત વિવેચના સાથે અનુસંધાન જાળવ્યા વિના આગળ વધી શકતી નથી. ઉત્તરાર્ધની વિવેચનાએ આ કામગીરી સારી રીતે બજાવી. મમ્મટ, અભિનવગુપ્ત, આનંદવર્ધન, કુન્તક, જગન્નાથ જેવા પ્રમુખ સંસ્કૃત કાવ્યજ્ઞોના મૂળ ગ્રન્થો અનુવાદવિવરણ સહિત પ્રગટ થયા. એવી જ રીતે પશ્ચિમની સાહિત્યવિવેચન પરમ્પરાઓ વિશેની જાણકારી પણ ઉમેરાઈ. સાહિત્યવિવેચનના આધારગ્રંથો તરીકે પ્રાચીનઅર્વાચીન કોશ, વિભાવના-પરિભાષા કોશ પ્રગટ થયા, વિવિધ દૃષ્ટિથી અનેક સમ્પાદનો (કૃતિલક્ષી, સર્જકલક્ષી) થયાં; ગ્રંથસૂચિઓ પ્રગટ થઈ, સાહિત્યસંસ્થાઓ દ્વારા પ્રાપ્ત થયેલી અતિ ઉદાર આર્થિક અનુદાન યોજનાઓ હેઠળ થઈ રહેલા વિવિધ પરિસંવાદો, શિષ્ટ ગ્રન્થોનાં પુનઃપ્રકાશન : આ બધાંને કારણે ઊહાપોહ માટેનું એક વાતાવરણ ઊભું થયું છે એમ પ્રથમ દૃષ્ટિએ લાગશે ખરું. પૂર્વાર્ધની સાહિત્યવિવેચનાની સરખામણીમાં ઉત્તરાર્ધની વિવેચનામાં સર્જન, વિવેચન, સાહિત્યસંલગ્ન વિદ્યાશાખાઓની જાણકારીનો વ્યાપ વધ્યો એવી એક માન્યતા છે, વાસ્તવમાં તે સાચી નથી. અનેક પ્રશિષ્ટ કૃતિઓનાં પરિચય-વિવરણ-વિવેચન-આસ્વાદ ઉપરાન્ત યુરોપીય ચિન્તકો-ભૂતકાલીન અને વર્તમાન - વિશેની સામગ્રી પૂર્વાર્ધની વિવેચનામાં વિશેષ હતી. પૂર્વાર્ધનાં બધાં જ સામયિકોની સૂચિ જ્યારે આપણી પાસે આવશે ત્યારે આનો પૂરેપૂરો ખ્યાલ આવશે. પરન્તુ આપણા સાહિત્યવિવેચનને છેલ્લામાં છેલ્લા યુરોપીય-અમેરિકન પ્રવાહોથી પરિચિત રાખવાના ઉદ્દેશથી આ સદીના ઉત્તરાર્ધમાં સુરેશ જોષીએ એક પ્રવૃત્તિ આરંભી છે. એમની સાથે હરિવલ્લભ ભાયાણી, રસિક શાહ, પ્રમોદકુમાર પટેલ, ચન્દ્રકાન્ત ટોપીવાળા, સુમન શાહ, સિતાંશુ યશચન્દ્ર વગેરે પણ આગવી રીતે આવા અભ્યાસમાં જોડાયા. આને કારણે તત્ત્વજ્ઞાન, નૃવંશવિદ્યા, ભાષાવિજ્ઞાન, ઇતિહાસ, સમાજવિદ્યા, મનોવિજ્ઞાન, અર્થઘટનમીમાંસા વગેરે વિદ્યાશાખાઓ સાથે ઘરોબો કેળવી બેઠેલા યુરોપના સાહિત્યવિવેચનનો આપણને પરિચય થયો. સાહિત્ય-કળાની મૂળભૂત વિભાવનાઓ પરનાં આક્રમણોનો ખ્યાલ આવવા માંડ્યો. સાહિત્યનિર્ભર વિવેચન પરનો ઝોક ઓછો થયો, સૈદ્ધાન્તિક વિચારણાઓનું મહત્ત્વ વધતું ગયું. આ સન્દર્ભે થોડું આત્મનિરીક્ષણ પણ કરવું જોઈએ. ભારતમાં-ગુજરાતમાં સાહિત્યવિવેચન હજુ મોટે ભાગે પરમ્પરાગત કર્તવ્યો જ બજાવે છે. ચન્દ્રકાન્ત ટોપીવાળા, સુમન શાહ અને નીતિન મહેતા યુરોપઅમેરિકાનાં વિચારવલણોનો જે પરિચય કરાવી રહ્યા છે તે જાણવાની ઇચ્છા માંડ દસપંદરને થતી હશે. ગુજરાતી સાહિત્યવિવેચન મોટે ભાગે અધ્યાપકો દ્વારા નવા અધ્યાપકો અને વિદ્યાર્થીઓ માટે થાય છે. જો વિદ્યાપીઠોમાં સાહિત્ય ભણાવવામાં ન આવે તો વિવેચન નામની પ્રવૃત્તિનો કદાચ અન્ત આવી પણ જાય. બીજી દૃષ્ટિએ જોઈએ તો યુરોપઅમેરિકા ભણવા જતા ભારતીય વિદ્યાર્થીઓ ઘણી વાર ત્યાંના વિદ્યાર્થીઓ કરતાં વધારે તેજસ્વી હોય છે, પણ સાહિત્યનું અધ્યાપનઅધ્યયન કરવા માટે ભાગ્યે જ કોઈ પરદેશ જાય છે. આને પરિણામે વિજ્ઞાનટેકનોલોજી કે સમાજવિદ્યાનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને સાહિત્યનું અધ્યયન કરતા વિદ્યાર્થીઓ વચ્ચે બુદ્ધિમત્તાના આંકમાં ભારે તફાવત જોવા મળે છે. જો વિશ્વવિદ્યાલયોની હાલત આવી હોય તો ગ્રામ્ય વિસ્તારની કૉલેજોનું શું? ગુજરાતી વિવેચનની દરિદ્રતાનાં મૂળિયાં આ વર્તમાન વાસ્તવિકતામાં રહેલાં છે. વિવેચન માટેની યોગ્યતાનો આધાર જેટલો શાસ્ત્રજ્ઞાન પર નથી એનાથી વિશેષ તો કેળવાયેલી રુચિ ઉપર છે. જ્યારે જ્યારે વિવેચકનાં ઓજારોની વાત નીકળે છે ત્યારે ત્યારે આ રુચિને જ ઓજાર માનવામાં આવી છે. વિવિધ સ્થળકાળની, વિવિધ કક્ષાની સાહિત્યકૃતિઓથી (અને જો અન્ય કળાપ્રવૃત્તિઓની જાણકારી ભળે તો તો ઉત્તમ) કેળવાયેલી-ઘડાયેલી રુચિ. છેલ્લા બેત્રણ દાયકાને બાદ કરીએ તો ગુજરાતી વિવેચકની રુચિ આ રીતે ઘડાયેલી હતી. ૧૯૭૫-૮૦ સુધી આપણને વિશ્વકક્ષાની કેટલી બધી કૃતિઓના પરિચયો થતા રહ્યા પણ છેલ્લાં થોડાં વરસોમાં આ પ્રવૃત્તિમાં ઓટ આવી છે, એ વાત કબૂલવી રહી. પ્રશિષ્ટ કે આધુનિકોત્તમ કૃતિઓના આસ્વાદો ઘટ્યા છે, વિવેચનમાં સૈદ્ધાન્તિક ઝોક વધ્યો છે. ભાષાવિષયક જાણકારી વધી છે, પણ પ્રશ્ન એ છે કે આ જાણકારી કેટલાં સ્તરે પહોંચી છે? આટલા મોટા ફલક પર જ્યારે ગુજરાતી વિવેચનની વાત કરવાની આવે અને તે પણ અમુક મર્યાદામાં રહીને ત્યારે માહિતીલક્ષી સરવૈયાં આપી શકાતાં નથી, પ્રમુખ વિવેચકોનાં અર્પણની વાત પણ થઈ શકતી નથી, તો પછી બીજા વિવેચકોની વાત સાવ અશક્ય જ બની જાય છે. એટલે અહીં વિવેચનમાં જોવા મળેલા પ્રવાહો, અભિગમો; વિવેચન પાસે રાખેલાં અપેક્ષાતૃપ્તિઓ અને અપેક્ષાભંગો વગેરેની થોડી ચર્ચા કરવાનો ઉપક્રમ છે. આ સ્થળે ‘વિવેચન’ શબ્દનો અર્થ વ્યાપક લીધો છે; અર્થાત્ સાહિત્યતત્ત્વવિચાર અને કૃતિવિવેચન એમ બંનેનો સમન્વય કર્યો છે. આ પ્રકારનો વ્યાપ જો હોય તો સાહિત્યવિવેચનનો સમ્બન્ધ સાહિત્યના ઇતિહાસ સાથે અને સૌન્દર્યમીમાંસા સાથે અનિવાર્ય બની જાય છે. જે ભાષામાં આ બંનેનો અભાવ હોય તેની સાહિત્યવિવેચનામાં અમુક પ્રકારની દરિદ્રતા અવશ્ય પ્રગટવાની. વીસમી સદીના ઉત્તરાર્ધની જ્યારે વાત થાય છે ત્યારે ગુજરાતી સાહિત્યમાં કયા કયા નવા પ્રવાહો જોવા મળ્યા; હરિશ્ચન્દ્ર ભટ્ટ, પ્રહ્લાદ પારેખ, રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત દ્વારા બદલાયેલી ગુજરાતી કવિતા; જયંત ખત્રી, કેતન મુનશી, જયંતિ દલાલ, પન્નાલાલ પટેલ જેવા વાર્તાકારોની કૃતિઓ; કાકાસાહેબ કાલેલકરને કારણે લલિત નિબન્ધપ્રકારનો થયેલો વિકાસ-આવાં પરિવર્તનો બહુ મહત્ત્વનાં હતાં, એ જ રીતે ગુજરાતી વિવેચને પણ પોતાની પરિપાટી બદલી. ગઈ સદીની વિવેચનામાં કૃતિબાહ્ય લક્ષણોની ચર્ચા થયા કરતી હતી. પરિણામે મમ્મટે ગણાવેલાં પ્રયોજનોની ચર્ચા કરવામાં ખાસ્સો સમય વ્યતીત થતો હતો. એ ચર્ચા ન થવી જોઈએ એવું કોઈ ફરમાન બહાર પાડી ન શકાય. એવી ચર્ચા અમુક પરિપ્રેક્ષ્યમાં આવકાર્ય પણ બની શકે. સાથે સાથે વિવેચનના મુખ્ય આધાર રૂપ કૃતિની ચર્ચા ઉપેક્ષિત બનવી ન જોઈએ. સામાન્ય રીતે ગુજરાતી આધુનિક વિવેચન ઉપર ‘નવ્ય વિવેચન’ના પ્રભાવને બધાએ સ્વીકાર્યો છે અને એથી કરીને કૃતિનિષ્ઠ વિવેચન, રૂપરચનાવાદી દૃષ્ટિબિન્દુ કે કળાનાં સ્વાયત્ત મૂલ્યોનો આગ્રહ પણ વધ્યો એવી એક સમજ પ્રવર્તે છે, પણ ગુજરાતી વિવેચનને ધ્યાનપૂર્વક જોવામાં આવે તો આ માન્યતા અધૂરી ને ભ્રામક પુરવાર થશે. રૂપરચનાવાદી અભિગમ સંસ્કૃત કાવ્યાચાર્યોએ તો સ્વીકાર્યો જ હતો. પંડિતયુગના બલવંતરાય ઠાકોરમાં અને ગાંધીયુગના રામનારાયણ પાઠકમાં આ અભિગમનાં કેટલાંક ગૃહીતો જોવા મળ્યાં હતાં, પણ તેને સમ્પૂર્ણ સ્વરૂપે, તેની સમગ્ર ઉપપત્તિઓ સમેત જો સ્વીકૃતિ મળી હોય તો તે સુન્દરમની વિવેચનામાં. ‘અર્વાચીન કવિતા’ ગ્રંથમાં ઇતિહાસ, સાહિત્યવિવેચન અને સૌન્દર્યશાસ્ત્રનો અસામાન્ય સમન્વય કરવામાં આવ્યો છે. કેટલાંક મહત્ત્વનાં ગૃહીતો તેમની વિવેચનામાં આ પ્રકારે જોવા મળ્યાં છે : ૧. કાવ્યનું મૂલ્યાંકન કરવા માટે કાવ્યની પોતાની દૃષ્ટિ સૌથી વધારે ન્યાળપૂર્વ નીવડે છે... કળા કળાની રીતે વિચરણ કરે એમાં જ સૌને ઉત્તમ પ્રાપ્તિ છે.’ (અર્વાચીન કવિતા, ૧૫-૬) ૨. (કાવ્યનાં ગૌણ પ્રયોજનો ખાતર) કવિતા વાંચવી તે એક ઘણી જ સૂક્ષ્મ પ્રકારની કાવ્યવિરોધી મનોવૃત્તિ છે. (સાહિત્યચિંતન, ૮૦) ૩. કવિતા વિશે જો નિર્ણય કરવાનું સાધન હોય તો તે કવિતા સિવાય બીજું કશું નથી અને કવિતા પરથી કવિચિત્તના વ્યાપારો વિશે અનુમાનો દોરવાં એ જાખમકારક છે. (સાહિત્યચિંતન, ૮૦) ૪. કોઈ પણ કવિની કાવ્યશક્તિનું માપ એના વિચારો પરથી કાઢવું હિતાવહ નથી.. એના ચિંતનની સત્યતા કે ઉત્કૃષ્ટતા પર કવિની કળાનો પાયો નથી રચાતો .. (સાહિત્યચિંતન, ૧૪૩) ૫. કાવ્યમાં મુકાયેલો તાત્ત્વિક વિચાર બીજા વિચારોની સરખામણીમાં પ્રૌઢ હોઈ શકે પણ કાવ્યમાં અર્થનું જે પ્રૌઢત્વ આવે છે તે વિચારના તત્ત્વમાંથી નહિ પણ તેના કાવ્યમય સઘન વિન્યાસમાંથી જ આવે છે. (અર્વાચીન કવિતા, ૭૧) ૬. એ (કલાનું શાસ્ત્ર) માર્ગ છે આકારની, સ્વરૂપની સંપૂર્ણતા, આખી કૃતિના અંગપ્રત્યંગની દક્ષ સંયોજના, કૃતિના હાડપિંજરની સુશ્લિષ્ટતા અને તેના આખા સ્વરૂપની સુશ્લિષ્ટતા, સધનતા અને મનોહારિતા. આ શરીરશાસ્ત્રને પોતાનાં મૂલ્યાંકનનાં ધોરણો ઉત્તમ કૃતિઓમાંથી મેળવવાનાં હોય છે. (સાહિત્યચિંતન, ૨૫) ગુજરાતી સાહિત્યમાં પંડિતયુગના એક સમર્થ અનુગામી તરીકે વિષ્ણુપ્રસાદ ત્રિવેદીને સર્વસંમતિથી સ્વીકારી લેવામાં આવ્યા છે. પ્રત્યક્ષ વિવેચના કરતાં સાહિત્યતત્ત્વવિચાર તરફનો તેમનો ઝોક પણ પંડિતયુગીન વારસાને ચીંધે છે. આ ઉપરાંત એમની રુચિ ભવ્ય, ઉદાત્ત તત્ત્વોથી વિશેષ ઘડાઈ છે, પરિણામે સાહિત્યજગતના કેટલાય પ્રદેશ તેમની ચેતના બહાર રહી જાય છે. પરન્તુ જ્યારે તત્ત્વચિંતનના પ્રદેશમાં વિહાર કરે છે ત્યારે આપણા વિચારકોની મર્યાદાઓને સારી રીતે પારખી શકે છે, એટલે જ તેઓ આનંદશંકર ધ્રુવની સામે સર્વપલ્લી રાધાકૃષ્ણનને મૂકે છે (અહીં પણ પ્રશ્ન તો છે, ભારતીય સંસ્કૃતિના ચિતક તરીકે સ.રાધાકૃષ્ણન કરતાં સુરેન્દ્રનાથ દાસગુપ્તા ચઢિયાતા નહીં?) અંબાલાલ પુરાણીની સામે લોકમાન્ય ટિળક તથા મણિલાલ દ્વિવેદીની સામે સ્વામી વિવેકાનંદને મૂકે છે. ‘અર્વાચીન ચિંતનાત્મક ગદ્ય’ને નિમિત્તે ગુજરાતી ભાષાના આરમ્ભકાલીન ચિંતકોના વિચારોની સમીક્ષા થઈ પણ તેમની ગદ્યશૈલીની તપાસ કરવાની રહી ગઈ અને આપણે જોઈશું કે ગદ્યશૈલીની ચર્ચા સમગ્ર ગુજરાતી સાહિત્યવિવેચનમાં પાંખી રહી છે. તેમની વિવેચનાની એક બીજી મર્યાદા પણ જોવા મળશે. તેમને આધુનિક કળા-સાહિત્ય સામે ભારે પૂર્વગ્રહ છે. પરિણામે જ્યારે તેઓ કૃતિલક્ષી ચર્ચા કરવા જાય છે ત્યારે એ કૃતિઓ બહુ સામાન્ય કક્ષાની હોય છે. ઈ.સ.૧૯૬૦માં ઉમાશંકર જોશીએ સુધ્ધાં સ્વીકાર્યું હતું કે ‘કવિઓ અને કાવ્યસંગ્રહોનાં વિવેચનોમાં વિષયપસંદગી ઘણુંખરું સામાન્ય કોટિની છે.’ (કવિની સાધના, ૯૦) ગુજરાતી સાહિત્યપ્રવાહોની ચર્ચા કરતી વખતે કવિ ‘કાન્ત’નો માત્ર નામોલ્લેખ આવે, ટૂંકી વાર્તામાં પીતાંબર પટેલે અને ઈશ્વર પેટલીકરે ‘અસાધારણ સંવિધાનકૌશલ’ દાખવ્યાની વાત આવે; ગદ્યકારોમાં સુરેશ જોષી નજરે જ ન પડે! ચીમનલાલ વ્યાસ, દેવજી મોઢા, જોષીપુરા, સુંદરજી બેટાઈ, હસિત બુચ, નરસિંહભાઈ પટેલ, ફકીરમહંમદ મનસૂરી ઉપર ચર્ચાઓ ચાલે પણ ઉમાશંકર જોશી, સુન્દરમ્, રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત જોવા ન મળે! પરિણામે ઉત્તમ સર્જનની પ્રતિષ્ઠા તેમના હાથે થતી નથી. સર્જનને અનુરૂપ, પોષક વાતાવરણ ઊભું કરવાનું અહીં ચૂકી જવાયું છે. એવી જ રીતે તેઓ સંસ્કૃત કાવ્યચર્ચામાં રીતિ, વક્રોક્તિ પ્રત્યે શંકાની નજરે જુએ છે, નહીંતર તેમની વિવેચનામાં આવાં તારણો જોવા મળ્યાં ન હોતઃ ‘જરા સ્થૂળ અર્થમાં કહીએ તો દલપતરામે કવિતામાં રચનાવાદ, રીતિવાદ કે વક્રોક્તિવાદનો પુરસ્કાર કર્યો હતો.’ આમાં મોટી મુશ્કેલી એ આવી કે કૃતિના રહસ્ય/તાત્પર્યને તેઓ સૂક્ષ્મ માની બેઠા હતા અને વક્રોક્તિ કે રીતિને સાવ સ્થૂળ. આ બંને મહત્ત્વના છે એ સાદી વાત સ્વીકારી લઈએ તો કેટલાક પ્રશ્નો ઊભા ન થાય. આવા કેટલાક પૂર્વગ્રહોએ વિષ્ણુપ્રસાદ ત્રિવેદીની કેટલીક મહત્ત્વની ભૂમિકાઓને ઝાંખી પાડી દીધી. દા.ત. ‘ઉપાયન’માં એક સ્થળે તેઓ કહે છે: ‘કલાસ્વરૂપનો કોઈ નવો પ્રકાર આવે કે કલારીતિમાં કોઈ આમૂલ ફેરફાર થાય ત્યારે એના વિવેચનની પદ્ધતિમાં પણ ફેરફાર થાય છે.’ (૨૦) ગુજરાતી સાહિત્યમાં આ સદીના ઉત્તરાર્ધમાં આવેલાં આમૂલ પરિવર્તનોને કારણે વિષ્ણુપ્રસાદ ત્રિવેદીની વિવેચનામાં એવો કોઈ ફેરફાર આવ્યો નથી. બીજો એક મહત્ત્વનો પ્રશ્ન કાવ્યના અસ્તિત્વને લગતો છે. ક્રોચેથી પ્રભાવિત થવું એ કંઈ ખોટું નથી. કાવ્યનું અસ્તિત્વ કવિચિત્તમાં છે એવું વિષ્ણુપ્રસાદ ત્રિવેદી પણ માને છે. આવી માન્યતા સ્વીકારીનેય ક્રોચેએ કવિકર્મનો અસ્વીકાર કર્યો નહોતો. આ ઇટાલિયન ચિંતકે કાવ્યકૃતિ કવિચિત્તમાં છે એમ સ્વીકારીને પણ કહેલું કે કળા નીતિઅનીતિથી પર છે. વાસ્તવમાં તો નીતિવાદીઓને, ઉપયોગિતાવાદીઓને, પ્રયોજનવાદીઓને કાવ્યજગત-કળાજગતથી દૂર રાખવા માટે જ ક્રોચેએ કાવ્ય કવિચિત્તમાં પડ્યું છે એવી વાત કરી હતી. પણ એ ભૂમિકા સુધી તો વિષ્ણુપ્રસાદ ત્રિવેદી પહોંચતા જ નથી. એમનું મૂળભૂત ગૃહીત એ રહ્યું છે કે ‘કળાકૃતિનું તાત્ત્વિક અને અંતિમ મૂલ્યાંકન સંઘટના, સંવિધાન કે વિન્યાસના કૌશલ પર નથી, પણ પ્રતિભાસ બનેલા સંવેદનની આંતરસમૃદ્ધિમાં છે... મૂળ પ્રતિમાન કે પ્રતિભાસનું મૂલ્ય એ જ કલામાં પ્રધાન વસ્તુ છે.’ જો આવું માનતા હોઈએ તો ગમતા કવિઓની ચર્ચા કરતી વખતે એમના સંવેદનોની આન્તરસમૃદ્ધિ કયા પ્રકારની છે તે નિદર્શનો સાથે જણાવવું જોઈએ. પશ્ચિમમાં રૂપરચનાવાદનો વિરોધ કરનારા ચૈતન્યલક્ષી વિવેચકો જે કક્ષાએ રહીને વિરોધ કરે તેવો વિરોધ થઈ શક્યો નથી. તે કક્ષા સુધી વિષ્ણુપ્રસાદ ત્રિવેદીની વિવેચના વિસ્તરતી નથી. વળી બીજો પણ એક આન્તરવિરોધ છે. એક બાજુ રૂપરચનાનો વિરોધ છે અને બીજી બાજુ તેનો સ્વીકાર પણ છે. ‘કાવ્યના અવયવો એવા સૂક્ષ્મ અને મુલાયમ હોય છે કે પ્રત્યેક અવયવ પૂર્વગ અને અનુગ અવયવ સાથે એકરૂપ બની નૂતન અવયવ બને છે. ભૌતિક દ્રયણૂક અને ત્ર્યણૂકની માફક એ નવીન અવયવો બીજા ઘટક અંશો સાથે એકરૂપ થઈ સમગ્રતા સાધે છે. આમ એક કડી જ નહિ, અખિલ કાવ્ય એક વાક્ય જેવું સંશ્લિષ્ટ એકમ સૌંદર્યનું એકમ બને છે.’ રૂપરચનાવાદનો અસ્વીકાર કરી શકાય, તેની મર્યાદાઓ ચીંધી શકાય; પણ તેવે વખતે વિવેચકે સ્વીકારેલી ભૂમિકા અત્યન્ત સુદૃઢ હોવી જોઈએ. એવી જ રીતે મહાન, દીર્ઘ કૃતિ માટેનો આગ્રહ સૈદ્ધાન્તિક રીતે ખોટો નથી. લધુ પરિમાણ ધરાવતી કૃતિઓ જીવનની ભવ્યતાને પ્રગટ ન કરી શકે એવું ઘણા ચિન્તકો માને છે. પંડિતયુગ અને ગાંધીયુગ પછી જે વિવેચના આવે તેનું બીજું એક કર્તવ્ય પણ હતું. પુરોગામીઓએ આદરેલાં અને અધૂરાં રાખેલાં કાર્યો જો સાહિત્યિક વાતાવરણ નિર્માણ કરવામાં ઉપકારક લાગતાં હોય તો તે પૂરાં કરવાં જોઈએ, આનો અર્થ એવો પણ થાય કે જો તેમની અધૂરપો વરતાતી હોય તો તે ચીંધી બતાવવી જોઈએ. સાથે સાથે પુરોગામી સાહિત્યસર્જનના સન્દર્ભમાં તેમની કાવ્યવિભાવના પણ તપાસવી જોઈએ. જો આ પ્રકારની તપાસ સતત ચાલતી રહે તો દરેક યુગમાં કયા પ્રકારનું સાહિત્યિક વાતાવરણ હતું એનો આપણને ખ્યાલ આવી શકે. જે વિવેચકની રુચિનો વ્યાપ વેદકાળથી માંડીને આધુનિક ભારતીય સાહિત્ય સુધી વિસ્તરેલો હોય, સાથે સાથે પૂર્વપશ્ચિમના સાહિત્યવિવેચનના પ્રશ્નોથી જે સભાન હોય તે સાહિત્યમાં આવતાં પરિવર્તનોને અનુરૂપ વિવેચનશૈલી, વિવેચનપદ્ધતિમાં પરિવર્તનો આણે છે. ગાંધીયુગની કવિતા પછી પ્રહ્લાદ પારેખ, હરિશ્ચન્દ્ર ભટ્ટ, રાજેન્દ્ર શાહ-નિરંજન ભગત આવ્યા. એ સાહિત્યની ચર્ચા કરવા માટે નવાં સાધનો વિકસાવવાં પડે. પ્રહ્લાદ પારેખ અને રાજેન્દ્ર શાહની કવિતા ગાંધીયુગ પછી ફંટાય છે અને તેની ચર્ચા કરવા માટે વિવેચને પણ નવપ્રસ્થાન કરવું પડે. ઉમાશંકર જોશીની વિવેચના કૃતિનિષ્ઠ વિવેચનાનો આદર્શ ધરીને આ કવિતાની ચર્ચા મૂર્ત પદ્ધતિએ કરે છે. આ પદ્ધતિની ભલામણ બ. ક. ઠાકોરે કરી હતી પણ તેઓ પોતે એ પદ્ધતિનો વિનિયોગ કરી શક્યા ન હતા. આમ સાહિત્યપદાર્થને જોવા માટેની એક જુદી દિશા પણ વિવેચન ચીધી બતાવે છે. ‘ચોપડીમાં કાવ્ય પડ્યું છે. એ કાગળશાહીના સંયોગને વ્યવહારમાં ભલે કાવ્ય કહીએ, પણ કોઈ કવિએ અમુક પ્રકારની શાહી પાથરવાની યોજના કરી આપી એથી જ એ કાવ્ય બનતું નથી. એ કાવ્ય તો બને ક્યારે કે જ્યારે કોઈ એ ખોખાને પોતાની ગ્રહણશક્તિથી, હૃદયની ભાવકતાથી પુનર્જીવિત કરે.’ (સમસંવેદન, ૯) આ વિચારમાં રહેલી આધુનિકતા અને અનુઆધુનિકતાની ભૂમિકા ત્યારે પ્રતીત ન થઈ શકી હોય એમ પણ બને. ફિનોમિનોલોજીની દૃષ્ટિએ કાવ્યનું અસ્તિત્વ ક્યાં છે એ પ્રશ્ન બહુ મહત્ત્વનો છે. વર્તમાન યુરોપીય વિવેચનામાં પ્રવર્તતો ભાવકનિષ્ઠ અભિગમ આ ભૂમિકાએ રહીને ચર્ચા કરે છે. ઝયાં પોલ સાત્ર ‘વ્હોટ ઇઝ લિટરેચર’માં આ પ્રશ્ન લગભગ આ જ ભાષામાં રહીને છેડે છે. સર્જક અને ભાવક : આ બંનેના સંવાદની ભૂમિકાએ કાવ્ય પ્રગટે છે અને ભાવકચેતના સર્જકચેતના સાથે સાયુજ્ય ન કેળવે ત્યાં સુધી એ કાવ્યના અસ્તિત્વને સિદ્ધ કરી શકતું નથી. છેક ૧૯૩૯-૪૦ના ગાળામાં રજૂ થયેલી આ વિચારણાનો સમ્બન્ધ કૃતિનિષ્ઠ વિવેચન સાથે કેવી રીતે બાંધી શકાય એનો પડકાર ઉમાશંકર જોશી ઝીલે છે અને નાનાલાલ કવિના ‘શરદપૂનમ’ની આલોચના જાણે કે ચૈતન્યલક્ષી અભિગમ તથા ભાવકનિષ્ઠ અભિગમનો સમન્વય કરીને લખાઈ હોય એમ લાગે છે. ઉમાશંકર જોશીની વિવેચનપ્રવૃત્તિનો વ્યાપ ૧૯૩૮થી ૧૯૮૭ સુધીનો અર્થાત્ પાંચ દાયકા જેટલી દીર્ઘયાત્રા જ્યારે વિવેચક તરીકે આદરી હોય ત્યારે સ્વાભાવિક રીતે જ સાહિત્યમાં, વિવેચનમાં આવેલાં અનેક પરિવર્તનોની તે પ્રવૃત્તિ સાક્ષી બની રહી અને સાથી જ માત્ર શા માટે? એ યાત્રા દરમિયાન પરિવર્તનો આવતાં રહ્યાં. આ કવિવિવેચક ગાંધીયુગ અને આધુનિકયુગ – બંનેના ઉત્તમ પ્રતિનિધિ બન્યા. ‘સંસ્કૃતિ’ના સમ્પાદક તરીકે સમકાલીન સર્જનાઓથી પરિચિત રહ્યા અને એ ઉપરાન્ત વિશ્વની અને આ દેશની ઉત્તમ કૃતિઓ વિશે હંમેશાં વિચારવિમર્શ કરતા રહ્યા. આ વિવેચક માનતા હતા કે ‘વિવેચક જૂના શિષ્ટ ગ્રન્થોનું ઉત્તમ વિવેચન આપે એટલું જ પૂરતું નથી. એની શક્તિની કસોટી તો રચાતા આવતા સાહિત્યને તારતમ્ય બુદ્ધિએ તપાસી એની અંતર્ગત શક્યતાઓ અને સિદ્ધિઓ પોતાની ઘડાયેલી રુચિ વડે ઓળખી કાઢી એની સાચી મૂલવણી કરવામાં છે.’ (શૈલી અને સ્વરૂપ, ૨૯૭) ૧૯૫૫થી ૧૯૮૫ સુધી વિસ્તરેલી સુરેશ જોષીની વિવેચનાનું મૂલ્ય માત્ર સાહિત્યિક જ નહીં, ઐતિહાસિક પણ છે. વીસમી સદીના પૂર્વાર્ધમાં જેવી રીતે બળવંતરાય ઠાકોરે ગુજરાતી કવિતા અને વિવેચનાની કાયાપલટ કરીને એક જીવંત વાતાવરણ ઊભું કર્યું હતું એવી જ રીતે સુરેશ જોપીએ પણ આ સદીના ઉત્તરાર્ધમાં આધુનિક સાહિત્યને પાંગરવા માટેનું વાતાવરણ સર્યું હતું. એમની વિવેચનાને ઐતિહાસિક કહેવા પાછળ કારણ માત્ર આટલું કે ૧૯૪૦ પછીનાં વર્ષોમાં પછી ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાનાં એંધાણ દેખાવા માંડયાં હતાં. ‘છંદોલય’ અને ‘પ્રતીક’ પ્રગટ થયાં હતાં. પાછળથી તો પરમ્પરાએ સંપડાવેલી માન્યતાઓ ઉપર થયેલાં આક્રમણોથી સામાન્ય ભાવક પણ વિક્ષુબ્ધ થઈ ગયો હતો. આવા વાતાવરણમાં આધુનિકતાના એક મોટા પુરસ્કર્તા રૂપે સાહિત્યને પોષક અને ઉપકારક પ્રવૃત્તિઓ તેમણે સાતત્યપૂર્વક ‘મનીષા’, ‘ક્ષિતિજ’, ‘એતદ્’ના સમ્પાદનની સાથે સાથે ચાલુ રાખી. વળી ફેકલ્ટી ઑવ ફાઇન આર્ટ્સમાં અધ્યાપકો તરીકે જોડાયેલા જેરામ પટેલ, જ્યોતિ ભટ્ટ અને ગુલામમોહમ્મદ શેખ જેવા કળાકારોની સહાયથી આધુનિક કળાપ્રવાહો વિશેની સૂઝ ધીમે ધીમે કેળવાવા માંડી. પૂર્વાર્ધમાં વિશ્વસાહિત્યનો આદર્શ તો રાખ્યો હતો પણ એને ચરિતાર્થ કરી બતાવવાનું બન્યું સુરેશ જોષીથી. વળી યુરોપમાં વીસમી સદી દરમિયાન પ્રભાવક બનેલી અસ્તિત્વવાદી વિચારણાથી તેઓ પ્રભાવિત થયા અને એને કારણે ગુજરાતને પણ એ વિચારણાનો પરિચય તથા યુરોપીય અમેરિકન સાહિત્યનો પરિચય થયો. પરમ્પરાગત રીતે થતા વિવેચનને અનુસરવાને બદલે ગુજરાતી વિવેચનને એક નવી દિશા સાંપડે છે ‘ગુજરાતી કવિતાનો આસ્વાદ’ દ્વારા. ‘કાવ્યનો આસ્વાદ કરતી વેળાએ વસ્તુ-વસ્તુ, લાગણી-લાગણી વચ્ચેના આ નવા સમ્બન્ધો, એમાંથી રચાતા નવા સન્દર્ભો અને અને એને પરિણામે સિદ્ધ થતા અનુભૂતિના નવા આકારો કવિચિત્તની જે પ્રક્રિયાને કારણે સિદ્ધ થાય છે તેને તપાસવાનું ઘણું રસભર્યું થઈ પડે છે.’ આટલા જ માટે સુરેશ જોષી પ્રતીકરચના જેવી ચૈતસિક પ્રક્રિયાનું ગૌરવ કરે છે. દરેક કવિ પ્રજા જે ભાષા વાપરતી આવે છે તેને તેના સઘળાં સાહચર્યો અને વાતાવરણ સમેત પ્રયોજે છે. બીજા શબ્દોમાં કવિના હાથે ભાષાની જુદી જુદી શક્યતાઓ વિસ્તરે છે એવી એક સુખ્યાત ભૂમિકા પર સુરેશ જોષી જઈ ચઢે છે. તેમની સામે એક પ્રશ્ન પ્રજાજીવનમાં વધતાં જતાં જડતા અને નિરુત્સાહને લગતો પણ હતો; જ્યાં શિક્ષણનો પ્રસાર છે ત્યાં પણ કળાસાહિત્ય પ્રત્યે ઉદાસીનતા પ્રવર્તે છે અને એનાથી વ્યથિત બનીને એક વિવેચનલેખમાં આપણી સમગ્ર વિવેચનપ્રવૃત્તિનું લક્ષ્ય સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે : ‘રસમીમાંસાની શાસ્ત્રીય પરિભાષાના ચોકઠામાં કાવ્યને તરકીબથી ગોઠવી આપવાનું ન હોય પણ ‘જાણે પોતે કાવ્યના સર્જનની પ્રક્રિયાનો સાક્ષી હોય એ રીતે આસ્વાદ કરાવવાનો હોય. સાથે સાથે તેમની બીજી એક ચિંતા તરફ આપણું ખાસ ધ્યાન નથી ગયું અને તે આ રહીઃ ‘આત્મલક્ષી કવિતાનું પ્રમાણ કેમ વધતું જાય છે? કવિ અવચેતનના ધૂંધળા લોકમાં દૃષ્ટિ વાળીને ત્યાંથી કેવળ એને જ ગમ્ય એવાં પ્રતીકો શોધીને શા માટે કાવ્યમાં પ્રયોજે છે? ભાષાના સામાન્ય પદવિન્યાસના પર કવિને કેમ આટલો બધો જુલમ ગુજારવો પડે છે?’ (કિંચિત્, ૧૪૭) કવિ પોતાના વિશિષ્ટ ચિંતન કે જીવનદૃષ્ટિને ઠાલવવા માગતો નથી, એની જે દૃષ્ટિ હશે તે કૃતિની સૃષ્ટિ પ્રગટાવશે એવી તેમની દૃઢ માન્યતા કેટલાક પ્રશ્નોને તેમની વિવેચનામાં પ્રવેશવા દેતી નથી. આ સમગ્ર વિવેચનપરમ્પરામાંથી જ્યારે આપણે પસાર થઈએ ત્યારે કયા પ્રશ્નો ઊભા થાય છે? વિશ્વની કોઈ પણ વિવેચના પોતાના સાહિત્યની ઉપેક્ષા કરતી નથી, અને કરે તો ઝાઝું ટકી શકતી નથી. સાથે સાથે ગુજરાતી સાહિત્યકૃતિઓ પ્રત્યે વધુ પડતા ઉદાર થવાનીય જરૂર નથી. છેલ્લાં કેટલાંક વર્ષોથી આ ભયજનક વલણ દેખાઈ રહ્યું છે. પારિતોષિકો, એવોર્ડોએ પોતાની વિશ્વસનીયતા ગુમાવી દીધી તો નથી ને એવો પ્રશ્ન મનમાં થાય, ગ્રંથસમીક્ષાઓ પણ એ જ માર્ગે જશે તો?

‘વાત આપણા વિવેચનની’ (ઉત્તરાર્ધ) પૃ. ૭૧ થી ૭૯