સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – સુન્દરમ્‌/ભાષાભક્તિ

૨. સાહિત્યવિચાર
ભાષાભક્તિ

આપણી અત્યારની દરેક પ્રવૃત્તિના મૂળમાં જીવનમાં કંઈને કંઈ ફાળો આપવાની ભાવના રહેલી છે. રાષ્ટ્રની તથા સમાજની ઉન્નતિનો વિચાર કરતાં સ્વભાષા પણ આપણા ધ્યાનમાં આવી. ભાષાની ભક્તિ એટલે તેને વધુ જીવંત અને જીવનના વિવિધ વ્યવહારો માટે કાર્યક્ષમ કરવાના પ્રયત્નો, તેને વિકસાવી વિકસાવી તેનામાં શક્ય હોય તેટલી શક્તિ અને ઓજસ પેદા કરવાં, તેના સંપૂર્ણ વિકાસને પ્રત્યક્ષ કરવો. આ વિકાસ ગૂજરાતી ભાષાએ હજી સાધવાનો છે. આ ઉદ્દેશથી દોરાતાં ભાષા જ્યાં જ્યાં વ્યાપેલી હશે ત્યાં જઈને તેની આરાધના આપણે કરવી પડશે. ભાષાનો પ્રદેશ આખા જીવનને વ્યાપે છે. આપણા આખા જીવનવ્યવહારમાં ભાષા ઊભેલી છે. ભાષાનાં આ ઉપયોગને બે મુખ્ય વિભાગમાં વહેંચી શકાય : બોલચાલમાં અને લખવામાં. બીજા વિભાગને આપણે સાહિત્યવિષયક (તેના વિશાળ અર્થમાં) કહી શકીએ. પહેલા વિભાગને મૌખિક કહી શકીએ. ભાષાના મૌખિક ઉપયોગમાં બાળકના અસ્પષ્ટ ઉચ્ચારણથી માંડી મહાન વક્તાના છટાદાર વ્યાખ્યાન સુધીનો વ્યવહાર આવી જાય છે. કેવી રીતે બોલવું, ઉતાવળે કે ધીમે; શું બોલવું, સાચું કે જૂઠું; કેટલું બોલવું, મિતભાષી થવું કે બડબડિયા એ પ્રશ્નોનો વિચાર અહીં ન કરવા બેસીએ અને એ પ્રશ્નો ભાષા કરતાં બીજા વિષયોના ક્ષેત્રના ગણીએ તોપણ દરેક બોલનાર પાસેથી ભાષા ભાષા તરીકે અમુક કર્તવ્ય તો માગી જ લે છે. ગમે તે રીતે બોલીએ તોપણ ભાષા બરોબર સ્પષ્ટ અને શુદ્ધ રીતે બોલાવી જોઈએ. સ્પષ્ટ તથા શુદ્ધ,–વ્યાકરણના દોષ-રહિત ઉચ્ચારણ માણસની સંસ્કારિતાનું લક્ષણ છે. નિર્દોષ અને ચોક્ખું ઉચ્ચારણ ભાષાને બધી જગાએ એક જ સ્વરૂપમાં જાળવી શકે છે. સ્થળ કે કાળના અંતરાય તેના સ્વરૂપમાં વિકૃતિ લાવી શકતા નથી. તેના ઉચ્ચારણની વિશુદ્ધિ અને એકરૂપતા ઉપરથી ભાષાની પુખ્તતા મપાય છે. ભાષાનું લેખન પણ એના ઉચ્ચારણ ઉપર અવલંબે છે, એટલે પણ તે નિયત, વિશુદ્ધ અને સ્પષ્ટ હોવાની જરૂર છે. ગૂજરાતી ભાષાના લેખનમાં અત્યારે પ્રવર્તતી અરાજકતા એના ઉચ્ચારણની અનિશ્ચિતતા, સંકીર્ણતા તથા અશુદ્ધિને પરિણામે છે. આપણે ત્યાં ઇ, ઈ, ઉ, ઊનું હ્રસ્વ દીર્ઘ પ્રમાણે ઉચ્ચારણ તો કોઈ સમજતું જ નથી. સંસ્કૃત શબ્દોની જોડણી પણ આપણે આ કારણથી બરોબર બોલાતી ગૂજરાતી જેવી કરી મૂકી છે. આ દોષ સુધારવા માટે બોલવામાં ચોક્કસતા કેળવાવી જોઈએ. આપણે જ્યારે જ્યારે બોલતા હોઈએ ત્યારે ઉચ્ચારણનું નિરીક્ષણ કરતા રહીએ. આ માટે વ્યક્તિગત પ્રયત્ન તો થાય જ. પણ તે સિવાય સમૂહગત પ્રયત્ન પણ થવા જોઈએ. આપણી શાળાઓમાં આ બાબત ઉપર ખાસ ધ્યાન અપાવું જોઈએ. ત્યાં અંગ્રેજી ભાષાના ઉચ્ચારણમાં બરાબર પ્રયત્નને (accent) જાળવવામાં, તથા શબ્દોની જોડણીને ખરી કરવામાં જે મહેનત લેવાય છે તેનો અર્ધો ભાગ પણ જો ગૂજરાતીના વિશુદ્ધ ઉચ્ચારણ તથા લેખન માટે લેવાતો હોય તો ગૂજરાતીને કેટલોયે લાભ થાય. ભાષાભક્તિનો હિમાયતી તો અંગ્રેજી પાછળ લેવાતી મહેનત કરતાં ગૂજરાતી માટે બમણી મહેનત લેવાનો આગ્રહ કરે. અંગ્રેજી ભાષામાં થતી ઉચ્ચાર કે જોડણીની ભૂલને આપણે અક્ષમ્ય ગણીએ છીએ. ગૂજરાતીના બોલવા કે લખવા ઉપર આપણે વિચાર કરતા નથી. આ સ્થિતિ કોઈ પણ ઉપાયે ટાળવી જોઈએ. નવા કેળવણીકારો અને શિષ્ટ સમાજ આ તરફ ધ્યાન આપશે. [1] ભાષાના લેખનનો પ્રદેશ બોલચાલના પ્રદેશ જેટલો જ મોટો છે. સાધારણ જાહેરખબરથી માંડીને સાહિત્યની મહાન ચિરંજીવ કૃતિઓ સુધીનો સમાવેશ એમાં થાય, અને એમાં કેટલાયે વિભાગો પડે છે. તે દરેકનો ભાષાના દૃષ્ટિબિંદુથી વિચાર કરતાં ઘણું કહી શકાય. વાઙ્‌મય અને સાહિત્ય એમ બે મોટા ભેદ આપણે અહીં પાડી શકીએ. કળાત્મક નિરૂપણને સાહિત્ય કહીએ, બધું વાઙ્‌મય સાહિત્ય નથી. વાઙ્‌મય ભાષામાં હરકોઈ વિષય ઉપર લખાતાં લખાણોનો સમૂહવાચક શબ્દ છે. આ ભેદ આવશ્યક છે. પણ ભાષાની ચર્ચા કેટલેક અંશે વાઙ્‌મય અને સાહિત્ય બંનેને સરખી રીતે લાગુ છે, કારણ બંનેનું ઉપાદાન એક જ છે. આ બંનેનો ભાષાવિષયક પ્રશ્ન એટલો જ છે કે ભાષારૂપી ઉપાદાન આ વ્યવહાર માટે જાઈએ તેટલું કાર્યક્ષમ છે કે નહિ. ગૂજરાતી ભાષાની શક્તિ આપણે બધા જાણીએ છીએ. ગૂજરાતીએ કંઈક શક્તિ બતાવી હોય તો તે સાહિત્યના પ્રદેશમાં. હજી વાઙ્‌મયનો વિશાળ પ્રદેશ તો ભરાવો બાકી છે. સાહિત્ય ઉપરાંત તત્ત્વજ્ઞાન, ઇતિહાસ, વિજ્ઞાન, પ્રવાસ, અર્થશાસ્ત્ર, રાજકારણ, સંગીત, ગણિત, કેળવણી, ધર્મ, વગેરે વિષયોની શાસ્ત્રીય ચર્ચા કરવામાં તો હજી આપણે પહેલું પગલું જ ભરીએ છીએ. તે તે વિષયોની સમર્થ રીતે ચર્ચા કરવાને અને તેનું શાસ્ત્ર રચવાને ગૂજરાતીમાં હજી શક્તિ નથી આવી. એ વિષયોની પરિભાષા હજી નવી યોજવાની બાકી છે. એમની નિરૂપણપદ્ધતિ પણ કેળવવાની છે. આ બધું ગૂજરાતી માટે અશક્ય છે એમ કદી ન માનવું જોઈએ. એનો શો ઉપાય છે તે વિચારવું જોઈએ. આપણે ત્યાં આ વિષયોના અભ્યાસની શરૂઆત થઈ ચૂકી છે અને તેમને લગતાં એકાદ બે પુસ્તકો પણ બહાર પડ્યાં છે. પણ હજી કેટલીયે પ્રગતિ આ દિશામાં કરવાની છે. આ પ્રગતિ જોઈએ તેટલી નથી થતી એનું એક કારણ એ છે કે એ વિષયોનો અભ્યાસ થવા છતાં એ અભ્યાસનું સાધન ગૂજરાતી નથી. આપણી શાળા મહાશાળાઓમાં આ વિષયો પરભાષા અંગ્રેજી મારફતે શિખવાય છે. એ વિષયોનાં પુસ્તકો પણ એ જ ભાષામાં મળી શકતાં હોઈ એનો જ ઉપયોગ માધ્યમ તરીકે આપણે કરવા માંડ્યો છે, પણ તેને બદલે તે તે વિષયનાં પુસ્તકો ગુજરાતીમાં રચવાની તસ્દી આપણે નથી લીધી. વિષયના અભ્યાસ સાથે ભાષા પણ ખેડાવી જોઈએ એ નથી બન્યું. રાજકીય ગુલામી સાથે આપણા રાજકર્તાઓએ બીજી ગુલામી પણ લાદવાના સફળ પ્રયત્ન કર્યા છે. દુર્દશા એટલે સુધી થઈ છે કે આપણી સ્વભાષા પણ પરભાષા દ્વારા શિખવાય છે. શિક્ષણમાં માતૃભાષાને મુખ્ય વાહન રાખવાનો આ પ્રશ્ન આપણે ત્યાં હવે સારી પેઠે ચર્ચાવા લાગ્યો છે એટલે એને વિષે અહીં વિશેષ ઊહાપોહની જરૂર નથી. એમાં કેળવણીની દૃષ્ટિથી પણ ઘણો વિચાર કરવાનો ઉપસ્થિત થાય છે. આપણે માત્ર ભાષાની દૃષ્ટિથી જોઈશું તોપણ જણાશે કે ગૂજરાતીને ખેડવા માટે આ વિષયોનો અભ્યાસ ગૂજરાતી દ્વારા થવો જોઈએ. એથી આપણને નવાં પાઠ્ય પુસ્તકો યોજવાની, તે તે વિષય માટે પરિભાષા યોજવાની ફરજ પડશે. ભાષા જેમ વધુ વિષયોમાં ભટકશે તેમ વધુ ને વધુ સમર્થ થશે. સમગ્ર વાઙ્‌મયનો વિચાર છોડી સાહિત્યની દૃષ્ટિથી હવે ભાષાનો થોડો વિચાર કરીએ. ભાષાને ઘડનાર બળોમાં એક અગત્યનું બળ છે બાહ્ય પરિસ્થિતિ, તેમાંથી નીપજતી અનિવાર્ય અસર, અને જાગૃત રહી તેમાંથી મેળવી લીધેલો લાભ. રાજકીય પરિસ્થિતિને અંગે અંગ્રેજી ભાષાના સંપર્કમાં આપણે આવ્યા, અને કેળવણીએ આપણને અંગ્રેજી તેમ જ સંસ્કૃત અને બીજાં અર્વાચીન ભારતીય સાહિત્યના સંપર્કમાં આણ્યા. અંગ્રેજી રાજ્ય પૂર્વે આવી જ રીતે ગૂજરાતી ભાષા ફારસી તથા ઉર્દૂના સમાગમમાં આવેલી. આ ભાષાઓના શબ્દભંડોળની તથા તેમના સાહિત્યની ગૂજરાતી ભાષા અને સાહિત્ય ઉપર ખૂબ અસર થયેલી છે. સમગ્ર રીતે ગૂજરાતી ભાષા અને સાહિત્યે આથી લાભ મેળવ્યો છે. આપણા વ્યવહારમાં આ ભાષાઓના શબ્દો ઉમેરાયા છે. ગૂજરાતી સાહિત્યે આ સાહિત્યોના પરિચયથી અર્વાચીન કવિતા, નવલકથા, ટૂંકી વાર્તા, નિબંધ, વિવેચન, સામયિક આદિ અંગો અપનાવ્યાં છે અને વિકસાવ્યાં છે. પણ આ અન્ય સાહિત્યનો સમાગમ તથા તેનું અપનાવન કુશળ હસ્તે વિવેકપૂર્વક થાય તો જ કંઈ લાભકારી છે. ગાફેલ રહી અન્ય સાહિત્યનું અંધ અનુકરણ કરવા જતાં તેના ગુણ લેવા સાથે આપણે અનનુરૂપ એવાં અંગો પણ લઈ આવવાના. અંગ્રેજી સંસ્કૃતિનું જે વિરૂપ અનુકરણ આપણે કર્યું છે તેવું તેના સાહિત્યનું પણ કરી બેસીએ એ શક્ય છે. પણ ગુજરાતી જેવી ખીલતી ભાષાને હાથે આરંભમાં એવા દોષ થઈ જાય તો તે ક્ષમ્ય ગણાય. છતાં વિવેકશક્તિની કડક માગણી આરંભમાં ન કરીએ તો પણ એક કાળે તો કરવી જ જોઈએ. પર સાહિત્યને અપનાવતાં સૌથી પ્રથમ યાદ રાખવાની વસ્તુ એ છે કે સ્વભાષા કદી મુખ્ય આસન પરથી ઊતરવી ન જોઈએ. બધું તેને વશવર્તી બનીને જ આવે, પારકું આવીને પારકું જ ન રહે, કે આપણું પચાવી ન પડે એ ધ્યાનમાં રહેવું જોઈએ, જે કંઈ લેવામાં આવે તે ભાષાના સ્વરૂપને બંધબેસતું, આવશ્યક તથા સમૃદ્ધ કરનાર હોય, ભાષાની શક્તિમાં ને શોભામાં વધારે કરનાર હોય, ભાવ કે અર્થના નિરૂપણમાં નવીનતા અને વિશાળતા લાવનાર હોય, ભાષાને એક કદમ આગળ વધારનાર હોય. આ જો લક્ષમાં રખાયું હોત તો અત્યારે આપણને હસવા જેવા લાગે તેવા કેટલાક અખતરા ગૂજરાતી ભાષામાં પરભાષાના સમાગમના પ્રારંભકાળમાં ન થયા હોત. સંસ્કૃત ભાષાની અસરને લીધે શ્રી મનઃસુખરામ જેવા અને બીજા સંસ્કૃતના દૃઢ હિમાયતીઓને હાથે ગૂજરાતીને લખવામાં સંસ્કૃતનો એકેએક શબ્દ માત્ર જ નહિ પણ સંસ્કૃત પેઠે વિશેષણોની જાતિ પણ રાખવાના પ્રયત્ન ન થયા હોત. બાણની કાદંબરીની શૈલીની અલંકારપરંપરા તેમ જ વાક્યબંધો સરસ્વતીચંદ્રમાં દાખલ ન થયાં હોત. બોટાદકરે ગૂજરાતી ભાષા ન ખમી શકે એવા સમાસો ને સંસ્કૃતમાં પણ અપરિચિત એવા શબ્દો પોતાનાં કાવ્યોમાં ન યોજ્યા હોત. અંગ્રેજી સાહિત્યના રંગથી રંગાયેલા શ્રી નરસિંહરાવ પોતાની કુસુમમાળા દ્વારા ‘અંગ્રેજી કવિતા કેવી લખાતી હોય છે તેના નમૂના’ ગૂજરાતી ભાષામાં આપવાને તૈયાર ન થયા હોત. પારસી ભાઈઓએ અંગ્રેજી વાતો તથા નવલોના અનુવાદોમાં તેમ જ પોતાના વ્યવહારમાં અંગ્રેજી રચનાની શુદ્ધ પારસી-ગૂજરાતી પેદા ન કરી હોત. અંગ્રેજી ભણેલાઓએ પોતાની ગૂજરાતીમાં અંગ્રેજી ક્રિયાપદો, વિશેષણો, ને નામોને વાપરી વર્ણસંકરતા ઉત્પન્ન કરી ‘ઢેડ-ગુજરાતી’ નામે ઓળખાતી નવી જ ભાષા ન બનાવી હોત, અને તેમ કરી ગૂજરાતીને શુદ્ધ રીતે વાપરવાની પોતાની શક્તિ ગુમાવી ન હોત. એ જ શબ્દોના જો તે આવશ્યક હોય તો તેમને સ્થાને તેવાજ ગૂજરાતી પર્યાયો યોજી ભાષાની સેવા કરવાને બદલે તેને તેવી જ અસમર્થ રાખી ન હોત, અને અંગ્રેજીનું કુમિશ્રણ કરી ગૂજરાતીને વિશુદ્ધ કરવાને બદલે વધારે કઠણ બનાવી મૂકી ન હોત. માત્ર ભાષાને છોડી આગળ વધી કહીએ તો આ વસ્તુ જો આપણે સમજ્યા હોત તો આપણે આપણા વિવેચનમાં અંગ્રેજી વિવેચનના રૉમૅન્ટિક અને ક્લાસિકલના ભેદની ચર્ચા ન લઈ આવ્યા હોત. પરંતુ સંક્રાંતિયુગમાંની સમજ-શક્તિની નબળાઈના આ દોષો ઉપર કહી ગયા તેમ ક્ષમ્ય ગણાય. ભાષા ઉપરનો આ અત્યાચાર ખુદ જીવન ઉપર ચાલી રહેલા બીજી સંસ્કૃતિ અને સત્તાના અત્યાચારનું જ એક આનુષંગિક પરિણામ છે. અંગ્રેજી ભાષાની પણ આવી જ દશા ફ્રેંચ ભાષાએ કરી મૂકેલી બાહ્ય પરિસ્થિતિને અંગે નીપજતી બીજી ભાષાઓ તથા સાહિત્યોની અસર સામે આટલું રક્ષણ સૌથી પ્રથમ આવશ્યક છે. ભાષાને ઘડનાર બાહ્ય પરિસ્થિતિ ઉપરાંત બીજું એક મહાન તત્ત્વ છે તે ભાષાનો પોતાની જ શક્તિથી સધાતો આંતરિક વિકાસ. આપબળે સધાતો વિકાસ જ ભાષાના સ્વત્વને બઢાવનારો અને તેને ચિરંજીવ કરનાર છે. ભાષાનું મૌલિક સર્જન તેની ઉચ્ચાવચતા અને મૂલ્યની આંકણીમાં કામ આવે છે; ભાષાનું સામર્થ્ય અને જીવનની તેજસ્વિતા તેના મૌલિક સાહિત્યને આધારે મપાય છે. પર સાહિત્યમાંથી આપણે બહુ બહુ તો સાહિત્યનાં વિવિધ અંગોનાં ખોખાં લઈ આવીએ, કાવ્યના ભેદ અને બંધ લઈ આવીએ, વાર્તા, નવલ કે નાટકની નિરૂપણપદ્ધતિ લઈ આવીએ, વિવેચનનાં કાટલાં પણ લઈ આવીએ; પરંતુ આખરે એ બધી ખાલી નહેરો છે. એમાં જીવતું પાણી તો આપણું જ વહેવડાવવું જોઈશે. યૂરપની બધી ભાષાના સાહિત્યનાં અંગોપાંગ લગભગ એક સરખાં છે છતાં દરેક ભાષાનું સાહિત્ય પોતાની મૌલિકતાથી વિશિષ્ટ મહત્ત્વ ધરાવે છે. આપણા સાહિત્યનાં અંગો પણ ભલે બીજાનાં અપનાવેલાં હોય છતાં તેની કિંમત તેના મૌલિક સાહિત્ય ઉપરથી જ થશે. તો પછી મૌલિક અને ચિરંજીવ સાહિત્ય કેમ વધારી શકાય એ પ્રશ્ન જ વિચારવો રહે છે. આ પ્રશ્ન એ ખુદ સાચું સાહિત્ય કેમ ઉત્પન્ન કરી શકાય એ જ પ્રશ્ન છે. સાહિત્યનું સર્જન હંમેશાં વ્યક્તિગત છે. સર્જન પ્રેરણાને આધીન છે. પ્રેરણા વ્યક્તિગત તેમ જ પરિસ્થિતિગત છે. માણસ પોતે જ પ્રેરણાનો ઝરો હોય કે પોતાની પરિસ્થિતિમાંથી પ્રેરણા મેળવતો હોય. વ્યક્તિગત પ્રેરણા પરિસ્થિતિમાંથી નીપજતી પ્રેરણા કરતાં વધુ તેજસ્વી અને ચિરંજીવ છે. અલબત્ત વ્યક્તિ પણ કેટલેક અંશે પરિસ્થિતિથી ઘડાય છે છતાં તે પોતાના વ્યક્તિત્વથી પરિસ્થિતિને અભિભૂત કરી શકે છે, તેને કાબૂમાં લઈ શકે છે, ને યથેચ્છ ઘડી શકે છે. પરિસ્થિતિમાંથી નીપજતી પ્રેરણાને ધારણ કરનાર સાવ પરિસ્થિતિને આધીન છે. પરિસ્થિતિને લીધે જ તે છે, તે પરિસ્થિતિ ઉપર કંઈ અસર કરી શકતો નથી, તેની ઊર્મિઓને પ્રાદુર્ભૂત થવાનું એક સાધન તે પૂરું પાડે છે એટલું જ. વ્યક્તિગતપ્રેરણા સ્વાધીન અને સ્વયંભૂ છે. એ ઇચ્છા મુજબ અસ્તિત્વમાં લાવી શકાતી નથી, પણ પોતાની મેળે જ પ્રગટ થાય છે. પરિસ્થિતિમાંથી નીપજતી પ્રેરણા પરિસ્થિતિમાં થતા ફેરફાર તે પ્રમાણે જ ઉત્પન્ન થવાની, એટલે સ્વયંભૂ પ્રેરણાનું સર્જન વધુ કીમતી છે. તે બીજી પ્રેરણા કરતાં વધુ આકસ્મિક છે એટલે વધુ વિરલ પણ છે. સ્વયંભૂ પ્રેરણામાંથી જન્મેલું સાહિત્ય ખરું ચિરંજીવ ને મૌલિક છે. તેથી સાહિત્યસર્જનનો અગત્યનો ભાગ આપણે સ્વયંભૂ-પ્રેરણાને આશરે છોડી દેવો પડે છે. આપણી તીવ્ર ઇચ્છા છતાં અહીં આપણું કશું ચાલે તેમ નથી. આપણી જરૂરિયાતોને વશ થઈ આપણે માગીએ તે રીતે એ જન્મવાની નથી. આપણે જે કાંઈ કરી શકીએ તે પરિસ્થિતિગત પ્રેરણાના સંબંધમાં. પરિસ્થિતિને ઇચ્છાનુરૂપ ઘડવાને આપણે સમર્થ છીએ. એ તકનો લાભ લઈ સાહિત્યની બનતી સેવા આપણે કરી લઈએ. એટલે કે સાહિત્યના વિકાસને માટે, તેના ચિરંજીવ સર્જનને માટે અનુકૂળ પરિસ્થિતિ ઊભી કરી દઈએ. સાચા સાહિત્યને ઉત્પન્ન થવાના માર્ગમાં આવતાં વિઘ્નને દૂર કરીએ, જ્યાં તેને મદદ કરી શકાય અને તેમ કરી તેને ઉત્તેજી શકાય ત્યાં મદદ કરીએ. ઊછરતાં વૃક્ષોને તેમનું સંરક્ષણ કરી, તેમના પોષણને ખાઈ જતું ઘાસ નીંદી કાઢી, આરંભમાં જોઈતા ટેકાઓ મૂકી આપી, જોઈતો પ્રકાશ મેળવી આપી તેને ઊગવાની અનુકૂળતાઓ કરી આપીએ. આમ પરિસ્થિતિમાં બહાર રહીને જે જે કરી શકાય તે બધું કરી છૂટીએ. પછી બીજ પોતાની શક્તિ પ્રમાણે ઊગશે, ફૂલશે અને ફળશે. પરંતુ જડ સૃષ્ટિમાં વૃક્ષની ઉછેરણીમાં પરિણામની જેટલી નિશ્ચિતતા છે તેટલી આ સૂક્ષ્મ સૃષ્ટિમાં નથી. લેખક ઉપર આપણે એટલો બધો કાબૂ નથી ધરાવી શકતા. લેખકની આર્થિક કે સામાજિક મુશ્કેલીઓ દૂર કરી દઈએ એટલું જ બસ નથી. તે ઉપરાંત ઘણું બાકી રહે છે. વિવેચકો અને વાંચકવર્ગ સર્જન ઉપર અસર કરે છે. પણ એ જલ જેવા અસ્થિરોનો હંમેશાં ભરોસો રાખવો ઇષ્ટ નથી. તેમની વિવેકશક્તિ અને રસવૃત્તિ હંમેશાં નિષ્પક્ષપાતપણે અને સત્ય માર્ગે કામ નથી કરતી. સાહિત્યનો કોઈ સાચો નિર્ણાયક હોય તો તે કાળ છે. ખરા ખોટાની તે આબાદ પરીક્ષા કરી આપે છે. કાળની અગ્નિભઠ્ઠીમાં સુવર્ણ પેઠે જે લેખકનું સર્જન તવાતાં જતાં વધુ સ્વચ્છ અને દેદીપ્યમાન થઈ નીકળશે તે જ સાચું સાહિત્ય હશે. આવી સ્થિતિમાં—કાળને ભરોસે રહીએ તો—સાહિત્યનું સર્જન સાચું કે ખોટું કોઈની પણ ઇચ્છાથી અટકાવી ન શકાય. શિષ્ટ વાંચકવર્ગનો મત તથા તટસ્થ અને વિવેકી વિવેચકોનું વિવેચન એ સર્જન ઉપર અમુક અંકુશ ધરાવી શકે. પરંતુ જો લેખકવર્ગ સ્વેચ્છાથી જ પોતાનો કડક પરીક્ષક થઈ જાય, બધી જુમ્મેદારી પોતાને શિર જ લઈ લે, પોતાના કર્તવ્યને જો શુદ્ધ હૃદયથી સમજી લે અને તદ્‌નુસાર આચરણ કરે તો તે સાહિયનો ખરો ઉદ્ધારક અને ઉપકારક બનશે. તટસ્થ અને કડક આત્મનિરીક્ષણથી લેખકે પોતાની શક્તિની આંકણી કરી લેવી જોઈએ, પોતાની મર્યાદા જાણી લેવી જોઈએ. ગમે તેટલી થોડી શક્તિવાળો તે હશે તોપણ જો તે કદી આત્મવંચના નહિ કરે તો તેટલાથી પણ તે સાહિત્યની કીમતી સેવા બજાવી શકશે. સાહિત્યમાં પ્રતિભાશાળી લેખકનું સ્થાન બહુ મહત્ત્વનું છે, છતાં અસંખ્ય નાના મોટા લેખકોના ફાળાથી સાહિત્યનું સમગ્ર મહાલય તૈયાર થાય છે. પ્રતિભાશાળી લેખકો એ મહાલયના ગગનચુંબી (outstanding) ઘુમ્મટો જેવા છે. પણ એકલા ઘુમ્મટોથી જ આલય રચાતું નથી. એનો પાયો નાખવા માટે રોડાં ભાંગનાર કે એના ચણતરમાં ગોઠવવા એકાદ ઈંટ ઊંચકનારનો પણ એમાં આવશ્યક ફાળો છે. સાહિત્યમાં આવા મજૂરો પણ સાહિત્યના સેવક છે. હા, મહાલયના ઘુમ્મટની પેઠે લોકોની નજરમાં તેઓ હંમેશાં તરવર્યા કરશે નહિ પણ એથી તેમની સેવાની અગત્ય ઓછી થવાની નથી. કડક આત્મનિરીક્ષણ અને તેને પરિણામે નીપજતું પોતાની મર્યાદાનું પૂરેપૂરું ભાન ગમે તેવા ક્ષુદ્ર લેખકને સાહિત્યનો સાચો સેવક અને ઉપકારક બનાવી શકશે. આવો લેખક પોતાની મર્યાદા તો કદી ઓળંગશે નહિ, પોતાના ગજા ઉપરાંતના કોઈ પણ કામમાં હામ ભીડશે નહિ. પોતાને માટે શું શું નિષિદ્ધ છે તે આપોઆપ જાણી લેશે. પોતાની જાત પ્રત્યે આ વફાદારી દરેક લેખકે કેળવવી જોઈએ. પોતાની શક્તિ હોય તેટલી જ બતાવવી, બલ્કે હોય તેથીયે ઓછી બતાવવી લાભકર છે. ગમે તેવા લેખકને માટે આ આત્મનિરીક્ષણ અને પોતાની મર્યાદાનું ભાન સાહિત્યનો ખરો સેવક બનવા માટે અનિવાર્ય છે. ઘણા લેખકોની,–અને સામાન્ય રીતે ઊગતા લેખકોની કરુણાજનક સ્થિતિ લેખક માટેની આ પ્રથમ લાયકાતના અભાવે જન્મે છે. એ પોતાની મર્યાદા સાચવવા કોઈ દિવસ પ્રયત્ન કરતો નથી. થોડી મહેનતે વધારે ફળ મેળવવાની ઇચ્છાવાળો તે પોતાની શક્તિ સામાન્ય હોવા છતાં પ્રતિભાશાળી લેખકનો માર્ગ અને તેની રીતભાત ગ્રહણ કરે છે. આથી તે પોતે દયાજનક સ્થિતિમાં આવી પડે છે તથા સાહિત્ય અને સમાજને પણ કેટલીયે હાનિ કરે છે. મૂળમાંનું એક અસત્ય તેને પછી અંતે અસત્યનો આશ્રય લેવાની ફરજ પાડે છે. એ અસત્યનો પ્રારંભમાં જ આશ્રય લે છે એ જ એની સત્ય સ્વરૂપે બહાર પડવાની કાયરતા-અશક્તિનો પુરાવો છે. સાહિત્યના ધુરંધર અગ્રણીઓ સાથે સ્થાન પામવાની મહાત્ત્વાકાંક્ષા તેને તેમનું અંધ અનુકરણ કરવા પ્રેરે છે. પોતાની તેટલી શક્તિ ન હોવા છતાં એ તે સ્થાનનો અધિકારી દેખાવા પ્રયત્ન કરે છે. એની એ મહાત્ત્વાકાંક્ષા એને પ્રતિભાશાળીના સર્જનના બાહ્ય સ્વરૂપનું અનુકરણ કરાવે છે. જે વસ્તુને લીધે સ્વરૂપ સુંદર થયું હતું તે વસ્તુ તે જોઈ શકતો નથી. સીધું સ્વરૂપ જ તેના ધ્યાનમાં આવે છે, તે જ એક એને પ્રતિભાનું આવશ્યક પરિણામ લાગે છે. અને તેથી તેવું સ્વરૂપ પોતે રચવા તૈયાર થઈ જાય છે. આ મૂળનું પાપ પછી અનેક રીતે ફાટી નીકળે છે. પોતાની દરિદ્રતા છુપાવવા તેને અનેક યુક્તિઓ કરવી પડે છે, અનેક રીતે તે પોતાની આબરૂ જાળવવા મથે છે. પ્રતિભાશાળી લેખકની શૈલી, તેની શબ્દસમૃદ્ધિ, તે ઊછીની લે છે, પણ એમાંયે પોત પ્રકાશી જવાનો ભય લાગતાં તે લખાણમાં આડી તેડી લપનછપન, પોતાને કહેવાનું હંમેશાં ઉડાડી દેવાનો પ્રયત્ન દાખલ કરે છે, અને મોટા મોટા શબ્દો મૂકી, વિચારમયતાનો ડોળ કરી, ભાષાનો સ્વચ્છંદ પ્રયોગ કરી, નવીનતાનો સ્વાંગ ધરી, લખાણમાં જોઈએ તેટલું પિષ્ટપેષણ કરી ખરા વાંચકને આંજી નાંખવા તે મથે છે. તીવ્ર દૃષ્ટિવાળો વાંચક તેની બધી કપટબાજી જાણી જાય છે. સાહિત્યની સેવાની ઉમદા ભાવના તેનામાં જન્મી હોય છે તે આમ પોતાના ગજા ઉપરવટનો માર્ગ લેવાતાં વેડફાઈ જાય છે. અંતે નથી સાહિત્યને કંઈ લાભ થતો કે નથી એને પોતાને લાભ થતો. એની પોતાની શક્તિ તો નકામી જાય જ છે પણ એનો એ પ્રયત્ન બીજું પણ કેટલુંક નુકસાન કરી બેસે છે. છાપનારની શક્તિ, છાપવામાં વપરાયેલાં પૃથ્વીનાં દ્રવ્યો, વાંચનારનો વખત વગેરેનો કીમતી બગાડ થાય છે. વધારામાં લખાણથી ઉપજેલી ખરાબ અસરને મટાડવા માટે સાહિત્યના હિતૈષીઓને મહેનત લેવી પડે છે. સેવા કરવા નીકળેલો માણસ કેટલી બધી અસેવા કરી મૂકે છે! દરેક સેવાની ભાવનાવાળો સેવા જ કરે છે એમ માનવું યોગ્ય નથી. ભાવના સાથે આવડત અવશ્ય જોઈએ. આવા માણસો સેવા કરવાનો પ્રયત્ન તજીને ખરી સેવા કરી શકે છે, ભર્તૃહરિએ ‘સેવાધર્મઃ પરમગહનો યોગિનામપ્યગમ્યઃ’ કહ્યું હશે ત્યારે આવાં ઉદાહરણ એને મળ્યાં હોય એ સંભવે છે. સાહિત્યની સાચી સેવા કરવા ઇચ્છનાર આ અનર્થપરંપરા જુએ અને વિચારે. પોતે પણ સેવા કરવાને બદલે અસેવા ન કરી બેસે એ ધ્યાનમાં રાખે. સેવાની માત્ર ભાવના તેને સાહિત્યમાં સર્જન કરવાનું પ્રમાણપાત્ર નથી આપી દેતી, કામ માટે આવડત અને કૌશલ્ય મેળવવાં જોઈએ. આ કૌશલ્ય ઘણી વસ્તુઓનો વિચાર માંગી લે છે. પોતાના વિષયને અંગે, તેના નિરૂપણને અંગે, અને તેના વાંચનારાઓને અંગે તેણે ઘણી રીતે સાવચેત રહેવું જોઈશે. આવી કેટલીક સાવચેતીઓનો ઉલ્લેખ અમે અહીં કરી લઈએ. પોતાની કૃતિ સાહિત્યને આવશ્યક છે એમ લેખકને લાગવું જ જોઈએ, સાહિત્યની એ આવશ્યકતા પોતે જ પૂરી પાડી શકે તેમ છે એમ તેને દૃઢ થવું જોઈએ. લખાણમાં વાચકનો ખ્યાલ હંમેશાં સન્મુખ હોય. વાચકને સમજાવવા, પોતાના વિચારોની તેનામાં સંક્રાંતિ કરવા લેખક લખે છે. એ કાર્ય કેમ સહેલાઈથી અને સારી રીતે થઈ શકે તે લેખકે વિચારવું જોઈએ. તેના સમયનો, ધીરજનો તથા ઉદારતાનો લેખક ગેરલાભ ન લે. વાચક પ્રત્યે તે એક જાતની આભારવૃત્તિ અને માનની લાગણી રાખે. વાચક માન સાથે તેને વાંચવા બેસે છે તો લેખક પોતે પણ તેની સાથે સંપૂર્ણ સભ્ય થઈ વર્તે એ તેને માટે પ્રથમ આવશ્યક વસ્તુ છે. પોતાનું લખાણ શી અસર ઉત્પન્ન કરશે તે સદોદિત લેખકના લક્ષમાં રહેવું જોઈએ. વાચકના મન ઉપર દરેક વાક્ય કઈ છાપ પાડશે એવું ચિત્ર પોતાના મન આગળ તે ખડું કરી શકે તેમ હોવું જોઈએ. સફળ લેખક થવા માટે, લખાણનું ધાર્યું પરિણામ નિપજાવવા લખાણની થતી અસર તેણે જાણી લેવી જોઈએ. માતૃભાષાને ખાતર, સાહિત્યને ખાતર, પોતાના વિષયને ખાતર, અને આખરે ખુદ પોતાને ખાતર લેખકની ભાષા શાસ્ત્રપૂત હોવી જોઈએ. વ્યાકરણ અને ભાષાશાસ્ત્રનો અભ્યાસ આનું એક માત્ર સાધન છે. શબ્દના અર્થની નિશ્ચિતતા વિચારને અસરકારક રીતે પ્રદર્શિત કરવામાં મુખ્ય મદદ કરે છે. ભાષાની શક્તિ તેના શુદ્ધ પ્રયોગથી જ વધી શકે છે. ભાષાની શુદ્ધિ લખાણને સુવાચ્ય બનાવે છે. જોડણીની કે વ્યાકરણની ભૂલો લેખકનું ભાષાવિષયક અજ્ઞાન બતાવે છે, વાચકનો સદ્‌ભાવ તે ગુમાવે છે, ભાષાનું તો તે અપમાન જ કરે છે. આ બધા માટે તેણે ભાષાશુદ્ધિ ઉપર ખાસ ધ્યાન આપવું જોઈએ. લેખક પોતાના વિચારો આપવા બેઠો છે. એ કામ પોતે કેમ સફળ રીતે કરી શકે એ એણે જોતા રહેવું જોઈએ. તેના વિષયનિરૂપણમાં જેટલી દક્ષતા તેટલું તેનું સાફલ્ય. માટે લખાણ પ્રસાદમય હોવું જોઈએ. પ્રસાદ એટલે અર્થગમ્યતા. નદીના નીતર્યા પાણીમાં ઠેઠ તળિયે પડેલી વસ્તુઓ જોઈ શકાય તેમ આખું લખાણ પારદર્શક હોય. લેખકનો ઉદ્દિષ્ટ અર્થ એકદમ તરી આવે. અર્થને ગમ્ય કરવામાં વિઘ્ન કરતી ક્લિષ્ટતા અને અસ્પષ્ટતા તજાવી જોઈએ. ભાષા અઘરી હોય કે સહેલી તે વિષય ઉપર તેમ જ વાચકના અધિકાર ઉપર અવલંબે છે. દરેક ઠેકાણે તળપદી ભાષાનો કે પંડિતિયા ભાષાનો પ્રયોગ ઇષ્ટ ન બની શકે. ભાષા વિષયને અનુરૂપ હોય અને સંપૂર્ણ પ્રસાદમય હોય એટલું જ વિષયનિરૂપણ માટે અગત્યનું છે. તેમાં માત્ર વિષયની જ આરાધના હોય, પોતાનું શબ્દચાતુર્ય કે વાક્‌પટુત્વ દર્શાવવાનો પ્રયત્ન ન હોય. શબ્દાડંબર અને અનાવશ્યક વસ્તુઓનો ઉલ્લેખ તજાવો જોઈએ. એના પરિણામે લખાણ નિરાડંબરી અને સીધું થાય જ. સીધું લખાણ સૌથી વધારે અસર કરે છે. તેનો અર્થ વાચકના મન ઉપર બાણ પેઠે જઈને ચોંટે છે. એટલે ભાવાત્મક (abstract) શબ્દોનો પ્રયોગ બહુ જ જાળવીને થવો જોઈએ. હંમેશાં શબ્દો સ્પર્શક્ષમ (concrete), ધીંગા વાપરવા જોઈએ. લખાણમાં સીધાપણું અને નિરાડંબર જાળવવા દરેક શબ્દ અને વાક્ય તોળી તોળીને મુકાવાં જોઈએ. દરેક શબ્દ અર્થવાળો હોય છે. લેખકને જો એનું જ્ઞાન ન હોય કે ખોટું જ્ઞાન હોય તો એણે ધાર્યા કરતાં ઊલટું જ પરિણામ નીપજવાનું. લખાણમાં પુનરુક્તિ ન થવી જોઈએ. વિચાર ફરીથી બેવડાવો કે જુદા શબ્દોમાં મુકાવો એ અજાણ્યે બને તો તે અવ્યવસ્થિત વિચારસરણીનું પરિણામ છે, અને જાણું જોઈને લેખક તેમ કરે તો તે પોતાની દરિદ્રતાને છુપાવવાનો નિષ્ફળ પ્રયત્ન કરે છે. લખવાની વસ્તુ આગળથી વિચારી લેવાઈ તથા ગોઠવી દેવાઈ ગએલી હોવી જોઈએ. લખતી વખતે જ વિચાર કરવા માંડનાર આ સુસંબદ્ધતાને જાળવી શકતા નથી. આપણા પૂર્વજોની સૂત્રાત્મક શૈલી અત્યંત વિશદ તથા સુસંબદ્ધ વિચારનું અને શબ્દોની શક્તિના જ્ઞાનનું પરિણામ હતું. લખાણમાં સંયમ જળવાવો જોઈએ : ‘આવડે એટલું બોલીએ નહિ, ને ભાવે તેટલું ખાઈએ નહિ’ એ લોકોક્તિ અહીં પણ લાગુ પાડવી જોઈએ. જાણતા હોઈએ તેટલું બધું લખી નાખવા કરતાં તેમાંથી થોડું રાખી મૂકવું એ વધારે સારું છે. સર્જન વિચારની સમદ્ધિમાંથી થયેલું હોય. એ સંયમને લીધે લખાણમાંથી દીર્ઘસૂત્રતા નીકળી જાય. આ જમાનામાં ટૂંકા લખાણનો મહિમા જ અદૃશ્ય થયો છે. વિદ્વત્તા બતાવવા, કે વિષયને અર્થે બધા લાંબું લખાણ આવશ્યક માને છે. પણ ખરી શક્તિ થોડા શબ્દોમાં વધુ અર્થ ઠાલવી દેવામાં રહેલી છે; લાંબુ લખવામાં ખરી કળા નથી પણ ટૂંકું લખવામાં છે. આપણા પૂર્વજોએ એ કળા સિદ્ધ કરેલી. એવાં સૂત્રોના રચનાર હવે પાકતા નથી. એટલી સાધના હોય તો પાકે. ટૂંકા લખાણની અસર લાંબા લખાણ કરતાં ઘણી જ વધારે થાય છે. એક જ અર્થગર્ભ વાક્ય સ્મૃતિ ઉપર ચોંટી રહે છે. લાંબું લખાણ તેમ નથી કરી શકતું. લખાણ એકથી વધારે વાર લખાયું હોવું જોઈએ અને તેથીયે વધારે વાર વિચારાયું હોવું જોઈએ. કસાયેલી કલમવાળા કે કસાતી કલમવાળા બંનેએ આ બહુ જ ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ છે. પ્રથમ લખાયેલું લખાણ ઉત્તમ નથી હોતું, પ્રતિભાશાળીઓના સંબંધમાં એ સાચું હોઈ શકે, પણ જેઓ હજી પહેલી પૂણી કાંતતા હોય તેમણે તો લખાણને ફરી ફરીને મઠેરવું જ જોઈએ. બને તો એક વાર લખીને કેટલોક કાળ લખાણ અલગ રાખી મૂકવું જોઈએ. કાળાન્તરે એને તપાસતાં તેમાં આપણને ઘણા સુધારા વધારા કરવા સૂઝશે. જે બહુ મહત્ત્વનું લાગતું હતું તે ક્ષુદ્ર લાગે છે, જે રહી ગયું હતું તે ફરી સૂઝે છે. ફરી લખવાથી કે લખાણને પક્વ થવા દેવાની અધીરાઈથી જે કંટાળતો હોય તેણે આ ક્ષેત્રમાં પગ મૂકવાની ધ્રૃષ્ટતા કરવી જ ન જોઈએ. વિષયનું પુનઃ પુનઃ ચિંતન અને તેનું અનેક વાર નિરૂપણ લખાણમાં ઘણી શક્તિ ઉમેરે છે. વિચારો જો સોના જેવા હશે તો તેઓ વિશેષ ઉજ્જ્વળ થઈ નીકળશે, નહિ તો ફરીથી ભઠ્ઠીમાં નાખતાં બળીને ખાખ થઈ જશે. લેખકને આવો ભય લાગતો હોય છે એટલે જ ઘણી વાર તે ફરીથી લખવાથી બીએ છે અને બીજાં બીજાં કારણો આપે છે. સારામાં સારાં સાહિત્યનાં સર્જનો કેટલીયે વાર વિચારાયેલાં અને નિરૂપાયેલાં છે. ભાષાને ખાતર, સાહિત્યને ખાતર અને વિષયને ખાતર આ વસ્તુ દરેક લેખકે અમલમાં મૂકવી જાઈએ. જો બની શકે તો દરેક લેખકે પોતાનું લખાણ છપાવતાં પહેલાં કોઈ મુરબ્બી અને પક્વ લેખકોની આંખ તળે પસાર કરાવવું જોઈએ. પોતામાં અતિ વિશ્વાસ ધરાવતો કે કોઈને નમવા જેટલી નમ્રતા ન ધરાવતો લેખક આ પસંદ ન કરે. છતાં એથી ગેરલાભ કંઈ ન થતાં માત્ર લાભ જ છે. પોતાનું લખાણ જો નિરર્થક નીવડે તો તેથી દુનિયાને કેટલું નુકસાન થશે તેનો ખ્યાલ કરવા તે પોતાનો લેખ લખાવાથી માંડીને વાંચનાર તેને વાંચીને લેખકને ગાળો દેતો નીચે મૂકી દે ત્યાં સુધી કેટલી ક્રિયાઓ એટલામાં થઈ ચૂકી હશે અને પૃથ્વીનાં કેટલાં દ્રવ્યો એની પાછળ ખર્ચાયાં હશે એનો ચિતાર પોતાની નજર આગળ ખડો કરી લે. નિરર્થક લખાણ અવશ્ય સૃષ્ટિ ઉપર એક શાપ રૂપ છે. આપણી કેટલી બધી શક્તિ આમ વ્યર્થ વેડફાઈ જતી હશે એનો કોઈએ હિસાબ કાઢ્યો છે? વધુ સંયમ જાળવી અને સત્યને અવલંબીને એ જ શક્તિનો યોગ્ય ઉપયોગ આપણે કરી શકીએ તો ભાષાની અને સાહિત્યની કેટલી બધી સેવા બજાવી શકીએ, બંનેનું સામર્થ્ય કેટલું બધું વધારી શકીએ! ભાષાની શક્તિ અને સાહિત્યની સમૃદ્ધિ વધારવાને આવી ઘણી વાતોની આપણે તપાસ રાખવી જોઈએ. આ બંનેની પવિત્રતાનો ખ્યાલ આપણે મનમાં ઠસાવવો જોઈએ. એ મહા શક્તિઓ છે. એમનો પ્રયોગ આવશ્યકતાને અનુસાર જ થવો જોઈએ અને તે પણ બીતાં બીતાં. ગમે તેવો અનધિકારી માણસ તેમની સાથે યથેચ્છ છૂટ લે એ અક્ષમ્ય ગણાવું જોઈએ. બંને આજે ભાજીમૂળા જેટલાં સોંઘાં થઈ પડ્યાં છે એ સ્થિતિ જવી જોઈ એ. એકએક શબ્દનો પ્રયોગ કેટલાયે મનન પછી થશે ત્યારે આપણે શબ્દનું અથાગ સામર્થ્ય – ‘એકઃ શબ્દઃ સમ્યગ્‌ પ્રર્યુક્તઃ સ્વર્ગે લોકે કામધુએભવતિ’ – પ્રત્યક્ષ કરી શકીશું? આ માટે આપણે કેટલીયે કષ્ટસાધના કરવી પડશે, અખંડ તપ તપવું પડશે, કેટલાયે માણસોએ સાહિત્યનો ભેખ લેવો પડશે. આ મહત્કાર્ય એકલે હાથે સધાય તેવું નથી, ગૂજરાતી ગિરાના ચિરંજીવ મહાલયને ઊભું કરવામાં કેટલાય નાના નાના મજૂરોથી માંડીને પ્રવીણ કારીગરોની જરૂર પડશે.

પાદનોંધ

  1. આ વિષયની વધુ વિસ્તારથી ચર્ચા માટે જુઓ સાબરમતી પૃ-૬-અંક ૫-૬ ‘વાણી પૂજા.’