સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – સુન્દરમ્‌/મ્હારાં સૉનેટ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૩. અવલોકનો
મ્હારાં સૉનેટ
(વિવરણ સાથે)

[કર્તા-પ્રકાશક : બલવંતરાય કલ્યાણરાય ઠાકોર]

કવિતાલેખના અને કવિતાવિચારણાનો ક્વચિત જ જોવા મળતો મેળ આપણને શ્રી બલવંતરાય ઠાકોરમાં મળેલો દેખાય છે. બે ભિન્ન ઉત્તમ શક્તિઓની આ સહસ્થિતિનો લાભ ગુજરાતને એમની સાહિત્યપ્રવૃત્તિથી કેટલાંયે વર્ષોથી મળ્યા કર્યો છે. જાતે કવિતા રચીને અને કવિતા વિષે તંદુરસ્ત વિચારસરણી વ્યાપક કરીને એમણે ગુજરાતની કવિતાને ઘડી છે અને યોગ્ય ઘાટ આપ્યો છે એ આજે સુવિદિત ઘટના છે. એવા એક વિદ્યાધન લેખકનું આ પ્રકાશન ૬૭ વર્ષની વયે પણ એમની ખંત અને જાગતી વિચારજ્યોતનો પુરાવો બની રહ્યું છે. અહીં મૂકેલાં ૪૨ સૉનેટોમાંથી એક સિવાય બધાં આ પૂર્વે પ્રગટ થઈ ગયા છે. આ બધાંને જુદાં સંગૃહીત કર્યાં છે – ‘વિવરણની ખાતર’. ૯૬ પૃષ્ઠના આ પુસ્તકનાં ૫૪ પૃષ્ઠ વિવરણે રોક્યાં છે. તેમ જ વિવરણનું સ્વરૂપ અને કાવ્યો સાથેનો તેનો સંબંધ જોતાં સંગ્રહનો પ્રવર્તક હેતુ વિવરણ બની રહે એ સ્વાભાવિક જ છે. વિવરણનો ‘ઉદ્દેશ આ કે અધિકારી વાચક પોતાની મેળે સમઝી જાય, ને બધું સમઝી લેવાના અધિકારી ઘણાને બનાવવા, કવિતામાત્રમાં આ પ્રકારની સહાનુભૂતિ, રસિકતા અને કલ્પનાવૃત્તિને જાતે લાગુ કરવામાં ઘણાને કેળવવા.’ અને તેથી પોતાની કૃતિઓ વિષે જે વિનય સંકોચ મૌ૦ન લેખકે સેવવું જો જોઈએ તેને અવગણીને પણ, ‘જાણે બીજા કોઈ બંધુની કવિતાનું વિવરણ માથે લીધું હોય’ તેમ વાચકની કલ્પના અને ગ્રહણશક્તિને ઉત્તેજવાની ફરજ અદા કરવા શ્રી ઠાકોર નીકળ્યા છે. આ સૉનેટોની રચના તો વર્ષો પૂર્વે થઈ ગયેલી છે. તેનો રસાસ્વાદ પણ અનેક વ્યક્તિઓએ લીધેલો છે. તોપણ આ પાકટ વયે સ્વાભાવિક એવી, કવિતાના અધિકારી વાચકોની સંખ્યાને વધારવાની ઇચ્છાથી પોતાની સર્જનાત્મક નહિ પણ ચિંતનાત્મક શક્તિને શ્રી ઠાકોરે જે ખૂબીથી વિલસવા દીધી છે તે તેમની ગુજરાતની કવિતાને વિકસાવવાની પ્રબળ ઝંખનાનો પુરાવો છે. એટલે આ સંગ્રહનું મુખ્ય અંગ વિવરણ બની રહે છે. એ વિવરણની પાછળ રહેલી કવિતા-સેવાની ભાવનાને લીધે આ પ્રયત્ન, એમણે ‘આપણી કવિતાસમૃદ્ધિ’માં કરેલા અપૂર્વ પ્રયત્ન કરતાં વધારે પ્રશસ્ય બને છે અને એમનાં પોતાનાં સૉનેટોને અનુલક્ષીને કરાયાથી – અન્ય વિવેચકને માટે બહુધા અશક્ય એવી કેટલીક ખૂબીઓના આવશ્યક સ્ફોટનથી તથા તટસ્થતાને પહોંચી શકાય તેટલો પ્રયત્ન કરી પોતાની મર્યાદાઓ સ્વીકારી, અન્યને મત બાંધવાની સ્વતંત્રતા આપી કરેલા રસદર્શનથી વધારે મૂલ્યવાન બને છે. આ સંગ્રહનું બીજું પ્રયોજન અથવા પરિણામ, જે કર્તાએ સૂચિત નથી કર્યું તે અમને લાગે છે કે સૉનેટ પ્રકારના કાવ્યબંધની પોતાની પ્રવૃત્તિનો આજ લગીનો નિચોડ અહીં રજૂ કરી દેવો અને સાથે સાથે ગુજરાતી કવિતાએ આ ક્ષેત્રમાં કરેલી પ્રગતિનો પણ આંક આવા મૌનથી સૂચવવો કે, ‘જુઓ, આપણે અંગ્રેજી સાહિત્યમાંથી સૉનેટ લઈ આવ્યા. આમાંથી બહુ સંખ્યા તે સાહિત્યની ઉત્તમ સૉનેટ રચનાઓ સાથે હારમાં બેસી શકે તેવી નથી?’ શ્રી ઠાકોર સૉનેટ પ્રકારના પ્રથમ અવતારક છે, અને એ વિષયમાં એમનાં ચિંતનમનન ચાલુ હોઈ આ રચનાવિશેષનો સુસંબદ્ધ ખ્યાલ એમના હાથે આપણને મળવા પામે એ ઇષ્ટ જ છે. શ્રી નરસિંહરાવ જેવા પ્રાચીન કાવ્યભાવનાના પ્રરક્ષકથી માંડી નવામાં નવો લેખક પણ સૉનેટ લખવા ઇચ્છે છે. પછી ભલે તે તેનું રહસ્ય ન સમજે, તે બતાવી આપે છે કે વિદેશી ઢંગના મુક્તક કાવ્યની આ સૉનેટ જાતિ આપણા અર્વાચીન કવિતામંદિરમાં પ્રવેશ મેળવી ચૂકી છે. શ્રી ઠાકોરનાં આ સૉનેટોએ, એમના જ શબ્દોમાં કહીએ તો, ‘આ જાતિનો પાયો નાખીને તેનો ખજાનો ખોલી આપ્યો છે.’ એ માટે તે અભિનન્દનને પાત્ર છે. આ સૉનેટબંધની ચર્ચા આપણે ત્યાં ઠીક પ્રમાણમાં થઈ છે, પણ તેની તાત્ત્વિક ગુણવત્તાનો ખ્યાલ આપણા લેખકોમાં હજી વ્યાપક બન્યો નથી. સૉનેટ એ માત્ર ચૌદ લીટીઓ નથી, પણ એક જ મનોભાવને નિરૂપતી, વિષયને આઠ તથા છ પંક્તિમાં ચડાવઉતાર આપતી, અથવા તો તેને ક્રમશઃ ત્રણ શ્લોકોમાં વિકસાવી છેલ્લી બે લીટીઓમાં છેવટની ચોટ મારતી રચના છે; એ માત્ર ઊર્મિનું નહિ, પણ ઊર્મિથી આર્દ્ર બનેલા વિચારનું નિરૂપણ છે. આ અંગ્રેજી વ્યાખ્યાની ભાવના એ અંગ્રેજી છે એટલા માટે નહિ, પણ રસદૃષ્ટિનું એક ઉત્તમ આલેખન છે માટે તે વધારે વ્યાપક બને તે ઇષ્ટ છે. આપણા યુવાન કવિ સુંદરજી બેટાઈએ પણ આ વિષયમાં એક નાનો નિબંધ પુસ્તિકાકારે તૈયાર કર્યો છે તે તથા પ્રસ્તુત સંગ્રહ તેમાંનાં ગંભીર ચિંતનો તથા ઉત્કૃષ્ટ ઉદાહરણોથી સૉનેટ પ્રકારની ગુણવત્તાને વધારવામાં મદદરૂપ બનશે. સૉનેટોની સંખ્યા તેના ગુણ કરતાં વધી પડવાનો સંભવ શ્રી ઠાકોરને લાગ્યો છે તે વાસ્તવિક છે. કેટલાક નવા લેખકો કાંઈ ૫ણ અભ્યાસ વિના આ વિષયમાં ગંભીર મતોચ્ચારણ કરી, તે પ્રમાણેના ખ્યાલથી કૃતિઓ રચી પોતે મહાસિદ્ધિ મેળવી એમ માને છે એ એક દુર્દશા છે. સૉનેટને ચૌદ લીટી જ શા માટે હોય, બાર ન ચાલે, પંદર કે સોળથી સૉનેટ શા માટે ન બને એવી પ્રશ્નમાળા ઊભી કરી ઉપરની વ્યાખ્યામાં મૂકેલા કાવ્યતત્ત્વના અંશ પણ વિનાની રચનાઓને સૉનેટ ગણાવવા ઇચ્છે છે. રૂઢિને વળગી રહેવું જ એમ અમે માનતા નથી. સૉનેટને જો બાર, પંદર કે સોળ-સત્તર લીટીનું કરવું હોય અને પંક્તિમર્યાદાની રૂઢિને તજવી હોય તો પછી સૉનેટના રૂઢ નામને વળગવું શા માટે? એને માત્ર કાવ્ય કહીને જ કાં સંતોષ ન લેવો? પોતે સૉનેટ રચી શકે છે એમ કહેવડાવવાની ઇચ્છાવાળાએ તો પછી સાચું સૉનેટ જ રચવું જોઈએ. ચૌદ લીટીની એક જ વિચારપૂર્ણ મનોભાવ રજૂ કરતી કૃતિને જ સૉનેટ એટલા માટે કહેવામાં આવે છે કે એ પ્રકારના બંધને પશ્ચિમમાં અનેક સમર્થ કવિઓએ યોજ્યો છે. એ પરંપરાના ઉજ્જ્વળ વારસાને વફાદાર રહેવું અથવા તેને વિકસાવવો એમાં નવીનોનું સાર્થક્ય છે. આપણે ત્યાં સૉનેટને વિકસાવવાની કે જૂની સિદ્ધિને પહોંચવાની વાત પણ બાજુએ રહી છે અને શિથિલતાને કારણે જ રૂઢિત્યાગની હિમાયત કરવામાં આવે છે તે ઇષ્ટ નથી. પ્રસ્તુત સંગ્રહમાંનાં સૉનેટો કર્તાનાં બીજાં પુસ્તકોમાં તથા સામયિકોમાં પ્રસિદ્ધ થઈ લોકોનો આસ્વાદવિષય બની ચૂકેલાં છે, તેથી તેમને વિષે વિશેષ કહેવાનું નથી રહેતું. એમાંનાં કેટલાંક અનુવાદો છે, તોપણ તે વિષયથી અને રચનાનુવાદના કૌશલ્યથી સ્વતંત્ર કૃતિ જેવાં જ મૂલ્યવાન છે. ‘પ્રેમનો દિવસ’ની એક શિથિલ તોય સંકળાયેલી રચનામાળામાંથી સૉનેટોને જુદાં કરી અહીં મૂક્યાં છે એની આછી વિશૃંખલતા પણ સહેજ સાલે છે. ‘યમને નિમંત્રણ’ અને ‘પ્રણયનું કામણ’ આ બે કૃતિઓ અમને બીજીની સરખામણીએ ફિક્કી લાગે છે. પહેલીમાં મૃત્યુને નિશા સાથે ઘટાવ્યું છે તે રૂપક યોગ્ય નથી લાગતું. ફૂલ રાત્રિને અંતે વિકાસ પામે છે તે રીતે આત્મા મૃત્યુને અંતે વિકાસ પામે છે એમ કહ્યું છે. હવે કલ્પનાને એ સરણીએ આગળ લંબાવતાં પ્રત્યેક જન્મમાં તથા મૃત્યુ પછી આત્માનો વિકાસ તો ઉત્તરોત્તર થાય એ બરોબર લાગે છે, પરંતુ પુષ્પનો પ્રત્યેક રાત્રિએ ઉત્તરોત્તર વિકાસ નથી થતો, પહેલી, બીજી કે ત્રીજી રાત્રિએ તે ખરી જ પડે છે. કર્તા એક જ રાત્રિ અને એક જ જન્મ પછીના મૃત્યુની વાત કહેવા ઇચ્છતા હોય તે સંભવિત છે, પણ તેથી અનેક રાત્રિ અને અનેક મૃત્યુનાં સૂચનોને ખાળી શકાય તેમ નથી. ફૂલ અને રાત્રિના સંબંધ પરથી ઉદ્‌ભવેલા રૂપક પર જ જીવ અને મૃત્યુના સંબંધનો ધ્વનિ સમજવાનો છે. રૂપક શિથિલ હોઈ કૃતિનો મુખ્ય ભાવ પણ તેવો જ બને છે. ‘પ્રણયનું કામણ’ પહેલી આઠ લીટીમાં પ્રેમનાં અને પછીની છ લીટીમાં પ્રેમના અભાવનાં પરિણામ વર્ણવે છે. કાવ્યને અંતે પ્રેમભાવની દુર્દશા જ અવશિષ્ટ ભાવ તરીકે રહેતી હોઈ પ્રણયના કામણની મીઠાશ કાવ્યમાંથી ધ્વનિત નથી થતી. ‘નાયકનું ચિંતવન’ની કૃતિ વિવરણ પ્રમાણે નાયકની દાંભિકતામાંથી જન્મે છે. કૃતિમાંથી કે આજુબાજુની પરિસ્થિતિમાંથી આ દાંભિકતા પ્રતીત નથી થઈ શકતી. એનું પ્રથમ આઠ પંક્તિઓમાંનું ચિંતન પણ અતિ જટિલ છે. આ સિવાયની બધી ૩૯ કૃતિઓ ભિન્ન ભિન્ન રીતે ચમકતાં પહેલદાર કાવ્યરત્નો છે. એના દેહબંધનું સૌંદર્ય, વિચારમધુર ઊર્મિઓની તાજગી નિત્યનૂતન છે. શ્રી ઠાકોરની ઉત્કૃષ્ટ કાવ્યશક્તિ અને દૃઢ અર્થબંધની રચના કુશળતા અહીં અપ્રતિમ રીતે જોવા મળે છે. શ્રી ઠાકોરના આ સૉનેટબંધ એ ચૌદ લીટીમાં બાંધેલા ચૌદ મણ રૂની પાકી ગાંસડીઓ જેવા છે. સૉનેટોમાંથી બીજું એક જોવાનું મળે છે તે શ્રી ઠાકોરની દિવસે દિવસે વિકસતી શબ્દમાધુર્ય અને ભાષાસૌષ્ઠવ પ્રત્યેની નિષ્ઠા. ‘કલાનું એક ધ્યેય પૂરેપૂરી સફાઈ’ એમ તેઓ કહે છે. એ સફાઈ સાધવા પ્રેસમાં મોકલવાની નકલ કરતાં સુધી તેઓ દરેક કાવ્યમાં સુધારા કરતા જ રહે છે. અહીંની દરેક કૃતિ કંઈ ને કંઈ સુધારા સાથે મૂકેલી છે. આ સંગ્રહનો એ પણ એક બીજો લાભ છે. શરૂઆતની કેટલીક રુક્ષતા અને શિથિલતા અહીંથી સાવ અદૃશ્ય થઈ છે. અને એમની જાગ્રત સૌષ્ઠવમાધુર્ય વૃત્તિએ ઘણાં કાવ્યોનાં કાઠાં ફેરવી નાંખ્યાં છે. આના ઉદાહરણ તરીકે અમે ‘નિદ્રાને વિનવણાં’ રજૂ કરીએ છીએ. વિવરણનું મૂલ્ય અનેક રીતે છે. પોતાનાં કાવ્યોનું પોતે વિવરણ લખવાની આ રીત નવી નથી. નરસિંહરાવે પણ આમ કરેલું છે. પણ એ અને આ વિવરણ જુદા પ્રકારનાં છે. અહીં પોતાનાં ગુણગાન ખાતર નહિ પણ કવિતાના અર્થસ્ફોટન અને રસદર્શનની દૃષ્ટિએ, ક્યાંક અહંગાન કે મતાગ્રહ થઈ જાય તો તેની પ્રારંભથી જ ક્ષમાયાચના સાથે, તથા લેખકના મંતવ્યને વળગી ન રહેવાની સૂચના સાથે વિવરણ મૂકેલું છે. વિવરણની મર્યાદા પણ તેમણે યોગ્ય રીતે સ્વીકારી લીધી છે કે તે કાવ્યને તથા વાચકને લાકડીના ટેકા રૂપ છે. કાવ્યને જે કહેવાનું છે તથા વાચકને જે સમજવાનું છે તે તેમણે આત્મબળે જ કરવાનું છે. ‘કવિતામાત્રમાં એવાં સ્થાનો આવે છે, જ્યાં મૂળ ભાવાર્થાભિવ્યક્તિને માટે એ વિરલ લયાન્વિત પદાવલિનાથી ભિન્ન શબ્દો જડે જ નહીં : ત્યાં તો કોઈ પણ રૂપાંતર કે વિવરણ શક્ય નથી! આ જેમ કવિતા માટે તેમ જ વાચકને માટે આ કે, ફરી ફરીને મનન કરી રસકલ્પનાની સૂક્ષ્મતા ફરી ફરીને પ્રયોજીને મૂલનાં અંગોપાંગ યથાસ્થિત ગ્રહણ કરવા અપનાવવાની ટેવ અને લાગણીવાળા આરૂઢ ભોગીને વિવરણની જરૂર નથી, તેમ ઉત્તમોત્તમ વિવરણે સંતોષી શકે નહીં.’ છતાં આ વિવરણનું લાકડી રૂપે અને કેટલીક વાર ભોમિયા રૂપે પણ ઘણું મહત્ત્વ છે. અનેક વિચારબિંદુઓ અહીં લેખકે વેર્યાં છે. કવિતા, શૃંગારમર્યાદા, અનુવાદનું મૂલ્ય, જોડણીની છૂટ, મુક્તક શૈલી, કવિસ્વાતંત્ર્ય, સિદ્ધાંતાગ્રહ, લગ્નધર્મ, કાવ્યનો લય, લયમાધુર્યનું ઝીણવટથી પૃથક્કરણ, બ્રિટિશ રાજકારણ, કવિતાની ઉચ્ચ ભાવનામયતા વગેરે બાબતો વિષે મૂલ્યવાન વિધાનો, કાવ્યના અર્થને વધારે રસવાળો, પરિપુષ્ટ અને સ્પષ્ટ કરે તેવી રીતે સમજૂતી, વિસ્તાર અને યથાસ્થાને રસસૂચન, કેટલીક અગત્યની માહિતી અને કર્તાની ઝડપી, રંજક ધરખમ અને અર્થગંભીર ગદ્યશૈલી એવું ઘણું ઘણું આમાં ભર્યું છે. કવિતા અને તેનાં આનુષંગિક વિધાનો નહિ તોપણ પુનઃપુનઃ કથન માગી લે તેવું વસ્તુ નવી છટાથી રજૂ કરે છે, જે અમે વાચકોને ત્યાંથી જ જોઈ લેવા વીનવીએ છીએ. અત્યારે કેટલીક દિશાઓમાં એવો મત પ્રવર્તી રહ્યો છે કે જે કાવ્યને વિવરણ આપવું પડે તેમાં કાવ્ય તરીકે ન્યૂનત્વ હોય છે. આ મત ક્યાંથી અને કઈ વિચારસરણીમાંથી જનમ્યો છે તે કહેવું મુશ્કેલ છે. અલબત્ત, જે કાવ્યને વધારે વિવરણની જરૂર પડે તે જ ઉત્તમ કાવ્ય એ તો અજ્ઞ મત જ કહેવાય. પણ કેટલાક પ્રકારની કળાકૃતિઓ એવી હોય છે કે જેના વિષે વિવરણ-ટીકા-ભાષ્ય-સ્ફોટ વગેરેથી તેની ઉત્કૃષ્ટતાનાં તત્ત્વો વધારે સરળતાથી ગ્રહી શકાય. અમુક ઘટના આપણે નજરે જોઈ હોય, તેમાં જાતે ભાગ લીધો હોય તોપણ તેને વિષે વાતચીત કરીએ છીએ અને તેના વિષેની સમજણ વધારે દૃઢ કરીએ છીએ તેથી ઘટનાનું મહત્ત્વ કમી નથી થતું. તેવી જ રીતે કાવ્ય સાથે તેની ચર્ચા વગેરે પણ એક સ્વાભાવિક પરિણામ છે. આ વિવરણ પણ ઘણે ઠેકાણે આવું ચર્ચાત્મક હોઈ એ કાવ્યોની માત્ર ટીકા નહિ પણ તેની બીજી આનુષંગિક ચીજોને રજૂ કરી કાવ્યના રસાસ્વાદને વધારે પુષ્ટ કરે છે. કેટલેક સ્થળે એનો વિસ્તારેલો અર્થદેહ ગદ્યમાં પણ રોચક હોવા સાથે, તેના પરથી મૂળ કાવ્યને વાંચતાં તેના દૃઢ અને ઘટ્ટ અર્થનું ગૌરવ અને કૌશલ પ્રતીત કરાવે છે. વિવરણમાં એક આકર્ષક તત્ત્વ તે શ્રી ઠાકોરે કાવ્યના લયના સૌંદર્યનો પૃથક્કરણપૂર્વક આપેલો સ્ફોટ છે. એક નાનું ઉદાહરણ લઈશું.

‘અને વળિ જુવે–ઊડી ફરી ફરી તરંગો ઉપર
પ્રસારિ નિજ મેલ ફીણ વમળો અરે કીટકો
લસે અમિત, ને શમે, તદૃપિ ખાર મૂકી જતા.
અરે સરિત માહરા જીવનની! અરેરે પ્રભો!’

વિવરણ : – ઉડતો પંખી નિશ્ચલ રહે ત્યારે તે આખો સ્થિર હોય, અવકાશના અમુક સ્થળે જ સ્તબ્ધ હોય, પણ એની સ્નાયુચેષ્ટા થંભી નથી, ઉલટી વિશેષ હોય છે. પંક્તિ ૪ ના (અહીં પંક્તિ ૧ લી). આરંભ – ‘અને વળિ’ – થી શરૂ થતા ઉચ્ચારણને શ્વાસ લેવાનું સ્થાન તે પંક્તિને અંતે નથી, પંક્તિ પાંચમીને અંતે પણ નથી. ૬ઠ્ઠી પંક્તિમાં પાંચમી વર્ણીએ – ‘લસે અમિત’ પછી આવે છે. પછી તુર્ત બીજે વિરામ ૮મી વર્ણીએ – ‘શમે’ પછી આવે છે; અવાજ ૫ણ ‘અને વળિ’થી ‘અમિત’ લગી ચડતો છે; ‘તદૃપિ’થી પડવા માંડે છે અને પંકિત ૭મી તો નિઃશ્વાસ છે.’ (પૃષ્ઠ ૭૬).

‘અદૃષ્ટ ભવથી વળી જિગરનાં જુનાં પાપથી
બચાવ! જય આપ! આ વિમલ સ્રોત પોતાપણે
વહે, સલિલઓઘઅર્ઘ્ય ધરતો ત્હને હે પ્રભો!’

આ ત્રણ પંક્તિઓનો આરોહ તો ઘણા વાચકો પોતાની મેળે જોઈ શકે છે. બીજી પંક્તિમાંના ચાર ‘આ’ ચારે ભારથી યુક્ત ઇષ્ટ લયસિદ્ધિમાં કેવો ભાગ ભજવે છે તે જુઓ. આ પ્રમાણેનું પૃથક્કરણ શ્રી ઠાકોરની જ નહિ પણ સર્વ કવિતાના અગદ્ય પદબંધના આરોહઅવરોહની ખૂબીઓ સમજવામાં કેટલું મદદ રૂપ બને તે સ્વયં સ્પષ્ટ છે. શ્રી ઠાકોરની રચનાઓ અને તેમાંય સૉનેટો વધારે અર્થઘન અને દુર્બોધ છે તે સ્વીકારવા સાથે અને તેમનું વાચન, વિવરણ સાથે પણ, જરા શ્રમ ઉપજાવે તેવું છે છતાં એની પાછળ રહેલી નિર્મળ કાવ્યભાવના અને કાવ્યોનો ગૂઢ રસ હરેક સહૃદયને આકર્ષવા પૂરતો છે. જે હેતુથી શ્રી ઠાકોરે આ પ્રકાશન કર્યું છે તે વિકસિત ગ્રહણશક્તિ અને રસદૃષ્ટિવાળા વાચકોની સંખ્યામાં વધારો કરવાનો હેતુ આ સંગ્રહથી પાર પડો એવી ઇચ્છા રાખીશું અને ગુજરાતના કવિતા લેખકોનાં તથા કવિતા રસિકોનાં અભ્યાસી માનસ વધો એવી આશા રાખીશું. (બુદ્ધિપ્રકાશ)