સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - જયન્ત કોઠારી/૨.૨ સાહિત્યસંશોધન : પદ્ધતિ અને સમસ્યાઓ
૨.૨
સાહિત્યસંશોધન : પદ્ધતિ અને સમસ્યાઓ
સંશોધન એટલે શું? સંશોધનની સૌથી પહેલી સમસ્યા સંશોધન કોને કહેવું એ જ છે. સાહિત્યસંશોધનની પેઠે સાહિત્યવિવેચન નામની પણ એક પ્રવૃત્તિ છે. આ બંનેનાં કાર્યક્ષેત્રો અલગઅલગ છે કે એક છે? આપણે ત્યાં પીએચ.ડી.ના મહાનિબંધ રૂપે જે અધ્યયનો થાય છે એ ગણાવાય તો છે સંશોધનમાં, પણ એમાં હંમેશાં સાહિત્યવિવેચનથી જુદા પ્રકારનું કાર્ય થતું હોય છે ખરું? દલપતરામ, ગોવર્ધનરામ, ઉમાશંકર કે ચૂનીલાલ મડિયાના સાહિત્યસર્જનનો અભ્યાસ કરનાર સાહિત્યસમીક્ષાની રૂઢ પરિપાટીએ જ બહુધા ચાલતો નથી હોતો? એમાં નવાં નિરીક્ષણો ને મૂલ્યાંકનોને અવકાશ હોય છે, પણ એવું તો કોઈ પણ સાહિત્યવિવેચનમાં નથી હોતું? આપણે ત્યાં સાહિત્યસંશોધન વિશે જે લખાણો થયાં છે તેમાં સાહિત્યવિવેચન અને સાહિત્યસંશોધનનાં કાર્યક્ષેત્રો અલગ પાડવાનો કોઈ પ્રયાસ થયો છે ખરો? એમાં સંશોધનનો એવો વિશાળ અર્થ કરીને ચાલવામાં નથી આવ્યું કે જેમાં વિવેચનનો પણ સમાવેશ થઈ જાય? તો પછી શું કરવું? સાહિત્યસંશોધનને સાહિત્યવિવેચનથી જુદું કઈ રીતે પાડવું? એને એમ જુદું પાડવું આવશ્યક છે? એ દેખીતુ છે કે ‘સંશોધન’ નામે જુદો શબ્દ આપણે પ્રયોજીએ છીએ ત્યારે એ દ્વારા કશુંક જુદું આપણને અભિપ્રેત હોવું જોઈએ. આ શું હોઈ શકે એનો વિચાર કરીએ ત્યારે સમજાય છે કે સાહિત્યનું સર્જન બે રીતે અસ્તિત્વ ધરાવે છે – એક, ઐતિહાસિક ઘટના લેખે, હકીકત લેખે, પદાર્થ લેખે; બે, કલ્પના કે રસાસ્વાદના વિષય તરીકે, સાહિત્યિક મૂલ્ય કે ગુણવત્તાના પ્રતીક તરીકે. પહેલા પ્રકારના અસ્તિત્વની તપાસ વસ્તુલક્ષી ધોરણે થઈ શકે, એમાં સત્યાસત્યના નિર્ણયો હોઈ શકે; બીજા પ્રકારની તપાસ માટે સંપૂર્ણ વસ્તુલક્ષી ધોરણો હોતાં નથી. રુચિની કેટલીક સર્વસમાનતા છતાં આત્મલક્ષી આસ્વાદ ને મૂલ્યાંકન માટે પૂરતો અવકાશ હોય છે ને તેથી એમાં સત્યાસત્યના નિર્ણયો હોઈ શકતા નથી. દાખલા તરીકે ‘હારમાળા’નું કર્તૃત્વ નરસિંહ મહેતાનું માનવું કે કેમ એ વિશે વસ્તુલક્ષી ધોરણે, જરૂરી આધારો ટાંકીને, તપાસ થઈ શકે ને કશુંક ચોક્કસપણે સ્થાપી શકાય; પરંતુ ‘હારમાળા’ કાવ્ય તરીકે કેવું એ વિશે ભિન્ન અભિપ્રાયો હોઈ શકે છે. એની યોગ્યાયોગ્યતા ચર્ચી શકાય, પરંતુ એમાંથી આ અભિપ્રાય સાચો ને આ અભિપ્રાય ખોટો એમ હકીકત લેખે સ્થાપી ન શકાય; એમાં રુચિભેદને અવકાશ છે તે આપણે સ્વીકારવું પડે. તો સાહિત્યને લગતી હકીકતોની જે બહારની દુનિયા છે તેની સાથે કામ પાડવું તે સાહિત્યસંશોધન અને સાહિત્યનાં આંતરિક રસાસ્વાદ ને મૂલ્યનો વિચાર કરવો તે સાહિત્યવિવેચન, એમ આપણે બંનેનાં કાર્યક્ષેત્રોને સગવડપૂર્વક જુદાં પાડી શકીએ. એ વાત સાચી છે કે સાહિત્યસંશોધને સાહિત્યિક મૂલ્યને લક્ષમાં લીધા વિના ચાલતું નથી – અંતે સાહિત્યિક મૂલ્યસ્થાપનામાં એની પરિણતિ થાય એમાં એની સાર્થકતા છે ને સાહિત્યવિવેચનને સાહિત્યને લગતી હકીકતોનો આધાર લીધા વિના ચાલતું નથી – એના વિના સાહિત્યવિવેચનને ઘણી વાર નક્કરતા ને વિશ્વસનીયતા પ્રાપ્ત થતી નથી, એટલે કે સાહિત્યસંશોધને સાહિત્યવિવેચનનો ને સાહિત્યવિવેચને સાહિત્યસંશોધનનો આશ્રય લેવો પડે છે. તે ઉપરાંત સાહિત્યવિચારનાં કેટલાંક કાર્યક્ષેત્રો જ એવાં છે કે એમાં સાહિત્યસંશોધન અને સાહિત્યવિવેચનની સીમાઓ એકબીજામાં ભળી જાય છે. તેમ છતાં મુખ્યત્વે સંશોધન અને વિવેચનની કાર્યદિશા જુદી છે એમ માનવામાં કશો બાધ નડતો નથી. આ જાતની વૈચારિક સ્પષ્ટતાથી સંશોધન અને વિવેચન બંને પ્રવૃત્તિઓને લાભ થશે, કેમ કે એ પોતાનાં વિશિષ્ટ લક્ષ્યો પર વધારે એકાગ્રતાથી ને ક્ષમતાથી ધ્યાન કેન્દ્રિત કરી શકશે. આપણે ત્યાં કેટલીક વાર સાહિત્યસંશોધન એટલે મધ્યકાલીન સાહિત્યનું સંશોધન એવો અર્થ થઈ ગયો હોય એવું દેખાય છે. મધ્યકાલીન સાહિત્યના આજ સુધી અજાણ્યા રહેલા સર્જક મળી આવે, એમની અપ્રકાશિત કૃતિઓ મળી આવે, એ કૃતિઓની પ્રમાણભૂત વાચના તૈયાર કરવાનું કામ મળી રહે એટલે મધ્યકાલીન સાહિત્ય, સંશોધન માટેનું તરત નજરે ચડે એવું ક્ષેત્ર આપણે માટે બની જાય છે. પરંતુ અર્વાચીન સાહિત્યનાયે હકીકતોના, જરા જુદા પ્રકારના, પણ અનેક પ્રશ્નો હોઈ શકે છે. ડો. રમેશ શુક્લનો મહાનિબંધ ‘કલાપી અને સંચિત્’ કલાપીના જીવન-કવનવિષયક હકીકતોના કેટલાબધા પ્રશ્નો લઈને આપણી સમક્ષ આવે છે! કદાચ આપણે હકીકતોની બરાબર નોંધ નથી લેતા, એને સ્વીકરી લઈને ચાલીએ છીએ ને તેથી હકીકતોના પ્રશ્નો આપણને ભાગ્યેે જ ઊભા થાય છે. આપણા સાહિત્યના ઇતિહાસો પણ નાનામોટા અનેક હકીકતદોષોથી ભરેલા છે એનું કારણ હકીકતો તરફનું આપણું આ દુર્લક્ષ જ છે. સાચું કહીએ તો સાહિત્યસંશોધનનાં દ્વાર આપણે ત્યાં જરા જેટલાં જ ખૂલ્યાં છે અને એના ઘણાં કાર્યક્ષેત્રો હજુ વણસ્પર્શ્યાં રહ્યાં છે.
સંશોધનની પદ્ધતિ સંશોધન માટે સૌથી પહેલી પૂર્વશરત એ છે કે સંશય થવો. જો પ્રાપ્ત હકીકત વિશે તમને સંશય ન થાય તો સંશોધનને અવકાશ જ ક્યાંથી મળે! જે પ્રધાનપણે સંશયાત્મા છે, પ્રાપ્ત હકીકતને સ્વીકારી લેતો નથી, એ જ સંશોધક બની શકે છે. ભવાઈવેશો જેમને નામે ચડાવવામાં આવે છે તે અસાઈત ઠાકર અને ‘હંસાઉલી’ના કર્તા અસાઈત એક જ છે એવી સામાન્ય રીતે સ્વીકૃત હકીકતને કોઈ વ્યક્તિ કોઈ ધન્ય ક્ષણે શંકાની નજરે જુએ છે ત્યારે સંશોધનની દિશા ઊઘડે છે. શંકા માટે કશુંક કારણ તો જોઈએ જ. એટલે હકીકતોને જોવાની કેળવાયેલી દૃષ્ટિ વિના શંકા ઉદ્ભવતી નથી, એ માટે કેટલીક પૂર્વસજ્જતા પણ જોઈએ. મધ્યકાળમાં અસાઈત નામના એક જ કર્તા હોય એમ માનવાનું જરૂરી નથી એમ જે જાણતું હોય તેને માટે અહીં કેટલાક પ્રશ્નો ઊભા થાય : ભવાઈવેશોના રચયિતા અસાઈત ઠાકર ગણાય છે, ત્યારે ‘હંસાઉલી’ના કર્તા પોતાને કેવળ ‘અસાઈત’ તરીકે ઓળખાવે છે; અસાઈત ઠાકર વિશેની કેટલીક અનુશ્રુતિઓ છે, જેનો ‘હંસાઉલી’માં કશો જ નિર્દેશ નથી; ‘હંસાઉલી’ની રચનાસાલ મળે છે. જ્યારે ભવાઈવેશોનો રચનાસમય નિશ્ચિત થતો નથી. આ હકીકતો પરથી જિજ્ઞાસુ સંશોધક સંશોધન માટેનો એક કોયડો અવશ્ય રચી શકે. ઘણી વાર તો વિપુલ સામગ્રીની વચ્ચે જ્યારે સંશોધક મુકાય છે ત્યારે સંશોધન માટેના પ્રશ્નો આપોઆપ ઉપસ્થિત થાય છે. કેમ કે વિપુલ સામગ્રીમાં તથ્યના પરસ્પરવિરોધો જડ્યા વિના રહેતા નથી. બીજી બાજુથી, એ વિપુલ સામગ્રીમાંથી જ સાચી હકીકત પર પહોંચવાની ચાવી પણ ઘણી વાર મળી રહેતી હોય છે. ‘ગુજરાતી સાહિત્યકોશ’ના મધ્યકાલીન વિભાગની કામગીરી શરૂ કરતાં જ એ પ્રશ્ન સામે આવેલો કે આપણે જાણીતી સામગ્રીને આધારે જ કોશ તૈયાર કરવો કે હસ્તપ્રતયાદીઓ સમેતની સર્વ મુદ્રિત સામગ્રીનો આધાર લેવો? અંતે સર્વ સામગ્રીનો આધાર લેવાનું નક્કી થયું. એથી કોશનું કામ ઘણું વધ્યું બેશક – આ બધી સામગ્રીમાં નાનામોટા હકીકતભેદો મૂંઝવે એટલા પ્રમાણમાં હાથમાં આવ્યા. પણ ધીમેધીમે સાચી હકીકત સુધી પહોંચવાની ચાવીઓ પણ એમાંથી જ જડવા લાગી અને મધ્યકાલીન સાહિત્ય પરત્વે હકીકતોની શુદ્ધિવૃદ્ધિનું ગંજાવર કાર્ય આ સાહિત્યકોશ નિમિત્તે થયું. એક સાધન એક ઠેકાણે ખોટું હોય, પણ બીજે ઠેકાણે કોઈ બંધ તાળાને ઉઘાડી નાખનારું હોય. સર્વ સામગ્રીનો તુલનાત્મક પર્યેષક અભ્યાસ કરવાથી સંશોધનને અસાધારણ સહાય મળે છે. તો, સંશોધકનું પહેલું કામ સામગ્રીનું ચયન કરવાનું છે. પોતાના સંશોધનવિષયને લગતી સામગ્રી એણે ખૂણેખૂણેથી એકઠી કરવી જોઈએ અને સામગ્રી આપી શકે એવા કોઈ સાધનની ઉપેક્ષા ન કરવી જોઈએ. અપ્રકાશિત હસ્તલિખિત ખાનગી સાધનો સુધી પણ એણે પહોંચવું જોઈએ અને બની શકે તો સંશોધનવિષયની સીધી જાણકારી ધરાવનાર વ્યક્તિઓનો સંપર્ક પણ કરવો જોઈએ. માહિતી મેળવવા માટે એક પત્રકાર જેમ ગમે ત્યાં પહોંચી જાય છે, તેમ સંશોધકે પણ પોતાના વિષયની વધુમાં વધુ માહિતી એકઠી કરવાના સઘળા પ્રયત્નો કરી છૂટવા જોઈએ. જેટલી વધુ સામગ્રીમાંથી સંશોધક પસાર થશે એટલી એના સંશોધનને અધિકૃતતા મળવાની શક્યતા વધશે. સંશોધક પાસે અપેક્ષા છે કે એ વણસંતોષાયેલી જિજ્ઞાસા સાથે સતત ઘૂમ્યા કરે – પોતાના વિષયક્ષેત્રમાં અને આજુબાજુ પણ સંશોધકને પોતાના નિયત વિષયની સાંકડી સીમામાં પુરાઈ રહેવું પાલવે નહીં. એના વિષયના છેડાઓ અણધારેલે અનેક સ્થાને જઈને અડકતા હોવાના. ગુજરાતી સાહિત્યકોશે ગુજરાતી કર્તાઓનો કોશ કરવાનું વિચારેલું તેથી સ્વાભાવિક રીતે જ એણે ગુજરાતી કૃતિઓનાં અને કર્તાઓનાં જ સૂચિકાર્ડ કર્યાં. એમાં ગર્ગર્ષિને નામે ‘પાસાકેવલી’ નામની ગુજરાતી કૃતિ નોંધાયેલી મળે અને શંકા જાય કે આ નામના કોઈ ગુજરાતી કવિ હશે ખરા? સંસ્કૃત સાહિત્યનાં સાધનો તપાસતાં જોવા મળે કે ગર્ગર્ષિની મૂળ કૃતિ તો સંસ્કૃતમાં જ અને બહુ જૂના સમયમાં રચાયેલી છે. એનું ગુજરાતી રૂપ ગર્ગર્ષિનું હોવાની કોઈ શક્યતા જ નથી. ‘ગર્ગર્ષિ’ નામ મૂળકૃતિના કર્તા તરીકે જ ગુજરાતી કૃતિની પુષ્પિકામાં આવેલું હોય એટલે ગુજરાતી રૂપ તો અજ્ઞાતકર્તૃક જ ગણવું જોઈએ. આ રીતે સાહિત્યકોશને સંસ્કૃત ઉપરાંત હિંદી, રાજસ્થાની વગેરે ભાષાઓના સંદર્ભસાહિત્યની સહાય લેવાના પ્રસંગો ઊભા થતા ગયા. પછીથી તો જોવા મળ્યું કે મધ્યકાલીન સાહિત્યના કોયડાઓ ઉકેલવા માટે જે-તે સમયનાં ઇતિહાસ, ભૂગોળ, સમાજ, ધર્મસંપ્રદાય, તત્ત્વજ્ઞાન, ભાષા વગેરેની જાણકારી પણ અનિવાર્ય છે. શિવદાસ દક્ષિણ દેશમાં ગયા હતા એમ ઉલ્લેખ મળે એટલે આપણે એમ સમજી બેસીએ કે આજના દક્ષિણ ભારતના – કર્ણાટક વગેરે પ્રદેશમાં એ ગયા હશે. પણ એ ગયા હોય માત્ર ખાનદેશ સુધી જ. એ સમયે ખાનદેશ ગુજરાતનો દક્ષિણ દેશ જ ગણાતો હતો. ખોજા કવિઓના પ્રશ્નો એ સંપ્રદાયના પ્રમાણભૂત ઇતિહાસની મદદ વિના ઊકલી જ ન શકે અને જૈન કૃતિઓના અનેક સંદર્ભોને સમજવા માટે એ સંપ્રદાયની રૂઢિઓ, પરિભાષા આદિની જાણકારી આવશ્યક બની જાય. આ બતાવે છે કે સંશોધકે અમુક અર્થમાં સર્વવિદ બનવું પડે છે. સગવડ ખાતર આપણે વિભાગો ભલે પાડીએ પણ જ્ઞાનનો એક અખંડ પ્રદેશ છે એ સમજથી એણે ચાલવાનું હોય છે. અનેક સાધનોમાંથી માહિતી એકત્રિત થયા પછી સંશોધકે એ નિર્ણય કરવાનો આવે છે કે આમાંથી કયાં સાધનો અધિકૃત છે અને કેટલે અંશે અધિકૃત છે. કોઈ પણ સાધન ભૂલ ન કરે એવું નથી હોતું. વ્યક્તિ પોતે પોતાના વિશે પણ કેટલીક વાર અનવધાન કે સ્મૃતિદોષથી ખોટી માહિતી આપી દેતી હોય છે. મેઘાણીએ પોતાની એક કવિતામાં જીવનનાં વર્ષોનો ઉલ્લેખ કર્યો એ જ એમના જન્મવર્ષનો નિર્ણય કરવામાં ગૂંચવનારો બન્યો છે. એને અધિકૃત માનીએ તો બીજા ઘણા આધારોને ખોટા માનવાની સ્થિતિ આવે છે. (જુઓ, ‘પરબ’, ડિસેમ્બર ૧૯૮૧ – ‘ઝવેરચંદ મેઘાણીની જન્મતારીખ’, વિનોદ મેઘાણી, જયંત મેઘાણી.) પણ સામાન્ય સંયોગોમાં વિરોધી પુરાવો ન હોય તો અમુક સાધન વધારે અધિકૃત અને અમુક સાધન ઓછું અધિકૃત એવો નિર્ણય લઈ શકાતો હોય છે અને એ કરવો આવશ્યક હોય છે. જેમ કે સંશોધનપૂર્વક તૈયાર ન થયેલા હોય તેવા લોકોપયોગી ભજનસંગ્રહોમાં અપાયેલી માહિતી સામાન્ય રીતે ઝાઝી અધિકૃત ન ગણાય. એમાં રવિભાણસંપ્રદાયના ખીમસાહેબ ખેમસાહેબ તરીકે ઉલ્લેખાયા હોય અને એમને હાલારના ખંભાલીડાની જગ્યાવાળા તરીકે ઓળખાવાયેલા હોય એમ બને. અધિકૃત સાધનો ખીમસાહેબ નામ અને એમની જગ્યા રાપરમાં હોવાની માહિતી આપતાં હોય તો ભજનસંગ્રહની માહિતી છોડવી જ જોઈએ. વધુ તપાસ કરતાં આપણને સમજાય પણ ખરું કે મોરારસાહેબે ખંભાળિયામાં ગાદી સ્થાપેલી એ હકીકતની ભેળસેળ ખીમસાહેબ સાથે થઈ ગયેલી છે. એ જ રીતે નવાં સાધનો ખીમસાહેબનું જન્મવર્ષ સં. ૧૯૭૦ આપતાં હોય અને એ માટે આધાર પૂરો પાડ્યો ન હોય ને જૂનાં પરંપરાગત સાધનોમાં ખીમસાહેબનું જન્મવર્ષ આપવામાં આવતું ન હોય તો જન્મવર્ષને શંકાની નજરે જોવું જોઈએ. કદાચ કોઈએ અટકળથી કે અસમર્થિત જનશ્રુતિને આધારે એ આપ્યું હોય. સાધનોની અધિકૃતતા વિચારતી વખતે આ મૂળ સાધન છે કે પરવર્તી સાધન છે એ પણ લક્ષમાં લેવું જોઈએ. અન્યત્રથી માહિતી લઈને, કશા સંશોધન વગર સંકલન કરનારા સાધનમાં વિશ્વાસ ઓછો મૂકી શકાય. ‘મધ્યકાલીન ગુજરાતી આખ્યાન’ (શશિન ઓઝા) કે ‘પ્રાચીન કવિઓ અને તેમની કૃતિઓ’ (રમણીક દેસાઈ) જેવા ગ્રંથોમાં મધ્યકાલીન કૃતિઓની યાદી હોય તેનું અન્યત્રથી સમર્થન ન થતું હોય તો તેની અધિકૃતતા વિશે વિચાર કરવો પડે. જોવા મળ્યું છે કે આવા ગ્રંથોમાં અનેક પ્રકારના દોષો થઈ ગયા છે – કાચીપાકી માહિતી ભેગી કરી લેવામાં આવી છે, મૂળ સ્થાનેથી માહિતી લેવામાં સરતચૂક થયેલી છે કે કેટલીક વાર છાપભૂલ જેવા દોષો પણ દાખલ થઈ ગયા છે. આપણા અભ્યાસીઓ પણ જરૂર પડ્યે હાથવગા સાધનને આધારે માહિતી આપી દેતા હોય છે, બધી વખતે એની ચકાસણી કરવાનું એમનાથી બનતું નથી. ડૉ. ભાયાણીએ એમણે આપેલી એક નાનકડી યાદીમાંની માહિતીને, જો અન્યત્રથી સમર્થન ન મળતું હોય તો, અનધિકૃત ગણવા અમને સૂચવ્યું હતું. મધ્યકાળની અપ્રકાશિત કૃતિઓની યાદી હોય ત્યારે જો એમાં હસ્તપ્રતોનો અને એનાં સ્થાનનો નિર્દેશ હોય તો યાદી વધારે અધિકૃત ગણાય અને આરંભ-અંતના ભાગો ઉતાર્યા હોય તો એ સોથી વધારે અધિકૃત ગણાય. ઘણી વાર કોઈ માહિતીને ઘણાં સાધનોનો ટેકો હોય અને એનાથી જુદી માહિતીને અલ્પ ટેકો હોય ત્યારે આપણે ઘણાં સાધનોના ટેકાને વજનદાર ગણવા પ્રેરાતા હોઈએ છીએ. પણ ઘણાં સાધનો જે માહિતી આપતા હોય તેનું મૂળ એક જ હોય અને અનધિકૃત હોય. ‘ગ્રંથ અને ગ્રંથકાર પુસ્તક ૬’ (૧૯૩૫), ‘આપણી કવિતાસમૃદ્ધિ’ (સંપા. બલવંતરાય ઠાકોર, ૧૯૩૯) અને ‘આપણાં ખંડકાવ્યો’ (સંપા. ધીરુભાઈ ઠાકર વગેરે, ૧૯૫૭) ગણપતરામ ભાવસારના ‘દશરથનો અંતકાળ’નો એક જ પાઠ આપતાં હોય અને પહેલાં બે સંપાદનો તો એ કાવ્ય જ્યાં પહેલું છપાયેલું તે ‘કુમાર’ (૧૯૩૪)નો સંદર્ભ પણ આપતાં હોય તો આ પાઠને જ અધિકૃત માનીને ચાલવાનું સામાન્ય રીતે બને. પણ ‘કુમાર’ (૧૯૩૪) આપણે જોઈએ તો જ ખ્યાલ આવે કે આ પ્રચલિત પાઠ તો કાવ્યનો એક ખંડમાત્ર છે અને ‘ગ્રંથ અને ગ્રંથકાર’માં રજૂ થયો તે પછી સૌએ એમાંથી આ પાઠ લીધો છે. (જુઓ ‘પરબ’, ઑક્ટોબર ૧૯૮૧ – ‘ખંડકાવ્ય નહીં, પ્રસંગકાવ્યખંડ’, રમણ સોની.) અતથ્ય, અનેક વાર પુનરુક્ત થાય એથી એ કંઈ તથ્ય બની શકે નહીં અને સંશોધકે તો મૂળ સાધન સુધી પહોંચી તથ્યને પામવાનો પ્રયાસ કરવો જોઈએ. મૂળ સાધન ખરેખર શું કહે છે એ ચોકસાઈથી જોવું પણ જરૂરી હોય છે. સહેજ પણ અનવધાન આપણને ખોટે માર્ગે લઈ જાય. ‘કાવ્યદોહન’માં દલપતરામ ‘ધ્રુવાખ્યાન’ના કર્તા અંગે એમ જણાવે કે એ વસાવડના કાલિદાસ જણાય છે. તો એમાં ‘જણાય છે’ શબ્દને અને એ દ્વારા વ્યક્ત થતા અટકળના ભાવને બરાબર લક્ષમાં લેવો જોઈએ અને વસાવડના કાલિદાસની જ એ કૃતિ હોવાનું નિશ્ચિત કરી ન દેવું જોઈએ. ‘બૃહત્ કાવ્યદોહન’ (ભા. ૧, પૃ. ૬૦૦) વગેરેમાં આ કૃતિ – જેમાં ‘કાલિદાસ’ નામ પણ નથી – વસ્તુતઃ વસાવડના કાલિદાસની કૃતિ તરીકે જ છપાયેલ છે. મૂળ રજૂઆત તરફ બરાબર લક્ષ ન રહેવાથી હકીકત, આમ, કેટલીક વાર બદલાઈ જતી હોય છે. બટુભાઈ ઉમરવાડિયાએ પોતાના એક ગ્રંથમાં પ્રકાશ્ય પુસ્તક તરીકે ‘શૈવાલિની અને બીજાં નાટકો’નો નિર્દેશ કર્યો એ, પછીથી, બટુભાઈનાં પ્રકાશિત પુસ્તકોની યાદીમાં પણ આવી ગયું – એવું કોઈ પુસ્તક કદી પ્રકાશિત ન થયું હોવા છતાં. (જુઓ ‘બટુભાઈનાં નાટકો’, સંપા, અનંતરાય રાવળ, ૧૯૬૪) કાં તો પ્રકાશ્ય પુસ્તક તરીકે એનો ઉલ્લેખ થયો હતો તેના તરફ લક્ષ ન ગયું અથવા માની લેવામાં આવ્યું કે એ પુસ્તક પછીથી પ્રગટ થઈ ગયું છે. સહેજ પણ અનવધાન મૂળ આધારથી આપણને કેટલાબધા દૂર લઈ જાય છે એનું એક લાક્ષણિક ઉદાહરણ નોંધવા જેવું છે. ભોગીલાલ સાંડેસરા (‘ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક’, એપ્રિલ-જૂન ૧૯૩૭, પૃ. ૧૦૬) કર્મણ મંત્રીને નામ દશમસ્કંધનાં પદો નોંધે છે. કર્મણ મંત્રીના ‘સીતાહરણ’ની એકમાત્ર હસ્તપ્રત કેશવલાલ હ. ધ્રુવને મળેલી અને એમણે એ કૃતિ સંપાદિત કરીને ‘પંદરમા શતકનાં પ્રાચીન ગૂર્જર કાવ્ય’ છાપેલી. કર્મણ મંત્રી વિશે આ સિવાય બીજો કશો જ આધાર પ્રાપ્ત થતો નથી. તો ડૉ. સાંડેસરાને દશમસ્કંધનાં પદોની માહિતી ક્યાંથી મળી એવો પ્રશ્ન સ્વાભાવિક રીતે જ થાય. વહેમ જાય છે કે ‘પંદરમા શતકનાં પ્રાચીન ગૂર્જર કાવ્ય’ની પ્રસ્તાવનામાં કે. હ. ધ્રુવે કર્મણ મંત્રી વિશે નોંધ લખી છે તેમાંની એક હકીકત પરત્વે ડૉ. સાંડેસરાની સમજણફેર થઈ ગઈ છે. કે. હ. ધ્રુવ લખે છે કે “ ‘સીતાહરણ’ સાધારણ આખ્યાન અને વાર્તાની કોટિનું કાવ્ય છે. એની સાથે એની પૂર્વ કૃતિઓ જોડી દેવામાં કર્મણે ભાલણના જેવી ભૂલ કરી છે. આ કવિએ ઉત્તર વયે રચેલા ભાગવત દશમસ્કંધમાં પૂર્વ વયનાં કૃષ્ણબાળલીલાનાં પદો ગોઠવી દીધાં છે.” આ નોંધમાં “આ કવિએ” એટલે ભાલણે એમ અભિપ્રેત છે, પણ એને બદલે કર્મણ એમ સમજાઈ જવા પૂરો સંભવ છે અને એમ થતાં દશમસ્કંધનાં પદો કર્મણ મંત્રીનાં છે એમ ફલિત થાય. સંશોધકે ઘણી વાર અનુમાનનો આશ્રય લેવાનો થતો હોય છે. એમાં બે બાબતોની કાળજી રાખવી જોઈએ. એક, અનુમાનને અનુમાન તરીકે જ મૂકવું જોઈએ, એને હકીકત તરીકે સ્થાપિત કરી ન દેવું જોઈએ. બીજું, અનુમાન માટે આધારભૂત ભૂમિકા હોવી જોઈએ. કઈ હકીકત પરથી કયા અનુમાન સુધી જઈ શકાય એ હંમેશાં વિવેકભરી વિચારણા અને સૂક્ષ્મ ઇતિહાસદૃષ્ટિ માગે છે. કલાપી એક પત્રમાં પોતે ‘શેલડી’ (‘ગ્રામ્ય માતા’) કાવ્ય વડર્ઝવર્થની શૈલીએ લખ્યાનું જણાવે અને બીજા પત્રમાં વર્ડ્ઝવર્થના ‘ગૂડી બ્લૅક’ કાવ્યના વિચારથી પ્રભાવિત થયાનું બતાવે એ પરથી વર્ડ્ઝવર્થના ‘ગૂડી બ્લૅક’ પરથી પોતે ‘ગ્રામ્ય માતા’ રચ્યું છે એમ કલાપી કહે છે એવું સ્થાપિત કઈ રીતે કરી શકાય? વધુમાં વધુ એવું અનુમાન થઈ શકે. પરંતુ એવા અનુમાન માટેય અહીં પૂરતો આધાર નથી તેમ પ્રયોજન નથી. કેમ કે ‘ગ્રામ્ય માતા’નું કથાવસ્તુ ‘ગૂડી બ્લૅક’ સાથે નહીં પણ અન્ય કથાઓ સાથે સ્પષ્ટ મળતાપણું ધરાવે છે અને હકીકતમાં જે નથી તે કલાપી કહે છે એમ માનવા તરફ જવાનો કોઈ હેતુ નથી. (ડૉ. રમેશ શુક્લના ‘કલાપી અને સંચિત્’ના આ મુદ્દા પરત્વે જુઓ મારો લેખ ‘કલાપીની ખેલપટુતા? – ૧’, ‘શબ્દસૃષ્ટિ’, મે-જૂન ૧૯૮૫) અખાભગત પોતાને ‘સોનારા’ તરીકે ઓળખાવતા હોય તો એજ્ઞાતિએ સોની હતા એમ નિશ્ચિતપણે કહી શકાય. પરંતુ એમણે સોનીનો વ્યવસાય કર્યો જ હશે એમ નિશ્ચિતપણે કહી ન શકાય. એવું અનુમાન થઈ શકે અને એવા અનુમાન માટે પૂરતો આધાર છે એમ પણ કહી શકાય, કેમ કે એ જ્ઞાતિએ સોની છે તે ઉપરાંત એમની કૃતિઓમાં સોનીના વ્યવસાયની એમની જાણકારી બતાવતા ઉલ્લેખો મળે છે. બીજી બાજુથી અખાજીની કૃતિઓમાં ટંકશાળને લગતા ઉલ્લેખો મળતા હોય તો એમણે ટંકશાળની નોકરી કરી હતી એવું અનુમાન કરવાને માટે ભાગ્યે જ પૂરતો આધાર ગણાય, કેમ કે અખાજીની કૃતિઓમાં અન્ય ઘણા વ્યવસાયોને લગતા ઉલ્લેખો પણ મળે છે અને અખાજીએ એ બધા વ્યવસાયો કર્યા હશે એમ કહેવું અનુચિત છે. સંશોધનના ક્ષેત્રમાં અનુશ્રુતિઓ સાથે કામ પાડવામાં આવતું હોય છે. અનુશ્રુતિઓના ઉપયોગ પરત્વે પણ કેટલીક કાળજી રાખવાની હોય છે. એક, અનુશ્રુતિને માટે અન્ય કોઈ આધારો સાંપડે છે કે કેમ તે તપાસી અનુશ્રુતિની પ્રમાણભૂતતા ચકાસવી જોઈએ. બે, અનુશ્રુતિને અનુશ્રુતિ તરીકે જ રજૂ કરવી જોઈએ, ઐતિહાસિક હકીકત સાથે એની ભેળસેળ ન કરવી જોઈએ. અખાભગત જેતલપુરના વતની હતા. એવી અનુશ્રુતિ મળતી હોય અને એમની ભાષામાં અમદાવાદની આજુબાજુની ઉત્તર ગુજરાતની ભાષાનો રણકો દેખાતો હોય તો એટલે અંશે એ અનુશ્રુતિને ટેકો મળે છે એમ કહી શકાય, પરંતુ કોઈ અન્ય દસ્તાવેજી પુરાવો ન હોય તો એ અનુશ્રુતિ જ રહે, એ સિદ્ધ ઐતિહાસિક હકીકત ન બને. ઐતિહાસિક હકીકત, અનુમાન અને અનુશ્રુતિની ભેળસેળ કરવાનું એટલું બધું સહજ છે કે આ બધાંને જુદાં પાડી એમને યોગ્ય સ્થાને મૂકી આપવાં એ સંશોધકની એક મહત્ત્વની કામગીરી બની જાય છે. આ પ્રકારની કામગીરી ઉત્તમ રીતે બજાવેલી હોય એનો દાખલો સંશોધકોને ઉમાશંકર જોશીના ‘અખો – એક અધ્યયન’માં જોવા મળશે. સંશોધકની સામે અન્ય ઘણાં જોખમો પડેલાં હોય છે – કેટલાંક સાધનો ને હકીકતો એને હાથવગાં ન થાય, બે હકીકતોને ખોટી રીતે જોડી દેવાનું બની જાય, ભળતા ઉલ્લેખથી છેતરાઈ જવાય વગેરે. એટલે સંશોધક પાસે અપેક્ષા એ હોય છે કે એ અત્યંત ધૈર્યપૂર્વક, સાવધાનીપૂર્વક આગળ ચાલે. સાહસિક બનવાનું એને સહેજે પાલવે નહીં. એની જવાબદારી ઘણી મોટી છે, કેમ કે એના કામને તપાસનાર બીજો સંશોધક તો નીકળે ત્યારે ખરો. સામાન્ય રીતે લોકો એને સ્વીકારીને જ ચાલવાના, એટલે એણે સંશોધેલી હકીકતો ચલણી બની જવાનો પૂરો સંભવ હોય છે. તો ખોટી હકીકત ચલણી ન બને એ જોવાની એની જવાબદારી છે. શક્ય તેટલી સર્વદેશીય સજ્જતા સાથે, વિપુલ સામગ્રીમાંથી પસાર થઈને, ઇતિહાસનિષ્ઠ વૈજ્ઞાનિક સૂઝ ને વિવેક કામે લગાડીને, અવધાન અને ચોકસાઈપૂર્વક એ કામ કરશે તો એનાં સંશોધનો ચિરંજીવ પ્રજાકીય સંપત્તિ બની રહેશે.
સંશોધનની સમસ્યાઓ સાહિત્યસંશોધનને જે સમસ્યાઓ કે પ્રશ્નો સાથે કામ પાડવાનું થાય છે તે અનેકવિધ છે. આપણે એમને કેટલાક વિષયમાં વહેંચીને એમનો વિચાર કરી શકીએ. દરેક સમસ્યાની અનેક આંટીઘૂંટીઓ પણ હોઈ શકે છે. એટલે સંશોધનની સમસ્યાઓનું સર્વગ્રાહી નિરૂપણ કરવું હોય તો એક આખો ગ્રંથ રચવો પડે. અહીં તો આપણે માત્ર દિગ્દર્શન રૂપે કેટલાક મુદ્દાઓ ચર્ચીશું.
કૃતિવિષયક સમસ્યાઓ સાહિત્યની સમગ્ર દુનિયાનો પાયો સાહિત્યકૃતિ છે – એનો પાઠ છે. જેની સાથેનો સંબંધ કોઈનાથી પણ ટાળી ન શકાય એવો પદાર્થ એ છે. સાહિત્યસંશોધનની સમસ્યાઓનો આરંભ કૃતિના પાઠના પ્રશ્નોથી જ થાય છે. આ પ્રશ્નો મધ્યકાલીન સાહિત્ય પરત્વે ઘણા તીવ્ર છે. કેમ કે મધ્યકાલીન કૃતિનો પાઠ સુનિશ્ચિત હોતો નથી. મધ્યકાલીન સાહિત્ય હસ્તલિખિત, તેમાં કર્તાના હસ્તાક્ષરની પ્રત ભાગ્યે જ મળે. ઘણી વાર તો એમના સમયમાં તૈયાર થયેલી પ્રત પણ ન હોય. વહેલામોડા સમયે અનેક લહિયાઓને હાથે તૈયાર થયેલી હસ્તપ્રતોમાં અનેક પાઠભેદો સાંપડે, એમાં લેખનદોષ, સમજફેર ને પાછળથી થયેલા ફેરફારોને પૂરતો અવકાશ હોય. એક પ્રત મળતી હોય તો એ પણ અશુદ્ધ હોય અને બહુધા શ્રાવ્ય સાહિત્ય હોવાથી કર્તાની પોતાની બે પ્રતો મળતી હોય તો એમાં પણ પાઠભેદો હોય. કર્તાના હસ્તાક્ષરની એકમાત્ર પ્રતમાં પણ લેખનદોષો રહી ન ગયા હોય એવું નહીં. આમ કૃતિની અધિકૃત વાચના તૈયાર કરવાનું કામ ઘણું મોટું અને જટિલ થઈ જાય છે. એ સંશોધક પાસે ઘણી સજ્જતા માગે. એણે લિપિની જાણકારી મેળવવી પડે અને લહિયાના વિશિષ્ટ મરોડોને પકડવાની સૂઝ બતાવવી પડે. મધ્યકાલીન ભાષાનું – એનાં શબ્દભંડોળ, વ્યાકરણ, રૂઢિપ્રયોગો ને ઉચ્ચારણવ્યવસ્થાનું પણ – જ્ઞાન પ્રાપ્ત કરવું પડે ને કામે લગાડવું પડે. કૃતિમાં ઘણા ધાર્મિક-સામાજિક સંકેતો પડેલા હોય. એ એણે ઉકેલવા પડે. મધ્યકાલીન પદ્યબંધ ને સાહિત્યરૂઢિઓના પરિચય વિના એને ન ચાલે. કૃતિના વિચાર અને કલ્પનાના જગતમાં પણ એણે ઊંડે ઊતરવું પડતું હોય છે. ‘અખાના છપ્પા’ની ‘બૃહત્ કાવ્યદોહન’ની વાચના જુઓ અને ઉમાશંકર જોશીની વાચના જુઓ એટલે પાઠશુદ્ધિ કેટલી મોટી ને મહત્ત્વની હોઈ શકે છે એનો ખ્યાલ આવશે અને ‘વસંતવિલાસ’ની કે. હ. ધ્રુવની વાચના પછી કાન્તિલાલ વ્યાસે કરેલા એકથી વધુ પ્રયત્નો તપાસો એટલે અધિકૃત વાચના કેટલો દીર્ઘ શ્રમ માગે છે એનો ખ્યાલ આવશે. મધ્યકાલીન કૃતિના પાઠનિર્ણયની પ્રક્રિયા અટપટી છે ને એનું શાસ્ત્ર વિકસેલું છે. એમાં અહીં આપણે ન જઈ શકીએ, પરંતુ પાઠનિર્ણય કેવો મહત્ત્વનો હોય છે ને કેવી સૂઝ માગે છે એનું એક જ દૃષ્ટાંત લઈશું. ‘અખાના છપ્પા’ના જૂના પાઠ “વાયુ હીંડે વિના પરાગ”ને સ્થાને ઉમાશંકર જોશી હસ્તપ્રતોના ટેકા સાથે “વાયુ હીંડે વિના પર-પાગ” એ પાઠ સ્થાપિત કરે છે. પહેલી દૃષ્ટિએ તો કોઈને પણ “વાયુ હીંડે વિના પરાગ” એ પાઠ વધુ સરળ લાગે, કેમ કે “પર-પાગ” એ શબ્દપ્રયોગ અજાણ્યો છે. જરા વિચાર કરીએ તો મૂંઝવણ જરૂર થાય કે પરાગ વગર વાયુ વહે છે એનું તાત્પર્ય શું? ઉમાશંકર જોશી બતાવે છે કે ‘પર’ એટલે પીછું (પાંખ) એ ફારસી શબ્દપ્રયોગ અખામાં અન્યત્ર પણ મળે છે. એ પછી, વાયુને વહેવા માટે પાંખ કે પગની જરૂર નથી હોતી એ અર્થ કેટલો સ્પષ્ટ થઈ જાય છે! જેને કોઈ સાધનની આવશ્યકતા નથી એવા જ્ઞાનીની વાતને એ કેવી માર્મિક રીતે પ્રગટ કરી આપે છે! અર્વાચીન સાહિત્યમાં વાચનાના પ્રશ્નો ન જ હોય એમ માનવા જેવું નથી. પરંતુ આપણે ત્યાં એ ક્ષેત્ર હજુ ખેડાયું નથી. ડૉ. રમેશ શુક્લે કલાપીની રચનાઓની એવી હસ્તલિખિત સામગ્રી તરફ ધ્યાન દોર્યું છે જેમાં પાઠભેદો અસ્તિત્વ ધરાવે છે. તે ઉપરાંત કલાપીની રચનાઓનાં એકથી વધુ સંપાદનો પણ થયાં છે. એમણે તો ‘કાશ્મીરનો પ્રવાસ’ ને પત્રોમાં પણ પાઠના પ્રશ્નો જોયા છે ને ચર્ચ્યા છે. મુદ્રણદોષોથી તેમ સંપાદકના કર્તૃત્વથી પણ પાઠ બદલાય. ‘દશરથનો અંતકાળ’નો એક ખંડ આખું કાવ્ય લેખાઈ ગયો એ સંપાદકનું જ કર્તૃત્વને? પહેલી વાર ‘ગ્રંથ અને ગ્રંથકાર’માં એ ખંડ છાપનાર સુંદરમે એ કાવ્યખંડ છે એમ ન કહ્યું તેમાંથી મુશ્કેલી સર્જાઈ. કૃતિવિષયક પ્રશ્નોમાં એક પ્રશ્ન કૃતિનામનો છે. મધ્યકાળમાં આ અંગેની સ્થિતિ ઠીકઠીક પ્રવાહી હતી. કૃતિની પુષ્પિકામાં લહિયાઓ અંદરની સામગ્રીને અનુલક્ષીને એક યા બીજા નામથી કૃતિનો ઉલ્લેખ કરે એવું બનતું. આમાંથી આપણા મનમાં સંભ્રમ થાય એવી પરિસ્થિતિ પણ ઊભી થતી. ‘વિનેચટનો રાસ’ અને ‘વિદ્યાવિલાસ રાસ’ તરીકે ઓળખાવાયેલી એક કર્તાની એક જ કૃતિ – એની કથાવસ્તુ આપણે ન જાણતા હોઈએ તો – બે અલગ કૃતિઓ હોવાનું માનીને આપણે ચાલીએ. (હકીકતમાં આવું બનેલું છે.) વિરહી રામે સીતાને લખેલા પત્ર(લેખ) રૂપે કૃતિ છે એમ આપણે જાણતા ન હોઈએ તો ‘રામસીતાલેખ’ અને ‘સીતાવિરહ’ને આપણે બે જુદી કૃતિઓ જ લેખીએ. અર્વાચીન સાહિત્યમાં લહિયાની દરમિયાનગીરી નથી હોતી, છતાં કૃતિનામના પ્રશ્નો રહેવાના – જુદાં કારણોથી. કાન્તે પોતે સામયિકોમાં છપાયેલાં એમનાં કાવ્યોનાં શીર્ષકો ‘પૂર્વાલાપ’માં બદલ્યાં છે. આ વસ્તુ સંશોધકને ઘડીભર ગૂંચવણમાં નાખે જ. છપાયેલા ગ્રંથોની બાબતમાં તો એમનાં અધિકૃત નામ એમાં આપેલાં હોય તે જ ગણાય. પણ કોઈ વાર અનવધાનથી કે સરળતા ખાતર ગ્રંથનામનો જુદી રીતે ઉલ્લેખ થતો હોય છે અને એ ચલણી બની જતો હોય છે. બટુભાઈ ઉમરવાડિવાના નાટ્યસંગ્રહનું નામ ગ્રંથ પર તો છે ‘મત્સ્યગંધા અને ગાંગેય તથા બીજાં ચાર નાટકો’ પણ બટુભાઈ પોતે જ પોતાના પછીના પુસ્તકમાં એ ગ્રંથનો ઉલ્લેખ ‘મત્સ્યગંધા અને ગાંગેય’ એ રીતે કરે છે. કોઈ વાર અપૂરતી માહિતીને કારણે કૃતિનામમાં ભૂલ થાય એમ પણ બને. ‘પ્રાકટ્યસિદ્ધાંત’ એ ગોપાલદાસની કૃતિ ‘ગોકુલેશલીલાબ્ધિરસકલ્લોલ’-ના એક અંશનું નામ છે તે ‘કવિચરિત ભા. ૧-૨’(કે. કા. શાસ્ત્રી)માં કૃતિનામ તરીકે ઉલ્લેખાય છે. અર્વાચીન સાહિત્યમાં મુદ્રણદોષથી કૃતિનામ બદલાઈ જાય એમ બને. રાજેન્દ્ર શુકલનું ‘અવાજ’ કાવ્ય એક પાઠ્યપુસ્તકમાં ‘આજ’ શીર્ષક સાથે છપાવેલું (ને કોઈ વિદ્વાને એ શીર્ષકને અનુલક્ષીને એની વિવેચના પણ કરેલી એવું સાંભળ્યું છે) અને પરિષદ પ્રકાશિત ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૩’(૫ૃ. ૧૨૬)માં ગણપતરામ ભટ્ટની કૃતિનું નામ ‘પાર્વતી-કુંવરચરિત્ર’ને બદલે ‘પાર્વતીનું વરચરિત્ર’ છપાયું છે (આ નામ કૃતિના વિષયવસ્તુને જ કેવું બદલી નાખે છે!)૧ [1] સાહિત્યકૃતિના સ્વરૂપ કે એની સામગ્રી અંગે પણ કેટલીક વાર ગેરસમજ પ્રચલિત થઈ જતી હોય છે. કૃતિના પ્રત્યક્ષ પરિચય દ્વારા આવી ગેરસમજ દૂર કરવાનું કાર્ય સંશોધકનું છે. બટુભાઈ ઉમરવાડિયાનું ‘રસગીતો’ એ પુસ્તક કાવ્યના પુસ્તક તરીકે ઓળખાવાય છે ત્યારે એમાં પદ્યરચનાઓ હશે એવો જ ખ્યાલ ઊભો થાય. વસ્તુતઃ એમાં એક અપવાદ સિવાય ગદ્યરચનાઓ છે – અલબત્ત, એ રચનાઓની સામગ્રી ને શૈલી એવા પ્રકારની છે કે એને ગદ્યકાવ્યો તરીકે ઓળખાવવી હોય તો ઓળખાવી શકાય. હરિ હર્ષદ ધ્રુવનું ‘વસંતવિલાસિકા’ પરિષદ-પ્રકાશિત ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ - ખંડ ૩’માં (પૃ. ૨૮૧) કાવ્યકૃતિ તરીકે ઓળખાવાયેલ છે, પરંતુ એ છે પદ્યમિશ્રિત નાટક. સાહિત્યકૃતિનો અર્થ કરવામાં આવે ત્યારે પણ કેટલાક કોયડાઓ ઊભા થતા હોય છે. મધ્યકાલીન કૃતિના અર્થો કરવામાં ભૂલ થવાની શક્યતા ઘણી વધારે હોય છે, કેમ કે એ સમયનો કેટલોક નિરાળો શબ્દકોશ-રૂઢિપ્રયોગકોશ છે તે ઉપરાંત એનો સાંસ્કૃતિક સંદર્ભ પણ વિશિષ્ટ છે. અખાજીની ‘બાવનપે બુધ્ય આધી વટી’ એ પંક્તિમાં બાવન વર્ષની ઉંમરનો સંકેત જોવો ઘણો સરળ છે – હકીકતમાં એમ બન્યું, પરંતુ નર્મદાશંકર મહેતાએ બતાવ્યું કે આ તો વર્ણમાળાના બાવન અક્ષરની એટલે કે વાણીપ્રપંચનો ઉલ્લેખ છે. વાણીપ્રપંચની પારના બ્રહ્મતત્ત્વને વર્ણવવા અખાજી ‘ત્રેપનમો’ શબ્દ વાપરે છે એ તરફ પણ એમણે ધ્યાન દોર્યું. સમયના વહેણ સાથે શબ્દકોશ અને સાંસ્કૃતિક સંદર્ભ બદલાયા જ કરતા હોય છે અને કેટલાક લેખકો તો પોતાનો વિશિષ્ટ શબ્દકોશ લઈને આવતા હોય છે. એટલે અર્વાચીન સાહિત્યમાં પણ અર્થઘટનની ગરબડો ઊભી થતી જોવા મળે છે. કાન્તના ‘સારસ’ શબ્દને એમના મિત્ર બલવંતરાયે પંખીવાચક શબ્દ ગણી લીધો – એમણે સંપાદિત કરેલ ‘કાન્તમાલા’માં કાન્તના પત્રમાં એનો ‘lilies’ એવો અનુવાદ થયો હોવા છતાં. સંસ્કૃતમાં ‘સારસ’ શબ્દનો ‘કમળ’ એ અર્થ છે જ (સરસ્ એટલે સરોવર, તેની સાથે સંબંધ ધરાવે છે તે). અને સંસ્કૃત શબ્દો આવા, ગુજરાતીમાં ન જાણીતા અર્થોમાં વપરાયા હોય એવા બીજા દાખલા પણ કાન્તમાંથી જડે છે. એમના ‘દયા’ શબ્દે વિદ્વાનોને ભરમાવામાં ક્યાં નથી નાખ્યા? સંસ્કૃતમાં એ શબ્દ ‘સ્નેહ’ના અર્થમાં પણ છે ને કાન્ત એને એ અર્થમાં વાપરે છે. આપણને જાણીતા ‘કરુણા’ના અર્થમાં નહીં. કૃતિના અર્થઘટનનું ક્ષેત્ર ઘણું મોટું છે – શબ્દાર્થ ઉપરાંત અન્વયના, અલંકારાદિના મર્મના, કૃતિમાંથી વ્યક્ત થતા લેખકના જીવનવિચારના પ્રશ્નો સુધી પહોંચી શકાય. મૂળભૂત રીતે આ બધા હકીકતનિષ્ઠ પ્રશ્નો છે પણ અર્થઘટનને વિવેચન પણ પોતાનું કાર્યક્ષેત્ર માને છે ને એના પ્રશ્નો કેટલાંક જુદાં પરિણામો ધારણ કરે છે એટલે આપણે આટલેથી અટકીશું. માત્ર, અન્યયાદિના અર્થઘટનની તપાસના નમૂના લેખે ‘ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક’માં જુલાઈ-સપ્ટે. ૧૯૭૮થી ઑક્ટો-ડિસે., ૧૯૮૪ સુધી ચાલેલી ‘અખાના છપ્પા’ના અર્થવિચાર વિશેની મારી લેખમાળા૨ [2]તરફ ધ્યાન ખેંચવાનું હું ઇચ્છીશ.
કર્તૃત્વની સમસ્યાઓ સાહિત્યકૃતિનું ખરેખરું કર્તૃત્વ કોનું એ પ્રશ્ન કેટલીક વાર ઊભો થતો હોય છે અને સંશોધકે એ ઉકેલવાનો આવતો હોય છે. મધ્યકાળના સાહિત્યના કર્તૃત્વના કોયડાઓ થોડા વિશિષ્ટ છે. એમાં કૃતિમાં કર્તાનામ ને ઓળખ હોય અથવા તો લહિયાની પુષ્પિકા પ્રમાણભૂત રીતે કર્તાનામ આપતી હોય તો કર્તૃત્વ નિશ્ચિત થાય. આમાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવાનો અવશ્ય આવે છે. જૈન કવિઓ પોતાની ગુરુપરંપરા પણ ઘણી વાર આપતા હોય છે. કૃતિને અંતે આ રીતે ઘણાં નામ આવે ત્યારે વાચનદોષને કારણે કર્તૃત્વ એક વ્યક્તિને બદલે બીજી વ્યક્તિ પર આરોપાઈ જાય એ સંભવિત છે. ‘ગુજરાતી સાહિત્યકોશ’ની કામગીરીમાં એવા દાખલાઓ અનેક જડ્યા છે જેમાં હસ્તપ્રતયાદીઓ અને અન્ય સૂચિઓમાં કૃતિ એના મૂળ કર્તાને સ્થાને એમના ગુરુને નામે ચડી ગઈ હોય. બીજી મુશ્કેલી કવિનામ ગૂંથવાની મધ્યકાલીન રૂઢિની છે, કેટલીક વાર પર્યાયશબ્દનો એમાં ઉપયોગ થતો હોય છે. જેમ કે દેવજી ઋષિનો નામોલ્લેખ ‘અમરાભિધ ઋષિ’ (અમર એટલે દેવ, એ નામના ઋષિ) તરીકે થયો છે. જૈન કવિઓમાં ગુરુનામ ને પોતાનું નામ જોડીને નવી સંજ્ઞા ઊભી કરવાની એક પ્રથા હતી. જેમ કે ‘જ્ઞાનઉદ્યોત’ એટલે જ્ઞાનસાગરશિષ્ય ઉદ્યોતસાગર. ‘શુભવીર’ એટલે શુભવિજયશિષ્ય વીરવિજય. આ લક્ષમાં ન આવે તો ‘જ્ઞાનઉદ્યોત’, ‘શુભવીર’ વગેરે નવા કર્તાઓ અસ્તિત્વમાં આવી જાય, કેમ કે ઉદ્યોતસાગર અને વીરવિજયને નામે કૃતિઓ મળતી જ હોય. એમ ન હોય તોપણ ખરી કર્તાઓળખ આપણાથી ઓઝલ જ રહે. ‘ક્ષમાવિજયશિષ્ય જિનવિજય ‘ક્ષમાવિજય જિન’ એ રીતે પોતાનો નામનિર્દેશ કરતા હોય તો ‘જિન’ શબ્દને જિનદેવના અર્થનો વાચક સમજી ક્ષમાવિજયને જ કર્તા ગણી લેવાની ભૂલ થવાની ઘણી શક્યતા છે. વસ્તુતઃ આવી ભૂલ થયેલી છે. એક મધ્યકાલીન રૂઢિ કવિનામ શ્લેષથી ગૂંથવાની હતી. કાવ્યના અંતભાગમાં ‘જિન’, ‘ઉત્તમ’, ‘પદ્મ’ એવા શબ્દો ગૂંથાતા હોય ને એમાં જિનવિજયશિષ્ય ઉત્તમવિજયના શિષ્ય પદ્મવિજયના કર્તૃત્વનો સંકેત રહેલો હોય. શ્લેષથી નામ ગૂંથાય ને પર્યાયશબ્દનો ઉપયોગ થાય ત્યારે પરિસ્થિતિ વધારે ગૂંચવણભરી બને છે. કાવ્યના અંતમાં આવતા ‘સહજકલાનિધિ’ અને ‘સાગર’ એ શબ્દો ભ્રાતૃચંદ- (સહજ = ભ્રાતૃ, કલાનિધિ = ચંદ્ર)ના શિષ્ય સાગરચંદ્રનો સંકેત કરે છે એ પકડતાં, આથી જ, જરા વાર લાગે. કર્તાનામ હોય તો પણ પૂરી ઓળખ સાથે કર્તાને નિશ્ચિત કરવામાં અવરોધો નડ્યા વિના રહેતા નથી. કૃતિમાં કર્તાનામ માત્ર ‘ઋષભ’ હોય તો એ ઋષભદાસ, ઋષભવિજય કે ઋષભસાગર છે એ કેવી રીતે નક્કી કરવું? આવી કૃતિઓ જુદેજુદે સ્થાને એકથી વધુ કર્તાને નામે મુકાયાના દાખલા મળે જ છે. બીજી બાજુથી ક્ષમાકલ્યાણ પોતાનો નામનિર્દેશ ‘કલ્યાણ’ એ શબ્દથી પણ કરતા હોય ત્યારે ‘કલ્યાણ’ નામથી મળતી કૃતિઓનું કર્તૃત્વ નિશ્ચિત કરવાનો કોયડો ઊભો થાય. એમાં સમય કે ગચ્છ કે ગુરુનામનો નિર્દેશ હોય તો એને લક્ષમાં લઈ કદાચ આપણે આગળ વધી શકીએ. એમાંયે પરિસ્થિતિ સરળ ન હોય એમ બને. કર્તાનામ એક, પણ ગુરુનામ અમૃતધર્મ અને જિનલાભ એ બે અલગઅલગ આવતાં હોય તો શું કરવું? સામાન્ય સંજોગોમાં આવા કિસ્સામાં બંને કર્તાઓ અલગ મનાય, પણ જો આપણે જાણતા હોઈએ કે અમૃતધર્મશિષ્ય ક્ષમાકલ્યાણના ગચ્છનાયક તો જિનલાભ હતા અને એમનો પણ એ ગુરુ તરીકે નિર્દેશ કરી શકે – કરે જ. તો એક જ કર્તા હોવાનો નિર્ણય આપણે કરી શકીએ. એક જ નામના અનેક કર્તાઓ હોઈ શકે – એક સમયે પણ, તેથી માત્ર કર્તાનામ હોય ત્યાં એની ઓળખ નિશ્ચિત કરવાનું કામ અઘરું બની જાય. આપણે ત્યાં કેવળ અટકળથી, કાચાપાકા તર્કથી, પૂરા ચકાસ્યા વિનાના આધારથી તો કેટલીક વાર આટલીયે મહેનત વિના કર્તાઓળખ નક્કી કરી દેવાનું બની ગયું હોય એમ દેખાય છે. ‘મામેરું’માં માત્ર ‘વિષ્ણુદાસ’ નામ હોય અને બીજું કોઈ પ્રમાણ ન હોય તો એના કર્તા ખંભાતના વિષ્ણુદાસ છે એમ કેવી રીતે બેસાડી દેવાય? જરા વિચાર કરીએ તો જણાય કે ખંભાતના વિષ્ણુદાસ પોતાની કૃતિઓમાં પોતાની ઓળખ બરાબર આપે છે, એમનાં અન્ય આખ્યાનો બધાં જ પૌરાણિક ને કડવાબદ્ધ છે, જ્યારે ‘મામેરું’ સળંગ પદ્યબંધમાં રચાયેલું તત્કાલીન ભક્તચરિત્રનું કાવ્ય છે. એના કર્તાને ખંભાતના વિષ્ણુદાસ તરીકે ઓળખાવતાં પહેલાં આ હકીકતો લક્ષમાં લેવી પડે. ‘ધ્રુવાખ્યાન’ જેવા કિસ્સામાં પ્રચલિત કર્તાનામની અધિકૃતતા તપાસવાનો પ્રસંગ પણ આવે. એ વાસાવડના કાલિદાસની કૃતિ મનાતી હોય, પણ એમાં ‘કાલિદાસ’ એટલું કર્તાનામ પણ ન હોય ને કૃતિ એનાં સ્વરૂપ, પદ્યબંધ ને નામનિર્દેશની પદ્ધતિઓ કાલિદાસની અન્ય પ્રમાણભૂત કૃતિઓથી જુદી પડતી હોય તો પ્રચલિત માહિતી અંગે આપણે ફેરવિચાર કરવો પડે તે એ કૃતિને અજ્ઞાતકર્તૃક માનવા તરફ જવું પડે. અર્વાચીન સાહિત્ય મુદ્રણયુગનું સાહિત્ય છે. બહુધા કર્તાએ પોતે કૃતિ છપાવેલી હોય છે ને પોતાનું પૂરું નામ – કેટલીક વાર વિશેષ ઓળખ પણ આપેલી હોય છે. એટલે મધ્યકાળના જેવા કર્તૃત્વના કોયડાઓ એને અંગે ઊભા ન થાય એ સ્વાભાવિક છે. તેમ છતાં કેટલીક પરિસ્થિતિઓ એવી છે કે જે કર્તૃત્વના કોયડાઓ ઊભા કરે. આરંભમાં આપણાં સામયિકો લખાણોને અંતે હંમેશાં કર્તાનામ નહોતાં આપતાં અને ઘણી વાર ‘મળેલું’ એવી સંજ્ઞા મૂકતાં આવી કૃતિઓનું કર્તૃત્વ નિશ્ચિત કરવાનો પ્રશ્ન આવે ને એમાં ભૂલ થવાની પણ સંભાવના રહે. ‘ભારતીભૂષણ’માં કર્તાનામ વિના છપાયેલું ‘અદ્વૈત’ કાવ્ય બાળાશંકર કંથારિયાનું કાવ્ય હોવાનું ઉમાશંકરે માન્યું અને ‘ક્લાન્ત કવિ’ (૧૯૪૨)એ સંપાદનમાં એને સ્થાન આપ્યું. ભૃગુરાવ અંજારિયાએ ધ્યાન ખેંચ્યું કે આ કાવ્ય વસ્તુતઃ કાન્તનું છે. એમના ‘પૂર્વાલાપ’માં ગ્રંથસ્થ થયેલું છે ને એનો પદકોશ પણ એ કાવ્ય કાન્તનું હોવાની સાક્ષી પૂરે છે. (ગુજરાતી સાહિત્ય પરિષદ પત્રિકા, નવેમ્બર ૧૯૪૩, હવે “ક્લાન્ત કવિ” તથા બીજાં વિશે’, ૧૯૮૮) કર્તૃત્વના કોયડાઓ ઊભા થવાનું બીજું કારણ અર્વાચીન સાહિત્યમાં ઉપનામો-તખલ્લુસો ને છદ્મનામોનો ઉપયોગ થાય છે તે છે. ‘જયવિજય’ના ઉપનામથી છપાયેલાં કાવ્યો ઉમાશંકર જોશીએ બાળાશંકરનાં ગણ્યાં, પરંતુ ભૃગુરાય અંજારિયાએ શોધી કાઢ્યું કે ‘જયવિજય’ તે ધીમતરામ નવલરામ પંડ્યા છે. (જુઓ ‘પરબ’, પત્રિકા-૧, ૧૯૬૨ - “ક્લાન્ત કવિ”માં કર્તૃત્વનો પ્રશ્ન’; હવે “ક્લાન્ત કવિ” તથા બીજા વિશે’, ૧૯૮૮. ભૃગુરાયનો આ લેખ અર્વાચીન સાહિત્યના કર્તૃત્વના ઘણા કોયડાઓનું અને એ કેવી રીતે હલ કરી શકાય એનું ઉત્તમ દિગ્દર્શન કરે છે.) બટુભાઈ ઉમરવાડિયાએ ‘કિશોરીલાલ શર્મા’, ‘સુંદરરામ ત્રિપાઠી’ જેવાં કેટલાંક છદ્મનામોથી લખાણો કર્યાં છે. સામયિકોના સંપાદકોએ સામયિકનાં પાનાં પૂરાં કરવા આ યુક્તિનો આશ્રય લેવો પડતો હોય છે. બટુભાઈનાં કેટલાંક છદ્મનામો હજુ આપણાથી અજ્ઞાત હોય એવો પણ સંભવ છે. આ બધું આપણે ન જાણીએ ત્યાં સુધી બટુભાઈના સાહિત્યસર્જનનું ચિત્ર અધૂરું જ રહે એ સ્વાભાવિક છે. સુંદરરામ ત્રિપાઠી ને કિશોરીલાલ શર્માને કોઈ જુદા લેખકો પણ માની લે. તખલ્લુસોથી થયેલાં લખાણોનું કર્તૃત્વ નક્કી કરતી વખતે એક બાબત લક્ષમાં રાખવી આવશ્યક છે. એક જ તખલ્લુસ એકથી વધુ લેખકોએ વાપર્યું હોય એવો સંભવ હોય છે. એટલે કર્તૃત્વ નિશ્ચિત કરતાં પહેલાં આનુષંગિક પ્રમાણો તપાસવાં જોઈએ. ‘ગુજરાતી તખલ્લુસો’ (ત્રિભુવન હેમાણી)માં મોહનલાલ દલીચંદ દેશાઈનું એક તખલ્લુસ ‘એક ગ્રેજ્યુએટ’ નોંધવામાં આવ્યું છે. શ્રી ધીરુભાઈ ઠાકરને આ નામથી એક લેખ મળ્યો ને એમને થયું કે આ લેખ મોહનલાલ દલીચંદ દેશાઈનો હોવો જોઈએ. લેખનનો વિષય ‘લલિતાદુઃખદર્શક નાટક અને તેનો પ્રયોગ’ એવો જોતાં મને શ્રી દેશાઈએ આ જાતનાં લખાણો કર્યાં હોવા વિશે સંશય થયો. એ ક્યારે છપાયો છે એ વિશે પૂછતાં ધીરુભાઈએ ‘સમાલોચક’ના ૧૮૯૬ના વર્ષનો નિર્દેશ કર્યો. શ્રી દેશાઈની ઉંમર વિશે મારો જે કંઈ કાચોપાકો ખ્યાલ હતો તેની સાથે આ સમયે એ ગ્રૅજ્યુએટ હોય એ હકીકતનો મેળ બેસતો નહોતો એટલે મારી શંકા બળવત્તર થઈ. પછીથી શ્રી દેશાઈનું જન્મવર્ષ ૧૮૮૫ મને મળ્યું અને એ પરથી ખાતરી થઈ કે ઉક્ત લેખ એમનો નથી જ. આવાં તખલ્લુસો તો અનેક લોકો વાપરે. એમના વિશે વધારે કાળજીપૂર્વક વિચારવું જોઈએ. કેટલીક વાર મળતાંભળતાં કૃતિનામો પણ કર્તૃત્વ અંગે આપણને સંદેહમાં નાખે. શ્રી રમેશ શુક્લ કવિ કાન્તના ‘દિનચર્યા’ લેખ અને કલાપીની ‘માલા અને મુદ્રિકા’નાં ‘ચંદ્ર’માં છપાયેલાં પ્રકરણોને અપાયેલાં ‘કાન્તનો દિનચર્યા લેખ’ એ નામના મળતાપણાથી છેતરાયા છે અને કલાપીના ‘માલા અને મુદ્રિકા’ એ અનુવાદગ્રંથનું કર્તૃત્વ કાન્ત ઉપર આરોપવા સુધી ગયા છે. (‘કલાપી અને સંચિત્’, પૃ. ૪૧૬-૨૧) એમને કાન્તનો ‘દિનચર્ચા’ લેખ ભાવનગરના મહારાજાની કૃપાથી છપાતો હોવાનો ઉલ્લેખ મળ્યો, પણ એ કૃતિ પ્રકાશિત થયેલી જોવા ન મળી એટલે ખ્રિસ્તી ધર્મ સ્વીકારવાને કારણે કાન્તને ભાવનગર રાજ્યની નોકરી છોડવી પડી એ સંયોગોમાં એમણે પોતાનો લેખ પોતાને હૂંફ આપનાર કલાપીને આપી દીધો હોય એમ માની લીધું. હકીકતમાં કાન્તનો ‘દિનચર્યા’ લેખ ભાવનગરના મહારાજાની કૃપાથી છપાયો હશે જ (ધર્માન્તરના સમયે એ છપાતો હોય ને અટકી ગયો હોય એમ માનવા માટે કોઈ પ્રમાણ નથી), પરંતુ એ સિવાય ‘સુદર્શન’ એપ્રિલ ૧૯૦૧માં, એમના શિષ્ય અંબાઈદાસ બા. પટેલ દ્વારા પુસ્તિકા રૂપે તથા ‘પ્રસ્થાન’ જ્યેષ્ઠ ૧૯૮૩માં પણ એ છપાઈ ચૂક્યો છે. (જુઓ ‘કાન્ત વિશે’, ભૃગુરાય અંજારિયા, પૃ. ૫૯ તથા ‘કુસુમરજ’, સંપા. ભૃગુરાય અંજારિયા, પૃ. ૨૮૯) શ્રી શુક્લને કાન્તના ‘દિનચર્યા’ લેખનો નિર્દેશ જ્યાંથી મળ્યો છે એ ‘કાન્તમાલા’માંનો પત્ર એમણે ધ્યાનથી વાંચ્યો હોત તો ખ્યાલમાં આવત કે એ લેખમાં ઋગ્વેદ ઉપરના સાયણાચાર્યના ભાષ્યમાંથી ને ગીતા ઉપરના શંકરાચાર્યના ભાષ્યમાંથી અવતરણો આપ્યાનું કાન્ત જણાવે છે. (મૂળ લેખમાં પાદટીપ રૂપે મૂકેલાં સંસ્કૃત અવતરણો ‘પ્રસ્થાન’માં છોડી દેવામાં આવ્યાં છે.) એટલે કે એ એમનો મૌલિક લેખ છે, જ્યારે ‘માલા અને મુદ્રિકા’ તો અનુવાદગ્રંથ છે! શ્રી શુક્લ માત્ર કૃતિનામના મળતાપણાથી કેવા તર્કવિતર્કોમાં ખેંચાઈ ગયા! સૌથી વધારે કૂટપશ્ન કૃતક કર્તૃત્વનો છે એટલે કે રચનાર એક હોય અને નામ બીજાનું હોય. ‘પ્રાચીન કાવ્યમાલા’નો કિસ્સો આપણને સુવિદિત છે. એમાં પ્રેમાનંદાદિને નામે કેટલીક એવી કૃતિઓ છપાયેલી છે જે વસ્તુતઃ કોઈ અર્વાચીન લેખકની હોવાનું જણાયું છે – મોટે ભાગે છોટાલાલ નરભેરામ ભટ્ટની. આ હકીકત સ્થાપિત કરવા પાછળ નરસિંહરાવ વગેરેનો કેટલો શ્રમ પડેલો છે! તેમ છતાં આ કિસ્સામાં આધારભૂત રીતે નિર્ણય પર જવામાં કેટલીક સગવડ હતી. જેમ કે, કૃતિઓની પ્રાચીન હસ્તપ્રતો ઉપલબ્ધ નહોતી, એમાં એવા ભાષાપ્રયોગો અને સાંસ્કૃતિક સંદર્ભો આવતા હતા જે નિઃશંકપણે અર્વાચીનકાળના હતા, વગેરે. કૃતિ મધ્યકાળમાં જ રચાયેલી હોય ને છતાં એનું કર્તાનામ કૃતક હોય ત્યારે એ સિદ્ધ કરવું ઘણું અઘરું બની જાય છે. ક્વચિત્ બાહ્ય આધારો મળે તો કામ સરળ થાય છે, જેમ કે નરસિંહને નામે ‘મામેરું’ મળે છે. તેની હસ્તપ્રતો તો મોડી જ છે તે ઉપરાંત સામ્ય – પ્રસંગઘટનાનું ને ઉક્તિનું – વચ્ચેના કોઈ કવિઓ સાથે નહીં પણ કંઈક વિશ્વનાથ સાથે ને વિશેષ પ્રેમાનંદ સાથે દેખાય છે. આમાં એ કૃતિ નરસિંહને નામે પ્રેમાનંદ પછીના કાળમાં રચાયેલી હોવાનું અનુમાન કરવા માટે વસ્તુલક્ષી આધાર છે એમ કહી શકાય. (આની વિગતવાર ચર્ચા માટે જુઓ ‘ભાષાવિમર્શ’, એપ્રિલ-જૂન ૧૯૮૩માં ‘નરસિંહકૃત મામેરાનાં પદોની વાચનાઓ અને તેની અધિકૃતતા’ એ મારો લેખ, જે હવે અહીં [‘સાહિત્યિક તથ્યોની માવજત’માં] ગ્રંથસ્થ થયો છે.) પરંતુ નરસિંહને નામે મળતાં બધાં પદો પણ નરસિંહનાં હોવાની સંભાવના નથી. મોટા ભક્તકવિના નામાચરણથી રચનાઓ કરવાની એક પ્રણાલી છે તે ઉપરાંત નામાચરણના કેટલાક ફેરફારો પણ થયા કરતા હોય છે. એટલે આ કૃતિઓના કર્તૃત્વની અધિકૃતતાની ચકાસણી કરવી એ ઘણું અઘરું કામ છે. એમાં બહુધા પદાવલિ જેવા આંતરિક પ્રમાણ પર આધાર રાખવો પડે અને ઑલ્ટિક કહે છે તેમ કર્તૃત્વ નક્કી કરવામાં બાહ્ય પ્રમાણને મુકાબલે આંતરિક પ્રમાણ પર આધાર રાખવાનો માર્ગ વધુ લપસણો છે.૩ [3] નરસિંહની શૈલી અમુક પ્રકારની છે એમ આપણે ગૃહીત કરીને ચાલીએ છીએ અને નરસિંહ અમુક નિર્બળતા ન બતાવે એમ આપણે માની લઈએ છીએ. પણ નરસિંહની પ્રમાણભૂત કૃતિઓનો જ પ્રશ્ન હોય ત્યાં નરસિંહની શૈલી અને એમની સબળતા-નિર્બળતા અંગે આખરી તારણ કેવી રીતે થઈ શકે? કોઈ કવિ પોતાની કૃતિમાં જુદાં શૈલીલક્ષણો ન જ બતાવે? અને મોટો કવિ પણ ક્યારેક નબળી રચના ન કરે? ટૂંકમાં, અહીં કર્તૃત્વનો કોયડો ઘણો કૂટ બની જાય છે અને સંશોધકે પૂરી સજ્જતા કામે લગાડવાની ફરજ પાડે છે. અર્વાચીન સાહિત્યમાં કર્તૃત્વની અધિકૃતતાના આવા પ્રશ્નો કદાચ ઓછા ઊભા થાય. પણ ઊભા થાય ખરા. બલવંતરાયે હરગોવિંદ પ્રેમશંકરના જ એક કાવ્યમાંથી કેટલીક પંક્તિઓ લઈને રચેલા કાવ્ય તરફ મુકુંદરાય પારાશર્યે ધ્યાન ખેંચ્યું છે. (‘આલેખનની ઓળખ’, પૃ. ૧૧૪-૨૧) એમની તો એવી પણ માન્યતા હતી કે બલવંતરાયનાં ઘણાં કાવ્યો વસ્તુતઃ હરિ ઝીણાનાં કાવ્યો છે. આ બાબતનું સંશોધન કરવા માટે આવશ્યક સાધનસામગ્રી આજે મળવાં મુશ્કેલ છે. છતાં કોઈ સંશોધકે પ્રયત્ન કરવા જેવો છે. ‘કલાપી અને સંચિત્’માં કલાપીની કેટલીક રચનાઓની અધિકૃતતાનો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે. ‘હમીરજી ગોહેલ’માં જટિલ, મસ્તકવિ અને કંઈક અંશે સંચિત્નું સહકર્તૃત્વ હોવાનું એમાં માનવામાં આવ્યું છે. આ માટે આંતરિક તેમ જ બાહ્ય બંને પ્રકારનાં પ્રમાણોનો આશ્રય લેવામાં આવ્યો છે. આંતરિક પ્રમાણોનો આશ્રય તો ઘણો વિવાદાસ્પદ જણાય છે, તે ઉપરાંત, એમાં બાહ્ય પ્રમાણોનો આશ્રય જે રીતે લેવામાં આવ્યો છે તે કેટલો તર્કયુક્ત છે એ પ્રશ્ન પણ થાય એવું છે. આ અંગે મેં ‘કલાપીની ખેલપટુતા? - ૨’ ‘શબ્દસૃષ્ટિ’, જુલાઈ-ઓગસ્ટ ૧૯૮૫)માં ચર્ચા કરી છે તે, ગમે તે નિર્ણય અંતે સ્વીકારવામાં આવે તોપણ, આંતરિક તેમ જ બાહ્ય પ્રમાણોનો આશ્રય લઈ કોઈ નિર્ણય પર પહોંચવાનું કામ કેટલું જટિલ ને કેટલો ઝીણો વિવેક માગે એવું છે તથા એમાં કેવાં જોખમો પડેલાં છે તેનો અવશ્ય ખ્યાલ આપશે.
સમયનિર્ણયની સમસ્યાઓ સમયનિર્ણયના પ્રશ્નો કૃતિવિષયક તેમ જ કર્તાવિષયક એમ બંને પ્રકારના ઊભા થતા હોય છે. મધ્યકાલીન કૃતિનો રચનાસમય ઘણી વાર સંકેતશબ્દોથી દર્શાવવામાં આવતો હતો. એ સંકેતશબ્દો કઈ સંખ્યા દર્શાવે છે તે આપણે જાણવું પડે. કેટલીક વાર એમાં જૈન અને જૈનેતર પરંપરા જુદી પડતી હોય ને કેટલીક વાર પ્રાપ્ત માહિતી ખોટી કે અધૂરી પણ હોય. એ રીતે રચનાસમયનું ખોટું અર્થઘટન થઈ જવાનું જોખમ હોય છે. ઉપરાંત, કેટલાક સંકેતશબ્દો એકથી વધુ સંખ્યા સૂચવે છે – જેમ કે યુગ એટલે બે તેમ જ ચાર થાય છે. આવા સંયોગોમાં કયું અર્થઘટન કરવું તે અન્ય પ્રમાણો પર આધાર રાખે અથવા આપણે વિકલ્પ સ્વીકારવાની સ્થિતિ આવે. કૃતિમાંથી સ્પષ્ટ સમયનિર્દેશ ઉકેલવો અશક્ય બને એવી પરિસ્થિતિઓ પણ સાંપડે. અસાઈતની ‘હંસાઉલી’ની હસ્તપ્રતમાં સંવતદર્શક પંક્તિ “સંવત ૧૪ ચક્ર ચંદ્રમુનિ શંષ” અર્થઘટનના કેવા કોયડા ઊભા કરે છે! (જુઓ ‘ભાષાવિમર્શ’, એપ્રિલ-જૂન ૧૯૮૨, પૃ. ૮૨-૮૫). કોઈ વાર હસ્તપ્રતદોષ કે વાચનદોષને સુધારવાનો પ્રસંગ પણ આવે છે. ‘જૈન ગૂર્જર કવિઓ’ (ભા. ૨, પૃ. ૫૨૩) ઋદ્ધિવિજયના ‘રોહિણી રાસ’ની રચનાસંવતદર્શક પંક્તિ “શશિ ઋષઈ હકલાઈ” આપી એનું અર્થઘટન ૧૭૭૨ આપે છે. દેખીતી રીતે જ આમાં “હકલાઈ” શબ્દ અસ્પષ્ટ છે. ‘જૈન ગૂર્જર કવિઓ’એ ‘કલા’ કે ‘ઇહકલા’ શબ્દ ગણી એનું ૭૨ એ અર્થઘટન કર્યું જણાય છે. પરંતુ ‘ઇહકલા’ શબ્દ આ રીતે વપરાતો હોવાનો સંભવ જણાતો નથી. આપણને વહેમ જાય કે ‘ઇંદુકલા’ને સ્થાને ‘ઇહકલા’ તો નહીં વંચાયું હોય ને? કેમકે સંવત દર્શાવવા ‘ઇંદુકલા’ શબ્દ વપરાતો હોય છે. કોશકાર્યાલયને આ કૃતિની હસ્તપ્રતમાં ‘ઇંદુકલા’ શબ્દ મળ્યો અને અંતે રચનાસમય સં. ૧૭૧૬ નિર્ણીત થયો. કૃતિનો રચનાસમય એમાં દર્શાવેલો ન હોય તો બીજા કોઈ આંતરિક પ્રમાણથી પણ કેટલીક વાર નક્કી કરી શકાય, જેમ કે જૈન કવિઓ પોતાની કૃતિની રચના કોના આચાર્યકાળમાં થઈ એ દર્શાવતા હોય છે. કેટલીક વાર કોઈ રાજવીના કે બીજી સમકાલીન બાબતના ઉલ્લેખ પણ કૃતિમાં હોય છે. આવું કશું ન હોય ત્યારે કૃતિની હસ્તપ્રતનો લેખનસમય મળતો હોય તો જૂનામાં જૂનો લેખનસમય એ કૃતિના રચનાસમયની ઉત્તરમર્યાદા બને. મધ્યકાલીન કૃતિના રચનાસમયના ઉલ્લેખો અન્ય પ્રમાણો સાથે ટકરાય એવું પણ બનતું હોય છે ને ત્યારે એનો ઉકેલ સંશોધકે લાવવાનો થાય છે. કોઈ કૃતિનો ર. સં. ૧૬૩૫ વૈશાખ હોય ને એની હસ્તપ્રત એ જ વર્ષના ફાગણની મળે તો આપણે મૂંઝવણમાં મુકાઈએ. કાં તો બેમાંથી એક ઠેકાણે ભૂલ છે એમ માનવાનું રહે અથવા સંવતનાં અર્થઘટન સુધારવાનાં આવે અથવા બીજો કોઈ ખુલાસો શોધવો પડે. આપણે જો જાણતા હોઈએ કે કાર્તિકી ઉપરાંત ચૈત્રી અને અષાઢી સંવત પણ હોય છે ને મધ્યકાળના કવિઓએ એનો વિનિયોગ કર્યો છે, તો આવા કિસ્સામાં ચૈત્રી સંવતનો ઉપયોગ હોવાનું માનીને અસંગતિને નિવારી શકાય. ચૈત્રી સંવતમાં વૈશાખ પહેલાં આવે, ફાગણ પછી આવે. અર્વાચીન સાહિત્યમાં દલપતરામના ‘બાપાની પીંપર’નો રચનાસમય પણ એક જાતનો કોયડો ઊભો કરે છે. એ કાવ્ય ૧૮૪૫માં રચાયું હોવાનું અને તેથી અર્વાચીન કવિતાનો આરંભ ત્યાંથી થતો હોવાનું મનાયું છે. આનું કારણ એ છે કે એ કાવ્યમાં નીચે મુજબની પંક્તિઓ મળે છે :
ઓગણિસેં ઉપર થએ, વિક્રમ વર્ષે એક;
વદિ દશમ વૈશાખની, વાસર શની વશેક;
વાસર શની વશેક, પીંપરે તાપ ઉતાર્યો;
નિશ્ચળ રેહેવા નામ, આમ આ વિષય ઉચાર્યો.
અર્વાચીન સાહિત્ય ઘણી વાર એના પ્રથમ પ્રકાશનના સમયની ને કોઈ વાર તો રચનાના સમયની માહિતી સાથે આપણી પાસે આવતું હોય છે. જ્યાં આવી માહિતી ન હોય ત્યાં સંશોધકને માટે કામગીરી ઊભી થાય છે. ‘પૂર્વાલાપ’ની બીજી આવૃત્તિ વેળાએ રામનારાયણ પાઠકે એમાં કાન્તનાં કાવ્યોની રચનાસમયની આનુપૂર્વી આપી હતી, પરંતુ આ વિશે વધારે શોધપૂર્વકનું કામ ભુગુરાય અંજારિયાએ કર્યું છે, જે ‘કાન્ત વિશે’માં ગ્રંથસ્થ થયું છે. એમણે માત્ર કાવ્યના પ્રથમ પ્રકાશનનો સમય જ શોધી નથી આપ્યો, કાન્તનાં કાવ્યોની કરુણાશંકરની પ્રત, બલવંતરાયની ડાયરી અને પત્રોને આધારે ઘણાં કાવ્યોનો રચનાસમય પણ નિર્ણીત કરી આપ્યો છે. કાવ્યો કયા સમયે કેવા સંયોગોમાં રચાયાં હતાં એ જાણવાથી કાવ્યોને વધારે સારી રીતે સમજી અને આસ્વાદી શકાય છે તે ઉપરાંત કેટલીક ઐતિહાસિક હકીકતો પર પણ પ્રકાશ પડે છે. જેમ કે, બલવંતરાયે પહેલું સૉનેટ લખ્યું કે કાન્તે એનો ખરો નિર્ણય બંનેનાં કાવ્યો ક્યારે રચાયાં છે એની અધિકૃત માહિતી પ્રાપ્ત થાય તો જ થઈ શકે. છાપભૂલ, સરતચૂક, ગેરસમજ વગેરેને કારણે અર્વાચીન કૃતિઓના રચનાસમય કે પ્રકાશનસમયની ખોટી માહિતી નોંધાયાના પણ દાખલા જડે છે. સંશોધકને મૂળ આધાર સુધી પહોંચીને આવી નાનીનાની અનેક ભૂલો સુધારવાના પ્રસંગ આવે છે. કોઈ કર્તાનો અભ્યાસ કરનાર સંશોધકે એમના જીવનના સમયો નિર્ણીત કરવાનું આવે છે. મધ્યકાલીન સાહિત્યના કર્તાઓના જીવનકાળના નિર્ણયો બહુધા એમની કૃતિના સમયને આધારે કરવાના આવે છે. એમાં કેટલીક વાર કૃતિની આંતરિક સામગ્રી પણ મદદરૂપ થાય. જેમ કે અખાભગત ગોકુળનાથ સાથેનો પોતાનો સંબંધ ઉલ્લેખે છે એટલે ગોકુળનાથ સાથેની એમની સમકાલીનતા નિશ્ચિત થાય છે. અખાજીની કૃતિઓના રચનાસંવતને આધારે નક્કી થતા એમના જીવનકાળને આ રીતે સમર્થન સાંપડે છે. પણ જ્યારે કૃતિઓનો રચનાકાળ મળતો ન હોય ત્યારે કર્તાનો જીવનકાળ નક્કી કરવામાં ઘણી મુશ્કેલી આવે છે. નરસિંહ મહેતાના સમયનિર્ણય અંગે આપણે ત્યાં થયેલી ચર્ચા આના ઉદાહરણરૂપ છે. એમાં જયદેવાદિનો પ્રભાવ, વલ્લભાચાર્યના પુષ્ટિમાર્ગનો પ્રસાર, નરસિંહની કૃતિઓની મળતી વહેલામાં વહેલી હસ્તપ્રતો, એમના વિશે થયેલા વહેલામાં વહેલા ઉલ્લેખો, એમની કવિતાનો પદ્યબંધ-રચનાબંધ વગેરે કેટલીબધી બાબતોને લક્ષમાં લેવાની થાય છે! ને તેમ છતાં સો ટકા પ્રમાણભૂત રીતે એમનો સમય નક્કી કરવામાં મુશ્કેલી જ રહે છે. મધ્યકાળના જૈન કવિઓને લગતી કેટલીક વિશેષ સામગ્રી મળે છે. કવિની કૃતિમાં એમના ગચ્છ-ગુરુપરંપરાના નિર્દેશો ઘણી વાર હોય છે. કૃતિનો સમય નિર્દેશાયેલો ન હોય તોપણ આ માહિતીને આધારે કવિનો સમયનિર્ણય થઈ શકે છે. જૈન કવિઓ ઘણી વાર રચનાના સ્થળ, ત્યાંના રાજકર્તા કે શ્રેષ્ઠીઓ કે જિનમંદિરો વગેરેના ઉલ્લેખો કરતા હોય છે. એની મદદથી પણ કર્તાનો સમય નક્કી થઈ શકતો હોય છે. આ ઉપરાંત જૈનોમાં ઘણાં ઐતિહાસિક સાધનો ઉપલબ્ધ છે. સાધુપટ્ટાવલીઓ, તીર્થ-મંદિરો, તીર્થયાત્રાઓ વિશેની કૃતિઓ, ચરિત્રાત્મક રાસાઓ, પ્રતિમાલેખો, સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી અનેક જૈન કૃતિઓની પ્રશસ્તિઓ, લહિયાઓની પુષ્પિકા – આ બધામાં ભરપૂર ઐતિહાસિક સામગ્રી પડી છે. સંશોધક આમાંથી કોઈ કવિના સમયનિર્ણયની ચાવીઓ શોધી શકે. જોકે એ માટે સંશોધક પાસે ખાસ સજ્જતા જોઈએ. અર્વાચીનકાળમાં લેખકોના જીવન વિશેની માહિતી પ્રમાણમાં વધારે સીધી રીતે ઉપલબ્ધ હોય છે. પરંતુ એના કોયડાઓ નથી હોતા એમ નથી. સંશોધકની સામે લેખકનાં જન્મ, મૃત્યુ અને અન્ય જીવનપ્રસંગોના સમયોના એકબીજા સાથે ટકરાતા હોય એવા ઉલ્લેખો આવીને ઊભા રહે છે ત્યારે સંશોધકે મૂળ આધાર સુધી પહોંચી ખરી માહિતી મેળવવાની કોશિશ કરવી પડે છે અને થયેલી ભૂલોનાં પગેરાં શોધવાં પડે છે. ક્યાંક સ્મૃતિથી કે અટકળે માહિતી અપાયેલી હોય. ક્યાંક ગણતરીની ભૂલ હોય, ક્યાંક છાપભૂલ પણ જવાબદાર હોય. એક વાર ખોટી નોંધાયેલી માહિતી પછીથી પ્રચલિત બની જતી હોય છે. એમ થયા પછી સંશોધકનું કામ વધારે કઠિન થઈ જાય છે. પ્રકાશ વેગડે એક વખતે અર્વાચીનકાળના લેખકોની જન્મ અને અવસાનની તારીખોની જે જુદીજુદી માહિતી નોંધાયેલી મળે છે તેની લાંબી યાદી કરેલી ને ઘણા લેખકોની સાચી તારીખો મેળવેલી (જુઓ ‘ઉદ્ગાર’, ઑક્ટો. ૧૯૭૭, માર્ચ ૧૯૭૮ અને સપ્ટે. ૧૯૭૮). સમયના અન્ય ઉલ્લેખોમાં આથી જરાયે ઓછી ગરબડ હોવાની સંભાવના નથી. કોયડો કેટલો ગંભીર છે એનો આ પરથી અંદાજ આવી શકશે. જન્મતારીખોના નિર્ણયનું કામ આપણે ત્યાં થોડું કપરું બને છે એનાં કેટલાંક કારણો છે. જન્મતારીખોના કેટલાક આધારો આ હોઈ શકે : સ્ટેટ રજિસ્ટરમાંની જન્મનોંધ, શાળામાંની જન્મતારીખની નોંધ, જન્મકુંડળી, લેખકે પોતે આપેલી માહિતી, કુટુંબમાં માનવામાં આવતી જન્મતારીખ વગેરે. આ બધાની આધારભૂતતાના કેટલાક પ્રશ્નો છે. જન્મનોંધ કાળજીથી કરાવવાનું જૂના સમયમાં હંમેશાં બનતું ન હતું. બેચાર દિવસ પછી નોંધાવવાનું બન્યું હોય તો એ દિવસ જ લખાવ્યો હોય (મારી જન્મતારીખ પરત્વે આવું બનેલું છે). શાળામાં બાળકને દાખલ કરાવવા ખોટી જન્મતારીખ લખાવી હોય વગેરે. આ બધી પરિસ્થિતિઓ લક્ષમાં લઈ સંશોધકે નિર્ણય લેવો પડે.
કર્તા વિષયક અન્ય માહિતિની સમસ્યાઓ સમય ઉપરાંત અન્ય જીવનવીગતોના પ્રશ્નો પણ ઊભા થઈ શકે છે. અખા-પ્રેમાનંદ-દયારામનાં જીવનની ઘણી વીગતો વિશે આપણે ત્યાં ઊંડી ચર્ચા થયેલી છે અને કેટલીક વીગતો અનધિકૃત ઠરી છે. મધ્યકાળના કવિઓની બાબતમાં સંશોધકને અનુશ્રુતિઓનો મુકાબલો કરવાનો આવે છે ને એમાંથી સત્યાસત્ય તારવવાનું થાય છે. અર્વાચીનકાળમાં પણ, ભલે જુદાં કારણોથી, લેખકોનાં જીવનની માહિતી પરત્વે નાનામોટા પ્રશ્નો ઝીણી નજરવાળા અભ્યાસી સંશોધકની સમક્ષ ઊભા થયા વિના રહેતા નથી. જેમ કે કલાપી શોભનાને એના ધણી પાસેથી લાવ્યા ત્યારે જ એની સાથે લગ્ન કર્યું હતું? કાન્તને જ્ઞાતિએ પ્રાયશ્ચિત્ત આપ્યું હતું? કાન્તને સ્વીડનબૉર્ગ તરફ લઈ જનાર કોણ હતું? એમ લાગે છે કે લેખકની જીવનવીગતોમાં આપણે ત્યાં ઓછો રસ લેવાય છે. એટલે જ બટુભાઈ ઉમરવાડિયાનું મહંમદ પેગંબર વિશેનું એક નાટક, મુસ્લિમોના વિરોધને કારણે સરકારી પ્રતિબંધ આવવાથી, એમના છપાવેલા સંગ્રહમાંથી રદ કરવું પડ્યું એની નોંધ સુધ્ધાં આપણને ક્યાંય મળતી નથી. નક્કર હકીકતો સાથે કામ પાડવાનું આપણને કદાચ ઓછું ફાવે છે. અને તેથી આ જાતના સંશોધનની કામગીરી આપણે ત્યાં ખાસ થતી દેખાતી નથી.
મૂળ સ્રોતની સમસ્યા સંશોધનનું એક કાર્યક્ષેત્ર કર્તાએ પોતાની કૃતિનું ઘડતર કયા મૂળમાંથી કર્યું છે તેની તપાસ કરવાનું છે. સાહિત્યચોરી પકડવા માટે જ આ પ્રવૃત્તિ ચલાવવામાં એનું એટલું ગૌરવ નથી. ખરેખર તો આ પ્રવૃત્તિ દ્વારા આપણા કાવ્યભાવનને વધારે વાસ્તવિક, નક્કર અને સમૃદ્ધ બનાવી શકાય અને સર્જકતાનાં કેટલાંક રહસ્યો પણ અવગત કરી શકાય. મધ્યકાળમાં એક કવિ પોતાની આગળના કવિમાંથી કશુંક સીધું જ લઈ લે એનો કશો છોછ નહોતો. પણ કોઈ વાર કોણે કોનામાંથી લીધું છે એ પ્રશ્ન વિચારવાની આવશ્યકતા ઊભી થાય. નરસિંહ અને હરિદાસના ‘શામળદાસનો વિવાહ’ની કથાસામગ્રી અને ઉક્તિઓમાં એવું કેટલુંક સામ્ય છે કે એકને આધારે બીજાએ રચના કરી છે એવા નિર્ણય પર આવવામાં કશો બાધ નડતો નથી. નરસિંહ પહેલાં થયા છે અને હરિદાસ પછી, એટલે નરસિંહને આધારે હરિદાસે રચના કરી છે એમ સામાન્ય રીતે માનવું જોઈએ, પરંતુ કોઈ સંશોધક ‘શામળદાસનો વિવાહ’ના નરસિંહના કર્તૃત્વને પડકારે (એમ કરવા માટે કેટલાંક કારણો મળી રહે તેમ છે) તો હરિદાસને આધારે કોઈએ નરસિંહને નામે રચના કરી છે એવા નિર્ણય પર પણ જઈ શકાય. બંને કૃતિઓની કથાસામગ્રી અને અભિવ્યક્તિના ઝીણવટભર્યા અભ્યાસની ભૂમિકા પર આવો નિર્ણય રચવાનો થાય. પણ ઑલ્ટિક આપણને ચેતવે છે કે “આ આના જેવું છે માટે એમાંથી લીધેલું છે” એ એક સર્વસામાન્ય તર્કદોષ છે. (પૃ. ૯૪-૯૫) આનું કારણ એ છે કે સરખાપણાનું મૂળ બીજે ક્યાંક પણ પહેલું હોય. ઑલ્ટિક ચાર પ્રકારના સંજોગો તરફ લક્ષ ખેંચે છે :
એટલે કે ક અને ખ વચ્ચે સમાનતા જોવા મળે ત્યારે એની પાછળ જુદાંજુદાં કારણો હોઈ શકે : (૧) ખ-નો મૂળ સ્રોત ક હોય; (૨) ખ-નો મૂળ સ્રોત ક હોય પરંતુ ક-નો મૂળસ્રોત કોઈ જૂની ઉક્તિ હોય; એટલે કે ક-ની પણ એ મૌલિક ઉક્તિ ન હોય; (૩) ક-ની ઉક્તિ પ્રચલિત બની હોય એટલે કે ખ-એ સીધું ક-માંથી લીધું ન હોય. (૪) ક અને ખ બંનેએ કોઈ પ્રચલિત ઉક્તિનો ઉપયોગ કર્યો હોય. માંડણ અને અખાજીની ઘણી ઉક્તિઓ સમાન મળે છે તેનું કારણ અખાજીએ માંડણમાંથી લીધું હોય એમ બની શકે તેમ પ્રચલિત રૂઢોક્તિઓનો બંનેએ ઉપયોગ કર્યો હોય એમ પણ બની શકે. આ પ્રકારના સાહિત્યના વ્યાપક અભ્યાસ દ્વારા જ આ વિષય પર વિશેષ પ્રકાશ પડી શકે. ડૉ. રમેશ શુક્લે ‘કલાપી અને સંચિત્’માં કલાપીના ‘ગ્રામ્યમાતા’ કાવ્યના કથાપ્રસંગના મૂળ સ્રોતો વિશે ચર્ચા કરી છે ને બે ફારસી કથાઓ તથા ‘પ્રબંધચિંતામણિ’ની કથામાંથી કલાપીને સામગ્રી મળી હોવાનો તર્ક કર્યો છે. ‘ગ્રામ્યમાતા’નું કથાવસ્તુ ઘણા અંશોમાં ફારસી કથાઓ સાથે તો થોડાક અંશમાં ‘પ્રબંધચિંતામણિ’માંની કથા સાથે સામ્ય ધરાવે છે. પરંતુ આ બંને સાધનો સુધી કલાપી પહોંચ્યા હોય એમ પ્રમાણભૂત રીતે સાબિત કરવું મુશ્કેલ છે. આ પ્રકારની વાર્તાઓ વ્યાપક હોવાનું સમજાય છે. તો કલાપીએ પોતાના કાવ્યમાં કોઈ પ્રચલિત લોકકથાનું વસ્તુ પ્રયોજ્યું હોય એવો પણ સંભવ રહે છે. એટલે કે એમણે સીધો ફારસી કથાઓ કે ‘પ્રબંધચિંતામણિ’ની કથાનો ઉપયોગ ન કર્યો હોય. આપણે ત્યાં મૂળ સ્રોતના અભ્યાસો ઝાઝા થયા નથી. એ સંદર્ભમાં ઑલ્ટિકે નોંધેલો એક કિસ્સો નમૂનારૂપ ને આંખ ઉઘાડનારો છે. (પૃ. ૧૦૦-૦૧) લોવેસે કૉલરિજના ‘ધ રાઇમ ઑવ્ એન્શંટ મૅરિનર’ અને ‘કુબ્લાખાન’ની એકેએક પંક્તિનાં મૂળ શોધી આપ્યાં ને લોવેસનું આ સંશોધન રહસ્યશોધનની એક મોટામાં મોટી સાચી કથા ગણાયું. પરંતુ શેલી પર કીટ્સનું ઋણ છે એમ બતાવતું લોવેસનું પ્રતિપાદન તરત જ ઊથલી પડ્યું. એમણે બતાવેલાં ૩૨ સ્થાનોમાંથી ત્રણ જ સ્થાને શેલી પર કીટ્સનું ઋણ હતું. બાકી બધે વસ્તુતઃ બીજી અસરોએ કામ કર્યું હતું. આધારસામગ્રીની તપાસ કેટલી ઝીણવટથી થઈ શકે અને એમાં કેટલીબધી સજાગતા જોઈએ એના આ અત્યંત નોંધપાત્ર દાખલાઓ છે. એ લક્ષમાં રાખવું જોઈએ કે કૃતિની આધારસામગ્રી અનેક પ્રકારની હોઈ શકે : લેખકના લોકો સ્થળો પ્રસંગો વગેરેના અનુભવો, સમકાલીન બનાવો, ઇતિહાસ, દંતકથા સામાજિક હકીકતો, અન્ય સાહિત્યકૃતિઓ વગેરે વગેરે. આધારસામગ્રીની પૂરી તપાસમાં આ બધામાં જવું પડે અને ત્યારે લેખકનું જગત આપણી સમક્ષ નવી રીતે ઊઘડે એવું બને.
પ્રભાવની સમસ્યા સાહિત્યકૃતિમાં ચોક્કસ આધારસામગ્રીનો ઉપયોગ થતો હોય છે તે ઉપરાંત ઘણા પરોક્ષ પ્રભાવો પણ કામ કરતા હોય છે. આ પ્રભાવોની તપાસ એ પણ સંશોધકનો એક અભ્યાસવિષય છે. પ્રભાવના સંદર્ભમાં સર્જકની વૈયક્તિકતાની ચર્ચા કરવી આવશ્યક થઈ જતી હોય છે એટલે આ દ્વારા સાહિત્યકલાના વિકાસની રૂપરેખા પણ ઊપસતી આવે છે. આપણે ત્યાં અર્વાચીન કવિતામાં કાન્તે પોતાનાં ખંડકાવ્યોમાં છંદોવૈવિધ્યનો પહેલી વાર ધ્યાન ખેંચે એવી રીતે વિનિયોગ કર્યો. કાન્તના આ પ્રયોગ પર ‘પ્રબીનસાગર’ની તથા પ્રશ્નોરા જ્ઞાતિમાં થતી કાવ્યરચનાની પ્રણાલીની અસર હોવાનું નોંધાયું છે. પણ છંદોવૈવિધ્યને કાન્ત સભાનતાપૂર્વક ભાવોચિત રીતે ને નિશ્ચિત આયોજન સાથે યોજે છે એનો દાખલો પૂર્વે મળવો મુશ્કેલ છે. એટલે કાન્તનો આ પ્રયોગ એક નૂતન પ્રયોગ બન્યો અને ખંડકાવ્યના એક અનિવાર્ય લક્ષણ સમો બની ગયો. કાન્તનાં ખંડકાવ્યો અંગ્રેજી બૅલડ વગેરેની અસર નીચે વિકસ્યાં હોવાની સંભાવના છતાં સમગ્રપણે એક નૂતન ઉન્મેષ બની રહે છે અને એ દ્વારા ગુજરાતી કાવ્યસાહિત્ય જાણે એક નવું વિકાસસોપાન સિદ્ધ કરે છે. ન્હાનાલાલે પોતાનાં નાટકો પર શેલી-ગટેનો પ્રભાવ હોવાનું સ્વીકાર્યું છે, પણ એમાં શેલી-ગટેનો પ્રભાવ ક્યાં કેટલો કામ કરી ગયો છે અને ન્હાનાલાલની સ્વકીયતા શી છે એની ઊંડાણભરી ચર્ચા થઈ હોવાનું જાણમાં નથી. પણ આ માટે શેલી-ગટેનાં નાટકોનો ઊંડો અભ્યાસ જોઈએ, જે આપણી પાસે ન હોય. પ્રભાવની તપાસ પણ કાળજીપૂર્વક થવી જોઈએ. પ્રભાવ કોઈ વ્યક્તિનો હોઈ શકે તેમ સાહિત્યપરિપાટીનો કે વ્યાપક થયેલી પ્રણાલીનો હોઈ શકે. કલાપીનાં કાવ્યોમાં આરંભે ‘પીગળી પીગળી’ દ્વિરુક્ત પ્રયોગ મળે તો એમાં સંચિત્નો પ્રભાવ છે એમ માનવું કે એ પૂર્વે કાન્તમાં આ જાતના પ્રયોગો મળતા હોવાથી સંચિત્કલાપી બંને પર કાન્તનો પ્રભાવ છે એમ માનવું કે એ સમયે પ્રચલિત થઈ ગયેલી આ શૈલી છે એમ માનવું? સંશોધકે કાળજીપૂર્વક બધા સંયોગોની તુલના કરી નિર્ણય બાંધવો જોઈએ.
ભૂતકાળની સમજ કેળવવી સંશોધનનાં ઉપર બતાવ્યાં તે ઉપરાંત ઘણાં નાનાંમોટાં કાર્યક્ષેત્રો જુદાં પાડીને બતાવી શકાય. પરંતુ સર્વ કાર્યક્ષેત્રોને વ્યાપી વળતું કાર્યક્ષેત્ર તો છે ભૂતકાળની સમજ કેળવવાનું. સાહિત્ય સંસ્કારજીવનનો એક ભાગ છે. એ અન્ય જીવનક્ષેત્રો પર પ્રભાવ પાડે છે તેમ એનોે પ્રભાવ ઝીલે પણ છે. એથી કર્તા કે કૃતિનો અભ્યાસ કરનાર સંશોધક જે-તે કાળના જીવનના વિશાળ સંદર્ભમાં મુકાતો હોય છે. એ પોતાના અભ્યાસમાંથી એ કાળના ઇતિહાસને કંઈક આપી શકે છે તો સામે પક્ષે પોતાના અભ્યાસને ઉપકારક થવા એ કાળના ઇતિહાસને એણે ખેંચી લાવવો પડે છે. એની દૃષ્ટિ અંતે યુગબોધ તરફ રહેવી જોઈએ. એમાં કેટલીબધી વસ્તુઓનો સમાવેશ થાય? શબ્દકોશ, સાહિત્યપરિપાટીઓ, કાવ્યશિક્ષાપ્રણાલી, શ્રોતા કે વાચક સમાજ, સાહિત્યસર્જનનાં પ્રયોજનો, સમકાલીન વિદ્યા-કલા-સ્થિતિ, રાજકીય સ્થિતિ, સામાજિક સ્થિતિ, ધર્મસંપ્રદાયો, રિવાજો, માન્યતાઓ, વિચારધારાઓ વગેરે-વગેરે. સાહિત્યની ને અન્ય ઘણીબધી સામગ્રીમાંથી પસાર થતાં થતાં જ આ યુગબોધ કેળવાતો જાય. એ જેટલો કેળવાય તેટલું સંશોધન સાર્થક થાય અને સદ્ધર પણ થાય. પણ કોઈ પણ કાળનું પ્રજાજીવન અખૂટ ખાણ જેવું હોય છે. એનો સંપૂર્ણ બોધ થઈ ગયો એમ કહેવાની સ્થિતિ કદી આવવાની નહીં અને તેથી સંશોધન ક્યારેય પૂરું થવાનું નહીં. આ છેવટનું છે એમ પોતાના કોઈ સંશોધન વિશે સંશોધક કહી શકશે નહીં. અનંત ધૈર્ય અને અપાર નમ્રતાથી મચ્યા રહેવાનું જ એના નસીબમાં હોય છે, પણ વિશાળ સામગ્રી સાથે કામ પાડતાં પાડતાં એ ભૂતકાળને હસ્તગત – ના, મનોગત – કરતો જાય છે એ પ્રક્રિયાનો રોમાંચ અનેરો હોય છે. સંશોધકને બીજું કંઈ વળતર ન મળે તોયે આ રોમાંચ એક મોટું વળતર છે.
સંદર્ભનોંધો :
- ↑ ૧. ‘પાર્વતીકુંવરચરિત્ર’ તથા ‘વસંતવિલાસિકા’ અંગેની આ માહિતી મને કાન્તિભાઈ બી. શાહ પાસેથી મળી છે. એમણે પછીથી ‘પાર્વતીકુંવર આખ્યાન’ અને ‘પાર્વતીકુંવરચરિત્ર’ એ લેખ પણ લખ્યો છે. (‘પરબ’, જાન્યુુ ૧૯૮૭, પૃ. ૪૨-૪૪).
- ↑ ૨. હવે ગ્રંથસ્થ – ‘અખાના છપ્પા : કેટલોક અર્થવિચાર’, ૧૯૮૮
- ↑ ૩. ‘ધ આર્ટ ઑવ્ લિટરરી રિસર્ચ’, રિચર્ડ ડી. ઑલ્ટિક, પૃ. ૭૯
- ↑ ૪. ‘બાપાની પીંપર’ વિશેની આ હકીકત તરફ શ્રી ચી. ના. પટેલે મારું ધ્યાન દોર્યું.
[‘સાહિત્યિક તથ્યોની માવજત’]