સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - જયન્ત કોઠારી/૪.૩ વ્હાઈટ હોર્સ (ટૂંકી વાર્તા) : સુધીર દલાલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

વિભાગ-૧ : સાહિત્યવિચાર

૪.૩
‘વ્હાઇટ હોર્સ’, સુધીર દલાલ, ૧૯૭૦

આધુનિકતાવાદી નહીં, પણ આધુનિક વાર્તાઓ ‘વ્હાઇટ હોર્સ’ની બેએક વાર્તાઓ અન્ય સંચયોમાં લેવાયેલી ધ્યાનથી વાંચવાનું બન્યું હતું અને ખૂબ ગમી હતી. અન્ય વાર્તાઓ ક્યાંક સામયિકોમાં કદાચ વાંચી હોય પણ એનું આજે સ્મરણ નથી. આજે ‘વ્હાઇટ હોર્સ’ એ આખો વાર્તાસંગ્રહ એકસાથે વાંચવાનું થતાં ઘણી પ્રસન્નતા થઈ. એક સમર્થ વાર્તાકારની દૃષ્ટિ અને કલમ એમાં મને દેખાઈ. માનવજીવનમાં મર્મરહસ્યભરી એવી ઘણીયે ક્ષણો આવીને સરી જતી હોય છે, જેમને સામે ધરીને જોઈ શકીએ તો ખરેખર રસપ્રદ નીવડે; એવી ઘણીયે સંવેદનાઓ જાગીને વિલીન થઈ જતી હોય છે, જે આપણી સ્મૃતિ અને કલ્પનામાં રમી રહે એવી હોય છે – જો આપણે આપણા ચિત્તમાં એને ઝીલી લઈએ તો. સુધીર દલાલની ચકોર નજર આસપાસના વિશાળ જીવનમાંથી આવી ક્ષણો અને સંવેદનાઓ ઝડપી લે છે અને એમની કલમ એ ક્ષણો અને સંવેદનાઓને વાર્તાની રીતે આપણી સમક્ષ મૂકી આપે છે. આપણી વાર્તાસૃષ્ટિ સ્ત્રીપુરુષસંબંધના એક કૂંડાળામાં ભમતી ઘણી વાર લાગે છે. વિશાળ જીવનની અને એમાં ઉદ્‌ભવતી અનેકવિધ ભાવક્ષણોની એમાં ઉપેક્ષા થાય છે. વાર્તાકારોની સંવેદનપટુતા અને કલ્પનારસિકતાની કુંઠિતતાનો પણ એમાં ભાસ થાય છે. એ સ્થિતિમાં શ્રી સુધીર દલાલે વિશાળ જીવનમાંથી જે વિવિધ પ્રકારની ભાવક્ષણો ઝડપી છે તે એક અભિનંદનીય ઘટના લાગે છે. અહીં ઇતિહાસ, ભૂગોળ, ફિલ્મ, અખબાર અને સ્વપ્નમાં જોયેલા લંડનને સાક્ષાત્‌ જોવાની ઝંખનાને તથા એ ઝંખના વણસંતોષાયેલી હોવાના વિષાદને વ્યક્ત કરતી વાર્તા છે (‘પછી?’) અને પરદેશમાં પરણી જઈ સ્થિર થયેલી વ્યક્તિના ચિત્તમાં ‘દેશ’ કેવો ભરાયેલો પડ્યો છે એનું હૃદયસ્પર્શી ચિત્ર આંકતી વાર્તા પણ છે (‘વ્હાઇટ હોર્સ’), એકની એક પુત્રીના જીવનમાં પણ જેનો સમાસ નથી એવી વયસ્ક માતાની એકલતાની વેદનાને લેખક વાર્તાવિષય બનાવે છે (‘અનંત મુસાફરી’) અને પોતાની ઉંમરને ભૂલવાના તથા જવાનિયાઓ સાથે એકરસ થવાના વૃદ્ધ માણસના મરણિયા પણ નિરર્થક પ્રયાસની પણ કથા કરે છે (‘છોકરાઓ’). સંતાનઝંખનાની (‘આશાની ઢીંગલી’) તેમ સંતાનસ્મૃતિની (‘એક સાંજ’) વાર્તાઓ આપણને અહીં મળે છે અને જાહેરજીવન (‘કાયર’), જુગાર (‘ચાલ, અંબાજી જવું છે?’) અને ભૂતપ્રેત(‘...થયા છે’)ની જાતભાતની દુનિયાઓમાં લેખક આપણને લઈ જાય છે. સ્ત્રીપુરુષસંબંધનું તત્ત્વ જેમાં રહેલું હોય એવી વાર્તાઓ આ સંગ્રહમાં નથી એવું નથી, ઠીકઠીક સંખ્યામાં છે, પણ બધે જ એવો કોઈક વિશેષ દૃષ્ટિકોણ ભળેલો છે, જે એ વિષયને પણ નવું પરિમાણ બક્ષે છે. ‘હડતાળ’માં કિશોરવયના જાતીય આકર્ષણના પ્રથમ રોમાંચની વાત છે, તો ‘તમને સમજાય છે?’માં અબુધ બાળાના બાલસહજ ભોળપણથી ‘પ્રેમ’ના કહેવાય એવા પ્રસંગને જોવાયેલો છે. ‘અપેક્ષા’માં કિશોરની સંકોચશીલ મુગ્ધ મનઃસૃષ્ટિ છે, પણ એને વાસ્તવની ભૂમિ તરફ વાળવામાં આવી છે. બીજી બાજુથી, ‘યાદ’ જેવી વાર્તામાં મનમાં ઊંડે ધરબી દીધેલી પત્નીપ્રેમની લાગણી, વર્ષો પછી, પ્રસંગ મળતાં, પ્રસ્ફુટિત થઈ ઊઠે છે તેનું માર્મિક આલેખન થયેલું છે. સ્ત્રીપુરુષસંબંધના વિષયની વાર્તાઓમાં કેટલીક વાર્તાઓ એવો પ્રસંગસંદર્ભ લઈને આવે છે કે એમાં રસનું એક બીજું કેન્દ્ર પણ ઊભું થાય છે. ‘સુપ્રિયા’ આનું એક સરસ ઉદાહરણ છે. ઉપરછલ્લી રીતે તો અંધ સુપ્રિયા અને નાના ભાઈને પરદેશ મોકલવા માટે એ અંધ કન્યા સાથે પરણનાર રજનીના સંબંધની એ વાત છે. સુપ્રિયા પ્રત્યે જાગતા રજનીના પ્રેમની વાત છે. પણ એ વાર્તાને સુપ્રિયાનો ઉત્કટ જીવનરાગ એક જુદું જ મૂલ્ય અર્પે છે. રજનીનો પ્રેમ સુપ્રિયા જીતી શકે છે એનું કારણ પણ એનો આ ઉત્કટ જીવનરાગ જ છે. વાર્તાને અંતે આપણા મનમાં તરવરી રહે છે ઉત્કટ જીવનરાગથી ભરી સુપ્રિયા. લેખક પણ ‘સુપ્રિયા’ નામના એક ચરિત્રને રજૂ કરવા માગે છે એ વાર્તાના શીર્ષક પરથી સૂચિત થાય છે. ‘કબૂતરો’માં સમીર મંજુને ચુંબન કરે છે ઘટનાનું મહત્ત્વ નથી, પણ સ્ટેટ્‌સ, ઇસ્તંબુલ, દરિયાઈ મુસાફરી, રુલેટ, સુંદરીઓનાં દિવાસ્વપ્નોમાં રાચતો સમીર મુંબઈના માળાની અગાસીમાં, ઊખડી ગયેલા પોપડાવાળી કૅબિનની દીવાલની બાજુમાં, સડેલા ચોખા ચણતા કબૂતરોની સાક્ષીએ, લોટથી ખરડાયેલા ફ્રૉકવાળી મંજુને ચુંબન કરે છે એ અગત્યની ઘટના છે. એટલે કે સ્વપ્ન અને વાસ્તવનો એક તીવ્ર વિરોધ, વાસ્તવને તિરોભૂત કરતો પ્રબળ તરંગવ્યાપાર અને એમાં પ્રચ્છન્ન રહેલી કરુણતા એ વાર્તાનું વક્તવ્ય છે. ‘વર્ષગાંઠની ભેટ’ અને ‘કાંકરિયાને બાંકડે’ પણ સ્ત્રી-પુરુષનાં બે પાત્રોને અવલંબીને ચાલતી હોવા છતાં ચીલાચાલુ પ્રેમકથા નહીં લાગે. એકમાં પાંચ વર્ષના લગ્નજીવન પછી સગર્ભા બનેલી સ્ત્રીનો રોમાંચ અને ઉમળકો વાર્તાવિષય બન્યા છે. તો બીજીમાં બે દુખિયારા જીવ એકબીજાને સહારે જીવવા તૈયાર થાય છે એની કથા છે. ‘આગંતુક’ જેવી વાર્તામાં પુરુષના મનમાં સ્ત્રી વિશે જાગેલી શંકા તો વાર્તાનું એક સ્થૂળ પરિણમન છે, ખરેખર તો ગુનેગાર ગણાયેલા એક માણસના રહસ્યમય ચરિત્રને ઉઠાવ આપવાનો પ્રયાસ છે. આ બધાં દૃષ્ટાંતોથી જે કહેવાનું છે તે એ કે સુધીર દલાલના અનુભવજગતમાં એક મોકળાશ છે, તાજગી છે, જે આપણા મનમાં વસી ગયા વિના રહે તેવી નથી. દલાલના આ અનુભવજગતમાં ‘આજ’ની મુદ્રા પણ છે, એ અર્થમાં એ ‘આધુનિક’ છે, છતાં એ ‘આધુનિક્તાવાદી’ નથી. આધુનિકતાવાદી સાહિત્યમાં જોવા મળતા હતાશા, વિચ્છિન્નતા, હેતુશૂન્યતાના ભાવો અહીં નથી. વેદનાની વાતો અવશ્ય છે. પણ લેખક જીવનના હર્ષ અને શોક બંનેનો સ્વીકાર કરે છે એ દેખાઈ આવે છે. કદાચ લેખકની જીવન પ્રત્યેની વિધાયક દૃષ્ટિ છે એમ પણ કહી શકાય. ‘સુપ્રિયા’, ‘અપેક્ષા’, ‘વર્ષગાંઠની ભેટ’, ‘કાંકરિયાને બાંકડે’ અને ‘યાદ’ જેવી વાર્તા પણ આપણને એનો સંકેત કરે. અહીં ‘છોકરાઓ’ કે ‘યાદ’ જેવી વાર્તાઓમાં સંભવિતતાનો આપણે સહજપણે સ્વીકાર કરી શકીએ એવું છે. આધુનિકતાવાદી વાર્તાઓમાં જે એકદમ વૈયક્તિક કહેવાય એવા મનોભાવો આલેખાતા હોય છે એવું અહીં નથી. આધુનિકતાવાદી નહીં છતાં આ વાર્તાઓ આધુનિક સમયની પ્રબળ છાપ લઈને આવી છે. ‘પછી?’ની પરદેશપ્રવાસની ઝંખના, ‘વ્હાઇટ હોર્સ’ની પરદેશમાં વસેલા માણસમાં જાગતી ‘દેશ’ની સ્મૃતિ, ‘કબૂતરો’માં સમીરના મનમાં ભરાયેલી પરદેશની સૃષ્ટિ આધુનિક સમયસંદર્ભ સ્પષ્ટ રીતે ઉપસાવે છે. એ ઉપરાંત બીજી ઘણી વાર્તાઓમાં પણ પાત્રોનાં રહેણીકરણી અને વિચારવાણી, પદાર્થો અને પરિવેશમાં આજનું જીવન ધબક્યા કરે છે. ‘આશાની ઢીંગલી’, ‘વર્ષગાંઠની ભેટ’, ‘છોકરાઓ’ જેવી વાર્તાઓ જોવાથી આની પ્રતીતિ થશે. લેખકની પોતાની ભાષા પણ ‘આજ’ની મુદ્રા લઈને આવે છે. શહેરી મધ્યમવર્ગના રોજિંદા વપરાશની સુઘડ ભાષા. કહેવું જોઈએ કે સમયની વાસ્તવિકતા સ્વાભાવિક રીતે અને ઔચિત્યપૂર્વક લેખકે અહીં વિનિયોજી છે. ક્યાંય દેખાડો કે ડોળ નથી અને જે માનવસંવેદનને લક્ષ્ય કરીને વાર્તા રચાતી હોય છે, તેના તરફ લેખકનું અવ્યગ્ર લક્ષ રહે જ છે. વાસ્તવની પકડ આ લેખકનું એક મોટું બળ છે. દરિયાકિનારો હોય, મુંબઈનો માળો હોય કે જુગારખાના તરીકે વપરાતી વખાર હોય – લેખક થોડી રેખાઓથી પણ એ દુનિયામાં આપણને મૂકી આપે છે. હડતાળ કે જન્મદિવસની પાર્ટી – લેખક એકસરખી સફળતાથી એને તાદૃશ કરી આપે છે. પણ વધારે ધ્યાન ખેંચે છે માનવવ્યવહાર અને મનોવ્યાપારની લેખકની ઊંડી સૂઝ. આ વાસ્તવની બીજી ભૂમિકા છે. લેખકે ભદ્રવર્ગ, મધ્યમવર્ગ અને નીચલો વર્ગ – બધા વર્ગના જીવન સાથે ઘણી સફળતાથી કામ પાડ્યું છે. ‘તમને સમજાય છે?’ એ વાર્તા આ બીજી ભૂમિકાના વાસ્તવના એક નમૂના તરીકે જોવા જેવી છે. બાર વર્ષની કન્યા સવિતા, પિતા સો રૂપૈડીનો પગારદાર, ત્રણેક ભાઈભાંડુ. સવિતાને એક શેઠને ત્યાં નોકરીએ મૂકવી પડે છે. નોકરીએ મોકલતાં પહેલાંની સાંજ-રાતનું કુટુંબચિત્ર તો ભારે સમજદારીથી આલેખાયેલું છે. માબાપના અંતરમાં જાગતી સૂક્ષ્મ લાગણીઓ લેખકે ઝીલી છે; અને વધારે વિસ્મયકારક બાબત તો એ છે કે સવિતાની નજરે એને આલેખી છે. વાર્તા – આખી જ સવિતાને મુખે મુકાયેલી છે. એના વિચારો, એની વાણી, એની કથનરીતિ – બધું જ બાર વર્ષની એક અબુધ બાળાને છાજે એવું છે. ‘હડતાળ’માં ભાણિયાના અને ‘અપેક્ષા’માં શશાંકના મનોવ્યાપારોમાં પણ કેટલીબધી સાહજિક પ્રતીતિકરતા છે! વાર્તાઓ વાસ્તવની ભૂમિને છોડી અતિવાસ્તવ કે પરાવાસ્તવમાં ક્યાંયે પહોંચતી નથી. ‘કબૂતરો’માં દિવાસ્વપ્નોની દુનિયામાં લેખક આપણને લઈ જાય છે એટલું જ. બાકી લેખકે પાત્રોનાં બાહ્ય વર્તન અને સભાન વિચારો દ્વારા જ પોતાનું કામ સાધ્યું છે. એ રીતે પણ આ વાર્તાઓ ‘આધુનિકતાવાદી’ નથી; એ પરંપરાનિષ્ઠ વાર્તાઓ છે. પણ આ ભૂમિકાએ રહીને પણ લેખક માનવસ્વભાવની ઘણી સૂક્ષ્મતાઓ તાગી શક્યા છે. ઘણુંબધું માનવસંવેદન – માર્મિક માનવસંવેદન પણ સભાન વિચારવર્તનને અવલંબીને વ્યક્ત કરી શકાય છે એ આ વાર્તાઓ આપણને બતાવે છે. ‘યાદ’ આનો એક ઉત્તમ નમૂનો છે. પતિપત્ની છૂટાં પડ્યાં છે. અઢાર વર્ષે પુત્રી એકલા રહેતા પિતાને ત્યાં આવે છે. પિતાના ઘરની દશા એમની એકલતાની, એમના ભગ્ન જીવનની ચાડી ખાય છે. પિતા અણધારી રીતે પુત્રીને આવેલી જોઈને ક્ષોભ અનુભવે છે. પુત્રીને એ ‘તમે’ કહીને બોલાવે છે, ‘તું’ જલદી જીભે ચડતું નથી. પોતાનો બાથરૂમ પુત્રી વાપરે, પોતાના ઓરડામાં બીજું કોઈ સૂએ એમાં એને કંઈક વિચિત્ર, પાપ જેવું લાગે છે! પુત્રીના દેખાવમાં, એની હરએક ક્રિયામાં એને પત્નીના અણસારા આવે છે. એ વ્યાકુળ બને છે અને વ્યાકુળતાને દૃઢતાથી સંયમિત કરે છે. પણ રાતે ચાંદનીના પ્રકાશમાં બહાર ઊભેલી સરિતા(પત્ની)નો ભાસ થાય છે અને ‘અંદર આવ ને’ બોલી જવાય છે. પુત્રી પિતા પાસે જાય છે અને ‘મમ્મીએ તમને યાદ કહેવડાવી છે’ એમ કહે છે ત્યારે ‘એ કેમ ન આવી?’ એમ એનાથી બોલી જવાય છે. શ્રી દલાલે અદ્‌ભુત રીતે એક અણધારી પરિસ્થિતિમાં મુકાયેલા પુરુષના મનના આંતરપ્રવાહોને અહીં ઝીલ્યા છે અને એની ગૂઢ વ્યથાને ઘરગથ્થુ વાર્તાલાપ અને પ્રસંગચિત્રણ દ્વારા સમર્થ રીતે વાચા આપી છે. ‘વ્હાઇટ હોર્સ’ના ધીરુભાઈની અને ‘છોકરાઓ’ના નટવરલાલની પણ હૃદયમાં ભરેલી લાગણીઓ આ રીતે એમનાં વાણી-વર્તન દ્વારા જ સાહજિક રીતે વ્યક્ત થઈ છે. દલાલ પાસે વાર્તારચનાની એક પોતીકી રીત છે. એ સીધી રીતે વાર્તા કહે છે. પાત્ર, પ્રસંગ, પરિસ્થિતિને તટસ્થ રીતે રજૂ કરતા જાય છે અને પોતે ક્યાંયે વચ્ચે આવતા નથી. વાર્તાલાપની રીતે વાર્તા ચાલે છે. એમાં સૂચક વળાંકો હોય છે. પણ લેખક બોલકા થઈને એને પ્રગટ કરી દેતા નથી. વાર્તાને અંતે ઘણી વાર સ્ફોટ આવે છે, તેમ છતાં એ સ્ફોટ પર વાર્તાનો સઘળો મદાર નથી હોતો. વાર્તા સમગ્રપણે આસ્વાદ્ય હોય છે. દાખલા તરીકે ‘વર્ષગાંઠની ભેટ’ જેવી વાર્તા જુઓ. વાર્તાની નાયિકા આજે કંઈક ખુશમિજાજમાં છે. એના પતિની આજે વર્ષગાંઠ છે પણ એ એનું ખરું કારણ નથી. ખરું કારણ તો વાતને અંતે પ્રગટ થાય છે, જ્યારે એ એના પતિને કહે છે કે આવતી વર્ષગાંઠે તું ચાર મહિનાનો પપ્પો હોઈશ. આ હકીકતમાં સૂચનો તો લેખકે વાર્તામાં ઘણેબધે વેર્યાં છે – નાયિકાને માટે પતિને ભેટ આપવાનો મૂંઝવતો પ્રશ્ન ઊકલી ગયો હતો. જિંદગીમાં પહેલી વાર આટલાંબધાં પંખીનો કિલકિલાટ એ સાંભળે છે, કામવાળીને ખાવાનું આપે છે – એને ‘દિવસ છે’ એમ કહીને, કનક બાળબચ્ચાંવાળાઓની મશ્કરી કરે છે ત્યારે એ એને રોકવા મથે છે – વગેરે. વાર્તામાં આસ્વાદ્ય તો છે નાયિકાની ખુશમિજાજી. રચનાનું ચાતુર્ય એમાં જરા રંગ આણે છે. ‘આગંતુક’માં એકલવાયી સ્ત્રીને આંગણે આવેલા માણસનું વર્તન ફરી જાય છે. એનો પૂરો ઘટસ્ફોટ તો છેલ્લે થાય છે (એ જરા નબળી રીતે થયેલો છે), પણ ઘરના પુરુષની છબી જોયા પછી એનું વર્તન બદલાય છે એવો એક સંકેત તો લેખકે વાર્તામાં મૂક્યો છે. દલાલ અંતની ચોટ માટે વાર્તાને અવાસ્તવિક કે અસ્વાભાવિક નહીં બનાવે. રહસ્યને સહજ રીતે ગોપિત-સૂચિત રાખવાનાં કલાકસબ એમને વરેલાં છે. ‘આગંતુક’ વાર્તા છેલ્લા સ્ફોટથી ખીલે બંધાય છે, પણ એની વાર્તા તરીકેની હસ્તી કેવળ એના પર આધાર રાખતી નથી, એક રોમાંચક પરિસ્થિતિના અને આગંતુકના ભેદી વર્તનના આલેખનમાં વાર્તા રહેલી છે. ‘પછી?’માં પણ અંતે જે ઘટસ્ફોટ આવે છે કે પતિપત્ની પરદેશ ગયેલાં નથી, તે જરૂર ચમત્કારક છે, વિષાદનો વળાંક આપવા માટે અનિવાર્ય પણ છે, પણ પતિપત્ની વચ્ચે પરદેશપ્રવાસનો કૃતક સંભારણાસંવાદ જે રીતે લેખકે નિભાવ્યો છે એમાં વાર્તાની સાર્થકતા છે. આ રીતિથી જ એ બન્નેની પરદેશપ્રવાસની આસક્તિ કેટલી ઊંડી છે એ પ્રગટ થઈ શકે. આ વાર્તા શ્રી દલાલનું એવું રચનાચાતુર્ય બતાવે છે, જે રચનાચાતુર્યને દલાલની વાર્તાઓમાં ઝાઝું સ્થાન નથી. ટેક્‌નિકની કોઈ આળપંપાળમાં આ લેખક પડ્યા નથી. પરંપરાગત વાર્તારીતિ પાસેથી એમણે ઘણું કામ લીધું છે. તેમ છતાં વાર્તાઓ ક્યાંકક્યાંક પ્રતીકાત્મક નિરૂપણરીતિમાં સહજ રીતે સરે છે. ‘વ્હાઇટ હોર્સ’માં એ નામનો બાર ધીરુભાઈના મનોજગતનાં બે બિંદુઓને સાંકળે છે. ‘આ વિધવા સ્ત્રી’માં ચોગાનમાં ખૂરપીથી ખોદતા, ધરતીની માટીને ઊથલપાથલ કરતા કાળા માંસલ દેહવાળા માળીનું દર્શન એ સ્ત્રીના ભાવજગતને માટે એક અર્થસભર સંકેત રચે છે. પણ આ સૌ કરતાં વધારે ધ્યાન ખેંચતું ઉદાહરણ તો ‘આશાની ઢીંગલી’નું છે. વાર્તાના શીર્ષકમાં રહેલા રૂપક તરફ બરાબર લક્ષ આપીએ ત્યારે વાર્તામાંની ઢીંગલી નિઃસંતાન દંપતીની સનાતન આશાનું પ્રતીક બની જાય છે અને આપણને પ્રશ્ન થાય છે કે વર્ષો પછી આંગણે આવી ઊભો રહેતો અને ઢીંગલીને ચાલતી કરતો યુવાન તે વાસ્તવિક કે મનની વાસના – આશામાત્ર? અરે, પહેલાં એ ઢીંગલીને જોઈને જ આવેલો પેલો સંજય પણ વાસ્તવિક કે આ દંપતીની મનોભૂમિની જ એક નીપજ? પણ વાસ્તવથી આપણને આટલેબધે દૂર લઈ જાય એવી વાર્તારચના શ્રી દલાલમાં બીજી કોઈ નથી. કદાચ એમની એ વાર્તારીતિ નથી. દલાલની વાર્તાઓ તે વાર્તાઓ જ છે. નથી એ ઊર્મિકાવ્ય બનતી, નથી એ લલિત નિબંધમાં સરી જતી. પ્રસંગ-પાત્રના દોર પર અને મોટે ભાગે સમયાનુક્રમમાં એ ચાલે છે. દલાલની વાર્તાઓ ઠીકઠીક અંશે કહી શકાય એવી વાર્તાઓ છે, જે ગુણ આપણી આજની વાર્તા કેટલીક વાર જાણીબૂઝીને ગુમાવતી જણાય છે. દલાલ પાસે પોતે જોયેલો જીવનમર્મ છે અને સાથેસાથે વાર્તાનો નક્કર ઘાટ છે. એથી એમાં સાચુકલી જીવંતતા લાગે છે. એ દેહ વિનાના આત્મા જેવી કે આત્મા વિનાના દેહ જેવી નથી. વિગતોથી વાર્તાનો દેહ રચવાની આ રીત આપણને સુન્દરમ્‌ની યાદ અપાવે, પણ સુન્દરમ્‌માં વર્ણન તેમ જ ભાષામાં જે કવિત્વ લહેરાતું હતું તે અહીં નથી. સુન્દરમ્‌ લેખક તરીકે પ્રગટ થતા હતા. આ લેખક વાર્તાના જાણે કથક રહે છે. સુન્દરમ્‌માં સામાજિક પ્રશ્નો કે મૂલ્યોની સભાનતા હતી, આ લેખક એવી સભાનતાથી સદંતર મુક્ત છે. લેખકનું લક્ષ સામાજિક પરિસ્થિતિ તરફ નહીં, પણ માણસ તરફ છે. ‘અપેક્ષા’ જેવી કોઈક વાર્તાની રચના હેતુલક્ષી રીતે થયેલી હોય એવી ગંધ આવે છે. બાકી હેતુથી પોતાની વાર્તાઓને લેખકે દૂષિત થવા દીધી નથી. એ તટસ્થ દ્રષ્ટાની રીતે લખે છે. લેખક તો નહીં જ, પણ લેખકનાં પાત્રો પણ વિચારો કે લાગણીઓનું ‘ગાન’ ક્યાંયે કરતાં નથી. પ્રસંગ અને પ્રસંગની સાહજિક પ્રતિક્રિયાઓ વડે જ લેખક વાર્તા રચે છે. માટે જ ફરીને કહેવાનું મન થાય છે કે આ વાર્તાઓ બધા અને પૂરા અર્થમાં વાર્તાનો આસ્વાદ આપતી વાર્તાઓ છે. વાર્તાલાપની થોડી મોકળાશ છતાં વાર્તા ફિસ્સી પડતી હોય એવું જવલ્લે જ જોવા મળે છે. પરિવેશ, પરિસ્થિતિ અને પાત્રના સમુચિત સંઘટનથી ઘાટદાર વાર્તાઓ – લાક્ષણિક ટૂંકી વાર્તાઓ નીપજી આવે છે. લેખક પાસે વાર્તા કહેવાનો એવો સરસ કસબ છે કે ‘...થયા છે’ જેવી ભૂતપ્રેતના અનુભવની કે ‘હું એને ન મળ્યો હોત તો’ જેવી ઘટનાચમત્કારવાળી વાતો પણ આપણને ખેંચી જાય છે. જોકે ‘હું એને ન મળ્યો હોત તો’માં એક રસપ્રદ માનવચરિત્ર છે અને માનવમનની એક સહજ નિર્બળતાનો ધ્વનિ પણ છે. વેધકતા અને કલાકસબની દૃષ્ટિએ ઊણી ઊતરતી હોય એવી વાર્તાઓ આ આખા સંગ્રહમાં ‘અનંત મુસાફરી’ અને ‘કાયર’ જેવી કોઈક જ મળે છે એ લેખકનું ઘણું મોટું જમાપાસું છે. માનવમનના અગોચર પ્રદેશોને ખેડવા, ટેક્‌નિકના અવનવા પ્રયોગો કરવા, ભાષાકર્મ પરત્વે તીવ્ર સભાનતા દાખવવી – આ જાતનાં સાહસોમાં આ લેખક પડ્યા નથી તેથી એમની કંઈક ઉપેક્ષા થવા સંભવ છે. વાર્તાની નિરાડંબરતાથી આપણે છેતરાઈ જઈએ એવી શક્યતા છે. પણ કહેવું જોઈએ કે આ લેખક પાસે એક સાચા વાર્તાકારની દૃષ્ટિ અને કલમ છે. એ જે રીતિમાં લખે છે એમાં એમનું પૂરું સામર્થ્ય છે અને આ રીતિ વાર્તાની રીતિ નથી એમ કોઈ નહીં કહે. સંગ્રહની એકબે વાર્તાઓ પ્રત્યે નહીં પણ ઘણી વાર્તાઓ પ્રત્યે અભ્યાસીઓનું લક્ષ ખેંચાવું જોઈએ એમ લાગે છે. યુનિવર્સિટીઓમાં પાઠ્યપુસ્તકો નિયત કરનારાઓનું આ પુસ્તક તરફ લક્ષ ખેંચાયું હોય એમ લાગતું નથી. એમાં ઝાઝી નવાઈ નથી. અદ્યતન સાહિત્યકૃતિઓને આપણા અભ્યાસક્રમમાં ઘણું ઓછું સ્થાન મળે છે, પણ જ્યારે અદ્યતન સાહિત્યકૃતિ નિયત કરવાનો વિચાર થાય છે ત્યારે અભ્યાસસમિતિઓ મૂંઝવણમાં પણ પડતી હોય છે : વિદ્યાર્થીઓના હાથમાં કશી અવઢવ વિના મૂકી શકાય એવી ઉત્તમ કૃતિઓ ક્યાં? મને લાગે છે ‘વ્હાઇટ હોર્સ’ જીવનની જે માર્મિક સમજ, આધુનિક સમયની જે સહજ સંપ્રજ્ઞતા, વાર્તાની જે શુદ્ધ કલા, અભિવ્યક્તિની જે હૃદયંગમ સફાઈ લઈને આવે છે તે વિદ્યાર્થીઓને જીવનની, સાહિત્યની અને ટૂંકી વાર્તાના સાહિત્યસ્વરૂપની સમજ કેળવવામાં ઘણું મદદરૂપ થાય તેમ છે. એ સિવાય પણ આ પુસ્તક અભ્યાસપાત્ર બનવાની ક્ષમતા જરૂર ધરાવે છે.

[‘બુદ્ધિપ્રકાશ’, મે ૧૯૭૮]
[‘વ્યાસંગ’]

*