સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - ભોળાભાઈ પટેલ/કિતની નાવોંમે કિતની બાર
અનેક નાવો મેં અનેક બાર[1]
૧૯૭૮નો ભારતીય જ્ઞાનપીઠનો એક લાખ રૂપિયાનો પુરસ્કાર પ્રસિદ્ધ હિન્દી કવિ અજ્ઞેય (સચ્ચિદાનંદ વાત્સ્યાયન — ૧૯૧૧)ને તેમના કાવ્યસંગ્રહ ‘કિતની નાવો મેં કિતની બાર’ને આપવાની ઘોષણા થઈ છે. ૧૯૬૧ થી ૧૯૭૦નાં વર્ષો દરમ્યાન વિભિન્ન ભારતીય ભાષાઓમાં પ્રગટ થયેલી રચનાઓમાંથી સૌથી ઉત્તમ ગ્રંથ તરીકે આ કાવ્યસંગ્રહની પસંદગી થઈ છે. ‘કિતની નાવો મેં કિતની બાર’ કવિ અજ્ઞેયના આજદિન સુધીમાં પ્રકટ થયેલા કુલ તેેર જેટલા કાવ્યસંગ્રહોમાં નવમો છે. ૧૯૩૩માં એમનો પહેલો કાવ્યસંગ્રહ ‘ભગ્નદૂત’ પ્રકટ થયો હતો અને ૧૯૭૭માં છેલ્લો તેરમો સંગ્રહ ‘મહાવૃક્ષ કે નીચે’ પ્રકટ થયો છે. જો કે કવિની પહેલી કવિતા તો છેક ૧૯૨૭માં છપાઈ હતી. આ તેર જેટલા કાવ્યસંગ્રહો ઉપરાંત અજ્ઞેયજીએ સાત જેટલા વાર્તાસંગ્રહોમાં સડસઠ જેટલી વાર્તાઓ, ત્રણ નવલકથાઓ, એક પદ્યનાટક, લલિત નિબંધ, ગોવર્ધનરામની સ્ક્રેપબુક જેવા અંતઃ પ્રક્રિયાઓના બે ગ્રંથ, વિવેચન, આદિ વાઙ્મયનાં અન્ય સ્વરૂપોમાં અતિ માતબર પ્રદાન કર્યું છે. તેમણે અનેક ગ્રંથોનું સંપાદન કર્યું છે. માસિક, સાપ્તાહિક અને દૈનિકના તંત્રી તરીકે પત્રકારત્વના ક્ષેત્રમાં વિશિષ્ટ ભાત પાડી છે. આજેય ‘નયા પ્રતીક’ માસિકના સંપાદન ઉપરાંત, હિંદીના સૌથી બહોળો ફેલાવો ધરાવતા દૈનિક ‘નવભારત ટાઈમ્સ’નું સંપાદન સંભાળે છે. એક વાત કહેવી જોઈએ અને તે એ કે સર્જનેતર સાહિત્ય પ્રવાસ, વિવેચન, ચિંતન, સંપાદન — જે પણ વિપુલ માત્રમાં છે — તે ઘણું ખરું તેઓ સચ્ચિદાનંદ વાત્સ્યાયનના નામે અને સર્જનાત્મક સાહિત્ય અજ્ઞેય નામે પ્રકટ કરે છે. અજ્ઞેય એ નામ મળતાં મળ્યું છે. જેલમાં હતા ત્યારે, સાચા નામે તેમની વાર્તા પ્રકટ કરવામાં મુશ્કેલી અનુભવતાં શ્રી જૈનેન્દ્રકુમારે ‘અજ્ઞેય’ નામ આપ્યું તે આપ્યું. આજે તે નામથી જ તેઓ ઓળખાય છે. અજ્ઞેય એટલે સચ્ચિદાનંદ વાત્સ્યાયનનું સર્જક રૂપ. અને પોતાની અંદર રહેલા આ સર્જક રૂપને તેમને ઘડ્યું છે પદે પદે, ક્ષણે ક્ષણે અને એક સાધકની અવધાનતાથી, જીવનના સમવિષમ અનુભવોની એરણ પર. ના, આ કોઈ રૂપક નથી. જીવન જ એમને એવું મળ્યું છે અથવા કહો કે જીવન જ તેઓ એવું જીવ્યા છે જે તેમનામાં રહેલા સર્જકને કૉળાવે. (અને એ અંદર રહેલો સર્જક તેમના વ્યક્તિત્વને.) રિલ્કેએ કવિમાત્ર માટે જે વિવિધ અનુભવ–વિશ્વમાંથી પસાર થવાની વાત લખી છે, કવિ અજ્ઞેયનું આજન્મ જીવન જાણે તેનું એક નિદર્શન ન હોય ! જન્મ તેમનો ઉત્તર પ્રદેશમાં કોઈ પુરાણી નગરીનું ખોદકામ ચાલતું હતું તેના શિબિરમાં. બચપણ લખનૌ અને તે પછી કાશ્મીરમાં. ત્યાં પંડિત પાસેથી સંસ્કૃત, મૌલવી પાસેથી ફારસી અને પાદરી પાસેથી અંગ્રેજીના શિક્ષણનો પાયો નંખાયો. તે પછી નાલંદા. અગિયાર વર્ષની વયે છેક દક્ષિણમાં ઉટાકામંડ. વિજ્ઞાનના વિદ્યાર્થી તરીકે મદ્રાસ કૉલેજમાં બે વર્ષ ભણ્યા પછી ત્યાંથી લાહોરમાં જઈ બી. એસસી. થયા ૧૯૨૯માં. પછી અંગ્રેજી સાહિત્યના વિદ્યાર્થી થાય ન થાય ત્યાં ક્રાંતિકારી જીવનનો આરંભ કર્યો. ભગતસિંહના એ દિવસો હતા, બૉબ બનાવવાની ફેક્ટરી શરૂ કરવાના આરોપમાં તેમની ધરપકડ અને તે પછી લગભગ પાંચ વર્ષ જુદી જુદી જેલોના અનુભવ. કારાગારમાં જ તેમનું સર્જક રૂપ ઊભરાવા લાગ્યું. (તેમની શરૂઆતની કવિતાઓ ‘ભગ્નદૂત’ અને પ્રથમ નવલકથા ‘શેખર : એક જીવની’નો અધિકાંશ ત્યાં રચાયેલો, અનેક વાર્તાઓ પણ.) આ પહેલાં પ્રેમનો એક અનુભવ ઊંડો વિષાદ તો મૂકી ગયેલો, જેમાં પ્રિયજનનું મૃત્યુ વિચ્છેદનું કારણ બની રહ્યું. જેલમાંથી છૂટ્યા પછી મુખ્યત્વે કલકત્તામાં પત્રકારત્વ કર્યું. અહીં પ્રેમનો બીજો અનુભવ, જે એક વર્ષમાં તો લગ્ન અને વિચ્છેદમાં પરિણમે છે, એક તિક્ત અનુભવની સ્મૃતિ બનીને. ૧૯૪૩ના બીજા વિશ્વયુદ્ધ વખતે યુદ્ધમાં જોડાઈ અસમ અને કોહિમા ફ્રંટ પર કામગીરી બજાવી. તે સાથે સાહિત્યિક પ્રવૃત્તિઓ પણ ખરી, પછી આકાશવાણીમાં કામ કર્યું અને યુરોપયાત્રા કરી, વળી પાછો પ્રણય અને પરિણય — કુ. કપિલા મલિક સાથે. કપિલા મલિક કપિલા વાત્સ્યાયન બન્યાં. તેમની સાથે ભારતનાં અનેક કલાધામો અને પ્રકૃતિ સ્થળોમાં ભ્રમણ કર્યું. તે પછી જાપાનની યાત્રા કરી. ફરી યુરોપ અને તે પછી અમેરિકામાં કેલિફોર્નિયામાં ભારતીય સાહિત્ય અને સંસ્કૃતિના અધ્યાપક તરીકે કામ કર્યું. ભારતમાં આવી ‘દિનમાન’ સાપ્તાહિક શરૂ કર્યું. વળી પાછા પરદેશ, ત્યાંથી આવ્યા પછી જયપ્રકાશજીના પત્રોનું સંપાદન સંભાળ્યું. સાહિત્યનું માસિક ‘નયા પ્રતીક’ કાઢ્યું. હાઈડલબર્ગ, જર્મનીમાં છ માસ જઈ આવ્યા અને જર્મન કવિતાઓનું ભાષાંતર કર્યું. અત્યારે ‘નવભારત ટાઈમ્સ’ દૈનિકના સંપાદન સાથે જ ચાલી રહી છે કવિની અનવરત શબ્દસાધના. આ મહાન રખડુ કવિએ અબ્ધિ, અદ્રિ અને વનાનીનું જીવનભર પરમ આકર્ષણ અનુભવ્યું છે. પશુ, પંખી અને પુષ્પોની દુનિયામાંય પ્રવેશ કર્યો છે. તે સિદ્ધહસ્ત ચિત્રકાર અને તસવીરકાર છે. પૅરિસ નિવાસ દરમ્યાન એક દસ્તાવેજી લઘુફિલ્મ પણ ઉતારેલી. એક જીવનમાં કવિ જાણે કેટલાંય જીવન જીવી જવા ન માગતા હોય ! ના, આ તો જીવનને સમગ્રપણે જીવી જવાની જ વાત છે, અને છેવટે આત્મસાક્ષાત્કારની વાત છે. વિદેશોમાં કેટલું ભ્રમણ ? વિદેશી સાહિત્ય અને દર્શનનું કેટલું અધ્યયન? — અને તે છતાં તેઓ ‘ભારતીય’ છે અથવા, તેમના શબ્દોમાં, જેટલી વાર પરદેશ ગયા તેટલી વાર વધારે ને વધારે ભારતીય બનીને પાછા આવ્યા છે. જીવનમાં કવિએ ઘણું અનુભવ્યું છે, સહ્યું છે, વેઠ્યું છે, જાણ્યું છે, માણ્યું છે. જાણે કે અનવધાનતાની કોઈ ક્ષણો નથી. બધું પોતા પર ‘થવા’ દે છે અને એ રીતે પોતે ‘થાય છે.’ આ ‘થવું’ એવી એની અભીપ્સા તેમની અનુભૂતિપ્રવણતના મૂળમાં છે. સર્જન એની જ પ્રક્રિયાનો ભાગ છે. અને એટલે જ તેમની સમગ્ર સર્જનસૃષ્ટિમાં એક યાત્રાનો ભાવ છે, આત્મદાનની સાથે સર્વસ્વીકારી નમ્ર ભાવ છે, મમેતર સાથેનો સંવાદ છે, એટલે કે મનુષ્યમાત્ર માટેનો પ્રેમ છે, એક ગહન કૃતજ્ઞતાનો ભાવ છે. અને એક કલાકાર તરીકે આ તમામ અનુભૂતિઓનું ભાષિક રૂપાંતર સાધવામાં કૃતકૃત્યતાનો. કવિનું સમગ્ર જીવન એક યાત્રા છે, એમ કહીએ ત્યારે એના કાવ્યસર્જનને પણ કાવ્યયાત્રા કહી શકાય. આ યાત્રામાં અનેક વળાંક આવવાના અને આ યાત્રા લગાતાર ચાલતી રહેવાની. એ તે વળી કેવું તીર્થ, જ્યાં યાત્રા અટકી જાય ? અથવા જે નવા યાત્રાપથે પ્રેરિત ન કરે?
વહ કૈસી હોતી યાત્રા
જો પહુંચા કર ચુક જાતી?
ઝૂકા હોગા વહ તીર્થ
સરોવર, નદી, મહાસાગર કા જો ન કિનારા ભર હોતા.
જહાં સે અપને હી સંકલ્પ
ન બન જાતે લલકાર
નયે અનજાને પાની મેં ઘુસને કી.
(સમ્પરાય — ‘કિતની નાવો મેં કિતની બાર’)
એટલે કવિ ‘ધીર, અધીર, સહજ, ડગમગ, દ્રુત ધીરે —’ ચાલતા ચાલતા જે તીર્થઘાટ પર આવીને ઊભા રહે છે તેને અટકસ્થાન ન માનતાં એક માત્ર ‘સમ્પરાય’ — (ક્રૉસિંગ) ઉંબર, માને છે, જ્યાંથી બીજે પાર જવાનું છે. તે બીજે પાર જવા ‘રૂપ—રૂપાયમાન—રૂપાયિત’ એટલે કે રૂપેષણા, અભિનવ સિસૃક્ષાપ્રેરક બની રહે છે. જે સર્જાયું તે તો સર્જાયું — ત્યાં થંભી જવાનું કેવું? કવિ જે કંઈ સર્જન કરે છે તે, તે પછીના સર્જન ભણી જવા ‘અણદીઠેલી ભોમ’ પર આંખ ઠેરવવા ન પ્રેરે તો સર્જન શાનું? અને કવિની આ યાત્રામાં માર્ગ એકદમ સ્પષ્ટ નથી હોતો ધુમ્મસથી ઢંકાયેલો છે એટલે આવા જે કંઈ ઉંબર વચ્ચે આવે ત્યાં ઠોકર પણ ખવાય, પણ કવિ છે તે પણ હઠયોગી છે, બસ ઉત્સાહથી આગળ વધે છે. પેલી રૂપેષણાથી આ રૂપેષણા — રૂપતૃષા પણ અન્ય એક કવિતામાં આવે છે તેમ જિજીવિષાનું જ બીજું નામ છે. ઉંબરની પેલે પાર એને વિશ્વાસ છે, માર્ગ છે હજી આગળ, અહીં અટકી નથી ગયો :
હૈ રાહ !
કુહાર તક હી નહીં, પાર દેહરી કે. હૈ.
મૈં હૂં તો વહ ભી હૈ,
તીર્થાટન કો નીકલા હૂઁ
કાંધે બાંધે હૂં લકડિયાં ચિતા કી :
ગાતા જાતા હૂઁ —
‘હૈ, પથ હૈ :
વહ જો રુક જાતા હૈ કૂલ કૂલ પર બાર-બાર —
યોં નહીં કિ વહ ચુક જાતા હૈ :
પર તીર્થ યહી તો હોતે હૈં
અનજાને — યદ્યપિ વાંછિત - સમ્પરાય :
હમ હોતે હી રહતે હૈં વહાં પાર !’
(સમ્પરાય)
યાત્રા યાત્રિકનું પ્રતીક પુરાણું છે. બધાં જ સાહિત્યોમાં અનેક અનેક રીતે પ્રયોજાયું છે. દરેક સર્જકે પોતાની રીતે પ્રયોજ્યું હોય છે. અતિપ્રયોગને લીધે ક્યાંક એ પ્રતીકથી વિશિષ્ટ અભિવ્યક્તિ સધાતી નથી. પરંતુ કવિ અજ્ઞેયે સર્જનયાત્રાના સંદર્ભે નવા કલ્પનોથી ઉત્તમ અભિવ્યક્તિ સાધી છે. કાવ્યશીર્ષક ‘સમ્પરાય’ જ એક પ્રતીકધર્મી કલ્પન છે. ક્રૉસિંગ – એટલે કે અટકસ્થાન એ નથી. અહીં પારાપારનો નિર્દેશ છે. પણ સર્જકને પાર જવા પ્રેરે છે એની રૂપેષણા. એથી ખભે પોતાની ચિતાનાં લાકડાં બાંધીને જ ગાતો ગાતો નીકળી પડ્યો છે. એક તીર્થ — સમ્પરાય, બીજું તીર્થ...રસ્તો આગળ જાય છે ભલે ધુમ્મસથી ઢંકાયેલો હોય. પ્રસ્તુત અવતરણની બીજી લીટીમાં ‘હૈ’ શબ્દ એક પૂરું વાક્ય છે. એમાં કેટલો દૃઢ વિશ્વાસ છે. ‘હૈ.’ એ પ્રત્યય કેવી રીતે છે — ‘મૈં’ હૂઁ તો વહ ભી હૈ.’ આ કવિની કાવ્યયાત્રાનું પ્રથમ તીર્થ હતું છાયાવાદી કવિતા, રવીન્દ્રનાથની કવિતા, પણ પછી આધિનિકતાના સંસ્પર્શ સાથેની ‘પ્રયોગવાદ’ અને પછી ‘નઈ કવિતા નામે ઓળખાતી કવિતા, તેઓ જ તેના પ્રયોક્તા અને પુરસ્કર્તા હતા. ભાષાકર્મની પ્રધાનતા સાથે કલ્પનપ્રતીકધર્મી કવિતાની ધારા વહાવી, હિન્દી કવિતાને નવી દિશા આપી. પણ કવિ આ તીર્થ ઉપર જ બેસી રહ્યા, એમની કવિતા જ તેમને પ્રેરી રહી. કવિની એ યાત્રા આંતરિક અધિક હતી, તેમાં આધ્યાત્મિક ઉદિષા હતી. ત્યાંથી વળી આગળ યાત્રા, જેમાં માનવીય સંપૃક્તિનો સંસ્પર્શ છે. યાત્રાનું આ તીર્થ તે ‘કિતની નાવોં મેં કિતની બાર.’ અજ્ઞેયના કવિતાસંગ્રહોનાં ઘણાંખરાં નામ એક કાવ્યપંક્તિ જ હોય છે, અને તે ઘણી સૂચક હોય છે. આ હિન્દી નામાભિધાનને આપણે ચલતી ગુજરાતીમાં કહેવું હોય તો કહી શકાય કે ‘કેટકેટલી નાવોમાં કેટકેટલીવાર.’ એમાં એક વારંવારના, લગાતાર થતા રહેતા પ્રયત્નની વાત છે. કવિ વારે વારે નીકળે છે — સત્યની શોધમાં. (એક બીજા સંગ્રહ ‘ઈન્દ્રધનુ રૌદે હુએ યે’માં અજ્ઞેયની એક પ્રસિદ્ધ કવિતા છે — ‘સત્ય તો બહુત મિલે.’ પૃ.૧૭) આ સત્ય તે રાગસત્ય અર્થાત્ પોતાની અનુભૂતિમાં થઈને ગુજરેલું, જીવેલું સત્ય. કવિ અજ્ઞેયમાં એટલે જ અનુભૂતિની પ્રથમતાનો, સૂચ્યગ્રતાનો આગ્રહ છે, ક્ષણનો આગ્રહ છે. આ સત્ય તે તથ્યથી ભિન્ન છે, એ રીતે કે જ્યારે તથ્ય કવિની અનુભૂતિનો ભાગ બને ત્યારે જ તે ‘સત્ય’ બને. કવિનું સત્ય તો અનુભૂતિપરક, એનું પોતાનું સત્ય હોય —. (‘નદી કે દ્વીપ’માં અજ્ઞેયની નવલકથાનો નાયક પણ સત્ય-તથ્યની વાત કરતાં કહે છે — ‘સત્ય, તથ્ય કા રચનાત્મક, સૃજનાત્મક રૂપ હૈ...’ પૃ.૧૯) કવિએ અહીં ‘ડગમગ નાવ’ અને ‘જગમગ જહાજ’ના પ્રતીક દ્વારા એની વાત કરી છે :
કિતની દૂરિયોં સે કિતની બાર
કિતની ડગમગ નાવોં મેં બૈઠકર
મેં તુમ્હારી ઓર આયા હૂઁ
ઓ મેરી છોટી સી જ્યોતિ !
*
કિતની બાર મૈં
ધીર, આશ્વસ્ત, અકલાન્ત —
ઓ મેરે અનબુઝે સત્ય ! કિતની બાર...
આ નાનકડી જ્યોતિ, તે સત્ય. એની શોધમાં કવિ ‘ધીર, આશ્વસ્ત અને અકલાન્ત’ છે. અનેક અંતર પાર કરીને તે સત્યની નિકટ આવે છે, એની ઝાંખી પામતો પામતો. જ્યારે બીજી બાજુ ‘જગમગ જહાજો’ તેને દૂર પારકા દેશોની બેદર્દ હવાઓમાં ખેંચીને લઈ જાય છે જ્યાં નગ્ન પ્રકાશ વધારે ઉઘાડાં કરે છે અને જ્યાં :
કેવલ ચૌંધિયાતે હૈં તથ્ય — તથ્ય —
સત્ય નહીં, અન્તહીન સચ્ચાઈયાઁ...
અને તે તથ્ય, તે સચ્ચાઈઓ કવિને ખિન્ન, વિકલ, સંત્રસ્ત કરી દે છે. કવિને તથ્યોનું આકલન ઈષ્ટ નથિ, તે તથ્ય તેના અસ્તિત્વનો અંશ બને તે ઈષ્ટ. નહીંતર તે તો આ ભારે ભપકાદાર જહાજયાત્રાને અંતે વિપન્ન જ બની રહેશે. કવિતામાં બે ખંડ — વિરોધી સહસ્થિતિ રચ એક તણાવ પેદા કરે છે. કવિ અનુભૂતિના આ વિશ્વ ભણી નમ્ર ભાવે સમર્પિત રહે છે. એક સ્વીકારનો ભાવ, માત્ર સ્વીકારનો નહીં ઋણસ્વીકારનો ભાવ છે. અને તેની સાથે સમર્પણનો ભાવ — આત્મદાનનો ભાવ. આ દાન અને સ્વીકારમાં કોઈ દ્વૈતભાવ નથી, કેમ કે સર્જનનું દાન પણ છેવટે તો સ્વીકારમાં છે. (‘આઁગન કે પાર દ્વાર’માં એક કવિતાની પંક્તિ છે - ‘સભી સર્જન કેવલ/આંચલ પસાર કર લેના.’) સંગ્રહની ‘સન્ધ્યા-સંકલ્પ’ અને ‘પ્રાતઃસંકલ્પ’ બે કવિતાઓમાં આથમતા સૂરજ અને ઊગતા સૂરજને મિષે આ આત્મદાનની વાત છે. આ દાન છે પોતાના રાગસત્યને. અને એ અર્પણમાં ‘અહં’ના વિગલનનો બોધ છે. પણ ‘એક મૈં નહીં હૂં’નો ભાવ જાગે ત્યારે ખરેખર તો કવિ કહે છે તેમ ‘અસ્તિ દૂસરી ઈસસે બડી નહીં હૈ કોઈ.’ એટલે :
આઓ, ભાઈ
રાજા જિસકે હોગે, હોગે :
મૈં તો નિત્ય ઉસીકા હૂઁ જિસકો
સ્વેચ્છા સે દિયા જા ચુકા !
(પ્રાતઃસંકલ્પ)
કવિ, કવિ તરીકેનું એકમાત્ર ધન, સૌંદર્યાનુભૂતિનું ધન પણ સમર્પિત કરી દે છે. ‘આંગન કે પાર દ્વાર’ની રચનાઓમાં આ ભાવ વિશેષ છે. અહીં એક કવિતામાં :
સાંસ
સ્પંદન
ધ્યાન
ઔર મેરા મુગ્ધ યહ સ્વીકાર —
સબ
તુમ્હારે હૈ !
(સુની હૈ સાંસેં)
કવિ પોતાને કોને આપે છે? તને આપ્યું એમ કવિ કહેતા હોય છે, તે તને —તું કોણ ? આ તું એક નથી. ક્યારેક એ તું પ્રિયજન છે, ક્યારેક એ તું પરમ સત્તા છે, ક્યારેક એ તું કવિની જ સેકંડસૅલ્ફ (બીજું આત્મરૂપ) છે, ક્યારેક એ તું મનુષ્યમાત્ર છે.
તુમ્હેં નહીં તો કિસે ઔર
મૈં હૂઁ
અપને કો
(જો ભી મૈં હૂઁ)?
અહીં જે તું છે, તે પોતાના પ્રત્યેક જૂઠા સ્વપ્નને તોડનાર, ઝકઝોરી જગાડનાર અને જગાડીને નગ્ન સચ્ચાઈઓ જોવા બાધ્ય કરનાર છે - તે ‘તું’ને સમર્પિત કરે છેપોતાને :
તુમ, ઓ એક, નિઃસંગ, અકેલે,
માનવ,
તુમકો — મેરે ભાઈ કો.
(તુમ્હેં નહીં તો કિસે ઔર)
છેલ્લી પંક્તિમાં જે ‘ભાઈ’ બની જાય છે, તે ‘માનવ’ને પોતાને સોંપવાની અહીં વાત છે. આ સંગ્રહમાં એ માનવીય બોધ અનેક રચનાઓમાં છે. વિશાળ માનવજાતિ માટે — સમષ્ટિ માટેનો આ બોધ અગાઉની રચનાઓની આધ્યાત્મિકતાના વિરોધમાં નથી, બલ્કે તે આધ્યાત્મિક્તા જ માનવ્યતા ભણી પ્રેરે છે, કેમકે અહીં એક સપાટી પરની માનવ્યતાની વાત નથી — એક આંતરપ્રતીતિથી થતી વાત છે, તથ્યાત્મક નહીં સત્યાત્મક. ‘ગતિ મનુષ્ય કી’ કવિતામાં એથી તો કહે છે કે પોતાના અસ્તિત્વની પંચમુખી ગાગર (જે માત્ર હૃદય નથી, મન નથી, આત્મા નથી, સંવેદ નથી, જિજીવિષા નથી — પણ આ બધાંય જેનું મુખ છે તેથી ‘પંચમુખી’.) સરોવર, સાગર કે નદી-નાળાંથી, વાસંતી ફૂલોથી કે વર્ષાની ઝરમરથી નહીં ભરાય :
પ્યાસી હૈ, પ્યાસી હૈ ગાગર યહ
માનવ કે પ્યાર કી
જિસકા ન પાના પર્યાપ્ત હૈ,
ન દેના યથેષ્ઠ હૈ,
પર જિસકી દર્દ કી અતર્કિત પહચાન
પાના હૈ, દેના હૈ, સમાના હૈ.....
ગાગરની ઉપમા પણ નવી નથી, પણ અહીં જે રીતે પ્રયોજાઈ છે અભિનવત્વ સિદ્ધ કરે છે. મનુષ્યનો પ્રેમ પામવો કે તેને પ્રેમ આપવો તે જ પર્યાપ્ત નથી પણ તેની વેદનાને સહજ રૂપે જાણવી તે પામવું, આપવું છે. કવિએ એ વેદનાને જાણી છે, સંગ્રહની એક દીર્ઘ કવિતા ‘અંધકાર મેં જાગનેવાલે’ માં.
રાત કે ઘુપ અંધેરે મેં જો એકાએક જાગતા હૈ
ઔર દૂર સાગર કી ઘુરઘુરાહટ-જૈસી ચુપ
સુનતા હૈ
વહ નિપટ અકેલા હોતા હૈ !
અંધકાર મેં જાગનેવાલે સભી અકેલે હોતે હૈં.
રાત્રિમાં જાગી જનાર આ કવિ — માણસ એકલાપણા સાથે ‘મામૂલી’ હોવાનો પણ અનુભવ કરે છે, પણ તેથી તો તે ‘અનશ્વર’ હોવાની પ્રતીતિ કેળવે છે, અને એપોતે :
મૈં, મામૂલી, એકલા, દુર્દમ, અનશ્વર —
મૈં, જો હમ સબ હૂઁ.
‘હું’માંથી ‘સૌ’ કોઈ બની જાય છે. તેનું એકલાપણું સમૂહમાં વિલીન થઈ જાય છે, તેની એટલે કે હુંની ‘મામૂલિયત’ એક સામર્થ્ય, એક ગૌરવ, એક સંકલ્પમાં બદલાઈ જાય છે :
જિસમેં મૈં કરોડોં કા સાથી હૂઁ.
કવિ તે પછી એક એક મનુષ્યના એક એક વ્યવસાયની એક એક પંક્તિમાં વાત કરે છે, એક આમ મજૂરી કરવા જશે, બીજો આમ જશે, ત્રીજો આમ જશે — એકનું પહેરણ ફાટેલું હશે, બીજાની પોટલીમાં કાલનો રોટલો હશે, ત્રીજાના હાથમાં બૂટ પૉલીશની ગંધ હશે....આ સૌના એકલાપણા સાથે, મામૂલિયત સાથે કવિ બંધાઈ જાય છે આ સૌ કોણ?
હમ, હમ, હમ, હમ ભારતવાસી !
આખી વાત સંવેદનાને સ્તરે કહેવાઈ છે, કલ્પનધર્મી બાનીમાં કહેવાઈ છે અને તેથી કાવ્યાનુભવ બની રહે છે. પણ ‘પક્ષધર’ કવિતામાં તો તેઓ સીધા પક્ષધર બને છે — મનુષ્યના કેમકે :
હમારા જન્મ લેના હી પક્ષધર બનના હૈ
પક્ષધર બનીને ચિરંતન નિરંતર, અવિરામ લઢવાનું છે કે જેથી :
આપની હર સાંસ કે સાથ
પનપતે ઈસ વિશ્વાસ કે સાથ
કિ હર દૂસરે કી હર સાંસ કો
હમ દિલા સકેંગે ઔર અધિક સહજતા,
અનાકુલ ઉન્મુક્તિ, ઔર ગહરા ઉલ્લાસ.
કવિને નરને સંદર્ભે નારાયણ દેખાય છે. નરની આંખોમાં તેમણે નારાયણની વ્યથા જોઈ છે એટલે ‘નિરાધાર’ નર જ્યારે જુએ છે ત્યારે નારાયણ પણ નિરાધાર લાગે છે. ‘મહાનગર : કુહાસા’ કવિતામાં ધુમ્મસમાં ઢંકાયેલા મહાનગરના માર્ગની સડકો પર ભીડમાં ઠેલાતી જતી ગાડીઓના ફેંકાતા અજવાળાના આવાગમનની ઊર્ધ્વ ‘નિરાધાર નારાયણ’નું આસન હોવાનો બોધ થાય છે અને એની સાથે ચાદરમાં ઢંકાયેલા નિરાધાર નરનો, બંને નિરાધાર કેમકે બંને સાથે બંધાયેલા છે :
ઓ નર ! ઓ નારાયણ
ઉભયબંધ ઓ નિરાધાર
આ કવિતાઓમાં કવિનો અન્ય મનુષ્ય સાથેનો મમેતર સાથેનો, સમષ્ટિ સાથેનો એક જવાબદારીનો ભાવ અનુભવાય છે, કાવ્યાનુભૂતિને સ્તરે. આખરે કવિએ તો પોતાના જ માધ્યમથી, કવિતાના જ માધ્યમથી પોતાની લાગણીઓ પહોંચાડવી પડે છે, નહિતર લાગણીઓ તો આપણને પણ થાય છે. કવિનો અનવરત પુરુષાર્થ આ સંદર્ભે અભિવ્યક્તિની નવી દિશાઓ ખોલવાનો છે, શબ્દને સંજીવની છાંટવાનો છે. એટલે એક પક્ષે જો કવિનું વ્યક્તિ તરીકેનું અસ્તિત્વ છે, તો અવરપક્ષે સર્જક તરીકેનું. વ્યક્તિકવિમાં સર્જકકવિ છે. આ બંને વચ્ચે દ્વૈત-અદ્વૈત જેવું હોય છે. એટલે અજ્ઞેયની કવિતાઓમાં ક્યારેક આ ‘તું’ એ પોતામાં રહેલી ‘સર્જકસત્તા’ હોય છે. વ્યક્તિસત્તા અને સર્જકસત્તા, ‘સહજન્મા, સહભોક્તા, સહજીવા’ હોય છે અને છતાં ક્યાંક જે દ્વૈત છે તેને સર્જનના માર્ગ પર — સર્જનના રૂપમાં — મિટાવવાનું છે. ‘બાવરા અહેરી’ નામના કાવ્યસંગ્રહમાં પહેલી જ કવિતા — ‘આજ તુમ શબ્દ ન દો મૈં કહૂઁગા’માં જે ‘તુમ’ છે તે સર્જકસત્તા છે અને ‘મૈં’ છે તે વ્યક્તિસત્તા. વ્યક્તિસત્તા તરીકે શબ્દ તો પામવાનો છે સર્જકસત્તા પાસેથી. પ્રકારાન્તરે તો આ દ્વયસત્તા રૂપાયનની પ્રક્રિયાની જીવતોડ મથામણમાંથી સૂઝેલી હોય છે, ‘કિતની નાવોં મેં કિતની બાર’ સંગ્રહમાં રચનાધર્મને લગતી કવિતાઓ પણ છે, જેમાં કવિની આ ‘નિયતિ’ સહી લેવાની વાત છે. રવીન્દ્રનાથે આદિકવિની પ્રથમ સ્ફુરાયમાણ વાણીના સંદર્ભમાં કહ્યું છે — આનંદનો ભાર અલૌકિક છે, પણ વિધાતા તે જેને આપે છે, તેની છાતીમાં અપાર વેદનાઓ હોય છે, તેને સુખ ક્યાંથી?’ — આદિ. ‘ઓ નિસ્સંગ મમેતર’ સંગ્રહની બીજી દીર્ઘ રચનામાં આ મમેતર દ્વારા રચનાપ્રક્રિયાની વાત છે. અહીં ‘મમેતર’ કોઈ નારીરૂપા છે એને કવિની સર્જકચેતના યા સૌંદર્યચેતના કહીશું? કાવ્યના આરંભે જ કવિ તેનું આહ્વાન કરી કહે છે :
ઔર જો મૈં હૂઁ, જો જાના પહચાના
જિયા અપનાયા હૈ, મેરા હૈ
ધન હૈ, સંચય હૈ, ઉસકી એક એક કલી કો
ન્યોછાવર લુટાતા હૂઁ.
કેમકે તો જ તેને પમાય. અહંતા, વ્યક્તિસત્તાના સમર્પણ વિના સર્જકસત્તાને અનુનય કેવી રીતે થાય? કવિને શું શિખરો, શું સરોવરો કે શું પ્રકૃતિનાં અન્ય સૌ રૂપોમાં આ ‘મમેતર’નો જ સંસ્પર્શ થયો છે એટલું જ નહીં :
મૈં હી જો સાંસ લેતા હૂઁ
જો હવા પીતા હૂઁ —
ઉસમેં હર બાર, હર બાર
અવિરામ, અકલાન્ત, અનાપ્યાયિત
તુમ્હેં જીતા હૂઁ.
અને છતાં થાય છે કે ‘તેને’ જાણી નથી. અથવા માત્ર જાણી છે અને જોઈ નથી, સાંભળી નથી, સ્પર્શી નથી. તેમ છતાં જીવનાનુભૂતિ એવી છે કે જેમાં પોતે અને આ ‘મમેતર’ બંને એક જાળમાં બંધાઈ ગયાં છે. અનુભૂતિ જ તો બંનેને સાથે જોડે છે. આ અનુભૂતિ પોતામાં જ પાકીને કવિતામાં રૂપાંતરિત થાય, પણ તે આ ‘મમેતર’ના પ્રભાવે અને પ્રતાપે જ. અથવા મમેતર જ એ કવિતા બનીને આવે. કવિનું કામ તો છીપનું છે, મમેતર તે મોતી. સર્જકસત્તા સર્જનરૂપ બને તેમાં જ તો કવિની વ્યક્તિસત્તાનો મોક્ષ એટલે હવે છીપમાં મોતી રહે તેને બદલે, એ છીપમાંથી જન્મેલા મોતીમાં છીપને ધારણ કરવા કહે છે :
ઓ મેરે પુણ્યપ્રભવ
મેરે આલોકસ્નાત, પદ્મપત્રસ્થ જલબિન્દુ,....
ઓ તપોજાત
મેરે કોટિ કોટિ લહોરોં સે મંજે એકમાત્ર મોતી
ઓ વિશ્વપ્રતિમ,
અબ તૂ ઈસ કૃતિ સીપ કો અપને મેં સમેટ લે....
એ જ તો સફળ કવિકર્મને અંતે કવિની પ્રાર્થના હોય; (કાલિદાસે શાકુન્તલને અંતે નીલલોહિત (શિવ)ને કહ્યું હતું ને કે મારો પુનર્જન્મ ટાળજો....) આ જે પ્રાર્થનાભાવ જાગ્યો, થયો તેમાં જ કાવ્ય રચતાં રચતાં, કવિ પોતે જ જે ‘રચાયો’, અનુભૂતિ રૂપ આપવા જતાં પોતે જ જે આંતરિક રૂપાંતર પામ્યો તેની કૃતકૃત્યતાનો ભાવ છે. સંગ્રહમાં પ્રેમાનુભૂતિની રચનાઓ છે, પણ તેમાં વિષાદની હળવી છાયા છે. હળવી કદાચ એટલા માટે લાગે છે કે ઘણી ઊંડી છે. એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે નિયતિબળે જોડાયેલી હોય પણ એ બંનેનું વ્યક્તિત્વ વિકસે ન વિકસે તે પહેલાં તો બંને વચ્ચેથી પ્રેમ ઊડી ગયો હોય :
ઓ એક હી કલી કી
મેરે સાથ પ્રારબ્ધ-સી લિપટી હુઈ
દૂસરી, ચંપઈ પઁખુડી !
હમારે ખિલતે-ન-ખિલતે સુગન્ધ તો
હમારે બીચ મેં સે હોતી
ઉડ જાયેગી !
(ઓ એક હી કલી કી)
પણ આ સુગંધ ઊડી જવાનો બોધ ‘હેમન્ત કા ગીત’ કવિતામાં વિષાદઘન પંક્તિઓ દ્વારા પ્રકટ થયો છે. હેમન્ત પ્રતીક છે ફસલ ઊતરી જવાનું :
ભર લી ગઈ હૈં પુઆલે ખલિહાનોં મેં
તોડ લિયે ગયે હૈં સબ સેબ : સૂની હૈં ડાલે.
ઉતર ચુકે અંગૂર — ગુચ્છે કે ગુચ્છે,
હો ચુકે પહલી પેરાઈ કે મેલે :
લાલ હોકર કાલી ભી પડ ગયી બગીચોં મેં કતારેં :
સુખ ચલી બેલેં.
એક ઉજ્જડતાનો, વેરાનતાનો ભાવ સમગ્ર કવિતામાં છે. કાલરૂપી કબાડી આવીને બધું લઈ ગયો. એમાં પેલો ‘પ્રેમ’ પણ જતો રહ્યો, અને હવે એની વ્યથા, એનો વિલાપ, કવિતામાં ‘ઉતર ચુકે અંગૂર’ ‘ભર લી ગયી હૈં પુઆલે’, ‘તોડ લીયે ગયે હૈં સેબ’ પંક્તિઓ વારે વારે રિફ્રેઈન તરીકે આવે છે. છેવટે આવે છે રાત અને શીત.
રાત, રાત, રાત, રાત,
ઠિઠુરન — સંવત્સર કે મરને કી કાલિમા
સબ કુછ ઢઁક ગયી...
આ એક મનઃસ્થિતિનું કાવ્ય છે, જે વ્યથાની ઊંડી છાપ મૂકી જાય છે. અજ્ઞેયની કવિતામાં દુઃખનો મહિમા છે, વ્યથાનો સ્વીકાર છે, પણ આ પ્રકારની નૈરાશ્યબોધમાં પરિણમતી કવિતાઓ બહુ ઓછી છે. ક્યાંક બહુ ઊંડેથી કવિ હલી ગયા છે, જ્યારે આ કાવ્ય રચાયું છે. પણ સંગ્રહમાં ઉત્તમ કાવ્યોમાંનું એક છે. અજ્ઞેયની કવિતામાં વિદેશી સ્થળકાળની પણ ઘણી બધી રચનાઓ છે. પણ તેમાંય જે તે સ્થળના દર્શનથી જાગેલું સંવેદન ચિત્રિત હોય છે. ઉત્તર કવિતામાં તો આવી કવિતાઓનું પ્રમાણ વધતું ગયું છે, કવિની સાહિત્યિક ચેતનાનો પણ તેમાં વિસ્તાર જોઈ શકાય. ‘કિતની નાવોં મેં કિતની બાર’માં ‘કાલેમેગ્દાન’, ‘ફોક્સિ એં ઓદિપૌસ’, ‘સ્મારક’ જેવી રચનાઓ છે, જેમાં વિશેષ યુદ્ધોત્તર યુરોપના દર્શનની તીખી વ્યથા છે. ‘કિતની નાવોં મેં કિતની બાર’માં સમગ્રપણે એક પ્રૌઢ કવિ તરીકે કવિ અજ્ઞેયને જોઈ શકાય છે. અનુભૂતિની સાહજિકતા અને અભિવ્યક્તિની કુશળતા કવિકર્મનાં આ બે મુખ્ય ઉપાદાનનું સાયુજ્ય અહીં અનુભવાય છે, અર્થ અને શબ્દ વચ્ચેની રચાઈ જતી દીવાલ તોડવા કવિ મથતા રહ્યા છે. કવિની નાવ આ એક ઘાટે નાંગરેલી રહેતી નથી, રહી નથી. કેટલીય નાવોમાં કવિ યાત્રા કરતા રહ્યા છે — કવિના સત્ય ભણી વારંવાર. પોતાના અન્ય એક સંગ્રહ ‘સાગરમુદ્રા’ માં કવિ એટલે તો કહે છે :
કવિ ને ગીત લિખે નયે નયે બાર બાર,
પર ઉસી એક વિષય કો દેતા રહા વિસ્તાર
જિસે કભી પુરા પકડ પાયા નહીં—
જો કભી કિસી ગીત મેં સમાયા નહીં.
કિસી એક ગીત મેં વહ અઁટ ગયા દિખતા
તો કવિ દૂસરા ગીત હી ક્યોં લિખતા?[2]
ગ્રંથ૧૯૭૯
Lua error in package.lua at line 80: module ‘strict’ not found.
(સાહિત્યક પરંપરાનો વિસ્તાર)
૦૦૦