સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - ભોળાભાઈ પટેલ/ત્રણ મહાપ્રસ્થાનો : એક તુલના

From Ekatra Foundation
Jump to navigation Jump to search
ત્રણ ‘મહાપ્રસ્થાન’
એક તુલનાત્મક અભિગમ

આ લેખમાં પાંડવોની અંતિમ યાત્રાને અનુલક્ષીને રચાયેલ ત્રણ ‘મહાપ્રસ્થાન’નો તુલનાત્મક સંદર્ભ રજૂ કરવાનો પ્રયત્ન છે. આ ત્રણ ‘મહાપ્રસ્થાન’ નીચે પ્રમાણે છે : ૧. મૂળ મહાભારતમાં આવતું મહાપ્રસ્થાન જે ‘મહાપ્રસ્થાનિક પર્વ’ એ નામથી મહાભારતના સત્તરમા પર્વ તરીકે આવે છે. ૨. ઉમાશંકર જોશી રચિત ‘મહાપ્રસ્થાન’ જે એક પદ્યનાટક રૂપે આવે છે. ૧૯૬૪માં રચાયેલ આ કૃતિ ૧૯૬૫માં એ જ શીર્ષકથી, અન્ય છ એવા પ્રકારની કૃતિઓ સહિત પુસ્તકાકારે પ્રકટ થાય છે. ૩. હિન્દી કવિ નરેશ મહેતા રચિત ‘મહાપ્રસ્થાન’, જે એક ખંડકાવ્ય રૂપે આવે છે. ૧૯૭૫માં તે પ્રકટ થયું છે. કુરુક્ષેત્રના ભીષણ યુદ્ધમાં મળેલા વિજય પછી પ્રાપ્ત થયેલા રાજ્યને છોડી દઈને પાંડવો અંતે હિમાલય ભણી મહાપ્રસ્થાન — અંતિમ પ્રસ્થાન કરે છે. ઉપર્યુક્ત ત્રણે કૃતિઓના કેન્દ્રમાં મુખ્ય ઘટના આ છે. ઉમાશંકર જોશી અને નરેશ મહેતાની કૃતિઓ સ્વતંત્ર રચનાઓ રૂપે છે, પણ વ્યાસનું ‘મહાપ્રસ્થાન’ તો સમગ્ર મહાભારતની પૌર્વાપર્ય ઘટનાઓના ક્રમમાં આવે છે; એ ખરું કે તે આ વિરાટ ગ્રંથની પરિણતિના ઉપાન્ત્ય પર્વ રૂપે છે. વ્યાસ તો વ્યાસ છે, મહાભારત મહાભારત. પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિક અનેક કવિઓએ આ પુરાણ કવિમાંથી, પુરાણ કવિની સૃષ્ટિમાંથી પોતાની કાવ્યસૃષ્ટિઓ રચી છે - પોતપોતાની યુગચેતના, યુગધર્મ પ્રમાણે. આધુનિક કાળમાં મહાભારતનું અધ્યયન પૂર્વ અને પશ્ચિમમાં અનેક દૃષ્ટિકોણથી થઈ રહ્યું છે, એટલું જ નહીં આધુનિકતાનો બોધ પ્રકટાવતી ભારતાધારિત રચનાઓ પણ પ્રગટી રહી છે. મહાભારત મિથોનો ભંડાર છે અને આજના યુગમાં મિથનો પ્રયોગ કાવ્યના એક પ્રબલ ઉપકરણ રૂપે થઈ રહ્યો છે. આમ મિથોમાં એક સંચિત ચિરંતનતા હોય છે, જે યુગાનુરૂપ અર્થઘટનોની ક્ષમતા ધરાવે છે. આ વાતનો અત્રે ત સંકેત માત્ર કરીને અહીં તો વ્યાસના મહાપ્રસ્થાનની પશ્ચાત્‌ભૂમિકામાં બે જુદી જુદી ભાષાઓમાં લખાયેલાં આધુનિક ‘મહાપ્રસ્થાન’ પાસે પાસે રાખીને જોઈશું.

મહાભારતના અઢાર પર્વોમાં ‘મહાપ્રસ્થાનિક પર્વ’ પ્રમાણમાં ઘણું નાનું છે. તેના ત્રણ અધ્યાયોમાં બધા મળીને શ્લોક જ ૧૦૮ છે. લક્ષ શ્લોકપ્રમાણમાં અષ્ટોત્તરશત શ્લોકપ્રમાણ ! એટલે ઇયત્તામાં તો નગણ્યતમ, પણ સમગ્ર મહાભારતમાં મહત્તમ છે આ પર્વ. ‘મહાપ્રસ્થાનિક પર્વ’ પૂર્વેના ‘મૌસલ પર્વ’માં યાદવકુલના મહાસંહારની અને પછી ભગવાન શ્રીકૃષ્ણના એક પારધીને હાથે થતા નિધનની દારુણ ઘટનાઓ વ્યાસ અતિ નિર્મમ ભાવે આલેખી છે, તે સાથે આલેખી છે શ્રીકૃષ્ણસખા અર્જુનના સુપ્રસિદ્ધ ગાંડીવધનુની વિફલતાની. રાજા યુધિષ્ઠિરે આખી વાત સાંભળી, કાળનાં એંધાણ એ પરખી ગયા અને અર્જુનને મહાપ્રસ્થાનનો પોતાનો વિચાર જણાવ્યો :

શ્રુત્વૈવ કૌરવો રાજા વૃષ્ણીનાં કદનં મહત્‌
પ્રસ્થાને મતિમાધ્વાય વાક્યમર્જુનમબ્રવીત્‌.૧૭-૧-૨

અને અર્જુન પણ ‘કાલ કાલ ઈતિ બ્રુવન્‌’ મોટા ભાઈના વચનનો સ્વીકાર કરી લે છે, અન્ય પાંડવો પણ. પરીક્ષિતને સિંહાસને બેસાડી ‘મા અધર્મે મનઃ કૃથાઃ’ નો ઉપદેશ આપી અન્ય ક્રિયાકાંડો પતાવી પોતાના ભાઈઓ, દ્રૌપદી અને એક શ્વાનની સાથે સાતમા યુધિષ્ઠિર હસ્તિનાપુરથી નીકળી પડ્યા :

ભ્રાતરઃ પંચ કૃષ્ણા ચ ષષ્ઠી શ્વા ચૈવ સપ્તમઃ
આત્માના સપ્તમો રાજા નિર્યયૌ ગજસાહ્નયાત્‌.૧૭-૧-૨૩

‘પાછા ફરો’ — ‘નિવર્તસ્વ’ એવું કોઈ યુધિષ્ઠિરને કહી શક્યું નહીં. પાંડવો જુદી જુદી દિશાઓમાં યાત્રા કરી છેવટે ઉત્તર તરફ ‘ઉદીચીમ્‌’ ચાલી નીકળ્યા. ‘મહાપ્રસ્થાનિક પર્વ’નો આ પહેલો અધ્યાય છે. ‘મહાપ્રસ્થાનિક પર્વ’ના બીજા અધ્યાયમાં બરાબર મહાપ્રસ્થાનની ઘટના છે, જેનો પ્રારંભ છે પાંડવોના હિમાલયદર્શનથી-

દંદશુર્યોગયુક્તાશ્વ હિમવન્તં મહાગિરિમ્‌૧૭-૨-૧

આ અધ્યાયમાં માત્ર ૨૬ શ્લોક છે. વ્યાસે અહીં સમાસશૈલીનો આશ્રય લીધો છે. આ ૨૬ શ્લોકોમાં તો દ્રૌપદી અને પછી ક્રમે સહદેવ, નકુલ, અર્જુન અને ભીમ એ ચારે ભાઈઓના નિધનની વાત કહી દીધી છે! એટલું જ નહીં, તેમાં આ દરેકના નિધન પછી ભીમનો આકુલ પ્રશ્ન અને યુધિષ્ઠિરનો સ્વસ્થ ઉત્તર પણ સમાવિષ્ટ છે. એક પણ શબ્દ વાધારે નહીં, હજારો શબ્દોનો ‘વ્યય’ કરતા વ્યાસ અહીં જાણે બોલાતા જ નથી. આખા મહાભારતનો ‘ભાર’ જાણે અહીં અનુભવાય છે. છેવટે ભીમના પ્રશ્નનો ઉત્તર આપી તેના તરફ જોયા ય વિના (અનવલોક્ય) યુધિષ્ઠિર આગળ ચાલે છે. પેલો શ્વાન જ પૂંઠેપૂંઠે જાય છે – શ્વાત્વેકોરનુયયૌ. અહીં બીજો અધ્યાય સમાપ્ત થાય છે. ત્રીજા અધ્યાયમાં દેવરાજ ઈન્દ્ર સાથે સદેહે અને શ્વાનસહિત સ્વર્ગપ્રવેશના સંદર્ભે વાર્તાલાપ છે, અને પછી, સ્વર્ગમાં જઈ પોતાના સ્વજનો પાસે જવાની યુધિષ્ઠિરની ઈચ્છા વર્ણવવામાં આવી છે. મહાભારતના આ ઉપાન્ત્ય પર્વમાં યુધિષ્ઠિરનીવળી પરીક્ષા છે - ધર્મરાજ દ્વારા. મહાભારતના બીજા પર્વ - ‘વનપર્વ’ના અંતમાં આવી પરીક્ષા ધર્મરાજે લીધી હતી, ‘યક્ષપ્રશ્ન’ નામે જે પ્રસિદ્ધ છે. અને ત્યાં પણ મૃત્યુ પામેલા ચારે ભાઈઓમાંથી માત્ર એકને જ જિવાડવાની યક્ષવાણીના પ્રત્યુત્તરમાં યુધિષ્ઠિરે ‘માત્રોઃ સામ્યમભીપ્સન્‌’- એક માદ્રેયને જિવાડવાનું કહી પરીક્ષા ઉત્તીર્ણ કરી હતી અને આ સ્વર્ગદ્વારે ય શ્વાન સાથે જ પ્રવેશ કરવાના નિર્ધારથી ફરી પરીક્ષા ઉત્તીર્ણ કરી.

ઉમાશંકર જોશીના ‘મહાપ્રસ્થાન’માં ઘટનામાળખું મૂળ મહાભારત પ્રમાણે છે. પરંતુ તેમણે ‘મહાપ્રસ્થાનિક પર્વ’ના આખા બીજા અને ત્રીજા અધ્યાયની શરૂઆતની વાત લઈ એક ચરમ સીમાએ પહોંચી રચના પૂરી કરી છે. (હા, તેમના બીજા નાટક ‘યુધિષ્ઠિર’માં ‘મહાપ્રસ્થાનિક પર્વ’નો અંતિમ અંશ અને છેલ્લા પર્વ ‘સ્વર્ગારોહણ પર્વ’ના પ્રસંગને ગૂંથી લીધો છે.) ઉમાશંકર જોશીનું ‘મહાપ્રસ્થાન’ ગુજરાતી ભાષામાં કવિતાનો ‘ત્રીજો સૂર’ (થર્ડ વૉઈસ ઑફ પોયેટ્રી - એલિયટ) પ્રકટાવવાનો - પદ્યનાટકની ઈબારત રચવાનો સ્તુત્ય પ્રયાસ છે. પદ્યનાટકને ઉચિત છંદોલયની શોધ ગુજરાતી કવિઓ સામે એક પડકાર રૂપે રહી છે. અંગ્રેજી ભાષામાં ‘નેરેટિવ’ (કથાત્મક) અને નાટ્યાત્મક કાવ્યરૂપો માટે બ્લેન્ક વર્સનો પ્રયોગ સૈકાઓથી થતો રહ્યો છે. બંગાળીમાં પયાર છંદે એ કામ આપ્યું. પયાર પહેલાં પ્રાસયુક્ત હતો, તેને ઓગણીસમી સદીમાં માઇકેલ મધુસૂદન દત્તે અંગ્રેજી ‘બ્લેન્ક વર્સ’ના ઢાંચા પર પ્રસારહિત અને સળંગ પ્રવાહી બનાવ્યો. ગુજરાતીમાં છેક નર્મદથી માંડી મહાકાવ્યને માટે ઉચિત છંદની શોધ ચાલી. તે પછી અનેક કવિઓએ પ્રવાહી પદ્યની દિશામાં જવાના પ્રયત્નો કર્યા. તેમાં ‘પૃથ્વી’ને થોડી સફળતા મળી અને પછી કવિત્ત ધનાક્ષરીના પરિવર્તિત રૂપ ‘વનવેલી’ને. ‘વનવેલી’ એક રીત ‘પયાર’ની જાતિનો સંખ્યામેળ છંદ છે. ‘પયાર’માં પંક્તિનું એકમ ચૌદ અક્ષરનું છે, ‘વનવેલી’માં સોળનું. અઢાર, બાવીસ, છવ્વીસ એમ પયારને દીર્ઘ, દીર્ઘતર કરવાના પ્રયોગો પણ થયા છે. વનવેલીમાં પણ તેમ થઈ શકે. ‘મહાપ્રસ્થાન’માં સોળ અક્ષરના એકમવાળા ‘વનવેલી’નો પ્રયોગ છે. પણ પંક્તિને તોડીને પ્રવાહી બનાવવાનો, નાટ્યક્ષમ બનાવવાનો આવશ્યકતાનુસાર પ્રયત્ન રહ્યો છે. સંખ્યામેળ હોવાથી લઘુગુરુનાં બંધનો નડતાં નથી. (એ રીતે અનુષ્ટુપની સોળ અક્ષરની પંક્તિમાં માત્ર છ જ સ્થાનો નિશ્ચિત લઘુગુરુનાં હોઈ ઘણી બધી મોકળાશ ત્યાં છે. સંસ્કૃતના કવિઓનો એ જ મહાછંદ બની રહ્યો, તે યથાર્થ છે.) નાટ્યક્ષમ ભાષા રચવાના પુરુષાર્થ તરીકે અને નાટ્યકૃતિ તરીકે ‘મહાપ્રસ્થાન’ વળી એક તપાસ માગી લે. કવિ ઉમાશંકર પોતાની ‘મહાપ્રસ્થાન’ કૃતિનો આરંભ ‘મહાપ્રસ્થાનિક પર્વ’ના બીજા અધ્યાયના આરંભ જેવો કરે છે. પણ વ્યાસમાં જે ‘કથનાત્મક’ છે તેને અહીં ‘નાટ્યાત્મક’માં રૂપાંતરિત કરવાનું છે. એલિયટની ભાષામાં કહીએ તો કવિતાના બીજા સૂરમાંથી ત્રીજા સૂરમાં ગતિ કરવાની છે. એટલું જ નહીં, તે ત્રીજા સૂરને નાટકની ચરમસીમાએ પણ પહોંચાડવાનો છે. એટલે ઘટનાક્રમ વ્યાસાનુયાયી હોવા છતાં રચનાસામગ્રીના સંયોજનમાં પાયાના ફેરફારો ધ્યાનમાં આવ્યા વિના રહેશે નહીં. ‘મહાપ્રસ્થાનિક પર્વ’ના બીજા અધ્યાયની શરૂઆતમાં વ્યાસે કહ્યું કે પાંડવોએ ‘હિમવંત મહાગિરિ’ને જોયો, પરંતુ મહાભારતમાં તો પૂર્વાપર સંદર્ભમાં એ ઉક્તિ આવે છે. ‘મહાપ્રસ્થાન’નો નાટકકાર આ કેવી રીતે કરશે ? ‘મહાપ્રસ્થાન’ના મુખ્ય પાત્ર યુધિષ્ઠિરની ઉક્તિથી, ઉક્તિના પ્રથમ સંબોધનરૂપ શબ્દથી દેશગત સ્થિતિનો નિર્દેશ થઈ જાય છે. સંબોધન-ઉક્તિ છે — ‘હિમાદ્રિ હે...’ એટલે કે તેમની સામે હવે હિમાલય ઊભો છે. (એટલું જ નહીં આ ઉક્તિથી હિમાદ્રિ અચલ ન રહેતાં સંબોધનીય સચલ બની રહે છે!) વળી, અગાઉ નિર્દેશ કર્યો છે તેમ વ્યાસનું ‘મહાપ્રસ્થાનિક પર્વ’ સમગ્ર મહાભારતનો એક અંશ છે, સોળ પર્વો પછીનું સત્તરમું પર્વ. અત્યાર સુધી જે કંઈ બન્યું છે, તે વિશે વાચક અજાણ નથી, પણ ઉમાશંકર જોશી અને નરેશ મહેતાની રચનાઓ તો પૂર્વપરનિરપેક્ષ સ્વાસત્ત કૃતિઓ છે, એટલે તેઓ બન્ને મહાભારતની અગાઉ ઘટિત ઘટનાઓનો ઔચિત્યપૂર્વકનો નિર્દેશ કરે છે, અને એ રીતે આ ક્ષણની તીવ્રતાને તીવ્રતર કરે છે. મહાભારતનો વાચક ‘મૌસલ પર્વ’ પછી ‘મહાપ્રસ્થાનિક’ વાંચે છે. કૃષ્ણના નિધનની વાત ફરી કહેવાની જરૂર નથી, પણ ઉમાશંકર આરંભમાં જ એ ઘટનાનો ઉપયોગ કરી, કૃષ્ણ કેવી રીતે તેમના સૌના જીવનમાં વ્યાપ્ત હતા, તેનો મર્મસ્પર્શી નિર્દેશ કરી લે છ.ે નાટ્યોપમ ઉઘાડ માટે અને ભાવોત્કર્ષ માટે કૃષ્ણનો ઉલ્લેખ કવિસૂઝનો પરિચાયક છે. અને તે પછી લગભગ પોણા ચારસો પંક્તિની આ લઘુરચનામાં મહાભારતની - પાંડવોના જીવનની મર્મ-સ્થ ઘટનાઓની ગૂંથણી, માત્ર પ્રત્યવલોકનની એક પ્રયુક્તિ રૂપે નહીં, મનોવૈજ્ઞાનિક ભાવોત્કટતા સિદ્ધ કરતા જઈ, કરી લેવામાં આવી છે. યુધિષ્ઠિર અને બીજા પાંડવો પત્ની દ્રૌપદી અને શ્વાન સાથે હિમાલયની સમ્મુખ ઊભા છે. બધાંના મનમાં નિર્વેદ છે, એ નિર્વેદ કદાચ સમગ્ર જીવનના અનુભવોના સંચિત બોધરૂપે પણ હશે (યુધિષ્ઠિરમાં તો ખસુસ) પણ તેનું સદ્યોજાત કારણ તો કૃષ્ણનું નિધન છે, એટલે શ્વેત ઉન્નત હિમગિરિને જોતાં પ્રથમ સ્મરણ તો થાય છે કૃષ્ણનુંજ :

યુધિષ્ઠિર : હિમાદ્રિ હે ! ભવ્ય તારાં શિખરોથી ભવ્યતર,
ઉચ્ચતર, શુભ્રતર ચારિત્ર્યલક્ષ્મી વડે જે,
ક્યાં છે તે સૌ પુરુષોમાં પુરુષોત્તમ, પ્રબુદ્ધ?
ક્યાં છે તે મહામનીષી? ક્યાં છે કૃષ્ણ?
અન્ય સૌ : કૃષ્ણ? કૃષ્ણ!
પડઘા : કૃષ્ણ!!
કેવા કૃષ્ણ હવે ?
અર્જુન : કૃષ્ણ હવે અન્તર્યામી...
કૃષ્ણલૂખું જીવન જે એ જ મૃત્યુ.
સહદેવ : મૃત્યુયાત્રી,
ચાલો, જેષ્ઠ બંધુ પૂઠે, હિમશય્યા મૃત્યુ શીળી
પ્રતીક્ષા કરી છે રહી.

(મહાપ્રસ્થાન-૧૨)

યુધિષ્ઠિરના ‘કૃષણ’ બોલતાં જ સૌનાં ચિત્તમાંથી ‘કૃષ્ણ’નો પ્રતિઉત્તર નિગદિત થાય છે, અને પહાડ એનો પડઘો જ પાડી રહે છે. પંક્તિ ૪, ૫, ૬, ૭, ૮, ૯ દરેક ‘કૃષ્ણ’ યુક્ત બની રહેતાં પ્રભાવક બની રહે છે — આવર્તનની એ પ્રયુક્તિથી. અને અર્જુન જ્યારે કહે કૃષ્ણરહિત જીવન એ મૃત્યુ - તો સહદેવ (જે અતિજ્ઞાન ધરાવે છે અને જેણે જોઈ લીધું કે સૌનું મૃત્યુ આગળ છે.) કહે છે કે હે મૃત્યુયાત્રી મોટાભાઈની પાછળ પાછળ ચાલો, (મૃત્યુયાત્રીમાં મોટાભાઈનો સમાવેશ નથી તેનો સૂક્ષ્મ સંકેત છે.) હિમશીતલ મૃત્યુશય્યા પ્રતીક્ષા કરે છે. સહદેવની ઉક્તિ સમાપ્ત થતાં ન થતાં તો દ્રૌપદી પડે છે. આ દૃષ્ટિએ ઉમાશંકર વ્યાસને અનુસરે છે. મહાપ્રસ્થાનના પથ પર દ્રૌપદી અને તે પછી એક એક ભાઈ ધરાશાયી થતા જાય છે. દરેકના પતન સાથે ભીમ એક શ્લોકમાં પ્રશ્ન કરે છે, અને એક શ્લોકમાં યુધિષ્ઠિર ઉત્તર આપે છે. બાકી સૌ ચુપ છે, માત્ર સાક્ષી બની રહે છે. જ્યારે દ્રૌપદી પડી અને ભીમે પ્રશ્ન કર્યો, યુધિષ્ઠિરે ઉત્તર આપ્યો - અને વાત પૂરી થઈ ગઈ દ્રૌપદીની. ત્યારે મહાભારતના વાચક તરીકે આપણને થયું કે આ દ્રૌપદી, પાંચેય ભાઈઓની પત્ની અને હવે ચિરવિદાય લઈ રહી છે ત્યારે એ તો કશું કહેતી નથી, અને બીજું કોઈ પણ કંઈ કહેતું નથી, માત્ર ભીમનો પ્રશ્ન :

નાધર્મશ્વરિત : કશ્ચિદ્રાજપુત્ર્યા પરંતપ
કારણં કિં નુ તદ્રાજન્યત્કૃષ્ણા પતિતા ભુવિ. ૧૭-૨-૫

અને યુધિષ્ઠિરનો આ ઉત્તર :

પક્ષપાતો મહાનસ્યા વિશેષેણ ધનંજયે
તસ્યૈતત્ફલમદ્યૈષા ભુંક્તે પુરુસત્તમ. ૧૭-૨-૬

જિજ્ઞાસા અને તેનું સમાધાન છે. ક્યાંય કોઈ ચિરવિદાયના આખરી શબ્દો નથી, વ્યથા નથી, વેદના નથી. દ્રૌપદીને છોડી પાંડવો આગળ વધી ગયા. આધુનિક કવિ અહીં રહેલી ભાવગત અને તેથી કાવ્યગત સંવેદનાના નિરૂપણની સંભાવ્યતા જુએ છે. ઉમાશંકર દ્રૌપદીની ધરાશાયી થવાની ઘટનાને માનવીય સંવેદનનો ઊંડો પુટ ચઢાવે છે. અગ્નિજિહ્વા દ્રૌપદી, જે જે દિવસથી આવી પાંડવોના જીવનમાં ત્યારથી સંભળાવતી જ રહી છે યુધિષ્ઠિરને, તે વિદાયની આ ક્ષણોમાં ક્ષમા માગે છે. હવે પછીની ચાલીસ પંક્તિઓમાં સહદેવ, યુધિષ્ઠિર, અર્જુન, દ્રૌપદીનો આખરી સંવાદ ચાલે છે, તેમાં પાછલી કેટલી બધી મર્મસ્પર્શી ઘટનાઓના સંકેત થઈ જાય છે! યુધિષ્ઠિર અને અર્જુનની ઉક્તિઓમાં દ્રૌપદીને ઉચિત શ્રદ્ધાંજલિ પણ છે. કટોકટીની આ ક્ષણો છે, અહીં ઝાઝું બોલવાનો અવસર નથી, અને ઔચિત્યેય નથી. છતાં આખું મહાભારત આ તંગ ક્ષણો પર તોળાઈ રહ્યું છે. યુધિષ્ઠિરની ઉક્તિમાં કેટલી બધી વાતો સમાઈ ગઈ છે? માનવીય સંવેદનાની સાથે ઉમાશંકર યુધિષ્ઠિરના ધર્મબોધને રેખાંકિત કરવા ઈચ્છે છે. યુધિષ્ઠિર પાસે જીવનને નાણવાનો એક માનદંડ છે - ધર્મ. છેવટે જ્યારે ભીમ પડે છે અને કહે છે કે હું પડું છું, મારો હાથ પકડો, તો યુધિષ્ઠિરનો જવાબ છે :

યુધિષ્ઠિર :ભીમ
ધર્મ ઝાલનાર છે હવે તો હાથ આપણ સૌ તણો.
(મહાપ્રસ્થાન-૨૧)

અને છેવટે ‘ધર્મ’ની પરીક્ષામાં પણ તે ઉત્તર્ણી થાય છે. શ્વનને મૂકીને જવાની વાત પર ઉમાશંકરના યુધિષ્ઠિર કહે છે કે સ્વર્ગમાં પણ પ્રાણી પ્રાણી વચ્ચેનો ભેદભાવ છે, તો તે સ્વર્ગ સ્વર્ગ નથી અને એક અવાજ સંભળાય છે કે એ સ્વર્ગ નહીં હોય તો તમારાં આ પુણ્ય પગલાં પડ્યેથિ સ્વર્ગ અવશ્ય થશે. શ્વાન સાથે જવાની અનુમતિ મળતાં જ્યારે તે શ્વાનને ચાલવા કહે છે ત્યારે જુએ છે શ્વાનને સ્થાને ઊભા છે યમદેવ :

યુધિષ્ઠિર : ભાઈ શ્વાન, ચાલ.
યમદેવ : શ્વાન ક્યાં છે? હું છું એક માત્ર અહીં,
માર્ગ આખે ધર્મફોર્યાં પગલાં સૂંઘંત ચાલ્યો
આવું છું, ત્યારે મારા જ સ્વર્ગમાં પ્રવેશવાનો
પામું છું નવાધિકાર કો દીધેલો પુણ્યાળુએ.

(મહાપ્રસ્થાન-૨૮)

પરીક્ષા લેનારા ધર્મદેવતા પણ યુધિષ્ઠિરનાં ધર્મફોર્યાં પગલાંથી પોતાના જ સ્વર્ગમાં પ્રવેશવાનો નવ-અધિકાર પામે છે, તેમાં ધર્મબોધની પ્રતિષ્ઠાનો સંકેત છે. આ ધર્મ કોઈ ‘ડોગ્મા’નો પર્યાય નથી, એ તો યુધિષ્ઠિરના જીવનાચરણમાં પડેલો છે. મનુષ્યત્વમાં પડેલો છે.

નરેશ મહેતાનું ‘મહાપ્રસ્થાન’ એક ખંડકાવ્ય છે. તેમાં નાટ્યરીતિનો પણ ઉપયોગ છે. આ ‘મહાપ્રસ્થાન’માં ત્રણ પર્વ છે - યાત્રાપર્વ, સ્વાહાપર્વ, સ્વર્ગપર્વ. યાત્રાપર્વમાં હિમગિરિ ચઢતા પાંડવોની યાત્રાનું વર્ણન છે. કવિએ હિમના વર્ણનથી કાવ્યનો આરંભ કર્યો છે :

હિમ કેવલ હિમ
આપને શિવઃ રૂપ મેં
હિમ હી હિમ અબ!(महाप्रस्थान-૩૧)

હિમ અને હિમગિરિનું આ વર્ણન નાની મોટી ત્રણસો પંક્તિઓ સુધી વિસ્તરે છે અને પછી કહે છે કે હિમની આ ‘ઉજાડ, દુર્દમ્ય, પાથરી ઐકાન્તિકતા પર’ —

પતલી પિપીલિકા - રેખા-સા ચલતા
નતશિર બન્દી-સા
પાણ્ડવદલ.(महाप्रस्थान -૪૩)

આ પછી, દરેક પાંડવનાં વ્યક્તિચિત્ર આલેખાય છે. તેમ કરવામાં પ્રત્યવલોકન પદ્ધતિથી દરેક ચરિત્રની રેખાઓને તેની માનસિકતા સાથે ઉપસાવવામાં આવી છે. નરેશ દ્રૌપદીની અને અન્ય પાંડવોની માનવીય સંવેદનાઓને અહીં આલેખે છે, તેમાંય સવિશેષ તો દ્રૌપદીની, દ્રૌપદીનેયાદ આવે છે કૃષ્ણ, યાદ આવે છે કર્ણ. કૃષ્ણ સાથેના સંબંધને એ પરિભાષિત કરી શકતી નથી, પણ કૃષ્ણા પોતે ભાવ-કૃષ્ણથી કેમ અલગ થઈ તેનો વસવસો કરે છે (જ્દ્બદ્ભદ્બચ્મ્ઠ્ઠક્રદ્બદ્બઙદ્બ-૬૭) એક રીતે કવિ નરેશનું આ ચરિત્રો વિશેનું અર્થઘટન બની રહે છે. આ આલેખન સારી એવી જગ્યા રોકે છે. છેવટે ચાલતાં ચાલતાં શ્રમશિથિલ દ્રૌપદી બોલે છે :

પાર્થ!
કહાઁ હો પાર્થ!(महाप्रस्थान -૬૯)

બીજું પર્વ - સ્વાહાપર્વ આ પછી શરૂ થાય છે. અહીં મૂળ મહાભારતની પ્રશ્નોત્તરીની પેટર્ન છે, અને તેમ છતાં નરેશ અહીં વ્યાસથી એકદમ જુદા પડે છે. તેમનો હેતુ મહાભારતની આ ઘટના લઈને સમકાલીન - રાજનીતિબોધ પ્રકટ કરવાનો છે. રાજનયની ચર્ચાની મહાભારતનાં મૂળ પર્વો ભરેલાં છે. પણ નરેશ આજની જાગતિક રાજનીતિના સંદર્ભમાં અહીં વાત કરવા માગે છે. કાવ્યની ભૂમિકામાં પોતાનો આશય રજૂ કરતાં તેમણે લખ્યું છે : ‘પ્રસ્તુત કાવ્ય મેં રાજ્ય, રાજ્યવ્યવસ્થા ઔર ઉસ વ્યવસ્થા કે દર્શન કી અમાનવીય પ્રકૃતિ એવં પ્રવૃત્તિ કો સ્પષ્ટ કરના ચાહ હૈ.’ (महाप्रस्थान -૨૪). એટલે આ પર્વમાં દ્રૌપદી અને પાંડવોની એક પછી એકના પડવાની ઘટનાઓ છે, પણ કેન્દ્રમાં છે અર્જુન-યુધિષ્ઠિરનો સંવાદ. એ જરૂર કે નરેશના યુધિષ્ઠિર પણ ધર્મના મૂલ્યને કેન્દ્રમાં રાખે છે એ કહે પણ છે :

ધર્મ કે મૂલ્ય પર
મૈં સ્વર્ગ ભી અસ્વીકાર કર સકતા હૂઁ ભીમ !(महाप्रस्थान ૯૯)

પરંતુ નરેશ આ બધાની વચ્ચે પોતાની ‘થીસિસ’ને અતિ પ્રગલ્ભતાથી રજૂ કરે છે. યુધિષ્ઠિર અહીં પણ પ્રવક્તા છે. નરેશના યુધિષ્ઠિર એમને મુખે કહેવડાવ્યું છે તેમ ‘રાજ્યાન્વેષી નહીં, મૂલ્યાન્વેષી’ છે. તે મનુષ્યની પ્રતિષ્ઠા કરવા માગે છે, કહેછે :

કિસી ભી સામ્રાજ્ય સે બડા હૈ
એક બન્ધુ
એક અનામ મનુષ્ય.(महाप्रस्थान -૯૮)

માકર્‌સવાદી વિચારસરણીના પ્રત્યાખ્યાનની આ વાત છે, અને તેમ છતાં નરેશની સ્થાપનાના કેન્દ્રમાં સામાન્ય, સાધારણ જન છે. યુધિષ્ઠિર અુર્જનને કહે છે કે ન્યાય મેળવવા તેને સંઘર્ષ કરવો પડ્યો પણ :

કભી ઉન
વિચારહારા
સાધારણ જન કે બારે મેં સોચો-
જો સદા અપમાનિત હોતે રહતે હૈં.
જિનકે સ્વત્વ કા અપહરણ હી
હમારે એ દીપ્તિત સામ્રાજ્ય હૈં.(महाप्रस्थान -૧૦૭)

યુધિષ્ઠિરને સૌથી મોટી બીક તો છે વિભિન્ન રાજ્યવ્યવસ્થાઓ દ્વારા વ્યક્તિને ‘વિચારહારા’ બનાવી દેવાની, એટલે કે વિચાર કરવાની તેમની શક્તિ હરી લેવાની. (માકર્‌સવાદી સંજ્ઞા સર્વહારા - havenotsની પ્રતિતુલનામાં આ ‘વિચારહારા’ સંજ્ઞા જુઓ, મસ્તિષ્કક્ષાલન - બ્રેઈન વૉશિંગની પ્રવૃત્તિ માકર્‌સપંથમાં વધારે વિકાસ પામી છે તે બહુવિદિત છે.) એક સુગ્રાહ્ય કલ્પન દ્વારા આ વાત કહેવાય છે :

સમ્ભવ હૈ અર્જુન,
યહ સત્તાધારી
યહ રાજ્યવ્યવસ્થા
એક દિન
પ્રત્યેક વ્યક્તિ કે ભીતર
વિચારશૂન્યતા કા
અન્ધા કારાગાર નિર્મિત કર દે.
પ્રત્યેક વ્યક્તિ
બન્દ તાલે કી ભાંતિ કર દિયા જાએ
જિસકી તાલી
રાજકોષ મે જમા કર દી ગયી હો.(महाप्रस्थान -૧૧૬)

યુધિષ્ઠિરની આ ઉક્તિ આજની રાજકીય ચેતના સાથે અનુબંધ ધરાવે છે. અનેક દેશોમાં વ્યક્તિ માટે વિચારવાનું કામ રાજ્ય જ કરે છે. વ્યક્તિએ એ વિચારોના બીબામાં પોતાને માત્ર ઢાળવાનું રહે છે. ‘વિચારશૂન્યતાનું અંધ કારાગાર’ અને ‘બંધ તાળા’નું કલ્પન એકદમ બંધબેસતું છે. એ બંધ તાળાની ચાવી રાજકોષમાં છે. ઉઘાડવું તો પણ કેમ કરી? પરિણામે-

સુદૂર ભવિષ્ય મેં
ક્યા યહ નહીં સંભવ હૈ કિ
રાજ્યવ્યવસ્થા
સમાજ સે સ્વતંત્રચેતા વ્યક્તિયોં કો હી
યા તો સમાપ્ત કર દે
યા તો ઉન્હેં ઈતના વિવશ, પંગુ બના દે કિ
ઉનકા અગ્નિ-વ્યક્તિત્વ
રાજ્યવ્યવસ્થા કી નિરંકુશતા કો
કભી ચુનૌતી હી ન દે પાએ.(महाप्रस्थान -૧૨૩)

‘કટોકટી’ પહેલાં લખાયેલી આ રચનામાં નિરંકુશ સત્તાની કાર્યવાહીનો સંકેત છે. વિશ્વના દેશોમાં આમ બની રહ્યું છે. એટલે ‘સુદૂર ભવિષ્ય’ યુધિષ્ઠિર જેને કહે છે, તે આપણી ‘આજ’ બની રહે છે. નરેશના યુધિષ્ઠિર ભવિષ્યની આવી રાજ્યવ્યવસ્થાનું ‘દર્શન’ કરે છે, પણ આ રાજ્યવ્યવસ્થાઓના વિકલ્પમાં કોઈ ‘પ્રતિવ્યવસ્થા’નું આશ્વાસન આપી શકતા નથી. પ્રશ્ન થાય - શું મનુષ્યની આ જ નિયતિ છે? કવિ નરેશના ‘મહાપ્રસ્થાન’માં આમ, એક સમકાલીન વૈચારિક સંદર્ભ વણવામાં આવ્યો છે, એ પ્રશ્નરૂપે જ આવે છે, એનો ઉત્તર કવિ પાસે પણ નથી. પરંતુ પ્રશ્નો કરતા રહીને જ ‘અન્‌ ઈષ્ટ’ને રોધવાની દિશાનો કવિનો પ્રયત્ન હોય છે.

અગાઉ નિર્દેશ કર્યો છે તેમ કાવ્યસ્વરૂપની દૃષ્ટિએ ઉમાશંકર જોશીનું ‘મહાપ્રસ્થાન’ અને નરેશ મહેતાનું ‘મહાપ્રસ્થાન’ એકબીજાથી ભિન્ન છે. એક પદ્યનાટક (નાટિકા) છે, એક ખંડકાવ્ય. પરંતુ એટલું કહેવું પર્યાપ્ત નથી. નરેશ ખંડકાવ્યના સ્વરૂપ વિશે એટલા સજગ કે ચિંતિત નથી, તેમનું ધ્યાન વધારે તો તેમના ‘થીસિસ’ અર્થાત્‌ વિચારસ્થાપના પ્રત્યે રહ્યું છે. ખંડકાવ્યનો પહેલો સર્ગ વર્ણનાત્મક છે, છેલ્લો યુધિષ્ઠિરની પ્રલંબ એકોક્તિ છે, વચ્ચેનો બીજો મુખ્ય ઘટનાઓવાળો સર્ગ સંવાદાત્મક છે. ખંડકાવ્યનું ચુસ્ત સ્વરૂપ જળવાતું નથી. નરેશની આ પહેલાંની આવી પુરાણકથા (રામાયણ) પર આધારિત કૃતિ ‘સંશય કી એક રાત’માં તેના સ્વરૂપ વિષે તે સજગ રહ્યા છે. ત્યાં સમસ્યાનું નિરૂપણ છતાં ઘટનાલેખન અને ચરિત્રાંકનની રેખાઓ ઉપરથી છલકાઈને બહાર આવતી નથી. તાત્કાલિક ઘટના સંદર્ભે સમસ્યા ચિરત્રમાંથી સ્વાભાવિક રીતે જ પ્રસ્રવે છે. જ્યારે અહીં પ્રક્ષેપિત થતી લાગે છે. અહીં જીવનની શેષ ક્ષણોમાં યુધિષ્ઠિરની જગતચિંતાજનિત વાચાલતા અને અર્જુનની મુગ્ધ જિજ્ઞાસા અસ્વાભાવિક લાગે છે. નિર્વેદનો ભાર વહન કરતી મનઃસ્થિતિ સાથે ડગલે ડગલે ઊભા રહી શ્વાસ લેવો પડે તેવી આરોહણની આકરી સ્થિતિમાં આટલા બધા શબ્દો યુધિષ્ઠિર બોલે ? ઉમાશંકર જોશીનું લક્ષ્ય કાવ્યસ્વરૂપ અને એ સ્વરૂપને અનુરૂપ ગુજરાતી ભાષાની ગુંજાયશ પ્રકટ કરવા ભણી વધારે રહ્યું છે. ‘મંથરા’, ‘ભરત’ વગેરે આ સ્વરૂપની રચનાઓના સમયગાળામાં ‘મહાપ્રસ્થાન’ પણ લખાયું છે. અલબત્ત આ જાતના પ્રયત્નોનું પુરોગામી ‘યુધિષ્ઠિર’ તો તેનાથી લગભગ બે દાયકા પહેલાં (૧૯૪૬) રચાયેલું. પણ ત્યારથી જ પદ્યનાટકની દિશામાં જવાની કવિની મહેચ્છા અને મથામણ રહ્યાં છે. (‘યુધિષ્ઠિર’ને એ એ રીતે પોતાની એક પ્રિય રચના તરીકે ઓળખાવે છે.) નાટ્યકૃતિ હોય એટલે ચારિત્રિક રેખાઓ લાક્ષણિક રીતે ઊપસવી જોઈએ. ઉમાશંકર દરેક પાત્રની ઉક્તિઓ દ્વારા તેના આંતરવિશ્વમાં ડોકિયું કરાવે છે. આ ઉક્તિઓ જીવનની ચરમતાની પરમ ક્ષણોની છે, અને જે તે ચિરત્રની સમગ્ર જીવનરીતિમાંથી રસાઈને આવેલી છે. નકુળ જેવા નકુળની આ અતિ ગંભીર ક્ષણોમાં ભાવકને ઈષત્‌ સ્મયમાન કરતી આ ઉક્તિ જુઓ :

આ ક્ષણે ક્ષીણ પ્રાણશક્તિ થયે
પડ્યો હું ઢળી અવશ અસુભગ જે પ્રકારે
નથી તે ગમ્યું મને કૈં.

નરેશે પણ ચિરત્રોની મનોવૈજ્ઞાનિકતાનો સંસ્પર્શ કરાવ્યો છે. એમની દ્રૌપદી એ રીતે જીવંત છે. બીજાં બધાં પાત્રો તો નહીં, નરેશ અને ઉમાશંકરની ‘દ્રૌપદી’ની તુલના બંને કવિઓના અભિગમને રેખાંકિત કરી શકે. ઉમાશંકર વ્યાસની વધારે નજીક રહે છે. નરેશ ઠીક ઠીક દૂર જાય છે, ખાસ તો દ્રૌપદીની અંતિમ ક્ષણે કૃષ્ણ, કર્ણના ભાવશબલિત સ્મરણથી. બન્નેમાં યુધિષ્ઠિરનું મૂલ્યબોધજનિત ચરિત્ર છે. પણ નરેશના યુધિષ્ઠિર બહિર્મુખ વધારે છે, ઉમાશંકરના યુધિષ્ઠિર અંતર્મુખ. નરેશના યુધિષ્ઠિર એક વિચારકની હેસિયતથી બોલે છે, એટલે ઉક્તિઓ ક્વચિત્‌ ઉદ્‌ઘોષકથી અળગી રહે છે, ઉમાશંકરમાં યુધિષ્ઠિરની ઉક્તિઓ-પછી તે કૃષ્ણસ્મરણ હોય કે દરેક સ્વજનની જીવનાલોચના - તેમની અનુભૂતિના ભાગ રૂપે આવે છે, જે અનુભૂતિના કેન્દ્રમાં છે ‘ધર્મ’. અન્યત્ર એક લેખમાં મહાભારતને ઉમાશંકરે એક ‘ધર્મકાવ્ય’ તરીકે તપાસ્યું છે. એ ધર્મ મહાભારતનાએક મુખ્ય પાત્ર દ્વારા કેવી રીતે સ્પંદિત થાય છે તેની સર્જનાત્મક ભૂમિકાએ અહીં પ્રતીતિ છે. ઉમાશંકરની રચનામાં દેખીતી રીતે સમકાલીનતાનો ઉગ્ર બોધ નથી, પણ જે પ્રકારના ધર્મબોધની અવતારણા છે તે કવિતાનો સમકાલીન જ નહીં, ચિરકાલીન વિષય છે. સૌથી મોટી વાત તો એ છે કે તે બોધ કોઈ શેષ સાર રૂપે નહીં, પણ સમગ્ર રચનાની અનિવાર્ય ગતિરીતિથી નિષ્પન્ન થાય છે. ગમે તેમ, પણ વ્યાસ તેમના આ બન્ને આધુનિક ઉત્તરસૂરિઓથી પ્રસન્ન હશે.

પરબ ૧૯૮૦ (સાહિત્યક પરંપરાનો વિસ્તાર)

૦૦૦