સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/અંબુભાઈ શાહ/વીરામાતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

         સાણંદ તાલુકામાં ચરલ નામે ગામ. ગામના પાદરમાં લીમડાનાં ઝાડ પુષ્કળ. જમીન અને ઝાડનો એવો તો મેળ કે ન પૂછો વાત. લીમડાનું તો જાણે મોટું વન. પણ એ લીમડા કાપવા બહારના માણસો આવ્યા કરે. ગામને ખબર પડે ત્યારે લોકો ભેગા થઈને એને રોકે; પણ ઘણી વાર ચોરીછૂપીથી કાપી જાય. આમ ચાલ્યા કરે. એક દિવસ મોટું ટોળું લીમડા કાપવા આવી પહોંચ્યું. ગામને ખબર તો પડી. પણ આવનાર જૂથ મોટું હતું, એટલે બેએક માઈલ પરના મખીઆવ ગામના ડાયરાને સંદેશો મોકલીને ઝટ તેડાવ્યો. પછી બધાએ ભેગા મળીને પેલા ટોળાને લીમડા ન કાપવાની વિનવણી કરી. પણ કાપનારાએ કાંઈ સાંભળ્યું નહીં. કુહાડાના ઘાની ઝીકાઝીક બોલી રહી. કેટલાય લીમડાનો સોથ વાળી નાખ્યો. લોકો વારેવારે સમજાવતા રહ્યા, પણ કુહાડા થંભ્યા નહીં. મખીઆવના ડાયરા સાથે એક ચારણ પણ આવેલ. નામ મેઘરાજ ગઢવી. એ વિચારમાં ઊંડા ઊતરી ગયા. આ ઝાડ કપાતાં કઈ રીતે અટકાવવાં? આવા ટાણે ચારણનું લોહી કામ નહીં આવે, તો પછી ક્યારે ખપ લાગશે? પોતાની તલવાર કાઢીને પોતાના જ હાથ પર ઘા કર્યો. લોહીની ધારા ચાલી. ચાપવે ચાપવે તેણે લોહી પેલા હત્યારા ટોળા પર છાંટવા માંડયું. પણ એમ એટલાક લોહીથી ધરાય તેવા કાચાપોચા એ લોકો નહોતા. લીમડા તો કપાતા જ ચાલ્યા. મેઘરાજ નિસ્સહાય બનીને એ જોઈ રહ્યો હતો. ત્યાં એના ચિત્તમાં વીજળી જેવો ઝબકારો થયો. લોહિયાળા હાથ પર ખેસ વીંટીને એણે મખીઆવ ભણી દોટ મૂકી. ઘરે ઘરડી માતા, જુવાન ઘરવાળી, એને ખોળે છ મહિનાનું બાળ. મેઘરાજે માને માંડીને વાત કરી. પણ ડોશીમાને જીવતર વહાલું લાગ્યું. મેઘરાજ નિરાશ થયો. સગી જનેતા ન માની, ત્યાં ગઈ કાલની આવેલીનો ભરોસો તો ક્યાંથી થાય? પણ થયું, ચાલને પારખું તો કરી જોઉં! પહેલા ખોળાના રતન જેવા દીકરાને નવરાવીને ચારણ્ય એનું માથું ઓળે છે. ગીત ગાતી ગાતી આવતી કાલની આશાનું વહાલ કરે છે. એને મેઘરાજે બધી વાત કરી. ચતુર ચારણ્ય પલકમાં પામી ગઈ ને મનમાં ગાંઠ વાળી લીધી. લાંબે ગામતરે પરિયાણ કરવાનું હતું. છૈયાને છેલ્લી વારનું હૈયાનું અમૃત પાઈ, ગાલે ચૂમીઓ ચોડી, ડોશીમાના હાથમાં સોંપીને ચારણની સંગાથે એ ઝટ ચાલી નીકળી. એકબીજાને નથી કાંઈ પૂછતાં, નથી કાંઈ કહેતાં. જાણે બેયનાં અંતર એક જ હોય તેમ મનમાં એક જ વાત રમી રહી છે. આવી પહોંચ્યાં ચરલના પાદરમાં. ડાયરો દેખાયો. લીમડા કપાતા જોયા. “ચારણ, જોજે હોં! મનને મજબૂત રાખજે. ડાયરો દેખીને ઢીલો પડીશ, તો મારું મોત બગાડીશ!” ચારણ્યે મેઘરાજનું પાણી માપી જોયું. મેઘરાજે મૌનથી જ પોતાની મક્કમતાની ખાતરી આપી. એક બાજુ કપાતા લીમડા ને બીજી બાજુ મડાં જેવો ડાયરો; એ બેની વચ્ચે ધણી-ધણિયાણી આવીને ઊભાં રહ્યાં. ચારણ્યે ચોટલો છૂટો મેલીને સૂરજ દેવતા સન્મુખે મસ્તક ધર્યું. મેઘરાજે તલવારના એક જ ઘાએ એ માથું ધડથી જુદું કરી દીધું. જોનારાઓ હજી કાંઈ વિચાર કરે તે પહેલાં તો ચોટલે ઝાલીને માથાને ચારે બાજુ ઘુમાવ્યું અને લીમડા કાપનારાઓ પર લોહી છંટાયું. ટોળાથી તે સહન થયું નહીં ને એ ભાગી નીકળ્યું. એ ચારણ્યનું નામ વીરા. એની યાદગીરીમાં ગામે ચરલના તળાવની પાળે દેરી ચણાવીને તેમાં વીરામાતાનો પાળિયો ઊભો કર્યો. સંવત ૧૯૬૪ (સન ૧૮૦૭)ની આ વાત છે.