સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/અચિંત્યકુમાર સેનગુપ્તા/એક માત્ર માને
ભગવાન પાસે આપણે શું માગીશું? માગીશું અહૈતુકી કૃપા. અને ભગવાન આપણી પાસેથી શું માગે છે? માગે છે અમલા અનિમિત્તા ભક્તિ, અકારણ પ્રેમ. જેવો હતો પ્રેમ પ્રહ્લાદનો. પ્રહ્લાદ, જે શાથી ભગવાનને પ્રેમ કરે છે તે પોતે જાણતો નથી. હાથીના પગ નીચે નાખ્યો ત્યારે પણ હરિ, પહાડના શિખર પરથી ફેંક્યો ત્યારે પણ હરિ. પછી ભગવાને પ્રહ્લાદને વરદાન આપવા ઇચ્છયું. પ્રહ્લાદે કહ્યું કે, હું તમને ચાહું છું, તે શું બદલામાં કશું પામવા માટે? સંસારમાં આ પ્રમાણે પ્રયોજન વગર આપણે કોઈને ચાહીએ છીએ? એક માત્રા માને. સંતાન જ્યારે માને ચાહે છે ત્યારે પૂછતું નથી કે, મા, તું શું રૂપસી છે, કે વિદુશી છે! તે મા છે એ જ તેનું ઐશ્વર્ય. સદાની ભિખારણ મા — તેને છોડીને તેનું શિશુ લંબાવેલા હાથવાળી રાણીને ખોળે પણ જતું નથી. મા જ્યારે સંતાનને મારે છે ત્યારે પણ સંતાન તો માને જકડી રાખે છે, ત્યારે પણ મા-મા કહીને જ રડે છે. કારણ કે તે જાણે છે કે જે નયનોને તેમણે છલકાવ્યાં છે, તે જ નયનોને તેમણે સ્નેહ-ચુંબનથી ભરી પણ દીધાં છે.
(અનુ. મોહનદાસ પટેલ)
[‘પરમાપ્રકૃતિ શ્રી શ્રી સારદામણિ’ પુસ્તક : ૧૯૯૮]