સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/અચ્યુત યાજ્ઞિક/એવા દિવસ ક્યારે આવશે?

From Ekatra Wiki
Jump to navigation Jump to search

         “નૂરબાઈ કરીને એક મુસ્લિમ સન્નારી પણ નવરાત્રિમાં ગરબામાં અગ્રભાગે આવતાં. વૈષ્ણવ બાઈઓના ટોળામાં એ મુસ્લિમ બાઈ રાધાકૃષ્ણના અને માતાના ગરબા બહુ મીઠાશથી ગાતાં. હિન્દુ-મુસ્લિમ બન્ને જુદીજુદી જાતો છે અને બન્નેની સંસ્કૃતિ વિભિન્ન છે, એટલું નહીં જ પરંતુ એ જુદાઈ અને સંસ્કાર-વિભિન્નતા એટલાં ભારે છે કે બન્નેનો મેળ ખાય એમ જ નથી, એમ જ્યારે આગ્રહપૂર્વક કહેવામાં આવે છે, ત્યારે અનેક હિંદુઓનાં હૃદયને સંગીત દ્વારા હલાવતી દૂધ વેચનારી એ મુસ્લિમ નૂરબાઈની સ્મૃતિ જાગ્રત થાય છે. અને એ ગરબા સાંભળવા એકલા હિંદુઓ જ આવતા? નહીં. મુસ્લિમો પણ હિંદુઓના ભેગા જ ગરબાઓ સાંભળવા રખડતા. ઈદની સવારીમાં હિંદુ મહારાજા હાથીને હોદ્દે ચઢે છે ત્યારે અને તાબૂતમાં સરકારી તાજિયા માટે અગ્રસ્થાન મેળવાય છે ત્યારે મુસ્લિમ જનતા સાથેની એકતા અહીંનું રાજ્ય અનુભવે છે-પ્રજા પણ.” રમણલાલ દેસાઈના આ વક્તવ્ય પછી માત્ર સાડા છ દાયકામાં આજે કેવળ વડોદરાની જ નહીં, સમગ્ર ગુજરાતની સંસ્કારિતાના પાયા હચમચી ગયા છે. નાગરિક સમાજની અગ્નિપરીક્ષા થઈ રહી છે. ગુજરાતમાં એવા દિવસો ક્યારે આવશે, જ્યારે દૂધવાળી નૂરબાઈ ફરી ગરબાની રમઝટ બોલાવતી હશે અને તાજિયામાં ગણેશજી અને હનુમાનજીનાં નામ સાથે જોડાયેલા અખાડાઓ રમઝટ બોલાવતા હશે? [‘દિવ્ય ભાસ્કર’ દૈનિક : ૨૦૦૬]